ગુજરાતી નારીસંપદા : કવિતા/આવર્તન: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|આવર્તન|યામિની વ્યાસ}} {{center|<big><big>'''⯐'''</big></big>}} {{Block center|<poem> “હેં મા આવર્તન એટલે શું?” “આવર્તન એટલે ફરી ફરીને પાછું આવે એ ....” “રોજ વહેલા ઉઠવાનું - સ્કૂલ - હોમવર્ક...” “હા...હા... એટલે જ કહું છું...જ...") |
(No difference)
|
Revision as of 03:19, 22 April 2026
યામિની વ્યાસ
⯐
“હેં મા આવર્તન એટલે શું?”
“આવર્તન એટલે ફરી ફરીને પાછું આવે એ ....”
“રોજ વહેલા ઉઠવાનું - સ્કૂલ - હોમવર્ક...”
“હા...હા... એટલે જ કહું છું...જલ્દી કર... કશું અધૂરું નહિ મુકવાનું...”
દુનિયા આવર્તન પર ચાલે.
રસોઈ, રિવાજ, ફેશન બધું એનું એજ
ફરી ફરી ને નવા રૂપરંગ સાથે
વિજ્ઞાન કે કુદરત આવર્તન પર જ ચાલે
ખળખળ ઉછળતો સાગર તપે વરસાદ આવે
ખડખડ હસતી દીકરી મલકે માસિક આવે"
“તો મા આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનું એજ ફરી થોડું આવે?”
“હેં...હા...પણ કોઈનો જીવ બચાવતા આપણને શેર લોહી ચઢે એ આવર્તન જ કહેવાય”
“નાની ગુડ્ડુની પથારીમાં પ્લાસ્ટિક અને બાજુવાળા દાદાની પથારીમાં પ્લાસ્ટિક...!”
“હા...આવર્તન કહી શકાય.”
આવા આવર્તનના પાઠ શીખવતી મા મારી રાહ જોતી
..કદી મને સહેજ પણ આવતા મોડું થતું તો...
મા ની નજરમાં સર્જાતું પ્રતીક્ષાનું આવર્તન
પછી એ દીવો ધારતી
જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી
અને સર્જાતું પ્રકાશનું આવર્તન
એ મા ના ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી
પછી મા નો હાથ પકડી એના પ્રિય હીંચકે દોડી જતી
અને રચાતું વહાલનું આવર્તન
મારા નાના પગની ઠેસે મોટું આવર્તન અને
માના મોટા પગની ઠેસે નાનું આવર્તન
એનાથી ઉલ્ટું થતું તો અમે ખૂબ હસતાં
આમ હસતાં હસતાં એક દિવસ મા ના પગ ની ઠેસે
હીંચકો ઉપર ગયો...ગયો...ગયો...
પણ...પાછો ન આવ્યો...!
મા, આવર્તન પૂરું કરવાનું હોય!
તારું આ વર્તન જરાય ના ગમ્યું મા...!
હવે કેટલા દીવા ધારું??
***