યુરોપ-અનુભવ/રોમ : શાશ્વત નગરી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રોમ : શાશ્વત નગરી}} {{Poem2Open}} …In the room the women come and go Talking of Michelangelo....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
…In the room the women come and go | <big>'''…In the room the women come and go'''</big> | ||
Talking of Michelangelo. | '''Talking of Michelangelo.'''<big>Big text</big> | ||
<center>— T. S. Eliot</center> | |||
આમ તો, વેનિસ પણ ઇટલીમાં અને રોમ પણ ઇટલીમાં. અવશ્ય, રોમ ઇટલીનું પાટનગર ખરું, તેમ છતાં, રોમ એટલે જગતની અનન્ય એવી એક સંસ્કૃતિનું બીજું નામ. રોમની સાથે બીજું જે નામ યાદ આવે તે ગ્રીસના ઍથેન્સનું. ઍથેન્સ અને રોમ એટલે આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતાનું ‘પારણું’. યુરોપનો ખરો યાત્રી એની ઇટિનરરી (Itinerary)માં આ બે નગર તો પહેલાં મૂકે. એટલે અમે પણ જ્યારે અમારા ભ્રમણમાર્ગની દૈનંદિની તૈયાર કરતાં હતાં ત્યારે ગ્રીસ અને ખાસ તો ઍથેન્સ કેમ જવું, શું જોવું એ બાબતને બહુ સમય આપેલો. | આમ તો, વેનિસ પણ ઇટલીમાં અને રોમ પણ ઇટલીમાં. અવશ્ય, રોમ ઇટલીનું પાટનગર ખરું, તેમ છતાં, રોમ એટલે જગતની અનન્ય એવી એક સંસ્કૃતિનું બીજું નામ. રોમની સાથે બીજું જે નામ યાદ આવે તે ગ્રીસના ઍથેન્સનું. ઍથેન્સ અને રોમ એટલે આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતાનું ‘પારણું’. યુરોપનો ખરો યાત્રી એની ઇટિનરરી <big>(Itinerary)</big>માં આ બે નગર તો પહેલાં મૂકે. એટલે અમે પણ જ્યારે અમારા ભ્રમણમાર્ગની દૈનંદિની તૈયાર કરતાં હતાં ત્યારે ગ્રીસ અને ખાસ તો ઍથેન્સ કેમ જવું, શું જોવું એ બાબતને બહુ સમય આપેલો. | ||
ઍથેન્સ એટલે બધી ઈસવીસન પૂર્વેની વાતો. મહાકવિ હોમરનાં ઇલિયડ અને ઓડેસી જેવાં મહાકાવ્યો, ઇસ્કાયલસ, સોફોક્લીસ અને યુરિપિડીઝની હૃદયમથિત કરનાર ટ્રેજેડીઓ, લેસ્બિયન સાફોનાં વિરહવિધુર પ્રણયકાવ્યો વાંચી વાંચી એ ભૂમિ સાથે અનુબંધ રચાયેલો. સૉક્રેટિસ, પ્લેટો, ઍરિસ્ટૉટલનાં નામ અધ્યાપકીય જીવનમાં કેટલી વાર ઉચ્ચાર્યાં છે! ગ્રીસનાં દેવીદેવતાઓની પુરાણકથાઓ અને ગ્રીસનો પ્રાચીન ઇતિહાસ – આ બધાંની વત્તીઓછી જાણકારીએ મનમાં ઍથેન્સનું એક કલ્પનાચિત્ર ઊભું કરેલું છે. ગ્રીસનાં એક્રૉપોલિસ અને પાર્થિનોનનાં સ્થાપત્યો અને શિલ્પો જોવા મન વ્યગ્ર થઈ જતું હતું. | ઍથેન્સ એટલે બધી ઈસવીસન પૂર્વેની વાતો. મહાકવિ હોમરનાં ઇલિયડ અને ઓડેસી જેવાં મહાકાવ્યો, ઇસ્કાયલસ, સોફોક્લીસ અને યુરિપિડીઝની હૃદયમથિત કરનાર ટ્રેજેડીઓ, લેસ્બિયન સાફોનાં વિરહવિધુર પ્રણયકાવ્યો વાંચી વાંચી એ ભૂમિ સાથે અનુબંધ રચાયેલો. સૉક્રેટિસ, પ્લેટો, ઍરિસ્ટૉટલનાં નામ અધ્યાપકીય જીવનમાં કેટલી વાર ઉચ્ચાર્યાં છે! ગ્રીસનાં દેવીદેવતાઓની પુરાણકથાઓ અને ગ્રીસનો પ્રાચીન ઇતિહાસ – આ બધાંની વત્તીઓછી જાણકારીએ મનમાં ઍથેન્સનું એક કલ્પનાચિત્ર ઊભું કરેલું છે. ગ્રીસનાં એક્રૉપોલિસ અને પાર્થિનોનનાં સ્થાપત્યો અને શિલ્પો જોવા મન વ્યગ્ર થઈ જતું હતું. | ||
Line 58: | Line 58: | ||
શિલ્પકૃતિમાં માતા મેરી, પુત્ર ઈશુ કરતાં પણ યુવાન લાગે છે. જાણે અઢારનાં. ક્રૉસ પર ચઢાવ્યા ત્યારે ઈશુની વય હતી ત્રીસની. અઢાર વર્ષે અવશ્ય સ્ત્રી મા થઈ શકે, પણ ત્રીસ વયના પુત્રની મા અઢાર વરસની? માઇકેલ ઍન્જલોને કોઈએ પૂછેલું પણ ખરું, એમનો જવાબ નોંધાયો છે : | શિલ્પકૃતિમાં માતા મેરી, પુત્ર ઈશુ કરતાં પણ યુવાન લાગે છે. જાણે અઢારનાં. ક્રૉસ પર ચઢાવ્યા ત્યારે ઈશુની વય હતી ત્રીસની. અઢાર વર્ષે અવશ્ય સ્ત્રી મા થઈ શકે, પણ ત્રીસ વયના પુત્રની મા અઢાર વરસની? માઇકેલ ઍન્જલોને કોઈએ પૂછેલું પણ ખરું, એમનો જવાબ નોંધાયો છે : | ||
‘પૂર્ણ પવિત્રતા ધરાવતી નારી ચિરયુવા હોય છે. | ‘પૂર્ણ પવિત્રતા ધરાવતી નારી ચિરયુવા હોય છે.’ – <big>A woman of perfect purity would keep her youth for ever.’</big> | ||
રાધાના વૃદ્ધત્વની આપણે કદી કલ્પના કરી શકીએ ખરા? એ વૃન્દાવન-વિહારિણી તો ચિરકિશોરી છે. મેડોના-મેરી પણ ચિરયુવા. | રાધાના વૃદ્ધત્વની આપણે કદી કલ્પના કરી શકીએ ખરા? એ વૃન્દાવન-વિહારિણી તો ચિરકિશોરી છે. મેડોના-મેરી પણ ચિરયુવા. |
Revision as of 15:17, 25 July 2021
…In the room the women come and go Talking of Michelangelo.Big text
આમ તો, વેનિસ પણ ઇટલીમાં અને રોમ પણ ઇટલીમાં. અવશ્ય, રોમ ઇટલીનું પાટનગર ખરું, તેમ છતાં, રોમ એટલે જગતની અનન્ય એવી એક સંસ્કૃતિનું બીજું નામ. રોમની સાથે બીજું જે નામ યાદ આવે તે ગ્રીસના ઍથેન્સનું. ઍથેન્સ અને રોમ એટલે આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતાનું ‘પારણું’. યુરોપનો ખરો યાત્રી એની ઇટિનરરી (Itinerary)માં આ બે નગર તો પહેલાં મૂકે. એટલે અમે પણ જ્યારે અમારા ભ્રમણમાર્ગની દૈનંદિની તૈયાર કરતાં હતાં ત્યારે ગ્રીસ અને ખાસ તો ઍથેન્સ કેમ જવું, શું જોવું એ બાબતને બહુ સમય આપેલો.
