શાલભંજિકા/કવિનું ઘર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિનું ઘર}} {{Poem2Open}} ‘બૈજુ બાવરા’ ફિલ્મમાં એક દૃશ્ય આવે છેઃ સં...") |
(No difference)
|
Revision as of 08:43, 27 July 2021
‘બૈજુ બાવરા’ ફિલ્મમાં એક દૃશ્ય આવે છેઃ સંગીતસમ્રાટ તાનસેન રાજગાયકને માટે ખાસ બાંધેલા ભવનમાં વહેલી સવારે કોઈ નવા રાગનો આવિષ્કાર કરવાની સાધનામાં બેઠેલા છે. સંભવ છે કે લલિત આદિ સવારના કોઈ રાગની રિયાઝ પણ ચાલતી હોય. શાન્ત ક્ષણો છે. એવે વખતે ભજનિકોની એક મંડળી રાજમાર્ગ પર ભજન ગાતી પસાર થતી હોય છે. રાજગાયકની સાધનામાં વિક્ષેપ પડતો જોઈ સંત્રીઓ ભજનિક મંડળીને ડારે છે. તેમાં એક છે કિશોર બૈજુના પિતા. બૈજુ મનોમન પ્રતિજ્ઞા કરે છે કે એક દિવસ આ રાજગાયકને પોતે હરાવશે. પછી એ ગુરુ હરિદાસ પાસે સંગીત શીખવા જાય છે. કદાચ વિગતોમાં ભૂલ થતી હોય. ૧૯૫૨-૫૩ના અરસામાં આ ફિલ્મનું જબર્દસ્ત આકર્ષણ હતું, ખાસ તે એનાં ગીતોનું – ‘તૂ ગંગા કી મૌજ મેં જમુના કી ધારા…’ તો કંઠે કઠે. પણ મારે તો ઉપર્યુક્ત દૃશ્યની વાત કરવી હતી. મારા મનમાં જે વાત રહી ગઈ, તે તો આ રાજગાયકના આવાસની–ઘરની, પોતાની કલાની સાધના માટે કલાકારને પ્રાપ્ત થતી અનુકૂળતાઓની. કલાસર્જનને પ્રેરક એવું આસપાસનું વાતાવરણ – અને એટલું જ નહિ, એ વાતાવરણમાં કોઈ કશો વિક્ષેપ નહિ. એવો હતો તાનસેનનો આવાસ અને તેમાં એનો સંગીતખંડ.
કવિઓ-ક્લાકારો માટે કેવું ઘર હોવું જોઈએ એની ચર્ચા આપણા કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં કરવામાં આવી છે. આજે તો કવિ કોઈ મહાનગરની ભીડ ભરી ઇમારતોના એકાદ ખંડમાં માંડ વાસો કરતો હોય એવું બને. મકાનમાલિકોને ભાડું નહિ ભરી શકતા વારંવાર ઘર બદલનાર આધુનિકોમાં આદ્ય એવો ફ્રેંચ કવિ બૉદલેર વિશે આપણે જાણીએ છીએ. પણ જો કવિને માટે ઘર જ બાંધવાનું હોય તો એની આખી બ્લૂપ્રિન્ટ રાજશેખરે એના કાવ્યમીમાંસા ગ્રંથના ૧૦મા અધ્યાયમાં આપી છે. આપણને થાય કે એમની વાત તો ખરી છે. આપણને ઉત્તમ કવિતાઓ મળે એ માટે કવિનો આવાસ આવો હોવો જોઈએ. આવો એટલે કેવો?
