માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૭: Difference between revisions
(+૧) |
(+૧) |
||
| Line 31: | Line 31: | ||
“યદુશ્રેષ્ઠ, આપની વીરતાને કોણ નથી જાણતું? આપે અનેક યુદ્ધોમાં અદ્વિતીય પરાક્રમ દાખવ્યું છે. પણ આ મહાયુદ્ધ તો સહુથી નિરાળું થશે. આપ જો મહારાજા દુર્યોધનને પક્ષે લડશો તો યુગો સુધી આપની કીર્તિ ગવાશે. કૃષ્ણ તો શસ્ત્ર ધારણ કરવાના નથી, એટલે તેમનો સામનો કરવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો. આપનું યુદ્ધકૌશલ્ય નિહાળવાનો અમને અવસર આપો, બળભદ્ર!” | “યદુશ્રેષ્ઠ, આપની વીરતાને કોણ નથી જાણતું? આપે અનેક યુદ્ધોમાં અદ્વિતીય પરાક્રમ દાખવ્યું છે. પણ આ મહાયુદ્ધ તો સહુથી નિરાળું થશે. આપ જો મહારાજા દુર્યોધનને પક્ષે લડશો તો યુગો સુધી આપની કીર્તિ ગવાશે. કૃષ્ણ તો શસ્ત્ર ધારણ કરવાના નથી, એટલે તેમનો સામનો કરવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો. આપનું યુદ્ધકૌશલ્ય નિહાળવાનો અમને અવસર આપો, બળભદ્ર!” | ||
કૃપાચાર્યનાં વચનો સાંભળી પહેલાં તો બળરામને હસવું આવ્યું. પણ એ હસી ન શક્યા. ગમે તેટલા કોમળ રહેવાનો પ્રયત્ન કરવા છતાં એમના અવાજમાં કરડાકી આવી ગઈ. કહ્યું : | કૃપાચાર્યનાં વચનો સાંભળી પહેલાં તો બળરામને હસવું આવ્યું. પણ એ હસી ન શક્યા. ગમે તેટલા કોમળ રહેવાનો પ્રયત્ન કરવા છતાં એમના અવાજમાં કરડાકી આવી ગઈ. કહ્યું : | ||
“આચાર્ય, મહાયુદ્ધમાં ભાગ લઈ અમર કીર્તિ રળવાની વાત તમારી પાસેથી નવી સાંભળી. તમને પણ યુદ્ધનો ઠીક ચસકો ચડ્યો લાગે છે. ભલા, ક્ષત્રિયોનો તો લોહી રેડવાનો ધંધો છે અને એ ભાઈ ભાઈનાં ગળાં કાપતા આવ્યા છે. પણ તમે આવા વિપ્રશિરોમણિ, આવા વિદ્વાન, શું જોઈને લડાઈમાં કૂદી પડ્યા છો? તમે, આચાર્ય દ્રોણ, આ તમારો ભાણિયો અશ્વત્થામા આમ ક્ષત્રિયોની હરીફાઈ કરવા માંડશો તો આ દેશનું બ્રહ્મતેજ ક્યાં જશે? કે તમે જ એને ખાડમાં નાખવા બેઠા છો?” | |||
કૃપાચાર્ય થરથરી ઊઠ્યા, અશ્વત્થામાના ચહેરા પર લોહી ધસી આવ્યું. પણ છેલ્લો ઘા હજી બાકી હતો. બળરામે ન શમાવી શકાય, ન દબાવી શકાય એવી નફરતથી હોઠ ભીંસી કહી નાખ્યું : | કૃપાચાર્ય થરથરી ઊઠ્યા, અશ્વત્થામાના ચહેરા પર લોહી ધસી આવ્યું. પણ છેલ્લો ઘા હજી બાકી હતો. બળરામે ન શમાવી શકાય, ન દબાવી શકાય એવી નફરતથી હોઠ ભીંસી કહી નાખ્યું : | ||
