યુરોપ-અનુભવ/એફિલ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એફિલ}} {{Poem2Open}} વિશ્વના ત્રણ સૌથી ઊંચા ગણાતા મિનારા પર ચઢવાનો...") |
(No difference)
|
Revision as of 09:46, 23 July 2021
વિશ્વના ત્રણ સૌથી ઊંચા ગણાતા મિનારા પર ચઢવાનો કે તેની નિકટ જવાનો અવસર મળ્યો છે. અત્યારે તો દિલ્હીના કુતુબમિનારની અંદર થઈ છેક ઉપર જવાની મનાઈ છે. પરંતુ ૧૯૪૯માં નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે નિશાળે આયોજિત કરેલ પ્રવાસમાં દિલ્હી હતું. સ્વતંત્રતા પછીના તરતનાં વર્ષોનું દિલ્હી. ત્યારે યમુનાનું પાણી સ્વચ્છ હતું અને એમાં સ્નાન કરી શકાતું, બલકે કરેલું.
કુતુબમિનાર પણ ચઢેલા – પગથિયાં ગણતા ગણતા. છેક ઉપર એક બાલ્કની જેવું બનાવેલું, અવશ્ય એ ઉપરથી ખુલ્લી હતી. ત્યાંથી દિલ્હીનું વિહંગમ દૃશ્ય જોવા મળેલું.
એ પછી બીજો મિનારો તે પિસાનો ઢળતો મિનારો. એ વિષે અગાઉ વાત કરી છે અને ત્રીજો મિનાર તે પૅરિસનો પ્રસિદ્ધ એફિલ ટાવર. નોત્રદામથી અમે એફિલ ભણી ગયાં. નજીક જતાં જઈએ તેમ એની વિરાટતાનો ખ્યાલ આવે. વિશ્વભરના પ્રવાસીઓ માટે એફિલનું અજબ આકર્ષણ છે. આમ જુઓ તો જોવાનું કશું છે નહિ, છે માત્ર એક લોખંડી સ્ટ્રક્ચર. યુવાન ગાંધીએ તો એને એકદમ ઉતારી પાડ્યું છે.
અમારી યુરોપયાત્રાનું આ વર્ષ એ આ વિશ્વવિખ્યાત ટાવરની શતાબ્દીનું (૧૮૮૯-૧૯૮૯). વર્ષ – ફ્રેન્ચમાં લખીએ તો Centeniro De La Tour Effel. અનેક ઉત્સવો આયોજનો તે નિમિત્તે છે. એફિલની છેક ઊંચેની ટોચ પર જવા લિફ્ટની વ્યવસ્થા છે. એક છેક નીચેથી, એક બીજા માળથી. છેક નીચેથી જવા ઇચ્છતા પ્રવાસીઓની લાઇન લાંબી હતી. અમે વિચાર્યું થોડોક ચઢવાનો પણ અનુભવ લઈએ. બે માળ સુધી ચઢીએ, પછી ત્યાંથી લિફ્ટ લેવી.
પણ એ ચઢવાનું થકવે એવું હતું. ખબર નહોતી કે, આટલું બધું ચઢવું પડશે. એફિલના બીજા માળે પહોંચતાં શ્વાસ ચઢી ગયો. ત્યાં ઊભા રહી પછી પૅરિસનગરનું દર્શન કર્યું. આખું પૅરિસ જાણે નજર સામે પથરાઇને પડ્યું હતું. એક તરફ સેન નદી વહી જતી હતી, દૂર મોં માર્ત્રની ટેકરી પરનું ચર્ચ સૌથી ઊંચાઈએ ઊભું હતું. વચ્ચે વિજયતોરણ – આર્ટ ઑફ ટ્રાયમ્ફની કમાન હતી અને નજીકમાં નોત્રદામ. જાણે આ નગરી અત્યારે તડકામાં ખુલ્લી સ્નાન કરી રહી છે! અદ્ભુત લાગે છે!
પછી અમે લિફ્ટ લીધી અને જોતજોતામાં એફિલની ટોચ પર. ઉપરથી બંધ, પણ એની બધી તરફની દિશાઓ પારદર્શી કાચથી જાણે ખુલ્લી. આટલી ઊંચાઈથી તો સમગ્ર પૅરિસની બધી મોટી ઇમારતો જોઈ શકાતી હતી. આપણને તો ઓળખાણ ન પડે, પણ પ્રવાસીઓના માર્ગદર્શન માટે જે તરફ જાઓ ત્યાંથી દેખાતી ઇમારતોનો નામ સાથે દિશાનિર્દેશ હતો.
Arc de Triomphe Hotel de Viver Notradam de Paris Centre Pompidou Place De la Concorde Musse D’Art Moderne Scene Palai da Louvre
અલબત્ત સેન તો ખરી જ, નગરને વીંધતી.
આ પૅરિસ નેપોલિયનનું તો ખરું, પણ અમારે મન તો મોન્તેન, રુસો, બૉદલેર, વિક્ટર હ્યુગો, વર્લૅન, વાલેરી અને સાર્ત્ર જેવા સાહિત્યકારોનું પૅરિસ હતું.
ઉપરથી જોયું કે સેન નદી નોત્રદામથી કેવો વળાંક લેતી હતી. જાણે બધું ફરી ફરી જોયા કરીએ. અમારે સદ્ભાગ્યે દિવસ ખુલ્લો હતો અને માઈલો સુધીનો વિસ્તાર અમારા દૃશ્યપટલમાં આવતો હતો.
