સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કરુણરસ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:28, 11 February 2026

૯. કરુણરસ

ભરતમુનિએ નાટ્યને ત્રૈલોક્યનું ભાવાનુકીર્તન કહ્યું છે.

त्रैलोक्यस्यास्य सर्वस्य नाट्यं भावानुकीर्तनम्। अध्याय 1
શ્લો. ૧૦૭.

એમના આ કથન ઉપર ટીકા કરતાં અભિનવગુપ્તાચાર્યે સ્પષ્ટતા કરી છે કે અહીં વપરાયેલા શબ્દ અનુકીર્તનથી અનુકરણ સમજવાનું નથી, પણ નાયકાદિના ભાવનો અનુવ્યવસાય – એટલે નાયકાદિની ભૂમિકામાં રહેલા નટે અભિનય દ્વારા વ્યક્ત કરેલા ભાવનું અનુસંવેદન એવો અર્થ સમજવાનો છે. પાત્ર જોડેના હૃદય સંવાદથી, તદ્‌ભાવભાવનથી, પ્રેક્ષક એ પાત્રની જ સુખદુઃખાદિક ચિત્તવૃત્તિમાં તન્મયતા અનુભવે છે. પોતાની સુખદુઃખાદિક વૃત્તિઓ તત્ક્ષણ ભૂલી જાય છે અને, પોતાની લૌકિક વૃત્તિઓથી મુક્ત થયેલી પોતાની સંવિદ્‌ના–પોતાના ચૈતન્યના નિર્મલ પ્રકાશનો આનંદ અનુભવે છે એ આનંદ લૌકિક સુખાનુભવથી જુદો હોઈને અલૌકિક છે; અને રસન, આસ્વાદન, ચમત્કાર, ભુક્તિ એવા એના બીજા પર્યાયો છે. અર્થાત્‌ રસના આસ્વાદનરૂપ, લૌકિક મનોવૃત્તિના વિકલ્પોથી મુક્ત, એવું જે સંવેદન છે તેનો અનુભવ કરાવે તે નાટ્ય. આમ નાટકનો ધર્મ છે. સહૃદયને રસાસ્વાદન કરાવવાનો. નાયકનાયિકાદિ પાત્રમાં નિષ્ઠિત થયેલો જે રતિ, ઉત્સાહ, શોક જેવો સ્થાયીભાવ હોય તે જ, વિભાવ, અનુભાવ, સહચારીભાવથી સંપન્ન થઈને સામાજિકના હૃદયમાં રસરૂપ બને છે, રસરૂપે અનુભવાય છે. હા, નાટકનો વસ્તુભૂત વિષય છે માનવનો જીવનવ્યવહાર, અને એ રંગભૂમિ ઉપર કાર્ય તરીકે રજૂ થાય છે. કારણ કે જો કે માનવના ભાવનું અનુકીર્તન એ નાટકનો ઉદ્દેશ છે તો પણ એ ભાવને વ્યક્ત કરવા માટે નાટકને પાત્રનો, વાણીનો, કાર્યનો, અભિનયનો, સંનિવેશનો આશ્રય લેવો પડે છે. પણ – નાટકના પ્રયોગ દરમ્યાન ઉપયોગમાં લેવાતાં આ સાધનો તે માત્ર સાધનો છે, અને એનું સાધ્ય છે ભાવનું સમર્પણ, પાત્રભૂમિક નટના વાચિક, કાયિક, અને આહાર્ય અભિનયથી જ એ ભાવની વ્યક્તિ થઈ શકે છે, અને સામાજિક ભાવનું ભાવન કરી શકે છે. નાટકનું પ્રાણભૂત તત્ત્વ તે માત્ર પ્રેક્ષકની ઇન્દ્રિયને અને મનને ઉત્તેજક બને તેવા પ્રસંગોની, તેવાં કાર્યની, પરંપરા નથી. નાટકનું પ્રાણભૂત તત્ત્વ છે, પ્રેક્ષકોના હૃદયમાં સંક્રાન્ત થતો ભાવ. એ ભાવ જોડેનો એનો હૃદયસંવાદ અને એમાંથી પરિણમતો રસાસ્વાદ. નાટકનો ઉદ્દેશ, નાટકનો ધર્મ, ભાવનો, રસનો, અનુભવ કરાવવાનો છે, અને એ ઉદ્દેશ સાધવા માટે નાટકમાં માનવજીવનના અનેક ભાવોની, અને એ અનેકમાંથી પ્રધાન સ્થાને આવી રહેતા એક સ્થાયીભાવની અભિનય દ્વારા રજૂઆત કરવામાં આવે છે. અને એને ભરતમુનિ ભાવાનુકીર્તન કહે છે. બધા ભાવોમાં એક સરખી સંક્રમણશીલતા કે સ્થિરતા હોતી નથી. દાખલા તરીકે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર એમાંથી કાવ્ય નાટકાદિમાં નિરૂપાતો લોભ, કે મોહ, કે મદ, કે મત્સર ભાવકના ચિત્તમાં સંક્રાન્ત થઈ શકે એવા ભાવ નથી. મદ, મોહ, મત્સર એ અમુક કાર્યના વિસ્તારમાં નિતાન્ત વ્યાપક રૂપે સ્થિર રહે એવા ભાવ નથી. સંક્રમણશીલ અને સ્થિરભાવ આઠ કે નવ જ મનાયા છે અને એ સ્થાયીભાવો, નટ અભિનય કરતો હોય તે પાત્રમાંથી ભાવકચિત્તમાં સંક્રાન્ત થઈ ને રસરૂપ બને છે.

કરુણરસના વિભાવ :

નાટકના વીર શૃંગાર વગેરે આઠ, અને શાન્તરસ સાથે નવ રસો જે મુખ્યત્વે સ્વીકારાયેલા છે તેમાનો કરુણરસ એ આ વ્યાખ્યાનોનો વિષય છે. શોક એનો સ્થાયીભાવ છે, અને એ શોકના કારણભૂત વિભાવ છે પ્રિયસ્વજનનું મૃત્યુ, ધનસંપત્તિનો નાશ, ધર્મપાલનમાં ઉત્પન્ન થતું ધર્મસંકટ, કરુણરસના આવા મુખ્યત્વે ત્રણ પ્રકારના વિભાવો છે તેમનો વિચાર કરીશું તો જણાશે કે વિભવનાશ જેવા કારણથી ભલે સાધારણ માણસને શોક થાય પણ ધીર નરવીરને એનાથી એટલો શોક થતો નથી જેમાંથી ઘેરા કરુણરસની નિષ્પત્તિ થાય. સ્વજનનું મૃત્યુ એ ઘટના શોકજનક છે, અને મરણજનિત શોકમાં કરુણરસનો સ્થાયીભાવ બનવાનું સામર્થ્ય છે. પણ વિશેષ વિચાર કરતાં આપણને જણાશે કે મરણના શોકથી સાધારણ માણસ વિવશ બને છે, પણ વિદ્વાન, ધીર પ્રકૃતિનો, ઉત્તમ પ્રકૃતિનો મનુષ્ય એટલો વિવશ બનતો નથી. મૃત્યુ અપરિહાર્ય છે એ એ વિદ્વાન મહાપુરુષ સમજે છે અને એથી એની એ શોકવૃત્તિ એના જ્ઞાનના પ્રભાવથી તત્ત્વજ્ઞાનજનિત મનઃસમાધાનમાં પરિણમે છે. એવા મહાપુરુષની શોકવૃત્તિ સ્થાયીભાવરૂપ બનતી નથી, લાંબો વખત ટકતી નથી, પણ શાન્તરસના સ્થાયીભાવરૂપ નિર્વેદમાં અને તત્ત્વજ્ઞાનમાં પરિણમે છે. પણ એવો મહાનુભાવ પુરુષ, ઉત્તમ પ્રકૃતિનો પુરુષ, ધર્મસંકટમાં આવી પડે – દશરથ કૈકેયીને પોતે આપેલા વરદાનથી જે ધર્મસંકટમાં આવી પડ્યા હતા એવા ધર્મસંકટમાં આવી પડે, ત્યારે એવા ધીરવીર પુરુષની અસહાય દશામાંથી જે શોકવૃત્તિ ઉપજે, જે વિકલવતા ઉપજે, એ ઉચ્ચકોટિના કરુણરસનો ખરો સ્થાયીભાવ બને છે. ધર્મપ્રતિજ્ઞા, સત્યવ્રતપણું, કુદરતનો કે દૈવનો ઉગ્ર પ્રકોપ, જેમાંથી નીકળવાના બધા માર્ગો બંધ થઈ ગયા હોય એવી સામાજિક સમસ્યા, વ્યવહારના માર્ગને રુંધનારાં બનતાં પોતાની જ પ્રકૃતિનાં અનિવાર્ય તત્ત્વો, એવા એવા વિભાવમાંથી જે કરુણરસ પ્રકટે તે દારુણતર હોય છે.