“યાદ રાખજો, આચાર્ય, બ્રાહ્મણ ઊજળો રહે છે ત્યારે સૂર્ય પણ એના જેવો ઊજળો નથી હોતો. પણ કાળો ધબ થઈ જાય છે ત્યારે રાહુ કરતાં પણ વધારે કાળો ને નપાવટ બને છે. તમે તમારા કપાળે કાળાં ટીલાં ચીતરતાં પહેલાં ચેતો તો સારું, મારી કીર્તિ પડી ચૂલામાં. તમારું કલંક કાયમનું ન રહી જાય એ જોજો!” | “યાદ રાખજો, આચાર્ય, બ્રાહ્મણ ઊજળો રહે છે ત્યારે સૂર્ય પણ એના જેવો ઊજળો નથી હોતો. પણ કાળો ધબ થઈ જાય છે ત્યારે રાહુ કરતાં પણ વધારે કાળો ને નપાવટ બને છે. તમે તમારા કપાળે કાળાં ટીલાં ચીતરતાં પહેલાં ચેતો તો સારું, મારી કીર્તિ પડી ચૂલામાં. તમારું કલંક કાયમનું ન રહી જાય એ જોજો!” | ||
Latest revision as of 01:21, 28 April 2026
એક તરાપો છે. જીર્ણ, જર્જર ખોખરા વાંસનો તરાપો. ન સઢ, ન સુકાન. એ તરાપાને એક તણખલાની જેમ ઘૂઘવતાં પાણી ખેંચી જાય છે, વમળમાં ઘૂમરી ખવડાવે છે, વળી લોઢ પર ઉછાળી કિનારાના ભેંસિયા પથ્થર માથે અફાળી મારવા ધસે છે. આ મલોખા જેવા તરાપા પર એક આદમી ઊભો છે. સામે મોત જડબાં ફાડીને વાટ જોઈ રહ્યું છે. તોફાની પ્રવાહ, પાગલ અરાજકતા, સર્વનાશ. પણ આ પ્રવાહો પર ઊડતાં શીકરો ક્યાંક મેઘધનુ રચે છે. પેલો આદમી સામે ધસી આવતા મોતની પરવા નથી કરતો, મેઘધનુના રંગો નિહાળે છે. જમરાજની વિકરાળ દાઢને લેખતો નથી, તેના શિરે કમળ જેવા એક સ્વપ્નની કલગી નાચતી આવે છે, એ જોવામાં તે તલ્લીન છે. પણ તેથી કાંઈ મૃત્યુની ભયાનકતા ઘટે? જીવનનું કમળ ખીલી ઊઠે? બળરામને ઘણી વાર આવું સ્વપ્ન આવતું. તે ઝબકીને જાગી જતા. તેમને થતું કે કૃષ્ણ આવા તરાપા પર સવાર થઈ મોતના મુખમાં ધસી રહ્યો છે. તેમને ચિંતા થઈ પડતી. ત્યાં પેલા મેઘધનુના રંગો સ્વર બનીને ગુંજી રહેતા. રેવતીનો સ્વર સંભળાતો : “રામ, ગોપાલની બહુ ચિંતા થાય છે?” “હા, રેવતી.” “એનું કારણ છે, રામ, તમે મોટા ભાઈ તરીકે એક રક્ષાકવચ ધારીને બેઠા છો, અને એ પડળ બની જાય છે. તમે ગોપાલને બહુ ચાહો છો ને! આ ચાહના જ તમારી આંખો પર અંધારી બની બેસે છે.” “તેને યુદ્ધમાંથી પાછો વાળવાનું મને મન થાય છે.” “પણ ગોપાલ તો યુદ્ધમાં છે જ નહીં.” "રેવતી!” “મારી જેમ જરા ઊંચે આવીને જુઓ તો, રામ! તમને દેખાશે : સમુદ્રમંથનનાં વિકરાળ મોજાં જ માત્ર નહીં, એ મોજાં વચ્ચેથી ખભા પર અમૃતકુંભ લઈ આવતા ધન્વંતરિ.” “તારા જગતને સ્વપ્ન ગણવાની મારી હવે હિંમત નથી રેવતી, પણ મારી ધરતી હજી એનાથી આઘી છે. મારા હાથની પકડમાં ન આવે તેને સ્વીકારતાં હું પાછો પડું છું.” “એ તો પાપા પગલી ભરતા ને પડી જતા બાળક જેવું છે. બાળક વારંવાર પડી જાય. તેથી કાંઈ એ ચાલી જ નહીં શકે એમ કહેવાય? એ ચાલશે, દોડશે.” “પણ ક્યારે? તું છો એટલે એક સેતુ બંધાઈ ગયો છે. મેઘધનુની જેમ તે મારી સામે ખીલી ઊઠે છે. તેના પર હું નજર દોડાવી શકું છું, નક્કર પગલાં માંડી શકતો નથી.” “તમને એક ટેવ પડી ગઈ છે. સ્થૂળને જ નક્કર માનવાની ટેવ. સૂક્ષ્મ પણ એટલું જ નક્કર છે તે સમજાશે ત્યારે તમારાં પગલાં અસ્થિર નહીં પડે. તમે બહુ પૃથક્કરણ કરો છો, રામ, એટલે આ અખંડ વિશ્વ સાથેનું તમારું પૃથકૃત્વ ઘટતું નથી. આ ટેવ ક્યારે છોડશો?” “તારી સતત હાજરી ક્યારે અનુભવાશે?” “સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેની તમારી એકવાક્યતા સતત રહેશે ત્યારે.” “રેવતી, તને ખબર છે ને કે હું તીર્થયાત્રાએ જવાનો છું? યુદ્ધમાં ભાગ ન લેવાનો મેં નિર્ણય કર્યો છે. એક તરફ યુદ્ધ ખેડાતું હશે ત્યારે બીજી તરફ ખેતીનાં, વિદ્યાનાં, માણસાઈનાં થાણાં હું નાખતો રહીશ. તારું સ્વપ્ન થોડુંઘણું પણ સાકાર કરી શકું તો. -” આ ક્ષણે બહારથી અવાજો આવવા લાગ્યા. એકસાથે ઘણાં માણસોનાં ભારેખમ પગલાં સંભળાયાં. બળરામનું ધ્યાન તૂટી ગયું. સ્થૂળ અને સૂક્ષ્મના ઉંબર વચ્ચેથી તે સ્થૂળની ઓરડીમાં ફેંકાઈ ગયા. સૂક્ષ્મનાં બારણાં દેવાઈ ગયાં. બળરામ ધીરે ધીરે ઊભા થયા, બહાર આવી જોયું તો દુર્યોધન અને તેના સાથીદારો જોરશોરથી વાતો કરતા આવતા હતા. તેમાં કૃપાચાર્ય અને અશ્વત્થામા પણ હતા. બળરામે પગથિયા પર ઊભા રહી તેમનું સ્વાગત કર્યું. આગતાસ્વાગતા પૂરી થઈ. સહુએ આસન ગ્રહણ કર્યાં. દુર્યોધને અવાજમાં મમત્વ અને આગ્રહ ભરી કહ્યું : “આપે મારી એક વિનતિનો સ્વીકાર કરવો પડશે, મહાબાહુ, મને ના પાડશો તે નહીં ચાલે. આપના પર મારો અધિકાર છે : આપના સ્નેહીને હિસાબે, આપના શિષ્યને નાતે.” બળરામે