બહુરંગી/ભૂમિકા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:21, 26 May 2026
વર્ષ ૨૦૧૧ની શરૂઆતમાં એક વાર શ્રી હિમાંશીબહેન શેલત સાથે વાત કરતાં એમણે સૂચન કર્યું કે લેખિકાઓએ લખેલી હાસ્યકૃતિઓનો એક સંચય કરવો જોઈએ. એમના એ સૂચનને આગળ લઈ જઈને આ કામ શરૂ કર્યું. ‘ગૂર્જર પ્રકાશન’ના શ્રી મનુભાઈ શાહે એના પ્રકાશન માટે તૈયારી દર્શાવી. આ સંચય વાચકો સમક્ષ મૂકતી વખતે સૌથી પહેલાં શ્રી હિમાંશીબહેન અને શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું. વિચાર ઉદ્ભવ્યો, કામ શરૂ થયું. વિદ્વદ્જનો સાથે સંચય તૈયાર કરવા વિશે વાત કરી તો કેટલાક પ્રશ્નો પુછાયા. આવો માત્ર લેખિકાઓએ જ લખેલી હાસ્યરચનાઓનો સંચય કરવાની શી જરૂર છે? સંચય થઈ શકે એટલી ગુજરાતી ભાષામાં લખતી હાસ્યલેખિકાઓ છે ખરી? આ પ્રશ્નો પૂછનારાઓનો હેતુ સ્વસ્થ અને સહૃદય જ હતો. જે થોડો શંકાનો સૂર હતો તે પણ અમુક પ્રમાણમાં વાજબી જ હતો. પ્રશ્નોના ઉત્તરો શોધવા પુસ્તકાલયોની મુલાકાતો, વિદ્વદ્જનો સાથે વાર્તાલાપ અને વર્ષોના વાચન દરમિયાન સ્મરણમાં રહેલી લેખિકાઓ અને તેમની હાસ્યલેખન રચનાઓ વિશે વિચાર કર્યો, ત્યારે લાગ્યું કે એક સંચય બની શકે તેટલી કૃતિઓ તો સહેલાઈથી મળી શકે. ગુજરાતી ભાષામાં લેખિકાઓએ લખેલી હાસ્યરચનાઓનાં પુસ્તકો ઓછાં છે. સંપાદિત સંચયોમાં પણ લેખિકાઓની ઉપસ્થિતિ જવલ્લે જ જોવા મળે છે. માત્ર હાસ્યલેખન કરતી લેખિકાઓની સંખ્યા પણ જૂજ છે. પુસ્તકાલયોમાં હાસ્યલેખનનાં પુસ્તકોના વિભાગમાં લેખિકાઓએ લખેલી હાસ્યરચનાઓમાં પુસ્તકોની સંખ્યા પણ જૂજ. આમ, જૂજ અને જવલ્લેના આ કાર્યપ્રદેશમાં પ્રથમ દૃષ્ટિએ એમ લાગે કે ગુજરાતી ભાષામાં લેખિકાઓ દ્વારા થયેલા હાસ્યલેખનનું પ્રમાણ ઓછું છે અને એ તો સ્વીકારવું રહ્યું. જોકે લેખિકાઓની સંખ્યા, તેમની કૃતિઓ અને કૃતિઓની ગુણવત્તા ઓછી નથી જ અને સંખ્યા પણ અવગણી કાઢવા જેવી નથી. અહીં આપણે હાસ્યલેખન કોને કહીએ છીએ એ પ્રશ્ન પણ આવે. ખડખડાટ હસાવવાથી માંડીને સ્થિતપ્રેરક અથવા વાચનારને માત્ર આનંદ આપે તેવી કૃતિને હાસ્યરચના કહી શકાય. વિદ્વાન અભ્યાસીઓ દ્વારા હાસ્યની એવી વિશાળ વ્યાખ્યા પણ કરાઈ છે. આ સંચયમાંની કેટલીક કૃતિઓ એ પ્રકારની છે : હળવાશભરી, વિનોદપૂર્ણ, આનંદપ્રેરક. સ્વ. રમણભાઈ નીલકંઠનું ‘હાસ્યમંદિર’ પ્રકાશિત થયું વર્ષ ૧૯૧૫માં. ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખન ક્ષેત્રે, સિદ્ધાંત અને સર્જન, બંને રીતે એ એક શકવર્તી પુસ્તક છે. એ પુસ્તકનાં સહલેખિકા છે વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ. ‘હાસ્યમંદિર’માં પ્રકાશિત કુલ આડત્રીસ હાસ્યરચનાઓમાંની ચૌદ રચનાઓ સ્વ. વિદ્યાબહેનની છે. અડધા કરતાં થોડી જ ઓછી. એ રીતે સ્વ. વિદ્યાબહેન ગુજરાતનાં સર્વપ્રથમ હાસ્યલેખિકા ગણાય. આ સંચયમાં તેમની કૃતિ પ્રથમ ક્રમે મૂકી છે તે પણ એટલે જ. આ પુસ્તકમાં સ્વ. વિદ્યાબહેનની જે કૃતિ સમાવી છે તે ‘જ્ઞાનસુધા’ના ૧૯૧૩ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના અંકોમાં છપાયેલો લેખ છે, આ પુસ્તક તૈયાર થઈ રહ્યું છે તેની બરાબર એક સદી પહેલાં. સ્વ. વિદ્યાબહેન પછી લગભગ દરેક દાયકામાં હાસ્યલેખન કરતી લેખિકાઓ છે જ. આઝાદી પછીનાં વર્ષો – દાયકાઓમાં એ સંખ્યા સતત વધતી રહી છે અને છેલ્લાં વીસેક વર્ષમાં તો એ સંખ્યા વધવાની સાથે ગતિ પણ વધી છે. હાસ્યકૃતિઓ શોધવાનું કામ શરૂ કર્યું, ત્યારે પુસ્તકાલયોમાંથી તો થોડાં જ પુસ્તકો મળ્યાં; પરંતુ સામયિકો, વર્તમાનપત્રોમાંથી ઘણું મળ્યું. ગુજરાતી વર્તમાનપત્રોની પૂર્તિઓની માગને લઈને હાસ્યલેખન કરતા લેખકો પણ વધ્યા છે અને લેખિકાઓ પણ. હાસ્યલેખોની કટારોમાં કેટલી બધી લેખિકાઓનાં નામ હતાં! ગુજરાતના હાસ્યસાહિત્યના વિકાસ-વૃદ્ધિમાં વર્તમાનપત્રો ઉદ્દીપક બની રહ્યાં છે અને પ્રેરકબળ પણ. હાસ્યલેખન જેમ લેખકોને ફળ્યું છે તેમ લેખિકાઓને પણ ફળ્યું છે. છેલ્લા બે-એક દાયકામાં હાસ્યલેખન કરતી લેખિકાઓના પ્રકાશિત સંગ્રહોની સંખ્યા પણ ધ્યાન ખેંચે એવી રીતે વધી છે. હાસ્યલેખન કૃતિઓનો સંચય કરતી વખતે બીજી એક બાબત પણ ધ્યાનમાં આવી છે. છેક વિદ્યાગૌરી નીલકંઠથી લઈને અત્યાર સુધી એટલે કે એકવીસમી સદીના બીજા દાયકાના પ્રારંભ સુધીની. તે એ કે લેખિકાઓમાંથી મોટા ભાગની લેખિકાઓ માત્ર હાસ્યલેખન ક્ષેત્રમાં સર્જન કરવાને બદલે બીજાં સાહિત્યસ્વરૂપોમાં પણ પ્રદાન કરતી રહી છે. કોઈક કિસ્સાઓમાં એ સમાંતરે આવ્યું છે. કોઈક