સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/સ્વર્ગની લગોલગ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:37, 17 January 2026

‘સ્વર્ગની લગોલગ’ (મૈત્રેયી દેવી)
કવિ રવીન્દ્રનાથની એક અંતરંગ છવિ*[1]

મૈત્રેયી દેવી ગુજરાતમાં જાણીતાં થયાં તેમની નવલકથા ‘ન હન્યતે’થી. શ્રી નગીનદાસ પારેખે જ તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે. પરંતુ તે પહેલાં ગુજરાતીમાં તેમનું એક પુસ્તક ‘મંગપુતે રવીન્દ્રનાથ’ (મંગપુ ગામમાં રવીન્દ્રનાથ). ‘ગુરુદેવ અમારે આંગણે’ એ નામથી શ્રી રમણીક મેઘાણીએ ઉતાર્યું હતું. ગુજરાતમાં ખાસ રુચિના એક વિશિષ્ટ વર્ગના વાચકોમાં એ પુસ્તક સારો એવો આવકાર પામ્યું છે. પરંતુ ‘ન હન્યતે’ પ્રકટ થતાં જ મૈત્રેયી દેવી વિદ્વાનથી માંડી ભિન્ન ભિન્ન રુચિવાળા સામાન્ય વાચકો સુધી પહોંચી ગયાં. થોડાંક વર્ષોના સમયગાળામાં જ એ પુસ્તકની ચાર આવૃત્તિઓ થઈ ચૂકી છે. એ નવલકથાએ આપણાં સામયિકો અને વર્તમાનપત્રોમાં ચર્ચા પણ સારી એવી જગાવી હતી. ‘ન હન્યતે’ પુસ્તકનાં લેખિકાને ક્યારેક મળી શકાય તો કેવું એવી ઈચ્છા થવી સ્વાભાવિક હતી. ૧૯૮૧ના ડિસેમ્બર માસમાં શાંતિનિકેતનમાં વર્ષોવર્ષ ભરાતા પૌષમેળામાં એ વખતના વિશ્વભારતીના આચાર્ય શ્રી ઉમાશંકર જોશીના આમંત્રણથી શ્રી નગીનદાસ પારેખ સાથે જવાનો સુઅવસર સાંપડ્યો. આ પૌષમેળા વખતે વિશ્વભારતીના વિદ્યાર્થીઓનો દીક્ષાન્ત સમારંભ પણ હોય છે. શાંન્તિનિકેતનમાં અમારા ઉતારાની વ્યવસ્થા પૂર્વપલ્લી અતિથિગૃહમાં હતી. જાણવા મળ્યું કે પૌષમેળામાં મૈત્રેયી દેવી આવ્યાં છે અને તેઓ પણ પૂર્વપલ્લી અતિથિગૃહમાં ઊતર્યા છે. મળ્યા. ‘મંગપુતે રવીન્દ્રનાથ’ની સેવાપરાયણ ‘માંગ્પવી’ (એવું એક નામ રવીન્દ્રનાથે તેમનું વિનોદમાં રાખ્યું હતું.) અને ‘ન હન્યતે’ની અમૃતાને આ ઉત્તરવયમાં ઢળેલાં મૈત્રેયી દેવીમાં શોધવાનું મન થાય. વાતચીત દરમ્યાન ‘ન હન્યતે’ ગુજરાતમાં કેવો આવકાર પામી છે તેની અમે વાત કરી. તે વખતે મૈત્રેયી દેવીએ કહ્યું કે મેં હમણાં રવીન્દ્રનાથ વિષે એક બીજું પુસ્તક પ્રકટ કર્યું છે - ‘સ્વર્ગેર કાછાકાછિ’ (‘સ્વર્ગની લગોલગ’). ગુજરાતી વાચકોને કદાચ એ પણ ગમશે. આમ, ‘સ્વર્ગેર કાછાકાછિ’ પુસ્તકનું નામ એનાં લેખિકા મૈત્રેયી દેવીને સ્વમુખે જ પહેલી વાર સાંભળ્યું. શ્રી નગીનદાસ પારેખને એનું કુતૂહલ સૌથી વધારે હોય તે સ્વાભાવિક હતું ગુજરાતને રવીન્દ્રનાથ આપનારાઓમાં મુખ્ય છે શ્રી નગીનદાસ પારેખ. દીક્ષાન્ત સમારંભ પછી અમે આચાર્ય ઉમાશંકર જોશીને કહ્યું કે કવિ જયદેવના ગામ કેન્દુલી જવું જોઈએ. પોતાની અંગત રીતે તેમણે ગોઠવણ કરી, અને અમે કેન્દુલી જવા ઊપડ્યા. મૈત્રેયી દેવી સાથે હતાં. આખે રસ્તે રવીન્દ્રનાથની કવિતાનો ધોધ વરસવા લાગ્યો. મૈત્રેયી દેવી આખી ને આખી કવિતાઓ બોલતાં જાય. રવીન્દ્રનાથથી એ કેટલાં સભર હતાં તેની પ્રતીતિ સતત થતી રહી. શ્રી નગીનદાસને એ અઠવાડિયામાં જ કલકત્તામાં ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની ઉપાધિથી વિભૂષિત કરવાનું ટાગોર રિચર્સ ઇન્સ્ટિટ્યૂટે નક્કી કર્યું હતું. અમે લોકો શાંતિનિકેતનથી કલકત્તા આવ્યા. અહીં બંગાળના અનેક સાહિત્યકારોને મળવાનું થાય તે સ્વાભાવિક હતું. વાતવાતમાં ‘ન હન્યતે’ની પણ વાત નીકળતી ત્યારે તે વિષે તેઓ થોડા રિઝર્વેશનથી બોલતા. પછી તરત કહે ‘તમે એમનું ‘સ્વર્ગેર કાછાકાછિ’ જોયું? એ વધારે સારું છે. રોગશય્યાગ્રસ્ત અબૂ સઇદ ઐય્યૂબે તો કહ્યું કે ‘પરહેપ્સ’ ઈટ ઈઝ હર બેસ્ટ.’ બંગાળમાં મૈત્રેયી દેવીનું નામ રવીન્દ્રાનુરાગીઓમાં મોખરે છે. મૈત્રેયી દેવીએ પણ એકવાર હસતાં હસતાં કહ્યું કે મેં ‘ન હન્યતે’ નવલકથા લખી, પણ કોઈ પ્રકાશક એને છાપવા ઉત્સાહ બતાવતા નહિ. કહે કે તમે રવીન્દ્રનાથ વિષે તમારું કોઈ પણ પુસ્તક આપો - અબઘડી છાપી દઈએ. ‘મંગપુતે રવીન્દ્રનાથ’માં ઉત્તરવયના રવીન્દ્રનાથનાં સંસ્મરણો છે. મૈત્રેયી દેવી એમના પતિ સાથે દાર્જિલિંગના પહાડોની અંદર આવેલા એક પહાડી ગામ મંગપુમાં રહેતાં. રવીન્દ્રનાથ જે ત્રણેક વાર ત્યાં ટુકડે ટુકડે રહી આવ્યા તે દિવસોની મધુર ઉજ્જવળ સ્મૃતિઓ એ પુસ્તકમાં આલેખાઈ છે. ‘સ્વર્ગની લગોલગ’ પુસ્તક પણ રવીન્દ્રનાથનાં સ્મરણો વિષેનું છે. પરંતુ ‘મંગપુતે રવીન્દ્રનાથ’ અને આ પુસ્તકની પ્રકૃતિમાં ફેર છે. સ્વયં મૈત્રેયી દેવીએ આ પુસ્તકમાં એક સ્થળે નોંધ્યું છે : " ‘મંગપુતે રવીન્દ્રનાથ’ (‘ગુરુદેવ અમારે આંગણે’) મારા ઘરસંસારના પરિવેશનું પુસ્તક હોવા છતાં તેમાં મારું પોતાનું મન, મારો પોતાનો અનુભવ અને મારી પોતાની ભાવના બધું જ મોટે ભાગે પ્રચ્છન્ન રાખ્યું છે...