પાશ્ચાત્ય ટ્રેજેડિ :

ગ્રીસની અને ગ્રીક પરંપરાને અનુસરતા અન્ય પાશ્ચાત્ય દેશોની ટ્રેજેડિઓમાં–કરુણાન્તિકાઓમાં આવો ઘેરો કરુણરસ નિષ્પન્ન થયેલો હોય છે. ઉત્તમ કરુણાંત નાટકોમાં નાયક કોઈ ધીરોદાત્ત મહાપુરુષ હોય, દૈવકોપથી કે દેવદેવીઓના કોપથી, ટાળી ન શકાય એવા ભાગ્યનિર્માણથી એવા કે કોઈ મહાસમર્થ માનવને પણ, અસહાય નિરુપાય બનાવે એવા, અતિમાનુષ ભાવના પરિબળથી એ ધીરોદાત્ત, મહાસત્ત્વશાલી પુરુષ પણ અવશ બન્યો હોય, લાચાર બન્યો હોય, અને એ બળો સામે સતત ઝઝૂમવામાં એ પોતાની સમગ્રશક્તિઓનો ઉપયોગ કરતો હોય છતાં ચારિત્રશુદ્ધિને, ઉદાત્તતાને, વળગી રહ્યો હોય; અને છેવટે–ભલે એનો આત્મા અણનમ રહે, નૈતિક દૃષ્ટિએ વિનયી બને, પણ એના જીવનનો દુઃખમય અંત આવતો હોય; ત્યારે આવી સામગ્રીમાંથી–આ વિભાવસામગ્રીમાંથી, જે શોક પરિણમે તે ઉત્તમ કોટિના કરુણતમ કરુણરસનો અનુભવ કરાવે. આવો ગહન ઉત્તમ કક્ષાનો કરુણરસ જેમાં હોય તે ઉચ્ચકક્ષાની કરુણાન્તિકા—tragedy–ગણાય એવી ગ્રીકપરંપરા યુરોપમાં સર્વ-સ્વીકાર્ય બની છે. આપણે ત્યાં, આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં, આ પ્રકારનાં કરુણાંત નાટકો શા કારણે નહિ રચાયાં હોય એ એક કૂટ પ્રશ્ન છે. એવું તો તદ્દન નથી કે આપણા રસશાસ્ત્રકારોમાંથી કોઈને પણ કરુણરસના આવા વિભાવનું સ્વરૂપ ધ્યાનમાં ન જ આવ્યું હોય. ઘણાખરા નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથોમાં ઇષ્ટનાશ (સ્વજનાદિકનું મરણ, વિભવનાશ વગેરે) અને અનિષ્ટની પ્રાપ્તિ (બંધન-વધ-દેશનિકાલ વગેરે) એને કરુણરસના વિભાવ કહ્યા છે એ ખરું છે. પણ કરુણરસનો યોગ્યતમ વિભાવ છે – જેનો કોઈ રીતે પ્રતિકાર ન થઈ શકે એવું શોકનું કારણઃ અને એનો આશ્રય છે—સાધારણ આપત્તિથી હારી ન જાય એવો ઉત્તમપ્રકૃતિ પુરુષ; એ સત્ય ભરતમુનિના ધ્યાનની બહાર નહોતું – એના ટીકાકાર અભિનવગુપ્તના ધ્યાનની બહાર તો નહોતું જ, એ એની ભારતનાટ્યશાસ્ત્ર ઉપરની ટીકા જોતાં નિઃશંક રીતે જણાઈ આવે છે. આપણા અગ્રણી રસમીમાંસકોએ કરુણરસની આવી મીમાંસા કરી છે છતાં ગ્રીક અને પાશ્ચાત્ય ટ્રેજેડિના જેવાં નિતાન્ત કરુણાન્ત નાટકોનો આપણે ત્યાં અભાવ છે એ નવાઈ જેવું છે. નાટક સુખાન્ત હોવું જોઈએ એવી—unwritten law એટલે વણલખાયેલા કાયદા જેવી—માન્યતા આપણે ત્યાં પ્રચલિત હતી, એ કારણે શોકના ઘેરા વાતાવરણમાં સમાપ્ત થતાં કરુણપર્યવસાયી નાટકો આપણે ત્યાં રચાતાં નહિ એવો ખુલાસો આપવામાં આવે છે. પણ એ ખુલાસો આપણા રસમીમાંસાના સર્વસ્વીકાર્ય સિદ્ધાંત જોડે બંધ બેસતો નથી. નાટકમાંથી થતી રસપ્રતીતિ અલૌકિક આનંદના સ્વરૂપની છે એ આપણા રસમીમાંસકોનો સર્વમાન્ય સિદ્ધાંત છે. અન્ય રસની માફક કરુણરસ પણ સહૃદયને રસાસ્વાદનની આનંદાનુભૂતિ કરાવે છે એ સિદ્ધાન્ત પણ બધાએ સ્વીકાર્યો છે. એ રસનો સ્થાયીભાવ શોક છે; કરુણરસના નાટકમાં નાયક કે નાયિકા શોકજનક દુઃખનો અનુભવ કરે છે; પ્રેક્ષકો પણ એ પાત્રોના ભાવની જોડેના તન્મયીભવનથી, તદ્‌ભાવભાવનરૂપ હૃદયસંવાદને કારણે એ પાત્રોના જેવા જ દુઃખનો અને તજ્જન્ય શોકવૃત્તિનો અનુભવ કરે છે; પાત્રોના અશ્રુપાતાદિની માફક પ્રેક્ષકને પણ અશ્રુપાતાદિક અનુભવમાંથી પસાર થવાનો પ્રસંગ આવે છે; છતાં એ શોકરૂપ સ્થાયીભાવ સહૃદય પ્રેક્ષકના હૃદયમાં રસરૂપે અનુભવાય ત્યારે તો પ્રેક્ષક, લૌકિક દુઃખાદિના અનુભવથી મુક્ત બનીને, સુખદુઃખાદિ વિકલ્પથી રહિત એવો શુદ્ધ, સાત્ત્વિક, આનંદ જ અનુભવે છે એવું આપણાં રસશાસ્ત્રોએ નિર્વિવાદ રૂપે સ્વીકાર્યું છે. તો પછી, કરુણાન્ત નાટક પણ આ સિદ્ધાન્ત પ્રમાણે રસાનુભવની અંતિમ કક્ષાએ પ્રેક્ષકને આનંદનો આસ્વાદ કરાવતું હોય છે તે છતાં પણ, નાટકનું વસ્તુ સુખાન્ત હોવું જોઈએ એવો આગ્રહ, જો રખાયો હોય તો, શા માટે રખાયો હશે એ સમજવું મુશ્કેલ બને છે. નાટકનું વસ્તુ સુખાન્ત હોવું જોઈએ એવો આગ્રહ રખાયો હોય કે ન રખાયો હોય – પણ પશ્ચિમ જેવાં કે જેટલાં કરુણાન્ત નાટકો આપણે ત્યાં રચાયાં નથી એ કબૂલ કર્યા વિના ચાલે તેવું નથી. પણ આનો અર્થ રખે કોઈ એવો કરે કે આપણે ત્યાં કરુણરસની નાટ્યરસ તરીકે કદર નથી થઈ કે એના ખરા ઉચ્ચકોટિના સ્વરૂપનું દર્શન નથી થયું. રસશાસ્ત્રના મીમાંસકોમાં ઉપર કહ્યું તેમ ભરતને અને એના ટીકાકાર અભિનવગુપ્તને સમજાયું છે, અથવા અનેક શાસ્ત્રપારંગત મહાવિદ્વાન અભિનવગુપ્તે ભરતમુનિના કથનનો આધાર લઈને સમજાવ્યું છે, કે ઉત્તમ પ્રકૃતિના મહાનુભાવ પુરુષનો, જેનો કોઈ પ્રકારનો પ્રતિકાર ન થઈ શકે એવા, સર્વથા અપ્રતિકાર્ય, શોકહેતુમાંથી પ્રકટતો શોક કરુણરસરૂપે નિષ્પન્ન થાય છે. અને નાટ્યકારોમાં ભવભૂતિએ ઉત્તરરામચરિતમાં રામ જેવા લોકોત્તર મહાપુરુષના, અપ્રતીકાર્યકારણોથી ઊપજતા, શોકનું નિરૂપણ કરીને પાશ્ચાત્ય ઉત્તમ ટ્રેજેડિની પંક્તિમાં બેસી શકે એવો કરુણરસ સર્જ્યો છે. આપણાં નાટકોમાં પ્રાયઃ વીર અથવા શૃંગાર એ બેમાંથી એક રસ પ્રધાન હોય છે. કરુણરસને નાટકમાં પ્રધાનસ્થાન આપનાર ભવભૂતિ; એમણે એ રસના નિષ્પાદનમાં પૂર્ણ પ્રભુત્વ દર્શાવ્યું છે, અને કરુણરસના ગહનતમ સ્વરૂપની ભવભૂતિએ સાચી સમજ બતાવી છે. જેમ ગ્રીક ટ્રેજેડિઓમાં અને શેક્સ્પીઅરની ટ્રેજેડિઓમાં – કહો કે પાશ્ચાત્ય ટ્રેજેડિમાં – ઉદાત્તચરિત, મહાનુભાવ, ઉત્તમપ્રકૃતિના, નાયકની અત્યન્ત પ્રબળ પ્રતિકૂલ સંજોગોની સામે અસહાય દશામાંથી કરુણતા