નારીસંપદાઃ વિવેચન/ક્લાન્ત કવિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. કલાન્ત કવિ}}
{{Heading|કલાન્ત કવિ|સ્નેહલતા મહેતા}}
“સૌંદર્યલહરી”ની જેમ આ કાવ્ય શિખરિણી વૃત્તમાં સો શ્લોકોમાં રચાયું છે. “સૌંદર્યલહરી”ના અનુસંધાનમાં “કલાન્ત કવિ”ના શતકમાં, શક્તિરૂપે આરાધ્યદેવી “કવિતા” બને છે.
“સૌંદર્યલહરી”ની જેમ આ કાવ્ય શિખરિણી વૃત્તમાં સો શ્લોકોમાં રચાયું છે. “સૌંદર્યલહરી”ના અનુસંધાનમાં “કલાન્ત કવિ”ના શતકમાં, શક્તિરૂપે આરાધ્યદેવી “કવિતા” બને છે.
Line 163: Line 163:
અને ઉમાશંકરની આ ઉક્તિમાં પણ જરાયે અતિશયોક્તિ નથી. એમાં કવિ બાલાશંકર અને એમની માત્ર કવિતાનું જ નહિ સમગ્ર કાવ્યપ્રતિભાનું યેાગ્ય મૂલ્ય કરવામાં આવ્યું છે :
અને ઉમાશંકરની આ ઉક્તિમાં પણ જરાયે અતિશયોક્તિ નથી. એમાં કવિ બાલાશંકર અને એમની માત્ર કવિતાનું જ નહિ સમગ્ર કાવ્યપ્રતિભાનું યેાગ્ય મૂલ્ય કરવામાં આવ્યું છે :
“ઓગાણીસમી સદીના ઉત્તરાર્ધના કવિ બે : બાલાશંકર અને મણિશંકર—“કલાન્ત” અને “કાન્ત”. બાલાશંકરના બુલંદ લલકાર અને કાન્તનું કમનીય કૂજન ગુર્જર કાવ્યવાટિકામાં કદી શમનાર નથી. એક આપણા ગિરા ગૂર્જરીને મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર છે. બીજો સાક્ષાત કરુણ છે. બાલાશંકરના વિરહાલાપમાં એક પ્રકારનું ઊંડું સાન્ત્વન છે, એટલું વિશેષ છે. “કલાન્ત કવિ”ના આરંભમાં અનેક પંક્તિઓ “કવચિત”થી ઊપડે છે જ્યારે અંતભાગની “સદા”થી શરૂ થાય છે. એ ફરક ઉપલક વાંચનારના કાને પણ પકડાયા વિના નહિ રહે. “કવચિત”માંથી “સદા”માં, ક્ષણિકતામાંથી શાશ્વતતામાં, વિશ્રાન્તિ : એ આશ્વાસન આખાયે “કલાન્ત કવિ”ના વિરહાલાપ ઉપર, પૃથ્વી ઉપર અંતરિક્ષની જેમ, છવાયેલું છે.”<ref> “કલાન્ત કવિ" (પ્રસ્તાવના), પૃ. ૪૮</ref>  
“ઓગાણીસમી સદીના ઉત્તરાર્ધના કવિ બે : બાલાશંકર અને મણિશંકર—“કલાન્ત” અને “કાન્ત”. બાલાશંકરના બુલંદ લલકાર અને કાન્તનું કમનીય કૂજન ગુર્જર કાવ્યવાટિકામાં કદી શમનાર નથી. એક આપણા ગિરા ગૂર્જરીને મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર છે. બીજો સાક્ષાત કરુણ છે. બાલાશંકરના વિરહાલાપમાં એક પ્રકારનું ઊંડું સાન્ત્વન છે, એટલું વિશેષ છે. “કલાન્ત કવિ”ના આરંભમાં અનેક પંક્તિઓ “કવચિત”થી ઊપડે છે જ્યારે અંતભાગની “સદા”થી શરૂ થાય છે. એ ફરક ઉપલક વાંચનારના કાને પણ પકડાયા વિના નહિ રહે. “કવચિત”માંથી “સદા”માં, ક્ષણિકતામાંથી શાશ્વતતામાં, વિશ્રાન્તિ : એ આશ્વાસન આખાયે “કલાન્ત કવિ”ના વિરહાલાપ ઉપર, પૃથ્વી ઉપર અંતરિક્ષની જેમ, છવાયેલું છે.”<ref> “કલાન્ત કવિ" (પ્રસ્તાવના), પૃ. ૪૮</ref>  
{{Poem2Close}}
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
'''નોંધ'''
'''નોંધ'''
Line 168: Line 169:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  સાંપ્રત સાહિત્ય
|previous =  પારસી લેખકોની જૂની અને આધુનિક ગુજરાતી ભાષા
|next = લોકગીત અને સમાજશાસ્ત્ર
|next = નવલરામ
}}
}}