ઍથેન્સ એટલે બધી ઈસવીસન પૂર્વેની વાતો. મહાકવિ હોમરનાં ઇલિયડ અને ઓડેસી જેવાં મહાકાવ્યો, ઇસ્કાયલસ, સોફોક્લીસ અને યુરિપિડીઝની હૃદયમથિત કરનાર ટ્રેજેડીઓ, લેસ્બિયન સાફોનાં વિરહવિધુર પ્રણયકાવ્યો વાંચી વાંચી એ ભૂમિ સાથે અનુબંધ રચાયેલો. સૉક્રેટિસ, પ્લેટો, ઍરિસ્ટૉટલનાં નામ અધ્યાપકીય જીવનમાં કેટલી વાર ઉચ્ચાર્યાં છે! ગ્રીસનાં દેવીદેવતાઓની પુરાણકથાઓ અને ગ્રીસનો પ્રાચીન ઇતિહાસ – આ બધાંની વત્તીઓછી જાણકારીએ મનમાં ઍથેન્સનું એક કલ્પનાચિત્ર ઊભું કરેલું છે. ગ્રીસનાં એક્રૉપોલિસ અને પાર્થિનોનનાં સ્થાપત્યો અને શિલ્પો જોવા મન વ્યગ્ર થઈ જતું હતું.
ઇટલીના બ્રિન્દસી બંદરેથી બોટ લઈને ચોવીસ કલાક સુધી ઇતિહાસપ્રસિદ્ધ એજિયન સાગરનાં નીર કાપી ગ્રીસને કાંઠે ઊતરી, વળી ટ્રેન લઈ ઍથેન્સ પહોંચવાનું હતું. કેટલું રોમાંચક! અમારી યુરેઇલ-ટિકિટ બોટમાંય ચાલે. થોડા વધારાના પૈસા ભરવાના થાય. પછી જોયું કે આ રીતે ઍથેન્સ જઈએ તો અમારા પ્રવાસમાં ઓછામાં ઓછા છ-સાત દિવસ તો ફાળવવા જોઈએ. પછી એક એવો વિચાર પણ કર્યો કે, રોમથી વિમાનમાં ઍથેન્સ જઈ આવવું. દિવસો બચે, ભલે ખર્ચ વધે.
આમ, યોજના છતાં છેક જતાં ઍથેન્સની અધિષ્ઠાત્રી દેવી એથિનીનો હુકમ ન થયો તે ન થયો અને અમે ઍથેન્સ ન ગયાં. કોણ જાણે, આ પ્રાચીન સંસ્કૃતિઓ માટેનો અમારો સમગ્ર અનુરાગ માત્ર રોમ પર અભિષેક પામવાનો હશે! ઍથેન્સ જવા માટે તો દેવી એથિનીના હુકમની રાહ જોવી રહી.
રોમ, ઍથેન્સ, પૅરિસ અને લંડન – કવિ નિરંજન ભગત તો આ ચારને જ યુરોપનાં મહાનગરો ગણે અને એ ચારમાં યુરોપનું ઘણુંખરું દર્શન થઈ જાય એવું માને અને મનાવે. એ આ બધાં નગરોના ઉપર-નીચેના (મેટ્રોના) બધા નકશા તો જાણે, દરેક દર્શનીય બિન્દુનો ઇતિહાસ પણ જાણે. યુરોપ આવતાં પહેલાં એમણે મને જાણે હથેળીમાં રોમનો નકશો બતાવ્યો. ત્રણ દિવસમાં રોમનાં દર્શનીય સ્થળો કેમ દૃષ્ટિ તળે કાઢવાં એની યોજના કરી આપી. મને થયું કે, એમની સાથે વાતચીતમાં જ મેં તો રોમ જોઈ લીધું. સેન્ટ પીટરના દેવળમાં ફરું છું, ટાઇબરને કાંઠે ચાલું છું, રોમના સ્થાપક રોમ્યુલસની ઝૂંપડી જોઉં છું, કૅપિટોલ હિલ પર માઇકલ ઍન્જેલોએ ડિઝાઇન કરેલાં પગથિયાં ચઢું છું, નગરમધ્યમાં સ્પૅનિશ સ્ટેપ્સ પાસેના મકાનમાં જ્યાં કવિ કીટ્સનું અવસાન થયેલું તે ઓરડામાં ઊભો રહું છું અને પછી રોમન ફૉરમ પર ચાલું છું. ચાલું છું, ચાલું છું… બસ, ચાલ્યા જ કરું છું.
કવિ કહે : ‘રોમમાં ઊતરવા માટે કોઈ પેન્સીઓને પસંદ કરજો. કિફાયત ભાવે ઓરડા મળી રહેશે.’ પછી તો પોતે જ્યાં રહેલા ત્યાં વેટિકન સિટીના વિસ્તારમાં આવેલા એક અતિથિગૃહમાં અમારા નિવાસ માટે કુમારી એલિના બારતોલીને પત્ર પણ લખી દીધો. થોડા દિવસમાં જ કુમારી એલિનાનો તાર આવ્યો કે, બે ઓરડા અમારે માટે આરક્ષિત રહેશે.
પરંતુ, રોમ ઊતરતાં પહેલાં અમારે એમને ફોનથી જણાવી દેવું પડ્યું કે, અમે ત્યાં ઊતરવાનો લાભ નહિ લઈ શકીએ. અમારું સમયપત્રક થોડું બદલાયું હતું. અને વેનિસથી રાત્રિની ગાડી લીધી તે સવારના ૭.૪૦ વાગ્યે તો રોમા ટરમિની. રોમનું કાળુપુર. એ આવે એ પહેલાં તો ગાડીની બારીઓમાંથી રોમ નગરીનાં દર્શન શરૂ થઈ ગયાં હતાં. બેલ્જિયમ, હોલેન્ડ, જર્મની અને ઑસ્ટ્રિયાનાં નગર જોયા પછી ઇટલીનું દર્શન ક્યાંક ભારતદર્શનની નજીકનું લાગતું હતું.
પણ, અમે તો પેલું ઇટરનલ સિટી શાશ્વતનગર શોધતાં હતાં. દુનિયામાં અને એટલે ડિક્શનરીમાં ઇટરનલ સિટી કહો એટલે એનો અર્થ થાય રોમ. એ માત્ર ઇટલીનું પાટનગર જ નહિ પરંતુ વિશ્વનું પાટનગર ગણાય છે. રોમ એટલે જૂલિયસ સીઝર અને ઑગસ્ટસ સિઝરનું રોમ, કવિ વર્જિલ અને કાતુલ્લસનું રોમ, ગ્લેડિયેટર્સ અને ગુલામોનું રોમ, વાગ્પતિ સિસેરો જેવા સેનેટરોનું રોમ, માઇકેલ ઍન્જેલો અને રફાયેલ જેવા કલાકારોનું રોમ, કૅથોલિક ધર્મનું કેન્દ્ર રોમ. સંસારસમગ્રના રસ્તાઓ જ્યાં લઈ જાય તે રોમ. રોમ, જેને બનતાં શતાબ્દીઓની શતાબ્દીઓ લાગી છે.
પણ, એવી ચેતવણીઓ પણ સાંભળેલી કે રોમમાં ઠગ પણ ઘણા મળશે. પાસપૉર્ટ – પર્સ બરાબર સંભાળવાં. યુરોપના અન્ય શહેરોમાં અનુભવવા મળતાં પ્રામાણિકતાનાં, નૈતિકતાનાં ધોરણો ઊતરતાં લાગશે રોમમાં. મને આલ્બર્ટો મોરાવિયાની પેલી ‘વુમન ઑફ રોમ’ નવલકથા, જેમાં એક રૂપજીવિની પોતાનું આત્મવૃત્તાન્ત કહે છે તે યાદ આવી.
રોમનું એ સ્ટેશન અતિવિશાળ. યુરોપનાં સ્ટેશનોમાં જાણે પહેલી વાર ભરચક ઉતારુઓનો અનુભવ થયો. અમે વિચાર્યું કે, સામાન લૉકર્સમાં મૂકવાને બદલે, જ્યાં ઊતરીએ ત્યાં સાથે રાખવો. ઘણા દિવસ થયા હતા. બૅગો વ્યવસ્થિત કરવી જરૂરી હતી, એટલે અમે એ તો નક્કી કરી લીધું કે શહેરના વેટિકન સિટી વિસ્તાર સુધી તો જવું નથી. સ્ટેશનની આસપાસના વિસ્તારમાં કોઈ પેન્સિઓન મળી જાય તો ઠીક. બહાર આવીને ઊભાં. મોટી સડકની સામેની દિશાએ હોટલો અને પેન્સિઓનનાં બોર્ડ હતાં. સડક પાર કરી એક-બે પેન્સિઓનમાં પૂછવાનું વિચાર્યું. એક પેન્સિઓનમાં બે જોડાજોડ ઓરડા હતા. વ્યક્તિ દીઠ ૨૫૦૦૦ લીરા. પાંચ વ્યક્તિના એક દિવસના ભાડા પેટે જ ૧,૨૫,૦૦૦ લીરા! આવડી મોટી રકમ પહેલાં તો બધિર જ કરી દે, પણ લીરાના રૂપિયા પ્રમાણે વ્યક્તિ દીઠ લગભગ ૩૦૦ રૂપિયા થાય. એટલું તો અહીં હોય જ. પેન્સિઓન એટલું નજીક હતું કે અમે અમારો સામાન ખેંચીને લઈ જઈ શક્યાં. ઘણી હોટલો કે પેન્સિઓનમાં બેડ અને બ્રેકફાસ્ટ ભાડામાં આવી જાય, અહીં માત્ર બેડ એટલે કે ઊતરવાની જ વ્યવસ્થા હતી.
ઝટપટ તૈયાર થઈ અમે નીકળી પડ્યાં. રાત થોડી ને, વેશ ઝાઝા. પહેલો હુમલો અમે વિશ્વવિખ્યાત સેન્ટ પીટરના દેવળ ઉપર જ કરવાનું નક્કી કર્યું. રોમનો નકશો ખોલીને જોયું શહેર મધ્યે વહેતી ટાઇબરને સામે કાંઠે છે વેટિકન સિટી અને સાન પિએગો (સેન્ટ પીટર). સ્ટેશન પરથી જ ભૂગર્ભ ગાડી લીધી. ગાડીઓમાં મુંબઈથી જરાક જ ઓછી ભીડ. ઑટોમૅટિક બારણાં બંધ થાય. પછી જ ગાડી ઊપડે, એટલે કોઈ લટકતું નજરે ન પડે એટલું જ. બાકી આ ઑફિસસમયમાં ‘હૈયેહૈયું દળાય’. રોમન પ્રજાનો ખરેખરનો સ્પર્શ – ગાઢ સ્પર્શ અનુભવવા મળ્યો. આ ભીડમાં પર્સ – પાકીટ સંભાળવાનું બરાબર યાદ રાખવું પડતું.
સેન્ટ પીટર નજીકના જ સ્ટેશને ઊતરી ગયાં અને જેવાં ભૂગર્ભમાંથી બહાર આવ્યાં કે સુન્દર રોમ! કે નગરસુંદરી રોમા? અહીં ‘રોમા’ જ કહે છે, પૅરિસને જેમ ‘પારિ’. સડક ઉપર ચાલવા લાગ્યાં. સડકની અંદરના ભાગમાં એક ઊંચો કોટ હતો. તે હતો : વેટિકન સિટીનો. અમે સીધા સેન્ટ પીટર તરફ ચાલ્યાં.
સેન્ટ પીટરનું દેવળ એટલે વિશ્વમાં સૌથી મોટામાં મોટું દેવળ. સેન્ટ પીટરની કબર પર બંધાયેલું આ દેવળ એના સ્થાપત્યથી અને એમાં રહેલી કાલજયી કલાકૃતિઓથી, બિનખ્રિસ્તીઓ માટે પણ, આકર્ષણનું કેન્દ્ર છે. એની રચના સાથે રફાયેલ અને માઇકેલ ઍન્જેલોનાં નામ જોડાયેલાં છે.
માઇકેલ ઍન્જેલો – બોલતાં જ મોં ભરાઈ જાય એવું આ નામ હવે વારંવાર હોઠે આવતું હતું. એક કલાકાર આ નગર સાથે કેવો તો અભિન્ન રીતે જોડાઈ ગયો છે! દેવળમાં પ્રવેશ કર્યા પહેલાં જ અમે તો માઇકેલ ઍન્જેલોની મહાન શિલ્પરચના ‘લા પિએતા’ (કરુણા) જોવા ઉત્સુક હતાં. સેન્ટ પીટરના દેવળની સન્નિધિમાં પહોંચીએ એ પહેલાં સેન્ટ પીટર ચૉકમાં આવીને ઊભાં. એક બાજુ દેવળનું પ્રવેશદ્વાર. એની સીધમાં વિશાળ રાજમાર્ગો અને બંને બાજુ અર્ધગોળાકારમાં ૨૮૪ જેટલા સ્તંભો અને ૧૪૦ જેટલી સંતોની પ્રતિમાઓ ધરાવતો આ ચૉક પ્રભાવક બની રહે છે. ચૉકની બરાબર વચ્ચે ઇજિપ્ત શૈલીનો એક સ્તંભ – ઓબેલિસ્ક – છે, જે મૂળે તો હેલીઓપોલીસથી લાવવામાં આવ્યો છે. સ્તંભના શીર્ષ ઉપર ક્રૉસ છે. ઓબેલિસ્કની બંને બાજુએ સુંદર ફુવારા છે, પાછળ સોળમી સદીના મહેલો ઊભા છે.
ખરેખર અમે તો અધીર હતાં સેન્ટ પીટરના પ્રવેશદ્વાર ભણી જવા. છતાં થોડા ફોટા પાડી લીધા. તડકો પથરાયો હતો. દેવળની દિશામાં અનેક યાત્રીઓ જઈ રહ્યાં હતાં. અમે ઊંચી જગતી પર ચઢી વિશાળ દેવળમાં પ્રવેશ કર્યો. ક્યાં છે માઇકેલ ઍન્જેલો?
સેન્ટ પીટરના વિરાટ દેવળમાં પ્રવેશતાં એક ભર્યો ભર્યો અવકાશ. દેશદેશનાં તમામ વયનાં સ્ત્રી-પુરુષોનાં ટોળાંની ઉત્સુક આંખો. દેવળનો પરિચય કરાવતા ભોમિયાઓની જુદી જુદી ભાષાઓનું ગુંજરણ. હાથમાં દેવળનું માર્ગદર્શક પુસ્તક લઈ ભમતા કંઈ કેટલાય કલારસિક મુસાફરો. ઉપાસનાએ ખ્રિસ્તી ધર્મનાં સાધુ-સાધ્વીઓ અને અનુયાયીઓ. દેવળની બેસિલિકા(બે બાજુ થાંભલાની હાર અને છેડે કમાનને ઘુમ્મટવાળા ખંડના દેવળનો મુખ્ય ભાગ)ની બંને બાજુનાં લઘુ દેવળોમાં બળતા દીવાથી વચ્ચે વચ્ચે રચાતા તેજના ટાપુ. ચિત્રિત ભીંતો અને છતોમાંથી ઝાંકતી બાઇબલના પ્રસંગોની પાત્રસૃષ્ટિ. આ બધાં એકસાથે એક સમયક્ષણમાં ભેગાં થઈ કેવો તો વિમિશ્ર અનુભવ કરાવી રહ્યાં છે તે કેમ કથવું?
