બહુરંગી/એટલે... એટલે... એટલે...!: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:20, 27 May 2026

એટલે... એટલે... એટલે...!

એટલે એટલે અર્થાત્ એટલે એટલે તેથી. એટલે એટલે એ જગ્યાએ અથવા એટલે એટલે ત્યાં સુધી. ને એમ જ, એટલે એટલે ઘણું બધું ને એટલે એટલે કંઈ નહીં! ‘એટલે’ શબ્દ એટલો બધો મહત્ત્વનો ને લોકપ્રિય છે કે, એના વગર બોલવું કે જીવવું જ અઘરું પડે. એક શબ્દ અને તેના અર્થની વચ્ચે ‘એટલે’ ના હોય તો કોઈને કંઈ સમજાતું નથી. સવાલોમાં પણ એટલે અને જવાબોમાં પણ એટલે! આપણે મળીએ કેટલાક ખાસ ‘એટલે’ને! બોલવું એટલે? બોલવું એટલે બોલવું! ના પણ, બોલવું એટલે કંઈ પણ બોલવું? મનમાં આવે તે? કે કોઈને ગમે તે? કોઈ સાંભળે તેને બોલવું કહેવાય? કે ન સાંભળે તેને પણ બોલવું તો કહેવાય જ? થૂંક ઉડાડવું તેને બોલવું કહેવાય કે ગળી જવું તેને? બબડવું, લવારા કરવા કે મનમાં ગણગણવું તેને શું કહેવાય ભલા? બોલવું ના કહેવાય? અવાજ ઉઠાવવો કે અવાજ દબાવી દેવો તેને બોલવામાં ગણી શકાય? આંખોથી બોલાતી કે સ્પર્શથી અનુભવાતી બોલીને શું કહેવાય? કંટાળીને બોલવું કે કંટાળ્યા વગર બોલવું તે કોણ નક્કી કરે? અરે! બોલવું કે ન બોલવું, તે જ કોણ નક્કી કરે? લાગે છે ને કે, બોલવું એટલે ગૂંચવાવું! જો ગૂંચવાયા હો તો પછી કહો કે, સાંભળવું એટલે શું? સાંભળવાની ક્રિયા તો એક અનુભવ કરવાની-લેવાની ક્રિયા છે. સાંભળવું એટલે સાંભળવું કે સાંભળવાનો ડોળ કરવો? કાન દઈને સાંભળવું એટલે? ને સાંભળવામાં મગન થવું એટલે? તો પછી એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખવું એટલે શું? કાન ફૂટી જાય ત્યાં સુધી સાંભળવું એટલે શું? કાન ભરવા કે કાન પાકી જવા એટલે? આ બધુ શબ્દોને સાંભળવા સાથે કોઈ લેવાદેવા ખરી? જવા દો, બધું બહેરા કાને અથડાતું લાગે તો માંડી વાળીએ. સાંભળવું એટલે સાંભળવું! ચા પીવી ને છાપું વાંચવું એટલે શું તે કહી શકો? તદ્દન સાદી સીધી રોજિંદી ક્રિયા કે રોજિંદો ક્રમ એ જ ને? ના, કંઈક બીજું પણ છે. જેના વગર ચાલે નહીં ને જેના લીધે સવારના પહોરમાં જ દિલ ખુશ થઈ જાય કે પછી મિજાજ છટકી જાય તે! બંનેમાં મોટા ભાગે ભલીવાર ન હોય ને મળી ગયા પછી તેની કિંમત ન હોય ને બંને કામ વગર વિચારી કરવાનાં હોય! પણ, ચા પીવી એટલે સ્વર્ગીય આનંદનો અનુભવ લેવો, સ્ફૂર્તિનો ઝરો મેળવવો, એક પિવાઈ જાય પછી બીજી ચાની આતુરતાપૂર્વક રાહ જોવી અથવા એક કપ ચામાં પચાસ નખરાં કરવાં એટલે ચા પીવી! અને છાપું વાંચવું એટલે, દરેક પાનાના દરેક ખૂણે ફરી વળવું - અધીરાઈપૂર્વક! દરેક ક્ષેત્રમાં દરેક વસ્તુની જાણકારી હોવાનો ને મોટા માથાને ઓળખવાનો વહેમ રાખવો એટલે...! ને વંચાઈ ગયા પછી સરસ ગડી કરીને ટિપોઈ પર પછાડતાં કહેવું, ‘છાપામાં કંઈ લેવાનું નથી.’ ને પછી બીજાં છાપાં તરફ વળવું એટલે છાપું વાંચવું. સ્ત્રીઓ માટે, રાંધવું એટલે? એમને મન રાંધવું એટલે રસોડામાં ભરાઈ રહેવું. રાંધવું, ખાવું ને ખવડાવવું. રાંધવું એટલે તપેલાં ચડાવવાનાં કે પછી રાંધવું એટલે રાંધી કાઢવું? અથવા પરવારી જવું? ખાવું એટલે રાંધતાં રાંધતાં ચાખવું ને ચાખતાં ચાખતાં ખાવું ને ખાતાં ખાતાં ખાવું! ને વધ્યું હોય તો પાછું ખાવું! વળી, ખવડાવવું એટલે કોઈ આરાધના નહીં, પણ વહેલા વહેલા ખવડાવી દેવું અથવા બૂફે ડિનર કે લંચની જેમ બધું ટેબલ પર ગોઠવી કહી દેવું : ‘ખાઈ લો.’ (!) આ બધું કામોમાં વિચારવું કે ન વિચારવું? ઓહ! વિચારવું એટલે શું? શૂન્યમનસ્ક થઈ જવું? આકાશમાં જોવું? બારીમાંથી બહાર જોયા કરવું? કોઈ સાથે વાત ન કરવી? બાઘાની જેમ બેસી રહેવું? લમણે કે ગાલે આંગળી ટેકવવી કે હથેળીમાં હડપચી ગોઠવવી? વિચારવું એટલે ભૂત, ભવિષ્ય ને વર્તમાનમાં ઘૂમરાતા રહી બીજાને વિચારતા કરી દેવા? વિચારવું એટલે ઉપરછલ્લું વિચારવું કે ઊંડા ઊતરીને વિચારવું? કદાચ વિચારવું એટલે અસંખ્ય પ્રશ્નોની હારમાળા સર્જવી ને મનોમન તેના ઉત્તરો મેળવવા. વિચારવું એટલે કદાચ ચૂપ રહેવું અથવા બોલવાની હદ નક્કી કરવી તે જ હશે. વિચારવું એટલે શાણપણ બતાવવું પણ હોઈ શકે. તો પછી લખવું એટલે શું? કાગળમાં અક્ષરો પાડવા તે લખવું? વાંચેલું ગોખી જવું ને ગોખેલું લખી મારવું તે લખવું કહેવાય? કે સાંભળેલું યાદ રહે ને લખાઈ જાય તે લખવું કહેવાય? લખવું એટલે વાંચવું ને પછી વિચારવું ને પછી લખવું તે કે પછી કંઈ પણ લખી નાખવું તે? જબરદસ્તી કોઈને માથે મારવું તેને લખવું કહી શકાય? કોઈ વાંચે તેથી લખવું કે કોઈ ન વાંચે તોય લખવું? લખવું એટલે કોઈને હેરાન કરવા કે જાતે હેરાન થવું? આખરે આ લખવું એટલે શું? લખવું એટલે અગાઉ લખેલું છેકવું, ફરી લખવું ને ફરી છેકવા-લખવાની ક્રિયા તે. લખવું એટલે કંઈ નહીં ને લખવું એટલે ઘણુંબધું. ઘણી વાર તો લખવું એટલે ઊંઘવાની તૈયારી કરવી તે! કાગળ સામે અવિરત જોતાં જોતાં વિચારે ચડવું ને આંખો ઘેરાતાં કાગળ પર પેનના લસરકા મારવા માંડવાની ધી..