ચૈતર ચમકે ચાંદની/માનસોત્સવ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માનસોત્સવ}} {{Poem2Open}} પ્રિય… આ પત્ર કેરળ રાજ્યના પ્રસિદ્ધ કોચ...") |
(No difference)
|
Revision as of 11:29, 26 July 2021
પ્રિય…
આ પત્ર કેરળ રાજ્યના પ્રસિદ્ધ કોચ્ચી નગરથી મોટરગાડી દ્વારા લગભગ ૩૦ મિનિટને અંતરે આવેલી ચારે કોર હરિયાળીથી છવાયેલી પહાડી પર બની રહેલા એક અદ્યતન રિસોર્ટની કોટેજનુમા વાતાનુકૂલિત રૂમની બાલ્કનીમાં બેસી લખી રહ્યો છું. કોચ્ચી નામ સાંભળતા તું કદાચ અસમંજસમાં માથું ખંજવાળીશ. કોચ્ચી? હા, કોચ્ચી. એ જ ખરું નામ એ નગરનું છે. પણ દેશ-દુનિયામાં તે ઓળખાય છે કોચીન નામથી. અંગ્રેજીમાં જોડણી કરીએ છીએ COCHIN. પણ આ મૂળ નામની જોડણી તો છે KOCHI. હવે બધે એ જ નામ વપરાય છે, જેમ આ જ કેરળની રાજધાની તને અગાઉ કહેલું છે તેમ ત્રિવેન્દ્રમને બદલે છે તિરુવનન્તપુરમ્.
તને ખબર છે કે કેરળનો રંગ તો લીલો જ છે, છતાં હરિયાળી પહાડી એવો પ્રયોગ મેં કર્યો છે, તે એ બતાવવા કે અહીં ચારે કોર એવી હરિયાળી છે કે એ સિવાય ક્યાંય કશું દેખાય નહિ, કોઈ નજીકના ગામનું ઘર કે ઇમારત પણ નહિ.
આ હિલરિસોર્ટ આમ તો જોયમેટ ગામની હદમાં છે, પણ ગામ તો ઉપર પહાડી પર ચઢતાં રસ્તે આવે એટલું.
મારા રૂમના સાથી ડૉ. શાન્તિનાથ દેસાઈ સૂઈ રહ્યા છે. શાન્તિનાથ દેસાઈ કન્નડાના જાણીતા કથાલેખક છે. મૂળે અંગ્રેજીના અધ્યાપક રહ્યા છે. એમની ‘મુક્તિ’ નવલકથા ઘણી જાણીતી છે. વડોદરેથી પ્રગટ થતા ‘સેતુ’માં એમની વાર્તાઓ પણ ગુજરાતીમાં આવી છે. બાજુના ઓરડામાં રઘુવીર ચૌધરી અને ચંદ્રકાન્ત શેઠ છે. આમ દરેક ઓરડા વિષે લખવા બેસું તો કહેવું પડે કે પંજાબીના કર્તારસિંહ દુગ્ગલ છે ને અજિત કૌર છે. ડોગરીનાં પદ્મા સચદેવ છે. અસમિયાનાં ઇન્દિરા ગોસ્વામી છે. હિન્દીના ગિરિરાજ કિશોર, ‘રાગદરબારી’ના શ્રીલાલ શુક્લ અને યુવા કવિ દેવીપ્રસાદ છે. ઉર્દૂના ગોપીચંદ નારંગ અને આપણા અમદાવાદવાસી મહમ્મદ અલવી છે. સિંધીના હરીશ વાસવાણી (આદિપુર) અને અર્જન હસીદ (અમદાવાદ) છે. કોંકણી(ગોવા)ના તો રવીન્દ્ર કેળકર અને મનોહર સરદેસાઈ અને આખું ગ્રૂપ છે. સૂચિ લાંબી થતી જશે, પણ તને ખ્યાલ આવી ગયો હશે કે દેશની જુદી જુદી ભાષાઓના આ બધાં સાહિત્યકારો છે.
