ગુજરાતી બાળવાર્તા સંપદા/મારો ભેરુ કોણ?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
(+૧)
 
Line 106: Line 106:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કીકીની દાબડી
|previous = મટકી અને બટકી
|next = શીખેલી વિદ્યા કામ આવે
|next = શીખેલી વિદ્યા કામ આવે
}}
}}

Latest revision as of 16:31, 10 November 2025

મારો ભેરુ કોણ?

નટવર પટેલ

ઉંદરનું એક બચ્ચું. નામ એનું ચમ્મૂ. હતું તો ખૂબ નાનું, પણ ભારે તોફાની. ઘરમાં મમ્મીનેય પજવે. મમ્મી ચમ્મૂથી કંટાળી જાય. કહે : ‘જા, બહાર રમ.’ ચમ્મૂ તો ઘરની બહાર નીકળ્યું. દૂર વડના છાંયે કેટલાય ભાઈબંધો રમતા હતા. ચમ્મૂ હરખભેર ત્યાં આવીને કહે : ‘શું રમો છો?’ ‘અડવા દા.’ ‘મનેય રમાડો ને?’ સૌ ભાઈબંધો ચૂપ થઈ ગયા. ‘કેમ કંઈ બોલ્યા નહિ?’ એ ટુકડીનો બગ્ગુ આગેવાન. બગ્ગુ કહે તેમ સૌ કરે. બગ્ગુ આગળ આવી બોલ્યો : ‘ચમ્મૂ, તને રમાડવાનો વાંધો નથી. પણ...’ ‘પણ શું?’ ચમ્મૂએ અધીરાઈથી પૂછ્યું. ‘તું રમતમાં અંચઈ બહુ કરે છે.’ ‘એવું કોણ કહે છે?’ ચમ્મૂભૈ તો થઈ ગયા ગુસ્સે. ‘અમે બધા. કેમ દોસ્તો?’ ‘હા, બગ્ગુ,’ સૌએ હાજીમાં હા પુરાવી. ‘હવેથી હું એવું નહિ કરું બસ? હવે તો રમાડશો ને?’ ચમ્મૂનો અવાજ ઢીલોઢફ! ‘તોય તું પાછો અંચઈ કરે જ છે.’ ‘પણ હવે ન કરું તો?’ ‘તો પછી એમ કર, તું તારો ભેરુ ગોતી લાવ.’ બગ્ગુએ શરત જણાવી. ‘હું આમાંથી જ કોઈને મારો ભેરુ બનાવી લઉં તો?’ ‘પૂછી જો. બગ્ગુએ હસીને કહ્યું. ચમ્મૂએ વારાફરતી બધાને પૂછી જોયું. ‘તું મારો ભેરુ બનને?’ પણ દરેક જણ કહે : ‘મારો ભેરુ તો મેં ગોતી લીધો છે.’ ચમ્મૂ તો ભેરુ વગર એકલો પડી ગયો. વાત એવી હતી કે ચમ્મૂ હકીકતમાં તોફાની હતો. એકલો તોફાની હોત તો સારું પણ તે અંચઈ પણ કરતો. તેથી કોઈ તેને રમાડવા રાજી ન હતું. તેથી બધાંએ ભેગા મળી યુક્તિ રચી હતી. કોઈએ ચમ્મૂના ભેરુ ન બનવું. ‘બગ્ગુ, હું મારો ભેરુ ગોતી લાવું તો પછી મને રમાડશો ને?’ ‘હાસ્તો વળી, કેમ નહિ?’ ને ચમ્મૂભૈ તો ઊપડ્યા ભેરુની શોધમાં. લીમડાના ઝાડ પાસે એક ખિસકોલીબહેન મગફળી ફોલીને દાણા ખાતાં હતાં. ‘નમસ્તે, ખલીબહેન.’ ‘ચમ્મૂ! જો, મને ખલીબહેન નહીં કહેવાનું. ખિસકોલીબહેન કહેવાનું.’ ચમ્મૂને થયું : ‘આવડી નાની ખલીને ખિસકોલીબહન કહેવાનું? ઊંહું, ચાલો આગળ.’ ખિસકોલી તો બકતી જ રહી, ને ચમ્મૂ તો નીકળી ગયો આગળ. આગળ જતાં આવી એક બોરડી. તેની નીચે છન્નુ શિયાળ બેઠો બેઠો બોરાં ખાય. ‘છન્નુ યાર, તું મારો ભેરુ થા ને?’ ‘શેમાં ભેરુ? જમવામાં કે રમવામાં?’ ‘રમવામાં.’ ચમ્મૂએ ચોખવટ કરી. ‘જો ચમ્મૂ, મને રમવામાં નહિ પણ જમવામાં રસ છે. ક્યાંય રસપૂરીનું ભોજન હોય તો કહેજે. કોઈને પૂછવાય ઊભો નહીં રહું.’ ચમ્મૂ તો વધારે લપછપ કર્યા વગર જ પડ્યો પોતાને રસ્તે. આગળ આવ્યું ખેતર. ખેતરમાં ચાડિયાભાઈ હવામાં ફરક-ફરક થાય. ‘ચાડિયાભૈ, નમસ્તે,’ ચમ્મૂએ હાથ જોડી કહ્યું. ચાડિયાભાઈએ ચમ્મૂ સામે જોયું. ચમ્મૂનો વિવેક જોઈ ચાડિયાભાઈ તો થઈ ગયા ખુશખુશ. મૂછમાં હસતાં કહે : ‘ચમ્મૂ, શું કામ પડ્યું, ભાઈ?’ ‘ચાડિયાભૈ, તમે મારા ભેરુ થશો?’ ‘મને તારો ભેરુ જ ગણને, ભાઈ.’ ‘તો પછી ચાલો રમવા.’ ‘રમવા? પણ...’ ચાડિયાભાઈ ખચકાયા. ‘ચાડિયાભૈ, મને ભેરુ વગર મારા દોસ્તારો રમાડતા જ નથી.’ ‘જો ચમ્મૂ, હું તારો ભેરુ ખરો પણ આમ ખેતર છોડીને મારાથી તારી જોડે રમવા ન અવાય. સૉરી, દોસ્ત...’ ચમ્મૂને હવે આગળ ગયા વગર છૂટકો જ ન હતો. આગળ જતાં આવ્યું ઝરણું. કલકલ વહેતું નિર્મલ નીરવાળું ઝરણું. ચમ્મૂને થયું : ‘ઝરણાને પૂછી જોઉં? પણ એય ના પાડી દેશે તો?’ ‘ચમ્મૂ, શા વિચારમાં પડી ગયો?’ ‘ઝરણાભાઈ, કહું કે ન કહું?’ ‘કહોને? કહેશો તો કાંક રસ્તો નીકળશે. બોલો.’ ‘ઝરણાભાઈ, તમે મારા ભેરુ થશો ને?’ ચમ્મૂનો સવાલ સાંભળી ઝરણું તો થંભી ગયું. કલકલ અવાજ બંધ, પાણી વહેતું બંધ! ચમ્મૂ તો ઝરણાને સ્ટેચ્યૂ થઈ ગયેલું જોઈ ગભરાઈ ગયો. ‘ઝરણાભાઈ, તમને શું થયું?’ ‘ચમ્મૂ, જો હું તારો ભેરુ થાઉં ને રમવા આવું તો મારે સ્ટેચ્યૂ થઈ જવું પડે. બોલ, હું તારો ભેરુ થાઉં?’ ‘ઝરણાભૈ, તમારી આવી દશા કરીને ભેરુ ન બનાવાય. હું આગળ જઈશ.’ ચમ્મૂ ગયો આગળ ને ફરી ઝરણું વહેવા લાગ્યું – કલ... કલ... કલ... આમ ને આમ રાત પડી ગઈ. ચમ્મૂ તો થાકી ગયો. તે એક ઓટલા પર બેસી ગયો. ‘હાશ,’ કહી ઊંચે જોયું. પૂનમની રાત હતી. આકાશની થાળીમાં ચાંદામામા સુંદર મજાના ખીલ્યા હતા. ચમ્મૂને થયું : ‘આ ચાંદામામા એકલા છે. લાવ એમને પૂછી જોવા દે.’ ચમ્મૂએ મોટેથી બૂમ પાડી : ‘ચાંદામામા! ઓ ચાંદામામા!’ ચાંદામામાએ નીચે જોયું. ચમ્મૂએ મામા સામે હાથ હલાવ્યો : ‘કેમ છો મામા?’ ‘બોલ ચમ્મૂભાણા, શું છે?’ ‘મામા, તમે તો એકલા જ છો ને?’ ‘હા ચમ્મૂ, કંઈ કામ છે?’ ‘મામા, રમતમાં તમે મારા ભેરુ થશો?’ આ સાંભળી મામા હસ્યા. ચમ્મૂ ખસિયાણો પડી ગયો. બોલ્યો : ‘કેમ હસ્યા મામા?’ ‘જો ચમ્મૂ, હું તારો ભેરુ થાઉં, પણ એ માટે નીચે આવવું પડે, ને નીચે આવું તો પછી રાત્રે ચાંદની આપે કોણ?’ ચમ્મૂભાઈ તો થઈ ગયા ચૂપ. બોલે તોય શું બોલે? ‘ને ચમ્મૂ, મારે તો ભેરુ છે.’ મામા બોલ્યા. ‘કોણ?’ ચમ્મૂએ પૂછ્યું. ‘સૂરજ.’ ‘સૂરજ? પણ એ તો દિવસે આવે છે, ને તમે રાત્રે. તમે બેઉ કદી ભેગા તો થતા નથી! તો પછી તમે બંને ભેરુ કઈ રીતે?’ ચાંદામામા ફરી હસ્યા. કહે : ‘જો ચમ્મૂ, અમે બંને ભેરુ તો ખરા પણ અમે નક્કી કર્યું છે કે સૂરજ દિવસે આવે ને હું રાતે. જો અમે બંને સાથે નીકળીએ તો પછી પૃથ્વીલોકના જીવોનું શું થાય?’ ચમ્મૂ તો સાવ નિરાશ થઈ ગયો. તેને થયું : હવે આગળ જવું જ નથી. લાવ, ઘરે જઈને સૂઈ જવા દે. ચમ્મૂ તો આવ્યો ઘેર. ચૂપચાપ પડ્યો પથારીમાં ને સૂઈ ગયો. ઊંઘમાં ચમ્મૂને સપનું આવ્યું સપનામાં ચાડિયો, ખલીબહેન, ઝરણું, છન્નુ, ચાંદામામા વગેરે આવ્યાં. સૌ એક જ વાત કહેતા હતાં : ‘ચમ્મૂ, હું તારો ભેરુ કેમ ન થયો... સાચું કહું? તું રમતમાં અંચઈ કરે છે ને એટલે.’ ચમ્મૂને હવે પોતાની ભૂલ સમજાઈ. તે તો રડવા જેવો થઈ ગયો. તે હાથ જોડીને કરગરતાં બોલ્યો : ‘મને માફ કરી દો. હવેથી હું કદી અંચઈ નહીં કરું. રમતમાં કોઈને નહીં છેતરું.’ એટલે ઝરણું કહે : ‘તો તો હું તારો ભેરુ થઈશ.’ ‘હું પણ ભેરુ થવા તૈયાર છું.’ ચાંદામામા બોલ્યા. બધાં જ ચમ્મૂના ભેરુ થવા તૈયાર થયાં. સવાર પડી. ચમ્મૂ ઊઠ્યો. વડના ઝાડ નીચે ગયો. ત્યાં ભાઈબંધો રમતા હતા. ચમ્મૂ કહે : ‘મને રમાડો ને?’ ‘તું તો ભેરુ ગોતી લાવ્યો?’ બગ્ગુએ પૂછ્યું. ‘હા, બગ્ગુ.’ ‘કોણ છે તારો ભેરુ?’ ત્યાં ચાડિયો આવી પહોંચ્યો ને કહે : ‘હું છું ચમ્મૂનો ભેરુ.’ બગ્ગુની ટોળી નવાઈ પામી. એટલામાં તો છન્નુ શિયાળ પણ આવી પહોંચ્યો. તેની પાછળ ખલીબહેન પણ આવ્યાં. ઝરણું પણ દોડતું આવ્યું. ચાંદામામા ધરતી પર ઊતરી આવ્યા. ચમ્મૂના આટલા બધા ભેરુઓ આવેલા જોઈને બગ્ગુની ટોળી નવાઈ પામી જોતી જ રહી ગઈ. એમના મગજમાં હજી આ વાત ઊતરતી ન હતી. આટલા બધા ભેરુઓ? અને આવા મોટા ભેરુ? ચાંદામામા કહે : ‘બગ્ગુ, ચમ્મૂને હવે તમે રમાડજો. એ હવે પહેલાંની જેમ અંચઈ નહિ કરે. કેમ, ચમ્મૂ?’ ‘હા બગ્ગુ,’ ચમ્મૂએ નમ્રભાવે કહ્યું. આ સાંભળી સૌ ભાઈબંધો ખુશખુશ થઈ ગયા. તેમણે ચમ્મૂને બાથમાં લઈ લીધો. ચમ્મૂને મનમાં થયું જે રમતમાં અંચઈ નથી કરતા તેમને કેટલા બધા ભાઈબંધો મળે છે! ને ચાંદામામા, ચાડિયો, છન્નુ વગેરે ગયા. અહીં ચમ્મૂ સૌ ભેરુઓ હારે રમવા લાગ્યો.

રમતાં રમતાં રમીએ ભૈ,
અંચઈ જરીયે ન કરીએ ભૈ!

- (‘રસોડાની રાણી’માંથી)