સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/હું ક્યાં છું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ગામની પાસેના વગડામાં સીતાફળીની ડાળીડાળીએ આંખ ઉઘાડી ઝૂલે સીતાફ...")
 
(No difference)

Latest revision as of 12:54, 29 May 2021

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય—
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા ક્યાં છે?
રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી—
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરતી બા ક્યાં છે?
પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ જેવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે—
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ—
બાલગોઠિયા મારા ક્યાં છે?
હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતું,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય—
અરે, પણ તે હું ક્યાં છું?
[‘નવનીત’ માસિક: ૧૯૭૮]