એર્ણાકુલમ (એટલે કોચીન જ ગણાય)ની એક સંસ્થા સુરભિએ એક યુવાન મલયાલમ કવિ બાલકૃષ્ણ ચુલ્લીકાડના સ્વપ્નને સાકાર કરવાનો નિર્ણય કર્યો હતો. એ સ્વપ્ન એટલે ભારતની ૨૨ ભાષાઓના પ્રસિદ્ધ સાહિત્યકારોને કેરળમાં એક મંચ ઉપર સુરભિને ખર્ચે એકત્રિત કરવા. સુરભિના પ્રમુખ એન. વેણુગોપાલે એ કામ ઉપાડી લીધું. આ મહામિલનનું નામ આપ્યું માનસોત્સવ. અને ખરેખર એને ઉત્સવ બનાવ્યો. ૧૮૦ જેટલાં લેખક-લેખિકાઓ આવ્યાં હતાં, તેમાં પાંચ તો જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા. કન્નડાના જ્ઞાનપીઠવિજેતા લેખક શિવરામ કારઃ તો ૯૧ વર્ષના. લાગે નહિ. અનંતમૂર્તિએ પરિચય કરાવતાં કહ્યું કે હજી નૃત્ય કરવા લાગી જઈ શકે.
બધા લેખકોને જુદે જુદે સ્થળે ઊતરવાની વ્યવસ્થા કરેલી પણ સભામંડપ તો હતો આલુવે (અંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે આલવાએ) શહેરમાં બરાબર પૂર્ણા નદીના પટમાં. તને સાબરમતીના પટમાં સરકસ ભરાય છે, એ ખ્યાલથી હસવું આવે પણ આ પૂર્ણા એટલે કે પેરિયાર તો ભવ્ય નદી છે. કેરળની ગંગા છે. આ પૂર્ણાને તીરે અહીંથી દશેક કિલોમીટર દૂર આદિ શંકરાયાર્યનો જન્મ કાલડી ગામમાં થયો હતો. ‘નદીના પટમાં લેખકોનું સરકસ’– એવો વિનોદ જરૂર આપણા વિનોદ ભટ્ટને સૂઝે, કારણ કે આટલા બધા લેખકો મળે તો એવા દેખાવો જરૂર થાય એવું ઘણાનું માનવું છે.
પરંતુ ના. અહીં જે ખુલ્લો પટ છે, તે પૂર્ણાનો પ્રવાહ જ્યાં બે ધારાઓમાં વિભક્ત થાય છે, એવા રમ્ય સ્થળે છે. ત્યાં સુદીર્ઘ પર્ણકુટિ સદૃશ મંડપ. મંડપમાં હું તો એવે સ્થળે બેસું કે બન્ને પ્રવાહો પર નજર જઈ પડે. આ દિવસોમાં પેરિયાર અથવા પૂર્ણા ભરપૂર વહે છે અને વારિ એકદમ સ્વચ્છ. નારિયેળીઝૂક્યા એના કાંઠા. સાહિત્યકારો માટે આથી રમણીય સ્થળ બીજું હોઈ શકે? છતાં બધાં કંઈ નદીકિનારે જતાં નહોતાં રહેતાં. કેરળની સંસ્કૃતિનાં દર્શન થાય એ રીતે મંડપનું આયોજન.
૧૭મીએ સવારે ‘માનસોત્સવ’ સમારંભનું ઉદ્ઘાટન. જોયમેટથી અમે ત્યાં પહોંચ્યા ત્યારે તો આખું મેદાન રંગરંગીન. આખે રસ્તે ‘સુરભિ માનસોત્સવ ૧૯૯૪’ એવાં તોરણ, મંડપ વગેરે. આ ઉદ્ઘાટન વખતે કેરળની તમામ પરંપરાગત લોકકલાઓની દૃશ્યાવલિનું આયોજન તો ચકિત કરે એવું. ત્રણ અલંકૃત હાથીઓ સ્વાગતમાં, પણ તે પછી એકસાથે ૩૧ આઇટમો. એ બધી ક્રમશઃ બતાવો તો ચાર દિવસનો આ ઉત્સવ એમાં જ ખરચાઈ જાય. એટલે મેદાનમાં જુદે જુદે સ્થળે આ નૃત્ય, ગાન, વાદ્ય, કીર્તન બધું એકસાથે ચાલે. કૈરાલીઓ વિવિધ વેશભૂષામાં વચ્ચે દીપ પેટાવી, ગરબા જેમ ગાન ગાતી હોય, ભાલાવાળા, તલવારવાળા પોતાની કળા બતાવતા હોય, કુસ્તીદાવ થતા હોય, નૃત્યમાં પાછા બધા કુડિયાટ્ટમ, કુચિપુડી, મોહિનીઅટ્ટમ અને આદિવાસી નૃત્યો, મયૂરનૃત્ય – આ બધા પ્રકારો આવી જાય. ભવ્ય દૃશ્યાવલિ. આંખ અને કાનનો ઉત્સવ – માનસનો ઉત્સવ તો હવે પછી થવાનો હતો. જોકે આ રંગરંગી ઉત્સવમાં એક બાજુએ બેસી શાંત ચિત્તે એક ઢોલક અને નાના તંબૂર જેવા વાજિંત્ર પર ભજન ગાતા પ્રૌઢદંપતીનું ચિત્ર મનમાં અંકિત થઈ ગયું.
