અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/રેવા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રેવા|ઉષા ઉપાધ્યાય}} <poem> હું જ્યારે નાની હતી ત્યારે રેવાની લ...")
(No difference)

Revision as of 05:21, 22 July 2021


રેવા

ઉષા ઉપાધ્યાય

હું જ્યારે નાની હતી
ત્યારે રેવાની લહેરોની જેમ
ઊછળતી-કૂદતી દોડતી રહેતી.
એ સમયે
મા, તેં જ મને સંભાળી લીધી હતી
કિનારાની માટી બનીને.

હું આગળ વધતી ગઈ
ધસમસતી ધારા બનીને
અને તું
મારી પ્રત્યેક ધારા સાથે
પીગળતી રહી, ક્ષીણ થતી રહી.
પરંતુ
ઓગળતા-ઓગળતા પણ
હર ક્ષણે
તારા હૃદયમાંથી વરસતી રહી
વહાલની હેલી.
દેવદાર વૃક્ષોની
ઊંચી ડાળીઓ પરથી ચળાઈને આવતા
સોનેરી તડકાની જેમ
તું હંમેશાં ઝળહળતી રહી છો મારી ભીતર,
મા,
તું માત્ર મારા હોવાનું જ કારણ નથી,
તું મારા હોવાપણાની પ્રતીતિ છો,
અને એટલે જ
ક્યારેક હું કંપી ઊઠું છું
ક્યારેક, જ્યારે તું નહીં હો ત્યારે?

લખતાં લખતાં મારી આંખો ભરાઈ આવે છે,
એવામાં મારી દીકરી પાછળથી આવીને,
હળવેથી મને અઢેલતાં પૂછે છે —
‘મા, શું કરે છે?’
અને અચાનક
મારામાં જાગી ઊઠે છે
એક નવો અહેસાસ
રેવાની ઊછળતી-કૂદતી લહેરોમાંથી
હું બની ગઈ છું
ધારાને સાચવતી
કિનારાની માટી...