વિદિશા/ચિલિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચિલિકા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ‘કવિતામહીં પ્રત્યક્ષ પ્રીછ્ય...")
(No difference)

Revision as of 08:56, 23 July 2021


ચિલિકા

ભોળાભાઈ પટેલ

‘કવિતામહીં પ્રત્યક્ષ પ્રીછ્યા’ પછી અને ‘કલ્પનામાં હુબહુ દીઠા’ પછી જ્યારે કોઈ કવિપ્રવાસી તાજમહાલને ખરેખર સાક્ષાત્ કરે ત્યારે સહજ ઉદ્ગાર નીકળી જાય છે. – ‘મેં તાજ જોયો!’ જે કોઈ કવિતાનો કે અન્ય કલાનો વિષય બન્યું હોય અને તેથી આપણી કલ્પનાનો વિષય બને છે, તે જ્યારે ચાક્ષુષ વિષય બને છે ત્યારે પ્રથમની સૌન્દર્યાનુભૂતિથી કંઈક જુદા પ્રકારની સૌન્દર્યાનુભૂતિ થાય છે. પ્રથમમાં કદાચ કલાગત આસ્વાદ છે. એ કલાગત આસ્વાદની પૃષ્ઠભૂમિ સાથે પ્રત્યક્ષદર્શનથી પમાતો આહ્લાદ પ્રથમ દર્શનના વિશુદ્ધ આનંદથી સમન્વિત ભલે ન હોય, પણ ભાવના- સમન્વિત હોવાથી અનેરો બની રહે છે.

ઓડિશાના અતિ મનોહર સુષમામંડિત સરોવર ચિલિકાનાં પ્રથમ દર્શન તો થયાં હતાં ઓડિયા કવિ રાધાનાથ રાયની ચિલિકા કવિતાની પંક્તિઓમાંથી પસાર થતાં. ત્યારે બાણનાં ‘નિબિડ તરુખડની મધ્યમાં ત્રેલોક્યલક્ષ્મીના મણિદર્પણ સમા, પંચેન્દ્રિયોનું આહ્લાદન કરવામાં સમર્થ’ – એવા અચ્છોદ સરોવરની યાદ આવી ગઈ હતી. કવિતાનો પહેલો શ્લોક હજીયે યાદ છે :

ઉત્કળ-કમળા-વિળાસ દિર્ધિકામરાળ-માળિની નીળાંબુ ચિળિકાઉત્કળર તુઁહિ ચારુ અળંકારઉત્કળભુવને શોભાર ભંડાર.

– હે મરાલમાલિની નીલજલા ચિલિકા, તું ઉત્કલલક્ષ્મીની વિલાસદીર્ઘિકા છે. ઉત્કલનું તું રમણીય આભૂષણ છે અને ઉત્કલ સમગ્રમાં શોભાનો ભંડાર છે. –

સતત સાહચર્યથી આ ચિલિકા જાણે કવિની સખી છે. તેની સાથેના સંભાષણના માધ્યમથી કવિતા રચાતી ગઈ છે. એક ગાઢ રાગાનુભૂતિનો સંસ્પર્શ સમગ્ર કવિતામાંથી અનુભવાય છે. ભારતવર્ષનાં અન્ય ભવ્ય, રમણીય સ્થળો કવિએ જોયાં છે, પણ ચિલિકા તે ચિલિકા. જેમ જેમ કાવ્ય વાંચતા જઈએ છીએ તેમ તેમ સૌન્દર્યનું એક શતદલ જાણે ખૂલતું – ખીલતું જાય છે.

આ હતું ચિલિકાનું પ્રથમ દર્શન. ઊંચા-નીચા પહાડો, વચ્ચે સરોવર, સરોવરમાં દ્વીપ, સૈકત-પુલિન, તાલનારિકેલનાં ઊંચાં વૃક્ષ, હંસવિહંગોથી સેવ્યમાન, પ્રભાતે અને સંધ્યાએ ખીલી ઊઠતા રંગવૈભવથી દર્શનીય.

  • * *

પછી એક દિવસ બુદ્ધદેવ બસુનું કાવ્ય નજરે પડ્યું – ‘ચિલ્કાય સકાલ’ (ચિલિકા પર પ્રભાત). તેની પહેલી પંક્તિ એક અપૂર્વ આશ્ચર્યાનુભૂતિનો સહજ ઉદ્ગાર છે :

કે ભાલો આમાર લાગલો આજ એઇ સકાલ બૅલાય કૅમાન કરે બલિ.

– આજે આ સવાર વેળાએ કેવું તો સારું લાગ્યું, કેવી રીતે કહું? પછી એ આનંદ-ઉદ્ગાર લંબાય છે – કેવું નિર્મળ નીલ, અસહ્ય સુંદર આ આકાશ છે, જાણે કે દિગન્તથી દિગન્ત સુધી વ્યાપ્ત કોઈ ઉસ્તાદની અબાધ ઉન્મમુક્ત તાન. ઉપર વિસ્તીર્ણ નીલ આકાશ છે, ચારે બાજુએ વાંકાચૂકા વિસ્તરેલા ધુમ્મસમાં ડૂબેલા હરિયાળા પહાડ છે અને વચ્ચે ચિલિકા ઝગમગી રહ્યું છે!

