અનુભાવન/રાવજીની કવિતામાં કૃષિજીવનનાં કલ્પનો અને પ્રતીકો: Difference between revisions
No edit summary |
(+1) |
||
| Line 188: | Line 188: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લાભશંકરની કવિતાનું રચનાશિલ્પ | ||
|next = | |next = રાવજીનું કવિકર્મ | ||
}} | }} | ||
Revision as of 16:40, 26 November 2025
કવિતામાં રૂપાયિત થયેલી લાગણી તેના કવિના અંગત જીવન જોડે કેવો સંબંધ ધરાવે છે એ પ્રશ્ન, તેના આસ્વાદ અને અવબોધની દૃષ્ટિએ, આમ તો, ગૌણ અને લગભગ અપ્રસ્તુત બની રહેતો લાગશે. પણ કેટલાક કવિઓની રચનાઓ પ્રબળ રૂપમાં વૈયક્તિક અંશો પ્રગટ કરે છે. અને એવે પ્રસંગે જે તે કવિના અંગત લાગણીજગતનો વિચાર કેટલેક અંશે દ્યોતક નીવડી શકે, ઓછામાં ઓછું, રાવજી જેવા કવિની બાબતમાં આ વાત સાચી લાગશે. એ તો સહજ રીતે સમજાય એવી વાત છે : રાવજીની કવિતાના મૂળમાં તેના અંગત જીવનની કેટલીક તીવ્રતમ લાગણીઓ રહી છે. આપણા કાવ્યરસિકોને સ્મરણ પણ હશે કે રાવજી તરુણ વયે ક્ષયનો ભોગ બન્યો હતો. આ ઉંમરે સહજ જ તેના ચિત્તના ઊંડાણમાં પ્રણયઝંખનાની – રતિકામનાની – વૃત્તિ અંકુરિત થઈ રહી હોય અને, જીવનને પૂર્ણ રૂપે મ્હોરેલું જોવાની ઈપ્સા પણ ત્યારે સળવળી રહી હોય, એ પણ એટલું જ સ્વાભાવિક છે. પણ, આ રીતે, તેના ચિત્તમાં જીવન માટે જ્યાં પ્રબળ રાગવૃત્તિ બંધાઈ રહી હોય, અને શ્રદ્ધાનો જીવંત તંતુ પાંગરી રહ્યો હોય, ત્યારે જ મૃત્યુનો કારમો પડછાયો તેને ભીંસમાં લે, એ ઘટનામાં અસ્તિત્વની વિષમતાનું કરુણ તત્ત્વ છતું થઈ જાય છે. ઘડી બે ઘડી મૃત્યુની વંચના કરી રાવજી પોતાના પાર્થિવ જીવનને આસક્તિથી વળગવા જાય છે, ત્યાં અસ્તિત્વનું મિથ્યાપણું અને શૂન્યાવકાશ છતાં થઈ જાય છે. તેનું અંતર વિફલતા વિરતિ અને વિચ્છિન્નતાની લાગણીઓમાં ઘેરાઈ જાય છે. દેહની રુગ્ણતાએ તેના અસ્તિત્વના મર્મમાં રહેલા રતિકામનાના કોમળ તંતુને નિશ્ચેષ્ટ શો કરી મૂક્યો છે. પણ રહીને રુધિરમાં એનો થડકો તે સાંભળી લે છે. એકીસાથે જન્મ અને મૃત્યુની ગૂઢ સંવેદના તે અનુભવી રહે છે. અસ્તિત્વની જીવંતતાની પ્રતીતિ કરવા જતાં રતિકામનાનો સ્પંદ ધબકી જતો સંભળાય છે, તે સાથે પોતાની અંદર નિશ્ચેષ્ટ બનતાં અંગોની વ્યથા તે અનુભવે છે. રાવજીની કવિતા અસ્તિત્વના આવા કોઈ ગહનતમ સ્તરે જન્મતા સંવેગો અને સંઘર્ષોમાં મૂળ નાખીને વિસ્તરી છે. આવી વિષમ કરુણ અવસ્થામાં યે જોકે તે શબ્દમાં રોપાયો, એ વસ્તુ આપણે માટે એક મોટા આશ્વાસનની વાત ગણી શકાય. આપણને લાગે કે તેના અંતરની તીવ્રતમ લાગણીઓ જ જાણે કે ઘનીભૂત શબ્દરૂપે સાકાર થઈ છે. અંગત લાગણીઓનો આટલો સજીવ અને ઉત્કટ ધબકાર આપણા બહુ ઓછા કવિઓમાં સાંભળવા મળશે. પણ, સાથે એમ કહેવું જોઈએ કે, તેની રચનાઓ કેવળ લાગણીના ઉદ્ગાર હોત, તો તો કદાચ તેની કવિતાની આપણે ત્યાં જે પ્રતિષ્ઠા થઈ તે ન થઈ હોત. પણ કોઈક અનેરી કવિત્વશકિત રાવજીમાં જન્મી ચૂકી હતી. કાવ્યલેખનની પ્રવૃત્તિ આરંભ્યા પછી બહુ થોડા જ સમયમાં તે પ્રૌઢ અને વિદગ્ધ કાવ્યરીતિ સિદ્ધ કરી શક્યો છે. અને એટલું તો સ્પષ્ટ છે કે કવિતાની કળાના કોઈ વાદ કે વિભાવથી તે ખાસ દોરવાયો નથી. વધુમાં વધુ એમ બન્યું હોય, કે પોતાના સમકાલીન કવિઓની કાવ્યશૈલીના સંસ્કારો તેણે ગ્રહણ કર્યા હોય. મૂળ વાત એ છે કે કાવ્યની રચનામાં રાવજી સૌથી વિશેષ તો પોતાને જ અનુસર્યો છે. કાવ્યની રચના તેને માટે એક ઊંડી જરૂરિયાત બની ચૂકી હતી. ચિત્તના ઊંડા સંક્ષોભો અને સંઘર્ષો તેની સર્જકવૃત્તિને સંકોરી રહ્યા હતા. તેની કવિતામાં ઉત્તરોત્તર ભાષાની સંકુલતા અને સંદિગ્ધતા જે રીતે છતી થતી રહી છે, તે પરથી એમ પણ અંદાજ કાઢી શકાય કે, ઘણી રચનાઓ તેણે સર્જકતાના આવેશમાં લખી હશે. ‘સંબંધ (ક્ષયમાં આત્મદર્શન)’ જેવી રચના એની સ્પષ્ટ પ્રતીતિ કરાવશે. એ રચનામાં ભાષાનું ઘનીભવન આત્યંતિકતાએ પહોંચ્યું છે, અને કલ્પનો અને પ્રતીકોની પ્રચુરતા તરત ધ્યાન ખેંચે છે. આ કલ્પનો અને પ્રતીકો કૃતિનાં બીજાણુ (nuclei) સમાં લાગશે. તેના કવિચિત્તમાં જે કોઈ ઊર્મિ જન્મી તેને કલ્પનો/પ્રતીકોનાં અર્ધપ્રચ્છન્ન જાળાં સમેત ગ્રહણ કરવાનો તેણે પ્રયત્ન કર્યો છે. ગમે તે કહો, રાવજીની કવિતાના હાર્દમાં વિલક્ષણ કોટિનાં કલ્પનો અને પ્રતીકોની એક આગવી અડાબીડ સૃષ્ટિ પડી છે. રાવજીની કવિતાનું પોત અવલોકતાં તરત સ્પષ્ટ થશે કે, ધરતી સીમ માટી ધાન્ય કુટુંબ અને વતન જે તેના અસ્તિત્વનો સજીવ અંશ બની ચૂક્યાં છે, તે સર્વ તેના પરિવેશમાં ઓતપ્રોત થઈને અહીં કલ્પનો/પ્રતીકો બનીને પ્રવેશ્યાં છે. ‘પત્નીનો નિદ્રાસ્પર્શ’, ‘ખેતર વચ્ચે’, ‘અંધકાર’, ‘કવિશ્રી ચિનુ મોદી’, ‘રતિ ઋતુ’, ‘રમ્ય