રાજશેખરે કહ્યું છે કે કવિનું ભવન સ્વચ્છ અને લીંપ્યુંગૂપ્યું હોવું જોઈએ. એ તો બરાબર, એ તો કોઈનું પણ ઘર હોય. પણ પછી રાજશેખર કહે છે કે એ આવાસમાં કવિને માટે દરેક ઋતુમાં બેસવા માટે જુદા જુદા કક્ષ હોવા જોઈએ. પછી ગૃહવાટિકા અર્થાત્ ઘરની આજુબાજુના ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષો અને લતાગૃહો હોવાં જોઈએ, જ્યાં બેસવાનાં સ્થાન હોય. કૃત્રિમ ટેકરી (મેઘદૂતમાં ક્રીડાશૈલ આવે છે ને!) અને વાવડીની રચના હોવી જોઈએ. પાણીની નહેર પણ પસાર થતી હોવી જોઈએ. આ ગૃહોદ્યાનમાં મોર-હરણ-ચકોર–મેના વગેરે પશુપંખી હોય. ધારાયંત્ર એટલે કે પાણીના ફુવારા હોય, વૃક્ષે હિંડોળા ઝૂલતા હોય. આ પણ બરાબર. પછી રાજશેખર કહે છે કે કાવ્યરચના કરીને કવિ વિશ્રાંતિ કરતા હોય ત્યારે ગૃહજન એટલે ઘરના પરિવારના સભ્યોએ શાંતિ રાખવી જોઈએ. કવિનું આ ઘર વિજનમાં એટલે એકાન્તમાં હોય એ તો પહેલી જરૂરિયાત છે. આગળ પણ ઘણી વાત છે, પરંતુ કવિના ઘરની આ કલ્પના આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ જ કરેલી છે, એવું નથી.
આવું એક કવિનું ઘર જોયું. ઉદ્યાન સાથે, આંગણામાં જરા દૂર વહેતા ઝરણા સાથેનું. પણ એ ભારતીય કવિનું નહિ, એક ચીની કવિનું. પરંતુ ચીનમાં નહિ, એ ઘર જોયું અમેરિકાના ન્યૂયૉર્ક નગરના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં. હા, હા, ચીનના એક કવિ પંડિતના એક આખા ઘરની આ મ્યુઝિયમમાં પુનર્રચના કરવામાં આવી છે. આવાં ઘર તે હવે મ્યુઝિયમમાં જ હોય ને! મધ્યકાલીન કવિનું ઘર હશે, જ્યારે કવિઓ તુ ફૂ કે લી પો જેવી કાવ્યરચના કરતા હશે. પણ હા, કવિ તુ ફૂની અવસ્થા તો દરિદ્ર રહી હતી. બીજા કોઈ રાજકવિ કે રાજપંડિતનું ઘર.
‘ચાઇનીઝ સ્કૉલર્સ સ્ટુડિયો’ એવું નામ છે, કવિ કે પંડિતના ઘર વિશે – ખાસ તે એના સાધનાકક્ષ વિશે ચીની વિદ્વાન લી રિહુઆએ જેમાં લખ્યું છે, તેવું જ આ મ્યુઝિયમમાં બતાવવામાં – કહો કે ચીનથી લાવીને ગોઠવવામાં આવ્યું છે. આ જ મ્યુઝિયમના એક આખા વિભાગમાં ઇજિપ્તમાં નાઈલને કાંઠેથી, ત્યાં પ્રસિદ્ધ આસ્વાન બંધ બંધાતાં ડૂબમાં જનાર ઈ. સ. ૧૫માં રાજા ઑગસ્ટસે બંધાવેલું આખું ને આખું દેન્દુર મંદિર ઉપાડી લાવીને સ્થાપવામાં આવ્યું છે. ત્યાં મંદિરની આજુબાજુ જેમ હતું ઝરણા સમેત, તેમ અહીં રાખવામાં આવ્યું છે. અલબત્ત, ઝરણાને કંઈ લાવી શકાતું નથી; પણ આ મંદિરની બાજુમાં કૃત્રિમ ઝરણું વહેતું રહે છે, જે દેન્દુર મંદિરની અસલિયતને જાળવી રાખે છે. માનવસંસ્કૃતિ, માનવે સર્જેલી સંસ્કૃતિને જાળવી રાખવાના સંસ્કૃતિરસિયાઓના આ પુરુષાર્થની કથની તો અલગ કરવાની હોય. એ સંસ્કૃતિ પછી ઇજિપ્તની નથી રહેતી કે નથી રહેતી ચીનની. એ માનવસંસ્કૃતિ છે.