ઉપજાવવામાં આવે છે; નાયક સાધારણ સંજોગો સામે હતવીર્ય બને એવો ન હોય, જે સંજોગો સામે એ અસાધારણ ધૈર્યવાળો નાયક અસહાય બને એ સંજોગો પણ અસાધારણ હોય, ત્યારે ટ્રેજેડિનું ભવ્ય સ્વરૂપ ઉત્પન્ન થાય છે; સમર્થ માં સમર્થ માનવીને પણ નિરૂપાય બનાવે એવાં અતિમાનવ બલો એ ટ્રેજેડિનો સાચો વિભાવ છે; તે પ્રમાણે ભવભૂતિના ઉત્તરરામચરિતમાં નાયક છે રામ જેવો મહાપુરુષ, દિવ્ય પુરુષ; અને જે પરિબળ સામે એ અસહાય બને છે એ નથી કોઈ અન્ય માનવની શક્તિ, નથી પ્રકૃતિનો કોઈ દારુણ કોપ, પણ પોતાની જ કદી પણ ફરી શકે નહિ તેવી દૃઢ પ્રતિજ્ઞા, પોતાનું જ સત્યવ્રતત્વ. સીતાને વનવાસ આપ્યા પછી રામ પંચવટીમાં જાય છે ત્યારે સીતા સંનિહિત છે છતાં પણ એ લોકોત્તર કક્ષાનાં દંપતીના પ્રત્યક્ષ પુનર્મિલનની આડે એ પ્રતિજ્ઞા અભેદ્ય દીવાલ બની રહે છે. સીતાનો પોતે રાજધર્મના પાલન અર્થે ત્યાગ કર્યો છે. રાજધર્મના એ પરિપાલન ખાતર તેજેલી સીતાનું પુનઃદર્શન કરવું રામને માટે અશક્ય છે. સત્યવ્રત રામ પ્રાણ જાય તો પણ એવું કરે નહિ. અને સીતા પણ રામસંમુખ પ્રકટ થઈને વ્રતભંગનો દોષ આચરે નહિઃ પોતે અદૃશ્યરૂપે રામની નજીકમાં છે છતાં એ વગરપરવાનગીની સમીપતા પણ રામના કોપનું કારણ બને એવો ડર સીતા સેવી રહી છે. આ પ્રમાણે નહિ કોઈ અતિમાનુષી શક્તિ–નહિ કોઈ દૈવકોપ, નહિ પ્રકૃતિકોપ, નહિ માનવકૃત અન્યાય–પણ રામનું પોતાનું સત્યવ્રતપણું આ નાટકની પુટપાકસમી કરુણતાનું કારણ બને છે. પોતાના જ વ્રતપાલન સિવાય અન્ય કોઈ કારણ રામ જેવા અલૌકિક, દિવ્ય પુરુષને હંફાવનારું ન જ બની શકે. આ પ્રકારનું વસ્તુસંવિધાન કરવામાં ભવભૂતિએ કરુણરસના ખરા સ્વરૂપની ઊંડી સમજ બતાવી છે. આ અનિવાર્ય—અપ્રતીકાર–કરુણતાને પાશ્ચાત્ય નાટ્યના કરુણ પ્રસંગો જોડે સરખાવો. સોફોક્લિસની ટ્રેજેડિના નાયક ઇડિપસને બિચારાને અનિચ્છાએ, ભાગ્યનિર્માણ ટાળવાના એના અનેક પ્રયત્નો છતાં, ભવિતવ્યતાને વશ થવું પડે છે. અજાણતાં જ એ પિતૃઘાતી બને છે. જન્મદાત્રી માતાનો પતિ બને છે. લલાટે લખાયેલી ભાગ્યરેખાની સામે એ વીરનર અસહાય બને છે. શેક્સ્પીઅરનાં રોમિયો અને જૂલિયેટ, પોતાનાં કુટુંબો વચ્ચેના વેરની સામે અસહાય બની રહેતાં નથી તો ભાગ્યની દુર્ઘટનાથી—આકસ્મિક સંજોગથી મિલન પહેલાં મૃત્યુ પામે છે. હૅમ્લેટ પોતાના સ્વભાવની અનિવાર્ય અનિર્ણયાત્મકતાનો ભોગ બને છે. ઓથેલો પરપ્રેરિત વહેમનો ભોગ બનીને ડેસ્ડિમોનાને મારી નાખે છે અને પછી વહેમનાં પડળ, બહુ મોડાં, દૂર થતાં પોતે મૃત્યુને ભેટે છે. પણ રામની અપ્રતીકાર્ય, અસહાય, કરુણતા પોતાના જ એકવચનીપણામાંથી પોતાની જ સત્યવ્રતતામાંથી પરિણમે છે. રામની કરુણતા પાશ્ચાત્ય ટ્રેજેડિની કરુણતાથી વધી જાય છે, કારણ કે જે બે વિરોધી બળોનો સંઘર્ષ થાય છે એ પોતાના જ ધર્મપાલનમાંથી ઉદ્‌ભવેલાં છે, અને એનું હૃદય જ એ બળોની રણભૂમિ બને છે. કરુણરસનું ખરું સ્વરૂપ આવું છે અને આપણે ત્યાંના મુખ્ય રસમીમાંસકોને એની સમજ પણ સંપૂર્ણ હતી એમાં શંકા નથી. સામાન્ય કોટિનો માણસ સાધારણ આપત્તિની સામે હારી બેસે એમાં ખરી કરુણતા નથી. અસાધારણ. લોકોત્તર સામર્થ્યવાળા માણસ ઉપર ગમે તેવી મ્હોટી આપત્તિ આવી પડે તો પણ જો એનો ઉપાય શક્ય હોય તો એમાંથી કરુણરસની નિષ્પત્તિ થતી નથી. એ આપત્તિથી શોક ઊપજે, પણ એવો પુરુષ એ શોકને વશ થતો નથી. એવા પ્રસંગે તો એનો ઉત્સાહ પ્રદીપ્ત થાય, ક્રોધ પ્રજ્વલિત થાય, અને એમાંથી વીરરસ કે રૌદ્રરસ પરિણમે. રાવણ સીતાને હરી ગયો એથી રામને શોક થાય છે, પણ એ શોકને એ વશ થતા નથી. એ પ્રસંગ તો એના વીરોચિત ઉત્સાહને પ્રદીપ્ત કરે છે અને એમાંથી રાવણવધનો, લંકાવિજયનો, વીર રસ પ્રકટે છે. લોકોત્તર ચારિત્રવાળો મહાપુરુષ અસાધારણ મહાન અતિમાનુષ પરિબળની સામે અસહાય બને ત્યારે કરુણરસ ઊપજે. કરુણરસનું આ સ્વરૂપસાધક તત્ત્વ આપણા ભરત અને અભિનવગુપ્તના ધ્યાનની બહાર ન્હોતું એ ભરતમુનિના આ વચનથી અને એના ઉપરની અભિનવભારતી પરથી સિદ્ધ થાય છે : अथ करुणो नाम शोकस्थायिभावप्रभवः। स च शापक्लेशविनिपतितइष्टजनविप्रयोग विभवनाशवधबन्धविद्रवोपघात-व्यसनसंयोगादिभिर्विभावैः समुपजायते। કરુણનો પ્રભવ શોક સ્થાયીભાવમાંથી છે. (અર્થાત્‌ શોક એ સ્થાયીભાવ જ આસ્વાદનવ્યાપારથી સામાજિકના હૃદયમાં કરુણરસ રૂપે પરિણમે છે, અને એ શાપક્લેશમાં ફસાયેલા ઇષ્ટજનનો વિપ્રયોગ, વિભવનાશ, વિદ્રવ અથવા દેશવિવાસન (દેશનિકાલ), ઉપઘાત એટલે આકસ્મિક મરણ અને મૃગયાદ્યૂત આદિ વ્યસનનો યોગ એવા વિભાવોમાંથી એ ઊપજે છે. કરુણરસના આ લક્ષણમાં વપરાયેલો શાપ શબ્દ બહુ મહત્ત્વનો છે. આચાર્ય અભિનવગુપ્ત એ શબ્દપ્રયોગનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, “અશક્યપ્રતીકારહેતૂપલક્ષણં શાપગ્રહણમ્‌” અહીં શાપ શબ્દનો પ્રયોગ જેની સામે કાઈપણ પ્રકારનો પ્રતીકાર શક્ય ન હોય એવાં કારણો સૂચવે છે. વિશેષમાં – પોતાની ટીકાના અન્ય ભાગમાં અભિનવગુપ્ત કહે છે કે, “શાપગ્રહણેન અપ્રતિકાર્યત્વે સતિ ઉત્તમપરકૃતેઃ શોકોદયસ્થાનમેતદ્‌ ઇતિ દર્શયતિ” શાપગ્રહણના નિર્દેશથી ભરતમુનિ જણાવે છે કે અપ્રતિકાર્ય કારણ હોય તો જ ઉત્તમ પ્રકૃતિ નરના શોકનો ઉદય થાય–નહિ તો ‘અન્યથા ઉત્સાહક્રોધાવિભાવત્વં સ્યાત્‌’ – એ સંજોગ (અપ્રતિકાર્ય ન હોય તો ઉત્સાહ ક્રોધ વગેરેનો વિભાવ બને. ભવભૂતિએ પણ આ તત્ત્વ પૂરતી સમજપૂર્વક રજૂ કર્યું છે : —