અને આ ક્ષણે કવિનો અનુભવ નિર્ભેળ પ્રાકૃતિક સુષમાનો નથી, કવિ પોતાની સખીને કહે છે :

તું પાસે આવી, જરાક બેઠી,

ત્યાર પછી ગઈ તે બાજુસ્ટેશને ગાડી આવીને ઊભી છે,

તે જોવા ગાડી ઊપડી ગઈ – તને કેટલી બધી તો ચાહું છુંકેવી રીતે કહું?

– કેવી સહસ્થિતિ – સૌન્દર્યલોકની અને વાસ્તવની – ચિલિકાની અને રેલગાડીની. પણ આ ક્ષણે બધું જ રમણીયતાથી ૨સાઈ ગયું છે. કશીક અનિર્વચનીયતા ગદ્યો૫મ વચનો માટે વિવશ કરે છે. કવિ કહી ઊઠે છે સાદી ભાષામાં જ – તને કેટલી બધી ચાહું છું – કેવી રીતે કહું?

એ જ સખી, આજે આ સૌન્દર્યલોકના સાન્નિધ્યમાં કેવો ઉમળકો જન્માવે છે! ‘તને કેટલી બધી ચાહું છું.’ – કોઈ પણ પ્રણયીની કેટલામીય વારની આ ચાટૂક્તિ હોઈ શકે. પણ અહીં? ના, અહીં ચિલિકાના આ મનોહર સાન્નિધ્યમાં કશુંય આડંબરી ન ટકી શકે. ભાષા પણ નહિ. પ્રભાતે ચિલિકાના તટે પ્રાકૃતિક સુષમાથી અભિભૂત કવિ પ્રેમની ઉપલબ્ધિની નવી ક્ષણો પામે છે — (કે પછી મારા મિત્ર શ્રી દિગીશ મહેતા કહે છે તેમ તેથી ઊલટું, એટલે કે પ્રેમની ઉપલબ્ધિ પછી આ પ્રાકૃતિક સુષમા આજે અપૂર્વ મનોહર બની આવી છે. અનુરાગના પ્રભાવમાં કવિ સૌન્દર્યની ઉપલબ્ધિની ક્ષણો પામે છે.)

કવિ કહે છે – આકાશમાં સૂર્યનું પૂર આવ્યું છે, આંખ માંડી શકાતી નથી. એકચિત્તે ગાય ચરે છે… રૂપેરી જળ સૂતાં સૂતાં સ્વપ્ન જુએ છે, સમસ્ત આકાશ નીલ સ્ત્રોતે ઝરી પડે છે, તેની છાતી પર સૂર્યનાં ચુંબનથી. કાવ્ય યુગપત્ સૌન્દર્યાનુભૂતિનું અને પ્રણયાભૂતિનું બની રહે છે.

ચિલિકાના આ બન્ને અનુભવો – દર્શનો કાવ્યાનુભવો છે. આ કાવ્યાનુભૂતિએ ચિલિકાનાં દર્શનની ઉત્કટતા પણ જગાવી હતી. કવિતા વિશ્વને વધારે સુંદર બનાવે છે, વધારે ચાહવાયોગ્ય બનાવે છે. કવિતાની કવિતા તરીકેની અનુભૂતિ ઉપરાંત કવિ રાધાનાથની આંગળી પકડીને તો ચિલિકાને કાંઠે કાંઠે ચિલિકાના અતીતમાં પણ પરિભ્રમણ કર્યું હતું. તેમાં જન્મભૂમિના અનુરાગનો ગાઢ રંગ ભળેલો હતો. બુદ્ધદેવે ચિલિકાની જે એક મોહક ઝલક આપી, તેમાં કદાચ પ્રેમનો જ ગાઢ રંગ ભળેલો છે. એકમાં સતત સાન્નિધ્યથી જન્મેલો ભક્તિભાવ છે, બીજામાં અપૂર્વ દર્શનથી જન્મેલો વિસ્મયનો ભાવ છે.

ચિલિકાને આમ કવિતાના અને પછી મનોમન કલ્પનાનાં રંગે રંગીને જોયા કર્યું હતું – અને ચિલિકાની એક માનસછવિ અંકાઈ હતી, કદાચ એક નહિ બે. આ બે ચિલિકા પર એક નવો પુટ ચઢ્યો – ત્રીજા ચિલિકાનો – ચિલિકાના સાક્ષાત્ દર્શનનો. પણ તે પહેલાં એક મધુર ઘટના બની.

  • * *

ભુવનેશ્વરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન લૅન્ગવેજિઝ અને ઉત્કલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભાષાવિજ્ઞાનના સમર ઇન્સ્ટિટયૂટમાં ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી ચાલીસ અધ્યાપકો હતા. પશ્ચિમ ભારતમાંથી એક હું હતો. વધારે સંખ્યામાં દક્ષિણ અને પૂર્વ ભારતના હતા. મારા બંને રૂમપાર્ટનર્સ બંગાળીઓ હતા.