શાંતિ’, ‘વરસાદી રાતે’, ‘બાર કવિતાઓ’, ‘નવ જન્મમૃત્યુ કાવ્યો’, ‘મણિલાલ’, ‘રુગ્ણતા’ ‘દ્રોહસમય પછી’, ‘ક્યારેક’, ‘સંબંધ’, ‘ચણોઠી-રક્ત અને ગોકળગાય’ – જેવી અનેક કૃતિઓમાં સીમખેતીનો પરિવેશ તરત ધ્યાન ખેંચે છે. પણ એ સીમ ધરતી અને ધાન્ય જેવાં સત્ત્વો તેની કવિતામાં કેવળ બાહ્ય પ્રકૃતિ રૂપે આવતાં નથી. અસ્તિત્વની ગહનતર ઝંખનાઓ ઇચ્છાઓ અને વૃત્તિઓનું પ્રતીકાત્મક નિરૂપણ એ દ્વારા થયું છે. કૃષિજીવનના એ સર્વ પદાર્થો અહીં આગવી એવી કલ્પનોની ભાત ઉપસાવે છે; અને તેની કાવ્યસૃષ્ટિના હાર્દમાં આવી જે કેટલીક ચોક્કસ ભાતો પડી છે, તેને ઉકેલવાનો અહીં એક પ્રયત્ન છે. અહીં, અલબત્ત, એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે, રાવજીની કવિદૃષ્ટિમાં ઉપાસ્ય તો કાવ્ય સ્વયં છે, કલ્પન કે પ્રતીક નહિ. તાત્પર્ય કે, કલ્પન કે પ્રતીકની એને પોતાને ખાતર નહિ, કાવ્યને ખાતર તે ઉપાસના કરે છે. તેની અત્યંત સંવેદનપટુ ચેતના કાવ્યવસ્તુને મૂર્ત સજીવ પુદ્ગલ રૂપે ગ્રહણ કરવા મથે છે, અને એમાં તેની ઐન્દ્રિયિક સંપ્રજ્ઞતા વિશેષ કાર્યશીલ બની રહી છે. રાવજીમાં વારંવાર એકથી વધુ ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિ ધરાવતાં સંકુલ કલ્પનો મળે છે; અને ઇન્દ્રિયવ્યત્યયની પ્રક્રિયા પણ તેમાં એટલી જ વ્યાપક છે, તે પણ ધ્યાનાર્હ બાબત છે. અભિવ્યક્તિના સ્તરે આ જાતનાં સંકુલ કલ્પનો વારંવાર પરસ્પરમાં ગૂંથાતાં રહ્યાં છે, તેથી વ્યક્ત થતી લાગણીની અર્થચ્છાયાઓ પણ એટલી જ સૂક્ષ્મ સંકુલ અને છતાં તરલ બની છે. ભિન્નભિન્ન ઐન્દ્રિયિક બોધને અનુલક્ષીને આથી જેઓ એનું વિવેચન વિશ્લેષણ કરવા ચાહે છે, તેને ક્યાંક મૂંઝવણની ક્ષણો પણ આવે. અહીં દૃશ્યાત્મક કલ્પનો (visual images)ની અતિ વિપુલતા છે; તો શ્રુત્યાત્મક કલ્પનો (audible images) પણ ઘણા મોટા પ્રમાણમાં મળે છે. રસપ્રદ વાત એ છે કે, સામાન્ય રીતે અન્ય કવિઓમાં જે વિરલ જોવા મળે તેવાં ગંધનાં કલ્પનો (olfactory images), રસ્યતા (કે સ્વાદ)નાં કલ્પનો (gustatory images), અને સ્પર્શબોધનાં કલ્પનો (tactile images) પણ અહીં સારા પ્રમાણમાં મળે છે. એથી યે વિશેષ તો, ઉષ્ણતાબોધનું કલ્પન (thermal image), ગતિબોધનું કલ્પન (moving image), દૈહિક સંપ્રજ્ઞતાનું કલ્પન (organic image), શક્તિબોધનું કલ્પન (kinesthetic image) અને અવકાશવિસ્તૃતિબોધનું કલ્પન (expansive image) – એમ બીજાં વિભિન્ન કોટિનાં કલ્પનોય ફરી ફરીને જોવા મળે છે. એમાં કેટલાંક પુનરાવર્તિત થતાં કલ્પનો પ્રતીકની કોટિએ પહોંચ્યાં હોય, એમ પણ જોવા મળશે. આ કલ્પનો અને પ્રતીકોની ભાત રાવજીની કવિતાના ગહનતર લાગણીપ્રવાહોનો સંકેત કરે છે. એટલે, આ કલ્પનો/પ્રતીકોનું શક્ય તેટલું ઝીણવટભર્યું અવલોકન કૃતિનું હાર્દ ખુલ્લું કરવામાં ઉપકારક નીવડી શકે. આપણે જોઈશું કે તેની કેટલીક કૃતિઓમાં દેહની રુગ્ણતા હતાશા અને વંધ્યતાની લાગણી પ્રબળપણે આલેખાઈ છે. તો કેટલીક કૃતિઓમાં નારીસ્નેહની ઝંખના બળવત્તર બની જણાશે, અન્ય ક્યાંક સીમ વતન ધરતી અને ખેતી માટેનો પ્રબળ અનુરાગ વ્યક્ત થયો છે. તો અન્યત્ર વળી નગરસંસ્કૃતિ માટેનો તેનો રોષ અને ઘૃણા છતાં થઈ જાય છે. પણ કલ્પનો / પ્રતીકોની એ ભાત સહેજ નિકટતાથી તપાસતાં સમજાશે કે, આવી ભિન્ન ભિન્ન લાગણીઓના પ્રવાહો ઘણી રચનાઓમાં ઓછેવત્તે અંશે સંમિલિત થતા રહ્યા છે. એ રીતે રાવજીનું સંવેદન પહેલી નજરે દેખાય છે તેથી અનેક ગણું સંકુલ અને જટિલ નીવડતું જણાશે. આવા સંદર્ભોમાં વિભિન્ન લાગણીઓના overtones પકડવામાં કલ્પનો/ પ્રતીકોની વિવિધ આકૃતિઓ ઘણી દ્યોતક નીવડી શકે એમ છે. ‘તા.૧૫-૧૧-૬૩’, ‘૧૯૬૪-૬૫માં’, ‘હું જીવતો છું’, ‘નવ જન્મમૃત્યુ કાવ્યો’, ‘દ્રોહસમય પછી’, ‘ક્યારેક’, ‘સંબંધ’, અને ‘ચણોઠી રકત અને ગોકળગાય’ – જેવી રચનાઓમાં વળી પ્રકૃતિનાં અને નગરજીવનનાં એમ ભિન્ન અનુભવ ખંડનાં કલ્પનો/પ્રતીકોનું સંયોજન થયું છે. અલબત્ત, જુદી જુદી રચનાઓમાં જુદે જુદે સંદર્ભે આગવી અર્થચ્છાયાઓ એમાં વ્યક્ત થાય છે તો પણ એમાં કેટલાંક લાગણીજન્ય સાહચર્યો તો વળગેલાં રહ્યાં જ છે. કૃષિજીવનનાં આ કલ્પનો/પ્રતીકો, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, રાવજીના રુધિરમાંસમાં જાણે કે એકાકાર થઈ ચૂક્યાં છે. અહીં કોઈ ‘વિચાર’ રાવજી રજૂ કરવા માગતો નથી; ચિત્તની ગહનતમ ઝંખનાઓ એષણાઓ અને સંવેગોને જ તે મૂર્ત પ્રતીકોરૂપે પ્રત્યક્ષ કરી લે છે. એટલે આ કલ્પનો અને પ્રતીકોને યથાર્થ રૂપમાં ઓળખવા સાથે તેનો આદિમ સ્રોત પણ સહજ જ લક્ષમાં આવશે. હવે આપણે રાવજીની કવિતામાંથી કેટલીક પાયાની કલ્પનભાતો અને પ્રતીકગૂંથણી ઉકેલવા પ્રયત્ન કરીશું.