रामः –
अन्य एवायमधुना विपर्ययो वर्तते।
उपायानां भावादविरलविनादव्यतिकरैः
विमदैर्वीराणां जनितजगदत्यद्भूतरसः।
वियोगो मुग्धाक्ष्याः स खलु रिपुघातावरधिभूत्
कटुस्तूष्णी सह्यो निरवधिरयं तु प्रविलयः।। अं. 3
શ્લો ૪૪.

(પુનર્દર્શનનો અભાવ માનીને ‘પ્રવિલય’ શબ્દનો રામે પ્રયોગ કર્યો છે.)

કરુણરસનું આ લક્ષય બતાવે છે કે આપણા શાસ્ત્રકારોની એ રસની – ખરા tragic elementની – સમજ ગ્રીક ટ્રેજેડિના રચનારાઓની કે મીમાંસકોની સમજથી લેશ પણ ઊતરતી નથી. છતાં એવા લક્ષણવાળા કરુણરસને પ્રધાન સ્થાને મૂકતાં નાટકોની રચના આપણે ત્યાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યના સમયમાં નથી થઈ એ ખરેખર આશ્ચર્યની વાત છે. શૃંગાર કે વીર જેનો પ્રધાનરસ હોય એવાં નાટકોમાં ગૌણસ્થાને – મુખ્યરસના અંગ રૂપે – કરુણનું નિરૂપણ અનેક નાટકોમાં થયું છે. મૃચ્છકટિકમાં પ્રપંચ અને સંયોગના પરિબળથી વધદંડને પાત્ર ગણાતો ચારદુત્ત, શાકુન્તલમાં શાપને પરિણામે તજાતી શકુન્તલા, માલતીમાધવમાં કપાલકુંડલાના અને અંઘોરઘંટના હાથમાં ફસાતી માલતી, સ્વપ્નવાસવદત્તમાં વાસવદત્તાને બળી મરેલી જાણતો વત્સરાજ ઉદયન, એવાં એવાં પાત્રોની જે કરુણતા આલેખાઈ છે તેમાં પાત્રોની ઉત્તમતા અને વિરોધી બળની અપ્રતીકાર્યતા એ તત્ત્વો હયાત છે. પણ નાટકો સુખાન્ત હોવાને કારણે ગ્રીક ટ્રેજેડિ જેવાં નિતાન્ત કરુણાન્ત નાટકની કક્ષામાં આવી શકતાં નથી. એમ તો ઉત્તરરામચરિત પણ કરુણપ્રધાન હોવા છતાં કરુણાન્ત નથી. માત્ર નાટ્યકૃતિમાં કરુણરસને ગૌણ સ્થાન અપાયું છે એટલું જ નથી. ભરતમુનિએ શાપનો નિર્દેશ કરીને અપ્રતીકાર્યતાનો, નાયકની પરાકોટિએ પહોંચતી અસહાયતાનો ઉલ્લેખ કર્યો છે; અને અભિનવગુપ્ત આચાર્યે એ અનિવાર્યતા ઉપર ખૂબ ભાર મૂક્યો છે; છતાં ત્યાર પછીનાં શાસ્ત્રકારોએ આપેલાં કરુણરસનાં લક્ષણોમાં એ તત્ત્વનો ઉલ્લેખ પણ નથી થયો. દાખલા તરીકે સાહિત્યદર્પણ કરુણ રસ માટે કહે છે :

