યુરોપ-અનુભવ/બ્રસેલ્સ – પ્રથમ ગ્રાસે...: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બ્રસેલ્સ – પ્રથમ ગ્રાસે...}} {{Poem2Open}} યુરોપમાં અમારું પ્રથમ ગં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 76: | Line 76: | ||
સૂઈ ગયાં, પણ ઊંઘ ક્યાં આવે તેમ હતું! | સૂઈ ગયાં, પણ ઊંઘ ક્યાં આવે તેમ હતું! | ||
{{ | {{Poem2Close}} |
Revision as of 16:48, 22 July 2021
યુરોપમાં અમારું પ્રથમ ગંતવ્યસ્થાન બેલ્જિયમ હતું. તેમાં પણ તેની રાજધાની બ્રસેલ્સ. અમારી બોટનું નામ હતું : પ્રિન્સેસ મારિયા એસમિરાલ્ડા. બહુ ઓછાં પ્રવાસીઓ હતાં. છતાં અમારી પ્રિન્સેસે સમયસર લંગર ઉપાડ્યાં હતાં. એક વાર આ વિશાળ બોટમાં સ્થાન ગ્રહણ કર્યા પછી, અમારી કુતૂહલવૃત્તિ અમને ચંચળ કરી રહી. અમે તો તેના જુદા જુદા વિભાગોમાં ફરવા માંડ્યું. પ્રિન્સેસના બે માળ અને તેની ઉપર ડેક સુધી પહોંચી ગયાં. ઊછળતાં સાગરમોજાં સૂર્યપ્રકાશમાં ચમકતાં હતાં. લગભગ ચાર કલાકની અમારી બોટયાત્રાને અંતે અમે ઑસ્ટેન્ડ બંદરે ઊતર્યાં. ઑસ્ટેન્ડની ઘડિયાળ યુ.કે. કરતાં એક કલાક આગળનો સમય બતાવતી હતી. અમારી ગણતરી પ્રમાણે ત્રણ વાગ્યે પહોંચવાનું હતું તેને બદલે, ત્યાંના સમયની રીતે ચાર વાગ્યે પહોંચ્યાં.
ઊતર્યા પછી પહેલું કામ કાઉન્ટર પર અમારા યુરેઇલ(રેલવે) પાસનું ‘વેલિડેશન’ કરાવવાનું હતું. પંદર પંદર દિવસના અમે બે અલગ અલગ પાસ લીધા હતા. પંદર દિવસના કાર્ડ પર સહીસિક્કા ને પ્રવાસ શરૂ થયાની તારીખ-સમય નોંધાઈ ગયાં. અમે તરત બ્રસેલ્સ જતી ગાડીમાં બેસી ગયાં.
યુરોપની આ ગાડીઓ વિષે તો અલગ પ્રકરણ લખવાનું મન થાય. ગાડીના ડબ્બાઓની સ્વચ્છતા અને સંરચના! મોટી મોટી બારીઓના કાચમાંથી યુરોપની ધરતી જોવાનું સ્વપ્ન સિદ્ધ થઈ રહ્યું હતું. થયું : સાચે જ યુરોપની ભૂમિ પર છીએ? હરિયાળી ધરતી અને વચ્ચે વચ્ચે વૃક્ષોની અરણ્યાનિ. પશુઓ નિરાંતે ચરતાં હતાં. વૃન્દાવન આનાથી શું વિશેષ હશે? વૃક્ષોમાં પોપ્લર, ફર વગેરે.
અમારો વિચાર ઉમાશંકર જોશીને પગલે – બ્રસેલ્સ ચૉક જોઈ, પછી આમસ્ટરડામ સુધી પહોંચી જવાનો હતો.
અમારો સામાન બ્રસેલ્સ નૉર્મ(નૉર્થ)ના સ્ટેશન પરના લૉકર્સમાં મૂકી અમે ચૉક જોવા નીકળી પડ્યાં. બધી ગોઠવણ અનિલાબહેન અને દીપ્તિ ફટાફટ નિર્ણય લઈને કરે. પાઉન્ડમાંથી સ્થાનિક ચલણ પણ લઈ લીધું. પાંચ લૉકર્સની ચાવીઓ એમણે મને સાચવવા આપી. મેં એ લઈને પાઉચમાં મૂકી અને પાઉચ બગલથેલામાં.
