રાધે તારા ડુંગરિયા પર/પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પરિચય|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચ...")
(No difference)

Revision as of 07:15, 26 July 2021


પરિચય

ભોળાભાઈ પટેલ

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.

કૃતિ-પરિચય

યાત્રાધામો અને કલાધામો વિશે લખાયેલા આ નિબંધોનાં વિવિધ પાસાં રસપ્રદ છે. બાળપણમાં સાંભળેલી પૌરાણિક કથાની સ્મૃતિ તાજી હોય; મોટપણે વ્રજ-ગુજરાતી-સંસ્કૃત કવિતાના સંસ્કાર પડ્યા હોય ને વર્તમાન ગોકુળ-મથુરા-વૃંદાવન જોતાં પેલા પૂર્વસંસ્કારો વાસ્તવિકતા સાથે ટકરાતા હોય – એથી સંવેદન-વિચારનું જે રૂપ ઊપસે એ આ નિબંધોને આસ્વાદ્ય બનાવે છે.

અહીં વર્ણનોમાં તાદૃશતા છે – જગન્નાથની રથયાત્રાના ભીંસભરેલા સીધા અનુભવનું આલેખન, કોણાર્કનાં શૃંગારશિલ્પોનું ઉત્તમ રુચિભર્યું કાવ્યાત્મક આલેખન, નવદ્વીપની લાક્ષણિકતાનું આલેખન એના નમૂના છે.

કલકત્તા ભોળાભાઈનાં પ્રવાસ-પુસ્તકોમાં કોઈ ને કોઈ રૂપે દેખાય છે ને દર વખતે એ નવો અનુભવ આપે છે. આ પુસ્તકમાં એક સરસ તુલના છે : ‘એક હતું કલકત્તા, એક છે કલકત્તા, એક હશે કલકત્તા.’ રવીન્દ્રનાથે પોતાના બાળપણના દિવસોની વાત કરેલી એનાં ભોળાભાઈનાં વાચન-સ્મરણો એ ‘હતું કલકત્તા’ રૂપે આલેખાયાં છે; અનેકવારના પ્રવાસોમાં લેખકે જોયેલું-અનુભવેલું તે આજનું ને એના પરથી કાલના કલકત્તાનો ખ્યાલ. એ લાક્ષણિક રીતે નિરૂપણ પામ્યું છે.

દીર્ઘ નિબંધો સાથે અહીં કેટલાક પેન્સીલ સ્કૅચની શૈલીમાં લખાયેલા ને કેટલાક ડાયરીના રૂપમાં લખાયેલા નિબંધો છે – એ વૈવિધ્ય પણ માણવા જેવું છે. પ્રવેશીએ– – રમણ સોની