વિદિશા/બ્રહ્મા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બ્રહ્મા| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} :::::::::ટુ લુક ઇઝ ઇમ્પૉર્ટન્ટ. ::::::...")
(No difference)

Revision as of 08:58, 23 July 2021


બ્રહ્મા

ભોળાભાઈ પટેલ

ટુ લુક ઇઝ ઇમ્પૉર્ટન્ટ.
– કૃષ્ણમૂર્તિ

૨૬ મે, ૧૯૭૮

આજે અત્યારે હિમનગર કિસ્તવારની છાવણીના એક તંબુમાં મીણબત્તીના અજવાળામાં આ લખી રહ્યો છું. બહાર કૅમ્પફાયરનો કાર્યક્રમ ચાલે છે, જેના ઉન્મમુક્ત ઉલ્લાસનો ધ્વનિ મારા કાને અથડાય છે. દેશના જુદા જુદા ભાગમાંથી તરુણ- તરુણીઓ, યુવાન-યુવતીઓ આવી પહોંચ્યાં છે, ઉત્તરે હિમાલયના સાડાપાંચ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા જમ્મુના એક છેવાડા નગરમાં – યૂથ હૉસ્ટેલ તરફથી આયોજિત નૅશનલ હિમાલયન ટ્રેકિંગ પ્રોગ્રામમાં જોડાવા. અહીંથી તેઓ જુદી જુદી ટુકડીઓમાં બારથી ચૌદ દિવસ સુધી પોતાને જરૂરી બોજ બરડે લાદી હિમાલયના ભીતરી ભાગોમાં પગે ચાલતાં ભમશે.

આ ભ્રમણ સગવડસુવિધાભર્યું તો નથી જ. રોજ પોતાના બોજ સાથે પંદર જેટલા પહાડી કિલોમીટર ચાલવાનું છે, આ ઠંડા મુલકમાં. આ રસ્તે સામાન્ય પ્રવાસીઓ તો ફરકે જ શેનાં? આ તરુણોને એક ‘વૉન્ડરલસ્ટ’ – ભ્રમણવૃત્તિ જ અહીં ખેંચી લાવી છે. આ તંબુમાં અમદાવાદની મેડિકલ અને એંજિનિયરિંગ કૉલેજના છાત્રો છે. મેડિકલના છાત્રો તો આજે સવારના શ્રીનગરથી બસમાં સાથે હતા. મારા સહયાત્રી શ્રી નરોત્તમ પલાણે તો તેમની ભાઈબંધી કરી લીધી છે. અમારી સાથે પ્રો. અનિલાબહેન અને પ્રો. રૂપા પણ છે. અમદાવાદની એક બીજી ઉત્સાહી ટુકડી પણ છે.

શ્રીનગરથી છ વાગ્યે સવારે બસ ઉપડી હતી, અહીં સાંજે સાડાસાતે પહોંચી. બાર કલાક કરતાં વધારે સમય થયો. આ કલાકોય હમેશાં યાદ રહી જશે. આવી પહાડી પ્રદેશની બસયાત્રાય થતાં થવાની. વહેલી સવારે ‘છપરી પૅલેસ’ હાઉસ-બોટને અલવિદા કહી નીકળ્યાં ત્યારે રસ્તા પરનાં વિરાટકાય ચિનાર તંદ્રામાં હતાં. શરૂઆતમાં રસ્તામાં અમારી સાથે આવતી હતી જેલમ, ૫છી મળી ચિનાબ, તે અહીં સુધી. આજની અમારી અડધોઅડધ મુસાફરી તો જતી વખતે જમ્મુથી શ્રીનગર સુધી જે માર્ગે ગયાં હતાં તે માર્ગે જ હતી. રસ્તો એ જ છતાં સાત દિવસની આ સૌન્દર્યપ્રદેશની યાત્રા પછી અમે એનાં એ જાણે નહોતાં. શ્રીનગર વટાવ્યું પછી પામપુર-અવન્તીપુરનો પ્રદેશ આવ્યો. પ્રસિદ્ધ કાશ્મીરી કેસરનો પ્રદેશ. અનંતનાગનું સાઇનબોર્ડ આવ્યું. અહીં થઈને જ બે દિવસ પહેલાં પહેલગામ – ભરવાડોને ગામ – ગયાં હતાં. કાશ્મીર ખીણનું સૌન્દર્ય જરા વધારે ગળપણવાળું છે. થોડી વારમાં વેરીનાગ આવ્યું. નાગ એટલે ઝરણું. વેરીનાગમાંથી ઝરણું નીકળે છે, એ જ જેલમનું ઉગમસ્થાન. આજની સવારે પણ ત્યાં જવા મન ઉત્સુક થઈ ગયું. શ્રીનગર જતી વખતે વહેલી સવારે અહીં ફંટાઈ આવ્યાં હતાં. આ જેલમનું ઉગમસ્થાન! સ્તંભિત. એક આઠખૂણિયા કુંડમાંથી નીલમનીલ પાણી ઉપર છલકાઈ આવતું હતું – હિમ-શીતલ. ઊભરાતા પાણીનો પ્રવાહ બને છે, એ જ જેલમ. અહીં બધે સુંદર સુંદર જ છે. આ ઉગમ સ્થળે જ જહાંગીરે લખાવ્યું છે :

અગર ફરિદૌસ બરરૂએ જમીનસ્તહમીનસ્તો હમીનસ્તો હમીનસ્ત.

જહાંગીરે બધાંના મનની વાત કહી દીધી છે, સ્વર્ગ જો ભૂતળ પર હોય તો અહીં છે, અને અહીં છે, અને અહીં છે. પણ આજે તો બસ ક્યારનીય આગળ નીકળી જવાહર ટનલમાં પ્રવેશી ગઈ હતી.

જવાહર ટનલમાંથી બહાર નીકળતાં કોઈને સ્વર્ગચ્યુત થવાનો અનુભવ થાય – એક જુદા ભૌગોલિક વિસ્તારમાં આવી ગયાં જાણે. ક્યાં કાશ્મીરની હૅપી વૅલી અને ક્યાં જમ્મુનો પાર્વત્ય વિસ્તાર! પણ પેલું ગળપણ ઓછું થયું હતું એટલું જ. સર્વત્ર શોભા તો લાગે જ, જરા ખરબચડી. જતી વખતે અમારી બસને અહીં આટલામાં પંક્ચર થયું હતું. રાત પડી ગઈ હતી. અંધારું ઊતરવા લાગે ન લાગે ત્યાં પહાડ પાછળથી નીકળેલા ચંદ્રનું અજવાળું પથરાયું. નીચે ઊંડી ખાઈમાં ચિનાબના વહેવાનો અવાજ કાને આવ્યા કરે. તેની સામે ઢાળ પર ઘર દેખાયાં. ઓત્તારી! માણસો ક્યાં ક્યાં જઈને વસ્યાં છે! પલાણ તો ઘેઘૂર. બસ ભલે ખોટકાઈ હોય. આજે અમે એ જગ્યા આવે તેની રાહ જોતાં રહ્યાં અને ખબરેય ન પડી, ને જગા જતી રહી. બધા વળાંકો સરખા લાગ્યા. બપોરના બતોત આવ્યું. સુન્દર સ્થળ. લાગે છે કે સુન્દર શબ્દ હવે ન વાપરવો જોઈએ. અહીં એ સાધારણ ધર્મ છે. જહાંગીરે ખરું કહી દીધું, એકેય વિશેષણ નહિ અને છતાંય સૌન્દર્યવાચી બધાંય વિશેષણોનો સાર.

બતોત પછી કિસ્તવારનો માર્ગ બદલાયો. ચીડ-દેવદારથી છવાયેલા પર્વતની એકધારે સડક, પછી ઊંડી ખાઈ. તડકો વધતો ગયો તેમ ચીડ-દેવદાર ઓછાં થતાં ગયાં. તાપ લાગવા માંડ્યો. રસ્તો બિસ્માર હાલતમાં હતો. ચિનાબ ક્યારેક હજાર-બે હજાર ફૂટ નીચે ઊતરી જાય, ક્યારેક ઉપર આવી જાય. ચિનાબ નહીં, ખરેખર તો અમે જ ઉપર-નીચે થતાં હતાં. આ ચિનાબ, એનું બીજું નામ છે ચંદ્રભાગા. તાજા ઓગળેલા બરફનું પાણી વહી જતું હતું. ભૂગોળમાં બિયાસ, સતલજ, જેલમ, ચિનાબ અને રાવી એ પંચ-આબનાં નામ સાથે ગોખ્યાં હતાં. આર્યોની આ જ અનુક્રમે વિપાશા, શતદ્રુ, વિતસ્તા, ચંદ્રભાગા (કે અસિકની) અને પરુષ્ણી (કે ઇરાવતી). આ દોડતી જતી નદીઓને કોઈ વૈદિક ઋષિએ, કદાચ વિશ્વામિત્રે દોડતી જતી ધેનુઓ કહી છે. પ્રાચીન સંસ્કૃતિની એ ધેનુઓ જ છે.

આજે ઉનાળો લાગતો હતો. ગઈ કાલે ગુલમર્ગમાં ઘનઘોર ચોમાસાનું તાંડવ જોયું હતું. કદાચ કાશ્મીરની હૅપી વેલીમાં આજેય ચોમાસું હોય. અહીં રસ્તામાં ધૂળ ઊડતી હતી, વારેવારે તરસ લાગતી હતી. પર્વતોય શુષ્ક હતા, ક્યાંક ક્યાંક દ્રવતા. વચ્ચે ચિનાબનો સંગમ આવ્યો. કઈ નદી હશે ખબર નથી, પણ બે દિશામાંથી વહી આવતી બે નદીઓને મળતી જોવી એ લહાવો છે. બસ ઊભી રહી. એક હોટેલમાં ચા પીધી. લાકડાની હોટેલની પાછલી બાજુની બારીએ જોયું – ચિનાબ વહી જાય છે.

બસમાં સ્થાનિક લોકો ચઢે-ઊતરે છે. ખાઈની ધારે બસ ઊભી હોય તોય ડર્યા વિના ઊતરે, ઢોળાવ પર નચિંત ઊભા રહે, આપણને તો તમ્મર આવી જાય. પણ આ લોકો બસથી બહુ ટેવાયેલા નથી. વિવમિષા લઈને જ બસમાં ન બેસતા હોય! સાંજ પડતી ગઈ તેમ ઠંડક થતી ગઈ. પહાડોમાં સાંજ રમણીય લાગે છે. વળી આજે આકાશ ચોખ્ખું છે, પણ રસ્તો જાણે નીઠતો જ નથી. અહીં પહોંચ્યાં ત્યારે દિવસ આથમી ગયો હતો. વિનંતીથી ડ્રાઇવર છેક અમને કૅમ્પ સુધી ઉતારી ગયો. વિશાળ હરિયાળાં મેદાનમાં ભાઈઓ અને બહેનોના અલગ તંબુ છે. હિમનગરની આ છાવણી કામચલાઉ ઊભી કરવામાં આવી છે. પણ સ્થળ રમણીય લાગે છે. આસપાસ પહાડો જ પહાડો છે. પ્લેટમાં જમવાનું લઈ લગભગ અંધારામાં જ જમી લીધું. જાણે કૅમ્પલાઈફ શરૂ થઈ ગઈ. શ્રી પલાણ અને હું ધાબળા પાથરીને તંબુમાં છીએ. એ આડા પડ્યા છે. ત્યાં કૅમ્પફાયરની આસપાસ આનંદ ઊછળી રહ્યો છે અને હું અહીં મીણબત્તીના અજવાળામાં –

હું પણ હવે બહાર નીકળીશ.

૨૭ મે

સવારની ચા તંબુમાં આવી ગઈ હતી. ચા પીને બહાર આવ્યાં. ચારે બાજુએ નિસર્ગશ્રી મુગ્ધ કરે તેવી હતી. પૂર્વ તરફ પહાડ, આથમણી બાજુ મેદાન અને પછી ખેતરો, ઉત્તર-દક્ષિણ જતો રસ્તો, ચિનારનાં વૃક્ષ. બધાંને જાણે જુદો જુદો રંગ હતો. પણ આ મુખ્ય છવણીનો પાણીનો પ્રશ્ર હતો. પાણીની બે ટાંકીઓ ભરી રાખવામાં આવી હતી. તેમાંથી વાપરવાનું હતું.

