ધીરેન્દ્ર મહેતાની કવિતા/ધુમાડો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:29, 20 February 2026

૨૯.
ધુમાડો

ધુમાડો છે ફક્ત ધુમાડો,
બીજું શું છે,
જે પેઠો છે મારા ઘરમાં;
અગ્નિ પણ નહિ, જેને હોલવી શકાય.
ક્યારેક તો એ અગ્નિને પણ ટૂંપી નાખે છે.
વ્યવહારસૂત્ર કહે છે,
જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુમાડો...
ધુમાડો અગ્નિના ખબર લઈને પહોંચી જાય છે,
જ્યાં અગ્નિ હોતો નથી,
એક પાતળી શી રેખા બનીને...
એની ગતિમાં એક લય હોય છે -
કદીક લાસ્યનો;
અદૃશ્યનાં દૃશ્યરૂપ રચે છે એ તમારે માટે;
અદીઠ હોય છે જે કંઈ
એ તમને દેખાડે છે...
ના, વાદળની જેમ નહિ.
એની ગંધમાં હોય છે અગમનાં એંધાણ.
વિરામ ન પામે તો એ
તાંડવમાં પલટાય છે કદીક;
ઘેરી વળે છે એનો વણસુણ્યો ઢમઢમકાર...
એનાં દળનાં દળ ઊમટી આવે છે,
એટલી સાંકડી જગામાંથી
જ્યાંથી નીકળી જવાનું
તમે વિચાર્યું પણ ન હોય કદી.
ઘેરો ઘાલે છે.
ધુમાડાને તમે શું સમજો છો?
એ તમારી ભીતર પણ પ્રવેશી શકે છે
આંખનાકકાન દ્વારા,
ઘેરી વળે તમને અંદરબહાર...
એ ફેલાઈ જઈ શકે છે
આખા નગરમાં.
તમને જોવા દેતો નથી
એ બીજું કશુંય;
પણ એને અંધકાર જેવો ન માનશો,
જેને પ્રકાશ સંગે દુશ્મની હોય;
એ તો પ્રકાશમાંથી જન્મે છે,
પછી એનાથી વિખૂટો પડે છે...
એ ભીંતો ચણી દે છે ભીંતોઃ
તમે એમાં પેસી શકો,
નીકળી ન શકો...
૧૧-૫-૨૦૦૨

(“ ‘ધુમાડો’ એ કદાચ ધીરેન્દ્રનું અને ગુજરાતી અ-છાંદસ કવિતાનું સાચવવા જેનું ઘરેણું છે.” - ચિનુ મોદી (‘પરબ’ - જૂન - ૨૦૧૩)