ઘડિયાળ સમય બતાવતી હતી સાંજના ૬-૩૦નો. પણ, બપોર જેટલાં અજવાળાં હતાં. પછી ખબર પડી કે, જૂનમાં બ્રસેલ્સમાં સૂરજનાં અજવાળાં રાતના નવ-દશ સુધી રહે છે. બ્રસેલ્સના ચૉકની પ્રશંસા ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોએ પણ કરી છે. પણ એને કરી કે ન કરી, કવિ ઉમાશંકર અને એમની પુત્રીઓ નંદિની – સ્વાતિની યુરોપયાત્રાના પુસ્તકમાં એની પ્રશંસા હતી જ.
સ્ટેશનથી ચાલતાં જે માર્ગે અમે ચૉક ભણી નીકળ્યાં તે માર્ગો પર રેસ્ટોરાંઓ જ રેસ્ટોરાંઓ. બધી રેસ્ટોરાંઓએ બહાર માર્ગની નજીકમાં ખુરશીટેબલો ગોઠવી દીધેલાં. નેતરની નાની નાની ખુરશીઓ, ટેબલો. બધી ગલીઓ-માર્ગોની ફૂટપાથો રંગબેરંગી પોશાકોથી ઊભરાતાં હતાં. ખુરશીટેબલની ગોઠવણી એવી કે, ત્યાં બેસી પડી કૉફીનાસ્તો કરવા લલચાઈ જવાય. દરેક ટેબલ પર પુષ્પોની કળાત્મક ગોઠવણી. ટેબલક્લોથ પણ – આપણે જેને કહીએ – ‘ફૅન્સી’. બ્રસેલ્સના લોકોને શું ખાણીપીણીમાં આટલો બધો રસ હશે? કે પછી સાંજ વેળાએ ઘેર જઈ ડિનર લીધા પહેલાં અહીં આવી આ બધી રોડસાઇડ કાફેની લિજ્જત લેવાનું મન થતું હશે? બ્રસેલ્સવાસીઓનો જીવનરસ જાણે અહીં છલકાતો ન હોય!
છેવટે, અમે બ્રસેલ્સના પ્રસિદ્ધ ચૉકમાં પહોંચી ગયાં. આ ચૉક પણ માણસો – નરનારીઓથી છલકાતો હતો અને તેની પણ ચારેબાજુએ કાફે અને રેસ્ટોરાં. બ્રસેલ્સના આ ચૉકમાં દોડતા અશ્વની પ્રતિમા પ્રભાવક હતી. મકાનો જૂની પદ્ધતિનાં પરંતુ, થાંભલા અને આડી છત જ્યાં બહાર પડતાં હોય ત્યાં કોતરણી કે શિલ્પ. કેટલાકને સોનેરી ઢોળ ચઢાવેલો. સત્તરમી સદીમાં બંધાયેલો ટાઉનહૉલ હતો. અનેક પ્રવાસીઓ, લોકોની વચ્ચે અમે પણ ચૉકમાં દૂધનું કેન અને અમારો નાસ્તો લઈને બેસી ગયાં.
અમે રાત ગાડીમાં જ પસાર કરવાનું વિચાર્યું. બ્રસેલ્સમાં રાત રોકાવાનો હોટલનો ખર્ચો બચી જાય. અહીંથી ગાડીમાં આમસ્ટારડામ જવું અને રાત્રે જ ત્યાંથી પાછા બ્રસેલ્સ આવી, સામાન લઈ, વળી પાછા આમસ્ટરડામ જવું. દિવસ દરમ્યાન નિરાંતે ત્યાં ફરવું.
ચૉકમાંથી ચાલતાં ચાલતાં માર્કેટ વિસ્તારમાં થઈ નીકળ્યાં. બેલ્જિયમના ગ્લાસ તો જાણીતા જ છે. દુકાનોમાં ગ્લાસનું કટવર્ક, હીરા અને લેસનું બારીક કામ નજરમાં વસી જતું હતું.