અહીં હવે બે-ત્રણ દિવસ પૂર્વતૈયારી રૂપે રહેવાનું હોય છે, પણ અમારે આઠમી જૂને તો અહીંથી નીકળી જવું પડે તેમ હતું. મુખ્ય નિયામક બ્રિગેડિયર ગ્યાનસિંહને મળ્યા. ટ્રેકિંગ- પદયાત્રા માટે બે રૂટ હતા : ૧ કિસ્તવાર – પલમા૨ – ઇખાલા – સોન્દર – નંતનાલા – બ્રહ્મા; અને ત્યાંથી એ જ માર્ગે પાછા. ૨ કિસ્તવાર – પલમાર – ઇખાલા – સોન્દર – શિર્સી – હાન્ઝલ – યોર્દૂ – માર્ગન પાસ – દક્ષુમ – સિન્થનપાસ – કિસ્તવાર. આ બીજો સકર્યુંલર રૂટ હતો અને અમે એ જ પસંદ કર્યો હતો. પણ આ રૂટ પર તો એટલી ટુકડીઓ હતી કે અમારે કદાચ કિસ્તવારમાં જ ચાર દિવસ ગાળવા પડે. બ્રિગેડિયરે અમને બ્રહ્માવાળો રૂટ લેવાની સલાહ આપી. તો કદાચ કાલે જ સવારે નીકળી શકાય.

શ્રી પલાણે તો સાથે આવવાનો જ વિચાર મુલતવી રાખ્યો. અમને જરાયે ના ગમ્યું. એમના જેવા પ્રવાસી રખડુ જીવ સાથે હોય એટલે હંમેશાં રંગત રહે. પણ એમને જલદીથી પોરબંદર જવું હતું. સવારમાં અમને થોડી કસરત કરાવી. પછી ચિનાબને કાંઠે જ્યાં એક ઝરણ વહે છે ત્યાં મોકલ્યાં. કિસ્તવાર આ વિસ્તારનું સૌથી મોટું મથક છે. કેસરના વ્યાપારનું કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં તિબેટ જવાના રૂટ પર હતું. અહીં ડોગરા લોકો વિશેષ રહે છે. આપણાં લશ્કરમાં ડોગરા રેજિમેન્ટ જાણીતી છે. લડાયક પ્રજા છે. આ બધા વિસ્તારને ભોગે કાશ્મીર ખીણને સગવડો મળે છે. રસ્તામાં એક વૃદ્ધ મળ્યા. તે કહે, સરકાર અહીં નદી પર બંધ બાંધવાની વરસોથી વાત કરી છે. એના માટે લાખો ખર્ચાયા છે, પણ કિસ્તવારને પાણી મળતું નથી. બંધ થતો જ નથી. અહીં પૂરતું પાણી મળે તો આ મુલક નંદનવન બની જાય. ડૉ. કરણસિંઘે ડોગરી લોકગીતોનો સંગ્રહ કર્યો છે, તે યાદ આવ્યું. અહીંથી આસપાસનાં ગામમાં બસ જાય છે. પછી કોઈ બસ-માર્ગ નથી. અંદર દૂર દૂર સુધી મ્યુલટ્રેક – ખચ્ચર માર્ગ કે પગદંડીઓ છે.

બપોરના આવી બધી માહિતી સાથે પર્વત વિસ્તારોમાં ચાલવા અંગે બ્રિગેડિયરે વર્ગ લીધો, ચિનારની છાયામાં. તેઓ તો મોટા પર્વતારોહક અને પર્વતજ્ઞ છે. પર્વતારોહક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અમારે દુર્ગમ પર્વતા ચઢવાના નથી. કુદરતના સાન્નિધ્યમાં કેડીએ કેડીએ ચાલવાનું છે. અમારી ઇચ્છા તો માર્ગનપાસના રૂટે જ જવાની હતી પણ પછી બ્રહ્મા રૂટ સ્વીકાર્યો. બ્રિગેડિયરે કહ્યું કે આ રૂટ પણ એટલો જ સુન્દર છે, બધાં કેમ આ રૂટ પસંદ નથી કરતા તેનું આશ્ચર્ય છે. અમે પસંદ કરી લીધો, એ જોઈ અમદાવાદથી આવેલા શ્રી કશ્યપની એક ટુકડીએ પણ. પેલા છાત્રો તો માર્ગન રૂટે જ જવાના આગ્રહી રહ્યા.

સાંજે ગામમાં જઈ જરૂરી દવાઓ, ગ્લુકોઝનાં પૅકેટ વગેરે લઈ આવ્યાં. અમને રુકસૅક, બરડે ઉપાડવાના થેલા આપવામાં આવ્યા. એમાં માત્ર અત્યંત જરૂરી ચીજવસ્તુઓ ભરવા કહ્યું. અમારે જ એ બધું ઉપાડવાનું હતું.

પહાડોમાં પગે ચાલવાનો ખ્યાલ જ આનંદ આપી જાય છે. ત્રીસ વર્ષ પહેલાં હૃષીકેશથી બદરીનાથને માર્ગે ગરુડચટ્ટી સુધી પગે ચાલ્યો હતો. એ દિવસમાં હૃષીકેશથી યાત્રીઓએ પગે જ જવું પડતું. પણ એ એક જ દિવસનો અનુભવ ચિરસ્થાયી બની ગયો છે. હવે આવતી કાલથી ફરી એવો અનુભવ મળવાનો છે, ઉત્સાહમાં તૈયારીઓ કરું છું. પણ પલાણ નહીં આવે તેનો રંજ પણ ઊંડે ઊંડે અનુભવું છું.

૨૮ મે

વહેલી સવારે ઝટપટ તૈયાર થવાનું હતું. એમ તો રાત્રે રુક્સૅકમાં બધી વસ્તુઓ ભરી રાખી હતી પણ સવારમાં થોડી તેમાં નાખવાની હતી. બાકીનો સામાન અહીં છોડીને જવાનું હતું. હજી તો આકાશમાં તારા હતા અને ઊઠી ગયાં. મીણબત્તીના અજવાળામાં કેટલું જોઈ શકાય? શ્રી પલાણની મદદથી બધું ઠીકઠાક કર્યું. સ્ટોરરૂમમાં વધારાનો સામાન મૂકી આવ્યાં. આમ તો અહીંથી જ પગે ચાલવાનું હતું પણ અમે શિડયુલ કરતાં એક દિવસ આગળ હોઈએ તો જ ગોઠવાય એમ હતું. એટલે એક દિવસની પદયાત્રા બસથી પૂરી કરવાની હતી. આ બસમાં માર્ગન રૂટ પર જનાર કર્ણાટકની ટુકડી ઉપરાંત અમારી, જેને વડોદરા ગ્રુપ નામ આપવામાં આવ્યું તે ટુકડી હતી. વડોદરાનાં છાત્રો સાથે અમદાવાદનાં અમે સાત હતાં.

ઊંચોનીચો વાંકોચૂકો પહાડી માર્ગ. મોટે ભાગે નદીને કિનારે કિનારે જાય. ઘડીમાં તમારી બાજુ પહાડ આવી જાય, ઘડીમાં જંગલનો ઢોળાવ. નીચે વહી જતી હોય નદી. બસ નીચે ઊતરી. અહીં હતો બે નદીઓનો સંગમ. ચિનાબ અને મારવા નદીનો. હવે અહીંથી ચિનાબનો સંગ છૂટી જશે. મારવા અમારી સાથે થશે. અમે બધા આનંદોલ્લાસમાં હતા. બસ, રસ્તાની એકધારે આવી ઊભી રહી. અહીં અમારે ઊતરી જવાનું હતું.

અહીંથી શરૂ થતી હતી અમારી પદયાત્રા. આમ તો સવારે કિસ્તવારથી નીકળ્યાં હોત તો સાંજે અહીં પહોંચત. પણ હવે અહીંથી આગળ જવાનું હતું. પલમાર લગભગ છ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીંથી થોડું ચઢીએ પછી કેમ્પ આવશે, ત્યાં નાસ્તો લઈ તરત જ આગળ ચાલવાનું હતું.

રુકસૅક સાથે ચાલવાનો જ નહીં, ચઢવાનોય પહેલો અનુભવ આવ્યો. પહેલે જ પગલે પરીક્ષા હોય તેમ અહીંથી સીધું ચઢાણ ચઢવાનું હતું. ખાલી હાથેપગેય દોહ્યલું લાગે તો બરડે રુકસૅક સાથે તો! અમારે માથે હતી સનકૅપ, આંખે ગૉગલ્સ, પગમાં હંટરશુઝ. હંટરશૂઝ ક્યે દહાડે પહેર્યાં હોય? પગ તેમની સાથે સહકાર સાધી શકતા નહોતા. જોતજોતામાં તો પરસેવાનાં ઝરણ વહી ચાલ્યાં. ધમણની જેમ શ્વાસ ચાલવા લાગ્યા. ઉલ્લાસ અને ઉછાળાથી ગીતો ગાતાં મોઢાં વિસ્ફારિત હતાં. અધૂરામાં પૂરું તડકો થઈ ગયો હતો. ઉપર ગામની સપાટીએ પહોંચતાં તો આ તડકામાંય તારા દેખાઈ ગયા. ઉપર જતાં હતાં, તેમ દૃશ્યો ખૂલતાં હતાં. પણ જુએ કોણ? ચઢી જવું, બસ ચઢી જવું – એ જ નિરધાર.

પલમા૨માં કૅમ્પ હતો, પહાડી ગામ. સુંદર જગ્યા. તંબુમાં બેસવાનું અને શીતલ જલ પીવાનું એટલું તો ગમ્યું! પણ અમારે તરત ચાલવાનું હતું. જે પદયાત્રા સવારે શરૂ થવી જોઈએ તે હવે આકરા તડકામાં શરૂ થઈ.

આ રસ્તે કોઈ વાહન કદી પસાર થયું નથી. માત્ર ભારવાહી ખચ્ચરોને ચાલવા જેટલી પહોળાઈ. ક્યાંક ઊંચાંનીચાં પગથિયાં, ક્યાંક માત્ર પથરા, ક્યાંક કાંકરા, ક્યાંક માટી, ઘડી ચઢો, ઘડી ઊતરો. વળાંકો એટલાં બધાં કે પેલી હિન્દીની કહેવત હવે સમજાય કે નવ દિન ચલે અઢ઼ાઈ કોસ. કાગડાઉડાણ અંતર તો માંડ સો-બસો મીટર થાય. જ્યારે આપણે ચાલ્યાં હોઈએ કેટલું બધું! બરડાને ભારે કષ્ટ થતું, પગની તકલીફને તો પૂછે કોણ? ઠેસ ખાતાંખાતાં એમને ચાલવાનું. આ આખો ખુલ્લો માર્ગ હતો. ક્યાંક ઝાડની છાયા આવે. પણ કેટલી વાર? નીચે મારવા વહી જતી હતી પણ કેટલી બધી નીચે! હવે કોઈ કોઈની જોડે વાત નહોતું કરતું.

રસ્તે ખચ્ચરો સાથે થાય કે સામે આવે. ઊભાં રહી વાટ આપવી પડે. જોતજોતામાં પસાર થઈ જાય. તેમની સાથે પસાર થઈ જાય હાંકનારા. અમનેય થયું કે વજન ઉપાડીને ચાલતાં અમેય ખચ્ચર. હવે થયું કે ‘આ તો જોઈએ,’ ‘આ તો જોઈએ જ’ એમ કરી જે ભર્યું હતું તે જ ભારરૂપ બની ગયું હતું. જરા ઠંડો પવન વહે કે એ સૂરજના તડકાને ભુલાવી દે. એ પવન જ અમારી શક્તિને ઈંધણરૂપ હતો.

દોઢ વાગવા આવે, પછીય ભોજનની ઇચ્છા ન થાય? તેટલામાં એક વળાંક વટાવી જેવાં દિશા બદલીએ કે બે પહાડ ઉપરથી ધસમસતું એક ઝરણું દોડી વહી જાય. ભૂલી ગયાં કે બરડે બોજ છે. માથે સૂર્ય અને ચરણે ડંખતા શૂઝ છે. અધૂરામાં પૂરું ઝાડ આવી ગયું બેસી પડ્યાં. રુકસૅક ઉતારી ઝરણાં પાસે દોડી ગયાં. હિમસીકરનો શીતલ સ્પર્શ તમામ થાક-તાપ હરી રહ્યો. પાણી પીધું – અમૃત આવું જ હશે? ઝાડની છાયામાં ખાવાનું કાઢયું. આમ ખાવાનો ‘ટેસ’ ક્યારેય નહોતો પડ્યો.

પછી ચાલવાનું શરૂ થયું. અમે અંતર ટૂંકાવવાના ખ્યાલથી પગદંડીનો માર્ગ લીધો. માંડ ફૂટ-બે ફૂટ પહોળી પહાડના ઢોળાવ પરની પગદંડી પર ચાલવાનું દુષ્કર હતું. ત્યાં કસોટી થઈ. એકદમ સાંકડે માર્ગે ઉપર ચઢવાનું. પગ મૂકવાની જગા નહીં. પગ ક્યાંક ઠેરવ્યો અને ખસક્યો તો ગયા. અમારી પહેલાં કેટલાંકને ચઢતાં જોઈ હિંમત હારી જવાય એવું હતું. રૂપા અને અનિલાબહેનને કહ્યું, પહેલાં મને જવા દો. રુકસૅક મૂકીને આવું છું. મેં ભયકંપિત ચરણ સ્થિર કર્યા અને એક પગ ઊંચે ટેકવી આંચકો લીધો, જેથી અધ્ધર થવાય પણ એની સાથે બરડા. પરના રુકસૅકે પણ ‘જમ્પ’ લીધો – ઝાંખરાની એક ડાળી પકડી સંભાળી લીધું. જરા ચૂકી ગયો હોત… ઉપર પહોંચી જોયું – અમારી ટુકડીના નેતા, એક શિક્ષક, ઝાડની છાંયમાં બેઠા હતા. તેમને મેં મદદ કરવા કહ્યું. પણ ફિલસૂફની અદામાં તેમણે કહ્યું, ‘અહીં સૌએ સૌની રીતે સૌનો માર્ગ કાપવાનો છે. કોઈ કોઈને મદદ ન કરી શકે.’ અત્યારે એને શું કહેવું? હજી નીચે રૂપા, અનિલાબહેન, સૌ ઊભાં છે. હું રુકસૅક ઉતારી મદદે જવાનો ઉપક્રમ કરું ના કરું ત્યાં બે સ્થાનિક માણસો ઉપર આવતા દેખાયા. તેમના બરડે રૂપાની અને અનિલાબહેનની રુકસૅક હતી. અને બન્નેએ બન્ને મહિલાઓને સમાશ્વાસનપૂર્વક ટેકો આપ્યો હતો. ઉપર આવી, રુકસૅક ઉતારી અમારો આભાર ઊંચકે તે પહેલાં ઝટપટ આગળ નીકળી ગયા. રૂપાના ચહેરા પર હજી ભય હતો.

ઊતરતો પહોર હતો, પણ તાપ આકરો હતો. પહાડો તપ્યા હતા. ત્યાં વળી એક ઝરણું આવ્યું. ખૂબ ઊંચાઈએથી પડતું હતું. અમે ફરી શીતલ વારિ પીધાં. ત્યાં ફરી કશ્યપમંડળી આવી પહોંચી. હજી કેટલે દૂર? – એ સૌનો પ્રશ્ન હતો. સાંજ પડવા આવી. જંગલ હવે શરૂ થતું હતું. તેની સાથે નીચે ઊતરવાનું હતું. નીચે ગીચ ઝાડીમાં કંઈ દેખાતું નહોતું. માત્ર મારવાના વહેવાનો અવાજ ઘૂમરાતો હતો. અમારી અને સૂરજની વચ્ચે પહાડ આવી જતાં સાંજ પડી ગઈ એવું લાગ્યું. હવે અંધારું થઈ જશે. આ માર્ગ પણ ખરો જ હશે ને! ત્યાં સામે કૅમ્પનિયામક લેવા આવ્યા હતા. તેમની વાણીમાં ઉત્સાહ વહેતો હતો. અમે તેમની પાછળ ચાલ્યાં. ગાઢ જંગલ – હે, ‘વુડ્ઝ આર લવ્લી, ડાર્ક ઍન્ડ ડીપ’ – પણ રાત પડે તે પહેલાં ઈખાલા કૅમ્પમાં પહોંચવું જોઈએ. અલબત્ત, કોઈ વચનો પાળવાનાં નહોતાં. ઈખાલા પહોંચ્યાં ત્યારે અંધારું થઈ ગયું હતું. ગાઢ જંગલનું એ અંધારું હતું,

પહાડનાં જંગલો વચ્ચે ઇખાલા હતું. પહોંચ્યાં એવાં ઢગલો થઈ ગયાં. ગરમાગરમ ચા પીતાં ચેતન આવ્યું. જંગલ ખાતાનું રેસ્ટ હાઉસ હતું. એક નાના ઝરણાને પાણીની નળીમાં થઈ વહેવાની ફરજ પાડવામાં આવી હતી. ચકલી વગરનો સતત વહેતો નળ. બહેનો માટે લાકડાના રેસ્ટ હાઉસમાં, ભાઈઓ માટે બહાર ખુલ્લામાં નાખેલા તંબુઓમાં ઉતારો હતો. પડાવનો પહેલો દિવસ. પગ ભરાઈ ગયા હતા, બરડો રહી ગયો હતો. આમ જ છેક સુધી ચાલવાનું હશે. અનિલાબહેને તો કહ્યું પણ ખરું – ઇઝ ઇટ વર્થવ્યહાઇલ?

કશ્ય૫ મંડળીના બૂરા હાલ હતા. છોકરાઓ બહુ થાક્યા લાગતા નહોતા. બૂટ કાઢીને બધા પગ જોતા હતા, ક્યાં કેટલા ડંખ્યા છે. હવે આગળ જવું કે નહીં – એવો પ્રશ્ન થયો. અનિલાબહેને રૂપાને પૂછયું, ‘કેમ રૂપા, કાલે આગળ જઈશું ને?’ રૂપાની આંખમાં આંસુ આવી ગયાં. કશું બોલી નહીં, પણ રૂપાનો જવાબ સ્પષ્ટ હતો. ત્યાં કશ્યપે કહ્યું – અમે તો આગળ જવાનું મુલતવી રાખીએ છીએ! અનિલાબહેને કહ્યું – ચાલો, હવે કાલની વાત કાલે.

ચારેક ધાબળા લઈ તંબુમાં ગયો. બધા છોકરાઓ અહીં હતા. બે ધાબળા પાથરી બે ઓઢવા રાખ્યા, મીણબત્તીના અજવાળામાં આયોડેક્સ ૫ગે ઘસ્યું. ત્યાં કોઈએ સાપની વાત કાઢી. અહીં સાપ આવે છે. છોકરાઓ જરા ગભરાયા. બધાં અંગ્રેજીમાં વધારે બોલતા. ત્યાં એક છોકરાએ તંબુનો છેડો ઊંચે કરી, બૅટરીનું અજવાળું ફેંકયું, અને ‘સ્નેઈક, સ્નેઈક, સ્નેઈક’ કરતો એ ઊછળ્યો. એમના પેલા સ્થિતપ્રજ્ઞ શિક્ષક અડધા ઊભા થઈ ગયા અને નાનો હિમાંશુ પેલે છેડેથી ‘અંકલ!’ ચીસ પાડી મને આવી બાઝી પડ્યો. ‘ગ્રીન સનેઈક, ગ્રીન સ્નેઈક’ પેલો ગભરાયેલા અવાજે બોલતો હતો. પછી તો બધે જોયું, પણ કંઈ નહોતું. બધા માંડ જંપ્યા. જોતજોતામાં ઊંઘી ગયા, પણ મને ઊંઘ નથી. દસ દિવસ આમ ચાલવાનું છે! પુરાણા જંગલમાં પવન સૂસવાતો રહ્યો અને નીચે નદીનો ઘુઘવાટ થતો રહ્યો.

૨૯ મે

પહાડોના જંગલોમાં સવાર ખુશનુમાઈ લઈને આવી ગઈ. કાલનો દેહને ઢગલો કરી દેતો થાક ક્યાં ગયો? તંબુની બહાર આવીને જોયું તો કેવી રમ્યસ્થલીમાં રાત ગુજારી હતી તેનો અનુભવ થયો. જમણી બાજુએ ઊંચા ને ઊંચા જતા પહાડો પર તેમનાથીય ઊંચાં ચીડ વૃક્ષોની ટોચો પર કોમળ તડકો પથરાયો હતો, તે પાંદડાં વચ્ચેથી ચળાઈને ક્યાંક ત્રાંસાં લાંબાં પ્રકાશબિંબ રચતો નીચેનાં સૂકાં પાંદડાંને સૌન્દર્યથી રસિત કરતો હતો. ડાબી બાજુએ નીચે ને નીચે ઢળતો જતો ઢોળાવ છેક નીચે વહેતી મારવામાં ડૂબકી લગાવી જતો હતો.

રેસ્ટ હાઉસની જમણી બાજુએ ૫હાડોની ઉપત્યકા ૫૨ માર્ગ ચાલ્યો જતો હતો. તેના પર અવરજવર શરૂ થઈ હતી. પવન ગાલ ઠંડા કરી દેતો હતો. ગરમ ગરમ ચામાંથી વરાળ નીકળતી હતી અને અમારા મોંમાંથી પણ વરાળ નીકળતી હતી. થોડી વારમાં જ પેલા માર્ગ પર નીકળી પડવાનું હતું, પણ ગઈ કાલની વિષમ પદયાત્રાનું સ્મરણ થતાં ચરણ એકદમ શિથિલ થઈ આવ્યા. મનમાં થયું, આજનો એક દિવસ અહીં રહી પડીએ, આવતી કાલે ચાલશું.

અહીં રહી પડનાર ઘણાં હતાં. અહીંથી પાછાં જનારાં, તેથી પણ વધારે. હિમાલયના પહાડોમાં પગપાળા ચાલવાના રૉમેન્ટિક ખ્યાલથી આવેલાઓમાંનાં ઘણાં માટે વાસ્તવિક વાટ વસમી હતી. અમદાવાદની અમારી સાથેની શ્રી કશ્ય૫ મંડળીએ ઊઠતાંવેંત તો કહેલું, આપણે આગળ જઈએ જ છીએ, પણ પછી થોડી વારમાં કહે, અમે તો નથી જતાં, આજે અહીં રહીશું, કાલે પાછાં. આગળ જઈને ભરાઈ પડીએ એના કરતાં…

વડોદરા મંડળીમાંથી બેત્રણ બહેનોએ પણ પાછાં વળી જવાનું વિચાર્યું. મારા મનમાં પાછા જવાનો તો નહીં, પણ એકાદ દિવસ રહી પડવાનો વિચાર હતો. રૂપા એક અનિર્ણયની સ્થિતિમાં હતી, તેણે નત નેત્રે કહ્યું, ‘તમે બધાં જાઓ, હું આજે અહીં રહીશ, આવતી કાલે બીજાં પાછાં ફરનારની સાથે હિમનગરની મુખ્ય છાવણીમાં જતી રહીશ અને ત્યાંની વ્યવસ્થામાં મદદ કરીશ.’ મુખ્ય છાવણીની વ્યવસ્થામાં આવાં ઘણાં પદયાત્રીઓ સ્વયંસેવકો બન્યાં હતાં. મેં મારો વિચાર સૂચવ્યો. અનિલાબહેને કહ્યું, ‘જો આગળ જવું જ હોય તો આજે જ નીકળી જવું જોઈએ. આજે જો અહીં રહ્યાં તો પછી આગળ કદાચ જવાની ઇચ્છા નયે થાય. એવું કરીએ કે આજે આપણે ચાલીએ અને હવે પછીની છાવણીમાં પહોંચ્યા પછી એવું લાગશે કે હવે આગળ વધવાની હામ નથી. તો ત્યાંની છાવણીમાં એકાદ-બે દિવસ રહી પાછાં વળી જઈશું.’ વાત ગમતી નહોતી. પણ વડોદરાનાં ભાઈ-બહેનોય જવા તૈયાર થતાં હતાં તે જોઈ વિચાર્યું – ચાલો ત્યારે. પછી તો રૂપા પણ તૈયાર થઈ.

જવા તૈયાર થવાનું નક્કી કર્યું પછી પહેલું જે કામ કર્યું તે અમારી અપરિગ્રહ વૃત્તિને પ્રકટવા દેવાનું. સામાન ઓછો કરી કાઢવાનું વિચાર્યું. કપડાંની એક જ જોડ વધારે, આખી ડાયરીને બદલે થોડાં છૂટક પાનાં. બાઇનોક્યુલર, ઓઢવાની શાલ સુધ્ધાં, એક આખો રુક્સૅક ઓછો કરી નાખ્યો, થોડી જરૂરી વસ્તુઓ એક બગલથેલામાં રાખી, જેથી વારાફરતી હળવાં થઈ શકાય. આ છાવણીમાં અઠવાડિયા પછી પાછાં આવવાનું હતું. સામાન ઓછો કરવાના ઉત્સાહમાં મેં એક વધારાનું પહેરણ જે જોઈએ તેય કાઢી નાખેલું, તે તો પછી ખબર પડી.