ટાવર પરથી નીચે લિફ્ટમાં ઊતરતાં વાર ન લાગી. અમે પછી સેનને કિનારે કિનારે કૉનકોર્ડ તરફ ચાલ્યાં. વૃક્ષોછાયા માર્ગે નદી વહે છે. નદીમાં નૌકાઓ પસાર થતી હતી. કોનકોર્ડ થઈ અમારે જવું હતું પૅરિસના પ્રખ્યાત માર્ગ —
— કવિ નિરંજન ભગતે એનો ઉચ્ચાર કરેલો ‘શાંઝલિઝે’. ફ્રેન્ચ જોડણી ChampsEly’sses.
આ માર્ગ પર ચાલવાનો ઉમંગ હતો, પણ અમને ભારે તરસ લાગી હતી. જ્યૂસ પીધા પછી પણ ઇચ્છા તો ઘડો ભરીને પાણી પીવાની થતી હતી. અમે વૃક્ષોછાયા માર્ગે થઈ શાંઝલિઝે પર ચાલવા લાગ્યાં. ત્યાં આવ્યો એક ઠંડા પાણીનો ફુવારો. બધાંએ ધરાઇને પાણી પીધું. વિરાટ રાજમાર્ગ પર વેગથી વાહનો દોડી રહ્યાં હતાં, અમે તો વૃક્ષોની છાયામાં ચાલવાના પહોળા માર્ગ પર ચાલતાં ચાલતાં વિજયતોરણ – આર્ટ દ ત્રિઑંફ આગળ આવ્યાં. ત્યાં ઊભાં રહી ગયાં. સાંજના ૬-૩૦ થયા હતા. ફ્રાન્સ આખું જાણે ધબકતું અનુભવાતું હતું આ રાજમાર્ગ પર. સામે અનેક ઇમારતો હતી.
મેં મિત્રોને કહ્યું : રસ્તો ઓળંગીને આપણે પેલા વિજયતોરણ નીચે જઈ ચારે તરફ જતા માર્ગો જોઈએ. મને તીવ્ર ઇચ્છા હતી એ વિજયતોરણ નીચે જઈ ઊભા રહેવાની. અનિલાબહેને કહ્યું : અમે તો અહીં ઊભાં છીએ. તમારે જવું હોય તો જઈ આવો. રસ્તા પર એટલી બધી ગતિથી વાહનો જતાં હતાં કે તે ઓળંગવાનું સહેલું નહોતું. આખરે વિજયતોરણ નીચે જઈને ઊભવાની ઇચ્છા અધૂરી રહી.
પૅરિસમાં અમારું ત્રણ દિવસનું રાત્રિભોજન રમેશભાઈને ત્યાં હતું. અમારે માટે એ ઘણી મોટી અનુકૂળતા હતી. વિજયતોરણના પરિસરમાં સાંજ વિતાવ્યા પછી રમેશભાઈએ કહેલા નંબરની મેટ્રો ટ્રેન લઈ તેમના ઘરે પહોંચી ગયાં. રમેશભાઈ અને સરલાબહેને અત્યંત પ્રેમથી અમારું સ્વાગત કર્યું.
સરલાબહેને ગુજરાતી ભોજન પ્રેમથી જમાડ્યું. રમેશભાઈ-સરલાબહેન પૅરિસમાં વર્ષોથી છે. બીજા વિશ્વયુદ્ધ વખતે એમના પિતાજી પૅરિસમાં હતા. રમેશભાઈ ફ્રેન્ચ બરાબર બોલે. એમણે અમને અહીં શું શું જોયું – જોવાનું – તે બધી ચર્ચા કરી. પછી કહે એફિલ ટાવરને રાત્રે જોવો જોઈએ.
અમે પૂછ્યું : હવે અત્યારે?
એમણે કહ્યું : હા, હા – Paris by Night – એની તો વાત છે.
અમે કહ્યું : પણ અમે કેવી રીતે ત્યાં જઈએ?
રમેશભાઈએ કહ્યું કે હું તમને મેટ્રોમાં બેસાડી દઈશ. ટ્રેકાદેરો સ્ટેશને ઊતરી પડવાનું. એફિલથી હોટલ કુજા બહુ દૂર નહિ પડે.
રમેશભાઈ આગ્રહપૂર્વક અમને મેટ્રોમાં બેસાડી ગયા. એફિલનું શતાબ્દીવર્ષ હોવાથી અત્યારે રાત્રે લાઇટથી સજાવેલો હતો. દિવસે લોખંડનો લાગતો મિનાર અત્યારે રાત્રે પુષ્પસમ મૃદુ મુલાયમ લાગે. આગળના હોજમાં એનું આલોકિત પ્રતિબિંબ પડતું હતું, છેક ઉપરની ટોચ સુધીનું. વિરાટ આકાશની પશ્ચાદ્ભૂમાં જાણે એક એફિલ ઊભો છે.
કેટલાંબધાં પ્રવાસીઓ અને ફેરિયા આ પરિસરમાં હતાં. પૅરિસમાં રાત પડતાં — રાત પડતી નથી જાણે. અમને રમેશભાઈએ મેટ્રોમાં ન બેસાડી દીધા હોત તો એફિલનું આ રૂપ જોવા ન મળત.
એક વખત તો એવું લાગ્યું કે પૅરિસ એટલે એફિલ! દિવસ હોય કે રાત.