બહુરંગી/કેરીગાળો: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 00:23, 27 May 2026
કેરીને ફળોનો રાજા કેમ કહેતા હશે? આ શું ભાષાશાસ્ત્રીઓની ભૂલ ન કહેવાય? એમ જ પુછાય, કેરી કેવો? એમ થોડું બોલાય? એટલે ખરેખર તો કેરીને ફળોની રાણી કહેવી જોઈએ. રાણી એટલે નારીજાતિ, અને નારીને, સ્ત્રીને તો ગાળો ખાવાનો જન્મસિદ્ધ હક્ક મળેલો જ હોય છે. બધી સ્ત્રીઓ કે નારીવાચક વસ્તુઓની જેમ કેરીને પણ ગાળો દેવાવાળી એક મોટી જમાત હોય છે, એવું સાંભળીને કે વાંચીને લાખો, કરોડો કેરીપ્રેમીઓને જરૂર આઘાત લાગશે, પણ એમને નારાજ કરવાનું જોખમ વહોરીને પણ મારે આ અંગે થોડી સ્પષ્ટતા કરવી જ જોઈએ અને કેરી અંગેના મારા અભ્યાસપૂર્ણ સંશોધનનો જાહેર જનતાને લાભ આપવો જ જોઈએ. એવું લાગતાં હું આ લેખ લખવા પ્રેરાઈ છું. ‘કેરીગાળો’ શબ્દ યોજનારે ચાતુર્યપૂર્વક આ દ્વિઅર્થી શબ્દ પ્રયોજ્યો હશે કે જેમાં કેરી પાકવાનો સમય અને કેરીને ગાળો આપવાનો સમય - એવા બંને અર્થ સમાઈ જાય. ઘણી અળવીતરી સ્ત્રીઓનાં તો લક્ષણ જ ગાળ ખાવા જેવાં હોય છે, એ તો જાણે સમજ્યા પણ આવી મધુર, મનોહર, રસદાર અને સૌ પર ઓળઘોળ થઈ જનાર કેરીને ગાળ શા માટે ખાવી પડે ભલા? આવો પ્રશ્ન વાચકને સ્વાભાવિકપણે થાય જ, પણ એના જવાબમાં મારી પાસે અનેક કારણો છે. આ કારણોમાં ઊંડા ઊતરવાની શરૂઆત કેરીની બાલ્યાવસ્થાથી જ કરીએ તો ઉનાળાના બળબળતા તડકા, પરીક્ષાઓ માથા પર આવી હોય ત્યારે બાળકો કેરી તોડી, બપોરના સમયે મા જ્યારે વામકુક્ષી કરી રહી હોય ત્યારે ઘરમાંથી મીઠું, મરચું તફડાવી, ખાટી કેરીની લિજ્જત માણીને પછી માંદાં પડે, ગળું ખરાબ કરે અને પરીક્ષા ન આપી શકે ત્યારે શંકાની સોય કોના ભણી તકાય, તમે જ કહો! વળી ગૃહિણીને કાચી કેરી પર દાઝ ચઢવાનું તો બીજુંય એક સબળ કારણ છે. સવારે ઊઠે ત્યારથી ઘરનાં નાનાં-મોટાં તમામની સગવડ સાચવવામાંથી ઊંચી ન આવતી ગૃહિણી લીલી ધમરક જેવી કેરી ઝાડ પર લટકતી કે બજારમાં વેચાતી જુએ ત્યાં એના પેટમાં ફાળ પડે. હજી તો અનાજ અને મસાલા ભરવાની સિઝન પતી નથી, ત્યાં આ કેરી તો આવવાય માંડી! કટકી ને છૂંદો, મેથિયા કેરી અને ગોળ કેરી, ખાટું અથાણું ને ગળ્યો મુરબ્બો – અથાણાં તો જાતજાતનાં ને ભાતભાતનાં બને, પણ બનાવવાવાળી તો એક આ અબળા નારી જ ને! ત્યાર પછી આ કેરીને ગાળ ન પડે? અને સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ લાગે. બીજું થાયે શું? વળી અથાણાં બનાવવાં તે કંઈ ઓછી પળોજણનું કામ છે? બજારમાં જઈ, રાજાપુરી, તોતાપુરી, લાડવા, દેશી તમામ પ્રકારની કેરીઓનાં ‘સૅમ્પલ’ લઈ આવી સાસુજી સમક્ષ રજૂ કરવાનાં. એમની પસંદગીનો કળશ જેની પર ઢોળાય એવી કેરીના ભાવમાં રકઝક (કે કચકચ) કરી કેરીનો ગૃહપ્રવેશ કરાવવાથી માંડીને કેરીના કટકા કરી આથવા કે છૂંદાનાં તપેલાં ઊંચકી ઊંચકી અગાશીમાં તડકે મૂકવા સુધીની અથાણાયાત્રા ગૃહિણીને ત્રાહિમામ્ કરી મૂકે. પણ આ તો કેરીબાણ વાગ્યાં હોય તે જાણે, બાકી ખાનારાને તો આમાંનું કંઈ સ્પર્શે જ નહીં. ડબ્બા કે કોથળીમાં ‘સીલ’ થઈને અમેરિકા ઊડીને પહોંચતાં અથાણાં પાછળ એક નારીનાં તન અને મનની કેટકેટલી પીડા છુપાયેલી છે એનો એ એન.આર.આઈ. લોકોને જરાય ખ્યાલ ન આવે. વળી અહીં ભારતમાં રહેતી દીકરીનો તો જાણે લાગણીદાવે મા પર હક્ક સર્વમાન્ય જ હોય! ‘મમ્મી, ગયે વર્ષે મેં મોકલેલું ચણા-મેથીવાળું કેરીનું અથાણું તારા જમાઈને બહુ ભાવ્યું. આ વખતે થોડું વધારે મોકલજે.’ ‘ભાભી, મારું અથાણું તો દર વર્ષે બગડી જાય છે. આટલાં તેલ-મસાલા ખોટાં બગડે એની કરતાં મેં નક્કી જ કર્યું કે, હવે દર વર્ષે તમને જ કહી દેવું. બે કિલો કેરીનું અથાણું વધારે હલાવી દેવામાં તમને ક્યાં વાંધો આવે?’ નણદી ઉવાચ. આમ કહેતી નણંદ એક સ્ત્રી હોવા છતાં એને કેમ સમજાતું નહીં હોય કે અથાણાં હલાવતાં હલાવતાં મારી ભાભી બિચારી આખી જ હલી જાય છે! પોતાની ફરજ સમજીને જેમ તેમ મનની સ્થિરતા મેળવવાનો પ્રયત્ન કરે તો તેલ અને મસાલાના ભાવ એને હલાવી નાખે. ને ખીસાને ગમે તેટલું ભારે પડે તોયે અથાણા જેવી વસ્તુના તે કંઈ પૈસા લેવાતા હશે? તમે જ કહો, આ આખાય કમઠાણનું મૂળ તો કેરી જ ને? પત્નીની તકલીફોમાં ઉમેરો કરવામાં નણદીનો વારો પણ શા માટે ઊણો ઊતરે? પત્નીએ તો હોંશે હોંશે પોતાના ભરથારનાં ટિફિનમાં તાજું અથાણું મૂક્યું હોય, પણ એ જ અથાણાંમાંની ચીરીઓ એને માટે આફત નોતરશે એવી તો એણે કલ્પનાય ક્યાંથી કરી હોય? “તારા હાથમાં જાદુ છે હોં! શું અથાણું બનાવ્યું છે તેં! મારી ઑફિસમાં બધાં આંગળાં ચાટતા રહી ગયા! સાઉથનો સુબ્રમણ્યમ્, મહારાષ્ટ્રીયન મંજરી ને યુ.પી.નો પાંડે ત્રણે જણ કહે કે, ભાભીને કહેજો - ‘વધુ નહીં તો અમારા ઘરમાં ચખાડવા પૂરતું થોડું થોડું અથાણું ચોક્કસ મોકલે.’ કાલે મને ત્રણ નાની નાની બાટલીમાં ભરી આપજે. છોને બિચારાં રાજી થતાં!" આ વાર્તાલાપ સાંભળીને પોતે રાજી થવું કે નારાજ એ ન સમજી શકતી પત્ની અથાણું ભરવા ત્રણ નેસકાફેની બાટલીઓ શોધવામાં વ્યસ્ત થઈ જાય ત્યારે એ અથાણાંત્રસ્ત મહિલાને ‘ન રહે બાંસ, ન બજેગી બાંસુરી’ની જેમ ‘ન હોત કેરી, ન બનાવવું પડત અથાણું’ એવો (કુ)વિચાર આવી જાય તો એમાં એનો કંઈ વાંક ખરો? કાચીમાંથી જેમ જેમ કેરી પાકી થતી જાય એમ એની પક્કાઈ, લુચ્ચાઈ પણ વધતી જાય. કાચી કેરી ઘરમાં પડી હોય તો બાળક જેવી નિર્દોષ, એની ખાસ હેરાનગતિ નહીં, પણ પાકી કેરી તો પાક્કી સાસુની જેમ સતત પોતાની હાજરીનો અનુભવ કરાવે. નાનું બાળક કેરી ચૂસીને ખાય કે ચમચીથી રસ પીએ, એવા સમયે તમે લાખ તકેદારી રાખો પણ કપડાં બગાડે, બગાડે ને બગાડે જ. ત્યાર પછી ‘સર્ફ એક્સેલ હૈ ના?’ વાળી જાહેરાત કંઈ કામ ન આવે. બ્રશ લઈને કપડાં ઘસતી વખતે દાંત ભીંસીને ગાળ દેવી હોય તો કેરી સિવાય બીજું કોણ હાથમાં આવે? રસની સિઝન એટલે સગાં-વહાલાં(?)ને જમવા તો નોતરવાનાં જ. તપેલાં ભરીને રસ કાઢતાં કાઢતાં જ શરીરનો રસ સુકાઈ જાય. પછી સરખેસરખા જુવાનિયા જમવા બેસે, ત્યારે બે પડી રોટલીના થપ્પાના થપ્પા ક્યાંય અદૃશ્ય થઈ જાય એ પેટમાં પધરાવનારને તો હમણાં ખબર ન પડે પણ રોટલી બનાવી બનાવીને જેના હાથ દુ:ખી ગયા હોય અને જેની કાયા રસોડાની ગરમીમાં પસીનાથી લથબથ થઈ ગઈ હોય એ વ્યક્તિ આ બધું દુઃખનું મૂળ એવી કેરીને દોષિત ન ગણે તો બીજું કરે શું? વળી, આ બધાં કામ ઓછાં હોય એમ ઘરનો પુરુષ વર્ગ જાણે મહાન ઉપકાર કરતો હોય એમ કાચી કેરી લાવીને ઘરમાં ખડકી દે. પછી આ કેરીને ઘાસમાં પાકવા મૂકવાથી માંડીને રોજ એની ઊથલપાથલ કર્યાં કરવાનો કંટાળાજનક વ્યાયામ સ્ત્રીઓએ કરવાનો તો ખરો જ. સાથે સાથે ભૂલેચૂકે એકાદ કેરી બગડી જાય તો એ માટે ઠપકો પણ સાંભળવાનો, ‘મોંઘા ભાવની કેરી બગડે અને ફેંકી દેવી પડે એ કેમ પોસાય? આખો દિવસ ઘરમાં રહીને કરો છો શું કે એટલુંય ધ્યાન ન રહે?’ હવે તમે જ તટસ્થ રહીને કહો – ‘આવું સાંભળવું પડે ત્યારે બધી કેરી ઉપાડીને ફેંકી દેવાનું ઝનૂન ન ચડે?’ મુંબઈગરાઓને સાંભળીને કદાચ નવાઈ લાગે અને અદેખાઈ પણ આવે કે, અમારે વલસાડવાસીઓને કેરીની છત એટલી હદ સુધી કે, કોઈને ધમકી આપવી હોય તો એમ કહી શકાય કે, ‘હું તમારે ઘેર ટોપલો ભરીને કેરી મોકલાવીશ.’ કેરી ખાઈ ખાઈને લોકો એવા તો ઉબાઈ ગયા હોય કે, હાથ જોડીને, નમ્રતાપૂર્વક કેરી મોકલનારને કહે કે, ‘હવે બહુ થયું, મહેરબાની કરીને કેરી ન મોકલશો.’ ઉપરાઉપરી કેરીનાં બૉક્સની ભેટ આવવા માંડે ત્યારે જાણે ઘરમાં ટાઇમ-બૉમ્બ આવી ગયો. હોય એવું લાગે. આમ છતાં ઘૂસણખોરની માફક ઘરમાં કેરી આવી જ ગઈ હોય તો આટલી બધી એકી સાથે પાકેલી કેરીનું શું કરવું એ પ્રશ્ન એટલો વિરાટ લાગે જેટલો લાઇન ઑફ કંટ્રોલનો ભંગ કરીને ઘૂસી આવતા આતંકવાદીઓનો પ્રશ્ન ભારત સરકારને લાગે. દરેક ઘરમાં એકને તો ડાયાબિટીસ હોય જ એટલે એને માટે તો કેરી ઝેર સમાન. બીજાને (કે બીજીને) સ્લીમ ઍન્ડ ટ્રીમ રહેવું હોય એટલે મેદવૃદ્ધિ કરનારી કેરી એને માટે વર્જ્ય તો ત્રીજાને વળી ખાવાથી