Latest revision as of 15:16, 20 May 2026

કલાન્ત કવિ

સ્નેહલતા મહેતા

  “સૌંદર્યલહરી”ની જેમ આ કાવ્ય શિખરિણી વૃત્તમાં સો શ્લોકોમાં રચાયું છે. “સૌંદર્યલહરી”ના અનુસંધાનમાં “કલાન્ત કવિ”ના શતકમાં, શક્તિરૂપે આરાધ્યદેવી “કવિતા” બને છે. કાવ્યના प्रेमार्पणમાં “પ્રેમપૂજ્ય”ને કવિ કહે છે કે તારા વિના વિભૂત થતા અંતઃકરણનું દુઃખ તારા વિના બીજું કોણ કળે એમ છે ? આખો સંસાર તારા વિના મારે શૂન્ય થયો છે. “પ્રિયમાં પ્રિય–સારમાં સાર તું જ છે, તો પછી અવર ભ્રાન્તિ, અવર વિચાર, અભિલાષા ભારે ગલિત મનડે ક્યાંથી જ હોય ? સંતાપવાળો છું. તેમાં સુખરૂપ તારું ગુણકીર્તન છે. વચનભંગ કર્યો છે, પણ અંતઃકરણ જીવનના અનેક પ્રકારના ફેરફાર થયા પછી વચનભંગ માટે પસ્તાય છે. પસ્તાઈને ક્ષમા માગે છે. આવી સ્થિતિની ગતિ કેટલા જાણે? અને જાણે તો શું કરે?......” કવિ પોતાની વ્યથા આગળ ચલાવતાં, આ આખાયે કાવ્યને મર્મને સ્પર્શતાં કહે છે : “......આવા રંગમાં નીકળેલી ત્રિપટ-પ્રેમળ–પ્રેમળની સાથે મોક્ષદાયી વાણીનો અમૃતરસ કયા અંતઃકરણમાં ઠરે? તારા જ, કે પછી કંઈક જે કાંઈ પ્રેમ અંશ અવતરે તેના. ત્યારે મારું પ્રેમીનું પ્રેમાર્પણ તને જ સર્વ રીતે જ થવું જોઈએ. અને તે મેં તેમ કર્યું છે. માટે જો કે વિરહમાં છૈયે, તે પણ “અંચળ ન જેની અંતર પડદો, ઉદધી અંતર દેહી.” “અને અધીરાઈથી મન લવે છે કે કેટલે જન્માંતરે વિરહ મટશે, જ્યારે મારું સર્વસ્વ કાંઈ મળશે, હું તું એક થઈશું અને તારી અલકલટો મારે ગળે વિંટાશે, તો પણ દૂર રહ્યે રહ્યે પ્રેમાર્પણ સ્વીકારીશ....." આમ કહી કવિ અર્પણપત્રને અંતે લખે છે: “તારા પ્રેમભક્ત बाल નું”.[1] કવિની આ પૃચ્છાનો ઉત્તર, અલબત્ત, એમની “પ્રેમપૂજ્ય” વ્યક્તિએ કે દેવીએ હકારમાં જ આપ્યો હશે. “કલાન્ત કવિ” ના પ્રારંભિક બે શ્લોકોમાં જ વિષયનું સૂચન કવિએ કરી દીધું છે. છેલ્લા બે શ્લોકોમાં કવિએ કાવ્યનું સમાપન કર્યું છે. જિંદગીનાં પ્રથમ વીસ વર્ષો જેની સાથે સતત સાયુજ્યમાં ગાળ્યાં હતાં તે વ્યક્તિના (તે તત્ત્વના) વિરહની આ ગાથા છે. એ કલ્યાણનો ત્યાગ તો એણે પોતે જ “ભૂંડા” જને કર્યો હતો ને! અને તે પણ જ્યારે એનો પૂર્ણ “પ્રૌઢ રસ” પામવાનો પ્રસંગ આવ્યો ત્યારે. એનો પશ્ચાત્તાપ, એની અસહ્ય વ્યથા, એ આ કાવ્યનો વિષય છે. વીસ વર્ષના એ સ્નેહજીવન– આરાધનાજીવન પછી અન્ય સંસારી રસમાં ખોવાઈ જવાની સ્ખલના ઊભી થઈ. કવિના આ આત્મકથનાત્મક સૂચનનો બીજે પણ ઉલ્લેખ મળી આવે છે. “મૃચ્છકટિક” નાટકનો ગુજરાતી અનુવાદ પોતાના મિત્ર છોટાલાલ ઝવેરીલાલ વકીલને અર્પણ કરતાં કવિ કહે છે : “ત્યાગિ હતી પણ પ્રેરિ અતી ફરિથી ઝલવી કર લેખિણી ચારૂ.”[2] અહીં કવિએ “લેખિણી”નો ઉલ્લેખ કર્યો છે. “કલાન્ત કવિ”ની યુવાન રસભર રસિકા અહીં “લેખિણી” છે. ત્રિપટ-પ્રેમળ–સૂરના બેનો તો આમ, અહીં પરિચય લાધે જ છે અને ત્રીજો સૂર તે પરમાત્મ પ્રેમની અભિવ્યક્તિનો છે. કવિ શાક્ત સંપ્રદાયમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા. મા આદ્યશક્તિ એ જ એમને મન પરમ આરાધ્ય ઇષ્ટદેવતા છે. એનો પ્રેમ અને કૃપાકટાક્ષ એ જ એમના જીવનનું સર્વ કાંઈ છે. સર્વસ્વ છે. આ રીતે પ્રેમાર્પણના “ત્રિપટ–પ્રેમળ” પ્રવાહનો કવિએ આરંભમાં ધ્વન્યાત્મક રીતે અને પાછળથી શ્લોક ૯૫માં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે :

“હશે જે શૃંગારી કવન સમજે તે યુવતિનું,
કવીતાવીલાસી જન સમજશે તે કવિતનું,
હશે જે વૈરાગી ગ્રહણ કરશે મોક્ષપદનું,
ખરૂં શું છે તે તો સરવ મન મારે સમજું છું.”