ડાબી તરફથી જોતાં જોતાં અમે નીકળ્યાં. દેવળનું સ્થાપત્ય જેમ બહારથી તેમ અંદરથી પણ પ્રભાવિત કરે છે. બહારથી તો જાણે આકાશમાં શોભતો કોઈ રાજમુકુટ. કોઈ સૌન્દર્યદ્રષ્ટાએ આપેલી આ ઉપમા આપણે પ્રમાણી શકીએ. દેવળની અંદરનો અવકાશ એટલે વિરાટ પોલાણ પણ જાણે સભર. રામેશ્વરના મંદિરમાં સાગરકાંઠે સૂર્યોદય જોઈ પ્રવેશ કરીએ અને પછી સ્તંભ પછી સ્તંભ પછી સ્તંભ વટાવતા છેક અંદરના ગર્ભગૃહ સુધી પહોંચતાં સુધીમાં કેવો અનુભવ થાય છે? અહીં બેસિલિકાના સ્તંભ પછી સ્તંભ પાર કરી ઘુમ્મટવાળા ઓરડાની વેદી સુધી પહોંચતાં સુધીમાં ભાવિક યાત્રિકને કંઈક એની નિકટનો અનુભવ થતો હશે.
એક બાજુએ દેવળના શિલ્પ-સ્થાપત્યનો સૌન્દર્યાનુભવ તો બીજી બાજુએ ધર્માનુભવ. આવું કોઈ દ્વૈત રચીને આ મંદિરો-દેવળોને કેમ જોવાં? આવાં મંદિરો કે દેવળોના સ્થાપત્યમાં ધર્મબોધ જગવવાનો આશય અનુસ્યૂત છે. ઘણાંખરાં ખ્રિસ્તી દેવળોની આંતરિક રચનામાં ‘પ્રોગ્રેશનથી’ (ધીમે ધીમે આગળ વધતા જઈ) ‘ફોકસ’ (વેદિકા) સુધી જવાની પ્રક્રિયા છે. એટલે કે દર્શક બેસિલિકાના એક પછી એક સ્તંભ પાર કરતો આગળ વધે અને પછી એની નજર એકદમ વેદી પર જઈ ઠરે, એટલે કે પ્રવેશદ્વારથી એનું એક એક ડગલું પરમ ધ્યેય ભણી જતું હોય. દેવળના આંતરિક સ્થાપત્યનો આ ખ્રિસ્તી અર્થ છે. હિન્દુ કે જૈન મંદિરોમાં અંદરના ગર્ભગૃહ સુધી જતાં ભાવિક આવી જ પ્રક્રિયામાંથી ગુજરતો હોય છે. શિખરબંદી મંદિરની બહારનાં સ્થાપત્ય, શિખર, કળશ અને ઉપર ફરકતી ધજા ઊર્ધ્વરોહણનો આધ્યાત્મિક અર્થ ધરાવે છે.
દેવળમાં સેન્ટ પીટરની પ્રતિમાનો આજ સુધીમાં એટલા ભાવિકોએ ચરણસ્પર્શ કર્યો છે કે અંગૂઠો ઘસાઈ ગયો છે. મધ્યની વેદીમાં સેન્ટ પીટરની કબર ઉપર અખંડ દીવા બળ્યા કરે છે. સેન્ટ પીટર એટલે ઈશુ ખ્રિસ્તના શિષ્યોમાં સૌથી અગ્રણી અને પછી રોમન કૅથોલિક ચર્ચની પોપ પરંપરામાં આદિ પોપ. આપણને આદિ શંકરાચાર્ય અને પછી શંકરાચાર્ય પરંપરાનું સ્મરણ થાય.
દેવળમાં બધું જોતાં હતાં, પણ અમે જોવા તો ઉત્સુક હતાં ‘લા પિએતા’ – પચ્ચીસ વર્ષની યુવાન વયે માઇકેલ ઍન્જલોએ ઘડેલું શિલ્પ. આ દેવળમાં એ મૂકવામાં આવ્યું છે. એક તરુણ સાધ્વીને પૂછ્યું : ‘લા પિએતા’ ક્યાં છે?’ એણે કહ્યું : ‘પ્રવેશદ્વારથી જમણી બાજુએ.’ તેમ છતાં અમે અટવાતાં રહ્યાં યાત્રીઓની ભીડમાં. એટલામાં ફરી એ જ સાધ્વીને જોઈ. આ વખતે એ અમારી સાથે થોડાં ડગલાં ચાલ્યાં અને અમે આવી ઊભાં ‘લા પિએતા’ સામે, જ્યાં દર્શકોની ભારે ભીડ હતી. ક્રૉસ ઉપરથી ઉતારેલા ઈશુના મૃતદેહને ખોળામાં લઈને બેઠેલી કુમારી મેરી – મેડોનાનું શિલ્પ એટલે ‘પિએતા’. એનો બીજો જે અર્થ થતો હોય છે. પણ આ તો કરણાનું મૂર્તિમંત રૂપ. અગાઉ આ શિલ્પની તસવીરો જોઈ હતી અને એનું વિવેચન વાંચ્યું હતું, પણ આ મૂળ શિલ્પ જોતાં તો ક્ષણેક શું નું શું થઈ ગયું! માના ખોળામાં મૃત પુત્ર. એ પુત્ર પછી જગદોદ્ધારક ઈશુ ખ્રિસ્ત જ કેમ ન હોય, અને એ મા જગદોદ્ધારકની મા કેમ ન હોય? મા એટલે મા અને પુત્ર એટલે પુત્ર. ધર્મને અતિક્રમી શિલ્પનું સંવેદન સનાતન માનવીય ભૂમિકા પર ચિત્તને ખળભળાવે છે. વ્યગ્ર કરે છે. અશાંત કરે છે અને અંતે પરમ શાંતિમાં લઈ જાય છે, મનોમન પ્રાર્થના કરાવીને.
તો આ મનથી થઈ ગયેલી પ્રાર્થના એ શું? ધર્મનાં ટીલાંટપકાંથી પર એક ધાર્મિક અનુભૂતિ નહિ તો બીજું શું? માનવીય અને આધ્યાત્મિકની ભેદરેખા ક્યાં લુપ્ત થઈ જતી હતી! શું આ માઇકેલ ઍન્જલોમાં રહેલા કલાકારનો વિજય?
માઇકેલ ઍન્જલો કહેતા કે, તેઓ અણઘડ પથ્થરમાં મૂર્તિ જોઈ લેતા. શિલ્પી તરીકે એમનું કામ તો એ મૂર્તિની આસપાસનો વધારાનો પથ્થર હટાવવાનું. માતા મેરી અને ખોળામાં લીધેલા મૃત ઈશુને આ કલાકારે એ રીતે પથ્થરમાંથી કંડારી લીધાં છે. મેરીની આંખો નમેલી છે, એના પોતામાં વળી છે. જુએ છે, નથી જોતી! ડાબે હાથે પુત્રના મૃતદેહને સાહ્યો છે, પુત્રની ડોક ડાબી તરફ લળી ગઈ છે અને ડાબો હાથ પણ ખોળાની બહાર લળી ગયો છે. મેરીના જમણા હાથની આંગળીઓ એની નમેલી આંખોની જેમ, આ જે બની ગયું તેની મૌન – મૂક વ્યથાની કોઈ અનિવાર્ય અસહાયતાનો નિર્દેશ કરે છે. શું નિયતિ અટલ છે? એવો કોઈ ભાવ —
(ટાળ્યાં તો કોઈનાં નવ ટળે રઘુનાથનાં જડિયાં!)
