ચૈતર ચમકે ચાંદની/ઉઘાડ નીકળ્યો છે ને!: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉઘાડ નીકળ્યો છે ને!}} {{Poem2Open}} આજે આકાશ ખૂલ્યું છે, અત્યારે સાં...") |
(No difference)
|
Revision as of 11:18, 26 July 2021
આજે આકાશ ખૂલ્યું છે, અત્યારે સાંજ ટાણે. જોકે પશ્ચિમના આકાશમાં હજી વાદળ છે, ઘેરા રાખોડી રંગનાં, પણ વચ્ચેથી સૂરજનો પ્રકાશ નીકળે છે. એ પશ્ચિમાકાશથી જરા ઉપર તો માત્ર ક્યાંક ક્યાંક જ વાદળના પારદર્શી લસરકા છે. એવાં લાગે છે જાણે સમુદ્રમાંથી મોજાં ઊંચે સુધી ઊછળીને ફ્રીજ થઈ ગયાં છે.
શ્રાવણના આકાશની આ પશ્ચાત્ભૂમાં પંખીઓ ઊડી રહ્યાં છે. તે કેટલાં બધાં મુક્ત લાગે છે – આહ, મુક્ત! આ નભના વિશાળ અવકાશમાં એ કેટલી મુક્તતા અનુભવતાં હશે? હું આમ તો અત્યારે બાલ્કનીમાં સ્થાણું જેમ સ્થિર છું, પરંતુ પંખીની પાંખોની મોકળાશ અનુભવું છું. નજીકના ખુલ્લા પ્લૉટમાં ઊગી ગયેલ છોડવા અને ઊંચા થયેલ સરગવાના ઝૂકી પડેલા પલ્લવિત સોટાની આજુબાજુ આછા તડકામાં વાણિયા ઊડે છે, ક્યારેક તે છેક મારી પાસે આવી જઈ લૂચી ખાઈ પાછા વળી જાય છે. એય તે પ્રસન્ન લાગે છે. ઉઘાડ નીકળ્યો છે ને!
સામે છાત્રાલયના બીજા માળની ઉપરની કૅબિન પર કેટલાંક કબૂતર પરમ શાંતિનો અનુભવ કરતાં બેઠાં છે. એમનો રંગ અને ઉપરનાં જરા ઊંચે રહેલાં વાદળોનો રાખોડી રંગ એક જ છે. કવિ હોત તો કહેત કે પેલાં વાદળમાંથી જ કબૂતર બનીને બેસી ગયાં છે.
કેટલા દિવસોથી આકાશ ઘનઘોર હતું. એવું લાગતું હતું કે આ તો કોઈ પ્રલયકાળ પહેલાંનું આદિમ ચોમાસું તો શરૂ નથી થયું ને! અહીં આપણે ત્યાં ચોમાસું તો માત્ર પંચાંગની કાળવિભાજનની વ્યવસ્થાનો ભાગ. વરસાદ જરૂર પડે, પણ પછી વરસાદના દિવસો કરતાં ખુલ્લા દિવસો જ વધારે હોય. પરંતુ આ વખતે લગભગ ૭૦ દિવસો સુધી સળંગ વાદળોનું સામ્રાજ્ય જામેલું રહ્યું. ટી.વી. પર મોસમના સમાચાર આપતા બુલેટિનમાં ઉપગ્રહમાંથી ઝડપાયેલો ભારતનો નકશો જોતાં ગુજરાત જાણે વાદળોથી ઢંકાયેલું જ દેખાય. વરસાદ તો હંમેશા ગમ્યો છે. વરસાદ પડતો હોય અને ચુપચાપ એને વરસતો જોવાનો સમય એમ વીતે જાણે સદ્ કવિની કવિતાનો પાઠ સુણી રહ્યા હોઈએ. સ્તબ્ધ રાત્રિમાં વરસાદ પડતો હોય ત્યારે ન લખેલી અવિસ્મરણીય ક્ષણોની ડાયરી ચુપચાપ બંધ આંખે વાંચી રહ્યાનો અનુભવ થાય.
