આચમની/૧૧: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧}} {{Poem2Open}} ગાંધીજીને મળવા આવેલા અમેરિકન નિગ્રો સાથેના મેળાપનું આ દૃશ્ય. એ મિલનનું દૃશ્ય ધ્યાન ખેંચે તેવું હતું. મોહનદાસ કે. ગાંધી અને અમેરિકન નિગ્રોનું યાત્રીજૂથ સામ-સામે ઊ...")
(No difference)

Revision as of 15:23, 17 March 2026

૧૧

ગાંધીજીને મળવા આવેલા અમેરિકન નિગ્રો સાથેના મેળાપનું આ દૃશ્ય. એ મિલનનું દૃશ્ય ધ્યાન ખેંચે તેવું હતું. મોહનદાસ કે. ગાંધી અને અમેરિકન નિગ્રોનું યાત્રીજૂથ સામ-સામે ઊભાં હતાં. પોતાના નિગ્રો મુલાકાતીઓમાં ગાંધીએ રસ લીધો હતો. અમેરિકન નિગ્રો પ્રત્યે તેમને ઊંડો અને સવિશેષ રસ હતો. આ મિલન પહેલાં ઘણાં વરસો અગાઉ, ૧૯૨૯માં અમેરિકન નિગ્રોને અભિનંદન આપતા સંદેશામાં તેમણે કહ્યું હતું :

‘પોતે ગુલામોના પૌત્રો છે એ માટે એક કરોડ વીસ લાખ નિગ્રોએ શરમાવું ન જોઈએ. ગુલામ હોવામાં કશી નામોશી નથી. ગુલામોના માલિક હોવામાં નામોશી છે. પણ ભૂતકાળનો આપણે માન અને અપમાન સંબંધે વિચાર કરવો ન જોઈએ. આપણે એ જાણી લેવું જોઈએ કે જેઓ સત્યનિષ્ઠ અને પ્રેમાળ છે તેમનું ભવિષ્ય ઊજળું છે, કારણ કે પુરાતન જ્ઞાનીજનોએ કહ્યું છે કે સત્ય જ સદા ટકી રહે છે. અસત્ય નહીં. પ્રેમ જ સહુને સાંકળે છે અને સત્ય તથા પ્રેમ તેમને જ ભાગે આવે છે જે ખરેખર નમ્ર છે.’

આ સંદેશો જુલાઈ ૧૯૨૯માં પ્રસિદ્ધ થયા પછી અનેક અમેરિકન નિગ્રોએ ગાંધીના નિવાસસ્થાનની યાત્રા કરી હતી. ૧૯૩૫માં બીજા પ્રશંસક જૂથે મુલાકાત લીધી હતી. ગાંધી અને મહેમાનોએ ‘ખ્રિસ્તીધર્મ : અત્યાચાર અને પ્રેમ’ વિષે થોડી ચર્ચા-વિચારણા કરી. પછી અચાનક અમેરિકન નિગ્રોને ગાંધીએ પોતાનાં પ્રિય ગીતોમાંથી એક ગીત ગાવાનું કહ્યું: ‘વેર યુ ધેર વ્હેન ધે ક્રુસિફાઈડ માય લોર્ડ ?’ આ જૂના કરુણ શબ્દો ઊઠ્યા અને વરદાનની જેમ, અભિશાપની જેમ, ઘૂઘવતી ભરતીની જેમ ઊછળવા લાગ્યા. તેની ભયાનકતા, તેની વ્યથા આ અકલ્પિત સ્થળ સંજોગોને કારણે વધુ તીવ્ર બની ગઈ. ‘મારા પ્રભુને તેમણે વધસ્તંભે ચડાવ્યા ત્યારે તમે ત્યાં હતા? તેમણે તેને વૃક્ષ સાથે જડી દીધા ત્યારે તમે ત્યાં હતા? આહ! કોઈ કોઈ વાર તે મને ધ્રુજાવે છે, ધ્રુજાવે છે, ધ્રુજાવે છે. મારા પ્રભુને તેમણે વધસ્થંભે ચડાવ્યા ત્યારે તમે ત્યાં હતા?’ સૈકાઓ સુધી હૃદયમાં સંઘરેલો અને દિવ્યતામાં પરિણમતો આ વિષાદ પાંખો પ્રસારીને ગાંધીના હૃદયમાં પહોંચી ગયો. ગાંધીએ સંદેશો મોકલ્યો ત્યારે માર્ટિન લ્યુથર કિંગની ઉંમર હતી છ વર્ષની. એકવીસ વર્ષ પછી ગાંધીની આગાહી અને ગાંધીની આશા વેદના અને પ્રેમ માર્ટિન લ્યુથર કિંગ રૂપે ઝળહળી ઊઠ્યાં. Template:રિઘ્ત્

***