આમ, “ત્રિપટ–પ્રેમળ” વાણીના સૂરમાં કવિએ પ્રેમના ત્રણ પ્રવાહોની અમૃતત્રિવેણી વહાવી છે : એ ત્રણે ધારાઓ તે શ્રી ઉમાશંકર નોંધે છે તેમ : “(૧) પ્રેમિક-પ્રેમિકા સંબંધની ધારા. તે તો ઉપલક દૃષ્ટિએ પણ જોઈ શકાશે. (૨) કવિ-કવિતા સંબંધની ધારા. તે કવિકલ્યાણીને જેવા પ્રયોગથી સમજવામાં આવે છે. “પ્રૌઢારસ”થી પણ આરંભને આછકલા કવિપણાને મુકાબલે શબ્દરચના અને રસજમાવટની પ્રૌઢિથી યુક્ત એવી કવિતાથી પોતાનો યોગ થાય એવી અંતરેચ્છાનું સૂચન થાય છે. અને (૩) માયા–આત્મા (અર્થાત્ પરમાત્મા) સંબંધની ધારા. તે “કલ્યાણી” એવા નાયિકા માટેના પદથી અને તેના પ્રેમના “પુનિત” એવા વર્ણનથી વ્યક્ત થાય છે.”[3] કવિએ આ કાવ્યનું રહસ્ય “અર્થસંલાપિની” નામની એક ટીકામાં સમજાવવાનો ઈરાદો રાખ્યો હતો. પરંતુ એ આપણને એમના તરફથી ન મળ્યો. જો કે, આજે કદાચ એની એટલી બધી આવશ્યકતા પણ નથી રહી. કવિ-વાણીના મર્મને આજના દેશકાળે કદાચ એવી ટીકાઓની સહાય વગર પણ સમજી શકાય એમ છે. “કલાન્ત કવિ” ઉપર જણાવ્યું તેમ એક કરતાં વધારે દૃષ્ટિએ આત્મકથનાત્મક કાવ્ય કહી શકાય. પરંતુ તેથી યે વધારે એને આપણે કવિની આત્મલક્ષી રચના કહીએ તો વધારે સાચું ગણુાશે– “આત્મકથનાત્મક” અને “આત્મલક્ષી”એ જે સૂક્ષ્મ અર્થભેદ રચ્યો છે એ ખ્યાલમાં રાખીએ તો! આ ત્રણેય ધારાઓને બાલાશંકરની અપૂર્વ કાવ્યપ્રતિભા એક સાથે “કલાન્ત કવિ”માં વહાવે છે. એમાં માનુષી પ્રેમ તો વાચ્યાર્થમાં જ સમાઈ ગયો છે અને કવિતાસુંદરીને અનુરાગ પણ અછતો નથી રહેતો. પરંતુ ત્રીજો આત્મ-પરમાત્મના પ્રેમસંબંધનો ભાવપ્રવાહ પણ કુશળતાથી એકસાથે વણી લેવાયો છે. આ ચમત્કાર શક્ય બને છે કવિના વ્યક્તિત્વના અનિવાર્ય અંગરૂપ બની ગયેલા અને એમના આત્માના રસાઈ ગયેલા સૂફીવાદ અને શાક્તવાથી. પરમતત્ત્વને “સનમ”રૂપે આરાધતા સૂફીઓની વિરહવેદના આમાં પણ એની તીવ્રતમ ઉત્કટતાથી પ્રકટી શકી છે, તો શાક્તમતનો અદ્વૈતવાદ પણ પોતાનાં સર્વોત્તમ લક્ષણેને અહીં પ્રકટાવી સમગ્ર કાવ્યને પુદ્ગલમાં એકાકાર થઈ ગયો છે. કાવ્યનાયક ભક્ત અને પ્રેમી છે. શાક્તવાદાનુસાર પત્નીમાં વ્યક્ત થતી ચિતિ તે નાયિકા. શ્રી ઉમાશંકર જોષી આ વાતને અત્યંત પ્રાસાદિકતાથી પોતાની “કલાન્ત કવિ” સંગ્રહની ટીકા “બાલનંદિની”માં રજૂ કરતાં કહે છે : “….....આવો એક પ્રમત ભક્ત કવિ તે નાયક અને પત્નીમાં વ્યક્ત થતી ચિતિ તે નાયિકા..……….એ બે આલંબનવિભાવ મળતાં “કલાન્ત કવિ”ની મુખ્ય સામગ્રી કવિના હાથમાં આવી જાય છે અને નાયકના નાયિકા માટેના રતિભાવનું ગાન મુક્તકંઠે તે શરૂ કરે છે. તેમાં એની દ્વારા ચિતિ વ્યક્ત થાય છે તે પત્ની નાયિકા હોવાથી, “પૂરે વીશે વર્ષે કરમગતિથી સ્નેહિ વિખુટો” (૨ અ) એવું વ્યાવહારિક કાલગણનાનું વચન કહેવાનો અવકાશ છે : અને નાયિકા તે પત્ની દ્વારા વ્યક્ત થતી વિશ્વશરીરિણી ભગવતી ચિતિ હોઈ “મને પૂરૂં તારાં શશિરવિસ્તનોનું સ્મરણ છે. (૩૧ અ) એવા વિરાટ ચિત્તનો પણ પ્રસંગ છે. નાયિકા તો એક જ છે. એક વખતે તે પત્ની છે. બીજી વખતે તે ચિતિ છે એમ માનવાનું નથી. આખા કાવ્યમાં આલંબનવિભાવરૂપ નાયિકા એક જ પત્નીમાં રકુરતી चिति, કહો કે પત્નીચિતિ…છે.”[4] આમ, કાવ્યની નાયિકા (કવિની આરાધ્યદેવતા)ને માનુષી પ્રિયા, કાવ્યરૂપી પ્રિયા કે પત્નીમાં તત્ત્વરૂપે રહેલ દૈવી નારીત્વ કહો કે મા શક્તિના રૂપે એમ ત્રણ ભિન્ન ભિન્ન સ્વરૂપે જોવાની નથી. એક જ રૂપે નીરખવાની છે. અને એ રીતે જ કાવ્યના મર્મને આત્મજ્ઞાત કરી એનો રસાસ્વાદ પામવાનો છે. નહિ તો ભાવક કાવ્યને એના સંપૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત નહિ કરી શકે. કાવ્યને ભાવક ખંડશઃ નહિ પણ એના પૂર્ણ સ્વરૂપે જ અનુભવી શકે અને ખુદ બાલાશંકરને પણ ભાવકપક્ષે આ ભીતિ હતી જ. ઉમાશંકરે કવિની એ શંકા એમના (૯૫)મા શ્લોકમાં નિરૂપાયેલી જોઈ છે, જેમાં તેઓ ગાય છે કે મારા આ કાવ્યને શુંગારી જન યુવતીવિષયક માનશે, કવિતાવિલાસી જન કાવ્યવિષયક સમજશે અને વૈરાગી જન મોક્ષપદ વિષેનું, મુમુક્ષુનું ગણશે. પરંતુ એમાં ખરું શું છે? તે સર્વ તો હું એકલો જ મારા માનમાં સમજું છું. આ “ખરું શું છે” તે કયું તત્ત્વ ? કયું સ્વરૂપ ? આપણે ઉપર જોઈ ગયા તે જ “પત્ની-ચિતિ” એકાંગીરૂપે, નહિ માત્ર પત્ની કે નહિ માત્ર કવિતા કે નહિ માત્ર “ચિતિ”. એ તત્ત્વ છે, કાવ્યની નાયિકા તો છે, “પત્ની-ચિતિ”! એ જ આ સો શ્લોકમાં વિસ્તરતા કાવ્યનો આલંબનવિભાવ છે. એના વિરહજનિત વિપ્રલંભ શૃંગારરસને આપણે આસ્વાદવાનો છે. ઉપરાંત આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રની એ પરિભાષામાં આગળ કહીએ તો એની રસનિષ્પત્તિ કવિએ ઋતુ ઋતુના ઉદ્દીપનવિભાવ તથા ગ્લાનિ, દૈન્ય, સ્મૃતિ, જડતા, ઔત્સુક્ય, ઉન્માદ આદિ સંચારી કે વ્યભિચારી ભાવ દ્વારા સાધી છે. કવિએ આ પરિણામ સિદ્ધ કરતાં કરતાં લગભગ દર્શનની કોટિએ પહોંચતા કાવ્યનું પરિનિર્માણ કર્યું છે. એની પદાવલીમાં “સૌંદર્યલહરી”ના શિખરિણી છંદની ભવ્ય લયચાલનો ધ્વનિ સંભળાય છે. ક્યારેક ઘેરો તો ક્યારેક આછો. પણ સંભળાય છે જરૂર. આ પંક્તિનો લય, એનું નાદમાધુર્ય અને એની છટા જુઓ અને સાંભળો :

“ક્વચિત કેસૂડાંની નવ કલિ કુસુમાંજલિભરી,
ગુલાલે હે, બાલે! અમલ અલકે રંગનિ ભરી.
વસંતે હે કાંતે! રમણિય વનાંતે નિરજને,
રમ્યોતો હે કાંતે! સરસ નવ ફાગે તુજ કને.” (૭૨)[5]

અને “સૌંદર્યલહરી”ની આ કલ્પના : “શશીભાનૂ જેનાં સ્તનયુગલ તો સુંદર લસે.”... [6] નું અનુકરણ અને અનુરટણ “કલાન્ત કવિ”માં થાય છે :

“મને પૂરૂં તારાં શશિરવિ સ્તનોનું સ્મરણ છે
અહા ! પૂર્ણીમાએ રમણિય પ્રદોષે વન વિષે...”

ખરે જ, “......બાલાશંકર જેવો ઉચ્ચારભોગ્ય શિખિરિણી કે શાર્દૂલ ગૂજરાતી કવિતામાં દેખાયો નથી. શિખરિણી જેવા પ્રગલ્ભ છંદને “વસંતે હે કાન્તે, રમણીય વનાંતે” જેવા ઉદ્ગારોમાં વ્યક્ત થતો થનગનાટ...”[7] ભાગ્યે જ ત્યાર પહેલાં કે પછી આપણને જોવા મળ્યો છે. શાક્તભક્ત કવિને “સૌંદર્યલહરી”નું ગુંજન સહજ હોય એટલે એમનો શિખરિણી આવો પ્રાસાદિક અને લયબદ્ધ બની શક્યો હશે.[8] બીજી રીતે કહીએ તો કવિ છંદ પાસે જતા નથી. છંદ એમની પાસે આવતો હોય છે – પોતાની બધી યે છટાઓ સાથે આવતો હોય છે. આવા પોતાને વશ થયેલા છંદોલય દ્વારા બાલાશંકર “કલાન્ત કવિ”ના વિષયભૂત વિપ્રલંભ શૃંગારને પોતાની નૈસર્ગિક કાવ્યપ્રતિભાને બળે આલેખે છે. આ કાવ્યના સ્થૂલ વિભાગો પાડીએ તો પ્રથમ વિભાગમાં પહેલા બે વિષય માંડણીના તથા છેલ્લા બે એના સમાપ્તિકથનના શ્લોક (૧, ૨ તથા ૯૯, ૧૦૦) આવે; ૩ થી ૮૦ શ્લોકમાં “પ્રિયા” વિષયક વિરહમાં ઝબકોળાયેલો અને “સુરત ઝકઝોળે” (૩૬) ઘેરો રંગાયેલો વિપ્રલંભ શૃંગાર આવે અને ૮૦ થી ૯૮ શ્લોકમાં સ્પષ્ટતયા શાક્તભક્તિભાવ આવે. જો કે, ઉપર સૂચવ્યું છે તે પ્રમાણે, કાવ્યનું ખંડશઃ નહિ પણ સમગ્રતયા જ ભાવકે આસ્વાદન કરવાનું રહે છે. એના સૂક્ષ્મ ભાવનાદોરને તો છટકવા દેવાનો જ ન હોય ! બીજા વિભાગમાં કવિએ ‘પ્રિયા’ના સંયોગશૃંગારની પશ્ચાદ્ભૂમાં પોતાના સાંપ્રત વિરહને વર્ણવ્યો છે અને એથી એને વધુ કરુણ બનાવ્યો છે. પોતાને તન, મન અને આત્માનો અપ્રતિમ રસાનન્દ અર્પતી પ્રિયાનું પળે પળે સ્મરણ કરતો કવિ એના વિરહને સહન કરી શકતો નથી. કેવી હતી એ પ્રિયા ?

