સંચયન-૧૧: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 369: | Line 369: | ||
{{Right|<small>દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬</small>}} | {{Right|<small>દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬</small>}} | ||
</poem> | |||
}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Img float | style = | above = | file = Harshad Trivedi 4.jpg | class = | width = 175px | align = left | polygon = | cap = <small>જન્મ : ૧૭ જુલાઈ, ૧૯૫૮</small> | capalign = center | alt = }} | |||
{{Block center|<center><big><big>{{color|#DC143C|અવકાશની ઝાંખી}}</big></big></center> | |||
<center><big>{{color|#DC143C|હર્ષદ ત્રિવેદી}}</big></center> | |||
<poem> | |||
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી, | |||
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી. | |||
{{gap|3em}}ઘેન ગુલાબી અંધારું | |||
{{gap|6em}}ને સહજ મદિલી ગંધ, | |||
{{gap|3em}}રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન | |||
{{gap|6em}}સરી પડ્યા સૌ બંધ; | |||
જાત રહી ઓગળતી એણે મણા કશી ના રાખી, | |||
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી! | |||
{{gap|3em}}ક્યાંક ઊતરતું ધુમ્મસ | |||
{{gap|6em}}ચડતું ક્યાંક અમસ્થું વાદળ, | |||
{{gap|3em}}સરી રહ્યું છે પર્ણ ઉપરથી | |||
{{gap|6em}}બુંદ બુંદમાં ઝાકળ; | |||
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરા ય ઝાંખીપાંખી! | |||
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી! | |||
{{Right|<small>૧૭-૨-૯૭</small>}} | |||
</poem> | </poem> | ||
}} | }} | ||
Revision as of 02:12, 24 March 2026
॥ પ્રારંભિક ॥
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૧ : માર્ચ ૨૦૨૬
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૬
![]()
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
![]()
![]()
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૬
![]()
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ
॥ અનુક્રમ ॥
સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૧ : માર્ચ, ૨૦૨૬
સમ્પાદકીય
પરિચયનું વિધિવિધાન~ કિશોર વ્યાસ
કવિતા
મારા વ્હાલા ~ દેશળજી પરમાર
હંકારી જા ~ સુન્દરમ્
અવ ~ પ્રિયકાન્ત મણિયાર
હાથી ~ પ્રિયકાન્ત મણિયાર
આંસુ ~ ઉસનસ્
સાંજનો શમિયાણો ~ વેણીભાઈ પુરોહિત
એક-મેકના મન સુધી… ~ ગની દહીંવાલા
ફાગણનો ફાગ ~ મેઘબિંદુ
અવકાશની ઝાંખી ~ હર્ષદ ત્રિવેદી
વાર્તા
જવા દઈશું તમને.... ~ કુન્દનિકા કાપડીઆ
નિબંધ
ઐસા ભી હોતા હૈ! ~ રતિલાલ બોરીસાગર
વિવેચન
આધુનિક કવિતાની છંદોરચના ~ હરિવલ્લભ ભાયાણી
સર્જન ~ હરિવલ્લભ ભાયાણી
કલાજગત
‘હમ્પી’ — ડાયરીનું એક પાનું ~ વિવેક દેસાઈ
નોંધઃ મુખપૃષ્ઠ ઉપર આવેલ છાયાચિત્ર વિવેક દેસાઈ દ્વારા હમ્પી નગરનું છે.