કિસ્સામાં લેખનપ્રવૃત્તિના પ્રારંભે હાસ્યલેખન કરતી લેખિકાઓએ બીજા ક્ષેત્રમાં કલમ ઉપાડી છે, તો કેટલાક કિસ્સાઓમાં બીજાં સાહિત્યસ્વરૂપોમાં સર્જન કરતી લેખિકાઓએ હાસ્યલેખો – પ્રહસનો લખ્યાં છે. આમ, લેખનનાં સ્વરૂપો, કૃતિઓની દૃષ્ટિએ લેખિકાઓના સર્જનનો વ્યાપ ઘણો વિશાળ છે. આ રીતે લખનારી લેખિકાઓએ હાસ્યરચનાઓ ભલે થોડી જ લખી હોય; પરંતુ એ હાસ્યરચનાઓમાં સર્જનશીલતા તો દેખાય જ છે. એમાંથી પસંદ કરીને હાસ્યરચનાઓ આ સંચયમાં સમાવી છે. વળી, લેખિકાઓએ લખેલી રચનાઓ પણ કેટકેટલાં વિવિધ સ્વરૂપે છે! હાસ્યનિબંધો, હાસ્યકથાઓ, વ્યંગ્ય-કટાક્ષ નિબંધો, કટાક્ષકાવ્યો, હાસ્યનવલકથાઓ, દીર્ઘ હાસ્યકૃતિઓ, રેખાચિત્રો, આત્મકથનાત્મક આલેખન. આ બધા જ પ્રકારની કૃતિઓ આ સંચયમાં સમાવી છે. નવલકથાના અને દીર્ઘ હાસ્યરચનાઓના થોડા અંશો લીધા છે. પ્રહસનો પણ સમાવવા વિચારેલું; પરંતુ પૃષ્ઠસંખ્યા વધી જવાની શક્યતા વિચારીને એમ કરવાનું ટાળ્યું છે અને હાસ્યનાં પણ કેટલાં બધાં સ્વરૂપો! ખડખડાટ હસાવી દે તેવી રચનાઓ, સાદ્યંત હાસ્ય રેલાવતી કૃતિઓ, વાચકના ચહેરા પર સતત સ્મિત ફરકતું રાખે તેવી કૃતિઓ, અત્યુક્તિ અને સ્થૂળ હાસ્યથી લઈને બુદ્ધિનિષ્ઠ કટાક્ષ, અળવીતરાઈભરી તાર્કિકતા, નર્મ-મર્મ, વ્યંગ્ય ચાતુરી, શબ્દરમત, વિચિત્રતાઓ અને વિસંગતિઓ પરત્વે તિક્ત કટાક્ષથી લઈને સહિષ્ણુ સ્મિત પ્રેરતી રચનાઓ. રચનાને છેક અંતે હસાવી દેતી કથા, હાસ્યની સાથે સંવેદના અને સહાનુભૂતિની લાગણીઓને સ્પર્શતી રચના અને બ્લેક હ્યુમર પણ! સર્જનાત્મક હાસ્ય-કટાક્ષ લેખનના લગભગ દરેક સ્વરૂપમાં લેખિકાઓએ સર્જન કર્યું છે. આવી કૃતિઓ ગુજરાતી વાચકોના વાચનક્ષેત્ર સુધી પહોંચાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે. હવે તો એ સમય વીતી ગયો છે; પરંતુ એક સમયે કહેવાતું કે સ્ત્રીઓમાં રમૂજવૃત્તિનો અભાવ હોય છે. સદ્ભાગ્યે, (કોના? કહેનારાઓના સ્તો!) એકાદ અપવાદ સિવાય ક્યાંય આવું વિધાન લેખિત સ્વરૂપે જોવામાં નથી આવ્યું. મનોવૈજ્ઞાનિકો તો માને છે કે સ્ત્રીઓમાં રમૂજવૃત્તિ પુરુષો કરતાં વધારે હોય છે. (એટલે તો આ દુનિયા નભે છે!) સ્ત્રીઓમાં રમૂજવૃત્તિનો અભાવ હોવાનું વિધાન હંમેશાંથી પૂર્વગ્રહયુક્ત અને અપૂર્ણ છે. વળી, કોઈક તો એવુંય કહે કે મૂલતઃ રમૂજવૃત્તિના અભાવે જ હાસ્યલેખન ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રદાન ઓછું છે, એ ધારણા પણ ખોટી છે. એમ જોવા જઈએ તો માત્ર હાસ્યલેખન જ શા માટે, સર્જનાત્મક લેખનનાં બીજાં ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં ઓછી જ રહી છે, વિશ્વસમસ્તમાં. આમ, માત્રાની દૃષ્ટિએ સ્ત્રીઓનું પ્રદાન ઓછું છે એનાં કારણો ઘણાં છે. એ મુદ્દાની ચર્ચાઓ પણ ઘણી થઈ ચૂકી છે અને અહીં એ મુદ્દો ઉપાડવાની જરૂર પણ નથી; પરંતુ માત્રા ઓછી એટલે ગુણવત્તા પણ ઓછી એવું સમીકરણ ન માંડી લેવાય. આ સંચય કંઈક એવું જ કહેવા માગે છે. અગાઉ પ્રકાશિત થયેલા હાસ્યરચનાઓના સંચયોમાં લેખિકાઓએ લખેલી કૃતિઓની સંખ્યા ભલે જૂજ હોય. સંચયોમાં કઈ કૃતિઓ સમાવવી, કઈ નહીં એ વિશે સંચયોના સંપાદકો પાસે પોતાનાં કારણો હોય જ તે નિઃશંક છે. આખરી નિર્ણય સંપાદકનો જ હોય. લેખિકાઓની કૃતિઓ એ સંચયોમાં ઓછી છે કે સદંતર નથી એટલે લેખિકાઓની અવગણના થઈ છે કે અન્યાય થયો છે, વગેરે વગેરે કહેવાનો ઉદ્દેશ નથી; પરંતુ લેખિકાઓની હાસ્યસર્જનની સક્ષમ કૃતિઓમાંની કેટલીક વાચકો સુધી પહોંચે તેવો જ ઉદ્દેશ આ સંચય તૈયાર કરવા પાછળ છે. અહીં સમાવિષ્ટ કૃતિઓ માત્ર એક ઝલક છે, પૂર્ણ ચિત્ર નથી. લેખિકાઓએ લખેલી હાસ્યસર્જનની કૃતિઓનો થોડોક પરિચય વાચકોને મળશે. સંચયમાં છેલ્લે ગુજરાતીમાં લેખિકાઓએ લખેલી અનુવાદિત-મૌલિક હાસ્યલેખન કૃતિઓની યાદી પણ સામેલ કરી છે. વિશાળતર ચિત્ર એ છે. આ સંચયમાં હાસ્યસર્જનનાં સ્વરૂપોમાં જેવી વિવિધતા છે, તેવી જ વિષયોની વિવિધતા આણવા પ્રયાસ કર્યો છે. સ્ત્રીઓ માત્ર ઘરેલુ વિષય પર લખે એવી પણ એક ધારણા અગાઉ પ્રચલિત હતી. એક સમયે કેટલીક લેખિકાઓ કોઈ અકળ હેતુથી પુરુષવાચક ‘હું’નો પ્રયોગ કરીને લખતી હતી અને તે પણ પુરુષોની દૃષ્ટિએ લખાયું હોય તે રીતે. એ તબક્કો વીતી ગયો. જોકે સ્ત્રીઓ લખે તેમાં તેના સ્ત્રીપણાની છાપ હોય જ તેવું અનિવાર્ય નથી, તો એવી છાપ હોય તે બાધક પણ નથી. સર્જક ‘હું’ પુરુષવાચક ‘હું’ હોઈ પણ શકે. આ સંચયમાં ઘરેલુ કહેવાય એવા વિષયો પર લખાયેલી કૃતિઓ છે અને એક તટસ્થ નિરીક્ષક બનીને ‘ઘરબહાર’ના કહેવાય એવા વિષયો પર