ખેતર વચ્ચે
તગતગ્યાં
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે!
રોમ પર એકાંત સરકે સીમનું.
હું શું કરું?
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું?
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊડું?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું?
રે શું કરું?
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક
પણ તે જાઉં ક્યાં?
મારા ભણી વાલોળનો વેલો સરી આવે!
વેલો નહીં—એ તો
પવન તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી–
—પહેલા વાચને કોઈને કદાચ એમ લાગે કે, સીમશેઢાના વર્ણનની આ એક સાદી સરળ રચના છે. પણ, સહેજ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં સહૃદયને તરત પ્રત્યક્ષ થશે કે, કાવ્યનાયકના ચિત્તનો કોઈ ગહનતર ભાવ અહીં પ્રતિફલિત થઈ ઊઠ્યો છે. અહીં પ્રકૃતિ – સીમ – ના પરિવેશની અતિ પરિચિત વિગતો કલ્પનો રૂપે આવી છે, અને ખેતર, ડૂંડાં, છોડ, પંખી, વેલો આદિ તત્ત્વો પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. પરંપરિત હરિગીતના મેળમાં અહીં એ કલ્પનો અને પ્રતીકોની ભાત સહજ રીતે વિસ્તરી છે. કૃતિની પહેલી પંક્તિ ‘તગતગ્યાં’ એક જ પદની છે, અને કૃતિના શીર્ષક ‘ખેતર વચ્ચે’ સાથે એનો તરત અનુબંધ સ્થપાઈ જાય છે. બીજી પંક્તિમાં વિસ્તરીને એનો સંવેદિત ‘અર્થ’ એક મનોહર કલ્પન રૂપે વિલસી રહે છે. ‘તગતગ્યાં/બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે’ – એ એક દૃશ્યકલ્પન તો છે જ; પણ એના ધવલ કોમળ દૂધમલ દાણાની સજીવ રચના એકી સાથે organic અને tactile imageનો બોધ પણ કરાવે છે. અહીં દાણાઓમાં ઝળહળતા તેજનો પરિવેશ પણ પ્રત્યક્ષ બની ઊઠે છે. જાણીતું છે કે, ડૂંડાં એ ધાન્યની ફસલ છે; ધરતીના ઉદરમાં વવાયેલા બીજમાંથી મ્હોરીને પકવતાની દશામાં પહોંચેલું એ એક જીવંત સત્ત્વ છે; એક સુષુપ્ત ઝંખનાનું એ પરિણત રૂપ છે, તેની પરમ ગતિ છે. કાવ્યનાયક આવાં ‘બે દૂધભર્યાં ડૂંડાં’ને સાવ નિકટમાં લચી રહેલાં જોઈને રોમાંચક વિસ્મય અનુભવે છે! પોતાના અંતરની ગહનતમ કામના સ્વયં અહીં મ્હોરેલા રૂપે તેને પ્રત્યક્ષ થઈ છે. આમેય, દૂધમલ ડૂંડાંનું નૈસર્ગિક રૂપ આહ્લાદક હોય છે. પણ અહીં કાવ્યનાયકને પોતાના અંતરની ગૂઢ કામના પ્રતિબિંબિત થઈ ઊઠતી લાગે છે. અહીં ‘બે’ ‘ડૂંડાં’નો ઉલ્લેખ, અસંપ્રજ્ઞાતપણે જ કદાચ, કાવ્યનાયકની રતિઝંખના તરફ સંકેત કરે છે. નારીની લાવણ્યસભર કાયા અને તેમાં વિલસતા સ્તનમંડળનો નિર્દેશ અહીં વાંચી શકાય. એ રીતે ‘ખેતર’ સંજ્ઞા નારીના બદન સાથે ઉપમાભાવે સંકળાતી લાગે. આખાય ‘ખેતર’માં ‘બે’ ‘ડૂંડાં’ તગતગી ઊઠ્યાં હોય, એ ઘટના જ કંઈક અનેરી છે. પણ ફસલથી લચેલી ધરતી, અને વિલસતું નારીબદન એ બેને ક્યાંક ઊંડો સંબંધ છે : બંનેમાં પ્રાણધારણની અલૌકિક શક્તિ છે. કાવ્યનાયકની પ્રણયઝંખનામાં નારીના આવા મ્હોરેલા રૂપની અપેક્ષા છે, એમ અહીં જોઈ શકાય. એ દ્વારા તેના અંતરતમની કોઈ ગુહ્ય ઝંખના મૂર્ત થઈ જાય, એવી સભર વ્યંજકતા અહીં પડી છે. ત્રીજી પંક્તિ કાવ્યનાયકની લાગણીનું એક જુદું જ સ્તર ખુલ્લું કરે છે. કાવ્યનાયક પોતાને અનુલક્ષીને કહે છે – ‘રોમ પર એકાંત સરકે સીમનું.’ આ ‘એકાંત’ જ તેને ઊંડે ઊંડે અસ્વસ્થ કરી મૂકે છે. ‘દૂધમલ ડૂંડાં’ની સાવ નિકટની ઉપસ્થિતિ તેને અણધારી રીતે અસ્વસ્થ કરી મૂકે છે. આ ‘ડૂંડાં’ની સમૃદ્ધિ તેને અભિભૂત કરી ગઈ છે. પણ, એનો ઉપભોગ તે કેવી રીતે કરી શકે? એનું જતન તે કેવી રીતે કરી શકે? કે એને અનુરૂપ પોતાને કેવી રીતે વિસ્તારી શકે? – કાવ્યનાયકના ચિત્તમાં કશોક વિસ્મયજનિત આહ્લાદ છે; તો પોતાની કશીક સ્થગિતતા કે નિશ્ચેષ્ટતાનો કરુણ ભાવ પણ એમાં ધ્વનિત થઈ ઊઠે છે. પાંચમી પંક્તિમાં કાવ્યનાયકની ગૂઢ ઈપ્સા છતી થઈ જાય છે. અંદરથી કશુંક પોતાને જકડી રહ્યું છે, કશુંક રુંધી રહ્યું છે, એટલે એવા અંતરાયોને તોડી તે ઉલ્લાસમાં પાંગરી રહેવા ચાહે છે. છઠ્ઠી સાતમી અને આઠમી પંક્તિનું કલ્પન કંઈક સંકુલ છે. કાવ્યનાયક હવે ‘પંખી’ રૂપે ઊડવા ચાહે છે. – ‘લીલુંછમ લ્હેરતું આકાશ’ પોતાની ‘પાંખો’માં ભરીને તે ‘ઊડવા’ ચાહે છે. લચેલાં ધાન્ય પર પંખીના વિહારનું આ કલ્પન ધ્યાનપાત્ર છે. ‘ફસલ’ના સંદર્ભમાં જોઈએ તો ‘પંખી’ એક ભોક્તા છે. અને ‘ફસલ’ની સાર્થકતા કદાચ તેના ઉપભોગમાં રહી છે. કદાચ, મુક્ત સ્વૈર પ્રસન્ન એવી કાવ્યનાયકની આધ્યાત્મિક ઝંખના અહીં મૂર્ત બની છે. ‘ફસલ’ની સાથોસાથ ભોક્તા પંખીની ઉપસ્થિતિ એ વિધાતાની ઇચ્છા હશે? નવમી પંક્તિના કલ્પન – ‘સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું’-નો મર્મ હવે સુગ્રાહ્ય બન્યો છે. પોતાના અસ્તિત્વના નિશ્ચેષ્ટ લાગતા અંશોમાંય પોતાના ચૈતન્યનો પ્રસાર થાય એવી ઉત્કટ ઇચ્છા અહીં વ્યક્ત થઈ જાય છે. કાવ્યનાયકના ચિત્તમાં ફરી પ્રશ્ન પડઘાઈ ઊઠે છે, ‘રે શું કરું?’ (અગાઉ ‘હું શું કરું?’ પંક્તિમાં જે પ્રશ્ન હતો, તેનાથી અહીં કાકુ બદલાય છે.) અહીં તેની કશીક વ્યગ્રતા છતી થઈ જાય છે. પોતાના ચિત્તમાં સળવળી ઊઠતી આ બધી ઇચ્છાઓ તો વંધ્ય જ રહેવાની છે, એ વાતનું કરુણ ભાન કદાચ તેના ચિત્તમાં ક્યાંક ઊગી નીકળ્યું છે. એટલે જ, કદાચ, આ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવાની વૃત્તિ તેનામાં જાગી પડે છે. ત્યાં વળી પરિસ્થિતિ જુદો જ વળાંક લેતી દેખાય છે. – ‘મારા ભણી વાલોળનો વેલો સરી આવે’ – એમ તે જુએ છે. ‘વાલોળ’ ધરતીમાંથી જ પાંગરેલું સત્ત્વ છે, ‘ડૂંડાં’નો વૈભવ એનામાં નથી. પણ, એ સ્વેચ્છાએ (?) કાવ્યનાયકને વીંટળાવા આવી રહ્યો છે! કાવ્યનાયકની સામે આ રીતે એક નાજુક કટોકટીની ક્ષણ આવી ઊભી છે. પણ, વેધક દૃષ્ટિએ તાકી રહેતાં તરત તેને સમજાઈ જાય છે. – ‘વેલો નહીં – એ તો/પવન તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી—’ પોતાના તરફ ધસી રહ્યું છે. ‘વેલા’ના રૂપમાં પ્રકૃતિનાં સ્થૂળ આદિમ બળો જ આક્રમણ કરી રહ્યાં છે! આરંભમાં ‘તગતગતાં ડૂંડાં’નું જે એક અપાર્થિવ સ્વપ્નિલ દૃશ્ય તેણે પ્રત્યક્ષ કર્યું, તે તો એકાએક ક્યાંક લુપ્ત થઈ ગયું છે! એને સ્થાને રહી ગયું છે પ્રાકૃત તત્ત્વોનું આદિમ સંવેગભર્યું આક્રમણ. ‘પવન’ ‘તડકો’ ‘માટી’ – એ બધાં તત્ત્વો રુધિરમાંસનાં પ્રાકૃત તત્ત્વો તરફ સંકેત કરી રહે છે. પ્રણયની ઉદાત્ત ભાવનાનો અહીં કરુણ વિપર્યાસ થયો છે. કાવ્યનાયકના ચિત્તમાં નિર્ભ્રાન્તિ અને વિફલતાની લાગણી શેષ રહી ગઈ છે. રાવજીની કવિતાનો વધુ ઊંડો અને સજીવ મર્મકોષ તેની ‘વરસાદી રાતે’ કૃતિમાં જોવા મળશે. કુટુંબજીવન અને કૃષિજીવનના પરિવેશમાં એ રચના પાંગરી છે. કાવ્યનાયકના ચિત્તના ગહનતમ સંઘર્ષનું એક વિશેષ સ્તર એમાં ખુલ્લું થયું છે.
વરસાદી રાતે
ઈશાની પવન મારા છાપરાના નળિયાને ઊંચુંનીચું કર્યા કરે
નળિયાની નીચે મારી ઊંઘ પણ પીંછા જેવી
આઘીપાછી થયા કરે.
નાનો ભાઈ બચબચ ધાવે.
બચકારે બચકારે અંધકારનો મોલ હલે
સ્હેજ વળી ફણગાની જેમ કૂણું કણસીને
બચ બચ પીધા કરે માયાળુ ખેતર.
મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે
એની પર પંખીઓનાં પીંછાં સ્હેજ ફરફરે
આખો દહાડો ઢેફાઈ કુટાઈ-
મા
પંજેટીની જેમ લૂસ ખાટલામાં પડી રહી.
મારા બાવડામાં દિવસ, બળદ, હળ, બારે મેઘ પોઢ્યાં....
અને
નળિયાની નીચે મારી ઊંઘ
પીંછાં જેવી આધીપાછી થયા કરે.