પરંતુ આજે અહીં જે ઇતિહાસ લખવા બેઠી છું તે કેટલેક અંશે મારી પોતાની જ કથા છે. રવીન્દ્રનાથના પત્રોને આધારે મારા પોતાના જ જીવનને હું પાછું ફરીને જોઉં એવો મારો અભિપ્રાય છે." (પૃ. ૪૮) ભલે મૈત્રેયી દેવીએ કહ્યું કે ‘મારી પોતાની જ કથા છે.’ પણ એ કથા રવીન્દ્રનાથ સંદર્ભે જ છે અને એટલે વિશેષ મુલ્યવાન છે. વળી અહીં જે રવીન્દ્રનાથ છે તે વ્યક્તિ રવીન્દ્રનાથ છે, માનવ રવીન્દ્રનાથ છે. કવિ રવીન્દ્રનાથને તો આપણે સૌ વત્તેઓછે અંશે ઓળખીએ છીએ. પણ ઉત્તરવયના રવીન્દ્રનાથની જે અંતરંગ છવિ અહીં આલેખાઈ છે, તેનો ઝાઝો પરિચય આપણને નથી. એ ખરું કે આ અંતરંગ છવિ મૈત્રેયી દેવીની ચેતનામાં ઝબકોળાઈને આપણી સામે આવે છે. કવિના દીર્ઘ જીવનમાં હજારો લોકો તેમના સંપર્કમાં આવ્યા છે. તેમાંથી ઘણાને તેમની નિકટ રહેવાનું સદ્‌ભાગ્ય મળ્યું છે. તેમાંથી ઘણાએ રવીન્દ્રનાથનાં સ્મરણો આલેખ્યાં છે. એ દરેક સ્મરણલેખની ગ્રાહિકાશક્તિ, રુચિતંત્ર એમાં પ્રતિબિંબિત થવાનાં. એટલે જુદી જુદી વ્યક્તિઓ એક જ સમયના રવીન્દ્રનાથ વિષે વાત કરવા બેસે તો પણ તેમની એ વાતમાં ભિન્નતા રહેવાની, એટલું જ નહિ બન્નેનો આગવો રસ હોવાનો. ‘રસ’ શબ્દ હું જાણી જોઈને વાપરું છું. આ રસ એક સર્જનાત્મક કૃતિ વાંચવાથી પમાતા રસનો સહોદર છે, બલ્કે એ પણ રસ જ છે. વળી ‘સ્વર્ગની લગોલગ’માં કોરાં સ્મરણોનો ઇતિહાસ-અનુમોદ્ય સંચય નથી. અનુરાગી ચિત્તમાં રૂપાયમાન સ્મરણોમાં લાંબા વીતેલા સમયનો રંગ ચઢતો હોય છે. પ્રૌઢ વયે તેમાં એક નોસ્ટાલ્જિયાનો ભાવ જાગે છે. ખરેખર તો જે આસ્વાદ્ય છે તે તો આ રંગ, આ ભાવ. એ રંગ અને એ ભાવ સાથે પત્રો ગૂંથી લેવામાં આવ્યા છે. કદાચ ઊલટાવીને કહી શકાય કે રવીન્દ્રનાથના પત્રો મુખ્ય છે અને એ પત્રોની સેર ગૂંથવા માટે લેખિકાએ સંચિત સ્મરણોના સૂત્રનો ઉપયોગ કર્યો છે. એટલે અહીં જેમ રવીન્દ્રનાથ છે, તેમ મૈત્રેયી દેવી પણ છે. ધારો કે આ પુસ્તકમાં જે બધા પત્રો છે, તેને સમયનો ક્રમ જાળવીને આપી દેવામાં આવ્યા હોત તો? તોય પત્રસાહિત્ય તરીકે એનું મૂલ્ય જરીય ઓછું ન હોત, રવીન્દ્રનાથના સેંકડો પત્રો એ રીતે છપાયા છે. આ રીતે છપાતા પત્રોની પોતાની એક આંતરિક મહત્તા અને મૂલ્ય વિવાદથી પર છે. પરંતુ એ છિન્નપત્ર જ રહે છે. એ પત્રોને જ્યારે સ્થળકાળનો સંદર્ભ મળે છે ત્યારે પત્ર લખનાર અને પત્ર મેળવનાર એ બન્ને ચૈતન્યોના જીવંત સ્પર્શથી જે માત્ર દસ્તાવેજી સામગ્રી હોત, તે રસોત્તીર્ણ સર્જન બની રહે છે. શ્રી ઉમાશંકર જોશી ઘણી વાર આ યુગમાં પાકેલી આપણા દેશની વિભૂતિઓના પત્રલેખન સંદર્ભે ત્રણ મહાપુરુષોનો ઉલ્લેખ કરતા હોય છે — રવીન્દ્રનાથ ઠાકુર, મહાત્મા ગાંધી અને શ્રી અરવિંદ. બીજા પણ છે. અજસ્ર પત્રો લખ્યા છે આ મહાપુરુષોએ. એ રીતે એમણે અસંખ્ય માનવઉરો સાથે સેતુ રચ્યો છે. રવીન્દ્રનાથના પત્રલેખન વિષે એક સુંદર ઉપમાથી મૈત્રેયી દેવીએ નિર્દેશ કર્યો છે. છેક ૧૯૧૭માં જ સ્વાસ્થ્યને અનુલક્ષીને ડૉક્ટરોએ કવિને કાગળપત્ર લખવાની મના કરી હતી — ‘ત્યાર પછી બીજાં પચ્ચીસ વર્ષ સુધી એમણે હજારો પત્રો લખ્યા છે, પવનથી હાલતા મહાવૃક્ષની પેઠે પ્રત્યેક માણસના સ્પર્શથી નિરંતર અવિરત પત્રધારા ખરતી રહી છે.’ (પૃ. ૩૬)