હજી તો તડકો હતો. ૮-૩૦ વાગ્યે સ્ટેશને પહોંચ્યાં. ત્યારે બ્રસેલ્સથી આમસ્ટરડામ જતી ગાડી ઊપડવામાં હતી તેમાં બેસી ગયાં – વળતી ગાડીમાં પાછા આવવાના ખ્યાલ સાથે. પરંતુ, લગભગ ૧૨ વાગ્યે આમસ્ટરડામ પહોંચ્યા પછી ખબર પડી કે, હવે અહીંથી રાતના બ્રસેલ્સ તરફ જતી કોઈ ગાડી જ નથી! સ્ટેશન પર પણ રાત કાઢી શકાય એમ નહોતું, કેમ કે સ્ટેશન રાતના બંધ થઈ જતું! કોઈ ઉતારુને બેસવા પણ ન દે. એટલે હવે આ મહાનગરમાં મધરાતે સ્ટેશન બહાર નીકળી નજીકની એકાદ સસ્તી હોટલ શોધી કાઢવી પડે તેમ હતું.
આમસ્ટરડામના સ્ટેશનની બહાર નીકળ્યાં ત્યારે મધરાત, છતાં અનેક હિપ્પીઓ – કદાચ કલાકારો પણ હોય – નાનામોટા ગ્રૂપમાં બેસી બિયર પીતા કે વાજિંત્રો વગાડતા પોતાની મસ્તીમાં હતા. મુખ્ય સડક પરની એક સસ્તી હોટલમાં પાંચ પથારીઓનો એક કૉમનરૂમ મળી ગયો. એનાં બારણાં બરાબર બંધ થવા છતાં અંદરથી સાંકળ તો ઢીલી રહેતી. અમારે તો માત્ર ચારપાંચ કલાક જ વીતાવવા હતા.
આમસ્ટરડામમાં રાત રહી પડવાનું થતાં અમે અમારી યોજના જરા બદલી. હવે આમસ્ટરડામનાં મહત્ત્વનાં સ્થળો, મ્યુઝિયમો ઉપરાંત નજીક આવેલા ટ્યૂલિપ પુષ્પોના બાગ આદિની મુલાકાત લઈ સાંજે જ બ્રસેલ્સ જવું. સવારમાં એ જ હોટલના નીચેના રેસ્ટોરાંમાં નાસ્તો કરી લાઇદન હાર્લેમ તરફની ગાડીમાં બેસી ગયાં, ટ્યૂલિપદર્શને. પણ ટ્યૂલિપની પુરબહાર મોસમ પતી ગઈ હતી, થોડાં સફેદ અને જાંબલી ટ્યૂલિપની બેડ્જ જોવા મળી. વળતી ટ્રેનમાં મુખ્ય સ્ટેશને પાછાં આવી ગયાં.
નગરમાં તો હવે ટ્રામનો ઉપયોગ કરવાનો હતો. અહીં અમારે મુખ્ય તો રિક્સ (Rijsks) મ્યુઝિયમ, રેમ્બ્રોંનું ઘર, અને નવું થયેલ વાન ગોઘનાં ચિત્રોનું અલગ મ્યુઝિયમ પહેલાં જોઈ લેવાં હતાં. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઍન ફ્રૅંકે જે કાતરિયામાં મહિનાઓ સુધી રહી એની પ્રસિદ્ધ ડાયરી લખી હતી, તે મકાન પણ જોવું હતું. ચાલતાં ચાલતાં અનેક નહેરોવાળા આ નગરનો ‘ફિલ’ પણ અનુભવવો હતો. અને યુરોપની ધરતી પર ચાલવાની ‘થ્રિલ’ પણ!