“ક્વચિદ રંગે ઘેરે સરવર લહેરે ઠમકતી,
ક્વચિદ જ્યોત્સના માંહી સ્વરણમયી કાન્તી ઝમકતી,
ક્વચિદ પ્રાચી માંહી શિરમણિ ધરીને રિઝવતી :
ક્વચિદ અંધારામાં પ્રણતલય ખેલે ખિજવતી.”[9]

કવિ રાજાની એ પટરાણી હતી (૪૦) સુખદુઃખની સાથી. એ પાસે હતી ત્યારે તેની સંગે દિન ઝટ વહી જતા હતા, પણ “હવે લાંબા લાંબા પ્રહર વિતી કેમ નથી જતા!”(૫૨) એના જવાથી કવિની જીવનવીણાના તાર “અધવચે” જ “વિખરી” ગયા” (૪૨), જેનાથી એ ધન્ય હતો તે ન હોવાથી એ દુર્ભાગી બની ગયો. એ ધન્ય સંયોગશૃંગારના પ્રસંગોને કવિએ નિ:સંકોચ ગાયા છે અને એથી તો એ આપણા તત્કાલીન વિવેચકો દ્વારા ઉપેક્ષા પામ્યા છે–અડધા બેસમજથી અને વધારે તો ચોખલિયા વૃત્તિથી. એવા વાતાવરણમાં અને સંકુચિત મનોવૃત્તિવાળાં માનવીઓની વચ્ચે રહીને બાલાશંકરે મસ્ત શૃંગારને ગાયો હતો. પરિણામે “કલાન્ત કવિ”ને પ્રકટતાં વેંત જ ઘણી અવહેલના વેઠવી પડેલી. આપણા આદ્યવિવેચક નવલરામે માત્ર એક જ લીટીમાં આ કાવ્ય પર લાલ ચોકડી મારી દીધેલી : “કલાન્ત કવિ…………..પરકીયાભાવ હોવાથી અમે તેનું વિવેચન લખવા રાજી નથી.”[10] નવલરામનો આ અભિપ્રાય માત્ર ઉતાવળિયો જ નથી, અન્યાયી પણ છે. આવી જ દશા “સૌંદર્યલહરી”ના બાલાશંકરના અનુવાદની પણ થઈ હતી–શ્રીમદ્ શંકરાચાર્ય એના કર્તા મનાતા હોવા છતાં: અને એ સ્તોત્ર ભગવતી શક્તિ માતાનું હોવા છતાં! “સૌંદર્યલહરી” પ્રકટ થયું તે જ વર્ષે તરત જ ઈ. સ. ૧૮૮૬માં “વિજ્ઞાનવિલાસ”માં એક વિવેચક એનું અવલેકન કરતાં કહે છે : “ભાઈ બાળાશંકર બહુ વિદ્વાન છે, ને તે વિદ્વત્તા આખા ભાષાન્તરની સંસ્કૃત ગુજરાતી ભાષામાં દર્શાઈ આવે છે. એટલું છતાં એ અમારો દૃઢ અભિપ્રાય છે કે આવા સૌંદર્યલહરી જેવા ગ્રંથ, જેમાં ગમે તે વસ્તુને પણ સ્ત્રીની ઉપમા આપી માણસનું મન વિહ્વલ કરે એવા તેના અવયવોનું વર્ણન કરવું એ જુવાન લખનારને અને જુવાન વાંચનારને છાજતું નથી. એ અભિપ્રાય આ સૌંદર્યલહરી વાંચવાથી અમારો કિંચિત નહિ ફરતાં ઊલટો દૃઢ થયો છે, એથી અમારા જુવાન વાંચનારાને એવા ગ્રંથ વાંચવાની અમે ભલામણ કરતા નથી.”[11] આ બંને અભિપ્રાયો બિનસાહિત્યિક nonliterary છે. એમાં સાહિત્યનાં મૂલ્યે નહિ પણ સાહિયેતર મૂલ્યો—અને તે પણ ખોટી રીતે!–દ્વારા કાવ્યકૃતિને જોવામાં આવી છે. “કલાન્ત કવિ”માં પરકીયાભાવ અને “સૌંદર્યલહરી”માં ગમે તે વસ્તુને પણ સ્ત્રીની ઉપમા આપી માણસનું મન વિહ્વળ કરે એવા અવયવોનું વર્ણન માત્ર જોનાર આ બંને વિવેચનોના ધોરણને શું કહેવું? એ વિવેચનો લખનારની રસવૃત્તિ તો ઠીક, કાવ્ય સમજવાની એની શક્તિનેય શું કહેવું? અલબત્ત, બાલાશંકરે તો એમને “સૌંદર્યલહરી”ની પ્રસ્તાવનામાં ઘણું ઘણું કહી દીધેલું: “જેઓ કાવ્યરસમાં ડૂબેલા નથી, શુદ્રાદિક હોવાથી વાણીવિલાસ નિર્મળ કાને પડ્યો જ નથી, “નહિ ઘરકે ન ઘાટકે” આવા ટીકાકારોએ હુકુમી શેરાથી પરિક્ષક વર્ગમાં ન જ ખપવું એ સારૂં છે, તેનો તો મને પ્રત્યક્ષ અનુભવ છે : જેમ કે મારા “કલાન્ત કવિ” વખતે એક બે કાવ્યમૂર્ખ અધિપતિઓએ કહ્યું હતું જેમને વાસ્તે હું છાતી ઠોકીને કહી શકું છું એમાંનો એક અક્ષર પણ સમજ્યા નથી : અને જે વિષય તેઓ આ જન્મમાં તો શિખી શકવાના જ નથી : તેવાઓ કાવ્યના પવિત્ર વિષયને નખોરીયું કરે એ હાંસીજનક છે!”[12] એમ તો મણિલાલ નભુભાઈ અને ન. દે. મહેતાએ “કલાન્ત કવિ”નો પુરસ્કાર કર્યો જ હતો. નવલરામના અભિપ્રાય વિષે મણિલાલ નભુભાઈ આઘાત અને આશ્ચર્ય પામી કહે છે : “.....પણ જે વિદ્વાનોને સંતોષ થવાથી કાવ્યની કૃતાર્થતા છે તેવા “ગુજરાત શાળાપત્ર”ના અધિપતિ નવલરામભાઈ જોવા થોડા હશે. આ કામ માટે નવલરામભાઈએ આપેલો અભિપ્રાય લખ્યો હોય એમ માનવાને પણ અમે રાજી નથી.” પછી એઓ કવિને સાંત્વન આપતાં ભવભૂતિની પેલી વિખ્યાત ઉક્તિનો પ્રચ્છન્ન હવાલો આપીને ઉમેરે છે : “જે ખરા વિત્તવાળો છે તે તો લખ્યે જ જાય છે. લોકો કાળાંતરે પણ તેમની ગણના કર્યા સિવાય રહેતા નથી. કેમ કે આ વિશાળ ભૂમિમાં કાળાંતરે કોઈ એક રસિક અથવા સુજ્ઞ ન નીકળી આવે તેમ તો બને જ નહિ. "[13] જો કે, નવલરામભાઈની માફક પ્રમાણમાં તો સાવ અદ્યતન કાળના શ્રી જહાંગીર અ. સંજાનાએ પણ “કલાન્ત કવિ”માં પરકીયાભાવ જ જોયો છે. એમણે ઉમાશંકરના સંપાદનમાં અને બાલાશંકરના કાવ્યમાં ઘણા ઘણા દોષો જોયા છે અને એમાંના ઘણા સાચા પણ છે. પરંતુ “કલાન્ત કવિ” કાવ્યને એ પૂરું સમજી શક્યા નથી, ઉમાશંકરે પ્રસ્તાવનામાં આપેલી આ કાવ્યનાં નાયક–નાયિકાની ઊંડી ચર્ચાવિચારણા રજૂ કરીને એળખ અને સમજ આપ્યા છતાંએ! કાવ્યના ૨૩મા શ્લોકમાં એમને સ્પષ્ટપણે પરકીયાભાવનું આલેખન થયેલું જણાય છે. એ શ્લોક આ પ્રમાણે છે :