રવીન્દ્રનાથરૂપી મહાવૃક્ષ પરથી ખરેલાં કેટલાક છિન્નપત્ર અહીં મૈત્રેયી દેવીના સ્મૃતિસૂત્રમાં પરોવાઈ સંકલિત થયાં છે. પણ આ સ્મૃતિના જુદા જુદા સળ છે. અહીં બાલિકા, મૈત્રેયીની, કિશોરી મૈત્રેયીની, યુવા મૈત્રેયીની સ્મૃતિઓ છે, અને એ સૌ સ્મૃતિઓને પુનઃ સ્મરતી આજનાં ઉત્તરવયનાં મૈત્રેયીની સ્મૃતિ છે. એક વખતની ‘મુગ્ધ’ મૈત્રેયીને જે રવીન્દ્રાનુભૂતિ થઈ હતી, તે અનુભૂતિક્ષણને પકડતાં આજનાં મૈત્રેયીય એટલાં જ ‘મુગ્ધ’ લાગે છે. વર્તમાનના એક બિંદુ પર બેસીને લેખિકા જ્યારે આ પુસ્તક લખે છે ત્યારે એ બિંદુ પરથી વારંવાર તે અતીતમાં જાય છે, કેમકે વાત તો અતીતની છે; પણ એ અતીત ક્યારેક બહુ દૂરનો હોય છે, ક્યારેક હ્યસ્તન હોય છે, અને એ બન્ને અતીતની વર્તમાનક્ષણે રચાતી સન્નિધિ અનાસ્વાદિત રસનો અનુભવ કરાવે છે. પુસ્તકનો આરંભ લેખિકા રવીન્દ્રનાથના એક પત્રથી કરે છે, પરંતુ એ પત્ર લેખિકાને નહિ, પણ લેખિકાના પિતા સુરેન્દ્રનાથ દાશગુપ્ત રવીન્દ્રનાથના પરમ ગુણાનુરાગી હતા, પણ વિશેષે તો તેઓ આપણા દેશ તત્ત્વજ્ઞાનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન હતા. પણ આ પત્ર જ્યારે તે મેળવે છે ત્યારે તો તેઓ એક જિજ્ઞાસુ તરુણ હતા, માર્ગાન્વેષી હતા. આ પહેલો પત્ર રવિન્દ્રનાથના બહુલાંશ પત્રલેખનની પ્રકૃતિનો પરિચાયક છે. તેમાં એક જિજ્ઞાસુ તરુણના ‘આકુળતા સાથે ઊભરાતા હૃદયે’ લખાયેલા પત્રનો જવાબ છે. એ ‘અંગત’ છે, પણ એમાં વ્યક્તિનિરપેક્ષ એક ઊંડો ‘તાત્ત્વિક સંદેશ’ પણ છેઃ.... ‘જીવન માત્ર નિયત માર્ગે ચાલવામાં સમાઈ જતું નથી. જીવન તો રસ્તો શોધી કાઢવામાં રહેલું છે....’ વગેરે. (પૃ.૩) અને એ રીતે સર્વજન ઉપાદેય છે. વળી એ પત્ર રવીન્દ્રનાથના સર્જનની કોઢમાં પણ લઈ જાય છે. પત્ર ‘ચતુરંગ’ નવલકથાના તે જમાનાના બે વિશિષ્ટ ભાવ સાકાર કરતાં પાત્રો શચીશ અને જગમોહનના આલેખન પર પણ પ્રકાશ પાડે છે. (પૃ. ૫, ૬,૭) આવા અનેક પત્રો આ પુસ્તકમાં ગુંથાયા છે. લેખિકાની મૂળ યોજના તો તેમના પોતાના પર રવીન્દ્રનાથના જે પત્રો છે, તેને આધારે ભૂતકાળના એ દિવસોની ચર્ચા કરી એ વખતના જમાનાનું અને એમના જીવનનું ચિત્ર અંકિત કરવાની છે. પણ પોતા પરના પત્રો હાથમાં લીધા પછી લાગ્યું કે ઉપરોક્ત હેતુ માટે તો ‘તેથી પણ પહેલાંથી શરૂાઆત કરવી જોઈએ.’ (પૃ.૮) એટલે આ પ્રથમ પત્ર - એ સમયનો છે, જ્યારે લેખિકાનો જન્મ પણ થયો નહોતો. રવીન્દ્રનાથ અને સુરેન્દ્રનાથના પત્રાચારના પારસ્પરિક સંપર્કની વાત કર્યા પછી લેખિકા રવીન્દ્રનાથ સાથેના પોતાના સંપર્કની વાત કરે છે. નવ વર્ષની વયે ૧૯૨૩માં રવીન્દ્રનાથને જોયા હતા એ સ્મરણનું આલેખન છે. પછી પિતાની પ્રેરણાની રવીન્દ્રનાથને લખેલા પત્રનો જવાબ મળતાં બાલ્યહૃદયમાં જાગેલા પ્રતિભાવને સ્મરે છે : ‘વિશ્વવંદિત રવીન્દ્રનાથ ઠાકુરનો સાચેસાચ જ મારા પર એક પત્ર આવ્યો.’