સૌથી પહેલાં રિક્સ મ્યુઝિયમમાં. અહીં ૧૭મી સદીનાં ડચ પેઇન્ટિંગનો સૌથી મોટો સંગ્રહ છે. એમાં રેમ્બ્રોંનું ‘નાઇટવૉચ’ અત્યંત જાણીતું છે. બીજા અનેક ચિત્રકારોનાં પણ ચિત્રો. રિક્સ મ્યુઝિયમની અદ્ભુત ચિત્રસૃષ્ટિમાંથી બહાર નીકળ્યા પછી અમે વાન ગોઘનાં ચિત્રો માટે નવા બનાવેલા અલગ મ્યુઝિયમ તરફ ચાલ્યાં. અભ્યાસના દિવસોમાં વાન ગોઘના જીવન વિષે લખાયેલી ઇરવિંગ સ્ટોનની નવલકથા ‘ધ લસ્ટ ફૉર લાઇફ’ અમારા ગુજરાતીના અધ્યાપક શ્રી મોહનલાલ પટેલના સૌજન્યથી વાંચેલી. આમેય એમણે અમને વિદેશના અનેક લેખકોની સાહિત્યસૃષ્ટિમાં પ્રવેશ કરાવેલો. એ રીતે રૉબર્ટ બ્રાઉનિંગનાં મોનોલોગ કાવ્યોની ચર્ચા કરતાં ઍન્ડ્રિયા ડેલ સાર્ટો, અને ફ્રા લિપો લિપ્પો અને અન્ય ચિત્રકારો વિષે પણ અનેક વાતો કરેલી. વાન ગોઘના પોતાના ચિત્રવિક્રેતા ભાઈ થિયોને સંબોધીને લખેલા પત્રોનો મુખ્ય આધાર લઈ લખાયેલી આ નવલકથા ‘લા મિઝરેબલ’ની જેમ પણ જુદી રીતે પ્રભાવિત કરી ગઈ હતી. આ ચિત્રકારની ચિત્રશૈલી પરંપરાગત ચિત્રોથી તદ્દન જુદી અને નવી હતી. એની ‘પોટેટો ઇટર્સ’ અને ‘સન ફ્લાવર્સ’ જેવી ચિત્રકૃતિઓની વાત કલાજગતનો આછો પરિચય ધરાવનારના મોંએ પણ સાંભળવા મળે. તેમ ચિત્રકલાની એબીસી પણ ન જાણનારનેય ‘ધ લસ્ટ ફૉર લાઇફ’ એક કલાકારના જીવનની ભવ્યકરુણ કથા બેચેન કર્યા વિના ન રહે. ગુજરાતીમાં શ્રી વિનોદ મેઘાણીએ ‘સળગતાં સૂર્યમુખી’ નામથી એનો સુંદર અનુવાદ આપ્યો છે. ભલે રિક્સ મ્યુઝિયમમાં અનેક મહાન કલાકૃતિઓ જોઈ, પણ વાન ગોઘની ચિત્રસૃષ્ટિ પ્રત્યક્ષ નિહાળવા અમે બહુ ઉત્સુક હતાં. અમે મ્યુઝિયમમાં પ્રવેશ માટેની ટિકિટો ખરીદી. કાઉન્ટર પર ઊભેલ બહેને અમારા બગલથેલા, કૅમેરા આદિ અંદર ન લઈ જવા પણ ત્યાં જમા કરાવવાની સૂચના આપી.
મારો બગલથેલો ઉતાર્યો. પણ એ એકદમ હલકો લાગ્યો. થેલામાં હાથ નાખીને જોયું, તો અંદરથી પાઉચ ગુમ! સાથીપ્રવાસીઓએ તો ફટાફટ પોતાના પર્સ આદિ આપી ટોકન પણ લઈ લીધાં હતાં, પણ મને કાઉન્ટર પાસે જ વારંવાર થેલામાં – હાથ નાખતો કે પછી વારંવાર થેલો પહોળો કરી અંદર જોતો જોઈ પૂછ્યું : ‘કેમ, શું શોધો છો?’
મારે કંઠે એ ઠંડા મુલકની ઠંડીમાં પણ શોષ બાઝ્યો. કહ્યું : ‘મારા બગલથેલામાં પાઉચ નથી.’
‘પાઉચ નથી?’ ચારેય સાથીઓના ચહેરા પર ચિંતાની રેખાઓ ઊપસી આવી.
આ પાઉચમાં જ મારા ટ્રાવેલર્સ ચેક, રોકડા ડૉલર તો હતા જ તેમ મારી લંડન-ન્યુયૉર્કની અને ન્યૂયૉર્ક મુંબઈની વિમાની ટિકિટો હતી અને બ્રસેલ્સમાં મૂકેલો સામાન, જે લૉકર્સમાં હતો તેની ચાવીઓ પણ હતી. આ બધું તો કોઈ રીતે મેળવી શકાય, પણ ચિંતા કરાવનારી મુખ્ય વાત તો એ હતી કે એ પાઉચમાં મારો પાસપૉર્ટ પણ હતો.