એક દિવસ તો અમે શંકરાચાર્યને ગામ કાલડી પણ જઈ આવ્યા. કાલડીની વાત તો તું જાણે છે. અહીં સાથે વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય અને નરેશ મહેતા (હા, પેલા જ્ઞાનપીઠવિજેતા વિનમ્ર સાહિત્યકારો) અને સુનીલ ગંગોપાધ્યાય અને નવનીતા દેવસેન. રઘુવીર, ચંદ્રકાન્ત ને મારી તો ત્રિપુટી જ સાથે ને સાથે. મેં એ લોકોને કહ્યું હતું કે, નાહવાનું આયોજન કરીને આવજો. શંકરાચાર્યનો પગ મગરે જે નદીમાં પકડ્યો હતો, તે સ્થળે અત્યારે પણ ‘મગરઘાટ’ છે, ત્યાં આપણે સ્નાન કરવું જ જોઈએ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ભરત નાયક (પેલા ‘ગદ્યપર્વ’ વાળા) તો પહેરેલે કપડે નદીની મધ્યમાં જઈ ઊભા હતા. હું તો નાહવા સજ્જ હતો. ચંદ્રકાન્તે માંડી વાળ્યું, રઘુવીર પહેરેલ કપડે વહેતા પાણીમાં આવ્યા તે ભરત નાયકે પલાળી જ દીધા. મેં તો સ્નાનનો અદ્ભુત આનંદ લીધો. કોંકણીના સરદેસાઈ પણ ઊતર્યા, ત્યાં સુનીલ ગંગોપાધ્યાય આવ્યા. જોડાં કાઢી પાણીમાં પગ રાખી ઘાટે બેઠા ને માછલીઓ એમના પગની આજુબાજુ રમી રહી હતી, તે જોવામાં લીન થઈ ગયા. મેં તેમનો ફોટો પાડી લીધો છે, પાણીમાંથી.
એ સાંજે કોચ્ચી (કોચીન) શહેરમાં પણ જઈ આવ્યા. ત્યાં બજારમાં ચંદ્રકાન્ત શેઠે સુરેન્દ્રનગરના એક વેપારીની દુકાન શોધી કાઢી. અહીંનાં પ્રસિદ્ધ એલચી, કાજુ. લવિંગ લીધાં છે. શ્રી રઘુવીરે તો એક પ્રસિદ્ધ સ્ટોર્સમાંથી ઘણી સાડીઓ ખરીદી, પરંતુ મારે તને આવી બધી પત્રિકાની ને ખરીદીની વાતો લખવી નથી. તું કહીશ કે તમે કંઈ ટૂરિસ્ટ તરીકે નહોતા ગયા. તમે તો સાહિત્યકાર તરીકે ગયા હતા, તો તેની શી શી વાતો થઈ, તે વાત તો આટલા લાંબા પત્રમાં હજી સુધી આવી જ નહિ!
પરંતુ એ એટલી બધી વાતો છે કે આ એક પત્રમાં તો સમાય નહિ અને મને ઉત્સાહ થઈ ગયો આ ઉત્સવના આનંદની જ વાત કરવાનો.
હા, આયોજન તો એવું હતું કે આવ્યા છે એટલા બધાય લેખકો મંચ પર આવે અને આખા સમારંભનો જે મુખ્ય વિષય – ‘મારું લેખન મારો જમાનો’ વિષે પાંચ મિનિટમાં વાત કરે. પાંચ મિનિટમાં તો કદી વાત કરી શકાય? અને આપણા લેખકો લેખનમાં કદાચ સંયમ પાળતા હશે પણ માઇક સામે સંયમ પાળી શકતા નથી અને એમાંય જ્યારે આવા દેશના ‘ચુનંદા’ સાહિત્યકારોની મંડળી મળી હોય તો ખાસ. આવો બોલવાનો અવસર મળ્યો કે મળશે! સુરભિનો આભાર માનવામાં જ ઘણાને તો ૫ મિનિટ થઈ જતી, આમ તો અનંતકાળ ચાલે.
