અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/પતંગિયા પાછળ દોડતો છોકરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પતંગિયા પાછળ દોડતો છોકરો|કમલ વોરા}} <poem> પતંગિયા પાછળ દોડતો...")
(No difference)

Revision as of 11:15, 20 July 2021


પતંગિયા પાછળ દોડતો છોકરો

કમલ વોરા

પતંગિયા પાછળ દોડતો છોકરો
દોડતાં દોડતાં ઊડવા લાગ્યો
પવને
એને તેડી લીધો
ઝાડવાં મેદાન મકાન રસ્તા
નદી ઝરણાં ડુંગરા... આઘે આઘે વહેતાં ગયાં
આકાશ ઓરું ને ઓરું આવતું ગયું
છોકરાએ હાથ પસાર્યા... ઉગમણાં અજવાળાં ઊંચકાયાં
આથમણાં અંધારાં ઢોળાયાં
વીંઝ્યા... હેઠળ વનોનાં વન... રણ થયાં ફૂંકાયાં
રણ દરિયા... દરિયા સપાટાબંધ પાર
આરો ઓવારો નહિ
વીંટાળ્યા તો બથમાંથી સૂરજ સરી ગયો
મુઠ્ઠી ભીડી મુઠ્ઠીમાં ચાંદો
ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં
ઊડતો છોકરો
ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો
ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું
સરકવું લસરવું હળવા હળવા થતા જવું
ભીનીભીની વાંછટમાં ફરફર ફોરાં થવું
ઘડીકમાં આખું અંગ ધોળુંધફ્ફ
ઘડીકમાં કાળું રાતું ગુલાબી પીળું
ઝીણાં ટીપાંમાં બંધાવું-વેરાવું
વીજળીને રણઝણાવી આખેઆખું આકાશ ગજવવું
એકાદ સૂર્યકિરણને ઝાલી ઝૂલવું
ઝૂલતો છોકરો
ઝૂલતાં ઝૂલતાં મેઘધનુષ પર કૂદી ગયો
લસરી ગયો એક છેડેથી બીજે
બીજેથી પહેલે
સાતરંગી ધુમ્મસ ઓઢી જોઈ રહ્યો ઝરમર પૃથ્વી
જોઈ રહ્યો ઝબૂક ઝબૂક તારા
જોતાં જોતાં છોકરો ગબડી પડ્યો પવનની ખાઈઓમાં
ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવ્યો
ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊડતાં પતંગિયાં
ઊડતાં ઊડતાં...