યુરોપ-અનુભવ/યુરોપ : કલ્પના અને વાસ્તવ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુરોપ : કલ્પના અને વાસ્તવ}} {{Poem2Open}} ગંગા, યમુના, બ્રહ્મપુત્ર,...") |
(No difference)
|
Revision as of 16:25, 22 July 2021
ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, નર્મદા, કાવેરી કે તુંગભદ્રા જેવી લોકમાતાઓનું મને અપાર આકર્ષણ રહ્યું છે, એવું આકર્ષણ ઘણી વાર ટેમ્સ, સેન, રાઇન, ડાન્યુબ કે ટાઇબરનું પણ અનુભવાય. પરંતુ, ગંગાને ખોળે તો ઇચ્છા કરીએ કે પહોંચી જવાય. પૂર્વમાં દૂર બ્રહ્મપુત્ર અને દક્ષિણમાં દૂર કાવેરીને કાંઠે પણ, વાર લાગે છતાં પહોંચી જઈએ. પણ, લંડન જેના કિનારે વસ્યું છે તે ટેમ્સ, પૅરિસ જેના કિનારે વસ્યું છે તે સેન, રોમ જેના કિનારે વસ્યું છે તે ટાઇબર, જર્મનીની રાઇન કે ઑસ્ટ્રિયાની ડાન્યુબને તો માત્ર કલ્પનામાં જ વહેતી જોઈ છે. ક્યારેક શેક્સ્પિયરના ગામની પેલી ઍવન નદી જેને કાંઠે સ્ટ્રૅટફર્ડ વસ્યું છે તેના વહેણમાં તરતા હંસોનાં કલ્પિત ચિત્રો જોયાં છે અને ‘લવર્સવૉક’ નામે જાણીતા માર્ગ પર કલ્પનામાં ચાલ્યો છું. રાઇન નદીના કાંઠેની પહાડીઓ પર જૂના કોટ-કિલ્લા પણ સ્વપ્નામાં જોયા છે. અનેક વાર દૂરના યુરોપીય ઇતિહાસ અને એની વર્તમાન ભૂગોળના મિલનબિંદુની કોઈ ધરી ઉપર ઊભા હોઈએ એવો અનુભવ, શેક્સ્પિયરનાં અને ગેટેનાં નાટકો કે હોમરનાં ઇલિયડ-ઓડેસી, રિલ્કેની એલીજી કે બોદલેરની પૅરિસ વિષેની કવિતાઓ વાંચતાં થયો છે. કાફકાના બંધ દરવાજાવાળા કિલ્લાની રાંગે રાંગે જાકારો પામવાનો અનુભવ પણ થયો છે. કવિતામાં – કલ્પનામાં યુરોપને જોયા કર્યું છે. પ્રાહા(પ્રાગ)ના કે વિન(વિયેના)ના માર્ગો પર ચાલ્યો છું, જર્મનીનાં શ્યામ અરણ્યોમાં ભૂલો પડ્યો છું, ઍથેન્સની એક્રૉપોલીસનાં ભવ્ય ખંડેરોની ટેકરી પર ભમ્યો છું. આ બધું, પણ કેવળ કલ્પનામાં જ.
કવિ ઉમાશંકરે એક વાર ઈશાન ભારત – અસમ વગેરે વિસ્તારોનો પ્રવાસ કર્યો. પછી કહે : ‘તમારે પણ એક વાર ત્યાં જવું જોઈએ.’ ભાગ્યજોગે એવું બન્યું પણ ખરું. મેં પૂર્વોત્તરના એ વિસ્તારોનો પ્રવાસ કર્યો. પછી કવિએ એમની પુત્રીઓ – નંદિની અને સ્વાતિ સાથે – યુરોપનો પ્રવાસ કર્યો. ત્યાંથી પાછા આવીને હસતાં હસતાં સ્વાતિ કહે : ‘હવે તમારે યુરોપની યાત્રા પણ કરવી રહી.’ મનમાં બીજ તો રોપાઈ ગયું. મહેન્દ્ર મેઘાણીનો પણ એવો આગ્રહ ખરો કે, યુરોપ તો જવું જ જોઈએ. પણ પછી આખું એક વર્ષ હું શાંતિનિકેતન રહ્યો. એમણે તો લખ્યું પણ ખરું કે પશ્ચિમમાં જવાને બદલે પૂર્વમાં શાંતિનિકેતન પહોંચી ગયા!
