અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/‘ઓહ! અમેરિકા...!’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘ઓહ! અમેરિકા...!’|મણિલાલ હ. પટેલ}} <poem> {{Center|'''(ઝૂલણા)'''}} કેટલાં જોજ...")
(No difference)

Revision as of 09:36, 20 July 2021


‘ઓહ! અમેરિકા...!’

મણિલાલ હ. પટેલ

(ઝૂલણા)


કેટલાં જોજનો કાપતો માપતો
કેમ આવ્યો અહીં? હું મને પૂછતો
જાતને ગોઠવી ના શકું...
વિસ્મયો છે અહીં કેટલાં?! પાર ના...
પારકા દેશમાં પારકાં લોક છે
ઓળખે કોઈ નહિ કોઈ પણ યાર ના...
ઝાડવાં છે ઘણાં ને ઘટાદાર પણ
તે છતાં છાંયડે બેસતાં લોક ના
પંખીઓ ગાય પણ સાંભળે કોઈ ના
કારને કાચ છે — બન્ધ છે
પીળચટી લાલ ને લીલી બસ લાઇટો દેખતાં
જાતના મોહમાં લોક શાં અન્ધ છે?!
પુષ્પ છે કેટલાં કેટલાં રંગનાં
તે છતાં કેમ કશી ગન્ધ ના?

સેતુ પર સેતુઓ
બોગદાં ભોંયરાં ઝૂલતા પુલ છે
ને સડક જાગતી ભાગતી રહે સતત
ર્હે દિવસ દોડતા,
રાતની આંખમાં જંપના
કોઈમાં સ્પંદ દેખાય ના
ને ધરામાં ય જરી કંપ ના
સાત સાત સાગરો પારના
ને નવે ખંડમાં જે વસ્યા દેશના
લોક રંગરંગના આવતા ને જતા
તોય કો’ ભાવથી ભેટતા કેમ ના?
એકલા એકલા યંત્રવત્ જીવતા
રોજની જિન્દગી રોજ ર્હે સીવતા
ઘર ખરીદે પછી કાર ન્યૂ લાવતા...
સહજતા લાગણી ક્યાંયના
ઝૂરવાનું નથી જાણતાં બાપડાં લોક આ
ગોઠવેલું નર્યું જીવતાં
જીવવું આ રીતે છો મને ના ગમે —
તે છતાં શ્હેરનાં શ્હેર જોવા ફરું!
આ જગાનો કહો કેટલો જાદુ છે?!
રૂપ છે એટલું નૂર નહિ
પૂતળાં શાં ઘડ્યાં લોક અહીં
બોલતાં તેય પણ પૂતળાં જેમ એ
ન કશો ભાવ છે ના કશી ભાવના
હાય હેલો કરે
તે છતાં આંખમાં ભેજ ના
સ્મિત પા ઇંચનું જો કરે, બાપ રે! બહુ થયું!!
બાળકો ‘હગી’ કરે
ને રહ્યાં જે બધાં સોળનાં વીસ બાવીસનાં
જ્યાં મળે કિસ કરે બે ઘડી, ને પછી મિસ કરે...
ને વળી જો ગમે અન્ય તો
પ્રેમને ‘બાય’ કરે, ‘કામ’-ને કાયમી ચાહતાં
પ્રીતની જાદુને ના કદી જાણતાં...
નોકરી ને હવામાન સ્ત્રી
આજ આ છે વળી, હોય કાલે જુદાં!
‘જિન્દગી એટલે ખેલ બસ આટલો?’
એમ પૂછો તમેઃ અર્થ એનો નથી કૈં થતો!

ભીતરી ભોંયમાં ખાલીપો છે નર્યો
તેય ના જાણતાં છાકટાં લોક આ
પ્યાલીના પ્રેમમાં છે બધું એમ ગણી માણતાં...
તત્ત્વ એ સત્ત્વ તો જોજનો દૂર છે તે છતાં —
‘કૅલરી’ ગણી ગણી ખાય છે ‘ફૂડ’ ને ‘ફીટ’નો
દાખલો
‘બ્રા અને બ્રેડ’-નો મામલો જિન્દગી
એટલું ખાસ સમજાય છે એમને...
એકલાં એકલું જીવતાં સૌ સ્વજન દૂર છે ને જુદાં...
માંદગી કે મજા? ફોનથી જાણતાં
‘વેઠવામાં ખરું સુખ છે સાથમાં
આંખમાં આંસુનું મૂલ્ય છે —’
એમની જાણમાં આ મજા છે? — નથી?!
ને મને શૂળ ભોંકાય છે રોજ આ જાણીને —
‘હોવું એ કેટલી યંત્રણા હોય છે?!’
એ બધું કોકને ક્યાંક સમજાય છે...
સ્ટ્રીટ ને એવન્યૂ જોઉં છું — એકનું એક જાણે બધું!

