દરિયાપારથી.../હાસ્ય વિષે પિષ્ટપેષણ: Difference between revisions
(+૧) |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ગુજરાત મારી | |previous = ગુજરાત મારી મારી રે | ||
|next = | |next = હરીચ્છા | ||
}} | }} | ||
Latest revision as of 06:06, 26 April 2026
ઇંગ્લૅંડનાં રાણી વિક્ટોરિયા માટે એક ઉક્તિ વપરાતી આવી છે – “અમે મનોરંજિત નથી થયાં.” એટલેકે, બધાંને મઝા પડે ને હસવું આવે એવી વાત રાણીને હસવા જેવી ના લાગતી. એ સ્વભાવે ગંભીર હતાં, ને તેથી, વિખ્યાત થયેલી આ ઉક્તિ એમના નામ સાથે જોડાઈ ગયેલી છે. ખરેખર કદાચ એમણે એવું કહ્યું ના પણ હોય. જોકે કહ્યું હોય તો પણ શું? કોઈ વાર આપણને પણ આવું કંઈક કહેવાની જરૂર નથી પડતી? સાવ સાધારણ કે મૂરખ જેવી વાત હસવા જેવી ના લાગે, તો તે સ્પષ્ટ રીતે જાહેર કરવા માટે કોઈએ રાણી કે રાજા બનવું પડતું નથી. હા, કદાચ થોડા બુદ્ધિમાન કે વિચારશીલ જરૂર બનવું પડતું હોય છે. આપણી ભાષામાં જાતજાતના સરસ શબ્દો છે – ટુચકા, રમૂજ, મજાક, ઠઠ્ઠો, ને પછી ઉપહાસ, પરિહાસ, કટાક્શ, વિકૃત હાસ્ય. અંગ્રેજીમાં જે ‘હ્યુમર’ છે તે આપણે ત્યાં ‘વિનોદ’, તથા અંગ્રેજીનો ‘વિટ’ શબ્દ ‘વાક્ચાતુર્ય’ બને છે. હાસ્ય-પ્રકારના ક્શેત્રમાં દરેક શબ્દ સૂક્શ્મ રીતે જુદી જુદી એવી છાયા દર્શાવતો રહે છે. ઉપરાંત, એમનાં અર્થ તેમજ અસરનો આધાર ઘણી વાર સમય અને સંજોગો પર રહેતો હોય છે. હસવું અને હસાવવું – એ લાગે છે તેટલી સરળ બાબત નથી. કોઈ પોતાના અનુભવો – હાસ્યજનક કે કરુણ કે મુશ્કેલ -ની વાત કરીને હસતું કે હસાવતું હોય તો વાંધો નહીં, પણ જો કોઈ બીજું એ વાત કરી હસવા કે હસાવવા માંડે તો તે મશ્કરી બની જાય છે, અને તેથી અપમાનજનક ને દુઃખજનક બની જાય છે. જીવનમાં હસવું જેટલું જરૂરી છે તેટલું જ હસાવવું અઘરું છે. દરેક વ્યક્તિની હાસ્ય માણવાની કક્શા જુદી હોય છે. કોઈને છગન-મગનના ટુચકાથી ચાલે, કોઈને સાધારણ જોક્સ ગમે, કોઈ ‘ચાંપલાશ’થી ખુશ થતું રહે, તો કોઈને ‘હોશિયારી ભરેલા’ લતીફામાં જ રસ પડે. આવી વિભિન્ન કક્શાવાળી અનેક વ્યક્તિઓથી બનેલા શ્રોતાગણને કોઈ પણ એક હાસ્યકાર કઈ રીતે સંતોષી શકે?, કે આનંદ પમાડી શકે? હા, સાંભળતી વખતે હસવું આવે પણ ખરું, છતાં અણગમાનો ભાવ બહુ દૂર નથી હોતો. “એમાં શું? બુદ્ધિ બહાર મૂકીને જવાનું” – જેવી દલીલ બધાંને ગળે ઊતરી નથી શકતી. ઘણાં જણને માટે ફક્ત સાધારણ મનોરંજન કરતાં બૌદ્ધિક વ્યાયામની અગત્ય વધારે હોઈ શકે છે. એક માન્યતા એવી છે કે વયની સાથે સાથે અનુભવ તેમજ આસ્વાદ અંગે પાકટતા પણ વધે તે ઈચ્છનીય છે. “સાધારણ મનોરંજન”ની બાબતમાં એવું બનતું હોય છે કે કોઈ એક પાર્ટીમાં જાય, ત્યાં ઘણું હસે, ‘બહુ મઝા પડી’ એમ વિચારે, પણ પૂછો તો કહી ના શકે કે