માના ખોળામાં પડેલો નિશ્ચેતન ઈશુનો દેહ, ઢળેલું માથું, પાંસળાં અને ઉઘાડું પેટ, એક બાજુ લળેલો. બીજો બાહુ માના પેટને સમાંતર અને ખોળામાંથી લબડતા પગ!
શિલ્પકૃતિમાં માતા મેરી, પુત્ર ઈશુ કરતાં પણ યુવાન લાગે છે. જાણે અઢારનાં. ક્રૉસ પર ચઢાવ્યા ત્યારે ઈશુની વય હતી ત્રીસની. અઢાર વર્ષે અવશ્ય સ્ત્રી મા થઈ શકે, પણ ત્રીસ વયના પુત્રની મા અઢાર વરસની? માઇકેલ ઍન્જલોને કોઈએ પૂછેલું પણ ખરું, એમનો જવાબ નોંધાયો છે :
‘પૂર્ણ પવિત્રતા ધરાવતી નારી ચિરયુવા હોય છે.’ – A woman of perfect purity would keep her youth for ever.’
રાધાના વૃદ્ધત્વની આપણે કદી કલ્પના કરી શકીએ ખરા? એ વૃન્દાવન-વિહારિણી તો ચિરકિશોરી છે. મેડોના-મેરી પણ ચિરયુવા.
કલાસમીક્ષકોએ નોંધ્યું છે કે, શિલ્પમાં મેરીની આકૃતિ ઈશુ કરતાં મોટી છે. ધારો કે એ ઊભાં થાય, તો નવ ફૂટનાં થાય. આકારની અસંગતિ કલાકારની અંતર્દૃષ્ટિની દ્યોતક છે. મેરીની પ્રતિમા મોટા કદની હોય તો જ મા નાના શિશુને જેમ ખોળામાં લે તેવી રીતથી ત્રીસ વર્ષના પુત્ર ઈશુને ખોળામાં લઈ શકે.
કલાકારે મેરીને ભરપૂર કપડાં પહેરાવ્યાં છે. ઈશુની કેડ્ય પર તો એક લંગોટીમાત્ર છે. એ પથ્થર-વસ્ત્રો છે, પણ મેરી જરા જો હલે તો સરસરાટ સંભળાશે એવું લાગે.
ત્યાં ઊભાં છીએ, ઊભાં છીએ, ઊભાં છીએ. પ્રવાસીઓના કૅમેરા ક્લિક ક્લિક કરે છે. માઇકેલ ઍન્જલોનું, નહીં કે ઈશુ ખ્રિસ્તનું નામ લઈને અમે દેવળમાં પ્રવેશ્યાં હતાં. એ મહાન કલાકારે કોરેલી મેરી અને ઈશુની મૂર્તિથી અભિભૂત અમે બહાર નીકળ્યાં. ડાબી તરફ દેવળ ઉપર ચઢવાનાં પગથિયાં છે. પણ અમે ઉપર ચઢવાનું ન રાખ્યું. ફરી બરનીનીના પેલા અદ્ભુત ચૉક વચ્ચે આવીને ઊભાં અને પછી એક બાજુની ખંભાવલિને ટેકે બેસી વિશ્રામ કર્યો.
પછી તો ચાલતાં ચાલતાં અમે વેટિકન મ્યુઝિયમના દરવાજે પહોંચ્યાં. મ્યુઝિયમોમાં પ્રવેશવા ટિકિટો તો મળતી હતી, પણ પોણા બે વાગ્યે તો મ્યુઝિયમો બંધ થઈ જાય. એક કલાક બાકી રહ્યો હતો. બરાબર જોવાય નહિ. વળી ૫૦૦૦ લીરાની ટિકિટ! હવે તો કાલે સવારે અહીં આવવું એમ વિચારી નકશો ખોલ્યો. હવે ટાઇબર પાર કરીને પેન્થિઓન જઈશું.
ભાષાનો પ્રશ્ન છતાં પૃચ્છા કરતાં અમે એટલો અર્થ તારવ્યો કે ૬૪ નંબરની બસ અમને ત્યાં લઈ જશે. બસમાં બેસી તો ગયાં, પણ ક્યાં ઊતરવું એય પાછો પ્રશ્ન હતો. અમારી બસે ટાઇબર નદીનો પુલ પાર કર્યો. બસમાં બે ઇટાલિયન બહેનો અમારી મૂંઝવણ સમજી શકી હતી. એ અંગ્રેજી જાણતી હતી. એમણે અમને મદદ કરવાની તત્પરતા દાખવી. અમારે ઊતરવાનું આવ્યું એટલે સાથે બસમાંથી ઊતરી કયો માર્ગ લેવો એનો નિર્દેશ કર્યો. તડકો હતો, લાગતો પણ હતો, છતાં ઠંડો પવન અમારો થાક હરી લેતો. જૂના રોમમાં ભમવાનો બોધ રોમાંચ જગાવતો હતો.
રોમમાં જાણે એકસાથે ઇતિહાસ-સમયના જુદા જુદા ખંડોમાં વિહરવાનું થાય. એક તો બહુ જૂનું રોમ. જૂલિયસ સીઝર અને ઑગસ્ટસ સીઝરનું રોમ, ગ્લૅડિયેટરોના મલ્લ યુદ્ધો જોઈ ચિચિયારીઓ પાડતા રોમનોનું એ રોમ. પછી મધ્યકાલનું ખ્રિસ્તી રોમ, અને મુસોલિનીની પકડમાંથી મુક્ત આજનું રોમ. આ બધા કાલખંડોની સહઉપસ્થિતિ છે અહીં. જુઓને, મધ્યકાળમાંથી અમે આવી પહોંચ્યા – પેન્થિઓન – પ્રાચીન રોમમાં, એટલે કે ઑગસ્ટસ સીઝરના સમયમાં.
ઈ.સ. પૂર્વે ૨૭માં એગ્રિપ્પાએ એ બંધાવેલું સૌન્દર્યદેવતા વિનસ અને યુદ્ધદેવતા માર્ઝનું એ મંદિર. પણ, રોમમાં ખ્રિસ્તી ધર્મની બોલબાલા પછી પોપ બોનીફેસ ચોથાએ એ મંદિરને દેવળમાં ફેરવી નાખી વધસ્તંભે ચઢેલા ઈશુની મૂર્તિ સ્થાપિત કરી દીધી. મંદિરોમાંથી મસ્જિદો બનતાં કેટલી વાર લાગી છે? ગનીમત એટલું કે સ્થળ રહે છે દેવસ્થાન. પ્રવેશદ્વારે ઇજિપ્ત શૈલીના ગ્રેનાઇટ સ્તંભોની હાર. એવી બીજી ચાર હાર છે. જૂનાં કાંસાનાં બારણાંવાળાં દ્વારમાંથી અંદર ગયાં તો એક વિશાળ ગોળ પોલાણ. છેક ઉપર ગુંબજના એક કાણામાંથી આવતો સૂર્યનો સીધો પ્રકાશ અંદર અજવાળું કરતો હતો. આ પેન્થિઓનની ઊંચાઈ અને પહોળાઈનો વ્યાસ સરખો છે. દિવાલો પર ખ્રિસ્તી ધર્મપ્રસંગોનાં ચિત્રો છે. પ્રાચીન રોમની આ એક માત્ર સાબૂત ઇમારત છે. પેન્થિઓન એટલે આમ તો સર્વદેવમંદિર. પણ એ અર્થ આ ઇમારત ખોઈ બેઠી છે. (આવું પૅન્થિઓન – પાંતિઓ – પૅરિસમાં પણ છે.) આ બધી જૂની ઇમારતો અહીં આવતા યાત્રીઓથી જીવંત રહી છે. ચારેબાજુ ઊંચાં રહેણાંકનાં ઘર છે. પૅન્થિઓન આગળના ખુલ્લા ચૉકમાં ફૂવારા આગળ એમની હાજરી હોય જ. માઇકેલ ઍન્જલોના એક મહાન સમકાલીન કલાકાર રફાયલની એવી ઇચ્છા હતી કે, તેમની કબર પેન્થિનઓમાં હોય. એમની ઇચ્છાને માન આપવામાં આવ્યું છે.
