સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મૃગચર્મ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:44, 15 April 2026

મૃગચર્મ

દેશળજી પરમાર

ક્રીડન્તી કન્યાની પુરપથઊંડી ચુંદડી સમી,
અરે આત્મા કૂંળા, અરવ તુજ છાયા પડી ગઈ :
મુજ સદન-ખંડે શમી રહી.
એની સુંવાળી પર હાથ ફેરવું, ને નેત્રથી કાવ્ય સરે દયાઝવ્યું.
વન તૃણાંકુર ને ઝરા ઊભા જોશે વાટડી;
વન્ય કો ના પેખશે તારી પરિચિત શીંગડી :
આ વ્હાલસોયાં મુખ પીઠ પાયનું ચાલી ગયું ચંચળ નૃત્ય ક્યારનું.
તું જે દિનાન્તે વનમાં વિંધાયલું ને મુત્યુની અન્તિમ યાતનામાં,
- બાણ કેરું છિદ્ર આ, ડોક આ મરડાયેલી,
આ રૂપેરી છાતીની યે કમ્પતી રોમાવલી,
વેરી-વિખેરી વળી અશ્રુમાળ તે : તે જોઉં છું સૌ, મૃગચર્મ તુંમાં!
અને સૌ જીવોનો ક્ષણિક ભવસંગાથ વસતો :
મને સમ્બન્ધોનો કપટપટુ સંમોહ ખસતો :
નયન તુજ ભગવો જ લસતો.

સ્વાધ્યાય

૧. મૃગચર્મને કવિ કોની જોડે સરખાવે છે?
૨. મૃગચર્મની ‘સુંવાળી’ પર હાથ ફેરવતાં ફેરવતાં કવિના મનની શી સ્થિતિ થાય છે તે વર્ણવો.
૩. મૃગની કોણ કોણ વાટ જોઈ રહ્યું હશે? આ કલ્પનાની તમારા મન પર શી અસર થઈ તે જણાવો.
૪. મૃગચર્મ ઉપરથી કવિ જીવન્ત મૃગની કલ્પનામાં સરી જઈ શું શું જુએ છે તે જણાવો.
૫. ‘વેરી-વિખેરી વળી અશ્રુમાળ તે’- આ પંક્તિની ખૂબીઓ સમજાવો.
૬. કાવ્યને અંતે કવિના મનની શી સ્થિતિ બની રહે છે તે જણાવો.