॥ સમ્પાદકીય ॥
પરિચયનું વિધિવિધાન
આપણા સાહિત્ય સમારંભોનું આયોજન અને એની હવા ચોમેર પ્રસરતી જાય એમ ટૂંકાગાળામાં જ એ બેઠકનું સંચાલન કરનારના સંપર્ક-સંવાદ વક્તાઓ સાથે થવા લાગે છે. બેઠકના સંચાલકની વિનમ્રપણે એક જ માગણી હોય છે કે વક્તાનો લિખિત પરિચય બને એટલી ત્વરાથી મેળવી લેવો. વક્તાઓ હોંશે હોંશે એવા તૈયાર પરિચય મોકલી પણ આપતા હોય છે અને તરતમાં નવપ્રકાશિત પુસ્તકો, ઈનામઅકરામોની યાદીઓ ઉમેરી પણ આપતા હોય છે. આવી અધિકૃત જાત-માહિતી, તથ્યલક્ષી પરિચયવાળી હોય તો ઉત્તમ પરંતુ એ માહિતી આત્મરતિ કે આત્મપ્રશંસાથી લદાયેલી હોય ત્યારે સંચાલક એને સૂક્ષ્મ નજરે ચકાસતો કે સંકલિત કરવાની તૈયારી દાખવતો જોવા મળે છે ખરો? વળી, સમારંભ ટાણે સમયની ખેંચતાણ એવી હોય છે કે વક્તાએ મોકલેલા બૃહદ પરિચયના ફરફરિયાઓમાંથી શું કહેવું અને કેટલું કહેવું એની અસમંજસમાં સંચાલક અટવાઈ પડે છે અને વક્તાએ કરેલા અત્યંત મહત્ત્વના કાર્યો વિસારે પડી જાય છે. અન્ય વિગતો પ્રાધાન્ય ભોગવતી નજરે ચઢી આવે છે જે શ્રોતા લેખે બિરાજેલા સર્જકને ક્યારેક તો દિગ્મૂઢ કરી બેસે છે. જેને વક્તાના સમગ્ર કાર્યનો જરીજેટલો અંદાજ નથી એવા બેઠક સંચાલકો ‘નામ હી કાફી હૈ’ એમ જુદાજુદા અંદાજમાં વ્યકત થયાનો અનુભવ મોટાભાગના વકતાઓને થતો હોવાનો. ક્યારેક તો વક્તા સાથે આત્મીય સંબંધ કઈ રીતે વિકસિત થતો ચાલ્યો એનું પ્રસંગકથન પરિચયને સ્થાને આવી પડતું હોય છે. વકતાઓને જે સમયમર્યાદા ચીંધવામાં આવી હોય છે એવી જ, બલ્કે એનાથી ચુસ્ત સમયમર્યાદા સંચાલકે પાળવાની હોય છે પણ એકવાર કહેવા બેઠા પછી કશું બાકી ન રહે એમ માનનાર સંચાલકના તેજ, ગતિ અને ધ્વનિથી શ્રોતા દૂર થવા કે છટકી જવા મથતો હોય છે. સાહિત્યિક કાર્યક્રમોમાં સંચાલન કરનાર સાહિત્યરસિક હોય એ સાથે વકતાઓની બહુવિધ કામગીરીથી ક્યારેક અજાણ હોય તો પણ એમના નોંધનીય કામથી અવગત થવું નિર્દોષ, મુગ્ધ સ્થિતિ વચ્ચે અનિવાર્ય છે કેમકે એ એનું મહત્ત્વનું કામ છે. એક પ્રસંગે તો સરખા નામ ધરાવતા સર્જકનો સદ્ગત સર્જકરૂપે પરિચય આપવાનો આરંભ થયેલો ત્યારે એ સર્જક કરુણમિશ્રિત અવાજે બોલી ઉઠેલા કે : ‘એ તો અહીં વ્યાખ્યાન આપવા આવી નહીં શકે પણ, એના બદલે હું હાજર છું !’ જ્યોતિન્દ્ર દવેએ રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે રજૂ કરેલું હળવું કાવ્ય વક્તાને સતત યાદ આવતું રહે કે ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય’. સર્જક વકતાઓની લાંબી કારકિર્દી દરમ્યાન થયેલા પુસ્તકોની યાદીનું વાંચન, એમણે વિવિધ સંસ્થાઓમાં ભોગવેલા પદોની યાદી, વિધવિધ સંસ્થાઓના પુરસ્કારો કે એની જીવનલક્ષી વિગતો સંચાલક દ્વારા ક્યારેક એક વક્તવ્ય જેટલી ખેંચાતી હોય છે. એ સાવ બિનજરૂરી કે કાઢી નાખવા જેવી છે એમ નહીં પણ એ એવી સંતુલિત હોય કે વક્તાના વિષયપ્રવેશની માંડણી કરી આપે. વક્તાની સજ્જતા-સામર્થ્યને એ જિજ્ઞાસુ શ્રોતા સમક્ષ ખોલી આપનારી હોવી ઘટે. સંચાલકની કાવ્યપ્રીતિ, વક્તાઓ માટેના ભારઝલ્લા