ચિત્તવિચારસંવાદ/ભારતીય તત્ત્વવિચારપરંપરા: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 154: | Line 154: | ||
| style="border:1px solid black;" | અવસ્થા | | style="border:1px solid black;" | અવસ્થા | ||
|- | |- | ||
| | | style="border:1px solid black;" | | ||
| style="border:1px solid black;" | વ્યષ્ટિ | |||
| style="border:1px solid black;" | સમષ્ટિ | |||
| | | style="border:1px solid black;" | | ||
| | | style="border:1px solid black;" | | ||
|- | |- | ||
| style="border:1px solid black;" | કારણ | |||
| style="border:1px solid black;" | પ્રાજ્ઞ | | style="border:1px solid black;" | પ્રાજ્ઞ | ||
| style="border:1px solid black;" | ઈશ્વર | | style="border:1px solid black;" | ઈશ્વર | ||
| Line 166: | Line 166: | ||
| style="border:1px solid black;" | સુષુપ્તિ | | style="border:1px solid black;" | સુષુપ્તિ | ||
|- | |- | ||
| style="border:1px solid black;" | સૂક્ષ્મ | |||
| style="border:1px solid black;" | તૈજસ્ | | style="border:1px solid black;" | તૈજસ્ | ||
| style="border:1px solid black;" | હિરણ્યગર્ભ <br>સૂત્રાત્મા <br>કારણબ્રહ્મ | | style="border:1px solid black;" | હિરણ્યગર્ભ <br>સૂત્રાત્મા <br>કારણબ્રહ્મ | ||
| Line 172: | Line 172: | ||
| style="border:1px solid black;" | સ્વપ્ન | | style="border:1px solid black;" | સ્વપ્ન | ||
|- | |- | ||
| style="border:1px solid black;" | સ્થૂલ | |||
| style="border:1px solid black;" | વિશ્વ | | style="border:1px solid black;" | વિશ્વ | ||
| style="border:1px solid black;" | વૈશ્વાનર <br>વિરાટ | | style="border:1px solid black;" | વૈશ્વાનર <br>વિરાટ | ||
Revision as of 16:16, 3 March 2026
વેદ
ભારતીય તત્ત્વવિચારની ગંગોત્રી વેદ છે. ભારતીય તત્ત્વવિચારની મુખ્ય અને મહત્ત્વની શાખાઓ વેદ-આધારિત છે. એ વેદને પ્રમાણભૂત માનીને ચાલે છે અને વેદના અર્થઘટન ને વિસ્તરણ રૂપે વિકસે છે. એ આસ્તિક દર્શનો કહેવાય છે, જેમકે મીમાંસા, વેદાંત, સાંખ્ય, યોગ, ન્યાય અને વૈશેષિક એ છયે દર્શનો આસ્તિક દર્શનો છે. (આસ્તિક એટલે ઈશ્વરમાં માનનાર એવો અર્થ અહીં નથી. આ બધાં દર્શનો જગતકર્તા ઈશ્વરમાં માનનારાં નથી એ હવે પછી આપણે જોઈશું.) વેદને પ્રમાણભૂત ન માનનાર અને એનાથી ફંટાઈને પ્રવર્તનાર દર્શનો તે નાસ્તિક દર્શનો કહેવાય છે. જેમકે ચાર્વાક, બૌદ્ધ અને જૈન દર્શનો તે નાસ્તિક દર્શનો છે. આ વર્ગીકરણ ભારતીય તત્ત્વવિચારના કેન્દ્રમાં વેદ છે તેનું જ સમર્થન કરે છે. વેદ એ ભારતનું પ્રાચીનતમ સાહિત્ય છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. ભારતમાં તત્ત્વદર્શન ઉપરાંત ભાષા, સાહિત્ય, સંગીત, ગણિત, ખગોળવિદ્યા આદિ અનેક ક્ષેત્રોમાં જે કંઈ વિચારણાઓ થઈ છે તેનાં બીજ વેદમાં જોવામાં આવે છે. એ રીતે એનું ‘વેદ’ એ નામ સાર્થક ઠરે છે. વેદ એ કોઈ વ્યક્તિ કે પુરુષવિશેષનું સર્જન નથી. તેથી એને ‘અનાદિ’ અને ‘અપૌરુષેય’ ગણવામાં આવે છે. એ ઈશ્વરપ્રણીત હોવાનું પણ કહેવાય છે ને પરમાત્મા પાસેથી ઋષિઓએ સાંભળેલા આ મંત્રો છે, એ રીતે વેદ ‘શ્રુતિ’ના નામથી પણ ઓળખાય છે. દિવ્યતાની આરાધના કરતા વેદગ્રંથો ભારતના આદિ ધર્મગ્રંથો છે. ‘હિન્દુધર્મ’ની વિશાળ સંજ્ઞાથી ઓળખાતા ધર્મની એક મહત્ત્વની શાખા તે આ વેદધર્મ છે. એને બ્રાહ્મણધર્મ પણ કહેવામાં આવે છે. આદિકાળમાં વેદ એક જ હતો. પછીથી હજારોની સંખ્યામાં વેદમંત્રો પ્રગટ થયા ત્યારે એને ચાર જુદાં જુદાં જૂથો (સંહિતા)માં વહેંચવામાં આવ્યા. આ વર્ગીકરણ યજ્ઞમાં હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા એમ ચાર ઋત્વિજો ભાગ લેતા હતા તેમને અનુલક્ષીને કરવામાં આવ્યું. આ રીતે નીચેના ચાર વેદો અસ્તિત્વમાં આવ્યા : ઋગ્વેદસંહિતા : ઋક્ નામના છંદોબદ્ધ મંત્રો (ઋચાઓ)નો સમૂહ. એમાં મુખ્યત્વે દેવતાઓની સ્તુતિ અને તેમને કરવામાં આવેલી પ્રાર્થનાઓ છે. એ દ્વારા ઐહિક સુખોની તેમ પવિત્ર જીવન અને દિવ્યતાની પણ અભીપ્સા વ્યક્ત થાય છે, એક સત્ અર્થાત્ સત્ય – પરમાર્થ વસ્તુ પરમાત્માના બહુવિધ રૂપ વર્ણવાય છે અને ભક્તિ ને જ્ઞાન ઉપરાંત યજ્ઞાદિ કર્મનું વિધાન કરવામાં આવે છે. ઋગ્વેદ સર્વ વેદોમાં પ્રાચીન ગણાય છે. યજુર્વેદસંહિતા : યજુષ્ નામના ગદ્યાત્મક મંત્રોનો સમૂહ. એના નામ પ્રમાણે આ યજ્ઞનો વેદ હોઈ એમાં યજ્ઞની ક્રિયાનું પ્રાધાન્ય છે. ઋગ્વેદની ઋચાઓનો યજ્ઞમાં ક્યાં ઉપયોગ કરવો તે એમાં બતાવવામાં આવ્યું છે. ઋગ્વેદમાં યજ્ઞ જે સાદા રૂપમાં હતો તે અહીં પુષ્કળ વિસ્તાર પામ્યો છે. તે ઉપરાંત દેવતાઓનાં સ્વરૂપ તથા પરમાત્માની એકતા વિશે એમાં નવું ચિંતન પણ છે. આ સંહિતાના બે વિભાગ છે – શુકલસંહિતા અથવા વાજસનેયસંહિતા અને કૃષ્ણસંહિતા અથવા તૈત્તરીયસંહિતા. સામવેદસંહિતા : યજ્ઞયાગાદિ કર્મ કરતી વખતે સુસ્વર ગાવાના સામન્ નામના મંત્રોનો સમૂહ. આ સંહિતા ગાન માટે જ હોઈ એમાં લગભગ બધી ઋગ્વેદની જ ઋચાઓ છે, અને તેથી ધર્મ સંબંધે એમાં કંઈ નવું જાણવાનું નથી. એના બે ભાગ પડે છે – પૂર્વ આર્ચિક અને ઉત્તર આર્ચિક. ઉત્તર આર્ચિકમાં ઋગ્વેદની કેટલીક ઋચાઓ સોમયજ્ઞ વખતે ગાવા માટે જે ક્રમમાં જોઈએ તે ક્રમમાં ગોઠવેલી છે અને પૂર્વ આર્ચિકમાં એના ગાનના અભ્યાસ માટે ઉપયોગી ઋચાઓ આપેલી છે. અથર્વવેદસંહિતા અથવા અથર્વાંગિરોવેદ : રોગનિવારણ, ધન, ધાન્ય, સંતતિ વગેરેની પુષ્ટિ કરનારા અથર્વન્ નામના ઉપકારક મંત્રો તથા શત્રુનાશ, વશીકરણ, ઉચ્ચાટન જેવા અપકારક અંગિરસ્ નામના મંત્રોનો સમૂહ. એમાં પણ ઋગ્વેદની કેટલીક ઋચાઓ ફરીને દર્શન દે છે. પણ એનાથી સમજાય છે કે ઋગ્વેદની કઈ કઈ ધાર્મિક અને સાંસારિક ભાવનાઓ અથર્વવેદસંહિતાના સમય સુધીમાં ખાસ પ્રિય થઈ પડી હતી. આ ઉપરાંત એમાં (૧) સુંદર ઘરસંસારી અને રાષ્ટ્રીય ભાવનાઓ, (૨) પરમાત્માની એકતાના તથા નૈતિક જીવનની મહત્તાના વિચારો તથા (૩) રાગદ્વેષથી ભરપૂર મનુષ્યજીવનનાં ચિત્રો અને એ વૃત્તિઓના ઉદ્ગારરૂપ જાદુમંત્રના બાલિશ પ્રયોગો – એમ વિવિધરંગી વિષયો એકત્ર સમાવ્યા છે. બ્રાહ્મણધર્મમાં અથર્વવેદના અભિચારપ્રયોગ (જાદુ-મંત્રના પ્રયોગ) પ્રત્યે હમેશાં અરુચિ દર્શાવવામાં આવી છે. કેટલાકને એમાં અનાર્યધર્મની અસર હોવાનો સંભવ જણાયો છે અને વેદત્રયીની પણ એક માન્યતા છે, જેમાં અથર્વવેદનો સમાવેશ થતો નથી.
વેદના ત્રણ ભાગ
પ્રથમ સંહિતા, તેમાં બીજા ગ્રંથો ઉમેરાઈ દરેક વેદના ત્રણત્રણ વિભાગ પડ્યા છે : (૧) સંહિતા, (૨) બ્રાહ્મણ અને (૩) આરણ્યક તથા ઉપનિષદ. જેમકે ઋગ્વેદસંહિતા, તેના ‘ઐતરેય’ અને ‘કૌષીતકિ’ એ નામના બ્રાહ્મણો, એ જ નામના એના બે આરણ્યકો અને એ જ નામના એના બે ઉપનિષદો છે. સંહિતામાં બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ઉમેરી, સર્વને એકત્ર કરી, એમને ‘વેદ’ અથવા ‘શ્રુતિ’ને નામે પ્રમાણ માનવામાં આવે છે. ‘વેદ’ એટલે સંહિતા એ સંકુચિત અર્થ, તો ‘વેદ’ એટલે આ બધા ગ્રંથો તે વિશાળ અર્થ – એમ બંને રીતે ‘વેદ’ સંજ્ઞા વપરાય છે. આમ કરવાનું કારણ એ છે કે ત્રણે ભાગને એકઠા કરીને લેતાં જ ધર્મનું પૂરેપૂરું સ્વરૂપ બંધાય છે. ધર્મનાં ત્રણ અંગ છે – ભક્તિ, કર્મ અને જ્ઞાન; અને એ ક્રમવાર વેદના આ ત્રણ ભાગમાં પ્રતીત થાય છે : (૧) સંહિતામાં પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થના છે; (૨) બ્રાહ્મણમાં ‘બ્રહ્મન્’ એટલે કે યજ્ઞ વિશેની વિચારણા પ્રધાનપણે છે; (૩) આરણ્યક અને ઉપનિષદમાં ધર્મના રહસ્યનું તથા જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપનું ચિંતન છે.
બ્રાહ્મણગ્રંથો
‘બ્રહ્મન્’ એટલે ધર્મનું તત્ત્વ, તેનો સ્થૂળ આકાર યજ્ઞ. સંહિતાઓમાં યજ્ઞનું વિધાન હતું એટલે હવે યજ્ઞ તે શું છે, અમુક યજ્ઞમાં અમુક ક્રિયાઓ કેમ કરવામાં આવે છે, અમુક દેવતાઓનાં નામ શાથી પડ્યાં છે, એમને યજ્ઞમાં અમુક કાળે કેમ બોલાવવામાં આવે છે ઇત્યાદિ યજ્ઞના સામાન્ય અને વિશેષ સ્વરૂપ સંબંધી અનેક પ્રશ્નો થવા લાગ્યા અને એના ઉત્તર આ બ્રાહ્મણ ગ્રંથમાં અપાવા લાગ્યા. એ રીતે બ્રાહ્મણ એ સંહિતામાં દર્શાવાયેલા ધર્મનું વિવરણ રજૂ કરે છે. આમ કરતાં આ ગ્રંથોમાં કેટલીક શબ્દોની વ્યુત્પત્તિઓ અને કેટલીક રસિક આખ્યાયિકાઓ અપાયેલી છે. યજ્ઞના રહસ્ય સંબંધી કેટલાક વિચારો પણ દર્શાવાયા છે. જેમકે યજ્ઞને સૃષ્ટિના રૂપક તરીકે જોવામાં આવેલ છે. એ ઉપરાંત યજ્ઞક્રિયાઓ પાછળની ભાવનાઓ પણ સ્ફુટ કરવામાં આવી છે. યજ્ઞ દ્વારા વિશ્વનું સ્વરૂપ દર્શાવવું અને એક પ્રજાપતિનું સ્મરણ જાગતું રાખવું એ બ્રાહ્મણગ્રંથની મુખ્ય પ્રવૃત્તિ હતી.
