શાલભંજિકા/લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’}} અમેરિકન સંસ્કૃતિનું એક અન્ય પ...") |
(No difference)
|
Revision as of 11:25, 27 July 2021
અમેરિકન સંસ્કૃતિનું એક અન્ય પ્રતીક જોવું હોય તો જવું લાસ વેગાસ. કોણ નથી જાણતું કે આખી દુનિયામાં પ્રસિદ્ધ એવું એ જુગારનગર છે! ત્યાં રાત પલટાઈ જાય છે દિવસમાં – અને દિવસ લગભગ રાતમાં. કરોડોની ઊથલપાથલ એક રાતમાં થઈ જતી હશે. કોઈ રાતોરાત રંક બની જાય છે અને કઈ રાતોરાત રાય. આપણે જેવા ફૂંકી ફૂંકીને ચાલનારા રહે છે ઠેરના ઠેર.
હવે પહાડીઓની રચના બદલાતી જાય છે. કેલિડોસ્કોપમાંથી જોઉં છું શું? સાંજ પડવામાં છે. એક વિચિત્ર માનસિક અવસ્થા છે. લાસ વેગાસ શા માટે જાઉં છું? અમેરિકન સંસ્કૃતિનો એક પહેલુ (આસ્પેક્ટ) જોવા? એક કૌતુક છે. અમેરિકા આવનાર પ્રવાસી લાસ વેગાસ જાય, જુગારનું નગર જોવા. જુગાર રમવા પણ. દરેક માણસમાં ક્યાંક એક જુગારી બેઠેલો હોય છે, કોઈ સાવધાનીપૂર્વક દાવ ખેલે છે, કોઈ અંધાધૂંધ.
નાનપણમાં તીનપત્તીનો જુગાર ખેલ્યો છે; પણ પૈસાથી નહિ, દીવાસળીની પેટીની છાપોથી. જુદી જુદી છાપનું મૂલ્ય જુદું જુદું. ઘોડાની છાપ બરાબર રૂપિયો. કપાસ છાપનો અડધો રૂપિયો. પંચવટીની છાપના પાંચ રૂપિયા. આ છાપ માટે ઘણી વાર ઘરમાં ચાલુ દીવાસળીનું ખોખું પણ લઈ લીધું છે. પછી તે જુગાર સાથેનો પરિચય છાપાના સમાચાર દ્વારા. તો કેટલાક વિશ્વવિખ્યાત પ્રશિષ્ટ જુગારીઓનો પરિચય સાહિત્ય દ્વારા.
કેટલાકને આપણે બધા ઓળખીએ છીએ. તેમાં એક છે યુધિષ્ઠિર. આ મહાભારતના સ્થિરમતિ યુધિષ્ઠિરને માટે જુગાર એમની નબળાઈ. પાછું રમતાં તો આવડે નહિ. વ્યાસે શકુનિને મુખે કહેવડાવ્યું છે કે ‘દ્યુતપ્રિયશ્ચ કૌન્તેયો ન સ જાનાતિ દેવિતુમ્.’ દ્યૂત-જુગારપ્રિય છે યુધિષ્ઠિર, પણ એ રમત એને આવડતી નથી. છતાં રમે છે. કહે છે. ‘આહૂતો ન નિવર્તેયમ્’ મને કોઈ જુગાર રમવા બોલાવે તો ના નહિ પાડું. ક્ષત્રિય છે યુધિષ્ઠિર! પણ એમાંથી તો કેટલું બધું થયું! આખું મહાભારત સર્જાયું. આપણે જાણતા નથી કેટલા બધા જુગારીઓના જીવનમાં જુગાર કોઈ ને કોઈ પ્રકારનું ‘મહાભારત’ સર્જે છે.
આપણને આશ્ચર્ય થાય કે સતત હારવા છતાં દરેક દાવમાં શકુનિ ‘જિતમ્’ એમ બોલવા છતાં અઢાર અઢાર વખત પાસા ફેંકતા ગયા. કદાચ આ જુગારીનું માનસ છે, હારવાથી વધારે ઉગ્રતાપૂર્વક રમવું. દ્રૌપદીને ધૃતરાષ્ટ્રે આપેલા વરદાનથી ફરી પાછું બધું પામ્યાં ત્યાં ફરી પાછું જૂગટું — અને વનમાં ગયાં. પેલા વિરાટને ત્યાં છદ્મવેશમાં પણ રમત પાસાની. આપણને થાય, મહાભારતની લડાઈ એ પણ એક મોટો જુગાર નહિ?
