ગુજરાતી નારીસંપદા : કવિતા/આ મારું ઘર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:49, 22 April 2026

આ મારું ઘર

જિગીષા પટેલ

પહેલાં પણ મારું હતું
ને આજે પણ છે.
આ મારું ઘર...
પહેલાં સવારથી સાંજ સુધી
સાવ સૂનું, સાવ જ ખાલી
સન્નાટો ઓઢી ખાવા ધસતું
ડરાવતું મને આ મારું ઘર.
હમણાં તો ઘર થયાં કરે છે સળવળ સળવળ.
ઘરમાં જાગી ચહલપહલ
શાળા ઘરમાં, ઘરમાં ઑફિસ
દોડાદોડી પકડાપકડી
બધી સગવડ, અગવડ વચ્ચે,
તોય મને પ્યારું લાગે આ મારું ઘર!
નથી બારણે કોઈ ટકોરા
નથી આવતા મહેમાન-પરોણા
સંભળાય સતત બારીમાંથી કોયલ કેરા ટહુકા
હર્યુંભર્યું થઈ ગયું આ મારું ઘર!
બહાર બધે છે, બસ નિઃસાસા
હાશ! નો શ્વાસ વરતાય છે ઘરમાં.
સૌ સાથે કિલ્લોલ કરી
અંતર આનંદ ઉજવાય છે ઘરમાં.
હમણાં હમણાં
સાવ વિચાર્યું પણ નહોતું એવું એવું થાય છે.
પહેલાં તો ઘર સૂનું હતું પણ બહાર હવે સુનકાર દેખાય છે.
નથી આવવા દેવો એ સુનકારને મારા ઘરમાં
હા...
આ મારું ઘર
પહેલાં પણ મારું જ હતું ને આજે પણ છે.

***