કૅમ્પના નિયામકે બધાંને ભેગાં કરી સૂચનાઓ આપી. બંગાળી બાબુ હતા – શક્તિપ્રસાદ. બહુ વાચાળ. એક એક વાક્ય પછી ઓ.કે. પ્રશ્રાર્થ ઢબે બોલે, ‘બધાંનાં રુકસૅક તૈયાર થઈ ગયા હશે, ઓ. કે.? હવે દસ મિનિટ પછી નીકળવાનું છે. અહીંથી હવે સીધે ને સીધે રસ્તે ચાલવાનું છે. ઓ. કે.? – તમે લગભગ અડધો કલાક ચાલશો, પછી સામે જોશો, તમને બરફમંડિત એક શ્વેત પર્વતશિખર દેખાશે. ઓ. કે.? તે જ બ્રહ્મા…ઓ. કે.? પછી દસ મિનિટ ચાલશો એટલે એ નહીં દેખાય. ઓ. કે.? રસ્તામાં આજે તો એક હોટેલ આવશે. તમને ત્યાં ચા મળી શકશે. ઓ. કે.? આમ તેણે પાંચ-સાત મિનિટ રસ્તામાં કેમ ચાલવું, ડાબી બાજુની ઊંડી ખીણમાં વહેતી નદી તરફ વારેવારે ન જોવું, ઝરણાંનું ઠંડું પાણી એકદમ ન પીવું, ઝરણું ઓળંગતાં પગ પાણીમાં પડે તો તરત જ મોજાં બદલી નાખવાં – વગેરે સૂચનાઓ આપી છેવટે કહ્યું, ‘જ્યારે તમારા રસ્તાની એક ધારે લાકડાનું એક મકાન આવે અને તેની ઓસરીમાં બેસીને એક દરજી સીવતો તમે જુઓ એટલે સમજજો, તમારો પછીનો મુકામ આવી પહોંચ્યો છે, ઓ. કે.?’

દસ મિનિટ પછી તો લંચબૉક્સમાં બપોરનું ખાવાનું ભરી અમે રસ્તે ચાલી રહ્યાં હતાં. બહુ જ અનુકૂળ માર્ગ, જંગલછાયા, પહાડના પેટાળ પર ચાલ્યો જતો હતો. આજે બહુ ચઢઊતર નહોતી, કંઈ નહિ તો શરૂઆતમાં તો નહિ જ. અમને થયું, સારું થયું. નીકળી જ પડ્યાં. અમારા હવે બાકી રહેલાં પંદર પદયાત્રીઓના ગ્રૂપમાં સૌથી નાનો હતો હિમાંશુ. નાની રુકસૅક એને બરડે હતી. ચાલતાં ચાલતાં દોડે, હાંફે. વળી બેસે એવો રુક્સૅક સમેત આડો પડી જાય. બીજા છોકરાઓ પણ તરવરિયા હતા. એકબીજાની મદદ માટે તત્પર. પણ તેમની સાથે આવેલા તેમના શિક્ષક હતા જાણે વીતરાગ. છોકરાઓ પોતે પોતાનું ફોડી લેતા. માર્ગે આવતાં ઝરણાંઓ જેવા ચંચલ અને શક્તિસ્ત્રોતભર્યા. હું એમને માટે ‘અંકલ’ હતો. બધા આગળ-પાછળ બબ્બે ત્રણ ત્રણના ગ્રૂપમાં ચાલ્યા જતા હતા.

અહો…! બરડે ભાર સમેત અમે ઊભાં રહી ગયાં! કેવું અદ્ભુત દર્શન! શ્વેત હિમમંડિત પર્વતશિખર. આ જ બ્રહ્મા! જુઓ!

એકદમ શ્વેત. કેવળ શ્વેત. તેની બન્ને બાજુ બે પહાડ – એકદમ લીલા, નર્યા લીલાંછમ, બે લીલાછમ પહાડોની ફ્રેમ વચ્ચે શ્વેત બ્રહ્મા. સામે ત્રણ શિખર. લીલું, શ્વેત, લીલું. જોતા જ રહી ગયા. રંગ અને આકૃતિની કેવી મનોહર ભવ્ય છબિ! પહાડો વચ્ચે ઊગતા સૂરજનાં ચિત્રો અમારા ચિત્રશિક્ષક દોરાવતા. પહાડમાંની વળી પાછી વહેતી નદી હોય, નદીમાં હોડી હોય, પહાડ પર ઝાડ હોય, આકાશમાં પંખી હોય…અહીં ઘણું બધું હતું, પણ બે પહાડ વચ્ચે સૂરજ નહીં, ત્રીજો પહાડ. શ્વેત પાવનત્વ જાણે ધ્યાનમગ્ન છે.

અમે સ્થિર થઈ ગયેલાં ચરણ ઉપાડ્યાં. થોડીવાર સુધી શ્વેત શિખર દેખાયા કર્યું, પછી જરા અમારો રસ્તો વળ્યો કે અંતર્ધાન. એય તે ઠીક થયું. આટલી લાંબી ક્ષણો સુધી આવા ઉત્કટ સૌન્દર્યનો સાક્ષાત્કાર વિહ્વલ કરી દે છે, બેચેન કરી દે છે. પણ પેલા લીલાછમ પહાડ તો થોડા થોડા દેખાતા હતા. પછી સમજાયું કે એ ત્રણ પહાડો સીધી હરોળમાં નહોતા, એકબીજાની નજીક પણ નહોતા. પણ આકાશમાં એકબીજાથી દૂર રહેતા તારાઓની એકસાથે હોવાની આકૃતિ રચાય કંઈક એ એવું હતું. હિમાલયની પંદરસો માઈલની લંબાઈમાં આવી તો કેટલીક અદ્ભુત સૌન્દર્ય-સ્થલીઓ હશે. આ તો એક. એ એકને જોતાં જો આમ થતું હોય તો પછી સતત આવાં અનેક સૌન્દર્યદર્શન કરનારનું તો પૂછવું શું? મને થતું હતું, આપણા ઋષિમુનિઓમાં સંસારીઓ કરતાં કંઈ ઓછો આસક્તિભાવ નહીં હોય. માત્ર આસક્તિનાં કેન્દ્રો જ અલગ અલગ એટલું. હિમાલયની આ આસક્તિ હિમાલયના સૌન્દર્યમાંથી જ જન્મી હશે ને! વૈરાગી ભર્તૃહરિને ગંગાતરંગહિમસીક૨શીતલ હિમવતનાં ચારુ સ્થલોની કેટલી આસક્તિ હતી! આજે પલાણ સાથે હોત!

આજે માર્ગ પર સ્થાનિક લોકો વધારે મળતા, ખચ્ચરો પણ. રસ્તાની ડાબી બાજુએ નદી તરફના ઢોળાવ પર ક્યાંક ક્યાંક પગથિયાં પદ્ધતિની ખેતી હતી. ઘઉં લહેરાતાં હતા. નદી મારવા ક્યારેક એટલી બધી ઊંડી ઊતરી જતી કે તેના હોવાનો ખ્યાલ તેના વહેવાના ખરખર અવાજથી આવતો, ક્યારેક તેનો પ્રવાહ નીચે નજર કરતાં જોઈ શકાતો અને એક સ્થળે તો રસ્તાની લગોલગ આવી ગઈ, આ પેલી જાય.

અને આ પેલી હોટેલ. હોટેલ શું? બે ઓરડા અને આગળ ઓસરી. આંગણામાં લાકડાના બાંકડા. અગિયાર વાગ્યા સુધી એકધારું ચાલીને થાક્યા હતા, વિશ્રામ કરવાને અમે લાયક બન્યા હતા. બરડેથી રુકસૅક ઉતારી ‘હાશ’ કરી. આવા ઠંડા મુલકમાં પણ પરસેવો લૂછ્યો. અંદર ઓરડામાં ખાટલા હતા. તે પર બેઠો. ચા પીધી.

આજે અમારી ટુકડીથી અમે આગળ હતા. આગળ રહેનારને ચાલવાનો ઉત્સાહ રહેતો હોય છે. થોડી વારમાં તો અમે પાછા ચાલતા હતા. નદી એકદમ પાસે દેખાઈ. એક ખેતરવા. ખેતર પાર કરો એટલે નદી, પણ કેવી નદી! પથ્થરોમાં માથું અફાળતી રઘવાટ કરતી જાણે. પથ્થરની એક વાડ ઉપર રુકસૅક ઉતારી હું નદી પાસે ગયો, નીચા વળી બીતાં બીતાં તેનું પાણી હાથમાં લીધું, પીધું. પ્રવાહમાં પગ દેવાનો વિચાર પણ ના આવે.

વળી માર્ગમાં આજે ઝરણાં જ ઝરણાં. જમણી બાજુના પહાડોમાંથી ફૂટી, ઊંચાઈથી પડતું મેલી, પેલી નદી તરફ વહી જતાં હતાં. કેટલીક પાણીની સેરો તો આપણી ઊંચાઈને સમાંતર પહાડના પેટમાંથી નીકળી આવતી હોય. ક્યાંક તો વાંસની એક નળી એ પહાડના પેટમાં ઘુસાડી હોય અને નળીમાંથી પાણી પડતું હોય! અમને સાવધાન કરવામાં આવ્યા હતા કે ઝરણાનું સીધું ઠંડું પાણી ન પીવું. પણ એમ કંઈ બધી વાત માની મનાય!

ઉપરથી ધોધરૂપે ઝરણું પડતું હોય, પાસે થઈને પસાર થઈએ કે શીતલ હિમસીકરોનો સ્પર્શ દેહની સકલ કલાન્તિ, શ્રાન્તિને હરી લે. એનું દર્શન પ્રસન્નતા આપી રહે. પછી ઊભાં ઊભાં જ ખોબો ધરી ઘૂંટ-બે ઘૂંટ પાણી પીધા વગર કેમ રહેવાય! એટલું બધું ‘મિષ્ટ’ લાગે કે જાણે પીધા જ કરીએ. મોંએથી પેટ સુધી પહોંચે ત્યાં ઠંડો મારગ

રસ્તામાં જરા સમતળ જગા આવી. બપોરનો તડકો આકરો થયો હતો. ઝાડની છાયામાં બેસી પડ્યાં. જમવાનું કાઢયું. લંચબૉક્સમાં બધું ઠરી ગયું હતું, પણ અહીં તો એનોય અનન્ય સ્વાદ. ક્ષુધાતુરાણાં ન રુચિર્ન વેલા. માર્ગે ચાલતાં બહુ આરામ ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો પડતો. નહીંતર પછી પગ આળસી જાય. ચાલ્યાં. વળી પાછું ઝરણું. ધોધ જ કહો. પહાડની સીધી કરોડ સાથે અફળાતું, પછડાતું, નીચે ઊતરતું, ભૂરી ઝાંયવાળું ફનેશ્વર જળ. ઝરણું રસ્તા પર પથરાઈને જાય. પસાર કરવું પડશે. પાણી વચ્ચે પથ્થરો ગોઠવેલા હતા, તેના પર સાવધાનીથી પગ દઈ દઈને. જો પાણીમાં પગ પડ્યો તો પછી તરત જ બહાર નીકળી બૂટ કાઢી મોજાં બદલી નાખવાં જ રહ્યાં. છોકરાઓ ફટાફટ પસાર થઈ ગયા. રૂપા સાચવી સાચવીને નૃત્યનો લયતાલ મેળવતી હોય તેમ પગ મૂકતી હતી, લયભંગ થયો તેમ પગ સીધો પાણીમાં, અને એને જરા કહું કે ‘સાચવ’ તે પહેલાં, જે ૫ર મેં ચરણ ટેકવ્યો હતો તે પથ્થર ડગતાં, હુંય પાણીમાં. પગને કેટલું બધું ગમ્યું!

ક્યારેક ખુલ્લો રસ્તો આવતો, ક્યારેક છાયાદાર. ક્યારેક ચઢવાનું આવતું, ક્યારેક ઊતરવાનું. જરા પાછળ નજર કરીએ તો પહાડના સ્ફિત પેટ પર જે મારગ અમે ચાલીને આવ્યા તેનો જાણે પટ્ટો દેખાય. પહાડ દામોદર બની જાય. સૂરજ નમતો હતો, ખુલ્લા પહાડો અકારા લાગતા હતા. અમારા પગ પણ હવે ગરબા ગાતા હતા અને હજી પેલી દરજીની દુકાન આવતી નહોતી. ત્યાં દૂર મકાનો જેવું દેખાયું. ત્યાં પહોંચતાંય ઘણી વાર થઈ. હજી દરજીનું ઘર ક્યાં? વળી પાછું ઝરણું. પાણી પર આડા નાખેલા એક લાકડા પર સમતુલા જાળવતાં પસાર કરવાનું હતું. ત્યાં ઢાળ ઉપરથી એક નમણો ઘોડેસવાર ઊતરી આવ્યો, ક્ષણેક તો લોકવાર્તાનો રાજકુમાર લાગ્યો. એણે ગરદન નમાવી સ્મિત કર્યું અને ઘોડાને ઊભો રાખ્યો અને અમને ઝરણું પાર કરવા દીધું.

