અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વ્હાલનું વૃક્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્હાલનું વૃક્ષ|મણિલાલ હ. પટેલ}} <poem> :::::::::::::વૃક્ષોને વ્હાલ કરવ...") |
(No difference)
|
Revision as of 09:46, 20 July 2021
વ્હાલનું વૃક્ષ
મણિલાલ હ. પટેલ
વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને
આવ્યો છું વનોમાં
જનોથી દૂર આ ઉપવનોમાં
વાતા અસલ પવનોમાં
હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
ને તડકાની કરકરી કામળી
પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
આ હેરતાં ઘેરતાં તરુવરો
ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
ડાળેડાળની મદીર છટાઓ મને
કૂંપળમાંથી કળી બનાવી દે છે
અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં
પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
કણકણમાં મળી જવાનું
ભળી જવાનું ભોંયમાં — ને
પુનઃ વૃક્ષ બની જવાનું —
વ્હાલનું વૃક્ષ!