એસિડિટી થઈ જતી હોય - આમ ખાનાર થોડા ને કેરી ઝાઝી એવું થાય ત્યારે રસ કાઢીને ડીપ ફ્રીઝમાં પધરાવવા સિવાય બીજો વિકલ્પ ન રહે. વળી, રસ કાઢીને પ્રિઝર્વ કરવામાંય કંઈ ઓછી કડાકૂટ છે? કેરીનો રસ પ્રિઝર્વ કરવાની વાત પરથી મને એક સત્ય ઘટના યાદ આવે છે. જ્યારે આ પ્રસંગ યાદ આવે ત્યારે હવે તો હસું છું, પણ ત્યારે તો રડવું જ આવેલું. દર વર્ષની માફક એ વર્ષે પણ કેરીનો ભરાવો થઈ ગયેલો, એટલે રસ કાઢીને પ્લાસ્ટિકની થેલીઓમાં ભર્યો. પછી મીણબત્તી સળગાવીને કોથળીઓ સીલ કરી રહી હતી ત્યાં નીચેથી દીકરાએ બૂમાબૂમ કરવા માંડી, “મમ્મી, જલદી ચાલ.” મુંબઈથી આવેલા મહેમાનને એ તીથલ ફેરવીને આવ્યો હતો અને હવે એમને સ્ટેશને મૂકવા જવાનું હતું. ટ્રેનનો સમય થવામાં જ હતો એટલે ઉતાવળ હતી. થેલીઓ ‘સીલ’ કરવાનું મારું કામ પણ પતવા જ આવ્યું હતું. થેલીઓ ગણી જોઈ તો પાંચ-છ થેલીઓ. આટલી બધી થેલી એક ફ્રીઝરમાં ક્યાંથી રહેવાની? લાવ, બે થેલીઓ સાથે લઈ લઉં. સ્ટેશનેથી પાછા વળતાં ઑફિસના ફ્રીઝમાં મૂકતી આવીશ. ગાડીમાં બેસતી વખતે મેં આગળની સીટમાં બેસી મહેમાનની હેન્ડબૅગ મારા ખોળામાં મૂકી દીધી. સ્ટેશન આવ્યું ને મહેમાનો ગાડીમાંથી ઊતર્યા ત્યાં તો આ શું? બંનેનાં કપડાં રસથી લથબથ, ઉતાવળે સીલ કરેલી બંને થેલીઓ થોડી થોડી ખૂલી ગયેલી – તેથી મહેમાનો તો રસથી તરબોળ. સ્ટેશન પર જેની પણ નજર જાય એ જાણે તમાશો જોતા હોય એમ હસી હસીને બીજાને બતાવે. પેલાં બે એક ડગલાં પણ માંડવા જાય ત્યાં પાછળ રસની ધાર થાય. મને મારી જાત પર જ ખીજ ચડી. શા માટે આવું ડહાપણ કર્યું? પાછી જોવાની ખૂબી એ કે, હું આ કાળા – ના, કેસરી કરમની કરનારી કોરી રહી અને પેલાં બે નિર્દોષોને કેસરિયાં કરવાં પડ્યાં. આવી હાલતમાં જવાય શી રીતે? ગરમ ગરમ પાણીએ નવડાવ્યાં, રસરંજિત વસ્ત્રો ધોવા નાખીને પૅક કરેલી બૅગમાંથી બીજાં કપડાં કાઢીને બંનેએ પહેર્યાં તોયે નાકમાં ઘૂસી ગયેલી પાકી કેરીની તીવ્ર ગંધ તો કેમેય ઓછી ન થાય! વારંવાર બંનેની માફી માગી, બીજી ટ્રેનમાં એમનું પ્રસ્થાન કરાવ્યું અને ત્યાર બાદ ગાડી ઘસી ઘસીને ધોવડાવ્યા પછીય, અઠવાડિયા સુધી રોજરોજ મોંઘા ભાવના, ઇમ્પોર્ટેડ, સુગંધી સ્પ્રેનો છંટકાવ કર્યો, ત્યારે માંડ માંડ રસની વાસ કંઈક ઓછી થઈ, ત્યાં સુધી તો જે કોઈ નવી વ્યક્તિ ગાડીમાં બેસે એની ઘ્રાણેન્દ્રિય સતેજ થઈ જાય અને એ ઘોર અણગમાથી અમારી સામે જોઈ પૂછે – ‘તમારી ગાડીમાં આટલી ગંદી વાસ કેમ આવે છે?’ કેરી જ્યારે આટઆટલું આપણે માથે વિતાડે ત્યારે એને ગાળ દેવાઈ જાય, ત્યારે વાંક આપણો કે કેરીગાળાનો?
આશા વીરેન્દ્ર શાહ
‘અખંડ આનંદ’માંથી