છેવટે લાકડાનું ઘર આવ્યું. સંચો પડ્યો હતો, પણ દરજી નહોતો. ભલે, પણ હવે મુકામ નજીક હતો. થાકને લીધે હશે અથવા તો તડકો ગમતો નહોતો. હું જરા આગળ થયો. ત્યાં એક ત્યાંનો નિશાળિયો મળ્યો. મારી સાથે ચાલવા લાગ્યો. એટલું જ નહીં મારો થેલો પણ લઈ લીધો. ગામ આવ્યું. તેને બાજુમાં રાખી, ખેતર-શેઢાની સાંકડી કેડીઓ અને ગામ બહારના એક મહોલ્લાની શેરીઓ વટાવી છાવણી પર પહોંચ્યો. આ સોન્દર! એનું નામ માત્ર ‘સુંદર’ હોવું જોઈએ. થોડી વારમાં સૌ આવી પહોંચ્યાં.

નાનાં નાનાં ખેતરો વચ્ચે તંબુઓ નાખેલા હતા. ઉગમણે ઊંચા ઢોળાવવાળો વૃક્ષોથી આછો આછો છવાયેલો પહાડ. ઢોળાવ પર હતાં લાકડાનાં નાનાં ઘરો. દક્ષિણે, જે તરફથી આવ્યાં હતાં, તે તરફ દૂર ઊંચાં ઊંચાં શિખરો દેખાતાં હતાં. તેમના પર હજી પૂરેપૂરો બરફ ઓગળ્યો નહોતો, થોડાંક ખુલ્લાં થયાં હતાં. આથમણે થોડે દૂર સુધી ખેતર, પછી નદી તરફ ઊતરી જતો. ઢોળાવ, અને પછી ઊંચા પહાડો, ઉત્તર તરફ ઊંચી ટેકરીઓ. આવી મનોરમ જગ્યા વચ્ચે સોન્દર! હજી તડકા હતા. પહાડ પર પથરાયેલા તે ગમતા હતા. તંબુમાં ઉતારો લીધો.

વૉટરપૉઇન્ટ જરા દૂર હતું. એમ તો બાજુમાં એક ઝરણ વહી જતું હતું, પણ ખેતરો વચ્ચેથી વહેતું હોવાથી પાણી મટ-મેલું હતું. વૉટરપોઇન્ટે ગયાં. જરા ઊંચી જમીનમાંથી પાણીની ધાર દ્રવતી હતી. કર્ણાટકની ટુકડીની બહેનો સ્નાન કરવા ઇચ્છતી હતી. રાહ જોવી પડી. આજે મને નાહવાનો વિચાર હતો. પણ સાંજની સાથે જોતજોતામાં ઠંડી પણ ઊતરવા લાગી. પેલી બહેનોએ વિચાર બદલ્યો અને ઝટપટ હાથમોં ધોઈ ચાલી ગઈ. ભાઈઓનો વારો આવ્યો. અડધા કોસ જેટલું પાણી આવતું હતું. વારાફરતી નવાય તેમ હતું. ત્યાં તો પારો જાણે એકદમ નીચે ન ઊતરી ગયો હોય! ઠંડી એકદમ વધી ગઈ. આખરે મારો વારો આવ્યો. પાણી નીચે બેસી જ ગયો. ઓગળેલો બરફ જ જાણે શરીર પર વહી રહ્યો, પણ એની સાથે થાક પણ વહી ગયો.

આથમતા પરિદૃશ્યમાં ચારે બાજુએ પહાડ વચ્ચે અહીં બધું રમણીય લાગતું હતું. બહાર ઘાસમાં કામળો પાથરી આથમતા તડકામાં બેઠાં. જમવાની થોડી વાર હતી. બાજુમાં ચૂલા સળગી રહ્યા હતા. ત્યાં સુધી ગોળચણા ખાધા. જમ્યા પછી કૅમ્પફાયર, અગ્નિ સળગી ઊઠ્યો, દીવા તો હતા નહીં. દૂર પહાડના ઢોળાવ પર દીવાઓ પેટાયા, વૃક્ષોના અંતરાલમાંથી એકલદોકલ, જાણે સ્થિર આગિયા. અગ્નિજ્વાળાની આસપાસ બેઠાંબેઠાં આ બધું જોવાનું ગમતું હતું. પ્રાન્તપ્રાન્તનાં ગીતો ગવાતાં હતાં. ઘોડા પર જે પેલા અસવારને જોયો હતો, તેય અમારા કૅમ્પફાયરમાં શામિલ થયો હતો. એણે બહુ સરસ ગાયું. બધી રીતે ચિત્ત પ્રસન્ન હતું. હવે તો રૂપાએ પણ કહ્યું, કાલે આગળ જઈશું.

આકાશ એકદમ ચોખ્ખું હતું. તારાઓ ઝળાંઝળાં પ્રગટી ઊઠ્યા, દ્યુતિવંત. તારાખચિત આ આકાશ! આ અગ્નિ! અગ્નિના ભડકા વચ્ચે ઝબકી જતાં પહાડ. રાત સાથે ઠંડી ઊતરી આવી. ધાબળાઓમાં ઢબૂરાઈ જવું પડશે, આ સાત હજાર ફૂટની ઊંચાઈએ.

૩૦ મે

આજની સવાર રોજની જેમ તાજગી લઈને આવી હતી, પણ આકાશમાં વાદળ હતાં, અહીં વરસાદ ગમે ત્યારે પડી જાય. વરસાદ પડે તો ચાલવાનું જરા મુશ્કેલીભર્યું બની જાય. પણ ચાલવું તો રહ્યું ક્યાંક વાદળ હટતાં તડકો ફેલાતો. પછી તો જાણે તડકાછાંયડાની રમત ચાલી. શ્રાવણની આબોહવા જામી ગઈ.

ચાલવાનું શરૂ કર્યું, સામે ટેકરી દેખાતી હતી ત્યાં પહોંચી આગળ જવાનું હતું, પણ તે માટે મોટું ચક્કર લગાવવું પડે તેમ હતું. અહીંથી કર્ણાટકની ટુકડી સિર્શી હાન્ઝલ થઈ મેગન પાસને માર્ગે જવાની હતી. એ ટુકડીને આજે પાંચ કિલોમીટર જ ચાલવાનું હતું અમારે પંદરેક પહાડી કિલોમીટર કાપવાના હતા, એટલે અમારી ટુકડી નીકળી પડી, પણ કોણ જાણે આજે શરૂઆતથી બેત્રણ જૂથ અલગ અલગ જ થઈ ગયાં.

સામેની ટેકરીનું ચઢાણ શરૂ થયું. નિશાળિયાઓ દફતર ભરાવીને ભણવા ઊપડ્યા હતા. હસતા કિલકતા ચાલ્યા જાય, અમે શ્વાસભેર ચાલીએ. વાત કરવાનું તો પોસાય નહીં. મોંમાંથી સ્વર કરતાં શ્વાસ વધારે નીકળે. ટેકરીની ટોચ પાસે અખરોટનું ઝાડ હતું, ત્યાંથી ગામ ભણી રસ્તો જતો હતો. ગામમાં લાકડાનાં ઘર ટેકરીના ઢોળાવ પર હતાં. હવે અમારી સાથે મારવા નદીનો નહીં, નંતનાલાનો પ્રવાહ હતો. ‘નાલા’ શબ્દથી ભરમાવું નહીં. સવેગે વહી જતો વિપુલ વારિઓઘ એ હતો.

ગામની ભાગોળમાંથી ખચ્ચરમાર્ગે જવાને બદલે કોઈએ અમને ખેતરો વચ્ચે થઈને જતી પગદંડીએ વાળી દીધાં, માર્ગ ટૂંકો પણ અમારે માટે દુર્ગમ. શરૂઆતમાં તો ખેતરોને શેઢેશેઢે ચાલવાનું ખેતરોમાં ડાંગરની રોપણી ચાલતી હતી. રોપણી કરવામાં મુખ્યત્વે સ્ત્રીઓ હતી. એકદમ ગોરાં બદન. અમને ભારવાહી બનીને જતાં જોઈ, કામ કરતાં થંભી જઈ જોઈ રહેલી. ત્રણચાર દિવસથી જ આ માર્ગ પર અમારા જેવાં પદયાત્રીઓ જઈ રહ્યાં હતાં. શેઢે સાચવીને ચાલવું પડતું, ક્યારામાં પગ પડે તો કાદવિયા થઈ જવાય. ખેતર પૂરાં થયાં અને નાલાને કાંઠેકાંઠે પાતળી કેડી શરૂ થઈ. આ કેડી પર નાળું ઘણું નજીક હતું. ક્યારેક તો જલસીકરો ઊડીને આપણને છાંટી જાય.

વાદળ ઘેરાતાં જતાં હતાં. હવામાન ઠંડું થતું ગયું. ઘનઘોર વર્ષાનો દિવસ હોય એવું વાતાવરણ. પડું પડું કરતો વરસાદ પડવા લાગ્યો. ભીના તો થવાય જ નહીં. અહીં માંદા પડ્યા તો આવી બન્યું. કોઈ દાક્તર ના મળે, કોઈ વાહન ના મળે. તરત જ રુકસૅકમાંથી બધાએ રેઈનકોટ કાઢ્યા. પહેરી લીધા. રુક્સેકને પ્લાસ્ટિક વીંટાળી દીધું. કેડી લપસણી બની હતી. અમારી આગળ એક સ્થાનિક ‘ચાચા’ જતા હતા. અમારી સાથે ચાલવાની તેમને વિનંતી કરી.

એમણે ગતિ ધીમી કરી. એમની પાસે ઓઢવાનું કશું નહોતું પલળતા જતા હતા, પણ ઉપરનો કોટ એટલો જાડો લાગતો હતો કે પાણીને તેમના શરીર સુધી પહોંચવા પરિશ્રમ કરવો પડે. એક બાજુ ઘુઘવાટ સાથે વહી જતું નાળું, ઉપરથી પડતો વરસાદ, ફૂંકાતો ઠંડો પવન અને લપસણો માર્ગ! આજે કસોટી થશે કે શું? આ બાજુ કૅમ્પમાં પાછા જવાનું પણ હવે સહેલું નહોતું. પેલા ‘ચાચા’ ન હોત તો અમારી ખરે વલે થાત, કેમ કે ત્યાં રસ્તા વચ્ચે જ ઉપરથી એક ઝરણું વહી આવતું હતું. તેને ઓળંગવાનું હતું, પાણીમાં પગ ન પડે તેવી રીતે. ઝરણાની શોભા જોવા જેવી મનસ્થિતિ નહોતી. વરસાદ હંમેશાં ગમ્યો છે, કોઈ ને કોઈ બહાને બહાર નીકળીને પલળવાનો આનંદ લીધો છે. પણ આજ! ‘ચાચા’એ બધાંનો હાથ પકડી ઝરણું પાર કરાવ્યું અને પછી એ ઝડપ વધારી આગળ નીકળી ગયા.

એટલામાં તો વરસાદ બંધ થઈ ગયો. થોડી વાર ચાલ્યા પછી એક લાકડાનો પુલ આવ્યો. અહીં નંતનાલા ઊંચાઈએથી એકદમ નીચે ઊતરે છે. એના માર્ગમાં હજારો મણની શિલાઓ આડીઅવળી પડી છે. તેમને માથે પોતાનું માથું અફાળી અફાળીને ભયંકર ઘુઘવાટ સાથે ક્રોધોન્મત્ત તે વહી રહ્યું છે. પુલ ઉપરથી એ દર્શન રોમહર્ષણ હતું. સામે કાંઠે જઈ રુક્સૅક નીચે ઉતાર્યા. રેઈનકોટ કાઢી નાખ્યા. એકદમ તડકો શરૂ થઈ ગયો. હવે ગૉગલ્સ પહેર્યા, સનકૅપ ચઢાવી પાછું ચઢવાનું શરૂ થયું. ત્યાં સામેથી કેટલાંક સ્થાનિક માણસો ઝડપથી ચાલ્યાં આવતાં હતાં, જાણે નંતનાલા. ફટાફટ પગ ઉપાડતાં જોતજોતામાં નજર આગળથી નીકળી જતાં. તડકામાં અમારી હાંફ વધતી જતી હતી, પણ ચાલચાલ કર્યું. આજુબાજુ કેવું લોભામણું હતું; આમ તો સૌન્દર્ય માણવા નીકળ્યાં હતાં. અહીં ચારે બાજુએ આ પહાડોમાં, આ વહી જતાં નંતનાલામાં, આ દેવદારનાં ઊંચાં વૃક્ષોમાં, આ પંખીઓના અવાજમાં. સામે ઢોળાવ પરનાં નાનાં ઘરોમાં એ ફેલાયું હતું, પણ ડોક ઊંચી કરીને ઊભાં રહીએ તો ને!

