ગુજરાતી બાળવાર્તા સંપદા/દીકરીને ઘેર જાવા દે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 03:51, 8 November 2025


દીકરીને ઘેર જાવા દે

ગિજુભાઈ બધેકા

એક હતી ડોશી. તે પોતાની દીકરીને ત્યાં જવા નીકળી. જતાં જતાં રસ્તામાં તેને એક વાઘ મળ્યો. વાઘ કહે : ‘ડોશી ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે :

‘દીકરીને ઘેર જાવા દે,
તાજી માજી થાવા દે,
પછી મને ખાજે.’

વાઘ કહે : ‘ઠીક.’ પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે : ‘ડોશી ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે :

‘દીકરીને ઘેર જાવા દે,
તાજી માજી થાવા દે,
પછી મને ખાજે.’

પછી વળી આગળ ચાલતાં ડોશીને સાપ, વરુ, વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ ઉપર પ્રમાણે જવાબ આપ્યો. ડોશી તો તેની દીકરીને ત્યાં ગઈ. દીકરી રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે પિવરાવે પણ ડોશી સારી થાય નહિ, પછી એક દિવસે ડોશીને તેની દીકરીએ પૂછ્યું : ‘માડી ! ખાંતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો ?’ ડોશી કહે : ‘દીકરી, બાપુ ! હું તો પાછી ઘેર જઈશ ને, ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કે, ‘હું મારી દીકરીને ત્યાં જઈને પાછી આવું પછી મને ખાજો.’ દીકરી કહે : ‘અરે માડી ! એમાં તે બીઓ છો શું ? આપણે ત્યાં એક ભંભોટિયો છે તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડવતાં દોડવતાં લઈ જજો.’ ડોશી માટે તો એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો. રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈને વાઘ કહે : ‘ભંભોટિયા, ભંભોટિયા ! ક્યાંય ડોશી દીઠાં ?’ ભંભોટિયો કહે :

‘કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.’

વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો : ‘માળું, આ શું ? આ ભંભોટિયામાં તે શું હશે ?’ વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, સાપ વગેરે બીજાં જનાવર મળ્યાં અને ઉપર પ્રમાણે ભંભોટિયાને સૌએ પૂછ્યું, પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો. આથી સૌ ભંભોટિયા પાછળ ચાલ્યાં. છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો. ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે : ‘ડોશી ! તને અમે ખાઈએ. ડોશી ! તને અમે ખાઈએ.’ ડોશી કહે : ‘હા ચાલો; મને ખાઓ. પણ મને જરા પવન છોડવાનો વિચાર થયો છે, માટે હું પવન છોડી લઉં પછી મને ખાજો.’ બધાં જનાવરો કહે : ‘સારું.’ પછી ડોશી એક રાખના ઢગલા ઉપર બેઠાં. ડોશી નાસી ન જાય માટે બધાં જનાવરો તેની આસપાસ વીંટાઈને બેઠાં. ત્યાં તો ડોશીએ એવો તો પવન છોડ્યો કે સૌની આંખમાં રાખ ઊડી અને સૌ આંખો ચોળવા લાગ્યાં. એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને બારણાં બંધ કરી દીધાં. પછી જનાવરો બધાં નિરાશ થઈને પાછાં ચાલ્યાં ગયાં.