આરણ્યક
એ બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેની કડી છે. સામાન્ય સંસારવ્યવહાર છોડી અરણ્યમાં જઈ ધર્મપરાયણ જીવન ગાળનાર અને પરમાત્માના સ્વરૂપ વિશે ચિંતન કરનાર જનોના એ ગ્રંથો છે. એ ગ્રંથોમાં હજી યજ્ઞ સ્થાન ભોગવે છે પણ તે સાથે તત્ત્વચિંતન પણ શરૂ થઈ ચૂક્યું છે.
ઉપનિષદ
‘ઉપનિષદ’ શબ્દના ‘ગુરુ પાસે બેસવું’, ‘ઉપાસના’, ‘રહસ્ય’ એવા જુદા જુદા અર્થ કરવામાં આવે છે. ખરું જોતાં આ સર્વ અર્થો ઉપનિષદ શબ્દમાં ભળેલા છે. અજ્ઞાનનો નાશ કરી પરમાત્મા સુધી પહોંચાડનારી વિદ્યા – જે ગુરુ પાસે બેસીને પૂર્ણ જિજ્ઞાસાથી અને વૃત્તિઓ વશ કરીને પ્રાપ્ત કરવાની છે, જેમાં પરમાત્માની ખરી ઉપાસના બતાવેલી છે, અને જેમાં વેદનું ખરું રહસ્ય રહેલું છે તે – ઉપનિષદ. આ રીતે ઉપનિષદોમાં ઐહિક કે સાંસારિક સુખોને સ્થાને અમૃતત્વની અભીપ્સા વ્યક્ત થઈ છે, ને તેની પ્રાપ્તિના માર્ગ ચર્ચાયા છે. ઉપનિષદોમાં ધર્મ તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ લે છે. પ્રાચીન ઉપનિષદો જ્ઞાનને લગતાં છે, પણ કેટલાંક ઉપનિષદોમાં યોગ, વૈરાગ્ય અને ભક્તિને પણ સ્થાન મળ્યું છે. જીવ એ પંચમહાભૂતના બનેલા જડ પદાર્થોથી ભિન્ન છે; પરમાત્મા પિંડમાં તેમ બ્રહ્માંડમાં વસેલો છે; જીવ પરમાત્મામાંથી જ નીકળ્યો છે, એનો સખા છે, એનું સ્વરૂપ છે, એ પોતે જ છે; પરમાત્મા મન, વાણી અને ઇન્દ્રિયોથી પર છે, પણ એ છે અનંત સત્રૂપ, અનંત ચિત્રૂપ, અનંત આનંદરૂપ – વગેરે મહત્ત્વના વિચારો ઉપનિષદોમાં રજૂ થયા છે અને ‘ધૂમ્રમાર્ગ’ – યજ્ઞમાર્ગને સ્થાને ‘અર્ચિમાર્ગ’ – જ્ઞાનનો માર્ગ, તેનો મહિમા કરવામાં આવ્યો છે.
વેદાંગ
‘વેદાંગ’ એટલે વેદનાં અંગ – સાધન; વેદને મદદગાર થનારાં પુસ્તકો. વેદાંગ છ છે : (૧) શિક્ષા : વેદના સ્વરસહિત ઉચ્ચાર કરવાનું શીખવનાર ગ્રંથ. તેના મૂળ ગ્રંથો ‘પ્રાતિશાખ્ય’ – એટલે કે જુદી જુદી શાખાના ઉચ્ચાર કરવાના ગ્રંથો – એ નામે પણ ઓળખાય છે. (૨) કલ્પ : યજ્ઞયાગની ક્રિયાઓનો વિધિ બતાવનાર ગ્રંથ, આશ્વલાયન વગેરે ઋષિઓના બનાવેલા મળે છે. (૩) વ્યાકરણ : અત્યારે પાણિનિનું જ વ્યાકરણ સૌથી જૂનું હયાત છે. એ વેદાંગ તરીકે મનાય છે. (૪) છંદ : આ સંબંધી વેદાંગ-ગ્રંથ પિંગલ નામના આચાર્યે રચેલો છે. (૫) જ્યોતિ : આ (જ્યોતિષશાસ્ત્ર)ની રચના ગર્ગાચાર્યે કરી છે. (૬) નિરુક્ત : આ ગ્રંથની રચના યાસ્કમુનિએ કરી છે. તેમાં કઠિન તથા જાણવા જેવા વેદના શબ્દોની વ્યુત્પત્તિ અને તેના અર્થ કરવાની રીત આપી છે. તેમજ તેમાં વેદના દેવતાઓનું સ્વરૂપ પણ સમજાવ્યું છે.
સૂત્રો
થોડા શબ્દોમાં સઘળો અર્થ સૂચવનાર વાક્યો તે સૂત્રો. સંહિતાથી ઉપનિષદ સુધીનો વેદધર્મ સૂત્રકાળમાં વ્યવસ્થા પામ્યો છે. ઉપર વેદાંગરૂપ કલ્પગ્રંથોનો ઉલ્લેખ કર્યો તે સૂત્ર રૂપે પ્રાપ્ત થાય છે ને કલ્પસૂત્ર તરીકે ઓળખાય છે. એના ચાર પેટાવિભાગો છે : શ્રૌતસૂત્ર : એમાં અશ્વમેધાદિ યજ્ઞની ક્રિયાઓ બતાવવામાં આવેલી છે. ગૃહ્યસૂત્ર : એમાં ગૃહસ્થના ઘરમાં કરવાના યજ્ઞો અને ઉપનયન-વિવાહાદિ સંસ્કારોનો વિધિ બતાવવામાં આવ્યો છે. ધર્મસૂત્ર : એમાં વર્ણાશ્રમના ધર્મો તથા સમાજના ન્યાય તથા કાયદાને લગતી બાબતો ચર્ચવામાં આવી છે. શુલ્વસૂત્ર : એમાં યજ્ઞવેદીની રચના વિષયક વિવરણ છે. દર્શનસૂત્રો પણ આ સૂત્રયુગમાં જ રચાયેલાં છે. કલ્પસૂત્ર આચારવિષયક છે, દર્શનસૂત્ર જ્ઞાનવિષયક છે. મીમાંસા વગેરે છ દર્શનો જાણીતાં છે.
શ્રુતિ અને સ્મૃતિ
સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક તથા ઉપનિષદ એ વેદકાળના ગ્રંથો છે જે ‘શ્રુતિ’ તરીકે પણ ઓળખાય છે એ આપણે આગળ જોયું. સંસ્કૃતકાળના પ્રતિષ્ઠિત ઋષિમુનિઓના રચેલા ગ્રંથો તે સર્વ ‘સ્મૃતિ.’ ઋષિઓને પરમાત્મા પાસેથી પોતાના અંતરાત્મામાં સાક્ષાત્ સંભળાવાનું બંધ થયું તે પછીના ઋષિઓમાં માત્ર એનું સ્મરણ રહ્યું. એ સ્મરણને આધારે તેમણે અનેક ગ્રંથો રચ્યા તે ગ્રંથો ‘સ્મૃતિ’ કહેવાય છે. આમ, વ્યાપક રીતે ‘સ્મૃતિ’માં ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો, ઇતિહાસ તથા પુરાણનો સમાવેશ થાય છે, પરંતુ વિશિષ્ટ અર્થમાં ધર્મશાસ્ત્રોનો આધાર લઈ પછીના કાળમાં રચાયેલા શ્લોકબદ્ધ ગ્રંથો સ્મૃતિ તરીકે ઓળખાય છે. મનુ, યાજ્ઞવલ્ક્ય, પરાશરની સ્મૃતિઓ વધારે જાણીતી છે. તેમાં હિંદુધર્મનાં બધાં તત્ત્વો સમાયેલાં છે.
દર્શનો
દર્શન એટલે જોવાનું સાધન. વેદનાં સત્યો જોવા માટે બ્રાહ્મણ શાસ્ત્રકારોએ છ જુદાંજુદાં શાસ્ત્રો રચ્યાં છે. એ ‘ષડ્દર્શન’ કહેવાય છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ના અરસામાં મહાવીરસ્વામી અને ગૌતમ બુદ્ધ થયા તે સમયમાં આ દર્શનોની ઉત્પત્તિ થઈ છે. એ રીતે આ દર્શનોનું તત્ત્વજ્ઞાન પ્રાચીન છે. બ્રાહ્મણ અને ઉપનિષદ્ ગ્રંથોમાં કર્મ અને જ્ઞાનનો જે ઉપદેશ થયો છે એમાં કંઈક પરસ્પર વિરુદ્ધ જેવું દેખાય કે કંઈક ન સમજાય તેવું દેખાય, એ બધાને બંધબેસતું અને સમજાય તેવું કરવા માટે આ દર્શનોની રચના થઈ છે. આ છ દર્શનનાં બે-બે એમ ત્રણ જોડકાં છે : બે સાંખ્ય, બે ન્યાય અને બે મીમાંસા. બે સાંખ્ય તે એક સાંખ્ય અને બીજું યોગ. આમાંનું પહેલું નિરીશ્વરસાંખ્ય અને બીજું સેશ્વરસાંખ્યને નામે ઓળખાય છે. બે ન્યાય તે એક વૈશેષિક અને બીજું ન્યાય. બે મીમાંસા તે એક પૂર્વમીમાંસા અથવા ધર્મમીમાંસા અથવા કર્મમીમાંસા અથવા ટૂંકમાં મીમાંસા અને બીજું ઉત્તરમીમાંસા અથવા જ્ઞાનમીમાંસા અથવા બ્રહ્મમીમાંસા અથવા શારીરકમીમાંસા અથવા વેદાંત. દર્શનો મૂળ સૂત્ર રૂપે છે. પછીથી એ સૂત્રગ્રંથો પર ભાષ્યો થયાં છે અને તેમાં ભાષ્યકારોએ પોતાનાં દૃષ્ટિબિંદુ મુજબ અર્થઘટન કર્યું છે. એથી દર્શનોના જુદા જુદા ફાંટાઓ અસ્તિત્વમાં આવ્યા છે. જેમકે બ્રહ્મસૂત્ર ઉપર શંકર, રામાનુજ, વલ્લભ આદિએ ભાષ્યો રચ્યાં છે અને વેદાંતના વિવિધ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે.