વિશેષણો અને એમના વાયવી પરિચય સમારંભની ગરિમાને, એના વાતાવરણને જે આભા પ્રાપ્ત થવી જોઈએ એનાથી ક્યાંયે દૂર ઘસડીને ફેંકી દે છે. ગોળના ગાડા સરખી અતિ પ્રશંસા અને અસ્પષ્ટ માહિતીથી સમારંભોના સંચાલકોએ સાવધ રહેવાની જરૂર છે. આજે હવે દૃશ્યમાધ્યમો અને ઉપકરણોની સવલતો વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ બની છે ત્યારે આવી પરિચય શૃંખલા ડીસ્પ્લે બોર્ડ પર ફરતી રાખી શકાય. નોટિસ બોર્ડ પર સર્જકોની તસવીર સાથે એમના સાહિત્યિક કાર્યનો વિગતે આલેખ રજૂ થતો ઘણી જગાએ જોવા મળે છે. નાનકડા સાહિત્યજૂથ હોય કે કોઈ મોટા સાહિત્ય સંમેલનો હોય, એ સઘળે કાર્યક્રમની દોરવણી કરનાર સંચાલકનું શુષ્ક, તૈયારી વિનાનું દીર્ઘસૂત્રી સંચાલન હોવાને બદલે જો એ પ્રવાહી, પારદર્શક અને સર્જકની સર્જકતા આસપાસ હશે તો કાર્યક્રમને એ પૂરક બની રહેશે.
- કિશોર વ્યાસ
॥ કવિતા ॥
![]()
જન્મ : ૧૩ જાન્યુઆરી, ૧૮૯૪
મૃત્યુ : ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૬
સાંજને સોણલે રસિયોજી જોયા,
જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા
પહેલે આંસુડે અંતર ઊઘડ્યું,
છલકી હૈયાની છોળઃ મારા વ્હાલા
બીજે આંસુડે હથેળી લઈને
ટચલી આંગળીએ લખું: મારા વ્હાલા
ત્રીજે આંસુડે જીવણ ચીતરું,
જીવણ ચીતર્યાં ન જાયઃ મારા વ્હાલા
ચોથે આંસુડે મુખડું હું માંડું,
આછેરે લોચન નીરઃ મારા વ્હાલા
પાંચમે આંસુડે આંખડી અરપું,
કીકી કાજળ કેરી ધારું: મારા વ્હાલા
છઠ્ઠે આંસુડે નાથજી નીરખું
નેને પાથરિયા પ્રાણઃ મારા વ્હાલા
છેલ્લે આંસુડે અંતર રડિયું,
તૂટી હૈયાની પાળઃ મારા વ્હાલા.
![]()
જન્મ : ૨૨ માર્ચ, ૧૯૦૮
મૃત્યુ : ૧૩ જાન્યુઆરી, ૧૯૯૧
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા. મારી o
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી
જનમભૂખીને જમાડી તું જા. મારી o
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી o
![]()
જન્મ : ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭
મૃત્યુ : ૨૫ જૂન, ૧૯૯૬
વ્હેલી પરોઢેથી મચ્યો અષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હુંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટૅન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલાં પલળેલ પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અવની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજુ પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે?
ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપરી વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુવાંટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચે નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈ ને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અવની શુંયે વિમાસણ -
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?
અચિંત ક્યાંથી
અહીં આમ હાથી?
