અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોરસિંહ સોલંકી/ખેતર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ખેતર|કિશોરસિંહ સોલંકી}} <poem> મને ઊભો શેઢે પરિચિત બધાં ખેતર જ...")
(No difference)

Revision as of 07:25, 20 July 2021


ખેતર

કિશોરસિંહ સોલંકી

મને ઊભો શેઢે પરિચિત બધાં ખેતર જુએ
ઘણાં વર્ષે આજે.
વહે ક્યારે ક્યારે કૂપ જ લઈને નીક હળવે,
પણે ખૂણે કોઈ ગુસપુસ કરે, સાંભળું : `અલ્યા
હવે શેનો બોલે? ભણતર ભણી સા'બ થઈ ગ્યો.'

રહું મૂગો;
જોઉં :
લચેલાં ડૂંડાં તો હલચલ કરે કાબર તણી
અહીં બેસી ચાંચે, પવન ઊડતો ગોફણ મહીં
ભરી પંખીટોળાં, ડગલું ભરતો આગળ વધું;
તહીં બોલ્યો શેઢો : `તવ ચરણનાં આ જ પગલાં
હજી મારા હૈયે હળવું હળવું ગીત લવતાં.'
વળ્યો પાછો ત્યાં તો
રૂંવે રૂંવે લ્હેર્યું તૃણ તૃણ લઈ ખેતર અને
વળી ટૌક્યાં પંખી નસ નસ મહીં કાળ ચણતાં.