ચીની કવિનો સાધનાખંડ પણ એ રીતે અહીં સ્થાપિત કરવામાં આવ્યો છે. એ ઘરના થાંભલા, મોભ ઉપરનું છાપરું, ઓસરી, આંગણ, બોન્ઝાઈ વૃક્ષ પણ અને કલકલ વહેતું ઝરણું. રાજશેખરે જેમ કવિના આવાસની વાત લખી છે, તેવી જ વાત ચીનમાં પણ લખાઈ છે.
કવિનો-પંડિતનો અભ્યાસખંડ એવે સ્થળે હોવો જોઈએ ત્યાં કલકલ કરતું ઝરણું વહેતું હોય અને ટેકરીઓની વચ્ચે વળાંક લેતું ખોવાઈ જતું હોય… આ અભ્યાસખંડની ચારે બાજુએ એકસો જેટલા પાતળા વાંસના છોડ હોય. એ વાંસ વહી આવતી પવનની તાજી લહેરોનું સ્વાગત કરતા હોય. ત્યાં નીચા કદનું જાડું ગાંઠોવાળું ખરબચડું પુરાણું આછી ડાળીઓવાળું ઝાડ હોય, જેથી પવન સીધો બારોબાર આવનજાવન કરે. સુગંધિત વનસ્પતિ આંગણમાં વાવેલી હોય. પથ્થરના ફુવારાની આજુબાજુ શેવાળના થર જામેલા હોય. પ્રત્યેક સવારે-સાંજે સફેદ ચોખા અને માછલીનો બરાબર ઉકાળીને જામેલો શોરબો, સ્વાદિષ્ટ મધ અને ચા ઉપલબ્ધ હોય. દરવાજે એક મજબૂત સંત્રી હોવો જોઈએ, જે કવિ કે પંડિત જ્યારે સાધનામાં — સ્વાધ્યાયમાં નિરત હોય ત્યારે અમસ્તા મળવા આવનારાઓને દરવાજેથી જ પાછા વિદાય કરી દે.
આ છેલ્લી વાત પણ કેટલી બધી મહત્ત્વની છે!
ખરેખર તો આ નાનકડો નિબંધ મેં આ ‘ચાઇનીઝ સ્કૉલર્સ સ્ટુડિયો’ની વાત કરવા માટે લખવા ધારેલો છે. એ ઘરમાં — વિ-સ્થાપિત ઘરમાં—ક્યાં ચીનનું કોઈ નગર કે કસબાનું કવિનું આ ઘર અને કઈ સદીનું—અને ક્યાં આજનું આ ન્યુયૉર્ક નગર, તેનું આ મ્યુઝિયમ–અને આ ઘર–એમાં પ્રવેશતાં એક પ્રકારના–અંગ્રેજીમાં જેને કહે છે વાઇબ્રેશન–એક લૌકિક નહિ એવા થરથરાટથી મનઃચેતના સ્પંદિત થઈ ગઈ. મ્યુઝિયમમાં આખું ઘર જ હતું, ઝરણું પણ ખરું અને લીલ બાઝેલો ફુવારો પણ. પેલું ઝાડ પણ, નીચી પરસાળ અને પછી ખંડમાંનું પ્રવેશદ્વાર. ભૂમિ તો બદલાઈ ગઈ છે, પણ આ થાંભલા, આ મોભ, આ છાપરું – આ બધાં પેલા દૂરના ચીની પંડિતના સંસ્પર્શનો અહેસાસ કરાવી રહે છે. શું ક્યારેક એ પંડિત આ થાંભલાને ટેકે બેઠા હશે? મ્યુઝિયમનું ઝરણ તે કૃત્રિમ છે, કદાચ પેલો પથ્થરનો ફુવારો તો ત્યાંથી લાવવામાં આવ્યો હશે, પણ એમાંથી વહી આવતાં અને શેવાળ જમાવતાં પાણી… પણ જરા એ બધું ભૂલી જઈ, ક્ષણેક આત્મવિસ્મૃત થઈ માત્ર ઘર તરીકે ઘરને જુઓ તો ખંડમાં કવિપંડિત બેઠેલા છે, એવું લાગે. કદાચ એનો દરવાન આવીને તમને હમણાં ટોકશે.