નીચે ઊતરવાનું આવ્યું. એક મેદાન જેવું હતું. આ બાજુથી એક ઝરણું આવી નંતનાલાને મળી જતું હતું. હવે થોડું પેટમાં નાખવું જોઈએ. લંચબૉક્સ બહાર નીકળ્યાં, ખાધું. ઝરણાંને કાંઠે જઈ પાણી પીધું. લંચબૉક્સ સાફ કર્યાં, પણ ચીકાશ જલદીથી છૂટે જ નહીં. અહીં ગુજ્જરોની વસ્તીના તંબુ હતા. તેમના ડાઘિયા કૂતરાની બીક લાગે, ગુજ્જરોનીય બીક લાગે. તમને જોતાં જ તમારી પાસે આવે. દવાની ટીકડીઓ માગે. માથા તરફ ઇંગિત કરી, પેટ તરફ ઇંગિત કરી, એમ કે માથું દુખે છે, પેટ દુઃખે છે, દવા આપો. કોઈ પણ ટીકડી આપો એટલે રાજી થઈ જાય. અમારી પાસે ખૂબ એ.પી.સી. હતી, તેમાંથી આપીએ.

આજ ગઈ કાલ જેટલાં ઝાડ નહોતાં આવતાં. પણ, ચાલવાનું વધારે કઠણ હતું. એક ઘટાદાર વળાંકના ભીના માર્ગ પર આગળ ગયાં કે ટોપલીઓ બગલમાં લઈ ચાર કાશ્મીરી કન્યાઓ આવતી જોઈ. ચારેય લગભગ સરખી વયની રૂપાળી. કાશ્મીરી સેવ જેવા લાલ પ્રફુલ્લ ચહેરા. રસ્તાને મિષે તેમને પ્રશ્ન કરી ઊભી રાખી. ભાંગીતૂટી હિન્દીમાં જવાબ આપી, હસતી હસતી ચાલી ગઈ. અહીં કેવા અભાવો વચ્ચે આ કન્યાઓ ખીલી રહી હતી! પોતે સુંદર છે, ચારે બાજુ સુંદરતા વેરાયેલી છે, પણ એથી એ સભાન નથી, કદાચ પોતાના અભાવોથી. ગરીબાઈથી પણ સભાન નથી. એ બધુંય સ્વીકારી લીધું છે; એમ જ અસંતોષ વિના જીવે છે. તેમણે આકાશમાં જતું વિમાન જોયું હશે, પણ કદાચ ગાડી તો નહીં જોઈ હોય, મોટર પણ કદાચ નહીં જોઈ હોય. આ પગેથી ચાલીને જવાય એવો જ મુલક છે.

આગળ ચાલ્યાં. ત્યાં એક હિમશૈય્યા આવી. ઉપરથી વહી આવતું ઝરણું છેક ટોચથી થીજી ગયું હતું. એના પર થઈને જવાનું હતું. વચ્ચે વચ્ચે બરફ ઓગળવાથી બાકોરાં પડી ગયાં હતાં. હિમેશૈય્યા નીચેથી પાણી પાછું વહેતું તો હતું. ચાલ્યાં ને મોટું બાકોરું જો પડ્યું તો ઉદ્ધાર મુશ્કેલ. કેટલાંક પગલાં પડ્યાં હતાં, તેના પર થઈ ચાલ્યાં. ભય ક્યાં ગયો? નીચે વળી હાથમાં બરફ લીધો, દડો બનાવી સાથીઓ પર ફેંકવાની રમત જોતજોતામાં શરૂ થઈ ગઈ. રુકસૅક સમેત લપસ્યાં પણ ખરાં. પણ લપસવાની મઝા આવી. ત્યાં સામે અમારી છાવણીના તંબુ દેખાયા. પહાડની કરાડ એક બાજુ હતી, જેને અડીને નંતનાલા વહી રહ્યું હતું, બીજી બાજુ જંગલનો છેડો. પણ ત્યાં પહોંચવું કેવી રીતે? જે રસ્તો હતો ત્યાં પહાડ પરથી જમીન સરકી આવી હતી. માટી-પથરાનો ટીંબો, તેમાં પાછું વહી જતું ઝરણું જે જમીનના સરકવાથી અનેકમુખ બની નીચે નંતનાલાને મળતું હતું. તોતિંગ ઝાડ ઊથલી આડાં પડ્યાં હતાં. અધૂરામાં પૂરું આખા દિવસનો થાક. પગ આમેય સીધા ન પડતા હોય એમાં આવો માગે વળી બરડે ભાર. પણ છાવણી જોઈ હતી એટલે થોડું જોર આવ્યું હતું.

એક બાજુ ઝરણું વહી આવતું હતું. તેના પર ઝાડનાં બે થડિયાં આડાં નાખી કામચલાઉ પુલ બનાવ્યો હતો. તેના પર થઈ છાવણીમાં પહોંચી ગયાં. ગરમ ચા તૈયાર હતી. ચા પીધા પછી પેલા ઝરણાને કાંઠે હાથ-પગ-મોં ધોવા જવા વિચાર્યું. બૂટમોજાં હટાવીને બધાં પોતાના પગ તપાસતાં હતાં. મોટા ભાગનાં યાત્રીઓને બૂટ ડંખી ગયા હતા. નવા ફોલ્લા ઊઠ્યા હતા. જૂના દબાયા હતા. યાત્રાને પહેલે જ દિવસે ‘ફીટ કલ્ચર’ વિશે કહેવામાં આવ્યું હતું, કારણ કે એ પગ ઉપર જ આ યાત્રાનો મદાર હતો. અમને કહેવામાં આવેલું કે તમારા મોં કરતાં તમારા પગ વધારે સ્વચ્છ, સાફ રાખજો. રૂપાના પગની બૂરી દશા હતી. વડોદરાની ક્ષમા તો ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.

ડાબી બાજુએ જોરશોરથી નંતનાલાં વહી જતું હતું. તેને કાંઠે જ કૅમ્પ હતો. સામે ટેકરીના ઢાળ પર થોડાંક ઘર જાણે આમંત્રણ આપતાં હતાં. ઉત્તરે તો ખડકાળ પથ્થરની એકદમ સીધી ઊંચી કરાડ. અમે જંગલને છેડે હતાં. અહીંથી ગાઢ જંગલો શરૂ થતાં હતાં. દેવદારનાં જંગલ, કાલિદાસનું આ પ્રિય વૃક્ષ. શિવપાર્વતીને પણ પુત્રવત્ પ્યારું. અહીં આવ્યાં પછી દેવદાર જોવા મળતાં હતાં, જેની અત્યાર સુધી કલ્પનાઓ જ આવ્યા કરી હતી. કાલિદાસની, પેલી કિશોર રવિ ઠાકુરને ગમી ગયેલી પંક્તિ, આ પાણીનાં સીકરો ઉડાવતા ધસી જતા નંતનાલાને કાંઠે પવનમાં ઝૂમતાં દેવદાર દ્રુમોને જોઈ યાદ આવી –

ભાગીરથીનિર્ઝરસીકરાણાં વોઢા મુહુઃ કમ્પિત દેવદારુઃયદવાયુરન્વિષ્ટમૃગૈ: કિરાતૈરાસેવ્યતે ભિન્નશિખંડિબર્હઃ

પવન દેવદારને જ નહીં, અમનેય કંપાવી જતો હતો. અમે પ્રાણીઓની મૃગયા માટે ભમનારા કિરાતો નહોતા. અહીં મયૂરો પણ નહોતા. આમ તો ભાગીરથીય નહીં. પણ અહીં ભમતાં પદેપદે કાલિદાસનું સ્મરણ થયા કરે છે. કાલિદાસ આ ઉત્તર હિમાલયના વિસ્તારોમાંય જરૂર ભમ્યાં હશે.

પથ્થરો પર સાચવી સાચવીને પગ મૂકતો પેલા ઝરણ તરફ ચાલ્યો. પગ એવા આળા બની ગયા હતા કે કાંકરી પેસી જતાં પણ મોં વેદનાસ્ફિત થઈ જાય. પથ્થરોની શૈય્યા પરથી ભૂરી ઝાંયના સીકરો ઉડાડતું સ્ફટિકસ્વચ્છ નિર્ઝર વહી જતું હતું. જંગલછાયા પહાડના ઊંચા અને ઊંડા જતાં ઢોળાવ પરથી દોડી આવતું હતું. પાણીમાં જઈ પગ બોળ્યા. આહ! હિમશીતલ સ્પર્શ. હાથમોંએ પાણી લગાડયું. ખોબેખોબે પીધું. ત્યાં છોકરાઓ વૉટરબેગ લઈ આવી પહોંચ્યા. તડકો વિલાતો જતો હતો. ઠંડી ઊતરતી જતી હતી. ખાવાનું ઝટપટ પતાવી તંબુમાં ઘૂસી ગયા. આજે અગ્નિ પણ ન પેટાવ્યો. ધાબળામાં લપેટાઈ ગયા. ધીરેધીરે નંતનાલાનો અવાજ ઊંઘમાં લય થઈ ગયો.

મોડી રાતે આંખ ઊઘડી જતાં એ અવાજ રાત્રિની નિઃસ્તબ્ધતાને ચીરી રહેતો લાગ્યો. અહીં જાણે આ એક નાદ જ સત્ય છે. પાંચપાંચ ધાબળાની હૂંફમાંથી આ અવાજે મને બહાર બોલાવ્યો; હું ગોટમોટ થઈને બહાર નીકળ્યો. બહાર આવી આકાશ ભણી જોયું. તારા કેવાં ઝગમગતા હતા! અમું પુર:– આ સામે જ દેવદારનાં વન ઊભાં હતાં. વિજનતા હતી. માત્ર વહી જતાં નંતનાલાનો અવાજ. પણ અવાજ એક પરમ શાંતિનો ભાવ જગાવતો હતો. થાય કે સમય આમ જ વહી જાય. પણ શીતલ થતાં જતાં ગાત્રોએ મને તંબુમાં જવા પ્રેર્યો. છોકરાઓ ઘસઘસાટ ઊંઘતા હતા. નંતનાલાના લયાન્વિત અવાજનો કેફ મને પણ ચઢતો ગયો.

૩૧ મે

તંબુનો છેડો ઊંચો કરીને જોયું તો સામે તડકો પથરાયો હતો. કોઈ અંતરંગ આત્મીય મિત્રની જેમ તંબુમાંથી બહાર બોલાવતો હતો. હું બહાર નીકળી આવું છું. શીતલ સ્નિગ્ધ સવાર. નંતનાલા અકલાન્ત વહી રહ્યું છે. શિયાળામાં આ ગતિ થીજી જતી હશે. ત્યારે? વહેતી શક્તિનો ઓઘ હિમશિલા બની પડ્યો રહેતો હશે.

નાલાને કાંઠે એક ઊંચી કાળી શિલા પર બેસું છું. બેસતાં એવું થયું કે શું બરફની પાટ પર બેસું છું! પણ બેઠો રહ્યો. સામેના પહાડની ઊંચી કરાડ ભય લાગે તેટલી સીધી ઊભી હતી. આ બાજુ સામેની ટેકરીનાં ઘર સુધી લઈ જતો લાકડાનો પુલ તડકામાં ચિત્રાત્મક લાગતો હતો. આ પેલું ઝરણું પણ. ચાલો, હવે જલદીથી તૈયાર થઈ જવું પડશે. આજે તો બ્રહ્માને ચરણે.

નાસ્તો કરી લીધો, લંચબૉક્સમાં લંચ ભરી લીધું. રુકસૅક ખભે ભરાવ્યા અને ઝપાટાબંધ નીકળી પડ્યાં. આજે પગમાં જોમ હતું. જોકે એવું બનતું કે આગલા દિવસનો થાક સવારમાં તો શક્તિ બની જતો. આજે તો દેવદારનું વન વીંધીને જવાનું હતું. જંગલોમાં થઈને ચાલવાનો અનુભવ રોમાંચકર હતો. ચાલવાનું હતું પાછું નંતનાલાને કિનારે, ક્યારેક દૂર ક્યારેક નજીક. છાત્રો તો પાણીના રેલાની જેમ વહી ચાલ્યા. પગમાં પડેલા ફોલ્લાને તેઓ ગણકારતા જ નહોતા. પેલો હિમાંશું! પાછળ પડી જાય એટલે દોડે, આગળ થઈ જાય એટલે આડો પડી આરામ કરી લે. ક્ષમા લંગડાતી ચાલતી હતી. રૂપાના પગ પણ આડાઅવળા પડતા હતા.