રોજ સાંજે અનૌપચારિક મિલનોમાં પોતપોતાનાં ભાષા-સાહિત્યની વાત થાય. કોઈ દિવસ તમિળની, કોઈ દિવસ કન્નડાની, પણ વિશેષ તો ઓડિયા-બંગાળીની થાય. ત્યાંનાં મિત્રો વધારે હતા. ક્યારેક ભાષાઓના સામ્ય-વૈષમ્યની ચર્ચા થાય – તેમાં ‘ળ’ની વાત નીકળી. ઓછામાં પૂરું ભાષાવિજ્ઞાનની ઇન્સ્ટિટ્યૂટ – એટલે ઉચ્ચારશાસ્ત્રની રીતે વાત નીકળી. એક ઓડિશી મિત્રે કહ્યું : હિન્દી ભાષીઓ, બંગાળીઓ અને અસમિયાઓને ‘ળ’ બોલવો મુશ્કેલ છે – તમે ગુજરાતીઓ ‘ળ’ ઉચ્ચારી શકો? મેં તરત જ કવિ રાધાનાથ રાયની મને યાદ પેલી ‘ચિલિકા’ વિષેની પંક્તિઓ બોલી સંભળાવી – ‘ળ’ પર ભાર મૂકીને :

ઉત્કાળ-કમળા-વિળાસ દીર્ધિકામરાળમાળિની નીળાંબુ ચિળિકા…

બધાંને સાનંદાશ્ચર્ય થયું. પણ ‘ળ’ના સ્પષ્ટ ઉચ્ચારને લીધે એટલું નહીં, જેટલું ભારતને છેક પશ્ચિમ છેડેથી ગયેલા મારે મોંએ તેમના પ્રિય કવિની પ્રસિદ્ધ કવિતાની ઓડિયા પંક્તિઓ સાંભળીને થયું.

પણ તેથીય વિશેષ આશ્ચર્યનો અનુભવ પાછો તરત જ તેમને થયો. ‘ચિલિકા’ની વાત નીકળતાં મારા સાથી બંગાળી મિત્રે કહ્યું – ‘અમારા એક કવિએ પણ “ચિલિકા” વિષે એક સરસ કાવ્ય બંગાળીમાં લખ્યું છે…બુદ્ધદેવ બસુએ – જે હમણાં જ દિવંગત થયા… અને તે પંક્તિઓ યાદ કરવા મથ્યા – અને હું બોલ્યો – તમે આ કવિતાની જ વાત કરો છો ને? –

કી ભાલો આમાર લાગલો આજ એઈ સકાલ બૅલાયકૅમન ક’રે બલિ.

કી નિર્મલ નીલ એઈ આકાશ, કી અસહ્ય સુંદર,યેન ગુણીર કણ્ઠેર અબાધ ઉન્મુક્ત તાનદિગન્ત થેકે દિગન્તે…

હજુ તો હું કંઈ આગળ પંક્તિઓ બોલું ત્યાં પેલો મિત્ર ઊભો થઈ મને બાઝી જ પડ્યો! અન્ય ભાષાભાષી મિત્રો પણ પ્રસન્ન પ્રસન્ન. પછી બધાને વિચાર આવ્યો, આપણે ચિલિકા જવું જોઈએ. સામે રવિવાર આવતો જ હતો. મારું મન તો ‘ચિલિકા ચિલિકા’ ઝંખી રહ્યું હતું. જવાની વેળા આવી ત્યારે જનાર એક હું જ હતો…

  • * *

ભુવનેશ્વરથી ચિલિકા જતી મારી બસ કલકત્તા-મદ્રાસના ઐતિહાસિક હાઈવે ૫ર થઈ દોડે છે. ભુવનેશ્વરના પાદરમાં જ દેખાય છે એક ગીચ વનરાજીથી છવાયેલી પહાડી, પ્રસિદ્ધ ઉદયગિરિ- ખંડગિરિ. હજી પહાડી પરથી નજર હટે ન હટે ત્યાં આવે છે એક રસ્તાની ધારે એક ઓડિશી ગામ. વાંસના ઝુરમુટમાં જ. વૃક્ષોના ઓછાયામાં નાનાં માટીનાં ઘર… એક ઘર અને એક વૃક્ષ તો એવાં અભિન્ન લાગ્યાં કે જાણે વૃક્ષની સાથે જ ઘર ઊગી આવ્યું છે. ગામની બહાર આંબાવાડિયું, દેવદેવીનાં થાનક, તળાવ અને તળાવને કિનારે વડ.