બાલિકા મૈત્રેયી પર રવીન્દ્રનાથનો એ પહેલો પત્ર. વર્ષ ૧૯૨૭નું પછી દિવસે દિવસે મૈત્રેયી દેવી રવીન્દ્રનાથનાં આત્મીય થતાં ગયાં છે, પરંતુ લેખિકા નોંધે છે તેમ :

‘દૈવયોગે નહિ. મારે સાધના કરવી પડી છે. રીતસર તપસ્યા અને તે આજે પણ પૂરી થઈ નથી.’ (પૃ. ૮૮)

રવીન્દ્રનાથનાં આત્મીય થવાની તપસ્યા રવીન્દ્રનાથના અવસાન પછી પણ ચાલતી રહી છે અને એ તપસ્યાનું એક પરિણામ અનાથ શિશુઓ માટે તેમણે શાંતિનિકેતનના આદર્શ પર સ્થાપેલું ‘ખેલાઘર’ અને બીજું પરિણામ તે આ પુસ્તક ‘સ્વર્ગની લગોલગ’. તે દિવસોમાં જ મૈત્રેયી દેવી કલકત્તાની નજીક આવેલી સંસ્થા ‘ખેલાઘર’ની પ્રવૃત્તિઓ જોવા અમને લઈ ગયાં હતાં. શ્રી ઉમાશંકરભાઈ તથા નગીનદાસભાઈની સાથે એક તક મને મળી હતી. રવીન્દ્રનાથની ભક્તિ તો ખરી જ, પણ માત્ર ભક્તિ નહિ, તેમણે સેવેલા આદર્શોને કંઈક અંશે કાર્યમાં પરિણત કરવાનો મૈત્રેયી દેવીનો આ પ્રયાસ છે. તેમણે પોતાને રવીન્દ્રનાથની ‘છાયૈવાનુગતા’ કહી છે, તે તેમની આ પ્રવૃત્તિથી પણ સમજાય છે. ‘ખેલાઘર’ને જોતાં શાંતિનિકેતનનું સ્મરણ થયા વિના રહે નહિ. ‘સ્વર્ગની લગોલગ’માં તેમણે રવીન્દ્રનાથની અંતરંગ છવિ આલેખી છે, તેની વાત અગાઉ કરી છે. આ માટે પોતા પર લખાયેલા પત્રોનો ઉપયોગ કર્યો છે. તેઓ માને છે કે રવીન્દ્રનાથને લગતું જે કંઈ હોય તે બધા ઉપર સૌનો અધિકાર છે. આપણે સૌ જાણીએ છીએ કે એક કવિ તરીકે રવીન્દ્રનાથ આનંદના યાત્રી છે, જો કે વેદનાનોય તેમણે મહિમા અપાર કર્યો છે. કવિ રવીન્દ્રનાથને મન પૃથ્વીની ધૂળ મધુમય છે, જે ધૂળમાં સત્યનું આનંદરૂપ મૂર્તિમંત થયું છે. એમણે પોતાની કવિતામાં એ પણ કહ્યું છે કે જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ પામ્યો છું. મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો આસ્વાદ પામું છું એટલે તેઓ કહે છે કે ‘જીવનવિધાતા તરફથી મને જીવનમાં જે અનુકૂળતાઓ સાંપડી છે તેની સ્મરણલિપિ કૃતજ્ઞ મનથી મેં આંકી રાખી છે.’ પરંતુ કવિના વ્યક્તિગત જીવનમાં શું માન-અપમાન, દુઃખ વ્યથા-નિરાશા-આસ્વાદ આદિ નહોતાં? કાલિદાસ વિષેના પોતાના એક કાવ્યમાં કાલિદાસને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તમારા જીવનમાં આશાનિરાશા સુખદુઃખનાં દ્વન્દ્વ શું અમારી જેમ નહોતાં? અવજ્ઞા અવહેલના અપમાન અન્યાય જીવનમાં નહોતાં મળ્યાં? રાજસભાના ષડ્‌યંત્રના ભોગ બનવાનું આવ્યું નહોતું...? આદિ. આ બધું જ હતું, પણ તમારી કવિતાનું સૌંદર્યકમલ એ બધાથી નિર્લિપ્ત રહી આનંદના સૂર્ય તરફ ખીલ્યું છે. કેમકે;

‘જીવનમંથનવિષ નિજે કરિ પાન.
અમૃત યા ઉઠેછિલ કરે ગેછ દાન.’