આ પાસપૉર્ટ જ નહોતો, આ વિદેશની ભૂમિ પર ભારતના નાગરિક હોવાના પ્રમાણ ઉપરાંત, મારી સમગ્ર યાત્રાનું એ જ પ્રવેશપત્ર હતું. યુ.કે. અને યુરોપના દેશોના અને અમેરિકાના વિસા પાસપૉર્ટમાં અંકિત હતા.
ટૂંકમાં કહીએ તો, આ યુરોપીય મહાનગરમાં, પાઉચ જ મારું સર્વસ્વ હતું – અને તે ચોરાઈ ગયું! ખોવાઈ ગયું! પડી ગયું! ટ્યૂલિપ પુષ્પોની યાત્રા વખતે? ટ્રામસ્ટૅન્ડ પર? રિક્સ મ્યુઝિયમમાં તલ્લીન થઈને કલાકૃતિઓ જોતાં કોઈએ ખેંચી લીધું? પેલી રાત્રિ હોટલના કલાકો દરમ્યાન કોઈએ સિફતથી બારણું ઉઘાડી ઉપાડી લીધું? હોટલમાં નાસ્તો કરતાં બાજુમાં મૂકેલા થેલામાંથી કોઈએ તફડંચી કરી?
રોમ કુખ્યાત છે – પાસપૉર્ટની ચોરીઓ માટે – એ જાણતો હતો. પણ આમસ્ટરડામની તો ખબર જ નહિ. કોઈએ ચેતવ્યા પણ નહોતા. ‘રોમમાં – ઇટલીમાં પાસપૉર્ટ સાચવજો –’ એમ કેટલાક અનુભવીઓએ વારંવાર કહ્યું હતું, પણ આ નગર પણ પ્રવાસીઓના પાસપૉર્ટ પૈસાની ચોરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે એ તો પછી આ અનુભવે જ ખબર પડી.
બધા મિત્રો હતપ્રભ થઈ ગયા. અનિલાબહેન કહે : આપણે બે- ત્રણ સ્થળે – પેલી હોટલ આદિ સ્થળે – તપાસ કરીએ. મારા ગભરાયેલા ચહેરાને સ્વસ્થ કરવાનો એ પ્રયાસ હતો.
પાસપૉર્ટ ચોરાયો એ અંગે હવે સૌથી પહેલી કાર્યવાહી પોલીસ ચૉકીએ જઈ ફરિયાદ નોંધાવવાની હતી. હવે અમારી ગતિનું લક્ષ્ય વાન ગોઘની ચિત્રસૃષ્ટિ નહિ, પણ ખોવાયેલો પાઉચ હતો.
આ અજાણ્યા નગરમાં હવે અમારે ભટકવાનું હતું – ચિંતાતુર ચહેરે. પોલીસ સ્ટેશને પહોંચ્યાં. અહીં ભાષાનો પ્રશ્ન પણ હતો. અધિકારીઓ થોડું થોડું અંગ્રેજી સમજે – બોલે. મને ઉપર ઑફિસમાં બોલાવી એક અધિકારી, એક પછી એક નામ અને રાષ્ટ્રીયતાથી શરૂ કરી પ્રશ્નો પૂછતાં પૂછતાં નોંધ પણ ટાઇપ કરતા ગયા. ફરિયાદની એક નકલ આપી કહ્યું : તમે પહેલાં ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાં આ પહોંચ બતાવી તપાસ કરો કે તમારું પાઉચ મળ્યું છે કે નહિ?
પોલીસ ચૉકીથી અમે ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’ વિભાગમાં ગયા. રસ્તે જ રેમ્બ્રોના ઘરનો ખાંચો આવતો હતો, પણ અત્યારે જાણે રેમ્બ્રોની વાત ગૌણ બની ગઈ હતી. લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડમાં ઘણા ચોરાયેલા, ખોવાયેલા પાસપૉર્ટ અને અન્ય ચીજો હતી, પણ મારો પાઉચ કે પાસપૉર્ટ નહોતો. અમને સાંભળવા મળેલું કે કેટલાક પૉકેટમાર કે ઉઠાવગીર પાઉચમાંથી ડૉલર આદિ કાઢી લઈ પાસપૉર્ટ એક સ્થળે ફેંકી દેતા હોય છે. કેટલાકે કહ્યું કે, પાસપૉર્ટમાં ફોટા બદલી દાણચોરો એનો બીજી જ રીતે ઉપયોગ કરતા હોય છે.