ઓડિશામાં વડનું સામ્રાજ્ય લાગે. હવે આપણી બાજુ નવા વડ બહુ ઊગતા જોવા મળતા નથી, એટલે જ્યારે બાલવડ જોઈએ ત્યારે હાથીનાં મદનિયાંને જોયાનો આનંદ થાય. વડનાં લીલાં પાંદડાં વચ્ચે લાલ ટેટાનો વિરોધલય આંખમાં વસી જાય, અને સૌથી વિશેષ તો સ્પર્શી જાય એની પથરાયેલી છાયા. માર્ગકિનારાની હરિયાળી આંખને ઠારે, પૂર્વઘાટની શિખરાવલિ નજરમાં ચઢે-ઊતરે.

બાલુગાં આવતાં પહેલાં એક વાર ચિલિકાનાં વારિ ઝબકી ગયાં, પણ પછી અદશ્ય. બાલુગાં ઊતરી ગયો. આ બાજુનું જરા મોટું ગામ. અહીં સરકારી નૌકાવિહારની વ્યવસ્થા છે. પ્રવાસીઓ અહીં ઊતરે છે, ગામને અડીને જ સરોવર પસાર થાય છે – દૂર-સુદૂર.

પણ ચિલિકાનાં રમ્ય દર્શન માટે તો બારકુલે જવું જોઈએ. પાંચ કિલોમીટર દૂર. ચાલી નાખવાનો વિચાર કર્યો અને ખભે થેલો ભરાવી નીકળી પડ્યો. રસ્તાની બન્ને બાજુએ વનરાજી – અને પંખીઓનો સતત કલરવ. ચાલવામાં આનંદ આનંદ થાય. ગામ આવ્યું. વૃક્ષોની છાયામાં છાપરાવાળી હોટેલ, પણ ડાકબંગલો દૂર છે – તે માટે રેલવેની ધારે ધારે ચાલવું પડે છે – હું ગાડી પસાર થતી જોઉં છું પહાડની પૂષ્ઠભૂમિમાં રેલવે પણ સમગ્ર દશ્યને આવરી લેતી ફ્રેમમાં જડાયેલી ક્ષણેક તો લાગી. આ ડાકબંગલાનો માર્ગ ખાસ્સો એક કિલોમીટર. બન્ને બાજુએ સૈકાજૂનાં વૃક્ષોની હારની વચ્ચે નવાં વૃક્ષોના નાના રોપની કૂંપળો તડકામાં ચકચકે. એક પીપળાનું લાલ લાલ પલ્લવ જોઈને ‘આહ’ ઉદ્ગાર નીકળી ગયો. તોડી લેવાની ઇચ્છા થઈ, હાથ અડકાડી પાછો લઈ લીધો. આ ડાકબંગલો – વસ્તીથી દૂર. બન્ને બાજુનાં બારણાંની આરપાર ચિલિકાનાં વારિ લહેરાતાં નજરે પડ્યાં – કી ભાલો લાગલો આમાર! થાક બધો ઊતરી ગયો, પ્રસન્નતા પથરાઈ ગઈ સમગ્ર અસ્તિત્વમાં.

  • * *

ચિલિકા સરોવર રમણીય ઉત્કળ ભૂમિમાંય રમણીય. ચારેપાસ સૌન્દર્ય વીખરાયેલું છે. એની પશ્ચિમે છે જંગલોથી આચ્છાદિત પૂર્વઘાટની શ્રેણી અને વચ્ચે છે નાનામોટા દ્વીપ, પારીકુંડ તેમાં સૌથી મોટો છે. ત્યાં રાજવીનો મહેલ પણ છે. વચ્ચે એક સફેદ દ્વીપ દેખાય છે – તે છે ‘ચઢાઈ હગા’. પંખીઓની નિવાસભૂમિ. કોઈએ મને કહ્યું કે પંખીઓની હગારથી જ સફેદ થઈ ગયો છે! દૂરથી બન્ને દ્વીપ નીલપટ પર ટપકાં જેવા લાગે છે. સરોવર ૪૫ માઈલ જેટલું લાંબું છે અને એની સરેરાશ પહોળાઈ ૧૦ માઈલ છે. બંગાળના અખાતથી એક પાતળી ભૂમિપટ્ટીથી તે અલગ પડી ગયું છે – છીછરું છે. બારકુલમાં અહીં સુંદર ડાકબંગલો છે. બરાબર સરોવરને કિનારે. ત્યાં આવી ખભેથી થેલો ઉતારું છું. આ સામે સરોવર ઝલમલે છે. હું એકલો જ હતો તે સારું હતું? કે આ આનંદની વેળાએ કોઈ સાથી- સંગી હોય તે સારું? ભલે એકલો હતો, પણ રમ્યાણિ વીક્ષ્ય – વાળી જ વાત – ‘આઘે હતાં તે ઉરમાં રમી રહ્યાં!’

  • * *

બપોર. એક વાગવા આવ્યો છે. સ્તબ્ધતામાં પંખીઓના અવાજ અથડાય છે. ચિલિકાને કિનારે એક આંબાની છાયા નીચે ચોતરા પર બેઠો છું. લગભગ બે કલાકથી અહીં છું, બસ જોયા જ કરું છું – ઉપર ઘનનીલ આકાશ અને નીચે ચિલિકાનાં વારિ, ક્યાંક આછાં નીલ, ક્યાંક નીલ, ક્યાંક ઘેરાં નીલ.. બધે તડકો વેરાયેલો છે. આ બાજુ પહાડ છે, પેલી બાજુ પહાડ છે, પાણી વચ્ચેય પહાડનું એક ઝૂમખું છે.