લખાયેલી કૃતિઓ છે. આમ પણ અમુક વિષય પર પુરુષો લખે કે અમુક વિષયો પર સ્ત્રીઓ લખે તેવો તફાવત ન કરવાનો હોય. સર્જક એ સર્જક છે. તેની અભિવ્યક્તિ માટેના માપદંડો બદલાતા નથી. આમ છતાં હાસ્યલેખન, હાસ્યસર્જન કરનાર લેખકની દૃષ્ટિ હંમેશાં તટસ્થતાથી કંઈક દૂરથી જોઈને, નિરીક્ષણ કરીને પોતાની આગવી રીતથી પરિસ્થિતિ, પાત્રનું નિરૂપણ કરતી હોય છે. જોવાની આ રીત, જોઈને કરેલાં નિરીક્ષણોમાં સ્ત્રીની નિરીક્ષણની આ રીત પુરુષ કરતાં જુદી હોઈ શકે, હોય છે. એ પ્રતીતિ પણ આ સંચયની કેટલીક રચનાઓ કરાવે છે. આ સંચયમાંની ઘણીબધી રચનાઓ સર્વસામાન્ય વિષયો પર છે. કેટલાક વિષયો જ સર્વસામાન્ય હોય છે, જેવો કે શરદી. શરદી વિશે કેટલા બધા હાસ્યલેખકોએ લખ્યું છે, હાસ્યલેખિકાઓએ લખ્યું છે. આ ઉપરાંત માત્ર સ્ત્રીઓ જ અનુભવી શકે, નીરખી શકે, માત્ર સ્ત્રીઓના જ અનુભવક્ષેત્રમાં આવી શકે તેવા વિષયો પર પણ લેખિકાઓએ લખ્યું છે. આવો એક વિષય છે ‘સાસુ’. હાસ્યલેખ સંગ્રહોમાંથી પસાર થતાં જોયું તો એકથી વધારે લેખિકાઓએ સાસુ વિશે લખ્યું છે. મૅનેજમેન્ટ-અર્થશાસ્ત્રમાં એક વિભાવના છે, વર્ધિત લાભ-એડેડ ઍડ્વાન્ટેજની. એ દૃષ્ટિએ જોઈએ તો વિષયવૈવિધ્યમાં આને નારીલેખનનો એક વર્ધિત લાભ કહેવો જોઈએ! ‘શરદી’ કે ‘સાસુ’ એ બંને વિષયો પર લખેલી રચનાઓ અહીં સમાવી નથી. એ શોધવા-વાંચવા લેખિકાઓએ લખેલા હાસ્યલેખસંગ્રહો વાચકોએ વાંચવા રહ્યા! વિષયવૈવિધ્ય લાવવું, સ્વરૂપવૈવિધ્ય લાવવું, એક પણ વિષયનું પુનરાવર્તન ન જ થવા દેવું – એવી સ્પષ્ટ સમજ સાથે આ સંચય તૈયાર કર્યો છે. એટલે જ, આ સંચયને કંઈક બિનરૂઢિગત નામ આપ્યું છે, ‘બહુરંગી’. હાસ્યલેખન સમસામયિક તો રહેવાનું જ. હાસ્યલેખનમાં લેખક અને વાચકને જોડતી બાબત સમસામયિકતા જ છે. આમ છતાં, સમસામયિક વિષય પર લખેલી રચનામાં દીર્ઘકાલીનતા પણ હોઈ શકે છે. ક્યારેક લેખકની શૈલીને લઈને, ક્યારેક લેખકે લીધેલા અભિગમને કારણે, તો ક્યારેક વિષય સમસામયિક હોવા છતાં એમાં માનવસ્વભાવ, વલણો–વૃત્તિઓની શાશ્વતતાનું દર્શન થતું હોય છે તે કારણે. પ્રથમ કૃતિથી લઈને છેલ્લી કૃતિ સુધી પસંદગીનો આ પણ એક માપદંડ રાખ્યો છે - સ્વરૂપવૈવિધ્ય, વિષયવૈવિધ્ય ઉપરાંત કૃતિમાં રહેલી કંઈક દીર્ઘકાલીનતા. માત્ર