પાછળની નાની ગલીમાં થઈ મોટરગાડીઓથી ભરેલા એક માર્ગે ચાલતાં વળી પાછા મુખ્ય માર્ગે પહોંચી ગયા. પછી ચાલતાં ચાલતાં રોમના પ્રસિદ્ધ – પિઆઝા વેનેઝિઆ – વેનિસ ચૉકમાં આવીને ઊભાં રહેતાં આ નગર જાણે ખૂલવા લાગ્યું. ચૉકની બાજુમાં પાલાઝો વેનેઝિયા – મહેલ છે. અત્યારે ત્યાં કલાઓનું મ્યુઝિયમ છે. આવતી કાલે વિશ્વવિખ્યાત વેટિકન મ્યુઝિયમ જોવાનું જ છે, એટલે ત્યાંથી આગળ વધી પિઆઝા દા કામ્પીદોગ્લીઓ તરફ ચાલ્યાં. દૂરથી નજરને ભરી રહ્યું વિક્ટર ઇમૅન્યુઅલનું ઊંચું સ્મારક. પ્રાચીન ઇમારતોની સન્નિધિમાં ઊભેલું, અનેક પગથિયાં ચઢીને પહોંચાતું સ્મારક એક વિસંગતિ પેદા કરે છે, પણ અહીં આસપાસનું સમગ્ર પરિદૃશ્ય ઑ પાડે છે. આ છે પ્રાચીન રોમની ખરી ભૂમિ. જે સાત ટેકરીઓ પર રોમ વસેલું છે તેમાંની એક કૅપિટોલની ટેકરી જમણી બાજુએ છે. સ્મારકની ડાબી તરફની સડક તે પ્રાચીન ઇમ્પીરિયલ ફૉરમની સડક. એ માર્ગે એક બાજુ ઑગસ્ટસે અને બીજી બાજુ સીઝરે બંધાવેલી ફૉરમનાં ખંડેરો છે. એ માર્ગ આગળ લઈ જાય આપણને કૉલોસિયમ તરફ.
અમે તો કૅપિટોલની ટેકરી તરફ ચાલ્યાં. સાત ટેકરીઓમાં આ સૌથી ઊંચી અને સૌથી મહત્ત્વની. એ ટેકરીની દક્ષિણ બાજુએ રોમનોના આરાધ્ય દેવતા જ્યૂપિટરનું દેવળ હતું. પ્રાચીન રોમનું ધર્મકેન્દ્ર, પ્રાણકેન્દ્ર. જ્યૂપિટરનું એ સુવર્ણમંદિર હતું અને એટલે રોમ સુવર્ણનગરી કહેવાતી. અત્યારે તો એ દેવળના અવશેષોમાત્ર છે. આફ્રિકાના બર્બરોએ પાંચમી સદીમાં એ ભવ્ય દેવળ ધ્વસ્ત કર્યું અને જ્યૂપિટરની મૂર્તિને ઉખાડીને આફ્રિકા લઈ ગયા. આપણને સોમનાથનું પતન યાદ આવે. થાય : ‘આવે વખતે એ દેવો ચૂપ કેમ રહેતા હશે?’
ટેકરી તો એ રીતે પ્રાચીન, પણ આજે ત્યાં ચઢવાનાં જે પગથિયાં છે અને ઉપર જે તારકઆકૃતિ ચૉક છે, તેની ડિઝાઇન માઇકેલ ઍન્જલોની છે. ઍન્જેલો મહાન સ્થપતિ પણ ખરા. અમે એકસાથે પ્રાચીન અને મધ્યકાલીન રોમમાં શ્વાસ લેતાં હતાં. ધારો કે પેલા પ્રાચીન રોમની ઈસવીસન પૂર્વેના કોઈ એક દિવસની એક રંગભરી સાંજ કાળની યવનિકા ખસેડી ક્ષણેક માટે આપણી સમક્ષ પ્રગટ થઈ જાય તો? અને પછી માત્ર પાંચ સૈકા પહેલાંની એક સાંજ? માઇકેલ ઍન્જેલો ક્યાંક અહીં ઊભેલા દેખાય, સીઝરની બાજુમાં કવિ વર્જિલની પણ હાજરી હોય. એ પિયાઝા દેલ કામ્પીદોગ્લિઓની ત્રણ બાજુ આજે ત્રણ મહેલ સમી ઇમારતો ઊભી છે. બંને બાજુના મહેલોમાં તો મ્યુઝિયમ છે. પગથિયાં ચઢતાં ઉપર ચૉક સુધી આવીએ એટલે બે છેડે બે અશ્વ અને એની બાજુમાં ઊભેલા અસવારો છે. સામે છે પાલાઝો સેનેટોરિયો. રોમની ઇતિહાસપ્રસિદ્ધ સેનેટનું અસલી સ્થાન. ત્યાં સિસેરો જેવા વાગ્પતિઓની વાણી ગુંજી હશે. એ રોમન સેનેટમાં જ સીઝરની હત્યા થઈ હશે ને?
અહીં ઊભતાં નજર સામે ઇતિહાસનાં પાનાં ફડફડી રહ્યાં. તડકામાં દૂર દૂર સુધી વેરાયેલાં રોમન ફૉરમનાં હાડ. ક્યાંક જર્જરિત સ્તંભો, કમાનો, આડાઊભા પથ્થરો, ખંડો, મૂર્તિઓ… આ બધાં જર્જરિત કલેવરો. શું કોઈ સંજીવની છાંટીને આ બધાંને અસલ જીવતા રૂપમાં લાવી શકાય?
બોલો, દેવ જ્યૂપિટર – ઘૌસ્પિતર – ક્યાં છો?
કૅપિટોલની ટેકરી ઉપરથી અમે ભૂમધ્ય સાગરીય સ્વચ્છ તડકામાં દૂર સુધી વિસ્તરેલા રોમન ફૉરમનાં અવશેષો જોતાં રહ્યાં.
શું થાય છે મને આ? આ શાની વ્યગ્રતા છે? કશુંક ખોયાની? કંઈ ખોયું તો નથી તોપણ!
