અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/ઘર ભણી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘર ભણી|રમણીક અગ્રાવત}} <poem> એંશી વરસ ઊંડી શેરીમાંથી ચાલ્યો આ...") |
(No difference)
|
Revision as of 04:46, 22 July 2021
રમણીક અગ્રાવત
એંશી વરસ ઊંડી શેરીમાંથી ચાલ્યો આવતો વૃદ્ધ
આગળ આગળ શેરી સૂંઘતો તેની લાકડીનો ઠપકાર
ઓસરતી અવરજવર ટહેલનારાઓ ઓટલા ફંફોસતી
બકરીઓ અમથું રખડતા કૂતરાઓ બારી-બારણે
ટોળે વળ્યાં કુતૂહલો અમથી વાતચીતો વટાવતો
વટાવતો વટાવતો
આ નવી સાંજે આવી પહોંચ્યો ફરી પાછો
ક્યાંય નહીં ગયેલો પાછો ફરે ક્યાંય નહીંથી ધીમે પગે
એને પગલે પગલે દબાતા વીંટળાતા સંબંધો
વળતે પગલે વળી ઊખળે
એને પગલે ધરબાતા અનુભવો
વળતે પગલે વળી ઊખળે, થોડું ચોટી રહે, થોડું ખરી જાય
એની આંખોમાં લપાયેલા મોતિયા જેવી ધૂંધળી સાંજ
શેરીને ભૂંસી નાખે એ પહેલાં પહોંચવું
દૂર દૂર ઝાંખપમાં ઊઘડતા દરવાજામાં
પૂંઠે પૂરપાટ સી આવતા હાંફતા અંધારાની પહેલાં
પહોંચવું પરસાળમાં રાહ જોતા હીંચકા પર
રોજિંદા કંકાસ વચ્ચે રોજિંદા સુખ વચ્ચે
બગલમાં દબાવેલી કબીર ભજનાવલીનો ગણગણાટ
આગોતરો પહોંચી જાય ફળિયે
એની જર્જર નજર પરસાળને હીંચકે બેસે
એ પહેલાં તો કિચૂડાવા માંડે પિત્તળનાં કડાં
શેરીના કલબલાટ અને અડું અડું રહી ગયેલાં ફૂલોથી અસ્પૃશ્ય
ધ્રૂજતો હાથ દીવાલે ટેકવી ચીમળાઈ ગયેલાં જાેડાં ઉતારતો
પરસેવામાં કળતર નિતારતો
ઉકેલવા મથતો હોય ઘર એમ તાકી રહે
ક્યાંય ન જોતો હોય એવું...
સાંજના શિથિલ આકારો પળે પળે બદલાય
દેવમંદિરનાં ઝાલર-ડંકા ઘેરી વળે ઊતરતા અંધારાને
ફળિયાનો પીપળો ખડ ખડ હસતો ઊડે.