સાંખ્યદર્શન
તેના પ્રણેતા કપિલ મુનિ છે પણ તેમણે લખેલો ગ્રંથ ઉપલબ્ધ નથી. ઈશ્વરકૃષ્ણ-રચિત સાંખ્યકારિકા આ દર્શનનો પ્રધાન ગ્રંથ મનાય છે. સાંખ્યસૂત્રો પ્રમાણમાં અર્વાચીન છે. આ દર્શન કુલ ૨૫ તત્ત્વોમાં માને છે. આ તત્ત્વગણનાને કારણે એ ‘સાંખ્ય’ નામ પામ્યું જણાય છે. અથવા સંખ્યા એટલે વિવેકજ્ઞાન. એમાં મુક્તિનું સાધન વિવેકજ્ઞાનને માનેલું હોવાથી ‘સાંખ્ય’ નામ મળ્યું હોય. આ દર્શને સ્વીકારેલાં ૨૫ તત્ત્વો આ મુજબ છેઃ ૧. મૂળ પ્રકૃતિ; ૨. મહત્ તત્ત્વ; ૩. અહંકાર; ૪થી ૮. પાંચ તન્માત્રાઓ; ૯થી ૧૩. પાંચ જ્ઞાનેન્દ્રિયો; ૧૪થી ૧૮. પાંચ કર્મેન્દ્રિયો; ૧૯. મન; ૨૦થી ૨૪. પાંચ મહાભૂત. આમ એક પ્રકૃતિ પોતે અને બીજાં પ્રકૃતિથી જ ઉત્પન્ન થનારાં ૨૩ તત્ત્વો મળીને કુલ ૨૪ અને પચીસમો પુરુષ અર્થાત્ આત્મા. સાંખ્યની દૃષ્ટિએ પ્રકૃતિ (કે પ્રધાન) જડ છે અને જગતનું કારણ છે. પુરુષ અથવા આત્મા શુદ્ધ ચૈતન્યરૂપ છે અને જગતના સર્વ વ્યક્ત પદાર્થો તેમ શરીર, ઇન્દ્રિય અને મનથી સ્વતંત્ર અને ભિન્ન છે. એ અવિકારી, તટસ્થ, નિત્ય અને વ્યાપક છે. પ્રકૃતિ એક છે, ત્યારે પુરુષ-જીવાત્મા અનેક છે. પ્રકૃતિ-પુરુષની આ ભિન્નતાની માન્યતાને કારણે સાંખ્યદર્શન દ્વૈતવાદી દર્શન ગણાય છે. સાંખ્યમતે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ જડ હોવાથી કેવળ તેનાથી જગતનું નિર્માણ થઈ શકે નહીં. તેમજ પુરુષ સ્વ-ભાવથી નિષ્ક્રિય હોવાથી તેનાથી પણ તે ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે સૃષ્ટિની ઉત્પત્તિ માટે બંનેના કાર્યસાધક સંયોગની આવશ્યકતા રહે છે. પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોની બનેલી છે. એ ત્રણ ગુણોની એમાં સામ્યાવસ્થા હોય છે. પરંતુ જ્યારે પ્રકૃતિ સાથે પુરુષનો સંયોગ થાય છે ત્યારે આ ગુણોમાં વૈષમ્ય આવે છે અને એમનું જુદા જુદા પ્રમાણમાં મિશ્રણ થતાં સૃષ્ટિકાર્યનો આરંભ થાય છે. પ્રકૃતિથી ઉત્પન્ન થતાં તત્ત્વો કયે ક્રમે ઉત્પન્ન થાય છે તેનું વર્ણન સાંખ્યદર્શન કરે છે. સાંખ્યદર્શનને મતે કારણ (પ્રકૃતિ)ની જેમ કાર્ય (જગત) પણ સત્ છે, વેદાંત એટલે કે કેવલાદ્વૈત વેદાંતની જેમ એ મિથ્યા નથી. આથી સાંખ્ય-સિદ્ધાન્તને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. વળી, એમાં કારણ જ કાર્ય રૂપે પરિણમે છે – દૂધમાંથી દહીંની ઉત્પત્તિ થાય છે એમ નહીં પણ દૂધ પોતે જ દહીંરૂપ થઈ જાય છે – એમ માનવામાં આવે છે. તેથી એ પરિણામવાદ પણ છે. સાંખ્યદર્શનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે આ સંસાર આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણ પ્રકારના તાપ (=દુઃખ)થી ભરેલો છે. આનું કારણ પુરુષનો પ્રકૃતિ સાથેનો સંયોગ છે. પુરુષ – આત્મા સાક્ષીરૂપ ચૈતન્ય છે, છતાં અભિમાનને લીધે એ પોતાને કર્તા માને છે અને અજ્ઞાનને કારણે એ પોતાને દેહ, ઇન્દ્રિયો અને મનને સ્વરૂપે માને છે. એનાં સુખદુઃખ એ પોતાનાં સુખદુઃખ માની લે છે. એટલે કે એ પોતાની સ્વતંત્રતા ગુમાવી જડ પ્રકૃતિથી બદ્ધ બને છે. આમ આત્મા અને અનાત્મા વચ્ચેનો અવિવેક એ બધાં દુઃખોનું કારણ છે. આથી જ સર્વ દુઃખોમાંથી મુક્ત થવાનું સાધન છે વિવેકજ્ઞાન – આત્મા-અનાત્મા વચ્ચેનો વિવેક, જેને સાંખ્યદર્શન ‘વિવેકખ્યાતિ’ તરીકે ઓળખાવે છે. પુરુષ જડ તત્ત્વોના ધર્મો પોતાના પર આરોપતો બંધ થઈ જાય એટલે એમાંથી જન્મતાં દુઃખોમાંથી એ બચી જાય છે. વિવેકજ્ઞાન પ્રાપ્ત કરનાર મનુષ્ય આ જીવનમાં જે મુક્તિનો અનુભવ કરે છે તેને જીવન્મુક્તિ કહે છે. જીવન-મુક્ત વ્યક્તિ કર્મવ્યાપારોમાંથી વિરત થતી નથી, એ પ્રારબ્ધકર્મ કરતી રહે છે પણ આ કર્મો એને બંધનકારક થતાં નથી. શરીરનો નાશ થતાં વ્યક્તિના દુઃખનો એકાંતિક અને આત્યંતિક નાશ થાય છે, તેને વિદેહમુક્તિ કહે છે. સાંખ્યની દૃષ્ટિએ પ્રકૃતિનું જ કર્તૃત્વ છે, જીવોનું નહીં. તેથી જીવોને ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને વિવેકખ્યાતિ બંનેનો ભોગ કરાવનાર પ્રકૃતિ જ છે. સાંખ્યનું મુખ્ય વલણ ઈશ્વરના ખ્યાલ વિના ચલાવી લેવાનું છે. એની દૃષ્ટિએ જગતનો ખુલાસો કરવાને માટે ઈશ્વરની જરૂર નથી. પ્રકૃતિ એ જગતનું પર્યાપ્ત કારણ છે. શાશ્વત અને અવિકારી ઈશ્વર જગતનો કર્તા હોઈ શકે નહીં, કેમકે વિકાર વિના પરિણામ ઉત્પન્ન થતું નથી. કેટલાક સાંખ્યવિચારકો અલબત્ત એમ બતાવવાની કોશિશ કરે છે કે સાંખ્યદર્શનને કર્તારૂપ નહીં પણ સાક્ષીરૂપ પરમપુરુષ તરીકે ઈશ્વર માન્ય છે. અહીં એ નોંધવું જોઈએ કે ચોવીસ તત્ત્વવાદી અને છવીસ તત્ત્વવાદી સાંખ્યના નિર્દેશો પણ મળે છે. ચોવીસ તત્ત્વવાદી સાંખ્ય જ્ઞાતા અને ભોક્તા, જ્ઞાન અને ભોગસાધન તથા જ્ઞેય અને ભોગ્ય વસ્તુઓ બધાંનું કારણ પ્રકૃતિને માને છે. એટલે કે એમાં પુરુષની અલગ સત્તા સ્વીકાર્ય નથી. છવીસ તત્ત્વવાદી સાંખ્ય પુરુષવિશેષ (ઈશ્વર કે બ્રહ્મ)ની કલ્પના કરે છે, જે પ્રકૃતિનું તેમ જ્ઞાતા-ભોક્તા જીવનું પ્રભવસ્થાન છે. પ્રકૃષ્ટ સત્ત્વના આશ્રયથી એ પ્રાણીઓના ઉદ્ધારકનું પદ પ્રાપ્ત કરે છે. આ છવીસ તત્ત્વવાદી સાંખ્ય તે યોગ.
યોગદર્શન
યોગદર્શનની રચના મહર્ષિ પતંજલિએ કરી છે. પરંતુ આ દર્શનનાં મૂળ-તત્ત્વો છેક ઉપનિષદમાં મળે છે અને યોગનાં મુખ્ય અંગોનું અનુષ્ઠાન ગૌતમ બુદ્ધના સમય પહેલાં પણ જાણીતું હતું એ રીતે જોતાં મહર્ષિ પતંજલિનાં સૂત્રો યોગદર્શનનો આદ્યગ્રંથ રહેતો નથી. યોગદર્શન બહુધા સાંખ્યદર્શનનો તત્ત્વવિચાર સ્વીકારે છે. આથી એ સાંખ્ય-યોગ તરીકે પણ ઓળખાય છે. સાંખ્યદર્શને પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરવાનું કહ્યું છે. તે કઈ રીતે કરવો તે માટેનાં સાધનો યોગદર્શને બતાવ્યાં છે. એ રીતે યોગદર્શન ‘સાધનગ્રંથ’ છે. એમાં સાધનોની ચર્ચા હોવાથી લગભગ દરેક માર્ગના સાધકને તેમાંથી યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. શુદ્ધ ચૈતન્યરૂપ અને સ્વતંત્ર પુરુષ અજ્ઞાનદશામાં ચિત્તથી સંબદ્ધ થાય છે. ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તે વસ્તુતઃ અચેતન છે પરંતુ તેમાં પુરુષનું પ્રતિબિંબ પડતાં તે ચેતન સદૃશ ભાસે છે. ચિત્ત જે વસ્તુ સાથે સંબંધમાં આવે છે તેનું સ્વરૂપ ગ્રહણ કરે છે. પુરુષને પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન થાય છે તે ચિત્તનાં જાતજાતનાં પરિવર્તનોને કારણે થાય છે. આ પરિવર્તનોને વૃત્તિ કહે છે. જે પ્રમાણે પાણીની સપાટી પર ઊઠતી લહરીઓને કારણે તેમાં પ્રતિબિંબિત થતો ચંદ્ર સ્થિર હોવા છતાં ચંચલ ભાસે છે તે પ્રમાણે પરિણામશીલ ન હોનારો પુરુષ પરિવર્તનશીલ ભાસે છે. આમ પુરુષ સંસારના બંધનમાં બંધાય છે તેનું કારણ ચિત્ત છે. ચિત્તનો નિગ્રહ કરવાથી સંસારનું બંધન થતું નથી. ચિત્તવૃત્તિનો આ નિરોધ તે યોગ. યોગનાં આઠ અંગો છે. અષ્ટાંગયોગની સાધનાથી મનને બાહ્ય વિષયોમાંથી ખેંચી શકાય છે. યોગનાં આઠ અંગ તે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાંગયોગના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને તે દ્વારા પ્રકૃતિ અને પુરુષનો વિવેક પ્રગટ થાય છે. પરિણામે મોક્ષસિદ્ધિ થાય છે. યોગદર્શનમાં પાંચ પ્રકારની ચિત્તભૂમિઓ કે ચિત્તાવસ્થાઓ વર્ણવાય છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત – આ ત્રણ ચિત્તાવસ્થામાં યોગ શક્ય નથી. એકાગ્ર અને અનિરુદ્ધ એ યોગને ઉપકારક ચિત્તાવસ્થાઓ છે. યોગ કે સમાધિના બે પ્રકાર છે – એક સંપ્રજ્ઞાત (સંવિકલ્પ), જેમાં ધ્યાનના વિષયરૂપ પદાર્થનું સ્પષ્ટ ભાન થાય છે; બીજો અસંપ્રજ્ઞાત (નિર્વિકલ્પ), જેમાં સઘળાં માનસિક સંચલનો વિરમી જાય છે અને દેહ સુધ્ધાંનું પણ જ્ઞાન રહેતું નથી. સંપ્રજ્ઞાત સમાધિ અનેક પ્રકારની સિદ્ધિઓ આપે છે. આઠ પ્રકારની મહાસિદ્ધિઓ લોકશાસ્ત્રમાં જાણીતી છે. અસંપ્રજ્ઞાત સમાધિ મુક્તિની અવસ્થા છે. ચિત્તવૃત્તિઓનો ક્ષય થયા પછી પણ એ સંસ્કાર રૂપે રહી શકે છે. એથી કેવળ ચિત્તવૃત્તિના નિરોધમાં યોગ પૂરો થતો નથી. વૃત્તિઓ તેમજ એના સંસ્કારોનો પણ નિરોધ થાય ત્યારે જ પૂર્ણયોગ સિદ્ધ થાય છે. ચિત્તનિરોધરૂપ સમાધિ સાધ્ય બને તે માટે પતંજલિએ અભ્યાસ અને વૈરાગ્ય ઉપરાંત ઈશ્વરપ્રણિધાન એ ઉપાય બતાવેલ છે. આમ યોગદર્શનમાં ઈશ્વરનો સ્વીકાર છે. સાંખ્યદર્શનથી આ બાબતમાં યોગદર્શન જુદું પડે છે. યોગદર્શન તે છવીસ તત્ત્વવાદી સાંખ્યદર્શન છે. પાતંજલસૂત્રોમાં ઈશ્વરનું સ્થાન સાક્ષી કે ઉપાસ્યના રૂપનું છે. એમાં ચિત્તવૃત્તિના નિરોધની આખીય પ્રક્રિયાને માટે ઈશ્વરના આલંબનની જરૂર છે. તે ધ્યાનનો વિષય છે. તે સિવાય ઈશ્વરની જરૂર નથી, કારણ કે સમાધિની અંતિમ દશામાં તો આત્મચૈતન્ય જ રહે છે અને એ જ મોક્ષની સ્થિતિ છે. પરંતુ યોગસૂત્રોના ભાષ્યકારોએ ઉદ્ધારકરૂપ ઈશ્વરની પણ કલ્પના કરી છે. પુરુષના પ્રકૃતિ સાથેના યોગથી જગત ઉદ્ભવે છે અને વિયોગથી જગતનો નાશ થાય છે. પણ આ સંયોગ કે વિયોગ પ્રકૃતિ અને પુરુષને માટે નૈસર્ગિક નથી. તેથી પ્રકૃતિ અને પુરુષના આ પ્રકારના સંબંધો નિપજાવવા શક્તિમાન કોઈ પરમતત્ત્વ હોવું જોઈએ. સત્ત્વગુણના પ્રકર્ષથી પુરુષવિશેષ ઈશ્વર પુરુષપ્રકૃતિનો વિયોગ કરાવી પ્રાણીઓનો ઉદ્ધાર કરે છે. યોગના જુદા જુદા પ્રકારો વિકસ્યા છે તેમાં મંત્રયોગ, લયયોગ, હઠયોગ અને રાજયોગ એ જાણીતા છે. હઠયોગમાં પ્રાણનિયમન દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે અને તે માટે શરીરના અવયવોનું અને ઇન્દ્રિયોનું પીડન કરનારી કેટલીક ક્રિયાપ્રક્રિયાઓ વિકસાવવામાં આવી છે.