નળરાજા પણ એના ભાઈ પુષ્કર સાથે જુગાર રમેલો. પણ એના શરીરમાં કલિયુગે પ્રવેશ કરેલો. જુગારીમાત્રના શરીરમાં કે મનમાં કલિપ્રવેશ થતો હોય છે. પણ જુગારી આપણા જેવા ‘અરસિક’ને કહેશે, ‘તમારું કામ નહિ – તમે શું જાણો એનો આનંદ?’ યજુર્વેદમાં એક જુગારીની આત્મોક્તિ છે, જેમાં પાસા ફેંકતાં થતા અવાજની મોહિનીના આકર્ષણની એણે વાત કરી છે. વૈદિક આર્યોની તો આ પ્રિય રમત હતી.
જુગારીની માનસિકતાની એક રસિક ઘટના પેલા પ્રસિદ્ધ નાટક ‘મૃચ્છકટિક’ (માટીની ગાલ્લી)માં આવે છે. જુગાર રમતાં રમતાં સંતારક નામનો નાટકના નાયક ચારુદત્તનો એક જૂનો સેવક દસ સુવર્ણમહેરો હારી જતાં, જુગાર-અડ્ડાના અધીક્ષકની નજરથી છટકી ભાગી જાય છે. માથુરક એની પાછળ પડે છે. સંવાહક એક ખાલી દેવળના ગર્ભગૃહમાં સંતાઈ જાય છે, અને ત્યાં દેવતાની મૂર્તિ નથી, એટલે એને સ્થાને સ્થિર મૂર્તિ બનીને ગોઠવાઈ જાય છે ત્યાં માથુરક અને એના સાથીઓ આવી પહોંચે છે. આટલામાં જ ક્યાંક ગયો છે, તો કયાં ગયો પેલો? ‘મૂર્તિ’ને પેલાએ ઠમઠોરી જોઈ, પણ પેલો મૂર્તિ જ બની ગયેલો. પછી માથુરકે યુક્તિ કરી. ત્યાં ને ત્યાં બીજા જુગારી સાથે બેસીને પાસા ખેલવા માંડ્યો. પાસાનો અવાજ સાંભળતાં પેલી ‘મૂર્તિ’થી રહેવાયું નહિ, અને પકડાઈ જવાની બધી બીક છોડી રમવા કૂદી પડ્યો. માથુરકની યુક્તિ સફળ થઈ. પાસાનો અવાજ થાય પછી સાચો જુગારી કેમ કરી ચૂપ રહે?
પણ આપણે ક્યાં એવા કશા જુગારના આકર્ષણમાં છીએ કે આમ લાસ વેગાસ ભણી ધસ્યા જઈએ? મને વિચાર આવ્યો કે લાસ વેગાસમાં જો શકુનિ આવી જાય તો બધા જુગારીઓનું ધન હસ્તિનાપુર અર્થાત્ આજની દિલ્હીમાં લઈ આવે. યુધિષ્ઠિર તો અહીં પણ હારી જાત. ‘લાસ વેગાસમાં શકુનિ’ કોઈ છાપામાં ધ્યાન ખેંચી રહે એવું મથાળું નથી લાગતું?
લાસ વેગાસમાં અમારી મોટર પ્રવેશી. સૂરજ તો ઢળી ગયો હતો. આથમણી ઉજ્જડ ટેકરી ઉપરના આકાશમાં ત્રીજ-ચોથનો ચંદ્ર પણ દેખાયો અને તેની જોડે એક તારો. હવે ધીમે ધીમે ભૂરા આકાશમાં તારા પ્રકટશે, પણ લાસ વેગાસમાં જોતજોતામાં જે ઝળાંહળાં થતા દીવાઓ પ્રકટતા હતા, જાહેરાતોનાં ઊઘડતાં બંધ થતાં આંખને આંજી દેતાં અજવાળાંથી ક્યાંક અદૃષ્ટ રહેલા સૂરજના તડકાનો ખંડ તો આ નગર પર પથરાયો નથી, એવી ભ્રાન્તિ થાય.
અગાઉ મેં મરુભોમમાં રણદ્વીપ સાથે આ નગરને સરખાવ્યું, પણ એ રણદ્વીપ નથી, રણદ્વીપમાં તો સાચેસાચનું જળ હોય છે, સાચેસાચની ખજૂરીની હરિયાળી હોય છે. પણ આ તો મૃગજળ છે. માયા મરીચિકા છે. રાત પડી ગઈ હતી, પણ માત્ર ઘડિયાળમાં. અમે તૈયાર થયાં. દીપિકા લૉસ ઍન્જલિસના ઘરેથી ખાવાનું લાવી હતી. નાનો દર્શિત સાથે હતો. પણ શશિ કહે, ‘અંકલ! આજે આપણે ઘરનું નહિ ખાઈએ. આ નગરનો તમને ‘ફીલ’ — સ્પર્શ નહિ થાય.’ અમે બહાર નીકળ્યાં. ચમક ચમક થતા સમગ્ર માર્ગ પર કસીનોનાં નામો. રોશની જ રોશની. આ કોઈ મયદાનવે રચેલું તો નગર નથી? વાસ્તવનું જગત લોપ પામતું હતું. લાગે કે આ જે છે, તે ખરું છે. આટલાં આટલાં લોકોની આવનજાવન. લોકો જાણે સજી સજીને નીકળી પડ્યા છે. જાણે કોઈએ જુગાર રમવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે અને આ સૌ જાણે યુધિષ્ઠિરની જેમ ‘આહૂતો ન નિવર્તેયમ્’ — મને નિમંત્રણ આપ્યું છે, તો હું ના નહિ પાડું — કહેતાં ઊતરી પડ્યા છે શું?
