સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જશોદાનો દેવકીને સંદેશો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:51, 31 March 2026

૩. જશોદાનો દેવકીને સંદેશો

ભાલણ

ઉદ્ધવ કહેજો, દેવકીને એક વાત રે :
‘પુત્રતણાં સુખ અમો ભોગવ્યાં, હવે તમે થાઓ માત રે. ઉ૦
ખોળે બેસારી મેં ધવરાવ્યો, હસતું વદન મેં દીઠું રે
તે સુખ તો તમો નથી પામવું, અમૃત પેં અતિ મીઠું રે. ઉ૦
કરે કરી નવનીત માગતો પ્રેમે કરતાં લાડ રે,
તે સુખ તો તમો નથી દેખવું, જો હિમે ગાળો હાડ રે. ઉ૦
મુખ માંહે મુને દેખાડ્યું, તે ન દેખે બ્રહ્મા ઈશ રે,
તે સુખ તો તમે નથી દેખવું, જે શિવને ચઢાવો શીશ રે. ઉ૦
આંખ આંજતી ને તિલક કરતી, વહાલો અધવચ જાતો નાસી રે;
તે સુખ તો તમો નથી દેખવું, જો કરવત મૂકો કાશી રે. ઉ૦
ગિરિ ગોવર્ધન કર શું તોળ્યો, ગોકુલ રાખી ગાય રે;
તે સુખ તો તમો નથી દેખવું જે કનકે તોળો કાય રે. ઉ૦
રંગે રાતો, વાંસળી વાતો, રમતો અજીર મુઝાર રે,
તે સુખ તો તમો નથી દેખવું જો કોટિક લો અવતાર રે. ઉ૦
ગોપી જે વારે ઓલંભે આવતી, જૂઠો જૂઠો રોતો રે,
તે કૌતુક બ્રહ્માદિક આવી વિસ્મય પામી જોતો રે. ઉ૦
ગૌધન ચારી ઘેર આવતો ત્યારે દેતી સાંઈ રે,
તે સુખ આગળ સ્વર્ગને વૈકુંઠ મુજને ન ભાવે કાંઈ રે. ઉ૦
પુનરપિ દ્વાપર, ગોકુલ માંહે કહાનજી અવતરશે રે,
ત્યારે ભાલણ પ્રભુ રઘુનંદન અમશું એમ જ કરશે રે. ઉ૦

સ્વાધ્યાય

૧. ગોપીઓ કોને કોને કૃષ્ણ વિષે પૂછે છે? ભાળ કાઢવામાં નિષ્ફળ જતાં શું કરે છે?
૨. દેવકીને કૃષ્ણ શો ઉત્તર આપે છે?
૩. જશોદા દેવકીને શું કહેવરાવે છે? બંનેમાં કોનું ભાગ્ય મોટું?