इष्टनाशाद् अनिष्टाप्तेः करुणाख्यो रसो भवेत्।।

જગન્નાથ પણ રસગંગાધરમાં કરુણના સ્થાયિભાવ શોકનું લક્ષણ આવું આપે છે :—

पुत्रादिवियोगमरणादिजन्मा वैक्कव्याख्याश्चित्तवृत्तिविशेषः शोकः।।

આ લક્ષણોમાં મરણ એ વિભાવ અપ્રતીકાર્યતા સૂચવે છે એ ખરું. અને મરણ જેવી સર્વજન સાધારણ અનિવાર્ય અનિષ્ટ ઘટના બીજી નથી એ પણ ખરું. પ્રિયજનના મરણથી ઉદ્‌ભવેલો શોક આપણાં અનેક કરુણ કાવ્યનો કે મહાકાવ્યાન્તર્ગત વિલાપોનો ઉત્પાદક બન્યો છે. પણ એવી કૃતિઓમાં અનેકવાર મરણની સાર્વજનિકતા અને અનિવાર્યતા જ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિમાં અને એમાંથી ઉદ્‌ભવતા શાન્તરસમાં પરિણમે છે. तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि એ ગીતાવચનમાં સૂચવાયેલી, અપરિહાર્ય ઘટનાનો શોક ન કરવાની, મનઃસમાધાનની વૃત્તિ અને એમાં રહેલી જ્ઞાનની દૃષ્ટિ એવાં મરણજન્ય શોકનાં કાવ્યોને જેટલું ગૌરવ અર્પે છે. તેટલું કેવળ અશ્રુપાત અને રુદન નથી અર્પતાં. ઇન્દુમતીના મરણના શોકમાં ડૂબેલા અને હૃદયદ્રાવક વિલાપ કરતા અજને પણ વશિષ્ઠ-મુનિ ઉપદેશ આપે છે કે न पृथग्जनवत् शुचो वशं वशिनामुत्तम गन्तुमर्हसि। મરણજન્ય શોકને વશ થવું એ પૃથગ્જનનું લક્ષણ છે. ઉત્તમ પ્રકૃતિના પુરુષને એ છાજતું નથી. ગીતા કહે છે તેમ नानुशोचन्ति पंडिताः। આ પ્રકારે કેવળ મરણ—સાધારણ મનુષ્યની દૃષ્ટિએ કરુણરસનો વિભાવ બને એવું મરણ—ઉત્તમપ્રકૃતિના કરુણરસનો વિભાવ થઈ શકતું નથી. પણ મરણ ઘેરા શોકનું અને તજ્જન્ય કરુણતાનું કારણ બને છે તે મરણની આસપાસના સંજોગોથી બને છે. વૃદ્ધ અંધ માતપિતાનો જે એક આધાર છે એવા શ્રવણના મૃત્યુમાં કરુણતા ભરી છે. જેના જીવન સાથે પોતાનું જીવનસૌભાગ્ય સંકળાયેલું છે એવા પતિના મરણથી વિધવા બનતી સ્ત્રીનું વૈધવ્ય પતિ-મરણને દારુણતર બનાવે છે. નાનકડા બાળકોની માતાનું મૃત્યુ એ બાળકોની નિરાધાર માતૃહીન દશાને કારણે અત્યંત શોકજનક બને છે. આવા સંજોગોમાં મરણમાંથી પરિણમતા કરુણરસનો વિભાવ કેવળ મરણ નથી; પણ એ મરણથી નિરાધાર બનતાં, જીવનસંગ્રામમાં અસહાય બનતાં, માતપિતા, વિધવા અને બાળકો એ કરુણનો વિભાવ બને છે. અથવા તો એ માતપિતાની, વિધવાની, અને બાળકોની અસહાયતા કરુણરસનો વિભાવ બને છે, મરણરૂપ વિભાવ પાછળ રહેલાના જીવનની અસહાયતારૂપ વિભાવને કારણે વિશેષ શોકજનક બને છે. “આગગાડી” નાટકમાં, વિષમ પરિસ્થિતિને કારણે શોકજનક બનતા, શોકનો ઉચિત વિભાવ બનતા, મરણનું નિરૂપણ થયું છે અને સફળ કરુણરસ જામે છે. મરણના કરતાં પણ જીવનસંગ્રામ ક્રૂરતર બની શકે છે. પોતાથી પ્રબલતર તત્ત્વો સામે ઝઝૂમતો, એ તત્ત્વો સામે અસહાય બનતો માનવ એ ઉચ્ચકોટિના કરુણરસનો વિષય છે. એવો ઉદાત્ત અને ધીર પ્રકૃતિનો, સત્વસંપન્ન માનવ સાધારણ, જેનો કોઈપણ રીતે પ્રતીકાર થઈ શકે એવી, આપત્તિનો હિંમતભેર સામનો કરે છે–એવી આપત્તિ એના ઉત્સાહને ઉદ્દીપિત કરે છે. પણ પ્રતિકૂલ તત્ત્વો એવાં હોય કે એનો પ્રતિકાર ન થઈ શકે, ત્યારે આ ધીરસત્ત્વશીલ નર ઉત્સાહપૂર્વક એની સામે ઝઝૂમે તે છતાં, છેવટ–થાકતો નથી તો–લાચાર બને છે, અસહાય બને છે. આવા પ્રસંગે પરિણમતો શોક, એ શોકમાંથી અનુભવાતો કરુણરસ–એ જીવનના પ્રતિકૂળ પ્રવાહો સામે નિઃસહાય રીતે ઝઝૂમતા વીર નરની નિષ્ફળતાનો શોક છે, કરુણરસ છે, આવો જીવનસંગ્રામ મરણના કરતાં ક્રૂરતર કરુણતર બને છે. શાસ્ત્રકારોએ ઇષ્ટમરણ અને અનિષ્ટની આપત્તિ એવા જે કરુણરસના વિભાવ જણાવ્યા છે તેને આપણે દિશાસૂચક ગણીએ, ઉપલક્ષણરૂપ ગણીએ, અને ઘનતર શોકની કરુણતાના વિભાવોની ટીપ બને તેટલી સંપૂર્ણ બનાવીએ, તો આજના જમાનામાં નીચેના વિભાવો ઉમેરી શકાય. રાજકોપ–અથવા તો રાજ્યપ્રકોપ : ખરી દોષપાત્ર વ્યક્તિઓ છટકી જાય અને પ્રપંચ, સંજોગોનું આપાતદૃશ્ય સ્વરૂપ વગેરેની સામટી પ્રતિકૂળતાથી નિર્દોષ વ્યક્તિ દોષપાત્ર ગણાય, શિક્ષાપાત્ર ગણાય, એના જીવનની બરબાદી થાય એવો રાજ્યપ્રકોપ. યુદ્ધનાશ–આજના સર્વભક્ષી યુદ્ધમાંથી નીપજતો કેવળ સ્વજનનો કે કેવળ ધનનો નહિ પણ ધન-મિલકત, સ્વજનો વગેરેનો, સર્વનાશ. ધર્મોપઘાત–અપહૃત નારીની, ન એ અપહારક સાથે રહી શકે ન એને એનો પતિ પાછી સ્વીકારે એવી દશા. એક બાજુ રાજ્ય પ્રત્યેનો, સમાજ પ્રત્યેનો ધર્મ, બીજી બાજુ પોતાના સ્વજન પ્રત્યેનો – પત્ની, પુત્ર, આદિ પ્રત્યેનો ધર્મ – બે વચ્ચેનો વિરોધ. જ્ઞાતિ, સમાજરૂઢિ, માબાપની ઇચ્છા – અને વ્યક્તિનો પોતાનો હૃદયાનુરાગ એ બે વચ્ચેનો, સહેલાઈથી ટાળી ન શકાય એવા વિષમ સંજોગ – ઉપજાવતો સંઘર્ષ – કુદરતનો પ્રકોપ. કુટુંબીઓમાં – પુત્રપુત્રી – સાસુવહુ વગેરેમાં—સ્વભાવવિસંવાદ અને એનો ઉપાય થઈ શકે એવા સંજોગનો અભાવ. દુર્જનોનો–શઠનો–પ્રપંચ. માનવના પોતાના સત્યવ્રતપાલનના, પ્રતિજ્ઞાપાલનના, ચારિત્રપાલનના, આગ્રહનો અને એમાંથી એને ચળાવે એવી પ્રબળ કૌટુંબિક, સામાજિક, રાજકીય, પરિસ્થિતિ વચ્ચેનો અનિવાર્ય વિરોધ. આપણા શાસ્ત્રકારોએ કરુણરસના વિભાવોનું દિશાસૂચન કર્યું છે, તેવું હું પણ અહીં માત્ર દિશાસૂચન કરું છું. અનેક પ્રકારના, ઘનતર કરુણરસ ઉપજાવે તેવા, વિભાવો સર્જકને સૂઝે. નાટ્યસર્જકે મુખ્ય એ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે એ જે વિભાવોનો ઉપયોગ કરે તેમાંથી નિષ્પન્ન થતો કરુણરસ, રામના કરુણરસ જેવો પુટપાક–પ્રનીકાશ હોવો જોઈએ. ધાતુના સંપુટમાં કોઈ પદાર્થ મૂકીને એને તપાવ્યો હોય, અને એ સંપુટના ઉપર નીચેનાં બે ઢાંકણાંની વચ્ચે ફસાયેલો એ પદાર્થ કોઈ રીતે ક્યાંયથી છટકી શકે એમ ન હોય, એ પદાર્થને તો એ સંપુટમાં રહીને સીઝ્યા કરવું જ પડે–એવો અપ્રતીકાર્ય વિભાવમાંથી પરિણમતો કરુણરસ નિષ્પન્ન થાય, ત્યારે ઉત્તમ કરુણાન્ત નાટક બને. કરુણરસના અનુભાવોમાં શાસ્ત્રકારોએ અશ્રુપાતને પણ ગણાવેલ છે. પણ આવા ગહનતર કરુણરસનો આશ્રયભૂત નાયક એની ધીરપ્રકૃતિને લીધે અંદરનો અંદર બળ્યા જળ્યા કરે–એ આંસુ પાડે તો છાનાં પાડે, મુક્તકંઠે રુદન તો ભાગ્યે જ કરે. અને કદાચ અશ્રુપાત, રુદન વગેરે અનુભાવો એ કરે તો પણ એ શોકની પ્રતિક્રિયા નથી દુઃખના કારણનો નિવારણોપાય નથી. માત્ર હૃદયમાં પ્રજ્વળી રહેલા શોકાગ્નિના ધૂમનો નિર્ગમનમાર્ગ છે. સત્યવ્રતપણું, પ્રતિજ્ઞાપાલન, ચારિત્રશુદ્ધિનો આગ્રહ એ વિભાવોમાંથી પરિણમતી કરુણતાના દાખલાઓ આપણી પુરાણ કથાઓમાં, ઇતિહાસમાં અને સાહિત્યમાં ઉપલબ્ધ છે. કૈકેયીને આપેલું વરદાન એણે માગ્યું તે પ્રમાણે આપવું જ પડે એ એક ધર્મબંધન, અને રામનો યૌવરાજ્યાભિષેક પ્રજાજનોની સંમતિથી ઠરાવ્યો હતો એ બીજું ધર્મબંધન, જેમાં રામ પ્રત્યેના સ્નેહ પણ બંધનરૂપ હતો. એવા દ્વિવિધ ધર્મબંધનથી અથવા એક બાજુ વચનબંધન અને બીજી બાજુ સ્નેહબંધન એવાં બેવડાં બંધનથી. દશરથની જે કરુણદશા થઈ તેમાંથી મૃત્યુએ જ એનો છુટકારો કર્યો. દશરથની દશા, એની કરુણતા, પુટપાક જેવી બની હતી, પણ કદાચ એમાં એકાદ એકાંકીથી વિશેષ પરિમાણની નાટ્યકૃતિ માટે પર્યાપ્ત વસ્તુ ન મળે. એકતઃ દાનનો આદર્શ–સત્યવ્રતત્વ અને અન્યતઃ સર્વસ્વનું દાન કરી ચૂકેલાની સંપત્તિહીનતા એ બેની વચ્ચે, વિશેષતઃ વિશ્વામિત્રે કરેલી આકરી તાવણીને કારણે ઉત્તરોત્તર કરુણતર દશામાં આવી પડતા રાજા હરિશ્ચંદ્રની યાતનાઓમાં ઉચ્ચ કોટિની કરુણાન્ત નાટ્યકૃતિની પર્યાપ્ત સામગ્રી છે. જીવનમાં સંપૂર્ણ ચારિત્રશુદ્ધિનો આદર્શ અને કુમુદસુંદરીના વિવાહ પહેલાંનો એનો સરસ્વતીચંદ્ર જોડેનો હૃદયસંબંધ, હૃદયાનુરાગ, એ પરિસ્થિતિની કરુણતા કેવી, બંને પાત્રો માટે, અસહ્ય બની હતી એ આપ સહુ સારી રીતે જાણો છો. કરુણરસના ગહનતમ, ઉન્નતકક્ષાની કરુણાન્ત કૃતિ માટે પર્યાપ્ત કરુણરસના–વિભાવો કેવા હોય એનો ઇશારો કરવાના હેતુથી આ પ્રસંગોનો અહીં ઉલ્લેખ કર્યો છે. બાકી સર્જકની સમક્ષ આખા માનવજીવનનો વિવિધ અને વિશાળ પ્રદેશ પડ્યો છે, જેમાંથી સર્જકની દૃષ્ટિ કરુણાન્ત નાટક માટે ઉચિત સામગ્રી પારખી, મેળવી શકે. આપણી ગુજરાતી રંગભૂમિ ઉપર કરુણાન્ત નાટકનું આગમન થયું એ પશ્ચિમની રંગભૂમિની અસરનું પરિણામ ગણવું પડે. કારણ કે કરુણરસ જેમાં પ્રધાન હોય એવાં નિતાન્ત કરુણપર્યવસાયી નાટકો સંસ્કૃતયુગની રંગભૂમિ ઉપર પ્રચલિત નહોતાં. નાટ્યના શાસ્ત્રકારોએ ગણાવેલા રૂપકના દશ પ્રકારોમાં એક જ પ્રકાર–અંક અથવા ઉત્સૃષ્ટિકાંક નામનો એકાંકી પ્રકાર–એવો છે કે જેમાં કરુણરસ અંગી હોય, પ્રધાન રસ હોય. પણ આ પ્રકારને આપણી રંગભૂમિના કરુણાન્ત નાટકનો પ્રતિનિધિ ગણી શકાય તેમ નથી. કરુણાન્ત નાટકની અછત હોવા છતાં પરાકોટિએ પહોંચે એવા કરુણરસના સ્વરૂપની અભિનવગુપ્તને અને ભરતમુનિને સમજ હતી એવું મેં પ્રતિપાદન કર્યું છે તેનું એક વિશેષ પ્રમાણ મેં આગળ ગણાવેલા શોકના ત્રણ પ્રકારોની વિચારણા કરતાં પ્રાપ્ત થાય છે. ભરતમુનિએ અદ્‌ભુતરસના સ્થાયીભાવ ઉપરાંત વિભાવ, અનુભાવ અને સહચારીભાવો વર્ણવ્યા પછી ‘અત્ર આનુવંશ્યે આર્યે ભવતઃ’ એમ કહીને બે આર્યા અદ્‌ભુતરસને લગતી આપી છે, અને પછી આઠે રસના ઉપ-પ્રકાર વર્ણવતા શ્લોકો આપ્યા છે; તેમાં કરુણના ત્રણ પ્રકાર ગણાવ્યા છે :