દુર્યોધનને મિથિલાના નિવાસ દરમિયાન ગદાયુદ્ધ શીખવ્યું હતું. દુર્યોધનની ચપળતા અને કુશળતાએ તેમનું મન જીતી લીધું હતું. દુર્યોધન તેમને જરા વધુ પડતો હઠીલો અને માથાભારે લાગતો, પણ પોતાની જેમ તે તડ ને ફડ કરનારો હતો. ચોળીને ચીકણું કરનારા પાંડવો કરતાં એ બળરામને વધુ ગમતો. દુર્યોધન પણ બળરામના હૃદયમાં પોતાનું શું સ્થાન છે તે બરાબર જાણતો હતો. તેણે એવા અધિકારથી વાત મૂકી કે સ્નેહને વશ થઈ બળરામ ના ન પાડી શકે. બળરામે એ પામી જઈ કહ્યું : “દુર્યોધન, પહેલાં એ કહે, તું કૃષ્ણને મળ્યો? કૃષ્ણે શું કહ્યું?” “કૃષ્ણને અર્જુન સિવાય બીજું કોણ દેખાય છે, મહાબાહુ? કૃષ્ણ સમજતા હોય તો જોઈએ શું?” પણ કૃષ્ણ વિરુદ્ધ અહીં કાંઈ પણ કહેવું એ પોતાના હિતમાં નથી તે જાણી લઈ દુર્યોધને વાતને પલટો આપ્યો : “પણ એટલું કહેવું પડશે. કૃષ્ણમાં ન્યાયબુદ્ધિ છે એ ચોક્કસ.” પછી પોતે અને અર્જુન કૃષ્ણને કેવી રીતે મળ્યા તેનું વર્ણન કરતાં દુર્યોધને કહ્યું : “કૃષ્ણના ખંડમાં મેં પ્રવેશ કર્યો ત્યારે તે સૂતા હતા. અમારા આવવાની ખબર આગળથી હોય, ન પણ હોય. હું તો માથા પાસેના આસન પર બેસી ગયો. ત્યાં આવ્યો અર્જુન. એ પગ પાસે ઊભો રહ્યો. અમે વાસુદેવના જાગવાની રાહ જોવા લાગ્યા. કૃષ્ણે આંખો ખોલી, ને પહેલાં કોને જોયો? અર્જુનને જ જુએ ને! એ તેમના સાવ પગ પાસે. પછી મારી તરફ ફરીને જોયું. અને તેમનું જાદુભર્યું સ્મિત કર્યું. કૃષ્ણે તો શરત મૂકી કે એક પક્ષે પોતે નિઃશસ્ત્ર બની ભાગ લેશે, બીજા પક્ષે નારાયણી સેનાને સુપરત કરશે. બેમાંથી એકની અમારે પસંદગી કરવાની હતી. કૃષ્ણે પહેલી તક અર્જુનને આપી. તેણે કૃષ્ણને માગી લીધા. મને સેના મળી. કૃષ્ણ તો મારા ભાગ્યમાંથી ગયા, પણ આપ તો છો! હવે આપ હાથમાં ગદા ધારણ કરી મારા પડખે ઊભા રહો તો આ જગતમાં મારે બીજું કાંઈ ન જોઈએ.” દુર્યોધનના ચહેરા પર નારાયણી સેના મળી તેની પ્રસન્નતા હતી. તેની ટેવ પ્રમાણે તે સાથળ પહોળા કરી તેના પર બંને હાથ ટેકવી બેઠો હતો. બળરામ શું કહે છે તે સાંભળવા જરા આગળ નમી તે બોલ્યો : “દેવ, હું ના સાંભળવા નથી આવ્યો. આપની પાસેથી તો નહીં જ.” “જો, દુર્યોધન,” બળરામે ચોખ્ખીચટ વાત કરતાં કહ્યું : “તને ખબર છે કે કૃષ્ણ વિના હું એક ક્ષણ પણ ન