બે હોડીઓ માછલાં પકડતી ને દૂર સરકતી જણાય છે. વિશાળ વારિરાશિમાં આ બે હોડીઓ નજરનું એક કેન્દ્ર રચતી હતી, હવે એ કેન્દ્ર ખસતું જાય છે, ઝાંખું થતું થતું અદૃશ્ય બને છે – હવે જાણે ચિલિકાની એક ખાલી પશ્ચાદ્ભૂવાળી પહાડસીમાંકિત ફ્રેમ…

પણ ના, ક્યાંક અપટિક્ષેપથી આ બે માછીમારો આવી પહોંચ્યા છે, જાળ ફેંકી રહ્યા છે.

હા, બપોરની નિર્જન સ્તબ્ધતા, આ વૃક્ષની છાયા, વક્તીતીનો વારે વારે અવાજ, પંખીઓના વિભિન્ન અવાજને ચીરીને આવતો કાગડાનો પરિચિત અવાજ. પવનની લહેરીઓ સાથે વૃક્ષોનાં પાંદડાંની સરસર, મરમર…સાથે પાણીની ભેજવાળી વાસ. રંગ, રવ અને ગંધની એકાકાર સંસ્થિતિ.

પાછળ જોઉં છું – એક ઊંચો પર્વત…કદાચ ભાલેરી છે. નજર ભરી દે છે – છે તો જરા દૂર… એકદમ લીલોછમ. અહીં જાણે બે રંગની વિભિન્ન છટાઓ છે – નીલા રંગની, લીલા રંગની. રંગપારખુ નજર તો રંગોનાં આ વલયોમાં ખોવાઈ જાય…

હમણાં આકાશમાં શ્વેત વાદળના ટુકડા વેરાયાં છે, પૂર્વમાં પાણીની સપાટી ઉપરથી જરા ઊંચે ચઢી આવ્યા લાગે છે. હવે તડકાછાંયડાની રમતમાં, પાણીની રંગલીલાનાં વલયો બદલાય છે, પેલા પહાડ પર પણ તડકો તગતગે છે, છાયા રેલાય છે…

આ ડાકબંગલો કોઈની કવિકલ્પનાનું પરિણામ છે. વર્ષોજૂનો છે, હમણાં નવીનીકરણ થયું છે, પણ આસપાસનાં વૃક્ષો એની પુરાતનતા પ્રગટાવે છે. એકાંતપ્રિય વ્યક્તિને ગમી જાય તેવું સ્થળ છે – ડાકબંગલો બિલકુલ પાણીને અડીને છે. વચ્ચે સરહદરૂપ લાકડાની વાડ છે – આ લાકડાની વાડ પણ એક અનુભવ છે. સફેદ રંગે રંગેલી છે અને એની ચિલિકાનાં પાણી સુધી લઈ જતી ઝાંપલી લીલા રંગની છે. વાડની અંદરના ભાગનાં ફૂલોની નાગરિકતાને આ વાડ તોડે છે.

ચિલિકાનાં સ્થિર પણ ચંચલ જળ – નજર ક્યાંય વિરામ લઈ શકતી નથી. – હા, વળી પાછી દૂર એક બીજી હોડી પાણીમાં સરકતી એક છેડેથી પ્રવેશી રહી છે.

થોડા દિવસ પર ઇંદિરા ગાંધી અહીં આવી ગયાં છે. અહીંથી થોડે દૂર માછીમારોની એક વસતી પાસે ‘નેવલ બૉયઝ ટ્રેનિંગ સ્કૂલ’નો પાયો નાખી ગયાં છે. આવતી આઠમીએ થનારી પેટા ચૂંટણીનો જ એ ભાગ છે. પ્રતિષ્ઠાની બેઠક છે અને થાય તેટલું કરશે. શ્રી બીજુ પટનાયકના એક મંત્રી પ્રગતિ પક્ષના કાર્યકર એક શ્રી પાણિગ્રાહી આ બધું મને કહે છે. પટનાયક આજે અહીં આવવાના છે…હમણાં આખું ટોળું મોટરોના કાફલા અને કૂટનીતિ મન સાથે આવી પહોંચશે – ધર્મારણ્યમાં મદોન્મત્ત રાજહસ્તી – સાવધાન!

અરે! પેલી હોડી તો દૂર દૂર ચાલી ગઈ ને શું? દૂરથી દૂર… પણ બીજી ત્રણેક હોડીઓની રૂપરેખા દેખાય છે; એકદમ ચિત્રાત્મક દૃશ્ય, કોઈ ચિત્રકારને ચીતરવાનું દૃશ્ય. સરોવર વચ્ચેના પેલા પહાડ પાસે વળી પાણીનો રંગ લીલો થતો જાય છે, બરાબર વચ્ચેથી એક પહોળો પટ્ટો ઘનનીલ, આ બાજુના પહાડ સુધી પહોંચે છે. ત્યાં વચ્ચે શ્વેત ટપકાં જેવો ટાપુ છે. કદાચ ‘ચઢાઈ હગા’ જ હોય!