મી ક્રિયાને જોનાર તો એમ જ સમજે ને કે, આ લખવાની ક્રિયા ચાલી રહી છે! ખરેખર તો લખવું એટલે ફ્રેશ થવું. મનમાં હોય તે બધું કાગળ પર ઠાલવી દેવું ને પછી કોઈ વાંચે કે ન વાંચે અથવા તો વાંચનારની હાલતની પરવા કર્યા વગર રહેવું તેને ફ્રેશ થવું જ કહી શકાય. એક રીતે તો જે બોલી ન શકાય એમ હોય તેને લખી કાઢવું એટલે મનમાંની હૈયાવરાળ કે મનમાંની ઝાકળ જે હોય તેને પાનાં ભીનાં કરવા ઠાલવી દેવી તેને જ લખવું કહેતાં હશે કદાચ. લખાઈ ગયા પછી હળવાશ અનુભવવાને જ કદાચ ફ્રેશ થવું કહેતાં હશે. લખવું એટલે અહીંતહીં ભટકવું? કે ફરવું? ભાર દઈને ફરવું કે નિર્ભર થઈને? લખતાં લખતાં ફરી શકાય? કેમ નહીં? લખતાં લખતાં હવામાં ઊડી શકાય, પાણીમાં તરી શકાય, ધરતીને ત્રણ ડગલામાં સમાવી શકાય ને અંતરીક્ષમાં પહોંચી શકાય તો બેઠાં બેઠાં, લખતાં લખતાં ફરી કેમ ન શકાય? ભલેને લખનારની સાથે વાંચનાર પણ બધે ફરી આવતા! લખવું એટલે સંબંધોની નવી નવી વ્યાખ્યાઓ રચવી, લાગણીઓને વાચા આપવી ને કોઈ વાર કોઈની બોલતી બંધ કરવી. કોઈ વાર હોય તેવા જ પ્રગટ થવાને લખવું કહેવાય ને કોઈ વાર જાતને ઢાંકવાને પણ લખવું કહેવાય. ગજબની ચીજ છે આ લખવું ને તે તો લખતાં લખતાં જ ખબર પડી. લખવું એટલે છપાવવાની ધૂન ખાતર લખવું? ને લખેલું પાછું ફરતાં વળી નવું લખવા તૈયાર થવું? કાગળો બગાડવા એ પર્યાવરણને ધ્યાનમાં લીધા વગર બસ કંઈ પણ લખવું. તેને લખવું કહી શકાય? ઘણી વાર સરળ લાગે છે ને ઘણી વાર અઘરું લાગે છે આ લખવું. હોય, લખવું એટલે લખ્યા કરવું? જાગ્રત વાચક બનવા લખવું? લેખક બનવા, કવિ બનવા કે સંપાદક બનવા લખવું? લખવાની પ્રૅક્ટિસ છૂટી ન જાય એટલે લખવું? કોઈ લખશે નહીં તો વાંચશે કોણ? ને વાંચ્યા વગર કોઈનો ઉદ્ધાર નહીં થાય તો? એટલે પણ લખવું? જાતને ઓગાળવા કે જાતને ઓતપ્રોત કરવા લખવું? કે બીજાને ઓગાળવા અથવા ઓતપ્રોત કરવા લખવું? ભઈ, બધી પંચાત છોડો ને એક સૂત્ર ગાંઠે બાંધો કે, લખવું એટલે નિજાનંદમાં રહેવું, બસ, બીજું કંઈ નહીં. અને છેલ્લે, આટલું બધું પૂછ્યા પછી મારી પાસે બે અગત્યના સવાલો બાકી રહે છે કે, પૂછવું એટલે શું? ને જવાબ આપવો એટલે શું? કોઈને પૂછો કે જાતને પૂછો પણ જવાબ મેળવીને જ રહો. એટલે કે, પૂછતા જ રહો... પૂછતા જ રહો... આ એટલે? પેલું એટલે? ફલાણું એટલે? ઢીંકણું એટલે? આમાં જ તો મજા છે.

કલ્પના દેસાઈ
‘શબ્દસૃષ્ટિ’માંથી