અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મંગલમ્/દમિયલ લોકલ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દમિયલ લોકલ|હરીશ મંગલમ્}} <poem> વર્ષો થ્યૉ મારું ગૉમ છોડ્યા ’લ...") |
(No difference)
|
Revision as of 05:33, 21 July 2021
હરીશ મંગલમ્
વર્ષો થ્યૉ
મારું ગૉમ છોડ્યા ’લ્યા, કૉનિયા!
ઑના કરતૉ તો ભલું મારું કુંડ
ને, ભલો મારો નખલો.
મનં ન’તો આ શ્હૅરનો વિશ્વાસ
નથી ફડાક દૈ કઈ દીધું’તું મારા બાપ ખેમાને :
‘પરાંણે હું કૉમ ધકલૉ સૉ?’
‘પણ, નૅનર! હું ખાહૉ માહૉ ખાહરૉ?’
— જેવું વળતું હણહણતું તીર ભોંકાયું’તું મારા કૉને
તેથી જ
ઘેંશનો ડૂવો અનં બાજરાનો રોટલો છોડી
આયો’તો આંય અમદા’દમૉ, રૉળ કમાવા!
અનં જોતરાઈ જ્યો’તો મિલના હૉચામૉ
પછં, રાક્ષસી હૉચાની સ્પીડ વધતી જ ગઈ
વધતી જ ગઈ...
તાર તૂટતા ગયા
તૂટતા જ ગયા...
એકડીબગડી-તગડીચોગડી, છગડી ને,
બાકી રૈ જતું’તું તે ઇંમ ઉમેરાઈ આઠડી!
અવ પગ જ્યા પાટણ,
હાથ જ્યા હાથીજણ;
— નં બંધઈ જઈ મારી ઠાઠડી...
ત્યાં એકાએક બંધ ભૂંગળાંનું બિહામણું મૌન
ને રૂના ફોદા ચોંટી જ્યા કફની જેમ — છાતીના પાટિયામાં...
આ શ્હૅરના કૉન બ્હેર મારી જ્યા છ
કોઈ હોંભળ ઇંમ નથી.
જે લોકલમાંથી ઊતર્યો હતો
એ લોકલના પ્લૅટફૉર્મ પર
સ્મરણો વીંટળી વળ્યાં, ખામોશ...
એમાં નજરે ચડ્યા શેઠિયા
ગાંધીજીના તૈંણ વાંદરામાં :
પહેલો શેઠિયો : જૂઠું બોલી — શોષણ કરી છેતર્યાં છે તમને.
“મિલનાં ભૂંગળાં કેમ બંધ?” એવું પૂછશો નહિ.
મને, મહાજનને ખબર છે. (તેથી જ સ્તો મારા મોં
ઉપર મેં મૂકી દીધો છે પોલિસ્ટરનો તાકો!)
બીજો શેઠિયો : તમારી ચીંથરેહાલ ભડભડ સળગતી કાયાને મારે
નથી જોવી. એ તો મેં જ પેટ્રોલ છાંટી,
દીવાસળી... (તેથી જ સ્તો, હાંચાનાં ચક્રો ચડાવી
દીધાં છે મેં મારી આંખો આડે!)
ત્રીજો શેઠિયો : તમારી ચીસાચીસ — “બંધ મિલો ચાલુ કરો”
“શાંતિમાં નથી ક્રાંતિ” — આ બધું મારે નથી
સાંભળવું. (લ્યો, તેથી જ સ્તો, મારા કાનમાં ખોસી
દીધાં છે બંધ મિલોનાં ભૂંગળાં!)
ત્યાં તો—
લોકલના સમયના સથવારે તીણી ચીસ
ને, કૉનિયો બબડી ઊઠ્યો :
“...ભલું મારું કુંડ
ને, ભલો મારો નખલો.”