ચિત્તવિચારસંવાદ/વિષયવસ્તુયોજનાનું વિશ્લેષણ અને તેની સમીક્ષા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 16:24, 3 March 2026
‘ચિત્તવિચારસંવાદ’ની સમીક્ષા ક. વિષયવસ્તુયોજનાનું વિશ્લેષણ અને તેની સમીક્ષા અખાજીમાં તત્ત્વવિચારનું ઘણું ઊંડાણ છે પરંતુ તેઓ કેવળ શાસ્ત્રીય તત્ત્વવિચારક નથી, અનુભવી સંત છે. એમનું લક્ષ્ય કોઈ દાર્શનિકમતની તાર્કિક સ્થાપના નથી પરંતુ જીવનસાધના છે અને તે માટે આવશ્યક એવો તત્ત્વવિચાર તેઓ રજૂ કરી રહ્યા હોય છે. આથી એમની કૃતિઓમાં વિષયની ક્રમબદ્ધ રજૂઆત અને વ્યવસ્થિત ખંડનમંડન પરિપાટીનું અનુસરણ ઘણી વાર જોવા મળતું નથી. વિચારોના જાણે તણખા ઊડતા હોય છે અને એના પ્રકાશમાં સાધનામાર્ગનું દિગ્દર્શન કરવામાં આવે છે. ‘ચિત્તવિચારસંવાદ’માં તો આ ઉપરાંત ચિત્ત અને વિચારના સજીવતાભર્યા સંવાદની રીતિ અખાજીએ અપનાવી છે. એમાં એક વિચારમાંથી બીજો વિચાર જે રીતે ફૂટે એ રીતે ફૂટવા દેવામાં આવ્યો છે. આથી ક્યારેક વિચારપ્રવાહ અણધારી દિશામાં ફંટાય છે, ક્યારેક ખંડિત થાય છે, ક્યારેક કેટલીક વાતો જુદાજુદા સંદર્ભે પુનરાવૃત્ત થાય છે. અખાજીની કૃતિનું એક મહત્ત્વનું બળ તે દૃષ્ટાંતો છે. એકનો એક મુદ્દો જુદાંજુદાં દૃષ્ટાંતચિત્રોથી રજૂ થાય એમ પણ બને છે. અહીં ચિત્ત પાસે કેટલીક દાર્શનિક ભૂમિકા હોવાનું માનીને ચાલવામાં આવ્યું છે તેથી કેટલોક તત્ત્વવિચાર લાઘવથી, માત્ર નિર્દેશ રૂપે કે અછડતો દાખલ થયો છે. પહેલાં આખી કૃતિની, કડીઓના ક્રમે, વિષયવસ્તુયોજનાનું વિશ્લેષણ કરીએ અને પછી ઉપર નિર્દેશેલા મુદ્દાઓનાં થોડાં દૃષ્ટાંતો જોઈએ :
| ૧–૮ | પ્રાસ્તાવિક, ચિત્ત અને વિચારનો સંબંધ |
| ૯–૧૬ | ચિત્તની વૈચારિક પ્રવૃત્તિઓ અને અવિનાશીપણાની ઇચ્છા |
| ૧૭–૨૩ | ચિત્તની સ્વસ્વરૂપની શોધ અને જીવત્વની મર્યાદા |
| ૨૪–૨૯ | ચિત્તના ઈશ્વરતા અને ચિદ્ સાથેના સંબંધનો કોયડો |
| ૩૦–૩૩ | ચિત્ત અને વિચારનો સંબંધ અને એમણે અત્યાર સુધી શું કર્યું તેનું ચિત્ર |
| ૩૪–૩૯ | કામનાને, હુંપણાને ટાળીને હરિને કેમ પામી શકાય તેનો કોયડો |