વૈશેષિકદર્શન
એના પ્રણેતા કણાદ મુનિ છે, જોકે તે પૂર્વે પરમાણુવાદ જાણીતો હોવાના સંકેતો મળે છે. કણાદ મુનિએ સૃષ્ટિમાં છ પદાર્થ માન્યા હતા – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય. એમાં ‘અભાવ’ ઉમેરાયા પછી સાત પદાર્થો થયા છે. આમાં પહેલો જે ‘દ્રવ્ય’ નામનો પદાર્થ છે તે બાકીના બધા પદાર્થોનો આધાર બને છે. દ્રવ્ય વિના અન્ય પદાર્થોની સ્થિતિ રહી શકતી નથી. પ્રલયકાળમાં દ્રવ્યના અણુઓને પૃથક્ રાખ્યા કરનાર ‘વિશેષ’ નામનો પદાર્થ છે. અન્ય કોઈ દર્શનમાં આ ‘વિશેષ’ નામનો પદાર્થ સ્વીકારાયો નથી. તેથી આ દર્શનને ‘વૈશેષિક’ એવું નામ મળ્યું છે. વૈશેષિકમાં નવ પ્રકારનાં દ્રવ્ય સ્વીકારવામાં આવ્યાં છે – પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક્, આત્મા અને મન. તેમાંથી પહેલાં પાંચ મહાભૂતો કહેવાય છે. એ પાંચમાંથી પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યોનાં સૂક્ષ્મ પરમાણુઓ હોય છે, જેના સંયોજનથી સૃષ્ટિના પદાર્થો ઉત્પન્ન થાય છે. પરમાણુઓ નિત્ય છે પણ એમાંથી ઉત્પન્ન થતા પદાર્થો અનિત્ય છે – એમનો નાશ થઈ શકે છે. આ રીતે આ ચાર દ્રવ્યો નિત્યાનિત્ય કહેવાય છે, ત્યારે આકાશ નિત્ય છે. કાળ, દિશા, આત્મા અને મન પણ નિત્ય છે. વૈશેષિકદર્શન અનુસાર જગત પરમાણુઓનું કાર્ય છે. બે પરમાણુઓના સંયોગથી એક ‘દ્વયણુક’ બને છે, ત્રણ દ્વયણુકના સંયોગથી એક ‘ત્ર્યણુક’ બને છે, ચાર ત્ર્યણુકના સંયોગથી એક ‘ચતુરણુક’ બને છે – એમ ક્રમેક્રમે સ્થૂળ પૃથ્વી, સ્થૂળ જળ, સ્થૂળ તેજ અને સ્થૂળ વાયુ ઉત્પન્ન થઈ જગતની રચના થાય છે. – પરમાણુ અદૃષ્ટ છે. ત્ર્યણુક એ પરમાણુઓનું નાનામાં નાનું દૃષ્ટ સ્વરૂપ છે. એને ત્રસરેણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ એટલે ત્રસરેણુનો છઠ્ઠો ભાગ. વૈશેષિકદર્શન પરમાણુવાદી છે, તેમ આરંભવાદી છે. એટલે કે એ કાર્યને કારણથી સર્વથા ભિન્ન માને છે અને એ નવું જ ઉત્પન્ન થાય છે એમ માને છે. કારણમાં કાર્ય અવ્યક્ત રૂપમાં હોય છે એમ એ માનતું નથી. એટલે કે એ પરિણામવાદી નથી. પરમાણુઓ સ્વભાવથી શાંત અવસ્થામાં નિસ્પંદ રૂપે રહે છે. પ્રાણીઓના ધર્માધર્મરૂપ અદૃષ્ટને કારણે તેમાં પ્રથમ પરિસ્પંદ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રાણીઓનાં કર્મ ફલોન્મુખ થાય છે અને અદૃષ્ટ કાર્ય કરવા લાગે છે. પરમાણુઓમાં સ્પંદ જાગતાં એનાં સંયોજનો થાય છે અને સૃષ્ટિનું નિર્માણ થાય છે. પ્રલયકાળે અણુઓનું વિભાજન થતાં સૃષ્ટિ નષ્ટ થાય છે. આમ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે તે જીવોના ભોગાર્થે હોય છે. પોતાના પૂર્વજન્મોનાં કર્મ ભોગવવા જીવ ઉત્પન્ન થાય છે અને એના ભોગને અનુકૂળ શરીર, યોનિ, કુળ વગેર તેને મળે છે. જેવો તે ભોગ ભોગવી લે છે કે તેનું મૃત્યુ થાય છે. વૈશેષિકદર્શન માને છે કે પ્રત્યેક શરીરમાં ભિન્ન આત્મા વસે છે. આત્મા નિત્ય છે પણ અનેક છે. મનની સહાયથી આત્મા સુખદુઃખ અનુભવે છે. આત્મા જ્ઞાનનો આશ્રય પણ છે. એ પદાર્થોના વિશેષોને એટલે ગુણધર્મોને જાણે છે અને એ નિષ્કામભાવે કર્મ કરે છે, ત્યારે એનો શરીર સાથેનો સંબંધ તૂટી જાય છે, એનાં સર્વ દુઃખોનો નાશ થાય છે અને જન્મ મરણની પરંપરા ખંડિત થતાં એ મોક્ષને પામે છે. આ રીતે વૈશેષિકદર્શન અનુસાર પદાર્થોનું જ્ઞાન – તત્ત્વજ્ઞાન એ મોક્ષનું સાધન છે અને મોક્ષ દુઃખની અત્યંત નિવૃત્તિરૂપ છે, અને આત્મ-વિશેષરૂપ ગુણવિશેષરૂપ છે. કણાદનાં સૂત્રોમાં ઈશ્વરતત્ત્વની કોઈ સ્પષ્ટ ચર્ચા નથી. પરંતુ પ્રશસ્તપાદના ભાષ્યમાં સૃષ્ટિના કર્તા અને સંહર્તાને રૂપે મહેશ્વરનું વિસ્તૃત વર્ણન આવે છે. એમાં એમ પણ સૂચવાયું છે કે પ્રાણીઓના શુભાશુભ કર્મને અનુસરીને મહેશ્વર સર્જન-સંહાર કરે છે. વૈશેષિકની ઈશ્વરવાદી પરંપરામાં પ્રાણીઓના ધર્માધર્મરૂપ અદૃષ્ટની સાથે ઈશ્વરની ઇચ્છાને સાંકળવામાં આવે છે.
ન્યાયદર્શન
ન્યાયદર્શનનાં સૂત્રો ગૌતમમુનિએ બનાવેલાં મળે છે. ન્યાયદર્શનનું તત્ત્વજ્ઞાન વૈશેષિકદર્શનને અનુસરે છે. એ સાત પદાર્થોને સ્વીકારે છે અને પરમાણુવાદને પણ માન્ય કરે છે. આકાશ સિવાયના ચારે ભૂતોનાં પરમાણુઓથી ભૂ-ભૌતિક રચનાઓ થાય છે એમ પણ એ કહે છે. ન્યાયદર્શન માને છે કે મિથ્યા જ્ઞાનને કારણે નીપજતા રાગ, દ્વેષ અને મોહના દોષો આત્માને સારાં કે ખરાબ કાર્યો કરવા પ્રેરે છે અને તેને પાપ અને દુઃખ, જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાવે છે. આનો ઉપાય યથાર્થ જ્ઞાન મેળવવું એ છે. યથાર્થ જ્ઞાન તર્કથી, બુદ્ધિ દ્વારા ખરા વિચાર કરવાથી આવે છે. આથી ન્યાયદર્શન સત્યજ્ઞાનની પ્રક્રિયાઓનું વીગતે વર્ણન કરે છે. એ જ્ઞાનના સોળ પ્રકાર બતાવે છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન; ચાર પ્રકારના પ્રમાણ એટલે કે જ્ઞાનસાધન બતાવે છે – પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન. સત્ય જ્ઞાનની આ પ્રક્રિયાઓ આ દર્શને વિકસાવી હોવાથી આ દર્શન ન્યાયદર્શન તરીકે ઓળખાય છે. જ્ઞાનની આ પ્રક્રિયાઓ પછીથી સર્વ વિચારપ્રણાલીઓનો ભાગ બની ગઈ છે એમાં ન્યાયદર્શનનું મહત્ત્વ રહેલું છે. ન્યાયસૂત્રમાં ઈશ્વર સંબંધી સંદિગ્ધ માહિતી છે, પરંતુ ઉદયનાચાર્યમાં એની સ્પષ્ટ વ્યાખ્યા મળે છે અને ન્યાયદર્શનમાં ઈશ્વરનો સ્વીકાર સ્થિર થાય છે. એમાં ઈશ્વર જગતનો કર્તા છે, પણ એ શૂન્યમાંથી સર્જન કરનાર નથી. દ્રવ્યો નિત્ય છે તેથી એ હંમેશાં વિદ્યમાન હોય છે. ઈશ્વર એમાંથી જગતનું સર્જન કરે છે. આ રીતે દ્રવ્યના પરમાણુઓ એ જગતનું સમવાયીકારણ કે ઉપાદાનકારણ છે, ત્યારે ઈશ્વર એ નિમિત્તકારણ છે. ઈશ્વર વિશ્વરચના કરે છે તે જીવાત્માઓનાં કર્મોના પરિપાકને અનુલક્ષીને. તેથી એ કર્મફળ આપનાર, નૈતિક શાસન કરનાર છે. એ અનુગ્રહ કરનાર પણ છે. એના અનુગ્રહ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. યથાર્થ જ્ઞાનથી દુઃખનો અંત આવે છે. દુઃખનો અંત તે જ મોક્ષ. સુખ જેવી કોઈ ચીજ નથી એમ ન્યાયદર્શન માને છે. ન્યાયદર્શન અનુસાર જીવાત્મા અને પરમાત્મા પોતપોતાનાં ક્ષેત્રોમાં નિરપેક્ષ અને એકબીજાથી સ્વતંત્ર છે. આ રીતે આ દ્વૈતવાદી દર્શન છે.
મીમાંસાદર્શન
વેદના પૂર્વકાંડની યજ્ઞકર્મની ભાવનાની વિચારણા કરતું હોવાથી આ દર્શન પૂર્વમીમાંસા કે ધર્મમીમાંસા (કર્મ એ જ ધર્મ)ને નામે ઓળખાય છે. એના પ્રવર્તક જૈમિનિઋષિ છે. વેદના બ્રાહ્મણભાગમાં યજ્ઞને લગતાં જે વાક્યો છે એનું સ્પષ્ટીકરણ કરતું અને યજ્ઞયાગાદિકની વિધિઓ વર્ણવતું આ દર્શન વેદવિહિત કર્મો કરવાનો ઉપદેશ આપે છે. એને માટે વેદો સ્વતઃસિદ્ધ છે અને એમનું પ્રામાણ્ય નિર્વિવાદ છે. વૈદિક આજ્ઞાનુસાર કરેલાં કર્મોથી ઇષ્ટફલની પ્રાપ્તિ થાય છે. વેદવિહિત કર્મો નિષ્કામભાવે કરવાથી મોક્ષ મળે છે. મીમાંસાદર્શન સંપૂર્ણ કર્મવાદી દર્શન છે. એની દૃષ્ટિએ કર્મનો નિયમ જગત પર શાસન કરતો સ્વયંસંચાલિત, નૈસર્ગિક અને નૈતિક નિયમ છે. આજનાં કર્મ કાલાન્તરે પણ ફળ આપે છે. કર્મ થાય તેનું અદૃષ્ટ બને છે અને અદૃષ્ટ સમય આવ્યે ફળ આપે છે. આમ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. વેદ-વિહિત એટલે કે નિત્યનૈમિત્તિક કર્મ જીવને બંધનરૂપ થતાં નથી તેથી દોષરહિત છે અને સુખ આપે છે. વૈદનિષિદ્ધ અને કામ્ય કર્મ બંધનરૂપ થતાં હોવાથી દોષયુક્ત છે અને તે દુઃખ આપે છે. સુખ ભોગવવાના સ્થળનું નામ સ્વર્ગ અને દુઃખવિશેષ ભોગવવાનું સ્થળ તે નર્ક. કર્મનું ફળ અનંત હોઈ શકે જ નહીં – લાંબા સમય પછી પણ ફળ પૂરું થાય જ. ફળભોગ પૂર્ણ થયા પછી જીવાત્મા પાછો અન્ય ભોજ્યકર્મો પ્રમાણે જન્મ લે છે. આમ મીમાંસકોને મતે કોઈપણ જીવાત્માનો કાયમને માટે મોક્ષ થતો નથી. સ્વર્ગાદિમાં અમુક સમય પૂરતા જ જવાય છે. મીમાંસાના આરંભકાળમાં મુક્તિ એટલે નિરતિશય સુખની સ્થિતિ અથવા સ્વર્ગ એવો ઉપર બતાવેલો અર્થ છે, પરંતુ ઉત્તરકાળમાં મુક્તિ એટલે કર્મનો નાશ થતાં ફરી ન જન્મવું અને બધાં દુઃખોનો અંત આવવો એવો અભાવાત્મક અર્થ થાય છે. એટલે કે મોક્ષદશામાં આત્મા આનંદનો અનુભવ કરતો નથી, આત્મા સુખદુઃખથી નિરપેક્ષ રીતે પોતાના વિશુદ્ધ રૂપમાં રહે છે. મીમાંસા પ્રત્યક્ષ જ્ઞાનને આધારે ભૌતિક જગતની સત્યતામાં માને છે. જગત હંમેશ જેમ છે એમ રહે છે. એને આદિ નથી કે અંત નથી. એટલે કે સર્જન-વિસર્જનનું ચક્ર ચાલતું નથી. જગતમાં ત્રણ પ્રકારની વસ્તુનું જ્ઞાન આપણને થાય છે – (૧) શરીર, જ્યાં રહીને આત્મા સુખદુઃખના અનુભવ કરે છે, (૨) આત્મા, (૩) પદાર્થ, જેનો આત્મા ભોક્તા છે. સંસાર અનાદિ-અનંત છે, પણ વ્યક્તિ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આત્મા નિત્ય છે, તે વ્યાપક હોઈને પ્રત્યેક શરીરથી ભિન્ન છે. મીમાંસકો ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી. ફલેચ્છુ જીવોમાં કર્તૃત્વ છે અને વૈદિક આજ્ઞા અનુસાર કરવામાં આવેલું કર્મ એટલું તો શક્તિસંપન્ન હોય છે કે એ પોતે જ પુરુષના ઇષ્ટ ફળનું જનક બને છે. તેથી આ પરંપરામાં ઈશ્વરના અનુગ્રહનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ પરંપરામાં મંત્ર, દેવતા, વિધિવત્ કર્મ અને સામગ્રીજન્ય શક્તિ – એ ઈશ્વરના કર્તૃત્વનું સ્થાન લે છે. જોકે ઉત્તરકાલીન મીમાંસકો યજ્ઞપતિના સ્વરૂપે ઈશ્વરનો સ્વીકાર કરે છે અને દેવતાઓનું યજન મીમાંસાને બહુદેવવાદ તરફ લઈ જાય છે.
