અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પંખી પદારથ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પંખી પદારથ|હરીશ મીનાશ્રુ}} <poem> હજાર પાન હજાર ફૂલ હજાર ફળ હજા...") |
(No difference)
|
Revision as of 06:44, 21 July 2021
હરીશ મીનાશ્રુ
હજાર પાન
હજાર ફૂલ હજાર ફળ
હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે
ને એની એકાદ હથેળીમાં હાજર છે
એક પંખી
એટલું બધું જીવંત
કે મૃતક જેટલું સ્થિર
પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો
યાયાવરીના અથવા યુયુત્સાના
પરંતુ ગુરુ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન
ધનુર્ધરનેઃ તને શું દેખાય છે, વત્સ?
વૃક્ષ? ડાળ? પાંદ? ફૂલ? ફળ? પંખી?
તંગ બનશે પ્રત્યંચા
એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક
સૌને ખબર છેઃ
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી
જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી
જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી
પરંતુ
કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે
જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ
એ જ બનશે બાણાવળી
જે સ્વયં હશે વિદ્ધ
તે જ કરશે સિદ્ધ
શરસંધાન
હજાર હજાર હાથવાળા વૃક્ષની
હજાર હજાર હથેળી પર
હજાર હજાર અભયમુદ્રા ધરીને
પંખી તો બસ હાજર છે
અણીને પળે