અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/બાપુજીની છત્રી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાપુજીની છત્રી| રાજેન્દ્ર પટેલ}} <poem> જ્યારે જ્યારે ખાબકે વ...") |
(No difference)
|
Revision as of 07:09, 22 July 2021
રાજેન્દ્ર પટેલ
જ્યારે જ્યારે ખાબકે વરસાદ
બાપુજીની છત્રી
આવે યાદ.
ત્યારે માળિયામાં ચડું
જૂની છત્રી કાઢું.
જ્યાં ખોલું છત્રી
જાણે એક અકબંધ આકાશ ખૂલતું.
અજવાળા સામે ધરું છત્રી
જીર્ણ છત્રીનાં અનેક નાનાં કાણાંમાંથી
અજવાળાનો જાણે ધોધ વરસે.
વરસાદમાં જ્યાં નીકળું બહાર
છિદ્રાળી છત્રીમાંથી
મજાનું વ્હાલ વરસાવે વાછટ.
જાણે એકસામટા બધાય પૂર્વજો વરસી પડે
અને બાપુજી તો હાજરાહજૂર.
ખાદીની સફેદ ધોતી પહેરણ
માથે ગાંધી ટોપી
ઉપર કાળી છત્રી.
બાપુજી ચાલતાં
આખેઆખો રસ્તો એમની સાથે
વટભેર ચાલતો.
એ દૃશ્ય કેમ ભુલાય?
બા-બાપુજીને જોયેલાં સાવ નજીક
માત્ર આ છત્રીમાં
બાના મોં પર શરમના શેરડા ને
બાપુજીનું મંદ મંદ હાસ્ય જોઈ જાણે
પડતો અઢળક વરસાદ.
જ્યારે જ્યારે
ઘનઘોર વાદળો ઊમટે
ભયંકર વીજળી ત્રાટકે
મસમોટું વાવાઝોડું ફૂંકાય
સાથે રાખું છું
બાપુજીની આ જીર્ણ છત્રી
એ મને સાચવે છે
જેમ બા-બાપુજી સાચવતાં મને.
ઘણી વાર અંઘારી રાતે
ટમટમતા તારાઓ ભરેલા આકાશને જ્યારે જોઉં
લાગે છે બાપુજીની એ જ એ
કાળી છત્રી.
એ માળિયું, એ છત્રી, એ આકાશ, નક્ષત્રો
એનો એ જ વરાસદ
બધુંય જાણે ધબકે છે
બાપુજીની જૂની પુરાણી
એકમાત્ર આ છત્રી થકી.
નવનીત સમર્પણ, જુલાઈ