ગાડીની વ્હિસલ સંભળાય છે, પહાડની તળેટીમાંથી ગાડી જઈ રહી છે, એનો અવાજ સંભળાય છે. ચિલિકા એક નાનું રેલવેસ્ટેશન પણ છે. ઉપર જોઉં છું. મધ્ય આકાશે આક્ષિતિજ નીલ છે. તડકો, તડકો… તગતગતો.

વૃક્ષની છાયામાં આડેપડખે થાઉં છું – એકદમ સરોવર નજર સામેથી હટી જાય છે. અરે, કાલે તો કૉલેજો ઊઘડશે અને ભારતવર્ષના આ એક છેડે આ સરોવરને કિનારે હું જાણે નિશ્ચિત થઈ સૌન્દર્યની મોજ માણું છું, એકાકી. જવા દો.

જોઉં છું સામે. ચિલિકા ઉપરના અવકાશી વિસ્તારમાં માત્ર એક સમડી ઊડે છે – ઊડે છે અને ઊડતી ઊડતી એ પણ નજર બહાર સરકી જાય છે. આકાશમાં પાંખની ગતિનું આંદોલન કોઈ છાપ મૂકતું જતું નથી – ખાલી અવકાશ.

આ ફરી ગાડીની લાંબી વ્હિસલ… ગમે છે, પણ જાણે વ્હિસલે ઊપડવાની યાદ આપી. હવે જવું પડશે. બેઠો થઈ સામે નજર કરું છું. ‘દિગન્તથી દિગન્ત સુધી’ વ્યાપ્ત છે ચિલિકા – ત્યાં દૂર આકાશ અને ચિલિકા એક થઈ જાય છે. પવનની દિશા બદલાઈ છે, પાણીનાં મોજાં સામે આવવાને બદલે બાજુની દિશામાં વળે છે. વાદળ છવાય છે, વાતાવરણ બદલાય છે.

પાણી પર એક હોડી દેખાવા માંડી છે. આંખનાં પંખીને વિરામ. નીકળવું છે, નીકળાતું નથી. એક ઘેન ચઢતું જાય છે. છતાં જવા કરું છું. એક તરુણ કૅમેરા સાથે આવ્યો છે. કવિ છે. ચિલિકાની બહુ વાત કરે છે. પણ હું નીકળું છું.

નીકળ્યો. આવ્યો હતો તે જ માર્ગે – બન્ને બાજુ ઊંચાં વૃક્ષોની વીથિકા… પાછળથી કોણ સાદ પાડે છે? ફરીને જોઉં છું ડાકબંગલાનાં બારણાંઓની આરપાર અને હવે આસપાસ દેખાતું ચિલિકા – જરા થંભી ગયો અને ચાલ્યો. પણ.. અરે કોણ ફરી –

આમાર જાબાર બૅલાય પિછુ ડાકે?

ચાલું છું. પીપળાનું પેલું લાલ પલ્લવ વળી પાછું લોભાવી રહ્યું. એની પાસે જઈ હળવેકથી તોડી એને સંગે લઈ લીધું.

સાંજ વેળાએ સભરચિત્ત વળી પેલા માર્ગ પર ચાલતો નીકળું છું. અરે, હું તો ચિલિકાને લગભગ કિનારે કિનારે ચાલું છું. જતાં તડકો હતો, માથે કપડું ઓઢેલું હતું અને રસ્તાની બાજુનાં વૃક્ષોની છાયાને જ માણતો જતો હતો, આવતાં તે જોયું. રસ્તાથી ચિલિકા દૂર નથી, ક્યાંક કોઈ માછીમારોની ઝૂંપડીઓ કે વૃક્ષોની ઓટ થઈ જાય છે, એટલું જ.

બાલુગાં આવે છે. ચિલિકાને તટે જાઉં છું. અહીં ચિલિકાનું જુદું દર્શન, અહીંથી હજીય દેખાય છે, પેલા ડાકબંગલાની વનરાજી.

સાંજ છે. મારી નાવ ચિલિકામાં ધીરે ધીરે વહે છે. આ બાજુ સૂરજ વાદળમાં છે. આકાશમાં નિષ્પ્રભ એકાદશીનો ચંદ્ર છે – આકાશ હવે નીલ નથી. ચિલિકાનાં વારિ પણ હવે નીલ નથી.

આ સામે પહાડ છે અને પશ્ચિમે મેઘના પહાડ ઊપસી આવ્યા છે. નાવમાં એક માત્ર નાવિક અને હું બંને જ છીએ. ત્યાં દૂર જતી માછલાં પકડવા જતાં માછીમારોની ગતિવંત નાવ આ સાંજે છાયાચિત્ર જેવી લાગે છે.