નોબેલ પુરસ્કારવિજેતા ગ્રીક કવિ સેફેરિસની એક કવિતાના ટુકડા યાદ આવતા હતા. દટાયેલી કોઈ પ્રાચીન નગરીનું ઉત્ખનન થઈ રહ્યું છે. પાવડાથી પુરુષો-સ્ત્રીઓ કામે લાગી ગયાં છે. એ લોકો જાણે મૃતકોના સંસાર ઉપર છૂંદણાં ત્રોફી રહ્યાં છે. ખંડેરોની વચ્ચે થઈ અદૃષ્ટનું ચક્ર પસાર થઈ રહ્યું છે. ત્યાં એકાએક લોકો જાણે સ્થિર થઈ જાય છે અને ઉપર આકાશના ગર્ભાશયમાંથી કોઈ કુંવારી કન્યા પ્રકટ થાય છે. એનાં સ્તન પૂરાં ખીલ્યાં નથી, ખભે ઘન કેશ ફેલાઈને પડ્યા છે. આંખની ભમરોમાં પારેવાંનો ફફડાટ છે. ચંદ્રોપમ એનું પેટ છે. ખંડેરો વચ્ચે એ પ્રકટ થઈ અને પાછી ધીરે ધીરે આકાશના ઉદરમાં સમાઈ ગઈ. જતાં જતાં છેલ્લે એનાં ચરણ – આરસનાં ચરણ – અલોપ થયાં. ક્યાં ગઈ એ કન્યા? કદાચ કવિની એ ભ્રાન્તિ હોય. આપણને પણ એવી ભ્રાન્તિ થવા લાગે.
રોમન સેનાપતિની વિજયયાત્રા આવી રહી છે, રોમન ફૉરમની વચ્ચેના પવિત્ર માર્ગેથી — સેક્રા વિયા? સેનાપતિએ લાલ અને સોનેરી રંગનો ઝબ્બો પહેર્યો છે, ઉપર ચિત્રિત સુશોભિત બંડી છે, માથે સુવર્ણનો મુકુટ છે. ચાર અશ્વોના રથમાં એનું આસન છે. સેનાપતિની પાછળ સૈનિકો છે, ગીત ગાતા ચાલે છે. એમની પાછળ જિતેલા પ્રદેશમાંથી મેળવેલી મૂલ્યવાન ચીજવસ્તુઓ છે. બંદી કરેલી સ્ત્રીઓ પણ છે. એમની પાછળ હારેલો બંદી સેનાપતિ અને એના સૈનિકો છે. પછી પુરોહિતો, નટો અને ગાયકો છે. સેનાપતિ આ કૅપિટોલના ઢાળ ઉપર આવેલા દેવ જ્યૂપીટરના મંદિરનાં પગથિયાં ઘૂંટણિયે ચઢે છે!
ફૉરમ વચ્ચે પવિત્ર માર્ગની રેખા જોતાં આવું કલ્પનાચિત્ર દોરી શકાય. બાજુમાં રોસ્ટ્રા છે. રોસ્ટ્રા એટલે ભાષણ કરવાનું ઊંચું પ્લૅટફૉર્મ. દુશ્મનોના વહાણનો આગળનો ભાગ જડીને એ તૈયાર કરવામાં આવેલ છે. ખુલ્લા ચૉકમાં રોસ્ટ્રા ઉપરથી પ્રવચન કરતા બ્રુટસ કે માર્ક ઑફ ઍન્ટનીનું કલ્પનાચિત્ર પણ આંકી શકાય. બાજુમાં મિત્રોના ખંજરોથી ક્ષતવિક્ષત સીઝરનો લોહી નીંગળતો ઢાંકેલો મૃતદેહ છે. કવિ શેક્સ્પિયર. સાહિત્ય ભણ્યાનું આ દુ:ખ છે. જે જેમ છે તે તેમ જોઈ શકાય નહિ. સીતાઅંકિત અંગૂઠો જોઈ કૈકેયીની જેમ આખો રાવણ ચીતરવા લાગી જવાય.
અમે પૅલેસ્ટાઇન ટેકરીને રસ્તે ઊતર્યાં. રસ્તો જરા લાંબો પડી ગયો અને પગ ગરબા ગાવા લાગ્યા. તેમ છતાં અમે અજાણ્યે જ પ્રાચીન રોમની પ્રદક્ષિણા કરી રહ્યાં હતાં. આ પૅલેસ્ટાઇન ટેકરીના વિસ્તારમાં શ્રીમંત રોમનોના આવાસો હતા. અહીં મોટા મોટા રાજપુરુષો, વકીલો, વક્તાઓનાં ઘર હતાં. પેલા સિસેરોનું ઘર પણ ત્યાં અને ક્લોડિયસ પરિવારનું પણ. ક્લોડિયસની બહેન ક્લોડિયા ભરપૂર રોમન સ્ત્રી. ત્યાંના રાજકારણમાં તો સક્રિય, પરંતુ રતિસંગ્રામમાંય એણે અનેક નરવીરોને પરાસ્ત કરેલા. એના પ્રેમમાં પડી ગયો હતો દૂરના ટાપુ પરથી આવેલો એક મુગ્ધ કવિ કાતુલ્લુસ. કેટલીબધી કવિતાઓ એણે આ ક્લોડિયા પર લખી છે! સદ્ભાગ્યે સચવાઈ ગઈ છે કેટલીક કવિતાઓ. કવિ નિરંજન ભગતે આ કવિ પર વ્યાખ્યાનો આપેલાં. કાતુલ્લુસ-ક્લોડિયાના પ્રણયપ્રકરણ વિષે એક નવલકથા લખાઈ છે : ‘ફેરવેલ-કાતુલ્સ’ અલવિદા, કવિ કાતુલ્લુસ! આધુનિક મોટરગાડીઓની યાતાયાત, પ્રવાસીઓની પલટણો, રોમન નાગરિકોની અવરજવર મને વર્તમાનમાં લાવી દે છે. અમને થતું હતું કે કૉલોસિયમથી દૂર તો નથી જતા. નકશામાં જોયું, એમ જ હતું. પણ એક-બે પ્રસિદ્ધ સ્થળો અમને આ માર્ગે મળી ગયાં.
એક તો સર્કલ મેક્સિમસ. રસ્તાની એક ધારે પૅલેસ્ટાઇન ટેકરી, બીજી તરફ આ સર્કલ. લીલાછમ ઘાસથી ઢંકાયેલો લંબગોળાકાર ઊંચો વિસ્તાર. આ સ્થળે થતી હતી પ્રાચીન રોમમાં રથસ્પર્ધાઓ. આર્યોની જેમ રોમનો પણ રથવિદ્યામાં નિપુણ હતા.
મને એકદમ બિબ્લિકલ ફિલ્મ યાદ આવી – ‘સ્માર્ટેક્સ’. એમાં આવી રથસ્પર્ધાનું એક લાંબું દૃશ્ય છે.
જરા આગળ જતાં રોમના સ્થાપક રૉમ્યુલસની ઝૂંપડી આવી, અહીંથી ટાઇબર નજીકમાં વહે છે. રૉમ્યુલસ અને રેમસ એ બે ભાઈઓને માદા વરુએ મોટા કર્યા હતા. વરુ પાસેથી છોડાવી એક ભરવાડે એમને આ ઝૂંપડીમાં લાવીને રાખ્યા હતા. એ પછી રૉમ્યુલસે (ઈ.સ. પૂર્વે ૭૫૩માં) રોમની સ્થાપના કરેલી. એના નામ પરથી નગરનું નામ પડ્યું રોમ (રોમા).
