બોલે ઝીણા મોર/ભાગવતી ભાવલોકમાં: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાગવતી ભાવલોકમાં| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} જે અષાઢમાં મન મેઘદૂ...") |
(No difference)
|
Revision as of 05:11, 28 July 2021
ભોળાભાઈ પટેલ
જે અષાઢમાં મન મેઘદૂતના ભાવલોકમાં વિચરણ કરે છે તેમ આ શ્રાવણમાં શ્રીમદ્ભાગવતના ભાવલોકમાં. પણ શ્રાવણમાં કૃષ્ણનો જન્મ થયો છે, એ માટે નહિ.
ના, મારું મન એવું કંઈક ધાર્મિક નથી; પણ શ્રાવણનું ઋતુમાન જ એવું છે. આકાશમાં ગોરંભાયેલ રહેતા મેઘ અને જ્યાં જરા જેટલી જગ્યા મળી ત્યાં ધરતી પર ખીલી ઊઠેલી હરિયાળી. ઝાડપાનનો રંગ તો લીલો જ હોય પણ અષાઢનો વરસાદ પીધા પછી શ્રાવણમાં આ લીલા રંગ પર બીજો લીલો પટ બેસે છે. ઘનનીલ એવું વિશેષણ વાપરી શકાય. હમણાં ને હમણાં ભાષાસાહિત્ય ભવનના મારા ખંડની બારીની અડોઅડના ગુલમહોરનાં પાંદડાંની આ ઘનનીલ કાન્તિ તરફ કવિ રઘુવીરે બેત્રણ વાર ધ્યાન દોર્યું. આ દિવસોમાં રાધાને ડુંગરિયે જ નહિ, આ યુનિવર્સિટી પરિસરની વૃક્ષરાજી વચ્ચેથી મોરના પ્રલંબિત સ્વર ગુંજી ઊઠે છે.
સામાન્ય રીતે આ દિવસોમાં કથ્થાઈ રંગના કપડાના પૂંઠામાં બંધાયેલું ગીતા પ્રેસ, ગોરખપુરનું ભાગવત કબાટમાંથી બહાર કાઢવાની ઇચ્છા થાય. કૃષ્ણની વૃન્દાવનલીલા ગાતા દશમ સ્કંધના પૂર્વાર્ધના કોઈ એક અધ્યાયની પંક્તિઓ ઊગવા લાગે અને ગોકુલ-વૃન્દાવન મનમાં રચાવા લાગે.
પરંતુ આ ચિરંતન વૃન્દાવનની કોઈ ભૂગોળ નથી. સ્થળ-સમયથી પર એક ચિરંતન મનોમય વૃન્દાવન છે. એ વૃન્દાવનમાં એક ચિરંતન શિશુની, એક ચિરંતન લીલા ચાલ્યા કરે છે. આ શ્રાવણમાં મનમાં તેનું ઉદ્બોધન થયા કરે છે. એક અદૃષ્ટ મોરલી બજ્યા કરે છે.
વાગે છે રે વાગે છે વનરાવન મોરલી વાગે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે, વનરાવન મોરલી વાગે છે.
એ મોરલીનો નાદ સાંભળતાં આપણું ગોપીમન સૌ સંસારી બંધનો વીસરી વૃન્દાવનને મારગે અભિસારે ચાલી નીકળે છે. ના, પણ એટલે દૂર જવાની જરૂર શી? આ સાંભળો :
ઓધવજી મારા ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો.
ના, બહુ દૂર નથી, આ ઘર પછવાડે – મનોનેપથ્યમાં. હા, ત્યાં મોહન – મનને વિહ્વલ કરનાર વાંસળી બજે છે. એ વાંસળી આજ-કાલની નથી બજતી. એ પણ ચિરંતન વાંસળી છે. મધુરાપતિ શ્રીકૃષ્ણની એ માધુરી તે આ મુરલીમાધુરી. એ સતત એમનું સ્મરણ કરે છે. મુરલી બજાવતા કૃષ્ણ મુરલીધર એમના લલિત ત્રિભંગથી ભારતીય ચિત્તમાં પેલી સુરદાસની ગોપીઓ કહે છે તેમ ‘તિરછે હ્વૈ અડે’ – ત્રાંસા બની એવા જડાઈ ગયા છે કે ખસે એમ નથી, કદાચ સીધો હોત તો નીકળત. પરંતુ કૃષ્ણની સાથે સીધાપણું જતું નથી — એટલે તો એ વાંકા વનમાળી કહેવાય છે.
ભાગવત વ્યાસની સમાધિભાષા કહેવાય છે, પણ ભાગવત માત્ર એક ગ્રંથ નથી, મનની એક અવસ્થા છે. ભાગવતી અવસ્થા, એટલે શ્રીકૃષ્ણ-ગોપીઓની એ વાત વ્યાસના ભાગવતમાં બંધાઈને ન રહી, કોઈ વિદ્વાન પુરાણીના કંઠે સીમિત ન રહી; એ તો વ્યાપી ગઈ છે આ દેશના જનમાનસમાં. કવિઓએ યુગેયુગે પોતપોતાની ભાષામાં એ કથા ગાઈ છે, ગાતા રહ્યા છે, ગાશે; પણ જયદેવ અને ચંડીદાસ, નરસિંહ અને મીરાં, સુરદાસ અને નંદદાસ, શંકરદેવ અને માધવદેવ – આ બધા સંતભક્તોએ તો ગાઈ, આધુનિક કવિઓએ તો ગાઈ; પણ સૌથી વધારે કૃષ્ણકથાને કોઈએ ગાઈ હોય તો, આ દેશમાં નિરક્ષર નર-નારીઓએ.