ડૉ. અનિલા દલાલે એક વાર દરખાસ્ત મૂકી : યુરોપ જવું જોઈએ. વાત જરા અસંભવિત લાગતાં મેં હસીને પ્રતિપ્રશ્ન કર્યો – આપણે યુરોપ ક્યાં નથી ગયાં? યુરોપીય સાહિત્યની ઉત્તમ કૃતિઓ વાંચતાં કે શ્રેષ્ઠ કલાકારોનાં શિલ્પો – ચિત્રોના ફોટા જોતાં, ત્યાંના દાર્શનિકો – ચિંતકોના વિચારો વાગોળતાં, એનો ઇતિહાસ વાંચતાં, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓનો ખ્યાલ કરતાં, આધુનિક સભ્યતા અને સંસ્કૃતિના અગ્રગામી યુરોપથી દુનિયામાં કોઈ પણ દેશમાં વસતો પ્રબુદ્ધ નાગરિક ભાગ્યે જ બહુ દૂર હોય!
પણ, ખરેખર યુરોપ જવું એટલે? યુરોપ જવું એટલે પાસપૉર્ટ કઢાવવો, જુદા જુદા દેશોના વિસા મેળવવા, વિમાનની કે ટ્રેનની ટિકિટો ખરીદવી અને એ સફરનાં સમયપત્રકોને જાણી લેવાં, ઉપરાંત ફરી એક વાર જુદા જુદા દેશના ઇતિહાસ, કલા, સંસ્કૃતિના વારસાનો પણ પરિચય મેળવવો. જર્મન શીખેલા તે ફરી કંઈ નહિ તોયે જર્મની, ઑસ્ટ્રિયા કે સ્વિત્ઝર્લૅન્ડના કેટલાક ભાગમાં વ્યવહાર ચલાવવા માટે એને ફરી તાજી કરવી અને ત્યાં રહેતા હોય એવા કેટલાક મિત્રોના સંપર્ક કરી લેવા. ત્યાં જઈ આવેલા અને રોમ કે પૅરિસની ગલીગલીમાં પગે ચાલેલા કોઈ કવિ નિરંજન ભગતને મળી જાણવું જોઈએ કે કઈ રેસ્ટોરાંમાં કોણ લેખક બેસતા. રોમમાં કીટ્સનું અને પૅરિસમાં હ્યુગોનું ઘર ક્યાં આવ્યું? યુરોપનાં નાનાંમોટાં નગરોમાં અસંખ્ય મ્યુઝિયમો છે. કયા પ્રસિદ્ધ કલાકારોની કૃતિઓ ક્યાં છે, એની જાણકારી મેળવવી જેથી મ્યુઝિયમમાં શોધીને એ પર આંખ ઠેરવી આંખને ધન્ય કરી શકાય. નાટક, સંગીત – વિશેષે યુરોપીય સંગીત-ના જલસાઓની પણ ક્યાંક એક-બે ધૂન સાંભળી શકાય એવો જોગ ખાય એમ છે કે નહિ એની તપાસ કરવી.
પણ, એ સાથે યુરોપ જવું એટલે? ખાસ તો કોઈ એસઓટીસી કે ટીસીઆઈ દ્વારા આયોજિત ટૂરમાં ન જોડાતાં પોતાની મેળે જ પ્રવાસ કરવાનો હોય ત્યારે નગરોના નકશા જાણવા, સસ્તી હોટેલો અને હોસ્ટેલોની માહિતી મેળવવી, બને તો ઇટીનરરી-પ્રવાસનાં નિશ્ચિત સ્થળોની, નિશ્ચિત તારીખો નક્કી કરી રિઝર્વેશન કરાવવાં. ભારતીય ખોરાક – ખાસ તો શાકાહારી ખોરાક – આપતી રેસ્તોરાંનાં નામ જાણવા – આ બધું પણ એમાં આવી જાય. ખાસ્સું આયોજન! આપણો રૂપિયો જ્યારે પાણીના મૂલનો થઈ ગયો છે ત્યારે આપણે તો અત્યંત મોંઘા લાગતા ડૉલર, પાઉંડ, માર્કના વિનિમયનો દર પણ ખ્યાલમાં લેવો પડે. અને એ રીતે સમગ્ર યાત્રા માટે થનાર વિપુલ ખર્ચને પહોંચી વળવા પૈસાની વ્યવસ્થા પણ કરવી પડે.