“ધરી પુષ્પ સ્વાંગે રહિ સહ અધાંગે રતિ ભરી,
ફુલી અંગે રામા સગુણિ રૂડી શ્યામા મદભરી,
ઝુલંતી ઝૂલાએ જવ પતિ સહે, હું વન જતો,
તને રીઝાવાને મુજ હૃદય ઝૂલે ઝુલવતે.” (૨૩)

સંજાના આ શ્લોકનું વિવરણ કરતાં ભારે કટાક્ષ કરતાં, કવિની અને સંપાદક-વિવરણકારની ઠેકડી ઉડાવતાં લખે છે : “………વમાસણમાં નાખે એવો શ્લોક તો ૨૩મો છે. એમાં કવિ કહે છે કે જ્યારે પ્રિયા પતિસહ ઝૂલાએ ઝૂલતી ત્યારે હું વન જતો અને પ્રિયાને “મુજ હૃદય ઝૂલે ઝુલવતો”. અહીં તો કોઈ પણ પૂર્વગ્રહરહિત વાચકને સ્પષ્ટ રીતે લાગશે કે કવિ અને પ્રિયાનો ભાગ્યશાળી પતિ એ બે જુદાં જ પ્રાણી છે. પણ આજના સત્યયુગને લાયક વિવરણકારે તો માની લીધું છે કે નાયિકા તો સ્વકીયા જ છે. એટલે આ પ્રમાણે મલ્લિનાથી કરે છે. “જ્યારે તું... પતિને... માટે (આ અર્થ ક્યાંથી લાવ્યા?) અધાંગે સહ – સાથે રહી–બેસી ઝૂલા— હીંચકા, ત્યારે હું પણ સામેથી તને ઝુલાવતો...નુસખો શોધી કાઢતો–અર્થાત્ વચમાં જઈને તને મારા હૃદયરૂપી ઝૂલે ઝુલાવતો” (“કલાન્ત કવિ”, પૃ. ૧૯૬) કંથારિયા૦-૧૬ “આ અજબ વિવરણ જરા યે પ્રતીતિકર લાગે છે? પ્રિયા જો કવિ સાથે જ “અર્ધાંગિ” બનીને ઝૂલા પર ઝૂલતી હોય, તો કવિ તેને ઝૂલા પર એકલી પડતી મૂકીને વનમાં શા સારુ દોડી જાય ? અને પોતેજ એક જ ક્ષણે બે ઠેકાણે હાજર રહેવાની અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરેલો હઠયોગી ન હોય તો પ્રિયા સાથે એક ઝૂલે એ અડોઅડ બેસીને ઝૂલનારો કવિ “સામેથી” અને તે વળી “વન”માં જઈ તેને ઝુલાવવાનો “નુસખો” ક્યાંથી અને કેમ શોધી કાઢે? એટલે વિવરણકારની ગડમથલ છતાં અહીં તો પરકીયાભાવની જબરદસ્ત શંકા થાય છે.”[14] જો ઊંડા ઊતરીને આ શ્લોકમાંથી વાંચીએ તો શ્રી સંજાનાની માફક “વમાસણ” ઊભી ન થાય ! ઉપર્યુક્ત શ્લોક ૨૩માની ત્રીજી પંક્તિમાં જો “પતિ સહે” પછી અલ્પવિરામ મૂકવામાં આવે તો ઉમાશંકરના વિવરણમાં અર્થને યોગ્ય રીતે ઘટાવવાની જે મથામણ થઈ છે તે ન થાત : અને સંજાનાને પણ પેલી “વમાસણ” ન પડત ! “સહે” પછી જો અલ્પવિરામ મૂકીએ તો પંક્તિનો અર્થ સાવ બદલાઈ જાય છે અને એમાં પરકીયાભાવ જણાતો નથી. “જ્યારે પુષ્પો સજેલી કોઈ મદભરી સુંદરી પ્રેમપૂર્વક પતિ સાથે ઝૂલાએ ઝૂલતી ત્યારે હું પણ તને રીઝવવા વનમાં જઈને મારા હૃદયઝૂલે ઝુલાવતો.” આમ બાલાશંકરને આરંભકાળથી જ કેટલાક અજ્ઞાન ટીકાકારોએ સાતમા શ્લોકમાં આવતા “વ્યભિચારી” શબ્દથી છેડાઈ પડીને “નરાતર અન્યાય” કર્યો હતો : “વ્યભિચારી તારા વિવિધ મુજ શું ભાવ પરખ્યા”માં “વ્યભિચારી ભાવ…”નો સામાન્ય લોકપ્રચલિત વાચ્યાર્થ જ કરવામાં આવેલો. “વ્યભિચારી ભાવ” એટલે સંચારી ભાવ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો આ પારિભાષિક શબ્દપ્રયોગ પણ એ “વિદ્વાનો” જાણતા નહોતા ! સંજાનાએ પણ ઉમાશંકરના વિવરણની વમાસણમાં ગૂંચવાયા કરતાં પોતે જ થોડી મથામણ કરી હોત તો એમના જેવાને ઉપર્યુક્ત અર્થ પામતાં બહુ વાર ન લાગી હોત! અને એમને અહીં “પરકીયાભાવ”ની જે “જબરદસ્ત શંકા” થઈ હતી તે ઊભી ન થાત. “કલાન્ત કવિ”નાં ઘેરાં ઉન્માદક દેહસૌંદર્યનાં ચિત્રો અને પ્રેમાવેગનાં આલેખનોથી પણ કેટલાક ભડકી ગયા હતા. સંસ્કૃત કાવ્યમાં આવતાં દેહસૌંદર્યનાં તથા સંયોગશૃંગારનાં આલેખનોની તુલનાએ તો બાલાશંકરની કવિતામાં તો એવાં નિરૂપણો ઘણાં હળવાં કહી શકાય. ઉપરાંત સમગ્રતયા આ કાવ્યને વાંચવાથી તથા એના સમગ્ર ભાવને પામવાથી કોઈને સુરુચિભંગ થવાનો સંભવ નથી. કોઈ પણ કલાકૃતિને ખંડશઃ અનુભવવામાં જ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે.[15] નાયક-નાયિકાના અથવા ઉપાસક-ઉપાસ્યના ઉદાત્ત મનોભાવની અહીં નિરૂપાયેલા પ્રેમતત્ત્વની ચરમ અને પરમ અવસ્થા તો એના વિભાગમાં આલેખાયેલા છે. કવિએ સ્થૂળ પ્રણયની અવગણના ને કરીને એનાં વિવિધ સોપાનો પર આરોહણ કરીને એનું ઊર્ધ્વીકરણ સાધ્યું છે. વિરહની અપાર વેદનામાં યે કવિ નિર્મળ અને શાંત મનના સ્વસ્થ બને છે. સૂફીવાદની આ અસર અહીં કેવી એકરસે રસાઈ ગઈ છે! :