મને થતું હતું કે, ભલે ડૉલર જતા અને ભલે ટ્રાવેલર્સ ચેક પણ; બસ માત્ર પાસપૉર્ટ મળી જાય તો બસ. લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટ બંધ થાય ત્યાં સુધી રાહ જોઈ, કદાચ પોલીસને ક્યાંકથી ફેંકી દેવાયેલો મારો પાસપૉર્ટ મળી ગયો હોય! પણ એ આશારહિત આશા હતી. – ઓછામાં પૂરું અમારો સામાન બ્રસેલ્સ સ્ટેશનના લૉકર્સમાં હતો. એ લૉકર્સની ચાવીઓ પણ એ પાઉચમાં હતી. એનો તો કોઈ ઉપાય નીકળશે. પણ હવે અમારે બ્રસેલ્સ પહોંચી જવું જોઈએ. નિસ્તેજ – નિરાશ ચહેરે અમે બ્રસેલ્સની ગાડી પકડી. રસ્તે અનેક તર્કવિતર્ક કરતા રહ્યા. પાઉચ ક્યાંથી ઊપડી ગયો હશે એ ચર્ચા જ મુખ્ય હતી. પાસપૉર્ટનું હવે શું કરવું? એક આશા હતી કે બ્રસેલ્સની ઇન્ડિયન એમ્બસીમાં જઈ કામચલાઉ નવો પાસપૉર્ટ મેળવવા પ્રયત્ન કરવો. પાસપૉર્ટ ન હોય તો હું અહીંથી બહાર ન નીકળી શકું, તે તો ઠીક, ભારતમાં પણ પ્રવેશ ન કરી શકું.
અમે બ્રસેલ્સ આવ્યાં ત્યારે સાતેક વાગ્યા હશે, પણ તડકા તો હતા જ. અમે લૉકર્સ વિભાગમાં ગયાં. પણ અમારી પાસે ચાવીઓ જ ક્યાં હતી? કાઉન્ટર પર જઈ વાત કરી. અમને અમારા લૉકર્સ નંબર પણ પૂરા યાદ નહોતા. પણ લૉકર્સ સંભાળનારે, ડુપ્લિકેટ ચાવીઓથી લૉકર્સ ઉઘાડી શકાશે – અલબત્ત એ માટે સારા એવા પૈસા આપવા પડશે – એવી વાત કરી.
પૈસાનો પ્રશ્ન જાણે ગૌણ લાગ્યો. સામાન એક વખતે મળી જાય, પછી જ આગળ કંઈ વિચારી શકાય. અને વિચારવાનું તો એ હતું કે રાત રોકાવા માટે હોટલ – આપણને પરવડે તેવી – કેમ શોધવી. સામાન લઈ સ્ટેશનની સીમામાં જ આવેલા એક સ્ટોરમાં ગયાં. કાંઈક ખાવું તો પડશે, પીવું પડશે. અમારી પાસે નાસ્તાની ચીજો તો ઘણી હતી. પણ, ક્યાંક બેસી શકાય એવું સ્થળ પણ જોઈએ.
સ્ટોરના માલિકે અમને હિન્દીમાં જ પૂછ્યું : ‘ઇન્ડિયાસે આ રહે હૈં?’ માલિક પાકિસ્તાનના હતા, પણ જાણે દેશવાસી હોય એટલી ઉષ્માથી આવકાર્યાં. એમનાં પત્ની પણ હતાં. અમારી મુશ્કેલીની એમને વાત કરી, તો એ પણ પહેલાં તો ચિંતામાં પડી ગયાં. પછી કહે : ‘અહીંની ઇન્ડિયન ઍમ્બસીમાંથી નવો પાસપૉર્ટ મેળવી શકાશે.’ અમારો તાત્કાલિક પ્રશ્ન તો રાત્રિનિવાસનો હતો. એમણે કહ્યું : ‘તમને બ્રસેલ્સના મુખ્ય સ્ટેશન પાસેની એક હોટલ પર લઈ જાઉં છું. મૂળે ભારતના પણ પાકિસ્તાની માલિકની હોટલ છે, મારા મિત્ર છે. તમને વાંધો નહિ આવે.’ એમણે અમારો સામાન એમની વાનમાં મુકાવ્યો અને પત્નીને સ્ટોર સોંપી અમને લઈ ચાલ્યા. વારે વારે કહે : ‘ચિંતા ન કરશો. બધું થઈ રહેશે.’