પણ કેટલા દિવસ? કેટલી રાત્રિઓ? લગાતાર વરસાદી દિવસો અને રાત્રિઓ. આવે વખતે મનની મોસમ પણ બદલાઈ જાય છે. ઘણી વાર વાસ્તવિક જગત અપાર્થિવ લાગે છે. ઝાડ, ઝાડનાં પાંદડાં, લપાઈને બેઠેલાં કે ઊડતાં પંખી, ઘર-ઘરનાં માણસ–વાસ્તવિકતાનું પરિરૂપ બદલાઈ જાય છે. બંધનમાં પડેલું હોય એમ મન છટપટ કરે છે. શું કરે? ક્યાં જાય?
અષાઢનાં આગમન પહેલાં ઘેરાયેલાં વાદળ જ્યારે પહેલવહેલાં હતાં ત્યારે તો કાલિદાસને યાદ કરતું મન પ્રસન્ન પ્રસન્ન હતું. પણ આ વખતે પહેલો વરસાદ પડ્યો ત્યારે સમાજવિદ્યાભવનના ઓરડામાં વિદ્યાર્થીઓનાં પેપર તપાસવામાં ખબર ન પડી, તે ચૂકી ગયો!
મોસમના પહેલા વરસાદમાં ભીંજાવાનું રહી ગયું! એકાએક તપ્ત જમીનમાંથી નીકળેલી સુગંધથી નાસાપુટ ભરાઈ જતાં જોયું તો વરસાદ. પણ બહાર નીકળતાં સુધીમાં તો ઝીલવા તત્પરા તપ્ત તૃષિત ધરાને અને મને અતૃપ્ત રાખી તે જતો રહેલો.
સભ્ય સમાજમાં અને તેમાં વળી યુનિવર્સિટીના અધ્યાપક વરસાદમાં પલળવા નીકળે તે તો શોભે નહિ. એટલે વરસાદમાં ભીંજાવાનો અકસ્માત થાય એની રાહ જોઉં. છત્રી લેવાની જ નહિ આ દિવસોમાં. લાગે કે હવે વરસાદ પડે એમ છે કે એકદમ બહાર નીકળી જવું અને પછી એ પડવા માંડે ત્યારે ઝાડ કે બસસ્ટૅન્ડનાં છાપરાં શોધવાને બદલે ધીમે ધીમે ગંભીર ડગલે ભીંજાતા ચાલતા રહેવું. પ્રોફેસર કંઈ હાંફળાફાંફળા દોડે?
એવું જ થયું. યુનિવર્સિટી કાર્યાલયમાંથી નીકળ્યો ત્યારે ફોરાં પડવા જ માંડ્યાં હતાં. ઘણા લોકો બહાર નીકળતાં નીકળતાં પૉર્ચમાં ઊભા રહી ગયેલા, પણ હું નીકળી પડ્યો અને જાણે મારા નીકળવાની રાહ જોતો હોય તેમ વરસાદ જૂના મિત્રના હેતની જેમ આવેગથી વરસતો અંદરબહાર ભીંજવી રહ્યો. તેમાં વળી સુસવાટા દેતો પવન જોડાયો. પવન અને વૃષ્ટિ. પડતી વૃષ્ટિને પવન વસ્ત્રનો આકાર આપી ફરફરાવી રહ્યો, એકદમ ચિત્તમાં આલોક થયો. કવિ ઉમાશંકરનું ‘ધારાવસ્ત્ર’ કાવ્ય મેં ફરી રચ્યું :- કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ… પણે લહેરાય,
પૃથ્વી – રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે – વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
પછી તો શરૂઆતના વરસાદના દિવસો ઉત્સવની જેમ માણ્યા. આ વખતે વરસાદ પણ જરાય ઉતાવળમાં નહિ. કેટલાક દિવસ તો એવું કે જે દેખાય તે વરસાદ, જે સંભળાય તે વરસાદ. માત્ર વરસાદ જ વ્યાપ્ત છે. આકાશ અને ધરતી પર. બધું કામકાજ ભલે પડી રહેતું – બસ જોયા કરવાની ઇચ્છા થાય આકાશને વરસતું ધરતી પર. હું બાલ્કનીમાં ઊભો રહું. વરસાદની તેજ ફુહારના આછા સ્પર્શ – કંપનને માણું.
