ચિત્તવિચારસંવાદ/પ્રાસ્તાવિક: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:23, 2 March 2026

પ્રાસ્તાવિક

ઈ.સ. ૧૭મા શતકમાં થયેલા અખાજી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક અનોખી પ્રતિભાવાળા કવિ છે. એ જ્ઞાનમાર્ગી ધારાના કવિ છે અને એ ધારામાં એમનું સ્થાન સર્વોચ્ચ છે. ઉમાશંકર જોશી કહે છે તેમ “ઊર્મિકવિતાનાં શૃંગો જેમ નરસિંહ, મીરાં, દયારામે સર કર્યાં છે, જનસ્વભાવ-નિરૂપણની ટોચ જેમ પ્રેમાનંદે પોતાની કરી છે, તેમ અખાએ તત્ત્વવિચાર-કવિતાને શિખરે પલાંઠી લગાવી છે.” અખાજીની ઘણીબધી કૃતિઓ પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે પરંતુ એમની બધી કૃતિઓની અદ્યતન પદ્ધતિની સંશોધિત વાચના આપણને મળી નથી. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, છપ્પા અને પદોની સંશોધિત વાચનાઓ પ્રકાશિત થઈ છે પરંતુ તેમની એક મહત્ત્વની કૃતિ ‘ચિત્તવિચારસંવાદ’ની સંશોધિત વાચના હજુ સુધી તૈયાર થઈ નથી.૧ ૪૧૧ કડીની આ કૃતિ વેદાંતવિચાર અને અખાજીના કવિત્વની દૃષ્ટિએ ‘અખેગીતા’ અને છપ્પાની હરોળનું નહીં તો પણ તેની તરત પછીનું સ્થાન ભોગવે એવી છે. એ કૃતિ ‘બૃહત્‌ કાવ્યદોહન’ ભા.૩ (ઈ.સ. ૧૮૮૮)માં તથા ‘અખાની વાણી’ (પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં ૧૯૭૧)માં મુદ્રિત થયેલી છે પરંતુ ત્યાં મુદ્રિત થયેલી વાચના સંશોધિત વાચના નથી. ‘અખાની વાણી’માં તો બહુધા ‘બૃહત્‌કાવ્યદોહન’ ભા.૩નો પાઠ લઈ લેવામાં આવ્યો જણાય છે. આ વાચના ઠીકઠીક અંશે ભ્રષ્ટ હોવાનું અથવા તો ખોટી રીતે સુધારાઈ હોવાનું પણ જણાય છે. એક પણ પ્રાપ્ત હસ્તપ્રતનો ટેકો ન હોય એવાં સ્થાનો પણ એમાં ઘણાં જડે છે. નીચે આ મુદ્રિત વાચનાઓની તથા અહીં રજૂ થયેલી મોટાભાગની હસ્તપ્રતોના ટેકાવાળી સંશોધિત વાચનાની કેટલીક પંક્તિઓ આપેલી છે તે પરથી એનો થોડો અંદાજ આવશે :

૧. મુદ્રિત વાચના :
સ્વર અક્ષર ષડ્‌દર્શન વેદ. ૪
સંશોધિત વાચના :
સુર અસુર ખટદરશન વેદ. ૪
૨. મુદ્રિત વાચના :
સદ્ય મારગ તો તારે સાધ્ય. ૨
સંશોધિત વાચના :
પણ શુદ્ધ મારગ તે તાહારે સાધ્ય. ૨
૩. મુદ્રિત વાચના :
ઉપનાં તત્ત્વ પાછાં ઉર ધર્યાં. ૯
સંશેાધિત વાચના :
ઊપનાં તત્ત્વ પાછાં ઊધર્યાં. ૯
૪. મુદ્રિત વાચના :
વિ. એ તો છે ચિત્ત તારો દોષ, જીવપણાની ચાલી હોંસ. ૧૧
સંશોધિત વાચના :
વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવપણાની ચાલી રૂંસ. ૧૧
૫. મુદ્રિત વાચના :
મારે જાણપણું અવિનાશ. ૧૫
સંશોધિત વાચના :
માહારે જોઈયે પણું-અવિનાશ. ૧૫

જો ૧૫ કડીમાં આટલા બધા ભ્રષ્ટ પાઠ હોય તો આખી કૃતિમાં કેટલા હશે તેનો સહેજે ખ્યાલ આવી શકે. ‘ચિત્તવિચારસંવાદ’ની મુદ્રિત વાચનામાં શબ્દાર્થો આપવામાં આવ્યા છે પરંતુ કવિનો કૂટ તત્ત્વવિચાર સમજવામાં માત્ર શબ્દાર્થથી ચાલે તેમ નથી. તેને માટે વિશેષ મદદની અપેક્ષા છે. ઉપરાંત અહીં કે બીજે કશે ‘ચિત્તવિચાર-સંવાદ’નો વિચારતત્ત્વ અને કાવ્યકલાની દૃષ્ટિએ વીગતે અભ્યાસ થયો નથી. આ બંને કારણોથી ‘ચિત્તવિચારસંવાદ’ની અધિકૃત વાચના તૈયાર કરવાનું તથા એ કૃતિનો આલોચનાત્મક અભ્યાસ કરવાનું ઘણું જરૂરી હતું. એ દિશામાં મારો આ નમ્ર પ્રયાસ છે.