“હવે મારી પાસે સ્તવન વિણ ના સાધન કંઈ
પ્રિતે આલાપું છું નિરમળ મને શાંતિથી રહી,
કદાપી હું પામું ભગવતિ તહારી ફરિ કૃપા,
નકી તારે ચિત્તે લહિશ સબળી માહરિ વફા.” (૮૦)
અને આ ભાવ ઉત્તરોત્તર વિકાસ સાધતો જાય છે :
“નથી જે વેદાંતે, નથિ સ્તવન પૂજા નિયમમાં,
નથી પૂરાણોમાં, નથિ ગમન યાત્રા વિષયમાં,
નથી નીતીમાર્ગે, નથિ અધિક વિજ્ઞાન રણમાં,
વસ્યું તે આવીને ફળ અમિત તારા ચરણમાં” (૮૧)

પ્રેમાનંદી રસસંક્રાંતિનું આવું બીજું સમર્થ ઉદાહરણ આપણા સાહિત્યમાં બીજે ભાગ્યે જ જોવા મળશે. આ ઉદાત્ત પરમ પ્રેમની ભાવના જાણે કવિના મુખમાંથી અનાયાસ વાણીરૂપે સ્કુરતી રહે છે. ક્યાંય કશો અંતરાય નથી. ખળખળ વહેતા ઝરણાની જેમ કવિનો અંતર્ભાવ આ ધન્ય શિખરણીમાં વહેતો જ રહે છે. થોડાંક વધુ ઉદાહરણો જોઈ લઈએ અને બાલાશંકરની કવિપ્રતિભાનાં દર્શન કરી લઈએ :

“રહ્યા બાંધી તારી અલકલટની સાંકળી વડે,
કદી તેને કાંઈ નહીં જગતમાં બંધન નડે...” (૮૫)

***

“ફરી તારી સાથે રસમય નિરૂપાધિથિ રહું,
ખરી પ્રીતિછોળે હૃદયગત આનંદથિ વહું...” (૯૨)

***

આગળના શ્લોકમાં તો તન, મન અને સંસારનાં બધાં બંધનની પાર રહેલા ઇષ્ટના પરમચૈતન્યની ઝાંખીની ઝંખના માત્ર રહી છે. અલબત્ત, “તારા સ્વરૂપ મહિં !”

“પછી કોઈ કાળે ક્ષણિક વપુના બંધ વિખરે,
રહે તું પાસે ને નજર વપુ તારા પર રહે,
તજી સંસારાબ્ધી સતત દુખવારીથિ પુર જે,
રહે આશા તારા સ્વરૂપમહિં ચૈતન્ય વિચરે.”

ત્યાર પછી આ પ્રેમભક્ત કવિ સર્વસમર્પણભાવમાં કૃતકૃત્યતા અનુભવી ગાય છે :

“મને ક્રિયા વાણી થકી કંઈ કંઈ જે કૃત્ય થતાં
પ્રિતે મેં તે સર્વે સમરપણ તારે પદ કર્યાં.” (૯૪)

कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् ।
करोमि यद् यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ।।

નો પડઘો પડઘો અહીં કેવી પ્રાસાદિકતાથી પડે છે ! એ “નારાયણ” અહીં પ્રિયા છે, પત્ની ચિતિ અથવા તિચિ પત્ની છે. અજાણતાં થયેલા દોષોને પી જઈને ક્ષમા આપે એવી ઉદાર છે. હજી યે પેલે વિરહ તો છે જ. પણ કવિ, પ્રેમભક્ત નાયક, હવે “સ્વ–સ્થ” છે. વિરહની કારમી વેદનામાં યે કોઈ ઉત્તમ કવિ કે કોઈ ભક્તશ્રેષ્ઠ જ એવી સ્વસ્થતાપૂર્વક પોતાની કથની ગાઈ શકે :

“પુરે પ્રેમે તારા ગલિત મનડે સ્વસ્થ જ થઈ
અલાપી મેં તારા વિરહનિ વ્યથા જે અનુભવી. (૯૯)

સુન્દરમ્ આ છેવટના શ્લોકો માટે કહે છે : “કાવ્યના છેવટના ભાગમાં આવતા સ્તવનના શ્લોકો ઉદાત્ત કલ્પનાનો વ્યાપાર બનેલા છે અને આપણા સાહિત્યની ગાઢ ભક્તિની રચનાઓમાં સ્થાન લે તેવા છે. ઉપરાંત પેલા માદક શૃંગારનો શામક ભાવ પણ તેઓ પૂરું પાડે છે. ”[16] કલાન્તના અંતિમ શ્લોકની છેલ્લી પંક્તિ વિષે પણ એક નોંધ કરવાની છે : એમાં કવિએ છેલ્લો શબ્દ આપણા પર છોડી દીધો છે :

“નહીં તો તું જાણે વિરહ તુજને આ શું કરશે,
બળી દીને દીને ઝુરી ઝુરી અને બાલ....."

