ચુનીલાલ મડિયાની ઉવેખાયેલી વાર્તાઓ/આ સંપાદન વિશે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
 
(No difference)

Latest revision as of 11:53, 24 January 2026

આ સંપાદન વિશે

પોતાના સમકાલીનો કરતા મડિયાને ઘણું ટૂંકું આયુષ્ય મળ્યું. પણ એટલાં વરસોમાં પણ કલમને ખોળે માથું મૂકીને જીવેલા આ સર્જકે અઢીસો જેટલી વાર્તાઓ આપી છે. મડિયાની જે વાર્તાઓ લોકજીભે ચડી છે એટલી, કહોકે એનાથી પણ વધારે વાર્તાઓ એક યા બીજા કારણસર વિસરાવાની અણી ઉપર આવીને ઊભી હતી જેમાંથી ૧૬ જેટલી વાર્તાઓ અહીં રજૂ થઈ છે. મડિયા એટલે ગ્રામચેતાનાની વાર્તાઓના લેખક એ છાપને આ વાર્તાઓ ખોટી ઠેરવે છે. વિભાજનની વાત હોય કે પુત્રની પાછળ પિંડ પુરાવા અસમર્થ વિધવાની વાત હોય, વહેમ એક ગામડાગામના નિર્દોષ યુવાનનો કેવો ભોગ લઈ લે એ વાત હોય કે સમૃદ્ધિ વધતાં ગામડાંના ખેડૂતોમાં સુખ નહીં પણ વ્યસન અને એદીપણું વધે છે એવી વાત હોય કે મહાનગરી મુંબઈના જીવનના આટાપાટા હોય, મડિયાની વેધક નજર એની પર નાખેલા પરદા ચીરીને નર્યું સત્ય આપણી આગળ રજૂ કરવામાં કોઈ ક્ષોભ નથી રાખતી. આવી ઉવેખાયેલી વાર્તાઓ પસંદ કરવાનું કામ ઘણું અઘરું હતું જે અમિતાભ મડિયાએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

અત્યાર સુધી કાળા અક્ષર બનીને કાગળમાં કેદ થયેલી આ કથાઓને ‘એકત્ર’નો વિજાણુ અવતાર સાંપડતા હવે ખરા અર્થમાં દેશ વિદેશના સીમાડા ઓળંગવા શક્તિમાન બની છે એ ઘટના નાનીસુની નથી. મડિયાની દિવ્ય ચેતનાને વંદન કરીને આ વાર્તાઓમાં પ્રવેશીએ.

— કિરીટ દૂધાત