ઘણી વાર આકાશ આખો દિવસ ઘનઘોર રહે. વરસાદ પડે નહિ. પછી રાત પડે અને ખબર ન પડે તેમ વૃષ્ટિ શરૂ થાય. જોસભેર શરૂ થાય, પછી મધ્યમસર અને પછી લગાતાર ચાલુ રહે. રાતની વખતે પડતી વૃષ્ટિમાં ભલે બહાર ન નીકળીએ, પણ એનો વરસવાનો અવાજ ગમે. એ જળના વરસવાનો એક પરદો બની જાય અને પછી આપણે અને વૃષ્ટિ, સ્મરણોના નિભૃત લોકમાંય જળ જળ જળ.
આ ચોમાસામાં આવાં ઘણા દિવસો અને રાત્રિઓ ગયાં. વરસાદ જાણે હવે જવાનો નથી. અકારો લાગવા માંડ્યો. તડકો નીકળે જ નહિ. એકસરખું ભીનું ભેજવાળું વાતાવરણ. દરમ્યાન તો ચારે પાસ વૃક્ષોએ ઘેરો લીલો રંગ ધારણ કર્યો. જાતજાતનાં અસંખ્ય ઘાસથી ખુલ્લી ધરતી ઢંકાતી ગઈ. નાનાં નાનાં તળાવડાંના સ્થિર જળ પાસેથી પસાર થતાં ગરમ ભીની મહેક પ્રસરતી. પતંગિયાં ઊડવા લાગ્યાં. કાદવ-કીચડમાં કાકાસાહેબની કવિતા રચાવાની વાત કેટલી દૂર હતી? આવી સ્થિતિમાં તાવ પણ કેટલાક દિવસ ખબર કાઢી ન જાય એવું બને?
લાગલગાટ સિત્તેર દિવસ, નદીઓ પણ છલકાઈ ગઈ. અત્યાર સુધી પોતાના વિરહથી દૂબળી પડેલી (કે વિલીન થઈ ગયેલી) બધી નદીઓના કાર્શ્યને દૂર કરી વરસાદે પુષ્ટ કરી પોતાનો ‘ધર્મ’ અદા કર્યો.
બધું ખરું, પણ હવે તડકા માટે જીવ હિજરાતો હતો. ત્યાં ખરેખર આકાશ ખૂલવા લાગ્યું. શ્રાવણનાં સરવડાં ભલે, પણ તડકોય તે આવ્યો. કાલે રાત્રે એક કાર્યક્રમમાં હાજરી આપી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરથી બહાર યુનિવર્સિટીની સડક ઉપર આવ્યો ને ઉપર આકાશ ભણી નજર ગઈ તો સદ્યસ્નાત ચંદ્ર હસતો હતો, ખુલ્લો.{{Right|૪-૯-૯૪
મેઘદૂતની આ સુંદર ચિત્રાત્મક પંક્તિઓનો ભાવ:
- વેણીભૂતપ્રતનુંસલિલાસાવતીતસ્ય સિન્ધુઃ
પાણ્ડુચ્છાયાતટરુહતરુ ભ્રંશિભિર્જીર્ણ પણૈંઃ |
સૌભાગ્યં તે સુભગ વિરહાવસ્થયા વ્યંજયન્તી
કાશ્યં યેન ત્યજતિ વિધિના સ ત્વયૈવોપપાદ્યઃ ||