| ૪૦–૧૧૦ | કૈવલ્ય, ઈશ્વર અને જીવ એ ત્રિપદનો સ્વરૂપવિચાર |
| ૪૬–૫૬ | જીવના ભેદો અને તેમાં રહેલું સાપેક્ષ ઈશ્વરત્વ |
| ૫૭–૬૩ | વિવિધ પ્રકારની શાસ્ત્રપ્રવૃત્તિ |
| ૬૪–૮૩ | ષડ્દર્શનોનો પરિચય અને તેમના જીવ, ઈશ્વર, મુક્તિ વગેરે વિશેના ખ્યાલો |
| ૮૪–૧૧૦ | સર્વાવાસ ઈશ્વર–ચિદ્ અને જીવ–ચિત્તની એકતા |
| ૯૫–૧૦૨ | ચિત્તની વિષયગ્રાહકતા માટે દર્પણનું દૃષ્ટાંત |
| ૧૦૩–૧૦૫ | ચિત્તનો ચિદ્રૂપે સર્વત્રવ્યાપ |
| ૧૦૬–૧૧૦ | વસ્તુતઃ તે મહાનિધિ - બ્રહ્મનું જ સામર્થ્ય |
| ૧૧૧–૧૧૬ | સદેહ અને વિદેહ અવસ્થામાં ચૈતન્યની એક જ સ્થિતિ |
| ૧૧૭–૧૨૦ | મનુષ્ય સિવાય પશુ, પંખી, વૃક્ષ, જલચર કશું ચૈતન્યની દૃષ્ટિએ અલગ નથી |
| ૧૨૧–૧૨૭ | સુષુપ્તિ અને જાગૃતિમાં દેહભાવનો વિવેક |
| ૧૨૮–૧૩૧ | જગતના કારણરૂપ અજ – હરિ – હર સાથે ચિત્ત (ચિદ્રૂપે)ની એકતા |
| ૧૩૨–૧૩૪ | ચિત્ત અને વિચારના સંબંધ પરત્વે ઇન્દ્ર – વૈરોચનકથાનું દૃષ્ટાંત |
| ૧૩૫–૧૩૭ | મહાનિધિના સ્વરૂપ વિશે ચિત્તનો પ્રશ્ન |
| ૧૩૮–૧૪૨ | મહાનિધિની ચિત્ત(જીવ)ની સાથે અભિન્નતા અને તેથી તેના સ્વરૂપના સાક્ષાત્કારમાં પ્રયત્નની જરૂર નથી |
| ૧૪૩–૧૪૪ | ઇચ્છાનો રોધ અને સ્વતંત્રતાનો પ્રશ્ન |
| ૧૪૫–૧૫૫ | એ સંદર્ભમાં પર્વત પર વરસતા મેઘના દૃષ્ટાંતથી ચૈતન્યમાંથી જન્મતા ચિત્તના ધર્મોનું વર્ણન |
| ૧૫૬–૧૬૫ | ચૈતન્યમાં ભૂતભેદ વિશે પ્રશ્ન |
| ૧૫૮–૧૬૨ | મનુષ્ય – દેવમાં ઇન્દ્રિયજ્ઞાન અને કામક્રોધાદિકની અધિકતા |
| ૧૬૩–૧૬૫ | ભૂતભેદ એ ચૈતન્યનો જ નિજભોગ |
| ૧૬૬–૧૬૯ | સ્વપ્નના દૃષ્ટાંતથી સૃષ્ટિનું મિથ્યાત્વ |
| ૧૭૦–૧૭૪ | સ્વપ્ન અને જાગ્રતના અનુભવની સમાનતા અને બંનેનું સરખું મિથ્યાત્વ |
| ૧૭૫–૧૭૭ | છેવટના અનુભવમાં અભેદની સ્થિતિ |
| ૧૭૮–૧૮૧ | અરૂપ કૈવલ્યને રૂપ વડે પામવાની ચિત્તની મૂંઝવણ |
| ૧૮૨–૧૮૪ | હાથીના દૃષ્ટાંતથી એ અનુભવ ઇન્દ્રિયગમ્ય નથી પણ જ્ઞાનગમ્ય છે એવી રજૂઆત |
| ૧૮૫–૧૯૩ | ઉંબરના વૃક્ષના દૃષ્ટાંતથી જગતરૂપ કૈવલ્યશરીરનું વર્ણન અને ચિત્તની એક બાજુથી સૂક્ષ્મતા (લઘુતા) અને બીજી બાજુથી સ્થૂળતા (વિશાળતા) |