વેદાન્તદર્શન
આપણે આગળ જોયું કે વ્યાપક રીતે ‘વેદ’માં સંહિતા ઉપરાંત બ્રાહ્મણો અને આરણ્યકો-ઉપનિષદોનો સમાવેશ થાય છે. આ રીતે ઉપનિષદો તે વૈદિક વિચારધારાનું અંતિમ નિર્વહણ, વેદનો છેડો, એટલે કે ‘વેદાન્ત.’ વેદનો છેડો – કાલક્રમની દૃષ્ટિએ અને વેદનો સાર પણ. એમાં પ્રતિપાદિત કરવામાં આવેલું તત્ત્વજ્ઞાન તે વેદાન્તદર્શન. ઉપનિષદોમાં વેદના ઉત્તરકાંડની જ્ઞાનની – બ્રહ્મતત્ત્વની ભાવના અભિવ્યક્ત થઈ છે. આથી આ દર્શન ‘ઉત્તરમીમાંસા’ ‘જ્ઞાનમીમાંસા’ ‘બ્રહ્મમીમાંસા’ ‘શારીરકદર્શન’ (શારીરક=શરીરમાં જે રહેલ છે તે, આત્મા) એવાં નામોથી પણ ઓળખાય છે. બાદરાયણપ્રણીત ‘બ્રહ્મસૂત્ર’ (અથવા વ્યાસસૂત્ર, વેદાન્તસૂત્ર, ઉત્તરમીમાંસાસૂત્ર, શારીરકસૂત્ર) એ વેદાન્તદર્શનનો મૂલ ગ્રંથ છે. એમાં ઉપનિષદોમાં આવેલાં પરસ્પરવિરોધી ભાસતાં વાક્યોની એકવાક્યતા સિદ્ધ કરી બ્રહ્મજ્ઞાનની શાસ્ત્રીય મીમાંસા કરવામાં આવી છે. ‘બ્રહ્મસૂત્ર’ પર વિવિધ ભાષ્ય રચાયાં છે તેમાંથી વેદાન્તદર્શનની ભિન્નભિન્ન શાખાઓ અસ્તિત્વમાં આવી છે, જેમકે શંકરાચાર્યનું અદ્વૈત કે કેવલાદ્વૈત વેદાન્ત, વલ્લભાચાર્યનું શુદ્ધાદ્વૈત વેદાંત, રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત વગેરે. આમાંથી શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતનો પ્રભાવ ભારતીય તત્ત્વવિચારપરંપરા પર એટલો પ્રગાઢ પડ્યો છે કે ‘કેવલાદ્વૈત’ને જ ઘણી વાર ‘વેદાન્ત’ના પર્યાયરૂપ ગણવામાં આવે છે. એટલે કે વેદાન્તદર્શન તે કેવલાદ્વૈત વેદાંતદર્શન, શાંકરવેદાંત, શાંકરદર્શન. સમગ્ર વિશ્વને વ્યાપતા ને છતાં તેની ઉપર રહેતા એક પરમ પુરુષની કલ્પના ઋગ્વેદના એક સૂક્તમાં જોવા મળે છે. વિશ્વના સર્વ પદાર્થો – સજીવ કે નિર્જીવ, માનવો કે દેવો – તેમાં એ પુરુષનાં અંગો તરીકે કાવ્યાત્મક રીતે વર્ણવાયા છે. ઉપનિષદોમાં અસ્તિત્વનું આ એકત્વ, એક નિર્વૈયક્તિક સત્ની વિભાવના રૂપે કે એક આત્મા – એક બ્રહ્મની વિભાવના રૂપે વિકસે છે અને વિશ્વમાં પ્રતીત થતા અનેક વિશેષ પદાર્થોની સત્તા (સત્પણું) નકારવામાં આવે છે. ‘સર્વં ખલુ ઇદં બ્રહ્મ’ (બધું બ્રહ્મરૂપ છે), ‘અર્ય આત્મા બ્રહ્મ’ (આ આત્મા બ્રહ્મ છે) ‘સત્ય જ્ઞાનં અનન્તં બ્રહ્મ’ (બ્રહ્મ સત્યરૂપ છે, જ્ઞાનમય છે, અનન્ત છે), ‘નેહ નાનાસ્તિ કિંચન’ (અહીં કશી બહુવિધતા નથી) – એ જાતના ઉદ્ગારો એમાં પ્રાપ્ત થાય છે, આ આત્મા કે બ્રહ્મ એ જ સત્ય છે, એ અપરિમિતજ્ઞાનરૂપ અને આનંદરૂપ છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. શંકરાચાર્ય ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોનું એ રીતે અર્થઘટન કરે છે કે એમાં કેવલાદ્વૈતનો બોધ રહેલો છે. શંકરાચાર્યના મહાસિદ્ધાંતનો સાર આ અર્ધા શ્લોકમાં સમાઈ જાય છે – “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ” (બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ જ છે, અન્ય નથી.) બ્રહ્મ સત્ય છે, એક અદ્વિતીય છે (એકમેવ અદ્વિતીયમ્) એટલું જ નહીં પણ ‘કેવલ’ છે, એમાં કશી બહુવિધતા નથી. એ સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ત્રણે પ્રકારના ભેદ વગરનું છે. એટલે કે એના જેવું કંઈ નથી, એનાથી જુદી જાતનું બીજું કંઈ નથી અને એના પોતાનામાં કોઈ ભેદ (ઝાડને ડાળીઓ હોય તેવા) નથી. એનામાં ગુણ, ક્રિયા, ધર્મ, વિશેષ એવું કાંઈ જ નથી : જે છે તે એ જ છે, એટલું જ છે. નિર્વિકલ્પ, નિરૂપાધિક, નિર્વિકાર એવી આત્મસત્તા, ચૈતન્ય તે બ્રહ્મ. એ સત્, ચિત્ (જ્ઞાન) અને આનંદસ્વરૂપ છે. બ્રહ્મ સિવાય જે કંઈ છે એમ ભાસે છે – જગત ને જીવ – તે વસ્તુતઃ મિથ્યા છે, આભાસ છે અને એનું કારણ માયા (કે અવિદ્યા – અજ્ઞાન) છે. આ માયાના સ્વીકારને કારણે શાંકરવેદાંત માયાવાદ તરીકે ઓળખાય છે. માયા સત્યરૂપ બ્રહ્મને ઢાંકીને ઘણા પદાર્થો રૂપે – જગત રૂપે દર્શાવે છે. આમ માયાની શક્તિનાં બે પાસાં છે – બ્રહ્મના શુદ્ધ સ્વરૂપને ઢાંકી દેનારી આવરણશક્તિ અને બ્રહ્મને સ્થાને ભૌતિક જગતનો ભાસ કરાવનારી વિક્ષેપશક્તિ. મૂળ સ્વરૂપ પર પડદો નાખવો તે આવરણ, ઢંકાયેલા સ્વરૂપ પર બીજી વસ્તુનો આરોપ કરવો તે વિક્ષેપ. માયા એ બ્રહ્મની શક્તિ – ઇચ્છાશક્તિ છે. અગ્નિથી એની દહનશક્તિ જુદી નથી તેમ બ્રહ્મથી એની માયાશક્તિ જુદી નથી. આથી માયાના સ્વીકારને કારણે કેવલાદ્વૈત સિદ્ધાંતને બાધ આવતો ગણાતો નથી. જાદુગર જે ભ્રાન્તિ ઉપજાવે છે તેમાં એ સપડાતો નથી, માત્ર પ્રેક્ષકો એમના અજ્ઞાનને કારણે છેતરાય છે તેમ માયા બ્રહ્મને કશું કરતી નથી, અજ્ઞાની જીવો જ એનાથી છેતરાય છે. આથી જ માયાને અવિદ્યા કે અજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રહ્મને પક્ષે જે માયા તે જીવને પક્ષે અવિદ્યા કે અજ્ઞાન – એવો ભેદ પણ કેટલીક વાર કરવામાં આવે છે. ઉપનિષદાદિમાં માયા કેટલીક વાર ત્રિગુણાત્મક પ્રકૃતિ તરીકે ઉલ્લેખાયેલી હોવાનું શંકર સ્વીકારે છે, પરંતુ એમની દૃષ્ટિએ એ સાંખ્યના જેવી સ્વતંત્ર સત્તા ધરાવતી પ્રકૃતિ નથી, એ બ્રહ્મની જ શક્તિ છે ને સંપૂર્ણપણે બ્રહ્મ પર અવલંબિત છે. માયાના સ્વરૂપને કારણે એને અનિર્વચનીય કહેવામાં આવે છે. એ સત્ પણ નથી, અસત્ પણ નથી. વેદાન્તમાં બ્રહ્મને જગતનું ઉપાદાનકારણ તેમજ નિમિત્તકારણ બન્ને માનવામાં આવેલ છે – પોતાનામાંથી જ જાળ રચતો કરોળિયો જાળનું ઉપાદાનકારણ તેમજ નિમિત્તકારણ બન્ને છે તેમ. જગત બ્રહ્મ વડે એની માયાશક્તિ વડે થયું છે તેથી બ્રહ્મ નિમિત્તકારણ. અને બ્રહ્મ જ જગતરૂપે ભાસે છે, જગત બ્રહ્મનો વિવર્ત છે તેથી બ્રહ્મ ઉપાદાનકારણ. તાત્ત્વિક – ખરેખરું પરિવર્તન તે વિકાર કે પરિણામ. જેમકે દૂધમાંથી દહીં થવું તે. અતાત્ત્વિક કે આભાસી પરિવર્તન તે વિવર્ત. દોરડું સર્પ રૂપે ભાસે તે વિવર્ત. પ્રકૃતિમાંથી જગતની વાસ્તવિક ઉત્પત્તિ માનતા સાંખ્યવાદી પરિણામવાદીઓ કહેવાય ત્યારે કેવલાદ્વૈત વેદાંત વિવર્તવાદી છે. એક તરફથી જોતાં જે માયાનું કાર્ય છે, તે બીજી તરફથી જોતાં જીવના અજ્ઞાન (અવિદ્યા)નું કાર્ય છે. અજ્ઞાની રજ્જુમાં સર્પની ભ્રાંતિ કરે છે તેમ અજ્ઞાની જ બ્રહ્મ એ અધિષ્ઠાન પર જગતની ભ્રાંતિ કરે છે. આ જીવનું માનસિક આરોપણ છે, જેને શંકરાચાર્ય અધ્યારોપ કે અધ્યાસ તરીકે ઓળખાવે છે. મિથ્યાત્વના સિદ્ધાંતને લઈને શાંકરવેદાંતમાં આ જગતને ઘણી વાર ‘સ્વપ્ન’ સાથે સરખાવવામાં આવે છે. પણ આ સરખામણી જ છે. જેમ સ્વપ્ન દેખાય છે, પણ જાગ્રત સાથે સરખાવતાં એ વસ્તુતઃ નથી એમ સિદ્ધ થાય છે, તેમ બ્રહ્મસાક્ષાત્કાર થતાં જગતની પ્રતીતિ લય પામી જાય છે. વસ્તુતઃ શંકર જાણે છે કે આ જગતનો આધાર જાગ્રદવસ્થાનો અનુભવ છે અને એ સ્વપ્નાનુભવથી અલગ પ્રકારનો છે. સ્વપ્નાવસ્થા જેને કારણે નીપજે છે તે વૈયક્તિક અને ક્ષણિક અજ્ઞાન છે, જાગ્રતનું જગત માયા – સર્વસામાન્ય અને તુલનાએ સ્થાયી અજ્ઞાન–ની સરજત છે. જાગ્રતનું જગત કેવળ મનઃકલ્પ નથી. એ વધારે સત્યતા ધરાવે છે. આથી એ ત્રણ પ્રકારની સત્તાનો ભેદ કરે છે : ૧. પ્રાતિભાસિક સત્તા : જે પદાર્થો ભ્રાન્ત મનોદશામાં કે સ્વપ્નમાં ક્ષણિક અસ્તિત્વ ધરાવે છે અને સ્વસ્થ જાગ્રદવસ્થામાં લય પામી જાય છે તેમની સત્તા પ્રાતિભાસિક કહેવાય. રજ્જુમાં દેખાતા સર્પની સત્તા પ્રાતિભાસિક છે. સ્વપ્નના પદાર્થોની સત્તા છે. ૨. વ્યાવહારિક સત્તા : જે પદાર્થો સામાન્ય જાગ્રદવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, વ્યવહારકાળે જે સત્યરૂપ છે, પણ જેમને સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારી શકાય તેમ નથી (કેમકે એમાં અસંગતિની સ્થિતિ આવે છે) તેની સત્તા વ્યાવહારિક કહેવાય. આપણા વ્યવહારજીવનના આધારરૂપ બનતા સર્વ નામરૂપાત્મક ને પરિવર્તનશીલ પદાર્થોની સત્તા વ્યાવહારિક છે. ૩. પારમાર્થિક સત્તા : સર્વ સત્તામાં અનુસ્યુત શુદ્ધ સત્તા, જેનો નિષેધ થઈ શકતો નથી, તે પારમાર્થિક સત્તા. બ્રહ્મ પારમાર્થિક સત્તા ધરાવે છે. સઘળા નામ-રૂપાત્મક પદાર્થોની પાછળ આ સત્તા રહેલી છે, એ વિશેષ પદાર્થોને રૂપે જ જગત મિથ્યા છે. શંકર કેવલ બ્રહ્મમાં માને છે એટલે જીવ પણ એની દૃષ્ટિએ બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. જીવ અને બ્રહ્મનો ભેદ ભ્રાન્તિમૂલક છે અને તે માયાથી-અજ્ઞાનથી ઊભો થયેલો છે. અજ્ઞાનને કારણે આત્મા પોતાને દેહ અને અંતઃ-કરણને તદ્રૂપ માને છે અને જીવત્વને પામે છે. બ્રહ્મ અને જીવનો સંબંધ બિંબ-પ્રતિબિંબના પ્રકારનો લેખી શકાય. જેમ ચંદ્રનું પ્રતિબિંબ અનેક જળાશયોમાં પડે છે તેમ બ્રહ્મનું પ્રતિબિંબ અવિદ્યામાં કે અવિદ્યાજન્ય અંતઃકરણમાં પડે છે અને જીવ રૂપે ભાસે છે. સ્વચ્છ કે ગંદા પાણીમાં, સ્થિર કે ચંચલ પાણીમાં પડતાં ચંદ્રનાં પ્રતિબિંબ તેવાં ભાસે છે, તેમ જીવ અવિદ્યાના ફલરૂપ દેહ અને અંતઃકરણની તદ્રૂપતા ધારણ કરે છે. બ્રહ્મ-જીવના સંબંધની આ સમજૂતીને પ્રતિબિંબવાદ કહેવામાં આવે છે. જીવ અને બ્રહ્મના સંબંધને ઘણી વાર અવચ્છેદક(વિભાગ)ના ખ્યાલની મદદથી સમજાવવામાં આવે છે. આકાશ એક, અખંડ અને સર્વવ્યાપ્ત છે, તેને ઘટાકાશ(ઘડામાંનું આકાશ), વગેરે રૂપે આપણે વિભક્ત કરીએ છીએ તે રીતે બ્રહ્મ એક, અખંડ અને સર્વવ્યાપક છે તેને અજ્ઞાનને કારણે આપણે અલગ જીવો રૂપો કલ્પીએ છીએ. આ સમજૂતીને અવચ્છેદકવાદ કહેવામાં આવે છે. પ્રતિબિંબવાદ અને અવચ્છેદકવાદ બંનેમાં મૂળ તત્ત્વ અવિકૃત રહે છે અને ભાસમાન વિભિન્નતા મિથ્યા છે એવું તાત્પર્ય પ્રગટ થાય છે. શાંકરવેદાંતમાં પારમાર્થિક દૃષ્ટિએ કેવલ બ્રહ્મની સ્થિતિ હોઈ ઈશ્વરને માટે અવકાશ નથી પણ જે વ્યવહારદૃષ્ટિથી આપણે આ જગતને સત્ય માનીએ છીએ તે દૃષ્ટિએ જગતના કર્તા, ધર્તા અને હર્તા, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ, કારણરૂપ ઈશ્વરને સ્વીકારવામાં આવે છે. પણ આ ઈશ્વર તે માયાનું પરિણામ છે. બ્રહ્મ જ્યારે માયાશક્તિથી યુક્ત બને છે ત્યારે એ ઈશ્વર કહેવાય છે. આમ ઈશ્વર એટલે માયાવિશિષ્ટ, માયાની ઉપાધિવાળું, માયાવચ્છિન્ન બ્રહ્મ (જેમ જીવ એટલે અવિદ્યાની ઉપાધિવાળું બ્રહ્મ), સગુણ બ્રહ્મ. એને કારણબ્રહ્મ પણ કહેવામાં આવે છે. જગતકર્તૃત્વ એ બ્રહ્મના સ્વરૂપને સ્પર્શતું લક્ષણ નથી, તટસ્થ – આકસ્મિક લક્ષણ છે. બ્રહ્મ સ્વરૂપથી તો સત્, ચિદ્રૂપ અને અનંત છે. જગતને મિથ્યા માનતા જ્ઞાનીઓની દૃષ્ટિએ, પારમાર્થિક દૃષ્ટિએ, એના કારણરૂપ આ સગુણ બ્રહ્મ, ઈશ્વર પણ મિથ્યા છે, કેવળ નિર્ગુણ બ્રહ્મ જ સત્ય છે. સૂક્ષ્મ-સ્થૂલના ક્રમે પંચ ભૂતોના વિવિધ પ્રકારનાં સંયોજનોથી જગતની ઉત્પત્તિને સમજાવતા પંચીકરણના સિદ્ધાંતને શંકરાચાર્ય સ્વીકારે છે, પણ એને પોતાના વિવર્ત કે અધ્યાસના સિદ્ધાંતની દૃષ્ટિએ જ વિચારે છે. પણ પછીથી ઈશ્વર અને માયા દ્વારા જગતની ઉત્પત્તિના વિવિધ તબક્કાઓ વર્ણવવામાં આવ્યા છે. એમાં બીજમાંથી છોડના વિકાસની પ્રક્રિયાનું સાદૃશ્ય રહેલું છે. એ વિકાસમાં પહેલી સ્થિતિ તે અવિશિષ્ટ, અવ્યાકૃત કશા ભેદ વગરની, બીજની સ્થિતિ. કારણસ્થિતિ, બીજી સ્થિતિ તે અંકુર ફૂટવાની સ્થિતિ, જેમાં સૂક્ષ્મ ભેદો હોય છે. ત્રીજી સ્થિતિ તે છોડની સ્થિતિ, જેમાં પૂરેપૂરા વ્યક્ત ભેદો હોય છે. શુદ્ધ પરબ્રહ્મની સ્થિતિ તો અવિકારી છે, એમાં ઉત્ક્રાન્તિ કલ્પી ન શકાય. સઘળી ઉત્ક્રાન્તિ માયાના ક્ષેત્રમાં આવે છે. માયા – બ્રહ્મની શક્તિ – પહેલાં અવ્યક્ત હોય છે, પછી સૂક્ષ્મ અને સ્થૂલ તત્ત્વો રૂપે વ્યાકૃત થાય છે. બ્રહ્મને જ્યારે અવ્યાકૃત માયાશક્તિયુક્ત માનવામાં આવે ત્યારે એને ‘ઈશ્વર’નું નામ અપાય છે અને એ સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન છે. આ રીતે, આ ખરેખરા સર્જન પૂર્વેની, પણ સર્જનની ક્ષમતાવાળી ઈશ્વરની વિભાવના છે. બ્રહ્મ વિવિધ ભેદોવાળી માયાથી યુક્ત બને ત્યારે તે હિરણ્યગર્ભ (કે સૂત્રાત્મા કે પ્રાણ કે કારણબ્રહ્મ) કહેવાય છે. એટલેકે એ સૂક્ષ્મ સમષ્ટિરૂપ છે. સ્થૂલ વ્યક્ત તત્ત્વોના ભેદોવાળી માયાથી યુક્ત બ્રહ્મ તે વૈશ્વાનર (કે વિરાટ) કહેવાય છે. એટલે કે એ સ્થૂલ સમષ્ટિરૂપ છે, જેમાં સમગ્ર વ્યક્ત જગતનો ને જીવોનો સમાવેશ થાય છે. ઉત્ક્રાંતિના આ તબક્કાઓને કેટલીક વાર નિદ્રા, સ્વપ્ન અને જાગ્રત એ અવસ્થાઓની સાથે સરખાવવામાં આવે છે. ઈશ્વર તે બ્રહ્મની નિદ્રાની સ્થિતિ છે, હિરણ્યગર્ભ તે સ્વપ્નની સ્થિતિ છે, વૈશ્વાનર એ જાગ્રતની સ્થિતિ છે. એ ખ્યાલમાં રાખવું જોઈએ કે આવા તબક્કાઓ વિચારવામાં આવે ત્યારે ઈશ્વરનો અર્થ મર્યાદિત થાય છે. એ સિવાય ઈશ્વર એટલે બધા તબક્કાનું માયાયુક્ત બ્રહ્મ. માયોપાધિક બ્રહ્મ તેમ અવિદ્યોપાધિક જીવ કે પ્રત્યગાત્મા. એ જીવચૈતન્યના પણ આવા ભિન્નભિન્ન તબક્કાઓ પાડવામાં આવે છે. જગતની ઉત્ક્રાન્તિના વિવિધ તબક્કાઓ (શરીર), એમાં વ્યક્ત થતું વ્યષ્ટિચૈતન્ય અને સમષ્ટિચૈતન્ય, તે તબક્કાઓમાં ચૈતન્યનાં આવરણો (કોશો) અને અવસ્થાઓની તાલિકા નીચે મુજબ આપવામાં આવે છે :
| શરીર | અભિમાની | કોશ | અવસ્થા | |
| વ્યષ્ટિ | સમષ્ટિ | |||
| કારણ | પ્રાજ્ઞ | ઈશ્વર | આનંદમય | સુષુપ્તિ |
| સૂક્ષ્મ | તૈજસ્ | હિરણ્યગર્ભ સૂત્રાત્મા કારણબ્રહ્મ |
પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય |
સ્વપ્ન |
| સ્થૂલ | વિશ્વ | વૈશ્વાનર વિરાટ |
અન્નમય | જાગ્રત |
અન્નમય કોશમાં સ્થૂલ દેહનો, પ્રાણમય કોશમાં પાંચ કર્મેન્દ્રિયો સાથે પાંચ પ્રાણનો, મનોમય કોશમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે મનનો, વિજ્ઞાનમય કોશમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે બુદ્ધિનો અને આનંદમય કોશમાં કશી સભાનતા વગરની અજ્ઞાનજન્ય સુખવૃત્તિનો સમાવેશ થાય છે. જાગ્રદવસ્થામાં દેહવ્યાપારો હોય છે, સ્વપ્નાવસ્થામાં દેહવ્યાપારો ન હોતાં પ્રાણમય, માનસિક અને બૌદ્ધિક વ્યાપારો હોય છે અને સુષુપ્તિઅવસ્થામાં એ બધા વ્યાપારો ન હોતાં અભાન સુખની સ્થિતિ હોય છે, એ રીતે ઉપર્યુક્ત વર્ગીકરણને સમજવાનું છે. સુષુપ્તિ અવસ્થાનો આ આનંદ પરબ્રહ્મ-અવસ્થાના આનંદથી જુદી જ ચીજ છે. પરબ્રહ્મ-અવસ્થાનો આનંદ જ્ઞાનમય હોય છે. શરીર અને ઇન્દ્રિયસમૂહનો અધ્યક્ષ અને કર્મફળનો ભોક્તા આત્મા તે જીવ. આત્મા ઇન્દ્રિયોના ધર્મોનો પોતાના પર આરોપ કરે છે તે એનો અવિદ્યામૂલક અધ્યાસ છે. એ અધ્યાસને કારણે તે સ્વભાવથી મુક્ત હોવા છતાં સંસારના બંધનમાં બંધાય છે. જીવ અવિદ્યામાંથી બહાર નીકળી જ્ઞાનની ભૂમિકા પર આરૂઢ થાય ત્યારે એ પોતાના અધ્યાસમાંથી મુક્ત થઈ શુદ્ધ આત્મસ્વરૂપ બને છે. આ જ મોક્ષ. મોક્ષ એટલે ‘હું બ્રહ્મ છું’ (અહં બ્રહ્માસ્મિ)નો સાક્ષાત્કાર. જેને મોક્ષ મળ્યો છે તે પુરુષ સંસારબંધનમાં પડતો નથી. શોકમોહ એને થતા નથી. પ્રારબ્ધ કર્મોના ક્ષય પર્યંત એ દેહ ધારણ કરે છે પણ એની દેહાસક્તિ ગળી ગયેલી હોય છે. આવો પુરુષ જીવન્મુક્ત કહેવાય છે. જીવંતપણે “હું કર્તા ભોક્તા નથી” એવી પ્રતીતિ તે જીવન્મુક્તિ. મુક્તિની ઉત્પત્તિ થતી નથી કે પ્રાપ્તિ થતી નથી. એ એવો કોઈ પદાર્થ કે ગુણ નથી જે કર્મ કે ઉપાસનાથી સંપાદિત થાય કે કરાય. મુક્તિ નિત્યસિદ્ધ છે. માત્ર અજ્ઞાનથી બંધ ભાસે છે, માટે જ્ઞાન વડે બંધની ભ્રાંતિ ટાળવાની છે. જ્ઞાનની દૃષ્ટિએ તે જ મુક્તિ છે. આ રીતે શકંરાચાર્યને કેવળ જ્ઞાનનો માર્ગ માન્ય છે. પણ વ્યવહારની ભૂમિકાએ એ કર્મ અને ભક્તિનો સ્વીકાર કરે છે. નિષ્કામપણે નિત્યકર્મો કરવાથી અને ઈશ્વરભક્તિથી ચિત્તશુદ્ધિ થાય છે અને આત્મસાક્ષાત્કારનો માર્ગ મોકળો બને છે. જ્ઞાનપ્રાપ્તિ માટે શંકરાચાર્યે સાધકોને સાધનચતુષ્ટ્ય બતાવેલ છે : (૧) નિત્યાનિત્યવસ્તુવિવેક : બ્રહ્મ કે આત્મા જ નિત્ય(સત્ય) છે અને જગત કે અનાત્મા અનિત્ય(મિથ્યા) છે એ ભેદ સમજવો. (૨) વૈરાગ્ય : આ લોક તેમજ પરલોકનાં ફળ ભોગવવા પ્રત્યે વૈરાગ્ય. (૩) શમદમાદિ સાધનસંપત્ : શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા – એ છ સાધનો સારી રીતે પ્રાપ્ત કરવાં. (૪) મુમુક્ષુત્વ : મોક્ષની ઇચ્છા. આત્મસાક્ષાત્કાર માટે શંકરાચાર્ય સંન્યાસને આવશ્યક ગણે છે. જ્યાં સુધી મારા-તારાનો ભેદ રહે ત્યાં સુધી હું-તુંથી પર સર્વ ભેદ-પરિચ્છેદરહિત પરમાત્મ-તત્ત્વનો સાક્ષાત્કાર થાય નહીં : એ મારા-તારાના ભેદની પાર થવું એનું બાહ્ય ચિહ્ન સંન્યાસ છે. શાંકરવેદાંત સિવાયના બીજા વેદાંતમતોમાં રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં એમ મનાય છે કે બ્રહ્મ – પરમાત્મા સકલ કલ્યાણગુણભરપૂર છે, એ પોતાના અચિદ્ અંશમાંથી જગત સર્જે છે, જગત સત્ય છે, જીવાત્મા એ પરમાત્માના અણુ છે, મુક્ત આત્મા પરમાત્માની સમાન શુદ્ધ ચૈતન્યમય બને છે પણ પરમાત્મા સાથે એકત્વ પામતો નથી. ચિત્ અને અચિત્ બ્રહ્મથી ભિન્ન છે તેમજ અભિન્ન પણ છે એમ માનતો નિંબાર્કાચાર્યનો સિદ્ધાંત દ્વૈતાદ્વૈત સિદ્ધાંત તરીકે ઓળખાય છે. મધ્વાચાર્યનો દ્વૈત સિદ્ધાંત (૧) ઈશ્વર અને જીવ વચ્ચે (૨) ઈશ્વર અને જડ વચ્ચે (૩) જીવ અને જડ વચ્ચે (૪) જીવ-જીવ વચ્ચે અને (૫) જડ-જડ વચ્ચે સનાતન અને પારમાર્થિક ભેદ હોવાનું માને છે. તેથી એ દ્વૈત સિદ્ધાંત છે. વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં એવું પ્રતિપાદન છે કે બ્રહ્મ સદા શુદ્ધ જ છે ને શુદ્ધ રહીને જગત રૂપે પરિણમે છે તથા એમાંથી જીવ નીસરે છે, બ્રહ્મમાં માયારૂપી મિથ્યાત્વના તત્ત્વને લેશ પણ અવકાશ નથી, એ એની અદ્ભુત શક્તિ છે, લીલા છે, જે કંઈ ભાસે છે તે પરમાત્મા જ ભાસે છે અને વસ્તુતઃ ભાસે છે. આ બધા મતો વત્તેઓછે અંશે ભક્તિમાર્ગી છે.