धर्मोपघातजश्चैव तथार्थापचयोद्भवः।
तथा शोककृतश्चैव करुणस्रिविधः स्मृतः।।
અધ્યાય ૬–૧૮
(વડોદરા પ્રકાશન) ૬-૭૮ (નિર્ણયસાગર)

આ શ્લોક ઉપર અભિનવગુપ્તની ટીકા છાપેલી પ્રતમાં આ પ્રમાણે છે :

धर्मोपघातज उत्तमानामपि शोभनहेतुत्वात्।
शोकशब्देन स्वजनादिनासौ चैते तर्यो विभावाः।।

અભિનવગુપ્તની ટીકા – અભિનવભારતી – અશુદ્ધરૂપે પ્રાપ્ત થઈ છે અને પ્રકટ થઈ છે એ જાણીતું છે. અહીં મેં આપેલા અવતરણમાં બે દેખીતી પાઠક્ષતિ છે. ‘શોભનહેતુત્વાત્‌’ને બદલે ‘શોકહેતુત્વાત્‌’ જોઈએ અને ‘સ્વજનાદિનાસૌ’ને બદલે ‘સ્વજનાદિનાશઃ’ જોઈએ એવું મારું માનવું છે. એ પ્રમાણે સુધારીને વાંચતાં એ વાક્યો આ પ્રમાણે વંચાય. धर्मोपघातज उत्तमानामपि शोकहेतुत्वान्। शोकसब्देन स्वजनादिनाशः च। एते त्रयो विभावाः। અહીં ધર્મોપઘાત, અર્થાપચય અથવા ધર્મનાશ અને સ્વજનાદિનાશ એ ત્રણ વિભાગ ગણાવ્યા છે. તેમાંના પ્રથમ ધર્મોપઘાત વિશે ટીકાકાર કહે છે કે એ ઉત્તમ પુરુષોનો પણ શોકહેતુ બની શકે છે. ટીકાકારના આ વચનથી સ્પષ્ટ થાય છે કે, બીજા બે – ધનનાથ અને સ્વજનાદિનાશ સામાન્ય મનુષ્યના શોકહેતુ બને – પણ ધર્મોપઘાતમાં ઉત્તમ મનુષ્યનો પણ શોકહેતુ બનવાનું સામર્થ્ય છે : ધર્મોપઘાત એટલે ધર્મમાં વિઘ્ન અથવા અંતરાય, ધર્મના નાશનો પ્રસંગ, ધર્મસંકટ, અને આપણે જોઈ ગયા કે મહાસત્ત્વશાલી પુરુષને પણ અપ્રતિકાર્ય શોકનો અનુભવ કરાવે એવા કરુણરસના વિભાવોમાં ધર્મસંકટની પણ ગણના થઈ શકે છે. અભિનવગુપ્તે, આપણે અગાઉ જોયું તેમ, શાપના ઉલ્લેખને અપ્રતિકાર્યશોક હેતુનું ઉપલક્ષણ માનેલ છે, અને “ઉત્તમપ્રકૃતિ” ગણાય એવા પુરુષના શોકોદયનું સ્થાન માનેલ છે; ઉપરાંત અહીં પણ એણે ધર્મોપઘાતને, ધર્મસંકટને, ઉત્તમ પુરુષોના શોકનો યોગ્ય હેતુ માન્યો છે. આ પ્રકારે સાધારણ માણસોના સાધારણ ઇષ્ટમરણ, વિભવનાશ જેવા–વિભાવોમાંથી ઊપજતા શોક અને અનુભવાતા કરુણરસના કરતાં, ઉત્તમ પ્રકૃતિના ધીરપુરુષના, અપ્રતીકાર્ય ધર્મસંકટરૂપ વિભાવોમાંથી નિષ્પન્ન થતા શોકને, અને પ્રેક્ષકોથી અનુભવાતા તજ્જન્ય કરુણરસને, અભિનવગુપ્ત ઉચ્ચતર કોટિનો અને વિશિષ્ટતર ગણે છે. આવા, ઉત્તમપ્રકૃતિ–મહાપુરુષના, અપ્રતીકાર્ય હેતુમાંથી પરિણમતા શોકનું અને એમાંથી અનુભવાતા કરુણરસનું ઉદાહરણ આપણે ઉત્તરરામચરિત નાટકમાં જોયું. નાટકને અન્તે રામ અને સીતાનું મિલન થાય છે, ભાગીરથી અને વસુંધરા પ્રકટ થઈને સીતાની શુદ્ધિની, પવિત્રતાની, ખાતરી આપે છે અને પ્રજાજનને પણ એની પવિત્રતાની ખાતરી થાય છે તેથી રાજ્યધર્મ અને પતિધર્મ વચ્ચેનો અપ્રતીકાર્ય વિરોધ દૂર થાય છે. મિલન આડેની અભેદ્ય દીવાલ લુપ્ત થાય છે. અને રામ-સીતાનું મિલન શક્ય બને છે. આ કારણે આ નાટક અંત સુધી કરુણરસને જાળવી રાખતું નથી એ પણ આપણે જોયું. હવે પ્રશ્ન એ રહે છે કે રામ અને સીતાના મિલનની આવી શક્યતા હતી એ જોતાં આ નાટકમાં અભિવ્યક્ત થતો કરુણરસ શુદ્ધ કરુણરસ ગણાય કે શૃંગારરસનો પ્રકારભૂત, વિપ્રલંભ કરુણ ગણાય? જો વિપ્રલંભકરુણ ગણીએ તો રામનો મુખ્ય અંગીભૂત ભાવ રતિભાવ ગણાય અને વિરહજન્ય ઔત્સુક્ય – ચિંતા એ એનું પરિપોષણ કરનારા અંગભૂત ભાવ ગણાય. પણ જો શુદ્ધ કરુણરસ ગણીએ તો શોક એ રામનો મુખ્ય અંગીભૂત સ્થાયીભાવ ગણાય અને સીતા સાથેના સહજીવનનાં સ્મરણોથી વ્યક્ત થતા રતિભાવને એ શોકનો પોષક અંગભૂત ભાવ ગણવો પડે. આપણી સમક્ષ પશ્ન એ છે કે ઉત્તરરામચરિતના ત્રીજા અંકમાં જે રસપ્રતીતિ થાય છે તે શુદ્ધ કરુણરસની છે કે કરુણ વિપ્રલંભની. આ પ્રશ્ન અહીં ચર્ચવાનો ઉદ્દેશ એ છે કે, એ ચર્ચા દ્વારા આપણે વિપ્રલંભ કરુણનું સ્વરૂપ સમજીએ અને એ કરુણરસથી શા કારણે ભિન્ન છે એ પણ સમજીએ. ભરતનાટ્યશાસ્ત્રમાં કરુણનો વિપ્રલંભથી ભેદ આ પ્રકારે બતાવ્યો છે. करुणम्तु, शापल्लेशविनिपतितेष्टजनविभवनाशवधबन्धसमुत्थोनिरपेक्षभावः। औत्स्युक्यचिन्तासमुत्थः सापेक्षभावो विप्रलम्भकृतः।। આના ઉપર ટીકા કરતાં અભિનવગુપ્ત કહે છે કે :— અધમપ્રકૃતિ માનવના વિષયમાં તો, રતિનો આલંબનવિભાવ–અર્થાત્‌ પુરુષના વિષયમાં એની પ્રિયા–સંનિહિત ન હોય ત્યારે સામગ્રીને અભાવે રતિ સ્થાયીભાવનો પણ અભાવ નીપજે છે અને એથી એનો કરુણ તે વિપ્રલંભ નથી. પણ કરુણ રસ જ બની જાય એ શક્ય છે. પણ ઉત્તમ પ્રકૃતિ પાત્ર હોય તો રતિથી વિપરીત પ્રકારનો શોક હોય તે જ કરુણનો સ્થાયી બને, તેથી જ ભરતમુનિએ કહ્યું છે કે કરુણ નિરપેક્ષ છે એટલે કે પ્રિયાના પુનર્મિલનની જે અપેક્ષા, રતિનું આલંબન બનતી જે અપેક્ષા, એ અપેક્ષા લુપ્ત થાય ત્યારે શોક સ્થાયીભાવ બને. અર્થાત્‌ પ્રિયાના પુનર્મિલનની દૂરતમ પણ અપેક્ષા હોય તો ઉત્તમપ્રકૃતિ પાત્રના હૃદયમાં શોક સ્થાયી બનતો નથી, રતિભાવ સ્થાયીરૂપે ટકી રહે છે, અને તેથી વિપ્રલંભ-કરુણની નિષ્પત્તિ થાય છે, અને એ ઉત્તમપ્રકૃતિ પાત્રના ઉત્સાહ, ક્રોધ વગેરે ભાવોને ઉત્પન્ન કરનારો એ રતિભાવ બને છે. વિપ્રલંભ કરુણ અને શુદ્ધ કરુણ વચ્ચેનો આ ભેદ સાહિત્યદર્પણ વગેરે બીજાં શાસ્ત્રોએ પણ સ્વીકાર્યો છે. એ ભેદ આ રીતે સમજ્યા પછી આપણી સમક્ષ ઉત્તરરામચરિતના ત્રીજા અંક પરત્વે પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે રામની દૃષ્ટિમાં સીતાની પુનઃપ્રાપ્તિનો સંભવ હતો કે નહીં? જો એવો સંભવ રામે માન્યો હોય તો રતિભાવ સ્થાયીભાવ બને અને એમાંથી વિપ્રલંભ કરુણની અભિવ્યક્તિ થાય પણ જો પુનર્મિલનનો સંભવ રામે ન જ માન્યો હોય તો શોક જ સ્થાયીભાવ બને અને એમાંથી કરુણરસ જ નિષ્પન્ન થાય. આ પ્રશ્ન મેં અગાઉ કહ્યું તેમ, કરુણ અને વિપ્રલંભ કરુણના ભેદનું દર્શન કરવા માટે ઉપસ્થિત કર્યો છે. બાકી પ્રશ્નનો જવાબ રામચંદ્રે પોતે નિઃસંદેહ રૂપે આપી જ દીધો છે. સીતા અદૃશ્યરૂપે રામની નજીકમાં આવી ઊભી છે; રામને મૂર્છા આવે છે ત્યારે એને એ પોતાના કોમલ કરના સ્પર્શ વડે ચેતનમાં આણે છે; રામ એ સ્પર્શ સીતાનો છે એમ સમજી શકે છે; અને એ સ્પર્શસુખનો અનુભવ કરીને એ વાસન્તીને કહે છે “સખિ, બીજું શું હોય, જાનકી પુનરપિ પ્રાપ્ત થઈ.” એના જવાબમાં વાસન્તી કહે છે કે ‘અયિ દેવ રામભદ્ર, પ્રિયસખીની વિપત્તિના દુઃખથી દાઝેલી એવી મને, મન્દભાગ્યને, શા માટે ફરી ફરીને મર્મચ્છેદી દારુણ વચનોથી દઝાડો છો?” અને રામ, એ સ્પર્શસુખના આનંદનું વર્ણન કરીને પણ, છેવટે કહે છે, ‘ચોક્કસ, એ નથી. નહિ તો વાસન્તી કેમ ન એને દેખે? આ શું સ્વપ્ન હશે? પણ હું ઊંઘ્યો નહોતો. રામને નિદ્રા કેવી!” અને છેવટે કહે છે. अन्यपवायमधुना विपर्ययो वर्तते (આ સીતા વિયોગરૂપ વિપર્યય પૂર્વના સીતાવિયોગથી વિલક્ષણ છે.)