મન ગદ્ગદ થઈ ગયું. સાથે હતાં પ્રીતિ સેનગુપ્તા અને અનિલા દલાલ. પ્રીતિ ખાસ અહીં ખેંચી લાવ્યાં હતાં. એ પોતે તો ન્યૂયૉર્કવાસી. કદાચ કેટલામી વાર અહીં આવ્યાં હશે. સંભવ છે કે આ ચીની કવિનું ઘર જોઈ અમે દરેક જણ જુદી રીતે વાઇબ્રેટ-સ્પંદિત થયાં હોઈએ. મારે તો એક જૂનું સપનું હતું ચીન કે તિબેટના કોઈ બૌદ્ધ મઠમાં રહી જૂની પોથીઓને ઉકેલવાનું. એટલે આ ચીની પંડિતના ઘરમાં ઊભતાં અને અત્યારે એનું સ્મરણ કરતાં પણ ગદ્ગદ થવાનો ભાવ છલકાય છે. એને ભાવુકતા પણ કહેવાય, જે દોષરૂપ ગણીને કોઈ હસી કાઢી શકે. પણ કવિનું ઘર તે કવિનું ઘર. કવિ ઉમાશંકરના નિવાસસ્થાન ‘સેતુ’માં આજે જઈને ઊભીએ છીએ ત્યારે મનને કંઈક જુદી જ અનુભૂતિ વીંટળાઈ વળે છે: Tragic Poet’s House.
કવિ રવીન્દ્રનાથના જોડાસાંકો પુરાણા મહેલ જેવા આવાસના ખંડોમાં કે પછી દેહલી, ઉત્તરાયણ કે શામલીના આવાસોમાં પ્રવેશતાં આવી લાગણીઓ થાય. આ કવિને જાતજાતના અાવાસમાં રહેવાનું મન થાય, એવા એવા આવાસ બાંધે અને ત્યાં જઈ રહે, પણ તેમ છતાં એક પોતાની કલ્પનાના ઘરની પાછી કવિતા તો કરે ‘બાસા’-‘ઘર’ એ કવિતાનું નામ.
મયૂરાક્ષી નદીની ધારે એ ઘર હોય. ત્યાં શાલ અને મહુડાનાં વન હોય. એનાં પાંદડાં એની છાયામાં ખરતાં હોય, એ પાંદડાં ઊડીને કવિની બારીએ આવી જતાં હોય. દૂર તાલવૃક્ષ હોય… નદીને કાંઠે કાંઠે લાલ માટીની પગદંડી જતી હોય. ગિરિમલ્લિકા, જારુલ, પલાશ, લિંબોઈનાં ઝાડ અડાબીડ હોય. ચમેલીલતા બરાબર ફાલીફૂલી હોય. નદીમાં એક લાલ પથ્થરોથી બાંધેલા ઘાટનાં પગથિયાં ઊતરતાં હોય, ત્યાં બાજુમાં જૂનું ચંપાનું ઝાડ હોય, નદી પર એક કાચો લાકડાનો પુલ હોય, નીચે ઊંડા પાણીમાં કાંકરીઓ દેખાય, તેમાં રાજહંસ તરતા હોય.
પછી તો ઘરના ખંડોનું વર્ણન છે, ઘરનાં પરિજનોનું વર્ણન છે. ઘરની પાછળના ભાગમાં શાકભાજીનું ખેતર હોય, આંબાવાડિયું હોય અને એવું બધું ઘણું કવિ વર્ણવે છે. પણ છેવટે કહે છે:એઈ પર્યન્ત
એ બાસા અમાર હયનિ બાંધા
હબેઓ ના.
આજ સુધી
આવું ઘર મેં બાંધ્યું નથી
બંધાવાનું પણ નથી.
ઘરની કલ્પના તો કરી — અને ધારો કે કલ્પના પ્રમાણેનું ઘર બંધાય; તેમ છતાં, પછી કવિ કહે છે કે આ મારું મન આવા કોઈ ઘરમાં રહેશે નહિ. બધાંથી અળગાં થઈ બધાંની રજા લઈ મારો ઉદાસ જીવ તો મયૂરાક્ષી નદીને કાંઠે પહોંચી જવા ઇચ્છે છે.
કવિ છે. આપણે તો કહીશું, કવિને ઘરનું બંધન કેવું?
ચીની કવિનું ઘર ક્યાંનું કયાં લઈ ગયું!