કેમ મઝા પડી. ઉપરછલ્લી મઝા એટલી જ જલદી ભુલાઈ જતી હપોય છે. તો શું એમ જ માનવાનું કે “એ તો આમ જ હોય?” દીર્ઘકાલીન સંતોષની આશા શું અસ્થાને જ ગણાય? વળી, હાસ્ય મોટે ભાગે પ્રાસંગિક હોય છે. એ પ્રસંગ કે વિગત નહીં જાણનારાં એને માણી નથી શકતાં -બલ્કે મુંઝાઈ અને કંટાળી જાય છે. આપણા મનપસંદ ટેલિવિઝન કાર્યક્રમો આપણે મહેમાનોની હાજરીમાં જોઈ શકીએ છીએ? જોકે આ યુગ વૈશ્વિક માધ્યમોનો થઈ તો ગયો જ છે. ઘણી વાર, ભાષા કે ઉચ્ચાર ના સમજાય ત્યારે શારીરિક હાવભાવ હાસ્યપ્રેરક બની શકે છે, પણ તે કેટલી વાર માટે? અરે, લૉરેલ અને હાર્ડીની પ્રહસનીય રજૂઆત પણ પછીથી થકવી દેવાની. પાત્રને કોઈ નાની ખોડ આપીને પ્રેક્ષકોને હસાવવાનો પ્રયત્ન સાધારણ નાટકોમાં ઘણી વાર જોવા મળ્યો જ હશે. ખાસ કરીને નોકરના પાત્રને. ભજવનારો માણસ મંચ પર શરૂઆતમાં આમથી તેમ જમણો ખભો કે હાથ મચડતો, અથવા પગે લંગડાતો જતો હોય. પણ પછી તેમથી આમ જાય ત્યારે વળી ડાબો હાથ કે પગ હલાવવા માંડી ગયો હોય. ધ્યાનથી જોનારાં આ બેકાળજી પર ઉપહાસનું હસે છે. આ પછી આવાં અધકચરાં નાટક પાસેથી, સંવાદોમાંથી મળતા હાસ્યની આશા રાખવી કે નહીં? હાસ્યને માણવા માટે હંમેશાં મોટો સમુહ કે જાહેર કાર્યક્રમ જ જરૂરી નથી હોતો. મિત્રો સાથે – ને અજાણ્યાં સાથે પણ – વાતચીતમાં ક્યારેક એવાં સરસ વિનોદ, અને ચતુર પ્રત્યુત્તરી સર્જાઈ જતાં હોય છે, કે સાદી ક્શણો વિશિષ્ટ બની જાય છે. હું પોતે આવી તકો માટે ઉત્સુક રહેતી હોઉં છું. ધારી કે અણધારી એવી તક મળી જાય ત્યારે બહુ મઝા આવી જતી હોય છે. વાતચીતોમાં અને વ્યાખ્યાનો દરમ્યાન ઘણી વાર સરળતાથી વિનોદ કરી શકાતો હોય છે, અને તત્કાળ પ્રત્યુત્તરની આપ-લે પણ સફળતાથી થઈ શકતી હોય છે, છતાં એ સ્પષ્ટ છે કે એમાંનું કશું વાચકોને હસાવવા માટે ઉપયુક્ત નથી હોતું. કારણ એ કે વિનોદનો ભાવ ઉચ્ચારિત શબ્દ અને લેખિત શબ્દ- એ બંનેમાંથી જુદી જુદી રીતે પસાર થતો હોય છે. બોલવાની છટા દ્વારા જે વાત કે વિગત વિનોદી કે હાસ્યકર લાગે છે, તે કદાચ કાળા અક્શરમાં ના પણ લાગે. પોતે કરેલા ગોટાળા કે છબરડા વિષે લખવાનું મન ઘણાંને થતું હશે, પણ વાંચવામાં એ ભાગ્યે જ હાસ્ય-સાહિત્ય જેવું બનવાનું. વળી, આપણે ઘણું હસીએ, ને મઝા કરીએ, પણ ક્યારેક એ જાણ પણ થતી જ હોય છે કે હાસ્યની પછીતે બહુ વાર રુદન રહેલું હોય છે. જેમકે, બાળકને ખાલી ખાલી રડતું જોઈ આપણે હસીએ છીએ, ને એને ખિલખિલ હસતું જોઈ આર્દ્ર બનીએ છીએ. દરેકના જીવનમાં જો હાસ્ય આવશ્યક છે તો શોક અનિવાર્ય છે. જેમ જીવન આગળ વધે તેમ હસવા ને રડવાનાં બે પાસાં કોઈ જટિલ ને અગમ્ય રીતે જોડાતાં જતાં લાગે છે. વિનોદમાંના ગાંભીર્યને વિષે સામાન્ય વ્યક્તિ પણ વિચાર કરી શકે છે. એ માટે રાણી કે રાજા થવું પડતું નથી.