ગૌડપાદાચાર્યનો અજાતવાદ
શંકરાચાર્યના પ્રગુરુ ગણાતા ગૌડપાદાચાર્યનો અજાતવાદ કેવલાદ્વૈત વેદાંતનું જ એક વિશિષ્ટ રૂપ છે, પણ અખાજી પર એ મતનો કેટલેક ઠેકાણે પ્રભાવ પડ્યો છે તેથી એનો થોડો વીગતે પરિચય આપણે કરીએ. ગૌડપાદનો આ મત એમની ‘માંડૂક્યકારિકા’માં અભિવ્યક્ત થયો છે. કેવલાદ્વૈત વેદાંત જેમ એકમાત્ર બ્રહ્મને સત્ય માને છે તેમ ગૌડપાદ પણ એક જ તત્ત્વનો સ્વીકાર કરે છે, જેને એ આત્મા, પરમાત્મા, ચિત્, દેક્ તરીકે પણ ઓળખાવે છે. એ અદ્વય, અજ (ન જન્મેલું) અને અચલ તત્ત્વ છે. એટલે કે અંતિમ પ્રતિપાદન તો બંનેનું એક જ છે, પણ એ અંતિમ પ્રતિપાદન સુધી પહોંચવાની બંનેની રીત જુદી છે. ખાસ કરીને જગત વિશેની બંનેની દૃષ્ટિમાં સૂક્ષ્મ ફરક છે, જે નીચે મુજબ બતાવી શકાય : ૧. શંકરાચાર્ય વિવર્તવાદમાં માને છે. એ એક પ્રકારનો કાર્યકારણવાદ છે. બ્રહ્મ કારણ છે અને જગત કાર્ય છે; કાર્ય આભાસ છે અને તત્ત્વતઃ કારણ-કાર્ય એક જ છે તે જુદી વાત છે. ગૌડપાદ કોઈ પણ પ્રકારના કાર્યકારણવાદમાં માનતા નથી. તે બતાવે છે કે સત્ કે અસત્ પદાર્થનું સત્ કે અસત્ કોઈ કારણ તાર્કિક રીતે પુરવાર કરી શકાય તેમ નથી. તેથી જાતિવાદ – કશુંક કશાકમાંથી જન્મ્યું છે, ઉત્પન્ન થયું છે તેવો મત – અસિદ્ધ ઠરે છે. ૨. શંકરાચાર્ય જાગ્રદવસ્થાના અનુભવને સ્વપ્નાવસ્થાથી અલગ પ્રકારનો ગણે છે અને એની સત્તા સ્વપ્નાવસ્થાની જેમ પ્રાતિભાસિક નહીં પણ વ્યાવહારિક ગણે છે. એટલે કે બંનેનું મિથ્યાત્વ જુદી કોટિનું ગણે છે. ગૌડપાદ સ્વપ્નનો અનુભવ જાગ્રતમાં રહેતો નથી અને જાગ્રતનો અનુભવ સ્વપ્નમાં રહેતો નથી એ રીતે બંને અનુભવને સરખા અસત્ બતાવે છે. સ્વપ્નજગતના પદાર્થોનું કારણ જાગ્રત વિશ્વને લેખવામાં આવે છે તેનો પણ ગૌડપાદ વિરોધ કરે છે. એ કહે છે કે જાગ્રતમાં પણ ભ્રાંતિમાં કેટલાક મનુષ્યો અવિદ્યમાન પદાર્થને સાચા માની લે છે, તે જ રીતે સ્વપ્નમાં પણ અવિદ્યમાન પદાર્થને સાચા માની લે છે અને તેનો અનુભવ કરે છે. આથી બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ જોડી શકાય નહીં. ૩. શંકર સંસારને અનાદિ માને છે અને પંચીકરણ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિની સમજૂતીનો સ્વીકાર કરે છે. ઉપરાંત જીવે સંસારના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ મેળવવાનો છે એવું કહે છે. ગૌડપાદ અનાદિ તત્ત્વોનો અંત થાય એ યુક્તિયુક્ત જ નથી એમ કહી આ જાતિવાદનું ખંડન કરી અજાતિવાદનું સ્થાપન કરે છે. મોક્ષ વિશેની એ માન્યતાને પણ તેઓ તર્કસંગત માનતા નથી. ૪. શંકરાચાર્ય પ્રાતિભાસિક, વ્યાવહારિક અને પારમાર્થિક એમ ત્રણ સત્તા સ્વીકારે છે, ત્યારે ગૌડપાદ માત્ર પારમાર્થિક સત્તાને સ્વીકારે છે. આ રીતે એમ કહી શકાય કે અજાતવાદ એ એક આત્યંતિક અદ્વૈતવાદ છે. એમાં નિષેધનું તત્ત્વ ઘણું બળવાન છે. આથી જ બૌદ્ધોના શૂન્યવાદનો એના પર પ્રભાવ પડેલો માનવામાં આવે છે. ગૌડપાદે પોતાનો મત સમજાવવા માટે અલાતચક્રનું ઉદાહરણ આપ્યું છે. અજ, અચલ, અદ્વય એવા તત્ત્વને એ અહીં ‘વિજ્ઞાન’ શબ્દથી ઓળખાવે છે અને કહે છે કે વિજ્ઞાન જાણે અલાત એટલે કે સળગતું ઉંબાડિયું છે. ઉંબાડિયાને વેગથી સીધું, વાંકું કે વર્તુલાકાર ઘુમાવવાથી તે પ્રકારની આકૃતિઓ ઉત્પન્ન થતી દેખાય છે તે જ પ્રમાણે વિજ્ઞાનનું સ્પંદન ગ્રાહક-ગ્રહણરૂપ, દૃષ્ટા-દૃશ્યરૂપ, ચિત્ત-ચિત્તદૃશ્યો રૂપે ભાસે છે એટલે કે વિષય-વિષયી જેવો ભેદ ભાસમાન થાય છે. ઉંબાડિયું ઘૂમતું બંધ થાય ત્યારે આકૃતિના આભાસો રહેતા નથી. ઉંબાડિયું ઘૂમતું હોતું નથી ત્યારે આકૃતિના આભાસો સર્જાતા નથી. ઘૂમતા ઉંબાડિયામાં આકૃતિઓ બીજે ક્યાંકથી આવતી નથી તેમ ખરેખર ઉત્પન્ન પણ થતી નથી. ઉંબાડિયું ઘૂમતું બંધ થાય ત્યારે એ આકૃતિઓ અન્યત્ર જતી રહેતી નથી કે ઉંબાડિયામાં લય પામતી નથી. તે જ રીતે વિજ્ઞાન સ્પંદિત થતાં ચિત્ત અને ચિત્તના ધર્મો ક્યાંકથી આવતાં નથી કે વિજ્ઞાનમાંથી ઉદ્ભવતાં નથી. વિજ્ઞાન નિઃસ્પંદ થતાં તે ક્યાંક જતાં રહેતાં નથી કે વિજ્ઞાનમાં પ્રવેશતાં નથી. આ આભાસેામાં દ્રવ્યત્વનો અભાવ છે અને વિજ્ઞાન અને એ આભાસો વચ્ચે કારણકાર્યનો, જનકજન્યનો સંબંધ નથી. જોઈ શકાય છે કે રજ્જુ-સર્પના દૃષ્ટાંત કરતાં અલાતચક્રનું દૃષ્ટાંત જગતની ઉત્પત્તિનો નિષેધ વધારે તીવ્રતાથી વ્યક્ત કરે છે. મિથ્યાત્વને સ્થાને અજાતિ અહીં કેન્દ્રમાં આવે છે. આમ છતાં ગૌડપાદ પરમાત્મા વિશે થતી જીવની કલ્પનાને સમજાવવા રજ્જુસર્પનું દૃષ્ટાંત અને વેદાંતમાં જાણીતું ઘટાકાશનું દૃષ્ટાંત પણ આપે જ છે અને પરમાત્મા પોતે જ પોતાની માયાથી પોતાને જીવ રૂપે કલ્પે છે એ વેદાંતમતનો ઉલ્લેખ કરે છે. માયા ઉપરાંત વિપર્યય, વિકલ્પ, અભૂતાભિનિવેશ જેવા શબ્દો પણ જગતભ્રાન્તિના કારણ રૂપે અહીં મળે છે, જે પછીથી વપરાયેલા ‘અવિદ્યા’ શબ્દનું કામ આપે છે. શાસ્ત્રોમાં મળતી જગતની ઉત્પત્તિની વાતો તે અજાતિના વિચારથી ભય પામનારા લોકો માટે શાણા પુરુષોએ કરેલી છે એમ એ કહે છે એમાં વ્યાવહારિક સત્તાનો સ્વીકાર થતો આપણને લાગે, પણ અંતે એવાં શ્રુતિવાક્યોને ગૌડપાદ યુક્તિસંગત માનતા નથી એ મહત્ત્વનું બની રહે છે. માયાને જે મહત્ત્વ વેદાંતમતમાં સામાન્ય રીતે મળે છે તે ગૌડપાદમાં મળતું નથી અને માયાને પરમાત્માની શક્તિ ગણવા છતાં માયાવિશિષ્ટ બ્રહ્મ – ઈશ્વરની કલ્પના સુધી ગૌડપાદ ગયા નથી. આમ કેવલાદ્વૈત વેદાંતના મિથ્યાત્વના અને માયાના ખ્યાલોનો વિનિયોગ છતાં ગૌડપાદની વિચારધારા અજાતિના આત્યંતિક ખ્યાલને કારણે જુદી તરી આવે છે. ‘માંડૂક્યકારિકા’ના પહેલા ‘આગમ પ્રકરણ’માં વિવિધ ઉપાધિઓના કારણે થતી પરમાત્માની વિવિધ અવસ્થાઓ – વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ –નું નિરૂપણ છે ને માયાને કારણે પ્રતીત થતા દ્વૈતની વાત છે. આથી આ પ્રકરણમાં ઉત્પત્તિનો સર્વથા અસ્વીકાર દેખાતો નથી અને પ્રણવની ઉપાસનાનું મહત્ત્વ વિસ્તારથી સમજાવ્યું છે, જ્યારે પછીનાં પ્રકરણોમાં એનો નિર્દેશ સુધ્ધાં નથી, તેથી આ પ્રકરણ ગૌડપાદરચિત હોવા વિશે શંકા થયેલી છે. પછીનાં પ્રકરણોમાં તો મનનું સ્ફુરણ જ દ્વયાભાસ (બ્રહ્મથી અલગ એવા જગતનો આભાસ)ને સ્ફુરાવે છે તેથી અમનીભાવ અથવા અસ્પર્શીયોગથી અજન્મ, અમૃત, શુદ્ધ ચૈતન્ય એટલે કે બ્રહ્મ પ્રકાશી રહે છે એમ કહેવામાં આવ્યું છે. બીજી કોઈ સાધનાપદ્ધતિ એમાં દર્શાવવામાં આવી નથી.