એટલે પછી પ્રમુખ શ્રી અનંતમૂર્તિએ જેટલી બેઠકો હતી તેટલાં ગ્રૂપ કર્યાં. ચર્ચા વગેરે થાય, તે ગ્રૂપમાંથી એક જણ પછી સભામાં કહે અને એક જણ દરેક ભાષામાંથી પોતાના સાહિત્યની વર્તમાન ગતિવિધિઓ – કોન્ટ્રોવર્સીઓ–ની વાત કરે. કેટલાક કવિઓ પોતાની કવિતા વાંચે. ગુજરાતી સાહિત્ય વિષે વાત કરવાનું ગુજરાતના મિત્રોએ મને જણાવ્યું. આશ્ચર્ય તો એ છે કે આખા દેશની જુદી જુદી ભાષાના ભારતીય સાહિત્યકારો, પણ આખો વ્યવહાર અંગ્રેજીમાં. મેં તો હિન્દીમાં વાત કરી. એક તમિળ લેખિકા વાચાળ શિવશંકરી સિવાય કોઈએ ન કહ્યું કે સમજણ ન પડી.
જે કેટલીક ભાષાઓમાં હમણાં કટોકટીની સ્થિતિ છે – જેમ કે કાશ્મીરી, ડોંગરી, સિંધી (એને કોઈ સ્પેસિફિક ભાષાવિસ્તાર નથી) રાજસ્થાની વગેરેના પ્રશ્નો એટલે કે માઇનોર ભાષાઓના પ્રશ્નોની ચર્ચા થઈ. પણ પ્રમુખના અને અન્ય લેખકોનાં વક્તવ્યમાં જે એક રેખાંકિત કરવા જેવો સૂર ઊઠ્યો તે તો દેશમાં વધતા જતા અંગ્રેજી ભાષાના પ્રભાવ તળે ભારતીય ભાષાઓના ભવિષ્યનો.
સ્વયં પ્રમુખે ઉદ્ગાર કર્યો હતો અંગ્રેજીનો પ્રભાવ જે રીતે વધતો જાય છે, જે રીતે આખા દેશમાં પ્રાથમિક શાળાથી તે બોધભાષા તરીકે વપરાવા લાગી છે, તે જોતાં તો નવી શિક્ષિત પેઢી પોતાની માતૃભાષા પણ સરખી રીતે બોલી નહિ શકે. આ સ્થિતિમાં There is no future of Indian languages.. એટલું કહેવાની હદે એ ગયા. એક એવો અભિપ્રાય વ્યક્ત થયો કે અંગ્રેજી વિના તો ચાલે તેમ નથી, પણ પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સુધી શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ રહેવું જોઈએ. વિડંબના તો એ છે કે ભારતીય ભાષાઓની સુ-રક્ષાની ચર્ચા પાછી અંગ્રેજીમાં! જોકે એમનો ભય વધારે પડતો લાગે છે. કદાચ એલીટ વર્ગને એવું લાગે, પણ આ દેશની વિશાળ ભારતીય સામાન્ય જનતા પોતાની ભાષાને કદી છોડી શકવાની છે?
મંડપ બહારના સમયમાં વિચારોની ઘણી આપ-લે થઈ. આખા દેશના સાહિત્યિક પરિદૃશ્યનો અનૌપચારિક રીતે જ ખ્યાલ આવી જાય. કાલે તો સૌ સૌને સ્થળે જવા નીકળશે, એર્ણાકુલમ ઍરપોર્ટ પર એન. વેણુગોપાલન્ વિદાય આપવા આવવાના છે.
તે અત્યારે આ પહાડી પર એકદમ શાંતિ છે, સ્વચ્છ ચાંદની પથરાઈ છે. ક્યાંક દૂરથી પપીતાનો ‘પીવ કહાઁ?’ (હિન્દીમાં?) એવો દીર્ઘાયિત સ્વર આ શાંતિને ઘનીભૂત કરે છે, એવે વખતે આ પત્ર લખવાનો આનંદ છે.
તા.ક. લખાયાની તારીખથી પત્ર કેટલો બધો મોડો રવાના થાય છે! ‘હંમેશની જેમ’ તું તો કહીશ.૨૦-૯-૯૪