—જીવનમંથમાંથી નીકળેલા ઝેરને પોતે પી ગયા અને જે અમૃત નીકળ્યું તેનું દાનકરી ગયા છો. કાલિદાસને મિષે રવીન્દ્રનાથ કદાચ કવિમાત્રની વાત કરી ગયા છે. શિક્ષણવિષયક પોતાના આદર્શને મૂર્તિમંત કરવા રવીન્દ્રનાથે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. પોતાની ઉત્તરવયમાં તેમના આદર્શો મૂર્તિમંત થતા ન જોઈ રવીન્દ્રનાથ ગ્લાનિ અનુભવે છે. ગ્રંથને અંતે આજના શાંતિનિકેતન વિષે મૈત્રેયી દેવીનો તીવ્ર પ્રતિભાવ જોવા મળે છે. કવિએ એક પત્રમાં લખ્યું છે : ‘અર્જુન હવે પોતાનું ગાંડીવ ઉપાડી શકતો નથી.’ (પૃ. ૩૭૨) પરંતુ મૈત્રેયી દેવી કહે છે કે તેમનું સૌથી મોટું કષ્ટ તો નિઃસંગતા હતું. કવિની ઉત્તરાવસ્થાની આ નિઃસંગતાને તેમણે ઉપસાવી છે. ૩૮૩મા પૃષ્ઠ ઉપરના પત્રમાં પોતા માટે - ‘એકલો અત્યંત એકલો’ એવો શબ્દો વાપરી લિખિતંગમાં લખ્યું છે - ‘તમારો નિર્વાસિત રવીન્દ્રનાથ.’ એક પત્રમાં લિખિતંગમાં છે ‘હતાશ કવિ રવીન્દ્રનાથ’. આપણને થાય કે આ પણ રવીન્દ્રનાથ? હા, આ પણ રવીન્દ્રનાથ. એટલે એમને વધારે ચાહવાનું મન થાય છે. માત્ર ઊંચાઈએ બેઠેલા કવિ-પયગંબર નથી રહેતા. સર્વ પ્રકારની માનવીય મર્યાદાવાળા મનુષ્ય છે, જે એ મર્યાદાઓને અતિક્રમે છે. અનેક વાર્તાલાપો, પત્રો, ઘટનાઓ ટાંકી મૈત્રેતી દેવી કહે છે કે ‘રવીન્દ્રનાથ લોહીમાંસના માણસ હતા.’ (પૃ. ૧૭૩.) પરંતુ એ વાતનું વિસ્મરણ ન થવું જોઈએ કે એ ‘મૂઠી ઊંચેરા’ માણસ હતા. એમના બહુ ઓછા સમકાલીનો એમને સમજ્યા. સમકાલીનોની અનુદાર ટીકાઓ રવીન્દ્રનાથને સતત સાંભળવા મળતી. એ વાતનું એમને ભારે દુઃખ રહ્યું છે. એમનાં પરિજનો પણ તેમાં આવી જાય. પરિશિષ્ટમાં આપેલો લેખ ‘કુટિરવાસી’ એની સાખ પૂરશે. અને ‘ભક્તો’નો ત્રાસ પણ કંઈ ઓછો હોતો નથી. રવીન્દ્રનાથ કેમ બધું સહન કરતા રહ્યા એનું હૃદયસ્પર્શી ચિત્રણ મળે છે. એક પત્રમાં તે લખે છે : ‘મારા જન્મોત્સવ અંગે અહીંના સ્વજનો અને પરિજનો ખૂબ કામમાં પડ્યા છે. તેમની એ રમતમાં મારે ઢીંગલી થવાનું છે. હું નિષ્ક્રિય ભાવે તેમના હાથમાં આત્મસમર્પણ કરીશ – કાતર સ્વરે કહીશ – યથાનિયુક્તોડસ્મિ તથા કરોમિ’ (પૃ.૨૬૯) વાલ્મીકિ વિષેની એક કવિતા ‘ભાષા ઓ છંદ’ રવીન્દ્રનાથે લખ્યું છે કે દેવતાનું દાન અગ્નિસમ હોય છે. વિધાતા એ જેને આપે છે, તેની છાતીમાં અપાર બળતરાઓ હોય છે. તેને નિત્ય જાગરણ હોય છે. કવિ રવીન્દ્રનાથ આવું દાન પામ્યા હતા. વળી નિઃસંગતા એ કવિમાત્રની નિયતિ હોય છે. પરંતુ સૌ દુઃખો પર રવીન્દ્રનાથ વિજય મેળવે છે આંતરિક આનંદથી, પ્રખર વિનોદથી. ગાંધીજી જેવી જ વિનોદવૃત્તિ રવીન્દ્રનાથમાં જોવા મળે છે. તેમાં વળી રવીન્દ્રનાથ તો રહ્યા કવિ. ગાંધીજીનો વિનોદ વાતચીતમાં જેટલો પ્રકટતો, કદાચ તેમના લેખો-પત્રોમાં એટલો નથી પ્રકટતો. રવીન્દ્રનાથનાં લખાણોમાં અજસ્ર વિનોદ જોવા મળે છે. તેઓ માત્ર હાસ્યના લેખક હોત તોયે એ સાહિત્યકારોમાં ઊંચુ સ્થાન પામ્યા હોત. ‘મંગપુતે રવીન્દ્રનાથ’ (‘ગુરુદેવ અમારે આંગણે’)માં રોજબરોજના જીવનમાં કવિ કેટલા વિનોદપ્રવણ હતા, તેનો અનુભવ થાય છે. આ ગ્રંથના પત્રોમાં ઘણી વાર તો પદે પદે વિનોદનો આવિર્ભાવ થતો હોય છે. ક્વચિત્‌ એ વિનોદમાં વિષાદની થોડી માત્રા પણ હોય છે. એક પત્રમાં લખે છે, ડૉક્ટર પાસે જવાની ઇચ્છા નથિ - ‘પરંતુ ચિકિત્સકને છેતરવા જતાં રખેને યમરાજ અટ્ટહાસ્ય કરે એ ભયે જવાનું જ નક્કી કર્યું છે.’ (પૃ. ૧૦૭). ૧૯૩૦ માં અમદાવાદમાં આવ્યા પછી માંદગીને લીધે બંગ સાહિત્ય સમ્મેલનના ઉદ્‌ઘાટનમાં જવાયું નહિ તે સંબંધે ટીકાઓ થતાં એક પત્રમાં લખે છે : ‘પ્રત્યક્ષપણે દવા ખાઉં છું અને પરોક્ષપણે ગાળ ખાઉં છું - આ રીતે મારો શુભ માઘ માસ પણ પૂરો થવા આવ્યો. નાડી બિલકુલ બંધ ન થાય ત્યાં સુધી દેશના સોકો માફ કરનાર નથી. પરંતુ મારું નસીબ એવું છે કે જમનો દૂત આવે છે, પણ રથ આવતો નથી - એટલે સ્મરણસભામાં જેઓ વિલાપ કરત, તેઓ સાહિત્યસભામાં કડવા વેણ કાઢે છે.’ (પૃ. ૧૬૫). રવીન્દ્રનાથને સભા સમિતિઓમાં લઈ જવા માટે કે તેમનું સમ્માન કરવા માટે આયોજન કરનારાઓની પરંપરા બની રહેતી. એક પત્રમાં લખે છે : ‘આ વરસના રવીન્દ્રમેઘ યજ્ઞની ઉપક્રમણિકા તમારા લોકોને હાથે જ છો પતી જતી.’ (પૃ. ૧૮૧). પોતાના નામ ‘રવિ’ પર શ્લેષ કરીને અનેક વખતે વિનોદ કર્યો છે. એક પત્રમાં સાંજના પોતે બહાર જવાનું હોઈ બપોરે આવવાનું કહી લખે છે - ‘સાંજે રવિ અંતર્ધાન થશે.’ (પૃ. ૨૬૬). મેં મારા આકાશના નામેરીનાં કિરણોનો મારો સતત વેઠ્યો હતો.‘ (પૃ. ૩૪૭). પોતે કેટલા જાહેર વ્યક્તિ બની ગયા છે તેનો નિર્દેશ કરતાં લખે છે : ‘મારા આકાશમાંના નામેરીની પેઠે મારા ઉદયાસ્તના સમાચાર છાપાંઓમાં છપાતા હોય છે.’ (પૃ. ૨૩૨). ઘણી વાર વિનોદ શબ્દોની લીલામાં પ્રકટ થાય છે. એક પત્રમાં લખે છે, ‘આ પત્ર તારી આપેલી લેખિની વડે લખાય છે - એની ચાલચલગત સારી છે.’ (પૃ. ૩૦૭). પગરખાં રહી ગયાની વાત એક પત્રમાં આ રીતે આવે છે - ‘મારું પાદુકાયુગલ અત્યાર સુધીમાં તારા કરતલગત થયું હશે. ફરી કોઈ વાર મારા પદતલવર્તી થશે તો જીવ હેઠો બેસશે.’ (પૃ.૩૧૧). ઘણી વાર આ વિનોદ પત્રકવિતાઓ દ્વારા છલકાતો. મધની માગણી કરતાં પત્રકાવ્યો તરત ધ્યાનમાં આવે એવું ઉદાહરણ છે. જ્યાં મૈત્રેયી દેવી રહેતાં હતાં તે મંગપુના નારંગીના વનનું મધ વખણાતું. પણ એક વખત મધ મળતું નહોતું. એને અનુષંગે પત્રકાવ્યોનો વિનિમય થયો. પછી મધ પણ મળ્યું, ફરી ફરી મોકલ્યું. દરેક વખતે સામે કવિતા મળી. એ કવિતાઓ મૈત્રેયી દેવીએ આપણને સુલભ કરી આપી કવિની વિનોદવૃત્તિમાં આપણને સહભાગી બનાવ્યા છે. આ ગ્રંથના વાચકોને પૃ. ૩૨૪થી શરૂ કરી ૩૩૦ સુધી એ મધુ-ચર્ચાનો આસ્વાદ મળશે. રવીન્દ્રનાથ હાસપરિહાસમાં એટલા રાચે છે કે ઘણી વાર તો થાય કે ‘કવિ સાર્વભૌમ’ તે આ? એક પ્રસંગ મૈત્રેયી દેવી ટાંકે છે. એક વાર અગાઉથી આયોજિત સભા માટે કવિને લેવા માટે તેઓ જાય છે. ત્યાં કવિ નિર્વિકાર ભાવે કહે છે, ‘તું એકાએક કવખતે ક્યાંથી?’ મૈત્રેયી દેવીએ કહ્યું, ‘હું તમને લેવા આવી છું.’ કવિએ કહ્યું કે ‘હું તો બિલકુલ ભૂલી જ ગયો હતો....આ બધા મને ચંદનનગર લઈ જવા આવ્યા છે.’ મૈત્રેયી દેવી તો ગભરાઈ જાય છે. પણ પછી કવિ કહે છે - ‘તને છેતરવી એ બહુ સહેલું છે. જોતી નથી તારી રાહ જોતો કેવો બનીઠનીને બેઠો છું.’ મૈત્રેયી દેવી નોંધે છે :