કવિએ “મરશે” શબ્દ લખ્યો નથી. પણ એ તરત જ વગર લખે વરતાઈ જાય છે. ભાવકથી મનોમન બોલાઈ જાય છે. એમાં એક મહત્ત્વની વાત મને તો એ જણાઈ છે કે જે કાળમાં નિઃશેષકથનની જ, શું કાવ્યમાં કે શું વિવેચનમાં, બોલબાલા હતી તે જમાનામાં આમ કશું કહ્યા વિના, માત્ર મૌનથી બોલવાની, આ રીત આપણા કવિને માટે જેટલી યશદાયિની છે તેટલી જ એમની પ્રયોગશીલતાની દ્યોતક પણ છે. બહુધા દલપતશૈલીમાં આળોટ્યા કરતી તત્કાલીન ગુજરાતી કવિતાને એમણે કેટલી મોટી ફાળ ભરાવી છે ! પ્રા. સુરેશ દલાલે આ વાત બહુ સરસ રીતે કહી છે : “......પણ ખૂબીની વાત તો એ છે કે દલપતરામના આ “પદરજસેવક”ની કલમથી જ આપણને દલપતશૈલીમાંથી મુક્તિ મળે છે અને કવિની કલમ દ્વારા થયેલી ગુજરાતી સાહિત્યની આ વિશિષ્ટ સેવા છે.”[17] “કલાન્ત કવિ”માં બાલાશંકરે જોડણીના કોઈ નિયમો માન્ય રાખ્યા નથી. તત્સમ અને તદ્ભવ ઉભયને માટે એમની પાસે તો કાવ્યમાં એક જ જોડણીનિયમ હતો અને તે છંદના લઘુ-ગુરુની જરૂરિયાત મુજબ શબ્દની જોડણી કરવી. એટલું જ નહિ જોડાક્ષરોને પણ પૂર્ણાક્ષરો બનાવતાં તેઓ અચકાતા નહિ. તો કેટલાયે શબ્દોને એમણે જોડાક્ષરો બનાવી દીધા છે. “કલાન્ત કવિ” સંગ્રહને અમસ્તો યે ઉથલાવી જઈએ તો એવાં ઉદાહરણે એના પાને પાને થોકબંધ મળ્યા વિના નહિ રહે. એક જ શ્લોકમાં બે વાર વપરાયેલ શબ્દની બંને સ્થળે જુદી જુદી જોડણી હોય. “કલાન્ત કવિ”ના ચોથા શ્લોકમાં પ્રીતિની જોડણી “પ્રિતી” અને “પ્રિતિ” બંને રીતે કરાઈ છે. ૨૧મા શ્લોકમાં આ “પ્રીતિ” બેવડી દીર્ઘતા પ્રાપ્ત કરી “પ્રીતી” બને છે. આ કાવ્યમાં આવાં ઉદાહરણ ઘણાં છે. એમાંથી થોડાંક વધુ જોઈએ : “નાથિ,” “વ્યભીચારી”, “તૂજ”, “ઉતંગે” (ઉત્તંગે), “તજવિ”, “હાથેથિ”, અધીષ્ઠાત્રી”, “મૃદૂ”, “વીલાસ”, “પ્રવૃત્તિ”, “વૃત્તિ”, “શુશુપ્તિ”, “કવી”, “વીભુતિ”, “અનૂરક્ત”, “કલેશીત”, “વીચાર”, “નીરંતર”, “શુન્ય”, “પછિ”, “દીન”, (“દિન”ના અર્થમાં) વગેરે...... જોડાક્ષરને છૂટા પાડતા દોષો : “કલપી”, “સ્વરણ”, “નિરમળ”, “નિરજન”, “સભરપણ”, “હરષ”, “સરવ”, “મુરતિ”, “ઈશક”, “નિરબળા”, (નિર્બળા), “યુક્તી”, “સ્વર” (સ્વ), “નિરધન”, “અપકિરતિ”, “શરવરી”, વગેરે... ન હોય ત્યાં પણ સંયુક્તાક્ષર યોજીને કોઈક વાર કવિ “વિરહ”નું “વિર્હ” અને “વિર્હી” કરી બેસે છે. તે પાદપૂરક “સુ”નો બેફામ ઉપયોગ કરે છે : “પ્રાંગણસુમાં” (સુપ્રાંગણમાં), “સુવને”, “સુતને”, “સુક્તિ-નારે”, “સુતરંગે”, “સસુભિલાષા”, “સુચરણો” વગેરે...... “પ્રાંગણસુ”ની જેમ તેઓ “સુરભી કામ સમ” (શ્લોક ૮૬) જેવો પ્રયોગ પણ કરે છે. સુરભિ કામ સમ–એટલે કામદુધા જેવાં. આવા દોષો–જેમાંના કેટલાયે બાલાશંકર જેવાથી તો સહેજે ટાળી શકાયા હોત–એ થોડીક કાળજીથી દૂર કરી શકાય એવા છે. ગાંધીયુગમાં જોડણીની શુદ્ધિ પર વધુ ભાર મુકાયો ત્યાર પહેલાં એમાં અતંત્રતા હતી જ. માત્ર કેટલાક સાહિત્યકારો તત્સમ શબ્દોને યથાવત રહેવા દેતા. બાલાશંકરે તત્સમને પણ એ દૃષ્ટિએ ઉવેખ્યા છે. જોકે ગંધીયુગના લબ્ધપ્રતિષ્ઠ કવિઓ પણ “અરપણ” “નિરધન” “સરવ” વગેરે જોડણી કરતાં અચકાયા ન હતા. પરંતુ બાલાશંકરે આવી છૂટછાટ પોતાની કાવ્યરચનાઓમાં લગભગ નિયમ જેવી કરી નાખી છે. અને છતાંય એમણે પોતે પોતાની કવિતા વિષે કહ્યું છે (હરિપ્રેમ-પંચદશી ૧૧. સૌંદર્ય) તેમ, એના “કોમલ નાદમસ્ત” કે “કોમલ-નાદ મસ્ત” લયપ્રવાહના વેગમાં આ બધી યે ક્ષતિઓ ભુલાઈ જાય છે. નદીનાં ધસમસતાં જલની રમ્યમધુર લીલા જ યાદ રહે છે. એનું સૌંદર્ય અને નિર્મળતા જ સ્મરણમાં રહે છે. આસપાસના રુક્ષ ખડકો કે શુષ્ક વેળુ યાદ નથી રહેતાં–બલકે એ બધાં યે પેલી નદીને લીધે એક પ્રકારનું સૌંદર્ય ધારણ કરે છે. અથવા એમ કહેવામાં અતિશયોક્તિ જણાય તો સૌ પોતાની વિરૂપતા તત્કાલપૂરતી તો ત્યજી દે છે એમ પણ કહી શકાય. એક જ શબ્દનું પુનરાવર્તન કેવું ભાવસાબલ્ય સાધી શકે એ તો બાલાશંકરના આ કાવ્યમાંથી નરસિંહરાવ જેવાએ પણ મુક્ત કંઠે બિરદાવ્યું છે. છઠ્ઠા શ્લોકની ત્રીજી લીટીમાં “નથી” શબ્દને એ ત્રેવડાવે છે:

“ખરી પ્રેમી વિદ્યા નિથિ નથિ નથી પુસ્તક મહીં,
કટાક્ષે તારાએ જખમિ થયેલ અંતર રહી,”