કાવ્યનાયકના ગહન સ્તરે ઉદ્ભવતા ચૈતસિક સંઘર્ષની આ લાક્ષણિક રચના છે. કૃષિ અને કુટુંબજીવનનો આખોય પરિવેશ — વરસાદ, ઘર, પવન, કણસલું, પંજેટી, બળદ, હળ, એ સર્વ અહીં હાજર છે. કૃતિના સંવિધાનમાં એ સર્વ પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. કૃતિનું શીર્ષક ‘વરસાદી રાતે’ સ્વયં એક thermal image છે. અહીં ‘વરસાદી’ પ્રયોગ ધ્યાનપાત્ર છે. જામતી રાતમાં વરસાદની હેલી, તરબતર ભીનું વાતાવરણ, અને સૂસવાતા પવનની ઝડી–એ બધું એ પ્રયોગથી તાદૃશ થઈ ઊઠે છે. ‘વરસાદની રાતે’ જેવા પ્રયોગ કરતાં ‘વરસાદી રાતે’ પ્રયોગમાં ઐન્દ્રિયિક બોધની નિબિડતા અને મૂર્તતા વધુ તીવ્રત્તાથી છતી થાય છે. સૃષ્ટિના જીવનક્રમમાં, એ તો સુવિદિત છે કે, વરસાદ જેવું પ્રાકૃતિક સત્ત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે. વનસ્પતિ, પશુપંખી, અને માનવજાતિના ધારણપોષણમાં એ અનન્ય ફાળો આપે છે. ધરતીના તમિસ્રઘન ઉદરમાં સુષુપ્તપણે પડેલા બીજનું અંકુરિત થવું, અને એ રીતે સુષુપ્ત જીવનશક્તિનું પાંગરવું – એને કારણે જ શક્ય બને છે. વરસાદ, પવન, અને હેલીનું વાતાવરણ જ ધરતીમાં પડેલાં બીજને નવપલ્લવિત થવાની સક્રિય ક્ષણો જન્માવે છે. પ્રથમ પંક્તિનું કલ્પન કાવ્યનાયકના ભાવજગતની આબોહવાનો ઉત્કટ સ્પર્શ કરાવી જાય છે. એમાં ‘ઈશાની પવન’નો પ્રબળ સૂસવાટો તીવ્રતાથી અનુભવાય છે. ‘છાપરાના નળિયા’ની ‘ઊંચું–નીચું’ થવાની ક્રિયામાં દૃશ્યાત્મક અને ગત્યાત્મક કલ્પનોનો સંકુલ રૂપમાં બોધ થાય છે. બીજી ત્રીજી પંક્તિમાં નાયકનું મનોગત જે રીતે વર્ણવાયું છે તેને માટે તો ખરું જ, પણ આખીય કૃતિ માટે આ કલ્પન આગવો tone રચી આપે છે. બાહ્ય જગતના વાતાવરણનો આ સંક્ષોભ જાણે કે કાવ્યનાયકના અંતરના સંક્ષોભનો સંકેત કરે છે. ‘મારી ઊંઘ પણ પીંછા જેવી/આઘીપાછી થયા કરે’ – એ પંક્તિમાંય દૃશ્ય સ્પર્શ અને ગતિનો બોધ એક સંકુલ કલ્પન રૂપે થાય છે. ‘ઊંઘ’ જેવી સર્વથા અમૂર્ત અને અરૂપ વસ્તુ પણ અહીં ‘પીંછા’ની ઐન્દ્રિયિક ઘનતા પ્રાપ્ત કરે છે. કાવ્યનાયકની આંખોમાં જામતી નિદ્રા અંદરના કશાક ધક્કાથી ફરી ફરીને તૂટતી રહી છે, ઊંડે કશીક વ્યગ્રતા, ક્ષોભ અને વ્યથા જાગી પડ્યાં છે. ઘરના ‘નળિયા’ને જો સ્થૂળ બાહ્ય આવરણ ગણીએ, તો અહીં પહેલું બીજું કલ્પન એકબીજાને પ્રતિબિંબિત કરી રહ્યું હોય એમ પણ લાગે. ચોથીથી સાતમી સુધીની પંક્તિઓમાં ભાવસંવેદનનું એક જુદું જ સ્તર ઊઘડતું જણાશે. કાવ્યનાયક જે ‘છાપરા’ નીચે સૂતો છે, તેની નીચે કેવળ ‘અંધકાર’ વિસ્તરી રહ્યો છે. પણ ‘અંધકાર’ના એ આવરણ વચ્ચેથી ય ધાવણ ધાવતા નાના ભાઈના ‘બચકારા’નો અવાજ તેની સજાગ ચેતના ઝીલી રહે છે. ‘બચકારા’ શબ્દ સ્વયં એક ઉત્કટ શ્રુતિ કલ્પન છે. ‘બચકારે બચકારે અંધકારનો મોલ હલે’ – એ પંક્તિમાં સંકુલ કલ્પન રચાયું છે. અહીં દૃશ્યરૂપ શ્રુતિરૂપ અને ગતિરૂ૫ કલ્પનોનો સંશ્લેષ થવા પામ્યો છે. ‘અંધકારનો મોલ’ એ રૂપકાત્મક પ્રયોગ અત્યંત સૂચક છે, એ પૈકી ‘મોલ’ એને ધારણ કરતી પ્રકૃતિ–ધરતીનો સંકેત કરે છે. બીજી બાજુ, ‘અંધકાર’થી એ ધરતીનું ઉદર સૂચવાઈ જાય છે. નાના ભાઈની સ્તનપાનની તૃપ્તિ જોડે આ ઘટના સંકળાયેલી છે. આ સંદર્ભ ઉકેલતાં સમજાશે કે ઉદરમાં બીજ ધારણ કરતી ધરતી અને માતાનો દેહ બંનેય આદ્ય પ્રકૃતિના આવિર્ભાવ છે. બાળકની જૈવિક તૃપ્તિથી માતાનો ઉરપ્રદેશ પણ જાણે કે ખીલી ઊઠ્યો છે. ‘ફણગાની જેમ કૂણું કણસીને’ પ્રયોગમાં શ્રુતિરૂપ સ્પર્શબોધરૂપ અને દૈહિકસંપ્રજ્ઞતારૂપ – એમ ત્રણ કોટિનાં કલ્પનોનું સંકુલ મળે છે. ‘માયાળુ ખેતર,’ દેખીતી રીતે જ, માતાનો ઉરપ્રદેશ – અને એ રીતે પ્રાણધારક નારીદેહ – તરફ સંકેત કરે છે. પોતાના ઉદરમાં બાળકને ધારણ કરતી નારી અને ચાસમાં બીજ ધારણ કરતી ધરતી – બંનેય સત્ત્વો અહીં