અમે કૉન્ટિનેન્ટલ હોટલ પર પહોંચી ગયાં. એમણે કાઉન્ટર પર જઈ વાત કરી, ખાસ તો મારો પાસપૉર્ટ ખોવાયાની અને અહીં ઊતરવાની. અમદાવાદથી આવીએ છીએ એ જાણતાં હોટલના યુવાન માલિક ગુજરાતીમાં જ બોલવા લાગ્યા!
મૂળે કચ્છી મેમણ હતા. કહે : ‘ચિંતા ન કરો. પહેલાં તમને બે રૂમ આપું છું, તેમાં ગોઠવાઈ જાઓ. હોટલનું કિચન છે, તેમાં તમને ફાવે તો ખીચડી કે ભાખરી રાંધી શકો. એક વાર જમી લો. પાસપૉર્ટ મેળવવામાં મદદરૂપ થઈશ.’
અહીં આવા ‘શબ્દો’ સાંભળવા મળે છે તે તો કલ્પનાતીત હતું. પ્રચંડ ગરમીમાં જાણે શીતળ જળનો છંટકાવ! અમારે પહેલાં તો એની જ જરૂર હતી. પછી ધીમે ધીમે તેમણે બધી વિગતો પૂછી. અમે કહ્યું: ‘પાસપૉર્ટની એક ઝૅરોક્સ કૉપી લંડનમાં અમારા યજમાન શ્રી શાંતિભાઈને ત્યાં છે.’ એમણે શાંતિભાઈનો ફોનનંબર માગી લંડન ફોન જોડ્યો. ફોન અમને આપ્યો. શાંતિભાઈને બધી વાત કરી. હજી તો આજે જ એમને ત્યાંથી વહેલી સવારે નીકળ્યાં હતાં. પહેલું વાક્ય એ બોલ્યા – ‘કોઈ ચિંતા કરશો નહિ. બધું થઈ જશે. અહીં પાછા આવી જવાનું. પાસપૉર્ટ ત્યાંથી નવો ઇશ્યૂ કરશે – ઍમ્બસીમાંથી પછી યુ.કે.ના વિસા લઈ તમે એકલા પાછા આવી જાઓ. બીજા મિત્રોને યુરોપ ફરી લેવા દો.’
હોટલના માલિકે ફોન લઈ એમને પૂછ્યું: ‘તમારે ત્યાં ફૅક્સ છે?’ શાંતિભાઈએ હા પાડી. ફૅક્સનંબર આપ્યો. હોટેલવાળા ભાઈએ હોટલનો ફૅક્સનંબર આપ્યો. શાંતિભાઈએ કહ્યું: ‘તમારા ઝૅરોક્સ પાસપૉર્ટની ફેક્સ નકલ થોડી વારમાં મળી જશે. તે નવો પાસપૉર્ટ મેળવવામાં મદદરૂપ થશે.’
હજી તો રૂમમાં જઈ અમે હાથપગ ધોઈ કપડાં બદલી સ્વસ્થ બનીએ ત્યાં સુધીમાં તો મારા પાસપૉર્ટની ઝૅરોક્સ કૉપીની કૉપીનાં પાનાં કોન્ટિનેન્ટલ હોટલના ફેક્સ પર ઊતરી ગયાં હતાં! અમને થોડી હાશ થઈ. ખીચડી બની ગઈ હતી. જમ્યાં.
હવે, સવારે ઇન્ડિયન એમ્બસીમાં જવાનું. અમને ત્યાંનું સરનામું – બસ નંબર આદિ બધી વિગતો તેમણે આપી. એમ્બસીમાં કોન્ટિનેન્ટલ હોટલનો રેફરન્સ આપવાનું પણ કહ્યું.
સૂઈ ગયાં, પણ ઊંઘ ક્યાં આવે તેમ હતું!