‘આ હતા માણસ રવીન્દ્રનાથ. વાતવાતમાં ગમ્મત કરવી, છેતરવું, કોઈને
મૂંઝવણમાં નાખવું, ભૂતનો ભય દેખાડવો - એ બધાંમાં નાની ઉંમરનાંને પણ
હરાવી દેતા.’ (પૃ. ૧૮૭)

છતાં પણ આ ગ્રંથ વાંચતાં અંતે જતાં વિનોદનો ભાવ ચિત્ત પર છવાઈ જાય છે, કેમકે એ વિષાદને લેખિકાને થતા અંગત પરિતાપની આત્મગ્લાનિનોય સ્પર્શ છે. તેમને એવો વસવસો રહી ગયો છે કે રવીન્દ્રનાથની જેટલી સેવા કરવી જોઈતી હતી, તેમને જેટલું સાહચર્ય આપવું જોઈતું હતું તેટલું તે આપૂ શક્યાં નહિ. એ ભાવની અભિવ્યક્તિ ગ્રંથને અંતે જતાં કલાત્મકતાની કોટિએ પહોંચી જાય છે. કોઈ એક પત્ર એટલે એક પ્રકારની અંતરંગતા. રવીન્દ્રનાથે અનેક પ્રકારના લોકોને અનેક રીતના પત્રો લખ્યા છે. પરંતુ અહીં મુખ્યત્વે એક વ્યક્તિવિશેષને લખાયેલા પત્રો છે. છતાં પત્રે પત્રે કેવી જાત જાતની છટાઓ પ્રકટે છે, કેટલાંક તો મનોરમ પત્રકાવ્યો છે. સાદા બેચાર લીટીના પત્રમાં પણ એકાદ રાવીન્દ્રિક સ્પર્શનો ઝબકારો આવ્યા વિના ન રહે. રવીન્દ્રનાથના પત્રસાહિત્યમાં સૌથી ઉત્તમ તો ગઈ સદીનાં અંતિમ ચરણ (૧૮૫૫થી ૧૮૯૫)માં લખાયેલા ‘છિન્નપત્ર’ નામથિ સંગૃહીત થયેલા પત્રો છે. એ વખતે એ પત્રો ભવિષ્યમાં પ્રકટ થશે એની પત્રલેખકને લવલેશ શંકા નથી, પણ રવીન્દ્રનાથના જીવનના ઉત્તરાર્ધમાં લખાતા પત્રો વિષે એવું નથી. એ પત્રોમાં એક સભાનતા છે. કેટલાક પત્રો એક વ્યક્તિને લખાયેલા છતાં જાણે અનેક માટેના છે. તેમ છતાં એ પત્રોનું સૌંદર્ય ઓછું નથી. કવિએ મૈત્રેયી દેવીને પોતાની ઉતરવયમાં નિકટ સ્વજનોમાંના એક ગણ્યાં છે, અને એટલે પેલી સભાનતાને અતિક્રમી જઈને સહજ અંતરંગતા પ્રકટે છે. એ પત્રોને આધારે રચાયેલો આ ગ્રંથ છે, જેમાંથી પ્રકટે છે, આરંભમાં કહ્યું છે તેમ ઉત્તરવયના રવીન્દ્રનાથની અંતરંગ છવિ. લેખિકાએ લખ્યું છે : (પૃ. ૨૫)