લેખિકાઓએ લખેલી હાસ્યરચનાઓનો આ પ્રથમ સંચય છે. આ વિચાર જેની - જેની સમક્ષ મૂક્યો, તે સૌએ જૂજ અપવાદ સિવાય (અહીં પણ જૂજ છે, સદ્ભાગ્યે!) સૌએ આ વિચારને ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધો. લેખિકાઓએ ખૂબ જ ત્વરાથી પોતાની કૃતિઓ મોકલી આપી. પન્ના અધ્વર્યુ, ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા, ડૉ. નલિની ગણાત્રા, કલ્પના દેસાઈ, પલ્લવી મિસ્ત્રી, ડૉ. નીતા રામૈયા, ડૉ. પ્રજ્ઞા પૈ - એ સૌએ (આ થોડાં જ નામ છે. અનુક્રમણિકામાં સમાવિષ્ટ સૌનો પ્રતિભાવ આવો જ હતો.) સંપાદકને પસંદગી માટે પૂરી સ્વતંત્રતા આપી. અત્યારે હયાત નથી, તેવી લેખિકાઓના સ્વજનોએ પણ ઉત્સાહ અને ઉષ્માભર્યો સહકાર આપ્યો. આ સંચય એ સૌનો જ છે. એમનો આભાર માન્યા વિના કેમ ચાલે? આ સંચય માટે લેખિકાઓએ કૃતિઓ-પુસ્તકો મોકલી આપ્યાં. ‘તમને જે ગમે તે લેજો’ એવી પરવાનગી સૌએ આપી. (આ વાત ફરી કહેવાનું કારણ એ કે કૃતિની પસંદગીના અધિકારો સંપાદક પાસે જ હોય એમાં શી નવાઈ? એવી આ વાત નથી. લેખિકાઓની પોતાની પણ પસંદ-નાપસંદ હોય, કોઈક તો આગ્રહ પણ રાખી શકે. પણ મને એવો અનુભવ ન થયો). કૃતિઓ સાચવવાની ફાઈલનું કદ વધવા માંડ્યું. પુસ્તકો કબાટમાં ભીડ કરવા માંડ્યાં. પરવાનગી મળી એટલે દડો આવી પડ્યો મારા ખોળામાં! કૃતિઓ પસંદ કરવાનું મુશ્કેલ હતું. અંતિમ નિર્ણય લેતાં પહેલાં કેટકેટલી તો ફેરબદલીઓ કર્યા કરી. એ પ્રક્રિયા પોતે જ એક રસપ્રદ વર્ણન બની શકે. પુસ્તકોમાંથી પસંદગી કરવાની હતી તે આખાં પુસ્તકો પૂરેપૂરાં વંચાયાં, એકથી વધારે વાર વંચાયાં! એ સમયગાળો ખૂબ સરસ રીતે પસાર થયો. સવાર-બપોર-સાંજ હાસ્યલેખો જ વાંચ્યા કરવાના, ભલે જરાક વિશ્લેષક દૃષ્ટિએ તો પણ હાસ્યલેખો તો હાસ્યલેખો જ ને! આ બદલ પણ સૌ સહલેખિકાઓનો મૈત્રીપૂર્ણ આભાર માનવાનું મને ગમે. એમની મૈત્રી અને સહકાર મારે માટે એક મહત્ત્વની પ્રાપ્તિ છે. સંચયમાં ઓછી જાણીતી લેખિકાઓની કૃતિઓ પણ સમાવી છે. ક્યાંક છપાયેલી હોય, એવી કૃતિઓને અહીં સ્થાન આપ્યું છે. સામયિકમાં કે વર્તમાનપત્રમાં કૃતિ છપાય એ પણ હવે ગુજરાતી ભાષામાં લખતા લેખકો માટે કપરું કામ બનતું જાય છે. વર્તમાનપત્રો, સામયિકોમાં પ્રવેશ મેળવ્યા