અમે – ઉમાશંકર જોશી, સ્વાતિ જોશી અને નંદિની જોશી – એ પિતા-પુત્રીઓએ લખેલી ‘યુરોપયાત્રા’ ચોપડી વાંચી. કદાચ એમાંથી પ્રેરણા લઈને અનિલાબહેને કહ્યું કે, આપણે પણ યુરેઇલનો પાસ કઢાવીએ. આ યુરેઇલપાસ એટલે પશ્ચિમ યુરોપના લગભગ પંદર જેટલા દેશોમાં રેલવેયાત્રા કરવાની ટિકિટ. અહીં ભારતમાંથી જ એ પાસ ખરીદ કરવાનો. અઠવાડિયાનો, પંદર દિવસનો કે મહિનાનો મળે. પશ્ચિમ યુરોપના કોઈ પણ દેશની ટ્રેનમાં સવાર થઈ જાઓ અને એ રીતે યુરોપદર્શન કરી શકો.
આ દેશોમાં ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેન્માર્ક, પશ્ચિમ જર્મની, ફ્રાન્સ, ગ્રીસ, હંગેરી, ઇટલી, લક્ઝમબર્ગ, નેધરલૅન્ડ, સ્વિત્ઝર્લૅન્ડ, સ્પેન – એ બધા દેશો આવી જાય. હંગેરી પણ અદ્ભુત. યુરેઇલ પાસની બુકલેટ જોતાં જાણે પવનપાવડીમાં બેસી આ બધા દેશોમાં મન ઊડવા લાગ્યું. હેથા નય, હેથા નય – અહીં નહિ, અહીં નહિ પણ હવે કોઈ બીજા દેશમાં, કોઈ દૂર દેશમાં. આ યાત્રામાં થોડી અગવડ તો પડે, પણ અગવડોનો પણ વૈભવ હોય. ઊતરવાનું નગર મોંઘું પડે તો રાતની ગાડીમાં આગળ જઈ સવારે એ નગરમાં પહોંચીએ એમ પાછા પણ આવી શકાય. વળી, માત્ર ગાડીઓમાં જ નહિ, ઇટલીથી ગ્રીસ જવું હોય તો યુરેઇલપાસ બોટમાં પણ ચાલે અને રાઇન નદીમાં નૌકાપ્રવાસ કરવો હોય તોપણ યુરેઇલપાસ ચાલે અને સ્વિટ્ઝર્લૅન્ડનાં સરોવરોમાં બોટની સહેલગાહ પણ મળી શકે. બુકલેટમાં તો લખ્યું છે કે, ક્યારેક તો વિમાન કરતાં પણ ત્યાંની કેટલીક રેલગાડીઓમાં ઝડપી પહોંચાય અને ગાડીની મોટી મોટી બારીઓમાંથી ત્યાંની ભૂમિને જોવાનો અદ્ભુત આનંદ પણ પામતા જવાય. યુરોપ જવાનો વિચાર પાકો થવા લાગ્યો : બસ જઈએ જ ત્યારે.
એસઓટીસીનાં અમદાવાદનાં મૅનેજર પ્રીતિબહેનને મળી યુરેઇલની બધી વિગતો જાણી. પછી તોરલ યુરેઇલનું મોટું ટાઇમટેબલ પણ લઈ આવી. અમે ટાઇમટેબલનો અભ્યાસ કરવા લાગી ગયાં. ક્યાંથી ક્યાં? કેટલો સમય? કયા નગરમાં રાત રોકાવું અને કયા નગરને રાત પડતાં તજી દેવું વગેરે. અમારી સફર હજી તો આયોજનના તબક્કે જ હતી ત્યાં રૂપા-દીપ્તિએ એમાં પણ જોડાવાની ઇચ્છા દર્શાવી.