સાંજ પડવા આવી હતી. અમે ચાલતા હતા એની ડાબી બાજુએ પૅલેસ્ટાઇન ટેકરીને પડખે ઈંટોની ઇમારતોના અવશેષો હતા. એ રસ્તો પછી આગળ જઈ એક વિશાળ રાજમાર્ગને જોડાયો. એક બાજુ ખંડેરો સાચવતો ઢાળ અને બીજી બાજુ વૃક્ષવીથિકાવાળો આ માર્ગ. હવે સામે વિરાટ કૉલોસિયમ નજરે પડ્યું. આ કૉલોસિયમ રોમનો પર્યાય બની ગયું છે. એની નજીક લગભગ અક્ષત ઊભી છે સમ્રાટ કૉન્સ્ટન્ટાઇનની આર્ક-વિજયતોરણ. ફૉરમના ખંડેરો વચ્ચે પણ આવી એક આર્ક હતી – સેપ્ટિમિઉસની. આ માર્ગે અનેક પ્રવાસીઓ દેખાતા હતા. રસ્તાની ધારે પ્રવાસી બસોની હારમાળા હતી. કૉન્સ્ટન્ટાઇન, જેણે કૉસ્ટેન્ટિનોપલ વસાવ્યું. એણે મેળવેલા વિજયના સ્મારક તરીકે આ તોરણની રચના કરવામાં આવી છે. અનેક પ્રાચીન ઇમારતો પર વેન્ડાલોની કોદાળીઓ અને ત્રિકમના ઘા લાગ્યા છે, ક્યારેક તો નીચેની ધરતી પોતે હલી ગઈ છે, છતાં આ તોરણ ઊભું રહી ગયું છે. સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મને રોમના રાજધર્મ તરીકે સ્વીકાર્યો. એના પ્રત્યેનો એક આદર ભાવ પણ કારણભૂત હોય. આ તોરણમાં લડાઈનાં દૃશ્યો કોતરવામાં આવ્યાં છે.
અમે થોડી વાર એ વિજયતોરણ નીચે ઊભાં રહ્યાં, પણ અમને તો પેલું વિશાળ ભગ્ન કૉલોસિયમ આમંત્રી રહ્યું હતું. અહીં આસપાસના વિસ્તારમાં ઘાસની હરિયાળી બિછાત છે. કેમ કરી આ ઊંચું ભગ્ન કલેવર નિરાલંબ ટકી રહ્યું છે એનું જ પ્રથમ તો આશ્ચર્ય થાય. ઈ.સ. ૭રમાં એને બાંધવાની શરૂઆત થઈ, તે ઈ.સ. ૮૦માં એ પૂરું થયું. એ વખતે ત્રણ મહિનાનો જલસો થયેલો. એક રીતે તો ચાર માળવાળું આ એક સ્ટેડિયમ છે. એમાં એકસાથે ૫૦,૦૦૦ પ્રેક્ષકો બેસી ગ્લૅડિયેટરોની ખૂનખાર લડાઈઓ જોતા, લોહિયાળ. જે હારી જાય તેને રહેંસી નાખવા અંગૂઠો ઊંચો કરી કિકિયારીઓ સાથે સંકેત કરતા. કેદીઓને આ કૉલોસિયમના ભોંયરામાં ભૂખ્યા રાખવામાં આવેલા હિંસક પશુઓનાં દ્વાર ખોલવાનું કહેવામાં આવતું અને જોતજોતામાં એ પશુનો કોળિયો થઈ જતા અને દર્શકોના હર્ષોલ્લાસની કિકિયારીઓથી એ ગુંજી ઊઠતું!
આની આસપાસ જ ક્યાંક પેલા રોમન સમ્રાટ નીરોનો મહેલ હતો. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો. એ વાત જૂની નથી, આજે પણ જુદે રૂપે અનેક શાસનકર્તાઓને લાગુ પડે છે. કૉલોસિયમ અને નીરો – બન્ને ક્રૂર આનંદનાં પ્રતીક છે. ઈ.સ. ૪૦૦માં એક રોમન સમ્રાટે આ લોહિયાળ દૃશ્યો બંધ કરાવી દીધેલાં. એના થોડા સમય પછી ધરતીકંપ થતાં આ ઇમારતનો ઘણો ભાગ પડી ગયો.
હિંસક પશુઓને રાખવાનાં પાંજરાં, કેદીઓને પૂરવાનાં ખાનાં, ત્રણ ટિયરમાં પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા – આ બધું જોતાં જોતાં સાંજ ઢળી ગઈ. કેટલા બધા પ્રવાસીઓ આજુબાજુ – ઉપરનીચે ભમી રહ્યા હતા. ફોટા પાડી રહ્યા હતા. એમના રંગબેરંગી પોશાકો આ ઇતિહાસ-જર્જર ઇમારત સાથે કૉન્ટ્રાસ્ટ રચતા હતા. અમે એક સ્થળે બેઠાં. પ્રાચીન ગ્રીક અને પ્રાચીન રોમની સંસ્કૃતિ વિષે બે જોડિયાં પુસ્તકોનું સ્મરણ થયું : ‘ધ ગ્રીક વે’ અને ‘ધ રોમન વે’. ગ્રીકો, રોમનો, ભારતીય આર્યોની પ્રાચીન જીવનરીતિમાં કયાં મૂલ્યો અગ્રસ્થાને હશે?
કૉલોસિયમની બહાર નીકળ્યા ત્યારે ઇમ્પીરિયલ ફૉરમના વિશાળ રાજમાર્ગ પર હજી તડકો હતો, પણ પેલેટિનની ટેકરી પર પડછાયા લંબાતા જતા હતા. રાજમાર્ગની બાજુમાં પાણી પીવાનો ફુવારો હતો, ત્યાં ધરાઇને પાણી પીધું. બાજુમાં જ મેટ્રોનું સ્ટેશન છે, એટલે ત્યાંથી હવે રોમા ટરમિનિ પર પહોંચી જવા ધાર્યું. અત્યારે પણ ભૂગર્ભ ગાડીઓમાં ભીડ તો હતી જ.
રોમા ટરમિનિનાં પગથિયાં ચઢી બહાર આવ્યાં. મુખ્ય સ્ટેશનના પ્લૅટફૉર્મની એક કાફેટેરિયાની બહાર ખુરશીટેબલો પર કૉફી, બિયર કે વાઇન પીતા રોમનો નિરાંતે ગપસપ કરતા હતા, ઘણી મોટી સંખ્યામાં.
પણ, અમે તો પહોંચી ગયાં અમારા પૅન્થિઓનમાં. આ પૅન્થિઓનમાં બેડની સુવિધા હતી, પણ બ્રેકફાસ્ટની નહિ. અમે એના વ્યવસ્થાપકને વિનંતી કરી કે એક તપેલીમાં પલાળી રાખેલી કાચી ખીચડીને કોઈ હીટર પર રાંધી દે. અમારી વાત પહેલાં તો એ સમજ્યો જ નહિ. માંડ સમજ પાડી. એનો એક ફિલીપીની સેવક થોડી પ્રતીક્ષા કરાવ્યા પછી બરાબર સીઝેલી ખીચડીની તપેલીઓ લઈ આવ્યો. અનેક દિવસ પછી ખીચડી જોતાં અમારા સૌના ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ. છીબું હટાવતાં બધાંની લાલચભરી નજર ખીચડીની તપેલી પર પડી. જૂલિયસ સીઝર અને માઇકેલ ઍન્જેલોના રોમના એક પૅન્થિઓનના પાંચમે માળે આ ગરમ ગરમ ખીચડી અને ઘેરથી લાવેલાં છૂંદા-અથાણાં અને ખાખરાના સહયોગથી આકંઠ જમ્યાં. ધી ઇન્ડિયન વે.
સૂતાં, પણ ઊંઘ જાણે જલદી આવતી નથી. થોડા કલાકોમાં આ રોમનગરીના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન – એમ ત્રણ ત્રણ યુગખંડોનાં દર્શન એવો ભાસ કરાવી ગયાં કે જાણે કેટલાય દિવસથી રોમમાં ભમીએ છીએ, જ્યારે આ સવારે તો હજી અહીં ઊતર્યાં છીએ.
કાલે સવારે પ્રથમ અભિયાન તો વેટિકન સિટી અને એનાં મ્યુઝિયમો ભણી છે, પણ પછી ટાઇબરને કાંઠે કાંઠે ચાલવું છે.