उपायानां भावादविरलविनोदव्यतिकरे..
विभर्दैर्वीराणां जनितजगदत्यद्भुतरसः।
वियोगो मुग्धाक्ष्याः स खलु रिपुघातावधिरभूत्
कटुस्तूष्णीं सह्यो निरवधिरयं तु प्रविलयः।।
(અં. રૂ- શ્લો ૪૪)

તે વખતે ઉપાયો હતા, તેથી તે વખતના વિયોગમાં સૈન્યની જમાવટ, સેતુબંધ વગેરે અને વિયોગથી દુઃખ ભૂલાતું હતું; વીરોના વિમર્દથી જગતને વીરરસમાંથી પરિણમતા અદ્‌ભુતરસનો અનુભવ કરાવી ગયો એવો એ વિયોગ હતો. એ વિયોગને શત્રુના સંહાર પર્યન્તનો અવધિ હતો, પણ આ તો ‘પ્રવિલય’ છે – પ્રકૃષ્ટ વિલય છે, જે કટુ-કાતીલ છે, જે મૂંગે મ્હોંએ (નિરુપાય બનીને) સહન કરવાનો છે જે નિરવધિ છે. આ પહેલાં પણ રામે કહ્યું છે કે, કોમલ બાલમૃણાલ જેવી એની અંગલતિકાને નક્કી માંસભક્ષી સત્ત્વો ખાઈ ગયાં હશે; અને – દેવીથી શૂન્ય આ જગત બન્યું – બાર વરસ થયાં – એના નામનો પણ નાશ થયો – છતાં રામ હજી જીવે છે. આ વચનોથી સ્પષ્ટ થાય છે કે, રામચંદ્ર સીતાના પુનર્મિલનનો સંભય માનતા નથી, તેથી રામનો શોક કરુણરસમાં પરિણમે છે :

