ધીરેન્દ્ર મહેતાની કવિતા/ફરફરતો આનંદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:33, 19 February 2026

૮.
ફરફરતો આનંદ

વાસમાં વાગે શંખ,
એ જી રે વાસમાં વાગે શંખ...
ઘડિયા-ચોઘડિયાની વાત નથી આ કાંઈ
ઘડીએ ઘડીની છે વાત;
ફૂંકની પેર હું તો ફૂંકતો ચાલું ને
ફેલાતી ચાલે મારી જાત!
રૂંવારૂંવામાં ઝાલર બજે ને ગવાય રૂડા છંદ!
હો જી હો ગવાય રૂડા છંદ...
એ જી રે વાસમાં વાગે શંખ!
બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો
આઠે પહોર અજવાસ;
ચઢ ને ઉતર કરે રગમાં રુધિર
એની આરતી ફરે બારે માસ!
ધજાની પેર મારાં અંગ ઊઠે ને કાંઈ ફરફરતો આનંદ!
હો જી હો ફરફરતો આનંદ...
એ જી રે વાસમાં વાગે શંખ!
૯-૮-’૮૩