પૃથિવીની ઉત્પત્તિથી લઈ
ગ્રીસનાં – રોમનાં, ગૌરવો પૂર્વનાં!
માનવી સંસ્કૃતિનો બધો કારમો કાળવો પાછલો
વારસો જ્યાં ભર્યો મ્યુઝિયમે
હું મને રોજ ત્યાં ખોઉં છું
આંખ ભીની કરું – રોઉં છું...
પર્વતો સાગરો બીચ સોહામણા વૃક્ષના બાગ છે
‘સ્રોવરો’ — ‘રીવરો’ માણવા જોગ છે —
ધોધ રળિયામણા, દેવળો દા’મણાં!
તે છતાં કેટલી દે’શતો યુદ્ધઆતંકની!
ટાવરો તૂટતા દેશ કંપી જતો, પૂછતો —
‘સિદ્ધિનો અર્થ શો આટલો (જ) હોય છે?’
ઉત્તર વિણ અધર ધ્રૂજતા! તોય જો —
ચન્દ્ર પર યાન લૈ માનવો જાય છે
ને અહીં માણસો કાર-થી નીકળી —
ભીંતમાં એકલા રોજ પુરાય છે...

આમ તો સાથમાં રહે બધા પાસ પાસે યથા —
મોલમાં માલસામાનના સાથરાપાથરા શા પડ્યા!
છે બધી બ્રાન્ડની બ્રાન્ડન્યૂ વસ્તુઓ
‘દોડતાં આવતાં ને ઘણું લૈ જતાં
ને છતાં માલ ના ખૂટતો મૉલમાં —
આંખ થાકી જતી મન નથી નોંધતું!
કોઈને કોઈ ના ઓળખે જેમ આ વસ્તુઓ
કેટલું સોહતી ના કશું બોલતી!
‘આઇ નો’, ‘થૅંક યૂ’, ‘હેવ એ નાઇસ ડે... યૂ ટુ ઉ...’
આટલી વારતા થાય છે રોજની મોજની!?

— તો જમાદારપણું આટલું કેમ છે?
‘માનવી કેન્દ્રમાં છે’ કહી —
રૉફ રુઆબમાં રાચતા રાજના માલિકો?
શસ્ત્ર સોદાગરો ફાવતા — યુદ્ધને વેચતાં
ને શાંતિના દૂત થૈ ભાષણો ઝાડતા
‘લોકશાહી’ કહો ઠીક છે —
કારસા રાત દિન થાય છે. ભોગ લેવાય છે!
તે છતાં દાખલો આપતી દુનિયા, કેમ કે —
ભોગવિલાસ ને રૂપિયા જોઈએ લોભિયાં લોકને?

આભને આંબતા ટાવરો ટાવરો છે હજી
સૂર્ય છો આથમે રોશની રેશમી કૈં બધે ઝળહળે!
હડસન તટ પરે મેનહટ્ટન સામને
ભવ્ય મૂર્તિ ઊભી મુક્તિની માતની...
શાંત છે — પેસિફિક!
લૉસ એન્જેલસે ફિલ્મમાં નટનટી
મોહના મોહમાં રાચતાં નાચતાં
અવનવી ફૅશનો આચરે
યંગ જનરેશનો એમને અનુસરે
છાકટાં થૈ ફરે જાતને વિસરે...
લાસવેગાસમાં આધુનિક કૌરવો પાંડવો
દ્યૂતના શોખીનો લાલસા-લસ્ટમાં લાપતા
ડિઝનીલૅન્ડમાં છે અજાયબ બધું
નવ રસો છે નર્યા!
ચીનજાપાનની ફુદીઓ ઊડતી બૂડતી
વૉશિંગ્ટન ડીસીમાં આંસુ ને અચરજો ખૂબ છે
સૈનિકો યુદ્ધમાં જે મર્યા, એમની યાદમાં
છે ઉદાસી ઘણી...
જીવતાં જે હણ્યાં યાતના કારમી એમની
લોકની આંખમાં વેદના છે હજી...
લૉંગવુડ રેડવુડ ફૉલ-ના રંગના વૈભવો,
વૈભવો વેલીના ક્રૂઝના વૈભવો છે ઘણા —
માણતા તોય એ એકલા, એકલા સૉરતા...??
દોડતા ભાગતા ને છતાં ઠેરના ઠેર છે
ના, નથી જીવવાનો કશો ભાર પણ એમને
નોકરી ને પછી ઘેરના ઘેર છે...
જિન્દગી ખાલીખમ ફોતરાં હોય તો શું કહો?!
શું કરો તો મળે માંહ્યલા તત્ત્વનો છાંયડો?
સાચને શોધતો સોચતો હું ફરું...

પૂર્વના દેશથી છેક હું પશ્ચિમે આવિયો
સત્ય હું ના નવું પામિયો, શું કહું?!
‘માનવી માત્રને ના કશે ના કશો જંપ છે
જ્યાં લગી શ્વાસ છે ત્યાં લગી સોસ છે...’
હું હવે ઝરમરું ફરફરું તો ઘણું
જાતમાં જૈ ઢળું — ભીતરે ખળભળું —
મૂળને ઘેર પાછો વળું...
તા. ૨૦-૨૧.૦૭.૨૦૧૩ (સર્જન) તા. ૦૨.૦૮.૨૦૧૩ (સંમાર્જન)
ક્લીવલૅન્ડ (ઓહાયો, U.S.A)