પરસ્પરને પ્રતિફલિત કરી રહ્યાં જણાશે. સ્તનપાનમાં લીન બનતા બાળકને એની માતાના દૈહિક અને ચૈતસિક જીવન જોડેનો સંબંધ હજુય અતૂટ રહ્યો છે. માતાના દૈહિક જીવનની સાથે તેનો પ્રાણધબકાર તાલ મેળવી રહ્યો છે. તાત્પર્ય કે, જન્મદાત્રી માતાથી તે વિચ્છિન્ન બન્યો નથી. અહીં કાવ્યનાયક, નાના ભાઈના સ્તનપાનની ક્રિયાને પોતાની પ્રત્યગ્ર ચેતનાથી જે રીતે ઝીલે છે, તેમાં પરોક્ષ રૂપે તેની અસ્તિત્વપરક એકલતા અને વિચ્છિન્નતા ધ્વનિત થઈ ઊઠે છે. પ્રાણશક્તિના આદિમ સ્રોત શી ધરતી અને નારી – બંનેય સત્ત્વોથી પોતે અલગ થઈ ચૂક્યો છે, એવો કરુણસ્વર અહીં પડઘાઈ ઊઠે છે. આઠમી નવમી પંક્તિ અત્યંત રમણીય કલ્પનો/પ્રતીકોની બની છે. ‘મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે’ – એ સંકુલ કલ્પન દૃશ્યરૂપ સ્પર્શરૂપ ગતિરૂપ અને સજીવ રસ્યતારૂપ એમ વિવિધ ઐન્દ્રિયિક પરિમાણો ધરાવે છે. પછીની પંક્તિ – ‘એની પર પંખીઓનાં પીંછાં સ્હેજ ફરફરે’ – પણ દૃશ્યાત્મક અને ગત્યાત્મક કલ્પનોનો સંશ્લેષ ધરાવે છે. દેખીતું છે કે ‘કણસલાં’ અને ‘પંખી’ જેવી કેન્દ્રીય સંજ્ઞાઓ અહીં પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. કાવ્યનાયક આજની આ ‘વરસાદી રાતે’ અંધકારના આવરણમાં મંદ મંદ ઝૂમતાં ને હિલોળા લેતાં ‘કણસલાં’ને પ્રત્યક્ષ કરી રહે છે. પારદર્શી અંધકારમાં તગતગી રહેલાં એ ‘કણસલાઓ’નું સ્વપ્નિલ દૃશ્ય અત્યંત સૂચક છે. અગાઉની કાવ્યચર્ચામાં નિર્દેશ કર્યો છે તેમ, ‘કણસલું’ એ ધરતીના ઉદરમાં વવાયેલા બીજનું પૂરું મ્હોરેલું રૂપ છે. એમાં કાવ્યનાયક પોતાની કોઈ નિગૂઢ ઝંખનાને મૂર્તિમંત થયેલી પ્રત્યક્ષ કરે છે. એના મૂળમાં ક્યાંક રતિમય જીવનનું સંચલન હોય એમ સમજાય છે. વળી ‘કણસલાં’ની સમૃદ્ધિનો કોઈ ભોક્તા હોય એવી ઝંખના પણ એમાં ભળી હશે. ‘પંખી’માં એવી મુક્તવિહારી ચેતનાનો નિર્દેશ જોઈ શકાય. પણ ‘કણસલાં’ અને ‘પંખી’નું સ્વપ્નિલ ચિત્ર કાવ્યનાયક માટે મિથ્યા વસ્તુ છે! તત્ક્ષણ પોતાની વિષમ સ્થિતિનું ભાન તેનામાં જાગી પડે છે. ‘આખો દહાડો ઢેફાઈ કુટાઈ /મા/પંજેટીની જેમ લૂસ ખાટલામાં પડી રહી’ – પંક્તિઓ માતાની લાચાર અને અશક્ત દશા સૂચવે છે. દિવસભર ખેતીના કામમાં ‘ઢેફાઈ કુટાઈને’ તે લથડી પડી છે. ‘પંજેટીની જેમ’ ઉપમા સૂચક છે. ખેતીના એક જડ ઓજારની જેમ તે નિષ્ક્રિય પડી છે. ‘મારા બાવડામાં દિવસ બળદ હળ બારે મેઘ પોઢ્યા’—કાવ્યનાયકના આ શબ્દો અંતરની વ્યગ્રતાનું કારણ સૂચવી દે છે. દેખીતું છે કે ‘દિવસ’ ‘બળદ’ ‘હળ’ અને ‘બારે મેઘ’ એ નવી ફસલ માટેની આવશ્યક સામગ્રી છે. પણ આજની આ ‘વરસાદી રાતે’ કાવ્યનાયકનું મન વ્યાકુળ થઈ ઊઠ્યું છે, ત્યારે એ બધી સામગ્રી ‘બાવડામાં’ હજીય જડવત્ રહી છે! વાવણીની ક્રિયા માટે પ્રાણ ચંચળ થઈ ઊઠ્યો છે ત્યારે અંદર પડેલી એ સામગ્રી જાણે કે સાવ જડ અને નિષ્ક્રિય બની ચૂકી છે! પોતાની પ્રાણશક્તિની અંદર કશુંક નિશ્ચેષ્ટ બની ચૂક્યું છે—આવી કશીક વિફલતા હતાશા અને વિચ્છિન્નતાનો સ્વર અહીં સાંભળી શકાશે. આરંભની ત્રણ પંક્તિઓ, અંતે, પુનરાવર્તિત થાય છે, ત્યારે કાવ્યનાયકની આંતરવ્યથા વધુ ઉત્કટપણે વ્યક્ત થઈ જાય છે. કૃષિજીવનના પરિવેશમાંથી આવતાં કલ્પનો/પ્રતીકોની આવી જ એક ભાત તેના ‘પત્નીનો નિદ્રાસ્પર્શ’ નામના કાવ્યમાંય જોવા મળે છે.
પત્નીનો નિદ્રાસ્પર્શ
ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા
નભનીલાં ડૂડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા!
એક કોરથી સ્હેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકીશું ખેતર
જીભ ઉપર સળવળતું
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુનાં પંખી
હભળક કરતાં આવ્યાં...
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી...