પછી પુસ્તક-પ્રકાશનોમાં બીજો કોઠો બાકી જ રહે છે. એ પણ કપરું કામ છે. આવી કૃતિઓનો આ સંચયમાં સમાવેશ કરીને એ લેખિકાઓને વાચકો સુધી પહોંચવાની તક આપવાના અને વાચકોને એમની રચનાઓથી પરિચિત કરાવવાના ઉદ્દેશથી આ કર્યું છે. સંચયમાં પાંચ કટાક્ષકાવ્યો પણ છે. કટાક્ષકાવ્યરચના આમ તો સર્જનાત્મક લેખનની એક પરિચિત રીત છે. ગુજરાતીમાં કટાક્ષકાવ્યો લખતી કવયિત્રીઓ બહુ નથી. આમ છતાં, પાંચેક કૃતિઓ મળી એ પણ અહીં સમાવી છે. કારણ એ કે, હાસ્યકટાક્ષલેખન માત્ર ગદ્યમાં નહીં, પદ્યમાં પણ થઈ શકે, થાય છે એ તરફ ધ્યાન ખેંચવું છે વાચકવર્ગનું. આ સંગ્રહમાં સમાવિષ્ટ રચનાઓમાંથી ઘણી રચનાઓ વર્તમાનપત્રો-સામયિકોમાંથી લીધેલી છે, ખાસ કરીને છેલ્લાં વીસેક વર્ષથી લખતી થયેલી લેખિકાઓની રચનાઓ. વર્તમાનપત્રોમાં હાસ્યલેખનની કટાર લખવા માટે એક જુદી રીતની સજ્જતાની જરૂર હોય છે. સતત લખતા રહેવાને કારણે વિપુલ પ્રમાણમાં લેખન થયું છે. એ લેખિકાઓના ચૂંટેલા લેખોના સંગ્રહો પણ થયા છે. અલબત્ત, આ એક અભિનંદનીય બાબત છે; પરંતુ આવી રચનાઓમાં વર્તમાનપત્રમાં લખવાની મર્યાદાઓય નડતી જણાઈ છે. સાહિત્યિક સર્જનશક્તિને સ્થાને લોકભોગ્યતાને લક્ષમાં લઈને લખાયું હોય તેવું કંઈક સંગ્રહોમાં જોવા મળે. કેટલીક કૃતિઓ સરસ હાસ્યનિબંધ થતાં- થતાં રહી ગઈ હોય તેવું લાગે. ડેડલાઇન સાચવવામાં વિષયનું ઊંડાણ અને વિસ્તરણ જતું કરી દેવાયું હોય તેવું લાગે. આવી મર્યાદાઓથી ઉપર ઊઠીને ઉત્તમ સ્તરની હાસ્યરચનાઓ આ લેખિકાઓ પાસેથી મળે એવી અપેક્ષા પણ રહે છે. પોતાની કૃતિઓનું પુસ્તક છપાય તે પ્રત્યેક લેખક માટે અઘરું કામ હોય છે. વધારે લખતી લેખિકાઓના પણ કંઈક ને કંઈક કારણે સંગ્રહો પ્રકાશિત થયા નથી. આવી નીવડેલી અને નવોદિત લેખિકાઓની કૃતિઓ પુસ્તકાકારે પ્રકાશમાં આવે, ગુજરાતી ભાષાના વાચકો સુધી પહોંચે, પુસ્તકાલયોનાં કબાટોમાં સ્થાન પામે અને આ સંચય પણ ‘એકનો એક’ ન રહે તેવી શુભેચ્છા, અપેક્ષા સાથે ગુજરાતના હાસ્યપ્રેમી વાચકવર્ગ માટે આ સંચય મૂકું છું.
૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટ્સ,
વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ,
અમદાવાદ - ૩૮૦ ૦૧૫.
ટેલિફોન નંબર : ૨૬૭૪૫૮૩૬