બાલાશંકરના કવિકર્મને બિરદાવતાં નરસિંહરાવ લખે છે : “નથી શબ્દની ત્રણવાર પુનરાવૃત્તિ (ત્રીજા ચરણમાં) પોતાના વક્તવ્યને જોર આપવાનું કાર્ય સુદૃઢતાથી કરે છે, તે ન્હાની વાત પણ આ કવિની સચોટ શૈલીનું સ્વરૂપ સમઝાવવાને નોંધવા લાયક છે.”[18] એટલું જ નહિ માત્ર છંદના બંધારણને અનુસરીને કરેલી આ શબ્દની જોડણી પહેલી બે વાર હ્રસ્વ અને ત્રીજી વાર દીર્ઘ થવાથી પણ એની ભારદર્શક અસર સ્પષ્ટતાથી નિરૂપી શકાઈ છે : “નથિ નથિ નથી”! કવિ જાણે ઉત્તરોઉત્તર જોરશોરથી પોતાનો ભાવ દૃઢાવતા બોલતા હોય એવું સ્પષ્ટપણે સંભળાય છે. બાલાશંકરની કવિતાએ પોતાના સમકાલીનો મણિલાલ નભુભાઈ, “કાન્ત”, “કલાપી”, બ. ક. ઠાકોર જેવાઓ પર પણ સારી અસર કરી હતી અને એનાં ઉદાહરણો પણ આપણને ઉમાશંકરે પોતાની “બાલનંદિની” ટીકામાં આપ્યાં છે. એની પુનરુક્તિની અહીં જરૂર નથી. આ કાવ્યને વાંચતાં ભાવકને કોઈ ઉત્તમ કૃતિ વાંચ્યાનો પરિતોષ થાય છે. આટલે વર્ષે પણ થાય છે. કવિના પોતાના અંગત ખ્યાલો, માન્યતાઓ, આદર્શો, ભાવનાઓ, વિશિષ્ટ સંપ્રદાય કે સંપ્રદાયો અને છેવટે તો એમના અનુભૂતિવિશેષોને એમણે સર્વકાલ માટે સર્વ સહૃદયભોગ્ય બનાવી દીધા છે, એ કંઈ આ કાવ્યની જેવીતેવી સિદ્ધિ નથી. એમણે લખેલાં બીજાં કેટલાંક કાવ્યો પણ આપણને રસાનુભૂતિની કેટલીક સ્મરણીય ક્ષણો બક્ષી શકે એવાં માતબર છે. પણ એમણે જો આ એક જ કાવ્ય રચ્યું હોત તો યે એ ગુજરાતી કાવ્યસાહિત્યમાં હંમેશને માટે પોતાની છાપ મૂકી જાત એમાં શંકા નથી. એમાંના કેટલાયે શ્લોકો મુક્તકની સચોટતા અને ચારુતાવાળા બની શક્યા છે. ક્યારેક તો કવિને ક્યારેક જ કોઈ અપૂર્વ પ્રતિભા- ક્ષણે પ્રાપ્ત થાય એવી મંત્રશક્તિની મહત્તાવાળા બન્યા છે. શ્રી સુન્દરમે કહ્યું છે : “......અનેક સ્મરણીય મુક્તકોથી મઢેલી એક ઘેરી ઊર્મિનું ગાન (આ કાવ્ય) બની રહે છે. “કલાન્ત કવિ” બાલાશંકરની બધી કૃતિઓમાં શિખરરૂપે વિરાજે છે. એટલું જ નહિ, પણ અર્વાચીન કવિતાના વિશુદ્ધ રસસર્જનના પ્રદેશમાં એ પહેલું ઉન્નત શિખર બનીને ગુજરાતી કવિતાના સમસ્ત પટમાં તેના પછીની અને પૂર્વની ઉત્તમ રચનાઓની શિખરમાળામાં પણ પોતાનું વિશિષ્ટ સ્થાન મેળવે છે.”[19] અને ઉમાશંકરની આ ઉક્તિમાં પણ જરાયે અતિશયોક્તિ નથી. એમાં કવિ બાલાશંકર અને એમની માત્ર કવિતાનું જ નહિ સમગ્ર કાવ્યપ્રતિભાનું યેાગ્ય મૂલ્ય કરવામાં આવ્યું છે : “ઓગાણીસમી સદીના ઉત્તરાર્ધના કવિ બે : બાલાશંકર અને મણિશંકર—“કલાન્ત” અને “કાન્ત”. બાલાશંકરના બુલંદ લલકાર અને કાન્તનું કમનીય કૂજન ગુર્જર કાવ્યવાટિકામાં કદી શમનાર નથી. એક આપણા ગિરા ગૂર્જરીને મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર છે. બીજો સાક્ષાત કરુણ છે. બાલાશંકરના વિરહાલાપમાં એક પ્રકારનું ઊંડું સાન્ત્વન છે, એટલું વિશેષ છે. “કલાન્ત કવિ”ના આરંભમાં અનેક પંક્તિઓ “કવચિત”થી ઊપડે છે જ્યારે અંતભાગની “સદા”થી શરૂ થાય છે. એ ફરક ઉપલક વાંચનારના કાને પણ પકડાયા વિના નહિ રહે. “કવચિત”માંથી “સદા”માં, ક્ષણિકતામાંથી શાશ્વતતામાં, વિશ્રાન્તિ : એ આશ્વાસન આખાયે “કલાન્ત કવિ”ના વિરહાલાપ ઉપર, પૃથ્વી ઉપર અંતરિક્ષની જેમ, છવાયેલું છે.”[20]

***

નોંધ

  1. “કલાન્ત કવિ”, ઉમાશંકર જોશી, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, આ. ૧. ઈ. સ. ૧૯૪૨, પૃષ્ઠ ૧.
  2. મૃચ્છકટિક, અનુવાદક : બાલાશંકર ઉ. કંથારિયા, આ. ૧, અર્પણ, ઈ. સ. ૧૮૯૩
  3. કલાન્ત કવિ, પૃ. ૨૯૧-૨૯૨
  4. “કલાન્ત કવિ” (પ્રસ્તાવના), પૃ. ૩૮-૩૯
  5. “કલાન્ત કવિ” (શ્લોક ૧૮), પૃ ૮
  6. કલાન્ત, કવિ”, “સૌંદર્યલહરી, શ્લોક-૮૮, પૃ. ૩૭,
  7. ઉમાશંકર જેશી, કલાન્ત કવિ, પ્રસ્તાવના. પૃ. ૪૬
  8. સરખે શ્રી સુંદરમનું મંતવ્ય :
    “બાલાશંકરની બીજી ("કલાન્ત કવિ” ઉપરાંતની) કૃતિઓમાં પણ શિખરિણી છંદ જે સવિશેષ સામર્થ્યવાળો જોવા મળે છે, તેનું કારણ “સૌંદર્યલહરી”ના શિખરિણીનું તેમને થયેલું અનેકશઃ રટણ છે.”, અર્વાચીન કવિતા (ભા. ૨), પૃ. ૧૬૨
  9. “કલાન્ત કવિ”. શ્લોક ૮, પૃ. ૬
  10. “નવલગ્રંથાવલિ’, આ. ૧, સંપાદક શ્રી નરહરિ પરીખ. આ વિવેચન પ્રથમ પ્રકટ “ગુજરાત શાળાપત્ર” એપ્રિલ ૧૮૮૫ના અંકમાં (નવજીવન પ્રકાશન મંદિર)
  11. વિજ્ઞાનવિલાસ, પુ. ૧૭, સને ૧૮૮૬, અંક ૭, પૃ. ૧૬૫
  12. “કલાન્ત કવિ”, “સૌંદર્યલહરી”ની બાલાશંકરની પ્રસ્તાવના, પૃ. ૩૦
  13. “સુદર્શન” ૧૮૮૬ (“કલાન્ત કવિ” પ્રથમ વાર ઇ. સ. ૧૮૮૪માં માત્ર અંગત મિત્રો માટે પ્રગટ થયું હતું.)
  14. “ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ?”, (આ. ૧ : ૧૯૪૪) પૃ. ૧૩
  15. “કલાન્ત કવિ”, ઉમાશંકર જોષી, પૃ. ૨૯૩
  16. “અર્વાચીન કવિતા”, આ૰ ૨, પૃ. ૧૬૬
  17. અપેક્ષા, સુરેશ દલાલ, આ. ૧, ઈ. સ. ૧૯૬૮, પૃ. ૧૧૯
  18. “મનોમુકુર ‘”, ગ્રંથ, ૨. (આ. ૧. સં, ૧૯૯૨) પૃ. ૨૨૫
  19. “અર્વાચીન કવિતા", પૃ. ૧૬૭
  20. “કલાન્ત કવિ" (પ્રસ્તાવના), પૃ. ૪૮

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.