ત્યાં અમારી સાથે ત્યાંનો એક છોકરો ચાલતો હતો. મેલાં કપડાંમાં ગોરું બદન હતું. ખાલી હતો. તેને પૂછ્યું – રુકસૅક લે લેગા? માથું હલાવી તેણે હા પાડી, તરત જ અનિલાબહેન પાસેથી પોતાના બરડે રુકસૅક લઈ લીધો. એ અમારો ભોમિયો પણ બની ગયો. એનું નામ બેલી; જરા બીજી પગદંડી લઈએ એટલે મોઢેથી સીટી વગાડે. એની સામું જોઈએ એટલે હાથથી બતાવે, આમ આમ.

આજે ચઢાણ ઝાઝું આવતું નહોતું. જંગલો વીતતાં ઢોળાવવાળાં ખેતરો શરૂ થયાં હતાં, પહાડો જરાં પાછા પડ્યા હતા, પ્રવાહને કિનારે વૃક્ષો હતાં, પણ અમારા માર્ગ પર છાંયો નહોતો. તાપ આકરો થવા લાગ્યો. પાણીનો પ્રવાહ પણ દૂર હતો. સામેથી બ્રહ્મા જઈ આવેલી બહેનો આવી રહી હતી. અમારો ઉત્સાહ વધારતી હતી. બધાં પૂછે, ‘કેટલે દૂર છે? કેવું છે બ્રહ્મા?’ એકે રુકસૅક જરા સરખો કરી, આંખો ઊંચી કરી કહ્યું – ‘ફેન્ટાસ્ટિક! બહુ દૂર નથી.’ બોલવા પરથી ખબર ન પડી કે સત્ય કે વ્યંગ? પણ સામેથી આવનાર બધાં સ્ફૂર્તિવાળાં તો હતાં જ. બેલીને કારણે આજે વારાફરતી અમારો ભાર હળવો થતો હતો. હવે વધારે ખેતર આવ્યાં. પથ્થરની વાડો હતી. છેડે ઊંચા થાંભલા પર લાકડાનાં ઘર હતાં. બેલીનું ઘર પણ ત્યાં જ હતું. અમને ઘર ભણી લઈ ગયો. તેની મા અને બે બહેનો બહાર આવી. બધાં જ ગોરાં, રૂપાળાં, હસતાં. છતાંય એમનાં અભાવગ્રસ્ત જીવનનો ખ્યાલ આવે. અમને જોઈ રાજીરાજી હતાં. આગ્રહ કર્યો. ઘરમાં જવાનો, પણ અમે ચાલ્યાં. ખેડવાનું ચાલતું હતું. અહીં પણ જંગલો હોવાં જોઈએ. પણ ખેતી માટે સાફ કરી નંખાયાં હશે. માથે થકવતો તડકો અને પગ નીચે ખેતરોની પોચી માટી…. કોઈ ઝાડ-ઝરણ આવે તો પેટમાં કશુંક નાખીએ.

ત્યાં એકદમ થીજી ગયેલું ઝરણ આવ્યું. ક્યાંક તો પથ્થર, બરફ, માટી બધું ભેળસેળ. ઝરણ મુખ્ય પ્રવાહ સુધી પહોંચ્યું હતું – ઉપર બરફ, નીચે પાણી વહેતું હતું. સામેની દિશાએ તો આનાથી મોટું ઝરણ – કહે હિમશૈય્યા. હિમનદી – ગ્લૅશિયર આને ન કહેવાય. એની વળી વાત જુદી હોય. એ હિમશૈય્યા પર સાચવીને પગ મૂકતાં મૂકતાં બેલીની પાછળ પાછળ ચાલ્યાં. બેલીએ તો એક જગ્યાએથી સ્વચ્છ બરફ ઊંચકી તેનો બૂકડો ભર્યો. અમે પણ થોડો થોડો બરફ ચાખ્યો. છોકરાઓએ તો બરફના દડાની રમત રમી લીધી.

ભૂખ લાગી હતી. આખરે ઝાડ અને ઝરણ બન્ને આવ્યાં. ઝાડના થડિયે ખાવા બેસી પડ્યાં. ઝરણ નીચે જરા નીચું હતું. બેલી પાણી ભરી આવ્યો. પછી ઝરણ ઓળંગીને જવાનું હતું. સામે ગયાં. હવે ખુલ્લાં મેદાનો શરૂ થતાં હતાં પણ એકદમ હરિયાળાં. આછાંપાતળાં ફૂલો વચ્ચે વચ્ચે ટાંક્યાં હતાં. પૂર્વમાં નાના નાના વહેળા વહી જતા હતા. સપાટ ચાલવાનું હતું. પૂર્વમાં સામે હવે બરફાચ્છાદિત પહાડોની હારમાળા દેખાતી હતી. અમે હવે પહોંચવામાં હતાં. વળી પાછી ટેકરીઓ અને જંગલ શરૂ થયાં. એક વળાંક આવ્યો. અને ત્યાં સ્વાગતનું બૅનર ઝૂલી રહ્યું હતું. થોડી વારમાં જ બ્રહ્માને ચરણે પહોંચી ગયાં. કેવું મનોરમ સ્થળ!

ચારે બાજુએ હિમશિખરોથી મંડિત પર્વતોની વચ્ચે સાડા નવ હજાર ફૂટની ઊંચાઈએ આછાં આછાં ફૂલની ગૂંથણીવાળા ઘાસની બિછાતવાળા મેદાન પર તંબુઓની રાવટી છે. બ્રહ્મા તો અહીંથી દૂર પેલા દેખાય. આ બ્રહ્મા બેઝકૅમ્પ કહેવાય છે. અહીં પૂણેની ગઈ કાલે આવેલી એક ટુકડીએ કૅમ્પનિયામક સાથે અમારું સ્વાગત કર્યું, ગરમ ગરમ ચા મળી. સાંજ પડવામાં હતી, પણ પારો એકદમ નીચો હોય એવો અનુભવ થવા લાગ્યો.

બહાર રહી દૂર દેખાતા બ્રહ્માનાં દર્શન કરી તરત જ અમે બધાં તંબુમાં પ્રવેશી ગયાં. ધાબળાથી અહીંની ટાઢ રોકાય એમ નહોતી. અમને ‘સ્લીપિંગ બૅગ્ઝ’ આપવામાં આવી હતી. તેમાં પેઠા પછી થોડી વારમાં જ ઉષ્મા વળી. સ્લીપિંગ બૅગમાં રહ્યે રહ્યે હું તંબુનો એક છેડો ઊંચો કરી બહાર નજર કરું છું

દૂર બ્રહ્માશિખર પર તડકો પડી રહ્યો છે. શ્વેત શિખર પર પીત આત૫. સમીરણ જોરથી વાઈ રહ્યો છે. ચીડદેવદાર ઝૂમી રહ્યાં છે. થોડે જ દૂર ઝરણું વહી રહ્યું છે, તેનો અવાજ પવનના સુસવાટા અને પાંદડાંના સરસરાટમાંય સંભળાય છે. પાછળના જંગલમાંથી કોઈ અજાણ્યા પંખીનો અવાજ આવે છે. હું બ્રહ્મા સામે તાકી રહું છું. ધ્યાનસ્થ બ્રહ્મા. તંબુનો છેડો પાડી દઉં છું. પવનની રમઝટ અનુભવું છું. અને આ શું? વરસાદ પડે છે કે શું? વરસાદ જ પડતો હતો. તંબુ પર ટપટપ શરૂ થઈ ગયું હતું.

થોડા સમય પછી પવન શાન્ત થયો લાગ્યો, વરસાદ પણ. હું સ્લીપિંગ બૅગમાંથી બહાર નીકળી દેહને ગરમ કપડાંથી લપેટી, તે ઉપર કામળો ઓઢી બહાર નીકળું છું. ઘણા બધા બહાર આવ્યા હતા. અહીં વરસાદ પડ્યો છે. બ્રહ્મા પર નજર પડી. શિખર પર તાજો જ બરફ પડ્યો છે. અદ્ભુત દર્શન. બ્રહ્માની આસપાસનાં શિખરો પણ બરફથી છવાઈ ગયાં છે. ‘શ્વેત શ્વેત.’ કાલિદાસે આ હિમને નગાધિરાજના સૌન્દર્યનું વિલોપનકારી કેમ કહ્યું હશે?

આથમણી બાજુના પહાડો પર પણ બરફ પડ્યો છે, થોડી વારમાં વાદળ ધુમ્મસે એમને ઢાંકી દીધા. ચાલતો ચાલતો ઝરણાંકાંઠે જાઉં છું. ઝરણાંની પેલી મેર ચીડનું જંગલ શરૂ થઈ જાય છે, કૅમ્પફાયરની તૈયારી ચાલે છે. અહીં અગ્નિ પણ શીતલ હોતો હશે.

તંબુમાં ગયા પછી ફરી બહાર નીકળવાની ઇચ્છા ભૂખ ન લાગી હોત તો ન થાત. આ ઠંડીમાં ખાઈશું ક્યાં બેસીને? કશુંક ગરમાગરમ ખાવાની ઇચ્છા આવી ક્યારેય નહોતી કરી. ઠંડીની અવગણના કરીને રસોડા ભણી ગયાં. સાંજ એકદમ ઊતરી આવી હતી. એક જ પાત્રમાં ભાત, દાળ નામની ચીજ અપાતી તે લઈ અમે પછી કૅમ્પફાયરની આસપાસ જ ગોઠવાઈ ગયાં.

લીલાં કાષ્ઠ હોવા છતાં અગ્નિ પ્રકટી ઊઠ્યો હતો. હવે આ આગની નજીકથી ખસવાનું નામ લે એ બીજાં. અગ્નિર્હિમસ્ય ભેષજમ્. ખાવાનું પત્યા પછી ગાવાનું શરૂ થયું. મરાઠી, ગુજરાતી, હિન્દી ગીત, લોકગીત ગવાયાં, પણ અતિશય ટાઢને લીધે જામતું નહોતું. અંધકાર ઊતરવા માંડ્યો હતો. આકાશ જોઈએ એવું સ્વચ્છ નહોતું. આગનો તાપ ઓછો થવા લાગ્યો અને ધીમે ધીમે બધાં ઊઠી ઊઠીને તંબુમાં જવા લાગ્યાં. ચારે તરફ હિમાચ્છાદિત પહાડોની વચ્ચે અગ્નિના લાલ લાલ તીખારા ધીકતા હતા. ‘આગ અને હિમ’ રૉબર્ટ ફ્રૉસ્ટની કવિતા. દુનિયાનો પ્રલય આગથી કે હિમથી? ‘સમ સે, ધ વર્લ્ડ વિલ ઍન્ડ ઇન ફાયર / સમ સે ઇન આઇસ.’ અહીં તો લાગે છે કે આગને તો ઓઢીને ફરીએ, હિમપ્રલયથી બચવા. પણ પહોંચી ગયો તંબુમાં – પેસી ગયો સ્લીપિંગબૅગમાં. થોડી વારમાં બધુંય શાંત બની ગયું બહાર હજી પવન આછો આછો દેવદારનાં પર્ણોમાંથી રહી રહીને પસાર થતો હતો. ઝરણાનો અવાજ સ્પષ્ટ બનતો જતો હતો.