| ૧૯૪–૨૦૪ | શૂન્યવાદની દલીલો અને એનું ખંડન |
| ૨૦૫–૨૨૬ | ચૈતન્યમાં સ્ત્રી-પુરુષ ભેદ નથી એની ચર્ચા |
| ૨૧૯–૨૨૪ | લોહચુંબક, લોઢું અને નૌકાના દૃષ્ટાંતથી અવાચ્યબ્રહ્મ, જીવ અને જગતના સંબંધનું નિરૂપણ |
| ૨૨૭–૨૩૫ | ચૈતન્યઅવસ્થાનું માદક અવસ્થારૂપે વર્ણન |
| ૨૩૬–૨૪૭ | ચિત્તમાં રહેલું અવાચ્ય બ્રહ્મનું વીર્ય (ક્ષમતા) બતાવવા મહાઅગ્નિના અંશરૂપ વીજળીનું દૃષ્ટાંત |
| ૨૪૮–૨૫૩ | ધ્યેયને પ્રાપ્ત કરવાના અષ્ટાંગયોગ, સગુણભક્તિ વગેરે માર્ગો આત્મતત્ત્વના જ અભ્યાસરૂપ છે |
| ૨૫૪–૨૬૧ | આકાશમાં વાદળના દૃષ્ટાંતથી રૂપમય પંચીકૃતસૃષ્ટિના ઉદ્ભવનું વર્ણન |
| ૨૬૨–૨૬૫ | ગ્રાહ્ય-ગ્રાહકભાવ ભૌતિક સૃષ્ટિમાં જ ઉદ્ભવે છે |
| ૨૬૬–૨૬૯ | કારણબ્રહ્મ–ઈશ્વરની અનેકતા |
| ૨૭૦–૨૭૫ | ચામખેડાના દૃષ્ટાંતથી ચિત્તનું કારણબ્રહ્મના પ્રતિબિંબ તરીકે વર્ણન |
| ૨૭૬–૨૮૯ | ચિદ્-અવસ્થામાં સદા રહેવાતું નથી તેનું કારણ ઇન્દ્રિયવિકારો, તેની ચકમક અને કફના દૃષ્ટાંતથી સમજૂતી |
| ૨૯૦–૩૧૩ | બ્રહ્મતત્ત્વના જ્ઞાનના વ્યવહારમાં જુદાંજુદાં પરિણામો-વિવેકયુક્તજ્ઞાન અને મોહયુક્તજ્ઞાન, દક્ષિણજ્ઞાન અને વામજ્ઞાન, તે માટે સ્વાતિબિંદુનું દૃષ્ટાંત, વિવેકયુક્તજ્ઞાનની શક્તિ બતાવવા પારાનું દૃષ્ટાંત |
| ૩૧૪–૩૧૯ | બ્રહ્માનુભવની અસાક્ષ્ય અને તેથી અવાચ્ય સ્થિતિ |
| ૩૨૦–૩૨૩ | બ્રહ્મમાં પ્રતીતિપૂર્વકનું વર્તન, તે માટે પિતા-પુત્રનું દૃષ્ટાંત |
| ૩૨૪–૩૨૮ | પ્રવૃત્તિ-નિવૃત્તિને સત્ય વડે ભોગવવાનો ઉપદેશ |
| ૩૨૯–૩૩૨ | સત્ય વિનાના જ્ઞાનની નિરર્થકતા ને તે માટે નેત્ર વગરના રાજાનું દૃષ્ટાંત |
| ૩૩૩–૩૪૨ | ઇન્દ્રિયધર્મોને તૃષ્ણા વિના સહજભાવે ભોગવવાનો ઉપદેશ |
| ૩૪૩–૩૪૯ | નૈષ્ઠિકજ્ઞાની અને ખલજ્ઞાનીના વર્તનનો ભેદ |
| ૩૫૦–૩૫૬ | ગુરુ-ગોવિંદની એકતા |
| ૩૫૭–૩૬૫ | પવન અને ધજાના દૃષ્ટાંતથી ચિત્તને ચંચળતા નિવારવા અહંકાર છોડી વસ્તુરૂપ થવાનો બોધ |
| ૩૬૬–૩૬૮ | કૈવલ્યગુરુનો મહિમા |