—તરુણ પત્નીની પુષ્ટ કાયાનો જીવંત સ્પર્શ, નિદ્રાના સઘન આવરણમાંથી તિરાડ પાડીને કાવ્યનાયકને અસ્તિત્વના ગહન સ્તરે ઊતરી જાય છે. એ ક્ષણે જન્મતા રોમાંચની લાગણીનું આ કાવ્ય છે. ‘ઊગ્યા સારસટહુકા’ એ પ્રયોગમાં રોમાંચક આહ્લાદનું ઝંકૃતિમય રૂપ છતું થઈ જાય છે. દેહ મન અને પ્રાણને વ્યાકુળ બનાવતું આ સ્પંદન એકીસાથે દૃશ્ય અને શ્રુતિરૂપ લે છે. ધરતીના પડમાંથી ‘સારસટહુકા’ ‘ઊગી’ નીકળ્યા છે, એના આલેખનમાં ઇંદ્રિયવ્યત્યય પણ છે. ‘ઊંઘના અણખેડ્યા ખેતરમાં’ એ પંક્તિખંડનો મર્મ હવે ખાસ દુર્બોધ રહેતો નથી. ‘ખેતર’થી દેહનું સૂચન થાય છે. ‘અણખેડ્યા’ પ્રયોગ અહીં જરા ધ્યાનથી જોવા જેવો છે. ખેડની ક્રિયાને બીની વાવણી અને ફસલની તૈયારી સાથે સાંકળીએ, તો ‘અણખેડ્યા’ એ શબ્દપ્રયોગથી વંધ્ય અને પડતર ભૂમિનો ખ્યાલ સૂચવાઈ જાય છે. આવી વંધ્ય અને પડતર ધરતીમાં ‘સારસટહુકા’નું ‘ઊગવું’ એ ઘટના જ કાવ્યનાયકને વિસ્મયનું કારણ બની રહે છે. બીજીત્રીજી પંક્તિમાં ‘નભનીલાં ડૂંડાં’ની ભરી ભરી ફસલનું ચિત્ર ઊપસી રહે છે. એમાં કાવ્યનાયકના અજ્ઞાત ચિત્તમાં પડેલી બીજરૂપ કામનાનું પ્રતીકાત્મક આલેખન થયું છે. અહીં પણ ધરતી અને કામ્ય નારી બંને એકબીજામાં ઓતપ્રોત થયાં છે. ‘એક કોરથી સ્હેજ સ્વપ્નથી ચાખું/આખું સાકરની કટકી શું ખેતર’ –પંક્તિઓમાં કાવ્યનાયકની રતિઝંખના વ્યક્ત થઈ ઊઠે છે. અહીં રસ્યતાબોધનું કલ્પન છે. પણ ખેતરને ‘ચાખવાની’ ક્રિયા કેવળ ‘સ્વપ્નમાં’ બને, કે કેવળ ‘સ્વપ્નવત્’ બને, એમ કાવ્યનાયકને લાગે છે. અને, જ્યાં આ વૃત્તિ અંદર સક્રિય બને છે, ત્યાં જ ઊંડે ઊંડે ઝંઝાવાત જન્મી પડે છે! ‘આ પાથી વંટોળ સૂરજનો/તે પાથી વાયુનાં પંખી/હભળક કરતાં આવ્યાં’ – અહીં ક્ષણાર્ધ માટેય નાયકના અજ્ઞાત ચિત્તના ઊંડાણમાં જન્મી પડેલી આંધીનું સૂચન છે. પણ ત્યાં કાવ્યનાયકને સમજાય છે કે સંક્ષોભની નિકટમાં જ વંધ્ય ભૂમિ વિસ્તરી પડી છે : ‘મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે/શાંતિ રણ જેવી લંબાઈ પડેલી.’ આરંભની ક્ષણના ‘સારસટહુકા’ અને ‘નભનીલાં ડૂંડાં’નાં દૃશ્યો એકાએક લુપ્ત થઈ જાય છે—સ્વપ્નોની સૃષ્ટિ ઓગળી જાય છે–રહી જાય છે વિષમ કઠોર ઉષરભૂમિ. કાવ્યનાયકની રતિકામનાની વિફલતા અને હતાશા અહીં છતી થઈ જાય છે. ‘સમય’ શીર્ષકની રચનામાં આ જ જાતનાં કલ્પનો/પ્રતીકો વળી આગવા ધ્વનિ સાથે ગૂંથાઈ ગયાં છે. પણ એવા સંદર્ભમાંયે લાગણી અને અર્થના અમુક સંસ્કારો અને સાહચર્યો એની સાથે હજીય જડાયેલાં રહ્યાં છે. નીચેનો એક સંદર્ભ જુઓ :
શેઢે પડ્યું જીરણ જે હળ સાવ બૂઠું
મારા અશક્ત પગથી અવ કાળ ખેડું.
હું કેટલાં વરસથી કણથી ભરેલાં
ડૂંડાં ભરું નજરમાં? ન જરીય થાકું.
આવું બર્યું પણ નર્યું થઈ જાય કેવું!
દાણા સમો સમય થાય અરે હજીએ!
—કાવ્યનાયકને સમજાઈ ગયું છે કે ‘હળ’ હવે ‘જીર્ણ’ અને ‘બૂઠું’ બન્યું છે, અને ત્યાં ખેતરને ‘શેઢે’ એ નકામું પડ્યું છે. પછીની પંક્તિમાં તે ‘અશક્ત પગ’થી ‘કાળ’ ‘ખેડવાની’ વાત કરે છે. અસ્તિત્વના હ્રાસમાંથી જન્મતી વિફલતા અને હતાશા અહીં પ્રબળતાથી વ્યક્ત થઈ જાય છે. અંતરમાં એમ હતું કે ક્યારેક પણ ‘દાણા સમો સમય’ આવશે – અંતરમાં નિગૂઢ પડેલી બીજરૂપ કામના ફલવતી બનશે, પણ હવે એમાંનું કશું જ બને એમ નથી. અહીં સતત સક્રિય એવાં કલ્પનો તરત ધ્યાન ખેંચે છે અને પ્રતીકાત્મક સંદર્ભમાં તેને પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. ‘સીમનું મન’ શીર્ષકની રચનામાં કાવ્યનાયકની લાગણી જરા જુદું રૂપ લઈ આવી છે. પણ એમાં યે ‘કણસલું’ ‘પંખી’ અને ‘સીમ’ કેન્દ્રીય પ્રતીકો બન્યાં છે.
મેં ડોલતાં કણસલાં પર કાન માંડ્યા
પંખી સમા ત્યહીંય બેય રમે મજેથી!
લીલાશમાં સરકતી પકડી હવાને
ચૂમી લઈ કલકલાટ બધોય ચાખ્યો!
ને હું હવે નગરને પથ સંચરું ત્યાં
આખીય સીમ મુજને વળગી રહી છે!
—‘સીમ’ ‘કણસલું’ અને ‘કલકલાટ’નો ઉપભોગ કરી કાવ્યનાયક જ્યાં તેનાથી અળગો થવા જાય છે, ત્યાં એ આખીય પ્રાકૃતિક સત્તા જાણે કે દૃઢતાથી તેને વળગવા ધસે છે! રાવજીની આરંભની એક રચના ‘એક બપોરે’માં પણ કરુણ સ્વર તીવ્રતાથી છતો થઈ જાય છે :
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈ...