‘કવિના અંતિમ વયના પત્રોને આધારે હું આ જે ચિત્ર રચું છું તેમાં વાચક
કદાચ કોઈ ઊંડું જટિલ તત્ત્વ ના પણ પામે, કોઈ સમસ્યાની ચર્ચા પણ નહિ
મળે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણ કશું જ નથી - છે માત્ર એક
અસ્તોન્મુખ વિરાટ પ્રતિભાના અંતરાત્માની સાક્ષી - જેઓ રોગ કે વાર્ધક્યથી
પરાજિત થયા નથી - પ્રેમનું અકૃપણ ઝરણું એ જ જેમની સમગ્ર શક્તિ અને
સમગ્ર પ્રેરણાનું મૂળ છે. મારા વાચકો અહીં તે જ કવિને જોવા પામશે જેઓ

નાનામાં નાના માણસની ભક્તિ અને પ્રેમને ‘પ્રકૃતિના દાન’ની પેઠે ‘રસપૂર્ણ આકાશની વાણી’ની પેઠે ગ્રગણ કરી શકે છે, જેમનો અંતિમ ઉદ્‌ગાર છે–

"એ વિશ્વેરે ભાલોબાસિયાછિ
એ ભાલોબાસાઈ સત્ય એ જન્મેર દાન."

—આ વિશ્વ ઉપર મેં પ્રેમ કર્યો છે, એ પ્રેમ જ આ જન્મનું સાચું દાન છે. રવીન્દ્રનાથની કવિતામાં અનેક વાર આવે છે કે મેં આ જગતને પ્રેમ કર્યો છે. ‘સ્વર્ગેર કાછાકાછિ’ (સ્વર્ગની લગોલગ) શબ્દો તેમની ‘જન્મદિન’ નામની એક કવિતામાં આ પ્રેમના સંદર્ભમાં પ્રયોજાયા છે. એમાં આ પ્રેમ સ્વર્ગની લગોલગ લઈ જાય છે એ ભાવ પ્રકટ થયો છે. પોતાના આ પુસ્તકના શીર્ષક માટે મૈત્રેયી દેવીએ ‘જન્મદિન’ કવિતામાંથી ‘સ્વર્ગેર કાછાકાછિ’ શબ્દો અને એનો ભાવ લીધાં છે. કવિ રવીન્દ્રનાથ પાસેથી એમને જે મળ્યું છે તેની લાગણીભરી રીતે વાત કરતાં લખે છે : ‘....તેમની દૃષ્ટિ મારફતે અમે જોયું છે અનિવર્ચનીયને, પામ્યાં છીએ અપ્રાપ્યને. તેમના સંસ્પર્શથી અંતરતમ આનંદઝરણનો બંધ ખૂલી જતાં લીલાસાગરનો પ્રવાહ ઊતરી આવ્યો છે અને અમે પહોંચી ગયાં છીએ ‘સ્વર્ગની લગોલગ.’ (પૃ. ૩૩૫) આ ગ્રંથ વાંચતાં રવીન્દ્રાનુરાગી ભાવક પણ એવા ભાવની લગોલગ પહોંચી જશે. શ્રી નગીનદાસ પારેખ એટલે ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનના વિદ્યાર્થી. ગાંધીજી અને રવીન્દ્રનાથ તેમના જીવનવ્યવહારમાં, શીલમાં વણાઈ ગયા છે, અને શીલ તેવી શૈલી એ ન્યાયે તેમની લેખનરીતિ ઘડાઈ છે, - સરલ અને સુંદર. આ ગ્રંથ અલબત્ત અનુવાદ છે, પણ એ તો વચ્ચે આવતી બંગાળી કાવ્યપંક્તિઓથી જ યાદ આવે. માત્ર રવીન્દ્રનાથ કે તેમના વિષે લગભગ ૩૫ પુસ્તકો તેમણે ગુજરાતીમાં આપ્યાં છે, તેમાં રવીન્દ્રનાથની ઉત્તરકવિતાની વિવેચનાનો અબૂ સઇદ ઐયૂબનો પ્રશિષ્ટ ગ્રંથ ‘પાન્થજનના સખા’ થોડાં વર્ષ પૂર્વે તેમણે આપણને આપ્યો હતો. રવીન્દ્રનાથના ઉત્તરજીવનની અંતરંગ છવિ આલેખતો આ ગ્રંથ આપતાં તેઓ પુનઃ આપણા અભિવાદનના અધિકારી બને છે.

પરબ, ૧૯૮૫
(સાહિત્યક પરંપરાનો વિસ્તાર)

૦૦૦


  1. * ‘સ્વર્ગની લગોલગ’ (મૈત્રેયી દેવી, અનુ. નગીનદાસ પારેખ)નો પ્રાસ્તાવિક લેખ.