| ૩૬૯–૩૭૫ | વિવિધ વિદ્યાઓના ગુરુ નહીં પણ કૈવલ્યગુરુ જ સાચા |
| ૩૭૬–૩૮૧ | સૂર્ય અને જલપાત્રના દૃષ્ટાંતથી બાહ્ય ગુરુની આવશ્યકતાની વાત |
| ૩૮૨–૩૮૫ | અન્ય વિદ્યાઓના ગુરુઓ વ્યવહાર પૂરતા જ કામના |
| ૩૮૬–૩૯૭ | જગતભાવની નિદ્રા દૂર કરવા પૂરતો (સાધન તરીકે) ભક્તિનો ઉપયોગ |
| ૩૯૮–૪૦૫ | મેઘવૃષ્ટિના દૃષ્ટાંતથી અણલિંગી ભક્તિનું વર્ણન |
| ૪૦૬–૪૧૧ | દેહાભિમાન ટળતાં ચિત્તને સ્વરૂપનો સાક્ષાત્કાર |
ઉપરના વિષયવિશ્લેષણમાંથી જોઈ શકાય છે કે અહંભાવનો મુદ્દો કડી ૩૪–૩૯માં ચર્ચાય છે તેમ કડી ૩૫૭–૩૬૫માં પણ તેનું નિરૂપણ થાય છે. ઇન્દ્રિયવિકારોની વાત કડી ૧૫૮–૧૬૨માં, કડી ૨૭૬–૨૮૯માં અને કડી ૩૩૩–૩૪૨માં આવે છે. ચિત્ત (જીવ) અને ચિદ્ (સર્વાવાસ ઈશ્વર, બ્રહ્મ કે મહાનિધિ)ની એકતાની વાત તો અનેક સ્થાને થઈ છે. (૮૪–૧૧૦, ૧૩૮–૧૪૨, ૨૩૬–૨૪૭ વગેરે). બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિનું વર્ણન ઉંબરાના વૃક્ષના દૃષ્ટાંતથી (૧૮૫–૧૯૩) અને આકાશમાં ઊમટતાં વાદળોના દૃષ્ટાંતથી (૨૫૪–૨૬૧) કરવામાં આવ્યું છે.
ચર્ચા એક વિષયમાંથી બીજા વિષયોમાં ફંટાતી જાય છે તેના દૃષ્ટાંત માટે જુઓ કડી ૪૦–૧૧૦માંનો કૈવલ્ય, ઈશ્વર અને જીવનો સ્વરૂપવિચાર. એમાં અખાજીની લાક્ષણિક ઈશ્વરતાની ભાવના ઉપરાંત ષડ્દર્શનના વિચારો અને એમના મુક્તિ વિશેના ખ્યાલો પણ સમાવેશ પામ્યા છે. કડી ૨૭૬–૨૮૯માં શરૂ થયેલી ઇન્દ્રિયવિકારોની ચર્ચા, વચ્ચે વિવિધ પ્રકારોનાં જ્ઞાન, પ્રવૃત્તિ-નિવૃત્તિ, પ્રતીતિપૂર્વકના બ્રહ્મભાવ વગેરેને સમાવતી કડી ૩૩૩–૩૪૨માં સમાપ્ત થાય છે.
કેટલીક ચર્ચા અછડતી પણ રહી ગયેલી છે, જેમકે કડી ૧૩૨–૧૩૪માં ચિત્ત અને વિચારના સંબંધ પરત્વે ઇન્દ્ર અને વૈરોચનની કથાનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે અસ્પષ્ટ રહ્યું છે (જુઓ એ કડીઓની સમજૂતી). કડી ૬૪–૮૩માંનો ષડ્દર્શનોનો પરિચય એના જાણકારને જ સમજાય એટલા સંક્ષેપમાં આપ્યો છે. કડી ૧૪૩–૧૪૪માં રજૂ થયેલો ઇચ્છાના રોધ અને સ્વતંત્રતાનો પ્રશ્ન પણ અછડતો રહી ગયેલો લાગે છે.