અન્ય વિચારપરંપરાઓ
વેદ-આધારિત તત્ત્વવિચારપરંપરા ષડ્દર્શનો રૂપે વ્યવસ્થિત થઈ અને આ ષડ્દર્શનો ભારતીય વિચારપરંપરામાં સૌથી પ્રભાવક બની રહ્યાં. પણ આ સાથે કેટલાક ભિન્ન વિચારપ્રવાહો પણ પ્રવર્તતા રહ્યા છે. વૈદિક વિચારધારાનો કાળક્રમે અનેકદેશીય વિકાસ થયો છે, આ બધાનાં સંમિશ્રણો પણ થયાં છે. છેક સત્તરમી સદીમાં થયેલા અખાજી મુખ્યત્વે વેદાંતવિચારધારાના પુરસ્કારક છતાં એમણે પોતાની તત્ત્વચર્ચામાં હાનોપાદાનની રીતે આ બધા વિચારપ્રવાહોનો લાભ લીધો હોય તે સ્વાભાવિક છે. આથી અન્ય મહત્ત્વના વિચારપ્રવાહોનો ટૂંકમાં પરિચય કરવો આવશ્યક છે. ષડ્દર્શનો તે વેદપ્રામાણ્યને સ્વીકારતાં આસ્તિક દર્શનો છે, જ્યારે વેદ-પ્રામાણ્યને નહીં સ્વીકારતાં અને તેથી નાસ્તિક ગણાતાં ત્રણ પ્રાચીન દર્શનો છે. તેમાંથી ચાર્વાકદર્શન કે લોકાયતદર્શન જડવાદી દર્શન છે. પ્રત્યક્ષવાદી હોઈને એ ભૌતિક તત્ત્વોની સૃષ્ટિમાં જ માને છે; દેહથી જુદો કોઈ આત્મા છે એમ માનતું નથી, ચૈતન્ય તે એની દૃષ્ટિએ દેહનો ગુણ જ છે; અને તેથી આ લોકમાં સુખ મેળવવું એને જ એ પ્રાણીમાત્રનું લક્ષ્ય ગણે છે, પરલોક જેવી તો કોઈ ચીજ જ નથી. જૈનદર્શન આત્મવાદી છે. પણ એકાત્મવાદી – બ્રહ્મવાદી નહીં, અનેકાત્મવાદી છે. જગતને એ સત્ય માને છે; એ પ્રબળપણે કર્મવાદી છે તેથી એમાં આચારધર્મનો અને વિશેષપણે તપનો મહિમા છે, તપ વિના કર્મક્ષય નથી, કર્મક્ષય વિના મોક્ષ નથી. આત્મત્વ એટલે જીવત્વની એમાં સૂક્ષ્મ વિચારણા થઈ છે તેથી એમાં અહિંસાધર્મને ઘણું મહત્ત્વ મળ્યું છે; અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવિચાર દ્વારા વસ્તુસ્વરૂપનાં અનેક પાસાંઓ હોય છે અને એને જોવાની જુદીજુદી રીત હોય છે. એમ પ્રતિપાદિત કરી એકાન્તિક નિર્ણયોના દુરાગ્રહોનો નિષેધ કર્યો છે અને અન્યમતસહિષ્ણુતાનો માર્ગ બતાવ્યો છે. બૌદ્ધદર્શનનો પાયો તો દુઃખનિરોધ માટે અષ્ટાંગમાર્ગ – સમ્યક્ દૃષ્ટિ, વાણી, કર્મ, સમાધિ વગેરેનું પ્રતિપાદન છે, એમાં નથી આત્યંતિક ભોગવિલાસ કે નથી આત્યંતિક કાયાક્લેશ, જેથી એ મધ્યમમાર્ગ તરીકે ઓળખાય છે. અષ્ટાંગમાર્ગના અનુસરણથી અજ્ઞાન અને તૃષ્ણા દૂર થતાં, પરમ શાંતિ અને સ્વસ્થતાની સ્થિતિ જન્મે છે, જેને નિર્વાણ કહેવામાં આવે છે. તે વિના કર્મોએ કરીને જન્મમરણનું ચક્ર ચાલે છે. જગત વિશેનાં એમાં વિવિધ દૃષ્ટિબિંદુઓ ઉદ્ભવ્યાં છે – જગત અને આત્મા સત્ છે પણ ક્ષણિક છે; જગત અસત્ છે અને ક્ષણિક છે પણ વિજ્ઞાન એટલે ચિત્તધારા ક્ષણિક છતાં સત્ છે; આ બધું ક્ષણિક છે ને કશું સત્ નથી, ધર્મ (સ્વરૂપ) શૂન્ય છે. આ ત્રણે દર્શનો જગતકર્તા-સંહર્તા ઈશ્વરમાં માનતાં નથી. ઉપનિષદો અને ‘બ્રહ્મસૂત્ર’ની સાથે જેનો પ્રસ્થાનત્રયીમાં સમાવેશ થાય છે તે ભગવદ્ગીતા વૈદિક વિચારધારાને સારગ્રાહી પદ્ધતિથી ને સમન્વયવાદી દૃષ્ટિથી રજૂ કરતો અનુપમ ગ્રંથ છે. એમાં પ્રબળ આત્મવાદ છે, બ્રહ્મનાં સગુણ-નિર્ગુણ બન્ને સ્વરૂપોનો સ્વીકાર છે, નિષ્કામ કર્મયોગ–અનાસક્તિયોગ (અહંકર્તૃત્વરહિત અને ફલાભિસંધિરહિત થઈને કર્મો કરવાં અને પ્રભુને સમર્પી દેવાં તે)નું સાચા યજ્ઞ તરીકે પ્રતિપાદન છે અને તે સાથે જ્ઞાનયોગ અને ભક્તિયોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ કારણે ભગવદ્ગીતા એક અસાધારણ જીવનોપયોગી ગ્રંથ બની રહ્યો છે. ભક્તિને પરમાત્માને પામવાનું મુખ્ય સાધન માનતો ભાગવત મત પણ એક પ્રભાવક પરિબળ બનેલ છે. ‘ભાગવત ધર્મ’ એ શબ્દ વિશેષ અર્થમાં વૈષ્ણવ સંપ્રદાયને લગાડાય છે, પણ શિવભક્તિ અને શિવભક્તિની પરંપરાઓ પણ અસ્તિત્વમાં આવેલી છે. ભક્તિની આ પરંપરા ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) ઉપાસના અને પંચાયતન (શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને અંબિકા) પૂજા સુધી વિસ્તરી છે. પુરાણોએ અનેકદેવવાદ, અવતારવાદ, તીર્થયાત્રા, વર્ણાશ્રમધર્મ વગેરેનો પ્રચાર કર્યો. આથી મૂર્તિપૂજા વ્યાપક બનતી ચાલી. પુરાણોત્તરકાળમાં પ્રચાર પામેલો એક વિશિષ્ટ સાધનામાર્ગ તે તન્ત્રમાર્ગ છે. તન્ત્ર તે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની રીતિ છે. મન્ત્રનું મૂળ દીક્ષા છે, અને દીક્ષાનું મૂળ ગુરુ છે; ખરો ગુરુ એક જ છે અને તે કૈલાસવાસી આદિનાથ મહાકાલ – એ જ પરમગુરુ મનુષ્યગુરુ રૂપે પ્રકટ થઈ દીક્ષા અને મન્ત્ર આપે છે, અને યથાવિધિ મંત્રની સાધના કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આથી તંત્રમાર્ગમાં ગુરુનું સવિશેષ માહાત્મ્ય છે. તંત્રમાં શિવ અને શક્તિની ઉપાસના હોય છે તેમાં ઘણી વાર શિવ કરતાં શક્તિનો વિશેષ મહિમા ગણવામાં આવે છે. તંત્રનો કર્મવિધિ ઘણે ભાગે યોગથી ભરેલો છે, પણ તે ઉપરાંત એમાં જપસ્તુતિ, યંત્રપૂજા (મંત્રો અને દેવતાઓ પ્રમાણે જુદીજુદી આકૃતિનાં રેખાચિત્રો તે યંત્ર) વગેરેનો સમાવેશ થાય છે. ‘પંચમકાર’ (મત્સ્ય, મદિરા, માંસ, મુદ્રા, મૈથુન)ના સેવનને તાન્ત્રિક ઉપાસનામાં સમાવતો વામમાર્ગ પણ અસ્તિત્વમાં આવ્યો છે. બૌદ્ધધર્મમાં પણ તાન્ત્રિક ઉપાસનાના વિવિધ માર્ગો દાખલ થયા છે, તેમાં સહજયાન યૌનવૃત્તિને સહજ ને સરળ ગણે છે અને યૌનવૃત્તિથી ઉત્પન્ન થતી યોગક્રિયાને શાશ્વત માને છે. તંત્રમાર્ગો સામાન્ય રીને અનુભવૈકગમ્ય પરમતત્ત્વમાં માને છે, સાધકમંડળમાં વર્ણભેદને સ્થાન આપતા નથી ને ગુપ્ત વિદ્યાનો આશ્રય લે છે. માનવશરીરને સાધનાનું મહત્ત્વનું સ્થાન માનતી હઠયોગની પરંપરા પણ આ સાથે મળે છે. એમાંથી નાથસંપ્રદાય વગેરે અનેક નાનામોટા સંતસંપ્રદાયો અસ્તિત્વમાં આવે છે. ભારતમાં મુસ્લિમ રાજ્યઅમલ વ્યાપક બનતાં ઇસ્લામધર્મનું એક નવું પરિબળ ઉમેરાય છે. મધ્યકાલીન સંતપરંપરામાં મૂર્તિપૂજાનો વિરોધ દેખાય છે તે કદાચ ઇસ્લામનો પ્રભાવ હોય, પણ સૌથી વધુ નોંધપાત્ર પ્રભાવ તો ઇસ્લામના સૂફીમતનો પડ્યો છે. વેદાંતને મળતી વિચારધારાઓ ધરાવતા સૂફીમતમાં પ્રેમ-ભક્તિનો મહિમા છે – અલ્લાહ માશૂક છે ને સૂફી આશિક છે, જે આપણે ત્યાં એ જ ગાળામાં ઉદ્ભવેલી પ્રેમલક્ષણાભક્તિધારાની સમાંતર ચાલે છે. સૂફીમતમાં પણ ગુરુ એટલે કે પીરનું ઘણું માહાત્મ્ય છે. અખાજી પૂર્વેની મધ્યકાલીન સંતપરંપરા ધર્મતત્ત્વજ્ઞાનના આ બધા વિવિધ અને પરસ્પર વિરોધી બનતા પ્રવાહોને પણ ઝીલે છે અને એક વિશિષ્ટ આબોહવા સર્જે છે. ધર્મતત્ત્વવિચારનું માધ્યમ લોકભાષાઓ બને છે એ પણ એક પરિબળ બને છે. એ સંતપરંપરામાં જ્ઞાનમાર્ગી સંતો છે, ભક્તિમાર્ગી સંતો છે, નિર્ગુણવાદી છે, સગુણવાદી છે, સમન્વયવાદી સંતો છે, જ્ઞાનભક્તિ સાથે યોગને પણ જોડતા સંતો છે. પણ કેટલાંક લક્ષણો એમાં સમાન છે : શાસ્ત્રસંમત ધર્મોમાં દેખાતી અસહિષ્ણુતા ને જડતા એમાં નથી – પક્ષાપક્ષીમાં પરમેશ્વર નથી એમ એ કહે છે; વર્ણવ્યવસ્થાનો ત્યાગ કરે છે, ઊંચનીચ સર્વ વર્ણોને ધર્મસાધનામાં સરખા અધિકારી ગણે છે ને હિંદુ-મુસલમાન જેવા જાતિભેદોને પણ એ લોકો અવગણે છે; લોકોને ઈશ્વરના સ્વરૂપ લેખે જુએ છે અને એના કલ્યાણ માટે મથે છે ને લોકોમાં રહેવા છતાં એનાથી ઊર્ધ્વ રહેવાની કળા એ પ્રબોધે છે; તત્ત્વવિચારથી ઉપર એ અનુભવને સ્થાન આપે છે; કાયાકલેશ ને કર્મકાંડોનો એ પરિહાર કરે છે, સહજસાધનાને પુરસ્કારે છે, સત્સંગનો મહિમા કરે છે ને ભજનકીર્તનના લોકગમ્ય માર્ગનો આશ્રય લે છે; સદ્ગુરુની અપરિહાર્યતા મનાય છે ને અંતે સદ્ગુરુ-પરમાત્માની એકતા પ્રતિપાદિત થાય છે – સદ્ગુરુ તે જ પરમાત્મા કે પરમાત્મા તે જ સદ્ગુરુ. રામાનંદ, જ્ઞાનેશ્વર, નામદેવ, કબીરજી, નાનક શાહ, રૈદાસ, નરસિંહ મહેતા વગેરે આ સંતપરંપરાના જાણીતા પ્રતિનિધિઓ છે. સંતવાણીનું મોજું ધીમેધીમે કરતાં આખા ભારતમાં ફેલાઈ ગયું. અખાજીના ધર્મતત્ત્વદર્શન – જીવનવિચારને સમજવા માટે આ સમગ્ર ભૂમિકા લક્ષમાં રાખવી જોઈએ.