पुटपाकप्रतीकाशो रामस्य करुणो रसः।

અહીં રસસિદ્ધાંતની એક સમસ્યા આ ‘રામસ્ય કરુણો રસઃ’ એ શબ્દો પરત્વે ઊભી થાય છે. આ શબ્દોનો અર્થ શો કરવો? રામનો શોકરૂપ સ્થાયીભાવ જે કરુણરસમાં પરિણમે છે તે કરુણરસ રામને છે–એટલે રામનો અનુભવવિષય છે એમ અર્થ કરવો? રસાનુભવ વિશુદ્ધ આનંદ હોય છે. રામ તો દુઃખ જ અનુભવે છે. રસાનુભૂતિનો આનંદ તો પ્રેક્ષક અનુભવી શકે. રામ દુઃખ અને શોક અનુભવતા હોય, અર્થાત્‌ રામચંદ્રની ભૂમિકા ભજવતો નટ અભિનયાદિ દ્વારા શોકરૂપ સ્થાયી ભાવની અભિવ્યક્તિ કરતો હોય ત્યારે સામાજિકગણ પણ હૃદયસંવાદથી દુઃખ જ અનુભવે, શોક જ અનુભવે. પણ એ શોકરૂપ સ્થાયી ભાવ સામાજિકના હૃદયમાં કરુણરસમાં પરિણમે અને એ શોકભાવ કરુણ રસત્વને પામે એ ક્ષણે સામાજિક લૌકિક દુઃખશોકથી પર એવા અલૌકિક આનંદનો જ આસ્વાદ કરે. એ રસાસ્વાદમાં દુઃખનો આછો પણ સ્પર્શ ન હોય એવો રસસિદ્ધાન્ત છે. અને એ રસસિદ્ધાંત માનસશાસ્ત્રની દૃષ્ટિએ બરાબર લાગે છે. આનંદમય કરુણરસનો આસ્વાદ સામાજિક જ કરે, તો પછી ભવભૂતિએ મુરલાના મુખમાં આ શબ્દો ‘રામસ્ય કરુણો રસઃ’ શાથી મૂક્યા હશે? ભવભૂતિ કરુણરસના પ્રતિપાદનમાં અપૂર્વ, અદ્વિતીય સમજણ અને કુશળતા દર્શાવે છે એ તો આપણે જોયું છે. તો પછી ભવભૂતિએ આવું સિદ્ધાંતવિરોધી કથન શા માટે કર્યું હશે? એનો ટીકાકાર વીરરાઘવે આ ખુલાસો આપ્યો છે કે અહીં ભાવિની વૃત્તિનો ઉપયોગ થયો છે. આ ખુલાસો વીરરાઘવે અંક ૩ ના ૪૭માં ‘એકો રસઃ કરુણ એવ નિમિત્તભેદાત્‌–’ ઇત્યાદિ શ્લોકની ટીકામાં કર્યો છે પણ ત્યાં એણે કહ્યું છે કે આ ખુલાસો “રામસ્ય કરુણો રસઃ” એ કથન પરત્વે પણ સમજી લેવો. સંસ્કૃત વ્યાકરણમાં વપરાયેલા ભાવિની વૃત્તિ અથવા ભાવિની સંજ્ઞા એ શબ્દોથી સંસ્કૃતજ્ઞો અપરિચિત નથી. ‘ઓદનં પચતિ, શાટકં વયતિ’ જેવી ઉક્તિમાં એક પ્રશ્ન ઉદ્‌ભવે છે કે ઓદન એટલે રાંધેલા ચોખા, ભાત, તો જે રાંધેલ ભાત છે તેને રાંધવાનું રહ્યું ક્યાં? ‘ઓદનશ્ચેદ્‌ ન પક્તવ્યઃ |’ જો ઓદન હોય તો રાંધવાનું રહેતુ નથી. ‘પક્તવ્યશ્ચેદ્‌ ન ઓદનઃ |’ જો રાંધવાનું બાકી રહેતું હોય તો એ ઓદન નથી. એ જ પ્રમાણે સાડી એટલે સૂત્રતંતુને વણવાથી નિષ્પન્ન થતું કાપડ, તો “સાડી વણે છે” એમ કેમ કહેવાય? આનો ખુલાસો એ છે કે એ સંજ્ઞા – ઓદન અને સાડી એ સંજ્ઞા – ભાવિની વૃત્તિનો આશ્રય કરીને વપરાય છે. પાકક્રિયાથી જે નિષ્પન્ન થશે તે ઓદન, વણવાથી તૈયાર થશે તે સાડી, એમ ભાવિ પરિણામને લક્ષમાં રાખીને ‘ભાત રાંધે છે.’ ‘સાડી વણે છે’ એવો વ્યવહાર કરાય છે. તે જ પ્રમાણે અહીં ‘રામસ્ય કરુણો રસઃ’ એ પ્રયોગ ભાવિની વૃત્તિનો આશ્રય લઈને કરાયો છે. એટલે જે સામાજિકના હૃદયમાં કરુણરસ રૂપે પરિણમવાનો છે તે શોક, રામનો શોક, એવો અર્થ સમજવો. ભવભૂતિએ ‘રામસ્ય કરુણો રસઃ’ એવો પ્રયોગ કર્યો તેમાં કરુણરસનો અર્થ શોકનો ભાવ એવો જ કરવો એ ચર્ચા અહીં કરવાનું પ્રયોજન એ છે કે રસની અનુભૂતિ પ્રેક્ષકના ચિત્તમાં જ થાય છે. એ સિદ્ધાંત માટે નાટ્યશાસ્ત્રના રસવિવેચકોએ કેટલો આગ્રહ સેવ્યો છે એ સમજાય. વીરરાઘવે પોતાની ટીકામાં આવો શોકભાવ એવો અર્થ કરવાનો આગ્રહ રાખ્યો છે એ પણ એ સિદ્ધાંતનું જ પરિણામ છે. આ સિદ્ધાંત અનુસાર એક વાત સ્પષ્ટ છે કે નાટ્યકાર જ્યારે કરુણરસિક નાટ્યકૃતિનું અને શોકભાવના આશ્રયભૂત નાયકનું સર્જન કરે ત્યારે એનું કાર્ય એ પાત્ર દ્વારા, એના શોકના આલંબન વિભાવ દ્વારા એ પાત્રના શોકભાવમાંથી પરિણમતા એના અનુભાવ અર્થાત્‌ અભિનય દ્વારા, એ સ્થાયી ભાવના સહચારી અન્ય ભાવો દ્વારા અને એના પણ અનુભાવો દ્વારા, ઉપરાંત એ ભાવનું – સ્થાયીભાવનું – ઉદ્દીપન કરતા વિભાવ દ્વારા – એ પાત્રના શોકનો અનુભવ પ્રેક્ષકોને કરાવવાનું હોય છે. સર્જકનું સર્જન એ પાત્રોના અને એના શોકભાવનું અભિવ્યંજન કરતી ઉપર વર્ણવેલી સામગ્રીના સર્જનમાં સમાપ્ત થાય છે. ત્યાર પછીનો ક્રમ – એ શોકભાવ પ્રેક્ષકના મનમાં સંક્રાન્ત થઈને કરુણરસરૂપે પરિણમે એ વિધિ પ્રેક્ષકના ચિત્તમાં થાય છે. એટલે અમુક નાયકનો અમુક રસ એ કથનમાં રસ શબ્દથી ભાવ જ સમજવો. નાયકગત ભાવનું તદ્‌ભાવન કરીને પ્રેક્ષક રસની પ્રતીતિ કરે એમાં સર્જકની સર્જનકલાની સફળતા છે, પણ એ સફળતા સર્જકે સર્જેલી સામગ્રી દ્વારા – ભાવનો આશ્રય (દા. ત. રામ), એનો આલંબન વિભાવ (દા.ત. સીતા), એના ઉદ્દીપન વિભાવો અને એના સહવર્તી સહચારી ભાવો એ સામગ્રી દ્વારા – સિદ્ધ કરવાની રહે છે. રામની ભૂમિકા ભજવનારો નટ રામના એ શોકને અનુભાવ દ્વારા વ્યક્ત કરે, એ શોક, જેનો આલંબન વિભાવ સીતાનો અત્યન્ત વિયોગ છે એવો રામનો શોક, એ પંચવટી, એ જૂનાં ચિરપરિચિત સ્થળો, એ સ્થળોએ સીતાની સાથે કરેલો નિવાસ અને વિનોદનાં સ્મરણો વગેરે ઉદ્દીપન વિભાવથી પુષ્ટ થાય છે. રામના ચિંતા, વિષાદ, આવેગ વગેરે તે તે પ્રસંગે ઉત્પન્ન થતા અને મુખ્ય સ્થાયીભાવની અભિવ્યક્તિમાં સહકાર આપતા સંચારી ભાવો એ શોકને સામાજિકગમ્ય બનાવવામાં સહાયક બને છે. અને આ પ્રમાણે પ્રેક્ષકનો રામના શોકભાવ જોડે હૃદયસંવાદ થતાં પ્રેક્ષક પણ એ શોકભાવને અનુભવે છે, રામ દુઃખી થતા દેખાય ત્યારે દુઃખી થતો હોય છે અને સંભવતઃ નિઃશ્વાસ, અશ્રુપાત આદિ કરતો હોય છે. પણ એનું સવેદન એ શોકસંવેદનથી અટકતું નથી. નટના અભિનયથી પ્રતીત થતા શોકનું તો એ સંવેદન કરે છે, પણ પોતાને થયેલા એ શોકના સંવેદનનું પણ એ સંવેદન કરે છે, જે અંતિમ સંવેદનને ક્રમે સખદુઃખ હર્ષશોક વગેરે લૌકિક મનોવૃત્તિઓ ગળી ગઈ હોય છે અને અવશિષ્ટ રહે છે માત્ર અલૌકિક, સાત્ત્વિક, રસાસ્વાદરૂપ આનંદ. આ રસાનંદનો ભોક્તા પ્રેક્ષક છે. નટને પોતાને આવા રસાસ્વાદનો આનંદ અનુભવાય છે કે નહીં એ વિશે મતભેદ છે. પણ નટ બહુ તો પોતે જેનો અભિનય કરતો હોય એ શોકનો અનુભવ કરે, રસનો નહીં, જો કે નટને અભિનીયમાન શોકભાવનો પણ અનુભવ થાય છે કે નહીં એ વિશે મતભેદ છે. નટ તરીકેનો પોતાનો અભિનયધર્મ બજાવતો નટ શોકનો અનુભવ કરે એમ માનવું આવશ્યક નથી. સફળ શોકાભિનય કરવા માટે શોકના અનુભવની અપેક્ષા નથી. એટલે નટને શોકની અનુભૂતિ નથી થતી એ મત યોગ્ય લાગે છે. છતાં, કોઈ વિશિષ્ટ પ્રકૃતિનો નટ પોતે જે ભાવ ભજવતો હોય એનો અનુભવ પોતાને થાય એવી તન્મયતા ભૂમિકા જોડે સાધતો હોય એ પણ અસંભવિત નથી. બલ્કે કેટલાક નટો એવા અનુભવનો એકરાર કરે છે, પણ નટને શોકનો અનુભવ થતો હોય તો તેથી એના ચિત્તમાં પણ રસનો, સામાજિક જેવો, આસ્વાદ થાય છે, એવું ફલિત થતું નથી. નટ અભિનય કરવા સાથે એવી રસચર્વણા કરે એ સંભવિત નથી. છતાં – દશરૂપકકાર કહે છે તેમ—

काव्यार्थभावनास्वादो नर्तकस्य न वार्यते।

અર્થાત્‌ નટ કાવ્યાર્થના ભાવનથી રસાસ્વાદ કરી શકતો હોય તો ભલે. એને કોઈ રોકતું નથી. પણ એ પ્રમાણે નટ રસાસ્વાદ કરે છે એમ કદાચ માની લઈએ તો પણ એ નટ, એ રસાનુભવ પૂરતો, સામાજિકોની કોટિમાં ગણતરીને પાત્ર બને. સાહિત્યદર્પણ કહે છે તેમ

काव्यार्थभावनेनायमपि सभ्यपदारपद्म्।

નટ માત્ર અભિનય કલાના શિક્ષણ અને પુનઃ પુનઃ કરાતા અભ્યાસને લીધે રામની સરૂપતા પ્રાપ્ત કરવાને સમર્થ બને છે, રામની ભૂમિકા ભજવવામાં કુશળતા પ્રાપ્ત કરે છે. અને એ પ્રમાણે રામની ભૂમિકા ભજવીને રામના ભાવોનો સામાજિકોને અનુભવ કરાવવામાં એનો ધર્મ સમાપ્ત થાય છે. રસાસ્વાદનનો એના નટ તરીકેના ધર્મમાં સમાવેશ થતો નથી અથવા રસાસ્વાદનની શક્યતા પણ નટ પરત્વે સ્વીકારાતી નથી. ભૂમિકાના અને કૃતિના અભ્યાસકાળે નટ રસાસ્વાદ કરે તો એ રસાસ્વાદન સમયે એ નટ, નટનો ધર્મ નથી બજાવતો પણ સામાજિકનો ધર્મ બજાવે છે. એથી રસાસ્વાદક નટની, એ રસાસ્વાદન પૂરતી, અન્ય સામાજિકો જેવા એક સામાજિક તરીકે ગણના કરવી પડે.

(કરુણરસ)