તે વૃદ્ધ
કો પર્વતના સરીખો!
વહ્યું જતું ક્યાં વટવૃક્ષ ઝૂલતું?
રિક્ષા અને મોટરની વચે વચે
સરી જતી સાઇકલથી લપાઈ
પોચા પડ્યા ડામરપંથની પરે
સુકાયલાં કોઈક હાડકા શી
ચૂના સમી આ ઊડતી બપોરમાં
ધીરે રહીને પગલું શું પોચું
ધરે?
હવામાં દ્વય દંતુશૂલે
છિદ્રો પડે, આંખ અતીવ ઝીણી
મકાન ને માણસની છબીને
ઝીલે,
અરધી ઉઘાડી વળી બંધ એટલી
દુકાન ઢાંકે ખસ-ટટ્ટી સુક્કી,
નિરાંતથી લેમન લોક પીતાં
હોટેલમાં ને ભણતા સમે આ
નિશાળમાં તો સહુ છોકરાંઓ;
સિગારના ધૂમ્ર સમો વહી ગયો.
![]()
જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦
મૃત્યુ : ૬ નવેમ્બર, ૨૦૧૧
આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું
લાવણ્ય એવું, વડવાગિ્નિ ય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર દેવો
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!
નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને
તોયે ન પાર હજી કોઈ ગયેલ જાણું;
આ તો નરી જ મઝધાર બધે પ્રમાણું
ઘૂંટાયેલી ભરતીનું રૂપ માત્ર જેને
ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં,
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં
ના કો નિશાન શમણાંની ડૂબી તરીનું!
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને!
![]()
જન્મ : ૧ ફેબ્રુઆરી, ૧૯૧૬
મૃત્યુ : ૩ જાન્યુઆરી, ૧૯૮૦
સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
તગતગ તારક અંગારા પર
ભભરાવેલો
પ્રીતવિરહનો ધૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
મંદ મરુત ને ધૂમ્રસેર નિજ અંગ મરોડે...
આશાભંગ બની અટવાતી ઊંચે દોડે—
સુગંધ એની સર્યા કરે છે સોડે સોડે :
વહાલાં જેને જાય વછોડી
તે હૈયું ગુપચુપ જલે છે :
સમીસાંજના શમિયાણામાં...
તેજ–તિમિરની આછી આછી રંગબિછાતે,
મોતી વચકી જાય નયનથી વાતે વાતે—
ધબકારાના પડે હથોડા દિવસે-રાતે :
યૌવનનું ઉપવન છે સૂનું,
ને કામણના કૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાં...
ઊની ઊની આવનજાવન કરે નિસાસા,
સપનાંઓનાં કંઠ રહ્યા છે પ્યાસા પ્યાસા :
દિલને ગમતા નથી હવે તો કોઈ દિલાસા :
ઘેરી ઘેરી હસે ઉદાસી,
લીલું લીલું રૂપ જલે છે
સમીસાંજના શમિયાણામાં...
![]()
જન્મ : ૧૭ ઓગસ્ટ, ૧૯૦૮
મૃત્યુ : ૫ માર્ચ, ૧૯૮૭
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિદંગી, કહો એને પ્યારની જિદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈવરે જ કૃપા કરી;
કોઈ વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬
![]()
જન્મ : ૯ ડિસેમ્બર, ૧૯૪૧
મૃત્યુ : ૨ ઓગસ્ટ, ૨૦૨૧
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ?
કામણ કીધાં અહીં કેસૂડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ?
ફૂલની ફોરમને પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન,
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યા ને
ઝૂમે છે આખું ઉપવન.
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીએ...?
મઘમઘતી મંજરીની કાયા બદલાઈ
સાંભળીને વેણુ વસંતની,
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર
લ્હાણી કરે છે સુગંધની.
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ...?
દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.
ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;
જાત રહી ઓગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી!
ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરા ય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી!
૧૭-૨-૯૭