સરોવર વચ્ચે આવતાં ચિલિકાનાં દિગન્તપ્રસારી વારિનો ખરો અનુભવ થાય છે. હવે કિનારા જુદા જણાય છે. પૂર્વ દિશામાં દૂર નાળિયેરીઓની આછી આછી રેખાઓ આમંત્રણ આપતી હતી – ત્યાં જમીન હતી, માછીમારોની વસ્તી હતી. તે પછી હતો દરિયો. નીચે શાન્ત સ્તબ્ધ ચિલિકા અને ઉપરનું આકાશ બન્ને મળીને કોઈ છીપના ઉપરનીચેના ભાગ લાગે છે, કેમ કે દૂર આકાશ વારિને અડી જતું લાગે છે. હા, પણ આ પશ્ચિમ દિશા ખુલ્લી છે!

પાણીમાં ગમે તેટલાં દૂર જઈને તટે આવવું પડે છે – સાંજ પડી ગઈ છે. અંધારું ઊતરવા લાગ્યું છે – અજાણ્યા ગામની સડક પર ચાલતાં આવી સાંજે મનમાં ઊભરાય છે. માણસોની ભીડ શરૂ થાય છે – ભીડમાં ભળી જાઉં છું – પણ ચિલિકાનાં દર્શનથી હું મત્ત છું તે કોને કહું – કેવી રીતે કહું? કૅમન ક’રે બલિ?*

  • * *

ત્યાં વળી એક દિવસ એક પત્ર આવ્યો – ચિલિકાથી :

ચિલિકા (ચોથું {‘ચિલિકા’ વિશેના આ નિબંધનો આટલે સુધીનો અંશ ‘સંસ્કૃતિ’ નવેમ્બર ૧૯૭૪ના અંકમાં ‘ત્રીજું ચિલિકા’ નામથી પ્રકટ થયો હતો.} અને પાંચમું)૨-૧-૧૯૭૫

પ્રિય ભોળાભાઈ,

ચિલિકા (ચોથું મારું અને પાંચમું સ્વાતિનું) – તેને તટેથી અમારાં ૧૯૭૫નાં તમને – ઘરનાં, ભવનનાં, નગીનભાઈને ત્યાંની મંડળીનાં, એચ. કે.ના – સૌને હૃદયપૂર્વકનાં અભિનંદન! તમે જે ઓટલા પર વિશ્રામ કરેલો તેની મુલાકાત લેતાં આનંદ થયો. જય તૃતીય ચિલિકા!

કાલે કોણાર્ક-પુરી, ૪થી અને ૫મીએ કલકત્તા, ૭મીએ વેડછી, ૧૦થી ૧૪ નાગપુર, ૧૫મીએ ઘેર.

બધાં કુશળ હશો.

ચિલિકા ઉપરની પંક્તિઓ રૂબરૂ બતાવીશ.

ઉમાશંકર જોશીનાં સપ્રેમ વં. મા.

આહ, કી ભાલો લાગલો આમાર! આ પત્ર હતો કે છેક ચિલિકાથી આવેલી પ્રાણમનને ભીંજવી જતી સ્નેહછોળ! એકાએક જ હું ચિલિકાતટના આંબા નીચેના એ ઓટલા – ચોતરા પર જઈ બેઠો. કવિની કવિતાની પંક્તિઓ ઊતરી રહી છે. સ્વાતિબહેન બાજુમાં જ છે. ચિલિકાનાં વારિ લહેરાઈ રહ્યાં છે… પાછી ફૅન્ટસી લોપાઈ ગઈ. ચિલિકા પરની એ પંક્તિઓ વાંચવા સમુત્સુક બની રહ્યો.

કવિના અવાજમાં, ૫છી, એ પંક્તિઓ સાંભળવા પણ મળી :

કિરણોને એક પછી એક મોજાં પર ધકેલતીવાયુલહર જળ૫ટ ૫ર ચમક્યા કરે.ધુમ્મસમાં ખોવાયેલાં જળ-નભને પાછી આવી મળેલી ક્ષિતિજ,ઊડતી ટિટોડીનાં સ્વરની હવામાં લકીર.દૂર સરતી હોડી;…તટ પર હળુ હળુ અથડાતા જળ સાથે અજંપો શમવા કરે…

કવિતાની પંક્તિઓનો લય ચિલિકાની લહરીઓના લય સાથે જાણે તાલ મિલાવે છે. ચિલિકાની સુંદરતાની સાથે કવિની નજર આ પણ જુએ છે :

કિનારાની જળશાળામાં માછી શિશુઓમાની સાડી ઝબકોળી માછલાં હિંચોળીભૂખનો જવાબ ગોખે.ખારાં જળે વીંટયા વેરાન કાલીજાઈ ડુંગરમાંદેવતાને પ્રસાદ ધરેલા, છોડી દીધેલા,જીવતા અજબલિનાદિનરાત આર્ત બેંબેકારનેતટતરુને પર્ણમર્મર ડુબાડી શકશે કે?