રહી શકું. અને કૃષ્ણની સામે ઊભા રહેવાની વાત તો કોઈ કલ્પેયે ન બને. એટલે એ વાતનાં ફીફાં ખાંડીશ મા. તું તારે ક્ષત્રિયને છાજે એવું ધર્મયુદ્ધ લડી લે! તને હવે બીજું કાંઈ કહેવાનો અર્થ નથી. કૃપાચાર્યને થયું કે પોતે પણ જરા આગ્રહ તો કરવો જોઈએ. દુર્યોધનની આંખથી અનુમતિ પામી તે બોલ્યા : “યદુશ્રેષ્ઠ, આપની વીરતાને કોણ નથી જાણતું? આપે અનેક યુદ્ધોમાં અદ્વિતીય પરાક્રમ દાખવ્યું છે. પણ આ મહાયુદ્ધ તો સહુથી નિરાળું થશે. આપ જો મહારાજા દુર્યોધનને પક્ષે લડશો તો યુગો સુધી આપની કીર્તિ ગવાશે. કૃષ્ણ તો શસ્ત્ર ધારણ કરવાના નથી, એટલે તેમનો સામનો કરવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો. આપનું યુદ્ધકૌશલ્ય નિહાળવાનો અમને અવસર આપો, બળભદ્ર!” કૃપાચાર્યનાં વચનો સાંભળી પહેલાં તો બળરામને હસવું આવ્યું. પણ એ હસી ન શક્યા. ગમે તેટલા કોમળ રહેવાનો પ્રયત્ન કરવા છતાં એમના અવાજમાં કરડાકી આવી ગઈ. કહ્યું : “આચાર્ય, મહાયુદ્ધમાં ભાગ લઈ અમર કીર્તિ રળવાની વાત તમારી પાસેથી નવી સાંભળી. તમને પણ યુદ્ધનો ઠીક ચસકો ચડ્યો લાગે છે. ભલા, ક્ષત્રિયોનો તો લોહી રેડવાનો ધંધો છે અને એ ભાઈ ભાઈનાં ગળાં કાપતા આવ્યા છે. પણ તમે આવા વિપ્રશિરોમણિ, આવા વિદ્વાન, શું જોઈને લડાઈમાં કૂદી પડ્યા છો? તમે, આચાર્ય દ્રોણ, આ તમારો ભાણિયો અશ્વત્થામા આમ ક્ષત્રિયોની હરીફાઈ કરવા માંડશો તો આ દેશનું બ્રહ્મતેજ ક્યાં જશે? કે તમે જ એને ખાડમાં નાખવા બેઠા છો?” કૃપાચાર્ય થરથરી ઊઠ્યા, અશ્વત્થામાના ચહેરા પર લોહી ધસી આવ્યું. પણ છેલ્લો ઘા હજી બાકી હતો. બળરામે ન શમાવી શકાય, ન દબાવી શકાય એવી નફરતથી હોઠ ભીંસી કહી નાખ્યું : “યાદ રાખજો, આચાર્ય, બ્રાહ્મણ ઊજળો રહે છે ત્યારે સૂર્ય પણ એના જેવો ઊજળો નથી હોતો. પણ કાળો ધબ થઈ જાય છે ત્યારે રાહુ કરતાં પણ વધારે કાળો ને નપાવટ બને છે. તમે તમારા કપાળે કાળાં ટીલાં ચીતરતાં પહેલાં ચેતો તો સારું, મારી કીર્તિ પડી ચૂલામાં. તમારું કલંક કાયમનું ન રહી જાય એ જોજો!” દુર્યોધનને થયું કે હવે વધારે વખત રોકાવામાં સાર નથી. કૃપાચાર્ય અને અશ્વત્થામાને શાંત રહેવા તેણે ઇશારો કર્યો. ઉતાવળે ઊભો થયો. બળરામના ચરણને સ્પર્શ કરી કહ્યું : “મહાબાહુ, આપ કદાચ નહીં માનો, પણ મારી તો એકલવ્યની ગુરુભક્તિ છે. એ આચાર્ય દ્રોણની પ્રતિમા રાખી બાણવિદ્યા શીખ્યો હતો. હું આપની કલ્પનામૂર્તિ સામે રાખી યુદ્ધ કરીશ. આપ મારાથી કેવી રીતે દૂર રહી શકશો?” બળરામને થયું કે નારાજ થયેલા દુર્યોધને ક્યાંક તીવ્ર કટાક્ષનો ઘા તો નથી કરી લીધો? એકલવ્યની ગુરુભક્તિ સાચી પણ આચાર્ય દ્રોણે ગુરુદક્ષિણામાં શું માગી લીધું? તેના જમણા હાથનો અંગૂઠો. પણ એમાં જગતના શ્રેષ્ઠ બાણાવળી થવાની અર્જુનની લાલસાએ ઓછો ભાગ નહોતો ભજવ્યો. અજોડ બાણાવળી હતો એ વનવાસી. અને એનો લોહીઝરતો અંગૂઠો જોઈ અર્જુન ખુશ થઈ ગયો હતો! બળરામની વનવાસીઓ પ્રત્યેની પ્રીતિ જાણીતી હતી. દ્રોણની જેમ બળરામ શિષ્યને અસહાય કરી મૂકતા હતા? દ્રોણ પરનો રોષ અર્જુન પર ઢળે તો દુર્યોધનને એ ભાવતી વસ્તુ હતી. બળરામે મનોમન કહ્યું : ચોર ચોરના સરદાર ભેળા થયા છે. પણ એમાં કૃષ્ણ શા માટે કૂદી પડતો હશે? શા માટે? દુર્યોધને વિદાય લીધી એટલે તે અંદરના ખંડમાં ચાલ્યા ગયા. ચિત્તને શાંત કરી બેઠા. બળરામે પોતાનામાં એક ફેરફાર અનુભવ્યો હતો. પહેલાં તો ઉત્તાપ સહેજે શમતો નહીં. રોષની જ્વાળાઓ ક્યાંય સુધી મનને દઝાડ્યા કરતી. પણ હવે જાણે કોઈ જાળી ખૂલી ગઈ હતી. તાજી શીતળ હવાની લહરી આવતી, મન શાંત થઈ જતું. એટલું જ નહીં ધીરે ધીરે એક તેજની સીડી ઊતરી આવતી. મન તેના પર ચડવા માંડતું. વધુ હળવું ને મોકળું થતું. ભોંયતળિયાના બંધિયાર, અવાવરુ, ભેજિયા વાતાવરણમાંથી બળરામ જાણે આકાશમાં વિહરવા લાગતા. રેવતીનો અપાર્થિવ આકાર ધૂપસળીની રેખા સમો તેમને વીંટળાઈ વળતો. બળરામે રેવતીની હાજરી અનુભવી. સ્વર સાંભળ્યો : “રામ, વંટોળ ચાલ્યો ગયો?” બળરામને હસવું આવ્યું. સાથે ગ્લાનિ થઈ આવી. કહ્યું : “એ વંટોળ કોઈ વેરાનમાં ઘૂમરી ખાતો ગયો હોત તો કશો વાંધો નહોતો, રેવતી! પણ, એ તો મહાનગરીમાં ગયો છે. અનેક મકાનોનાં છાપરાં ઉડાડી મૂકશે.” “પણ સૂરજને તો એ ધૂળથી ઢાંકી નહીં શકે, ખરું ને રામ?” બળરામને ભાગે એકીસાથે વર્તમાનમાં અને શાશ્વતીમાં જીવવાનું આવ્યું હતું અને બંને વચ્ચે સમતોલપણું જાળવવું મુશ્કેલ હતું. પણ રેવતી કહેતી : “રામ, તમે કંઈ અપવાદ નથી. દરેક માણસમાં બે પંખી સાથે જ વસે છે. એક અહીંનો દાણો ચણે છે, બીજું