મારા ખેતરને શેઢેથી—
કાવ્યનાયકનું પ્રીતિપાત્ર બનેલી ‘સારસી’ આજે ઊડી ગઈ છે, અને તેનું હૈયું એથી ભાંગી પડ્યું છે. કાવ્યનાયક એવો સંકલ્પ કરે છે કે હવે આ હળ નથી ‘જોતરવું.’ વણખેડાયેલી ધરતીમાં ભલેને ઘાસ ઊગી નીકળતું! અને ઘાસ તો ધરતીનું આદિમ તત્ત્વ છે, ધરતીમાં વહેતી પ્રાણશક્તિનો એ સૌથી પુરાતન એવો પ્રાકૃત આવિર્ભાવ છે. ‘ભલે આખું આભ રેલી જાય / ગળા સમું ઘાસ ઊગી જાય’ – એ પંક્તિઓમાં રમણીય કલ્પનો વિસ્તરીને પડ્યાં છે. એમાં કાવ્યનાયકના ચિત્તની વિરતિ અને નૈષ્કર્મણ્યવૃત્તિ પ્રબળપણે છતી થઈ જાય છે. ખેડ નહિ, એટલે વાવણી ય નહિ, અને વાવણી નહિ એટલે ફસલ પણ નહિ! જીવનના કોમલ સજીવ તંતુને ટૂંપી નાખવાનો આ સંકલ્પ હોય એમ લાગશે. ધરતીના પડમાં હળ ફરવાની ક્રિયા રાવજીના કવિચિત્તમાં કશીક રહસ્યમય ઘટના રૂપે અંકિત થઈ ગઈ છે. ધરતીના તમિસ્રઘન પણ સજીવ પોપડાને ખેડવો અને બીજનું આધાન કરવું એ વસ્તુ અસ્તિત્વની જાણે કે એક જૈવિક ઘટના હોય તેવી તેને રહસ્યાવૃત્ત લાગી હશે. એટલે આ ઘટના તેના સંવિદનું એક કેન્દ્રીય સંચલન બની રહી હોય એમ સમજાશે. ‘માટી’ ‘ખેડ’ ‘હળ’ ચાસ’ જેવા વસ્તુસંદર્ભો તેની અનેક રચનાઓમાં પ્રવેશ્યા છે. તેની અર્થચ્છાયાઓ અને સાહચર્યો જુદી જુદી રચનાઓમાં વત્તેઓછે અંશે બદલાયાં પણ છે. પણ તેનો બીજાણુરૂપ કેટલોક અર્થ બધાય સંદર્ભે જાગૃત થઈ ઊઠે છે. નીચે આવા થોડાક સંદર્ભો ઉતાર્યા છે :
(અ) ખેડતાં ખેડતાં હળનો દાંતો અટકી જાય
ચાસમાંથી શ્રીકૃષ્ણ ઊગે અને
વાતાવરણનો કાટ ધીરે ધીરે ઊતરતો જાય
(‘બાર કવિતાઓ’)
(બ) ચારે કોર વ્યાપી ગઈ છે
ખેડેલી જમીનની ઊની ઊની વરાળ :
હવે તો
મારી કવિતાના શબ્દોમાંથી પણ
દઝાવાય એવું લાગે છે!
(‘બાર કવિતાઓ’)
(ક) ચાસમાંથી માટીને આઘીપાછી કરીને
અંકુરિયું માથું ઊંચું કરતા છોડને
મેં સૂંઘ્યો હતો.
(‘બાર કવિતાઓ’)
(ડ) ચાસમાં ઓરાતો હોઉં એવું
થાય :
કેટલીય કીકીઓ ગડગડી
ઝરી ગઈ! ધીરે ધીરે શ્વાસ
ક્યાંક છોડવાની જેમ ઊગે!
(‘નવ જન્મમૃત્યુ કાવ્યો’)
(ઈ) અગાશીનાં ઊંઘનારાં નાકમાંથી
ભીનીભદ માટીને ઉખેડનારાં હળ
મારું દુઃખ રહ્યાં ખેડી
(‘ચણોઠી-રક્ત અને ગોકળગાય’)
પણ રાવજીની કવિતા કંઈ આટલાં કલ્પનો/પ્રતીકોમાં સીમિત થઈ ગઈ નથી : કુટુંબજીવન ગ્રામજીવન અને તેને વીંટાઈ રહેલી સમસ્ત પ્રકૃતિ તેમાં ઊતરી આવી છે. તળપદા લોકજીવનની અનેક વિગતો એકદમ ખબરે ન પડે તે રીતે કૃતિમાં ઓતપ્રોત બની રહી દેખાશે. ‘નવ જન્મમૃત્યુ કાવ્યો’નો આ સંદર્ભ જુઓ :
પાછલા પડાવ પર કેવું હતું?
ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યે જાય;
અને આગળ ધકેલી પૂંઠે રહી ગયું—
માણસના મન જેવું પહોળું ઘાસ,
ઘાસ હાથી હતું.
ઘાસ ઘેટું હતું.
વિસ્તરેલું વન હતું ઝીણી ઝીણી ધજાઓનું!
મને કશું નહીં ભાન!
આજ
અચાનક સીમ-ખેતરનાં દેવસ્થાન
ફરકે છે કીકીઓમાં
એટલું જ યાદ.
બીજો એક સંદર્ભ ‘ચણોઠી-રક્ત અને ગોકળગાય’માંથી લઉં છું :
દાદીમાની વારતાને ધાવીને
હું પથારીમાં પડખાઉં
પડખાંમાં ઊગી ઊઠ્યાં ઘઉંનાં ખેતર.
આમ્રછાયા લઈ મોર મારી કીકીમાંથી બેઠો થાય.
ઘઉંના કણસલાનું નાક અતિ સંવેદનશીલ
ઋજુ રેષાઓને ઊંચી કરી
હચમચ
હલાવી નાખે છે પંડ.
‘અંગત’ની કવિતાના હાર્દમાં આવા કૃષિપરિવેશના અસંખ્ય અંશો સીધા ઊતરી આવ્યા છે. એમાં માનવઅસ્તિત્વનાં પ્રાકૃત બળોનો નિર્દેશ થતો હોય એમ વારંવાર જોવા મળશે. અને, રસપ્રદ મુદ્દો એ છે કે, સૂક્ષ્મ અને શુદ્ધ ચૈતસિક સ્પંદનો ઓળખાવવા રાવજી સુવાસ કે સુગંધનાં પણ અનેક કલ્પનો લઈ આવ્યો છે. ‘કવિતાને મોગરાની ખપે બસ વાસ’ એમ રાવજી ગાય છે, ત્યાં કવિતાને અસ્તિત્વના અર્ક જેવા કોઈ સૂક્ષ્મ તત્ત્વ રૂપે તે ઉલ્લેખે છે. સુગંધનાં આવાં અનેક કલ્પનો તેની રચનાઓમાં એક આગવી ભાત રચે છે :
(અ) જૂઈ-સુગંધની ઝરમર
સ્વપ્નોનું વન અને હું...
પ્રાણનો તરલ મૃગ સુગંધની પથારીમાં પડ્યો રહે!
(‘રતિઋતુ’)
(ક) આ દીર્ઘરાત્રિએ
હું મને સ્વપ્નમાં આવ્યો છું
મને મેઘની વાસ આવતી લાગે છે.
(‘નવ જન્મમૃત્યુ કાવ્યો’)
(બ) વિસ્મય
અનાકાશ વિસ્મય
સમયમાં પણ વ્યાપી ગયાં સ્તન
કસ્તૂરી હવાનો બધે પાસ
(‘નવલકથાના એક પાત્ર ઉપર કવિતા’)
(ડ) હમણાં રે હમણાં
માટીમાંથી ઝાંઝર ઊગશે
સાભ્રમતી સારસી બનીને એની પાંખોમાંથી
અંધારું પૂરશે
પુષ્પો પુષ્પો પુષ્પો
સમસ્ત વૃક્ષને સૂંઘ્યા કરું.
સુવાસ પણ ધરતીનું જ પરાગ તત્ત્વ છે. એ રીતે સુવાસનાં કલ્પનો ૫ણ તેની સંવિત્તિના કેન્દ્રમાંથી વિસ્તર્યાં છે એમ સમજાશે.
કૃષિજીવનનાં તેનાં આ જાતનાં કલ્પનો/પ્રતીકોની તરેહોની સામે નગરજીવનનાં કલ્પનો/પ્રતીકો વળી એક નવું જ પરિમાણ રચી આપે છે પણ અહીં એ વિશેની ચર્ચા આપણે હાથ ધરીશું નહિ.