યુરોપની હોટલો એટલી બધી મોંઘી હોય કે, આપણા જેવા સામાન્ય પ્રવાસીને તો પોષાય જ નહિ. ડૉલરમાં, પાઉન્ડમાં કે માર્કમાં, એક રાતના એક વ્યક્તિના રોકાવાના ભાવ વાંચીએ ને પાઉન્ડ-ડૉલરને રૂપિયામાં ફેરવીએ કે થાય : આટલા બધા રૂપિયા? ‘યુરોપમાં ૨૫ ડોલરમાં એક દિવસ’ તો, ‘ચાલો યુરોપ જઈએ’ એવી અંગ્રેજીમાં છેલ્લામાં છેલ્લી માહિતી આપતી માર્ગદર્શક પુસ્તિકાઓ પણ અમે ભેગી કરવા લાગ્યાં. કલાનાં પુસ્તકો પણ આવવા લાગ્યાં. ત્યાં મુંબઈના શ્રી જગદીશ પરીખે કહ્યું કે, તમે સર્વાસ (Servas) સંસ્થાના સભ્ય બની જાઓ. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે વિશ્વશાંતિ, ભાઈચારા માટે પ્રયત્નશીલ છે. આ સંસ્થાના સભ્ય બનો એટલે તમને જુદા જુદા દેશોમાં એ સંસ્થાના સભ્યોની નામાવલિ અને સરનામાં મળે. એ સભ્યો જો એમને અનુકૂળ હોય તો તમને પોતાને ત્યાં બે દિવસ રહેવાનું ગોઠવે. એવી રીતે એ ભારતમાં આવે તો આપણે એમનું આતિથ્ય કરીએ. અનિલાબહેન સર્વાસનાં સભ્ય બન્યાં. એ પછી મહત્ત્વનું કામ તે, જે જે નગરમાં રાત રોકાવાનો ખ્યાલ હોય ત્યાંના સર્વાસના સભ્યોને પત્ર લખવાનું હતું. ઝેવિયર્સના જ્યૉર્જ કંથારિયાએ સલાહ આપી : વાયએમસીએ — યંગ મેન્સ ક્રિશ્ચિયન એસોસિએશનના સભ્ય બનો. હું એનો સભ્ય બન્યો. દેશપરદેશમાં એની હોસ્ટેલો છે. ખાસ તો પૅરિસમાં અમને ઊતરવાની મૂંઝવણ હતી, ત્યાં વાયએમસીએમાં પત્ર લખ્યો. શ્રી નિરંજન ભગતે રોમમાં કુ. એલેના બાર્તોલિને પત્ર લખી રોમમાં પોતે જે અતિથિગૃહમાં રહેતા ત્યાં અમને પણ ઉતારો મળે એવી ભલામણ કરતો પત્ર લખ્યો.
લંડનમાં, જર્મનીમાં, ઑસ્ટ્રિયામાં, ઇટલીમાં મિત્રોને પત્ર લખ્યા. શ્રી શાંતિભાઈ વૈદ્ય એસ. વી. આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થી હતા. અમારા કેટલાક સ્નેહીઓ તેમને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે ક્યારેક રહેલા. અનિલાબહેને આ રીતે અમને એમને ત્યાં વ્યવસ્થા કરવા પત્ર લખ્યો. જાણે ગુરુઋણ ચૂકવતા હોય તેમ તેમનો પત્ર આવ્યો : ‘જરૂ૨ અમારે ત્યાં આવો. પણ, પેઇંગ ગેસ્ટ તરીકે નહિ, અમારા ગેસ્ટ તરીકે આવો.’ પત્રમાં તેમણે અનિલાબહેન પાસે અંગ્રેજી ભણ્યાની વાત પણ લખી હતી. તેમણે લખ્યું હતું: ‘હું હિથ્રો પર લેવા આવીશ’. યુરોપયાત્રાનો નકશો જાણે તૈયાર થતો ચાલ્યો. શું સાચે જ અમે યુરોપ જઈ રહ્યાં છીએ! કલ્પના વાસ્તવ બનશે? ખરેખર, પૅરિસમાં સેનને કાંઠે સંધ્યાસમયે ચાલીશું? રાઇનમાં નૌકાયાત્રા કરતાં કાંઠા પરના ગઢ જોઈશું? ટાઇબરને કાંઠે રોમનગરીમાં ભમીશું? ભૂમધ્યનાં ભૂરાં પાણીનાં દર્શન કરીશું?