કવિ ઉમાશંકરે કરેલું ચિલિકાનું દર્શન તેમની સમગ્ર કવિચેતનાના સ્વાભાવિક સ્પંદ રૂપે જ લાગે છે. માછી શિશુની ભૂખ અને અજબલિનો આર્ત બેંબેકાર આ સૌંદર્યમંડિત પરિવેશમાં પણ તેમની કરુણા ઝીલે છે. સરોવરને કાંઠે માછલાં પકડવાની ‘રમત’ રમતાં એ શિશુઓ કોઈ ચિત્રકારના ચિત્રનો વિષય બની શકે, કોઈ કવિના કાવ્યમાં એ પ્રાકૃતિક પંક્તિનો વિષય બની શકે. કવિ ઉમાશંકરના કાવ્યમાં કરુણાશબલિત સંવેદન રૂપે ઝિલાય છે. ‘જળશાળા’ અને ‘ભૂખનો જવાબ’ એ બે શાળાકીય શબ્દો કેવી વેધક વક્રોક્તિ બની રહે છે!

અને અજબલિના આર્ત બેંબેકાર? કવિએ એ પણ સાંભળ્યા? ચિલિકાનાં વારિ વચ્ચે માથું ઊંચકતા અનેક ડુંગરા છે. તેમાં એક છે કાલીજાઈ. એકેય વનસ્પતિ તેના પર નથી. ચારે બાજુ છે ખારાં પાણી. એ ડુંગર પર દેવતાને માનતા રૂપે માનેલા બકરાને વધેરવાને બદલે ત્યાં છુટ્ટા મૂકી દેવાય છે. એ જીવતા બલિ છે. અહીં ના કંઈ ખાવા મળે, ના કંઈ પીવા મળે. સરોવરનાં લહેરાતાં પાણી તો ખારાં છે. એ ખારાં જળે વીંટેલા આ ડુંગરા પર ભોગ ધરાયેલાં અનેક બકરાં ભૂખેતરસે બેંબેકાર કર્યા કરતાં મરણશરણ થાય છે. ચિલિકાના તટ પરનાં તરુઓની પર્ણમર્મર વચ્ચે કવિએ એ આર્તરવ પણ સાંભળ્યા.

એટલે કવિએ ચિલિકામાં આવીને સૌંદર્યનો અનુભવ કર્યો, શાંતિનો અનુભવ કર્યો, પણ તેમાં એક ‘શમવા’ કરતો અજંપો છે, એક ઉદ્વેગ છે :

મોજાં ૫ર કિરણોને ધકેલતી વાયુલહરચળક ચળક સવળ્યાં કરે,ચિત્તમાં શાંતિની રગ વેગથી ધબક્યાં કરે.

આ ચોથું ચિલિકા. પાંચમું સ્વાતિબહેનનું. એ વિશે એ કહે ત્યારે ને!

  • * *

પરંતુ સંસ્કૃતિમાં શ્રી ઉમાશંકરનું ‘ચિલિકા’ છપાયા પછી બીજે-ત્રીજે દિવસે કવિ પ્રિયકાંત મણિયાર બપોરની વેળાએ ઈન્દુભાઈ સાથે સ્કૂટર પર આવી પહોંચ્યા, ભાષાભવન પર. અમારે ત્યારે કોઈ પરિસંવાદ ચાલતો હતો. પ્રિયકાન્ત ‘લેખ’ લઈને આવ્યા હતા. કવિતા લઈને તો આવે, પણ આજે ‘લેખ’ હતો – શ્રી ઉમાશંકર રચિત ‘ચિલિકા’ કવિતાના આસ્વાદનો. ‘ચિલિકા’એ કવિ પ્રિયકાંતને પ્રસન્ન પ્રસન્ન કર્યા હતા અને એ પ્રસન્નતાની લહેર આ લેખના પ્રત્યેક શબ્દને ભીંજવી ગઈ હતી. અને છતાં સમગ્ર લેખમાં માત્ર સંસ્કારગ્રાહી પ્રતિક્રિયા નહોતી, કવિતાનું સૌંદર્ય વિશ્લેષિત કરતો બુદ્ધિપૂત અભિગમ હતો – પ્રિયકાન્તને વિરલ એવો. પ્રિયકાન્તે કરેલું ‘ચિલિકા’નું તેમાં દર્શન હતું. આહ કી ભાલો આમાર લાગલો!

લેખ સંભળાવી તરત પ્રિયકાન્ત સ્કૂટર પર ચાલ્યા ગયા. એમનો આનંદ મને સ્પર્શી ગયો હતો. અનેક ચિલિકા મારી આગળ પ્રકટી રહ્યાં.

પણ પછી એ લેખનું શું થયું – તે ખબર ન પડી અને કવિ પ્રિયકાન્ત તો…

કવિ પ્રિયકાન્તે જેનું ‘દર્શન’ કર્યું તે ચિલિકા’ કેટલામું?– કૅમન ક’રે બલિ?