૧ જૂન

આજે જૂનની પહેલી તારીખ છે. જૂન કહીએ એટલે ઍકેડેમિક નવા વર્ષનો પ્રારંભ. શિક્ષણ સાથે સંકળાયેલાને જૂન જુદો જ ભાવ જગાવે. પણ આજે સવારે તો અહીં છું. ઉત્તર હિમાલયમાં, કેટલાય દિવસથી પાર્વતીય પ્રકૃતિનું અનવદ્ય સૌન્દર્ય મેદાનમાં વસનારા, નગરમાં જીવનારા અમ જેવા જીવોને બધું ભૂલવી રહ્યું છે, જ્યાં ભણવા-ભણાવવાની વાત ફાલતું લાગે છે. અહીં બે ઝરણાંના સંગમસ્થાનની નજીક જ્યાં એક પથ્થર પર બેઠો છું ત્યાંથી ધ્યાનસ્થ બ્રહ્મા સવારના તડકામાં દીપ્ત લાગે છે. પવન હજી ઠંડો જ છે; તડકો આ પવનને કેમ ઉષ્મા આપી શકતો નહીં હોય? લીલાછમ ઘાસની બિછાતમાં ફૂલ ઊગી આવ્યાં છે, પણ ડિસેમ્બરથી એપ્રિલ સુધી તો અહીં માત્ર બરફની બિછાત રહેતી હશે. અહીંતહીં પોતાનાં ઢોરઢાંખર સાથે રહેતા ગુજ્જરોય નીચેની તરફ ચાલ્યા જતા હશે. ત્યારે અહીં માત્ર વિજનતા હશે. હશે પવન અને બરફનું અવિરામ તાંડવ. ઝરણાંઓનો કલકલ અવાજ ટૂંપાઈ ગયો હશે. જડીભૂત થઈ ચૂપ પડ્યાં હશે, પોતાના ઉગમ સુધી. આ ઝાડઝાંખર પણ બરફથી છવાઈ ગયાં હશે. અહીં માત્ર એક આદિમ રંગ હશે – શ્વેત. સાચ્ચે જ હિમ- આલય. તેના પર ચાંદની વરસતી હશે ત્યારે?…

એપ્રિલ આવતાં એ બરફ પીગળવા લાગતો હશે. એ ઓગળવાની પ્રક્રિયાની પ્રથમ ક્ષણ કેવી હશે? અંગ્રેજીમાં એ ક્રિયાને ‘થૉઇંગ’ કહે છે. દિગીશભાઈએ એક વાર ‘ઇમેજ’ની ચર્ચા કરતાં કરતાં અમેરિકન ગદ્યકાર થોરોની એક પંક્તિ ટાંકી હતી – વૉટ ઇઝ મૅન બટ્ અ માસ ઑફ થૉઇંગ કલે? એમણે કહ્યું હતું કે ‘થોઇંગ’નો ગુજરાતીમાં પર્યાય શોધવો મુશ્કેલ છે; પણ અહીંની સ્થાનિક બોલીમાં જરૂર એના એકાધિક પર્યાય હશે જ, આઇસલૅંડમાં ત્યાંની બોલીમાં બરફને માટે કંઈ કેટલાય શબ્દો છે, આપણે તો બરફ એટલે બરફ. ત્યાં તો બરફ બરફ વચ્ચે ફેર, અને તેને માટે જુદા જુદા શબ્દો. હા, તો જ્યારે આ બરફ પીગળતો હશે ત્યારે? તે પાણી બની વહેવા લાગશે. સ્થિર ગતિવંત થશે, અચલ ચલ થશે. પણ અંતે તો ‘હેમનું હેમ’ ને? ના, જ્યાં સ્તબ્ધતા હશે ત્યાં કલ કલ નિનાદ શરૂ થશે. મંત્ર ફૂંકતાં કોઈ સૂતેલી સુંદરી જાગી જાય તેમ સૃષ્ટિ સચેતન થઈ આળસ મરડી બેઠી થતી હશે.

પૂણેની ટુકડી રવાના થઈ રહી છે. આજે સાંજે દિલ્હીની ટુકડી આવશે. આજનો દિવસ અને રાત અમારે અહીં બ્રહ્માને ચરણે વિતાવવાનાં છે. આજે જોઉં છું તો ગુજ્જરોનાં ઢોર ચરી રહ્યાં છે. ગુજ્જરો અતિ કુતૂહલથી અમને જુએ છે. આજુબાજુ ચીડ, દેવદાર, ભૂર્જ છે. એકબીજાથી જલ્દી અલગ પાડી શકાતાં નથી. જેને અમે ચીડ કહીએ છીએ તેને આ લોકો કાયલ કહે છે. ઢગલે ઢગલા એનાં ફૂલ પડ્યાં છે. એને કાષ્ઠકૂલ જ કહેવાય, કાકાસાહેબે એનું વર્ણન ક્યાંક કરેલું છે.

અહીંનો એક માણસ ક્યાંકથી ભોજપત્ર લઈ આવે છે, અચ્છા, તો આ છે ભોજપત્ર! કેટલું સાંભળ્યું હતું આને વિષે? તાજી જ ભૂર્જ પરથી ઉતારેલી છાલ છે. છાલનું એક પછી એક પડ ઊકલતું જાય છે, આપણા ફૂલ્સકૅપ કાગળથી પહોળાં, અને એટલાં પાતળાં, લાલાશ પડતાં. લખી જોયું તો લખાતું હતું. લખાય જ ને! કેટલા ગ્રંથો આ ભૂર્જપત્રની છાલ પર લખાયા હશે, પણ કાલિદાસે તો એવું કહ્યું છે કે આ ભોજપત્રો વિઘાધરસુંદરીઓને ‘અનંગ લેખ’ – પ્રેમપત્રો લખવાના કામમાં આવતા – વ્રજન્તિ વિઘાધરસુંદરીણામનંગલેખક્રિયયોપયોગમ્, તેના પર તે સિન્દુરાદિ ધાતુના રસથી અક્ષરો પાડતી. અનંગલેખ માટે તો ઠીક, આપણે તો નમૂના માટે થોડાં રાખી લીધાં. હવે નાસ્તો કરી ‘ત્રિસંધ્યા’ ભણી જઈશું – અહીંથી લગભગ બેએક હજાર ફૂટની ઊંચાઈએ, એટલે કે લગભગ સાડા અગિયાર હજાર ફૂટની ઊંચાઈએ. અમારી સાથે આવવાના છે ગુલમર્ગના એક ગૉલ્ફ વિશારદ. જેવું લાલ મોં હતું તેવું લાલ એમનું જરકીન હતું.

માત્ર વૉટરબૅગ અને કૅમેરા સાથે ચઢવાનું શરૂ કર્યું. ધીરે ધીરે જેમ જેમ ઊંચે જતાં હતાં, તેમ તેમ પ્રદેશ ખૂલતો જતો હતો. ગુજ્જરોની એક વસાહત દેખાઈ. તેમના ડાઘિયા ખૂંખાર કૂતરા ભય ઉપજાવે તેવા હતા. પણ ગુજ્જર સ્ત્રીઓની કુતૂહલભરી આંખો, ચહેરાનો ગોરો રંગ જોતાં પેલો ભય નહોતો રહેતો. સભ્ય વસ્તીથી કેટલાં દૂર છે આ લોકો. પેલું નાનું છોકરું – અહીં જ જન્મ્યું હશે, અહીં જ મોટું થશે અને અહીં જ પરવારી જશે – એની દુનિયા અહીંનાં ચરિયાણો સુધી સીમિત રહેશે, આ યંત્રયુગમાં કોઈ યંત્ર તો જોશે તો જોશે.

ઊંચાઈની સાથે અમારી હાંફ વધતી જતી હતી. અહીં આવી ઠંડીમાં થોડી વારમાં તો પરસેવાનાં ટીપાં મોં પર લસરવા માંડયાં, ગળે શોષ પડતાં પાણી પીવું પડ્યું. આ બધા દિવસોનો ચાલવાનો થાક પગે હવે ઊતર્યો હોય, તેમ પગ માંડ ઊપડતા હતા. લગભગ સાડા- અગિયાર વાગ્યે એક જબરદસ્ત મોટી હિમશૈય્યાએ પહોંચ્યાં. બે પહાડોના ઢોળાવ વચ્ચે વહેતું એક ઝરણું થીજી ગયું હતું અને તેની ઉપર બરફ જામતો ગયો હતો. ઘાસ ઉપરથી બરફ ઉપર પહોંચી ગયાં. પોચો પોચો, બરફ.

અગિયાર-સાડા અગિયાર હજાર ફૂટની ઊંચાઈએ હતાં. અમે સામે જોયું, એક નહીં બે બ્રહ્મા દેખાયા. બ્રહ્મા-૧, બ્રહ્મા-૨. અત્યાર સુધી જે જોતાં હતાં તે બ્રહ્મા-૨. તડકામાં બન્ને શિખરો ચમકતાં હતાં. બ્રહ્મા-૧ ગંભીર, બ્રહ્મા-૨ રમ્ય. બન્ને પરથી વહેતી હિમનદીઓના અલગ ૫ટા દેખાતા હતા. આજુબાજુનાં નાનાં શિખરો પણ રમણીય લાગતાં હતાં. ઉત્તર હિમાલયના શ્રીનગરની દક્ષિણે આવેલું બ્રહ્મા શિખર આમ તો એકવીસ હજાર ફૂટ ઊંચું છે. તેને સર કરવાના પ્રયત્નો હજી સફળ થયા નથી.

હિમશૈય્યા પર સાચવી સાચવીને ઊંચે ચઢવા લાગ્યાં. હંટરશૂઝની પકડ જામતી નહોતી. થોડે ઊંચે ચઢ્યા પછી કૅમ્પનિયામક ઢોળાવ ભણી મુખ કરી ઊભા અને એકદમ સરકવાનું શરૂ કર્યું, એમના પગના, ખેતરમાં ચાસ હોય તેમ, ઊંડા લિસોટા પડ્યા, બધાંને તેમણે સરકવાનું આમંત્રણ આપ્યું. એમના એ લિસોટામાં હું વેગથી સરક્યો, પણ પછી એ વેગ પર મારો કોઈ અંકુશ ન રહ્યો અને હું આકાશ સામે નજર થઈ જાય તેમ લાંબો સોટ થઈ ગયો, અને એ સ્થિતિમાં પણ સરકતો ગયો. પછી તો ભય ગયો અને મઝા પડી. અહીં ગબડવાનો આનંદ હતો.

પછી શરૂ થઈ બરફના દડાની રમત. બધાં હાથમાં પોચો બરફ ઉખેડી, દડો વાળી એકબીજા પર છુટ્ટો ફેંકવા લાગ્યાં. બરફનો દડો શરીરને અડે ન અડે ને વેરાઈ જાય, માત્ર કેટલાક કણ ચોંટી ધીરે ધીરે ઓગળતા રહે.

સામેના પહાડ પરથી એક ઝરણું પડે છે. આ બાજુના વિસ્તારમાં તેનું ઘણું માહાત્મ્ય છે. એને ‘ત્રિસંધ્યા’ કહે છે. દિવસમાં ત્રણ વખત તે ઉપરથી નીચે પડે છે અને પછી દર વખતે ધીમે ધીમે એનો પ્રવાહ નીચેથી પાછો ઉપર જતો જાય છે. સામેના ધ્યાનસ્થ બ્રહ્માની આરાધના હશે? અમે ત્યાં સુધી ન ગયાં, કેમ કે વાદળ ડોકાયાં હતાં અને ક્યારે આખા આકાશમાં પથરાઈ, પાણીરૂપે કે બરફરૂપે વરસી પડે તેનું ઠેકાણું નહીં. ખીલનમર્ગની હિમવર્ષા યાદ આવતાં શરીરમાંથી ધ્રુજારી નીકળી ગઈ. ત્યારે તો નરોત્તમ પલાણ પણ સાથે હતા. ગુલમર્ગ-ખીલનમર્ગમાં થોડો તડકો હતો તે દિવસે, પણ જે થોડાં વાદળ હતાં તે વિસ્તાર પામ્યાં. પહેલાં ગાઢ ધુમ્મસ અને પછી વરસાદ અને પછી કરાનો ભયંકર વરસાદ, જોતજોતામાં બની ગયેલું. એટલે આ ઊંચાઈએ મેઘદર્શને શંકાકુલ બની નીચે કૅમ્પ ભણી ઊતરવાનું શરૂ કર્યું. ઊતરતાં ક્યાં વાર લાગતી હોય છે?

બપોરે જમ્યા પછી આજે ઘણા દિવસે નિરાંત હતી. દાઢી કરી ‘ફ્રેશ’ થયો. એક ભોજપત્ર ઉકેલી તેમાં સિન્દુરથી તો નહીં, લાલ બૉલપેનથી સામે દેખાતા બ્રહ્માનું અછાંદસ સ્તોત્ર જેવું લખવાનો પ્રયત્ન કર્યો. પછી બહારના મેદાનમાં ભમ્યા કર્યું. મેદાનમાં ગુજ્જરોની ગાયો ઘાસ સાથે જાણે તડકો પણ ચરતી હતી.

ધીમે ધીમે સાંજ આવે છે. બ્રહ્માનાં ઊંચા શિખર પર તડકો પડે છે. બાકીના પહાડો છાયામાં છે. મેદાનની પેલી શિલા પર બેસું છું. બ્રહ્માનું ક્ષણે ક્ષણે નવીન લાગતું શિખર જોઉં છું, અને કવિ માઘની રમણીયતાની પરિભાષાને પ્રમાણું છું. જંગલ, ઝરણ, પવન, પહાડ, ઘાસ બધાંનું પરમ સાન્નિધ્ય અનુભવું છું.

આવતી કાલે સવારે તો અહીંથી વળતું પ્રયાણ કરવાનું છે.