આકાશમાં ઊડે છે. પણ આકાશના પંખીનો અહીં કોણ ભાવ પૂછે છે? એના ટહુકાને કોણ ઝીલે છે? કોણ એની સંગાથે આભના સીમાડા માપવા ઊડી નીકળે છે? પણ કોઈક ધન્ય પળે અત્યંત જડ પ્રકૃતિના જીવમાં આ પંખી કલશોર કરી મૂકે છે. ચણનું ખેતર, તરણાંનો માળો અને માટીની ઠીબ પછી નજરને બાંધી નથી શકતાં, સામેનું ધુમ્મસ ઢગલો થઈ પડે છે અને નીલ આકાશમાં એક નીલ બિંદુ બની રહે છે માનવનો પ્રાણ. પણ ફરી કાળું ઢાંકણ દેવાઈ જાય છે. માનસનાં મોતી કરતાં દાણાના ભાવ વધી જાય છે.” બળરામના મનમાં વળી પ્રશ્ન પાંખો વીંઝતો : “પણ આવા ભેદ શા માટે? દાણાની સાથે સાથે મોતીનો ચારો ન ચરી શકાય?” "કેમ ન ચરી શકાય? પણ એ માટે નજરને સજાવી લેવી જોઈએ. પાંખોમાં ઝંઝા ભરી લેવી જોઈએ. પણ અહીં તો ગમે તેટલી ઝીણી નજર પણ થોડું જોઈ ઝોકાં ખાવા લાગે છે અને ગમે તેવી બળવાન પાંખો પણ થોડું ઊડી સંકેલાઈ જાય છે રામ, તમને ક્યાં આની ખબર નથી?” “જીવનનું ઉડ્ડયન આટલું અઘરું શા માટે?" “અઘરું નથી, સહજ છે. પણ સહજને અઘરું કરી મૂકવામાં આવે પછી શું થાય?” “કોણ અઘરું કરી મૂકે છે?” “તમારા પોપટપાઠ, તમારા શિક્ષકની સોટી.” “કોઈ સરળ ઉપાય?" “તમે જો સાદો સીધો પ્રેમ કરી શકો ને રામ, તો તમારે પછી કાંઈ ગોખવું ન પડે. તમારી આંખે જીવન ઉકેલાતું આવે, અને એ તમારી પાંખનું બળ બની રહે.” આ પળે બળરામ ઊભા થઈ ગયા. તેમને લાગ્યું કે રેવતીએ મૃદુ સ્પર્શ કરી તેમને ઊભા કર્યા. બળરામે બારીમાંથી જોયું : કૃષ્ણનો રથ ગરુડની ધ્વજા ફરકાવતો આવી રહ્યો હતો. કૃષ્ણ અને અર્જુન એક જ રથમાં બેઠા હતા. રેવતી જાણે બળરામની બાજુમાં આવી ઊભી રહી. આ એક એવું દૃશ્ય હતું જેને પીતાં આંખોનું તેજ વધે અને છતાં આંખો ન ધરાય. બળરામે મનોમન રેવતીને કહ્યું : “તને આ રીતે સદાય જોઈ શકું!” પછી કૃષ્ણ અને અર્જુનને લેવા માટે બળરામ બહાર જવા લાગ્યા. રેવતીનું અસ્તિત્વ ઓસરી જતું હોય એમ ઓરડામાંથી ઉષ્મા ઓછી થઈ ગઈ. બળરામ પાછળ ફરી બોલી ઊઠ્યા : “એક તું – અને બીજો આ રથે ચડી આવે તે. બેય મળી મને કાં તો પાગલ કરી મૂકશો કે આતમજ્ઞાની બનાવી દેશો.” પછી પોતે જ હસી પડતાં બોલી ઊઠ્યા : “અને મારે બેમાંથી એકેય નથી બનવું.” એક મૃદુ મંજુલ હાસ્યની લહરી બળરામને વીંટળાઈને વાયુમાં મળી ગઈ.