રસ્તા ઉપર જેમ જેમ આગળ વધતાં ગયાં, તેમ તેમ પ્રકાશથી જાણે અતિ પ્રકાશની દુનિયામાં જતાં હતાં. પ્રકાશની? કે પછી અંધકારની? આ બધાં જે સૌ સાથે ચાલે છે કે સામે મળે છે, તે બધા જુગારીઓ છે? આ સુંદરીઓ? આ પ્રૌઢાઓ? પ્રૌઢ, વૃદ્ધો, યુવાનો-યુવતીઓ બધાં ક્યાં જઈ રહ્યાં છે? અમે એક સ્પેનિશ રેસ્તોરાંમાં પ્રવેશ્યાં. શાકાહારી વાનગી-મકાઈની રોટલીમાં ચીઝ મેળવીને બનાવેલ મસાલેદાર વાનગી. ભાવવાનો બહુ સવાલ નહિ.
બહાર નીકળ્યાં ત્યારે કસીનોનું આ નગર માયાવી બની ગયું લાગ્યું. આકર્ષણની અદ્ભુત જાળમાં તમને ખેંચવાના એના પેંતરા છે. ફ્રાન્સના મોન્ટે કાર્લોના કસીનોમાં પ્રવેશ કરેલો, પણ કૌતુકથી. વળી ત્યારે દિવસ હતો. દીપ્તિએ થોડું ખેલી લીધેલું. અમે બીજાં અલિપ્ત રહ્યાં હતાં. પરંતુ અહીં? શશિ કહે, તમારે રમવું જ પડશે, નહિતર અહીં આવ્યાનો અર્થ શો?
એક પ્રસિદ્ધ કસીનો ‘સર્કસ સર્કસ’માં અમે પ્રવેશ કર્યો. વિરાટ ખંડમાં અસંખ્ય સ્લૉટ મશીનો, જાતજાતનાં. ઑટોમૅટિક. બધી સૂચનાઓ હોય. જાતે રમવા બેસી જાઓ. દીપિકાએ મને છુટ્ટા ર૫ ડૉલરના ક્વાર્ટરના સિક્કાનો ડબ્બો ભરીને આપ્યો. હું એક મશીન આગળની બેઠકમાં ગોઠવાયો. આખા કસીનોમાં ખડંગ ખડંગ ખણ ખણ ખણના જ અવાજ. કોઈએ હજી ક્વાર્ટર – બે ક્વાર્ટર નાખી હૅન્ડલ હલાવ્યું નથી કે બસ દલ્લો. પણ ખણ ખણ સિક્કા ખર્યે જાય છે, મિડાસની જેમ એના ચહેરા પર ચમક આવી જાય. પણ કોઈ સિક્કા પર સિક્કા સેરવે જાય છે, એનો ભરેલ ડબ્બો ખાલી થઈ જાય છે. સ્લૉટ મશીન બધું ગળી જાય છે. મારી આ બાજુમાં એક વૃદ્ધા છે. બેત્રણ ડબ્બા ભરીને બેઠી છે. મેળવે છે, ખુએ છે, મેળવે છે, ખુએ છે. એના ચહેરા પર કોઈ ફેર નથી. રમ્યે જાય છે, કદાચ સવાર સુધી રમશે. એને કદાય જીવનનો એ જ આનંદ છે. પણ આપણે કોણ છીએ એના વિશે રિમાર્ક કરનાર?
મેં પહેલા ક્વાર્ટરથી શરૂઆત કરી. ત્રણ સિક્કા ગયા. કંઈ ન આવ્યું. ચોથો સિક્કો ગયો, ખણખણ ખણખણ… હું ચકિત થયો. ખર્યે જ જાય છે. દશ-બાર સિક્કા ખર્યા. પછી તે ચઢસ વધતો ગયો. ત્યાં ધીમે ધીમે સિક્કા ઘટતા ગયા. ઘટતા ગયા. પણ આ વખતે તો જરૂર મળશે, આ વખતે તો જરૂર. પણ સૂચન આવે, હજી સિક્કો નાખો… આ ડોશીને તો ઢગલો થતો જાય છે. વિચાર આવે – છેવટે તો કોઈકના ખેાયેલા ને? પણ અહીં એવો વિચાર અવાસ્તવિક છે. અહીં તો ચારેકોર ખણ ખણ ખણ છે.
