બોલે ઝીણા મોર/ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ‘એ...") |
(No difference)
|
Revision as of 12:00, 27 July 2021
ભોળાભાઈ પટેલ
‘એક અદ્ભુત અંધકાર ઊતરી આવ્યો છે આજ.’
બોલે ઝીણા મોર? ના. મોર જાણે ચૂપ થઈ ગયા છે. મૂઢ માર મારી મારીને મનને મૂઢ કરી દેવામાં આવી રહ્યું છે. કઈ ભાષામાં મન વાત કરે? ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે.
સામાજિક ન્યાય, સહિષ્ણુતા, સમાનતા, શાંતિ, સદ્ભાવ, સુમેળ, સુરક્ષા, સંવાદિતા, સર્વધર્મસમભાવ, સાંપ્રદાયિક એકતા, બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા, કરસેવા – આ શબ્દોનો કંઈ અર્થ નીકળે છે આજ?
એકવીસમી સદી, નયા ગુજરાત, ભારતમાતા, શોષિત સમાજ, ગરીબોનો ઉદ્ધાર, લોકશાહી સમાજવાદ, મૂલ્યઆધારિત રાજકારણ. કોમી એખલાસ, અમન, ઇબાદત, મસીહા, શહીદ, હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ, ‘મૈં શપથ કરતા હૂં’ – આ શબ્દોનો કંઈ અર્થ નીકળે છે આજ?
ગરીબીનો કંઈ અર્થ નીકળે છે આજ?
રાષ્ટ્રનો કંઈ અર્થ નીકળે છે આજ?
ધર્મનો કંઈ અર્થ નીકળે છે આજ?
પ્રેમનો, સત્યનો, અહિંસાનો કંઈ અર્થ નીકળે છે આજ?
રામનો કંઈ અર્થ નીકળે છે આજ?
ગાંધીનો કંઈ અર્થ નીકળે છે આજ?
કારણ કે ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે. શબ્દનો સાચો અર્થ ક્યાંથી નીકળે? અને છતાં આ જ શબ્દોને વાપર વાપર કરવામાં આવે છે. તિમોસેસ્કી નામના એક રશિયન કવિની કવિતાનો ભાવ ઊછીનો લઈને કહું તો આ બધા એક વખતના શીલવંતા શબ્દો આજે આતતાયીઓ અને હત્યારાઓ અને બલાત્કારીઓના હાથમાં આવી પડ્યા છે અને એ શબ્દોને લોહી અને ગંદકીથી એમણે ઢાંકી દીધા છે. સસ્તા બ્રોડકાસ્ટો અને ટેલિકાસ્ટો પર, ચીકણાં ભાષણોમાં, અખબારોમાં, રોજના વપરાશમાં, રજાઓના વિશિષ્ટ કાર્યક્રમોમાં એ શબ્દો રૂપાળા લેબાસમાં ધરવામાં આવે છે. પણ એ શબ્દોનું શીલ રોળાઈ ગયું છે. પોતાની અસલી ચમક, અસલી અર્થ એ ખોઈ બેઠા છે.
એક અદ્ભુત અંધકાર ઊતરી આવ્યો છે આજ.
દશરથસૂત તિહું લોક બખાના રામ નામકા મરમ હૈ આના
–કબીરદાસે કહ્યું હતું, ત્રણે લોક દશરથનંદન શ્રીરામની વાતો ભલે કરે; રામનામનો મર્મ તો કંઈક જુદો જ છે. રામભક્તિ હી રાષ્ટ્રભક્તિ હૈ – એવું ઘોષણાસૂત્ર આપનાર અને એનો પડઘો પાડનારાં હજારો ભોળાંજન જાણે છે કે રામનો મર્મ તો કંઈક જુદો જ છે. રામ શબ્દ દૂષિત થઈ ગયો છે.
હું હિંદુ છું. વંશપરંપરાએ રામોપાસક છું. નાનપણમાં રામમંદિરમાં ઝાલરો વગાડી છે. સાંધ્ય આરતી પછી ‘શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન-હરણ ભવ-ભય દારુણમ્’ પદ અસંખ્ય વાર ગાયું છે. શિક્ષક-ખેડુ પિતાએ રામચરિતમાનસના પાઠ કરાવ્યા છે. પછી તો હિંદી સાહિત્યનો વિદ્યાર્થી થતાં તુલસીદાસના સમગ્ર ગ્રંથોનું ઊંડાણથી અધ્યયન અને પછી અધ્યાપન કર્યું છે. મારા વિદ્યાર્થીઓમાં હિન્દુઓ અને મુસલમાન સૌ રહ્યા છે. મેં મારા છાત્રોને સમજાવ્યું છે કે વાલ્મીકિના રામ એટલે શું? તુલસીદાસના રામ એટલે શું? કબીરદાસના રામ એટલે શું?
અંગત રીતે કહું તો ‘રામ’ શબ્દનો ભારે મહિમા છે મારે માટે. પણ હું વિચારું છું એ ‘રામ’ આજે ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતા, આ સૌ લપટા પડી ગયેલા શબ્દો વચ્ચે ક્યાં છે? લાગે છે રામ અયોધ્યામાં નથી, ફરી વનવાસમાં ચાલ્યા ગયા છે, જ્યાં કોઈ ગ્રામવાસીઓ તુલસીના શબ્દોમાં એમને પૂછી રહ્યાં છે?
કહાં કે પથિક કહાં કીન્હ હૈ ગમનવા? કૌન ગામ કૌન ઠામ કે વાસી રામ કે કારણ તુમ તજ્યો હૈ ભવનવા?
રામ આજે એમને શો જવાબ આપશે કે શા માટે હું મારું ગામ તજી જઈ રહ્યો છું? મારી હિંદુ ચેતનામાં રામનું નામ અભિન્ન છે, અને છતાં વિચારું છું કે ક્યાંક રામને જ વિસારે પાડી દેવામાં આવી રહ્યા છે. હું એ પણ વિચારું છું, શા માટે ઈ.સ. ૧૫૨૮માં ‘રામ’નું બળપૂર્વક નિર્વાસન કરવામાં આવ્યું હતું? દ્વિધાગ્રસ્ત સ્થિતિ છે. પણ એ તો સહી શકાતું નથી કે નેતા આશ્વાસન આપતા રહેઃ ‘અરે ભાઈ રામકા મંદિર અયોધ્યામેં નહીં બનેગા તો કહાં બનેગા?’ આવા ખોખલા શબ્દોનો મૂઢ માર મનને મૂઢ બનાવે છે.
વળી એક બીજા જ નેતા આવે છે. ‘મૈં શપથ કરતા હૂં…’ શપથનો કોઈ અર્થ છે એમના માટે? અને હજી ‘શપથ’ શબ્દના તરંગો હવામાં વિલીયમાન થાય તે પહેલાં એ રાજઘાટ જઈ પહોંચે છે, ગાંધીજી પાસે. ફૂલમાળા ચઢાવે છે. આંખ મીંચી ઊભા રહે છે. પ્રદક્ષિણા કરે છે. અસહ્ય યંત્રણા આપનારું આ દૃશ્ય છે.
ગાંધી શબ્દનો શો અર્થ છે એમને માટે? અયોધ્યામાં રામ અને રાજઘાટમાં ગાંધી.
રામ, ગાંધી અને રાષ્ટ્ર વચ્ચે કોઈ અનુબંધ રચાય છે? રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રની અખંડિતતા – આ શબ્દોમાં કશો નક્કર રણકાર સંભળાય છે એના આ બોલનારાઓને મુખે? શાનું રાષ્ટ્ર? શાની અખંડિતતા? ભાષાને વેશ્યા બનાવી દીધી છે. આ લોકો બોલે છે, એમને સાંભળતાં ઊબકા આવે છે.
કવિ જીવનાનંદ દાસના શબ્દો છે આ :
એક અદ્ભુત અંધકાર ઊતરી આવ્યો છે આજ. જેઓ સૌથી વધારે આંધળા છે, તેઓ જ જાણે આજે આંખે ભાળે છે. જેઓના હૃદયમાં પ્રેમનો છાંટોય નથી, પ્રીતિ નથી, દયાની લહેર સરખી નથી, તેમની સલાહ વિના ધરતી ખોટકાઈ ગઈ છે.
કેવી વિડંબના છે! આતતાયીઓ જ તારણહારના સ્વાંગમાં ફરી રહ્યા છે. ઝટ ઓળખાતા નથી. શિયાળ અને શ્વાનની સ્પર્ધા અસહાય ભાવે જોઈ રહેવાની આ દેશવાસીઓની નિયતિ છે? કદાચ મારી પાસે, મારા મિત્રો પાસે પ્રતિકારનું એક શસ્ત્ર છે, વાણી, ભાષા. પરંતુ ભાષાને તો વેશ્યા બનાવી દીધી છે આ લોકોએ. હિટલરે જર્મન ભાષાને, કવિ ગેટેની જર્મન ભાષાને શીલભ્રષ્ટ કરી દીધી હતી.
આ ભાષાને શું ફરી કુંવારિકા બનાવી શકાશે? એક કવિએ એવું કહ્યું હતું. વેશ્યા થઈ ગયેલી ભાષાને કવિનો શબ્દ, કલાકારનો શબ્દ, ચુપચાપ માનવતાને ચાહનારનો શબ્દ એનું કૌમાર્ય પાછું આપી શકે, શબ્દોમાં, ભાષામાં નવો અર્થ ભરીને.
ગરીબ.
રાષ્ટ્ર.
ધર્મ.
પ્રેમ.
રામ.
ગાંધી.
— આ બધા શબ્દોમાં નવો અર્થ, નવી ચમક કેવી રીતે ભરીશું? ૧૯૯૨