છુટ્ટા પૈસા પૂરા થયા. હવે મારી પાસે આખા ડૉલર હતા. ત્યાંથી ઊભો થઈ બીજા એક મશીન આગળ. મેં જોયું કે આખા ખંડમાં બરાબર રમત જામી છે. ત્યાં ખૂણાના કાફેમાં સંગીત ગવાય છે અને નૃત્ય ચાલે છે. જે બીજા મશીન આગળ જઈ ઊભો તેમાં ડૉલરથી રમવાનું હતું. મશીનમાં કાચની પાર ડૉલરના સિક્કાના ઢગલે ઢગલા પથરાયેલા હોય, ઢાળમાં. ઉપરથી સતત ચાલતી સ્વયંચાલિત ઠેસીઓથી ઠેલાય ધીરે ધીરે. ઘણા ઢાળને કિનારે આવીને અટક્યા હોય. તમે ડૉલર નાખો એટલે ઉપર જઈ પડે. એ ઠેલાય, એની સાથે અટકી રહેલા ડૉલર પણ ઠેલાય અને અંદર પડે. એ પડે એટલા તમારા, બહાર આવી જાય.
મેં રમવા માંડ્યું, એક ડૉલર નાખ્યો, ત્રણ મળ્યા. પછી તો નાખતો ગયો. બરાબર કિનારે આવે છે. આવે છે ને અટકી જાય છે, પડે છે – પડે છે, પણ ક્યાં? હજી એક વધારે ડૉલર, હજી એક વધારે. કદાચ આ વખતે બધા જ પાછા મળી જશે. હવે મને સમજાતું હતું કે યુધિષ્ઠિરે એક વખત નહિ, બે વખત નહિ, ત્રણ વખત નહિ, અઢાર અઢાર વખત સતત હારવા છતાં કેમ પાસા ફેંક્યા અને બધું દાવમાં મૂકતા ગયા! સંભવ છે કે છેલ્લા દાવમાં પણ સામટી જીત થઈ જાય. મને પાછા જેટલા ડૉલર મળતા હતા, તેથી વધારે હારતો જતો હતો. મને આમ રમતો જોઈ આજુબાજુ ટાળું થઈ ગયું. ત્રણ-ચાર ડૉલર પડે એટલે ચિચિયારીઓ પાડે બધા. પછી તો બસ — દીપિકા મને ડૉલર આપી રહી, હારજીત, જીતહાર. હું યુધિષ્ઠિર બની જતો હતો… હા, અહીં માત્ર ડૉલર જ હોડમાં મૂકવાના હતા. ખાલી થઈ ગયો!
હવે બસ. દીપિકાએ પણ સો ડૉલર ગુમાવ્યા હતા. ખણ ખણ ખણ અવાજ કાનોને ઉન્મત્ત કરતો હતો. હજારો માણસો રમી રહ્યા છે. લક્ષ્મી આ ખિસ્સામાંથી પેલા ખિસ્સામાં ઠલવાય છે. હજી તો રાતનો એક છે, આખું કસીનો ચૂર છે.
બીજા કસીનોમાં ગયાં. હવે રમવા નહિ, જોવા. અહીં સાચે જ લક્ષ્મીજીની મૂર્તિ છે, ધનની દેવી લક્ષ્મીજી અહીં? અહીં જ એમનું સ્થાન છે, શેષશાયી વિષ્ણુની પગચંપી કરતાં કરતાં લાસ વેગાસના કસીનોમાં આવી ગયાં છે. પણ અહીં જ એમને વધારે ફાવે ને?
ડ્યુન્સનો કસીનો પણ જબર્દસ્ત. જાતજાતની રમતો છે. ક્યાંક પાનાં રમાય છે. બાજુમાં નૃત્યો ચાલે છે, સંગીત બજે છે. દારૂ પીરસાય છે. ખણ ખણ ખણ ખણ ડૉલરનો ખણખણાટ આ બધા અવાજને વ્યાપી વળે છે. ઉપરના માળે જાઓ, ત્યાં જુદી રમતો છે. તેથી ઉપર જાઓ, જુદી. આટલા બધા લોકોમાં જુગારી વસે છે! લાસ વેગાસમાં રાત્રિ રમણે ચઢી હતી.
સવારે અવશ્ય લાસ વેગાસના પૂર્વાકાશમાં સૂરજ ઊગ્યો હતો. અલક્ષિત.