શ્રાવણમાં જ નહિ, ઋતુએ ઋતુમાં કૃષ્ણકથા એમને કંઠેથી ઝમતી રહી છે. પણ એટલું જ નથી, જે સર્જન વ્યાસ નથી કરી શક્યા, તે લોકચેતનામાંથી ઘડાય છે. વ્યાસે ભાગવતમાં શ્રીકૃષ્ણનું અવતરણ કર્યું પરંતુ ગમે તેવા શ્રીકૃષ્ણ રાધા વિના અધૂરા છે. રાધા, ચિરંતન પ્રેયસી – ના, વ્યાસના ભાગવતમાં આ રાધા નથી. ત્યાં એક ગોપી માટેનો કૃષ્ણનો પક્ષપાત રાસ પ્રસંગે આવે છે. રાસ રમતાં ગોપીઓના મનમાં ગર્વ જાગતાં કૃષ્ણ અંતર્ધાન થઈ જાય છે. વિહ્વળ ગોપીઓ કૃષ્ણને શોધવા નીકળે છે ત્યાં પગલાંની હાર દેખાય છે. પુરુષનાં પગલાં છે, સાથે સાથે નારીનાં પગલાં. પછી માત્ર પુરુષનાં પગલાં દેખાય છે – નારીનાં પગલાં ક્યાં? એટલેથી કૃષ્ણે એને ઉપાડી લીધી હશે. ગોપીઓ બોલી ઊઠે છે, ‘અનયારાધિતો નૂનં ભગવાન્ હરિરીશ્વરઃ’ — આ એક ગોપીએ જ શ્રીહરિની આરાધના કરી છે. આમ ભાગવતમાં ‘રાધ્’ ધાતુ છે પણ રાધાની સરજત તો ભારતીય લોકચેતના.
એ લોકચેતનામાંથી જયદેવે પ્રથમ ‘ગીતગોવિંદ’માં રાધાને ઘડી.
તે દિવસથી રાધાકૃષ્ણ એટલે ચિરંતન યુગલ. એટલું જ નહિ, કૃષ્ણથી વિશેષ મહિમામયી તો રાધા. વૃન્દાવનની અધીશ્વરી શ્રી રાધા છે. આ રાધાકૃષ્ણ ભાગવતની બહાર નીકળી ગયાં છે. રાધાકૃષ્ણ અલૌકિક છે. રાધાકૃષ્ણ લૌકિક છે – આ લોકનાં છે, જે અધરલોકનો સ્પર્શ કરાવે છે.
આ હું ક્યાં રાધાકૃષ્ણ ચર્ચામાં સરી પડું છું! ‘શ્રાવણ’ છે, રાત્રિ છે. આકાશમાં ઘનઘોર ઘટા છે. ‘હવે એ કુંજપંથે અબલાકામિની કેવી રીતે જાઉં?’
રાધા ભાનુસિંહ ઠાકુરના પદમાં કહે છે.
‘અરે સખી કોણે સંભળાવ્યું શ્યામનું નામ? કાનમાં થઈ એ કાળજામાં પેસી ગયું અને મારા પ્રાણ વ્યાકુળ બની ગયા છે. હાય સખી! એ શ્યામનામમાં કેટલું મધુ છે!’
ચંડીદાસની રાધા કહે છે.
અને મીરાંબાઈ – એના તો પ્રભુ જ ગિરિધરનાગર. એ તો સ્વયં રાધા, જેને મોહન પ્યારાના મુખડાની માયા લાગી છે. લાગે છે કે મીરાંબાઈ આ શ્રાવણ માસમાં એક વખત વૃન્દાવન ગયાં હોય. ત્યાંથી ગયાં હશે બરસાના. બરસાના એ શ્રી રાધાનું ગામ. એક ઊંચી પહાડી પર હરિયાળી ઝાડીથી શોભે છે. ત્યાં રચાયું હશે આ પદ :
રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.
એક શ્રાવણમાં રાધાને ગામ જતાં અમને આવો જ પરિવેશ રચાયેલો જોવા મળ્યો હતો.
પણ આ કવિઓને તો એમનાં નામ છે, એમનાં ગીત ને એમની મુદ્રા છે. પરંતુ સંખ્યાતીત લોકગીતકારો જે રાધાકૃષ્ણનાં ગાન રચી ગયા છે, રાધાકૃષ્ણના નામથી પોતાની વ્યથાકથા રચી ગયા છે, એની સમૃદ્ધ પરંપરા આપણાં લોકગીતોમાં છે.
ભાગવત તો છે, તેમાં ભક્તિની મીમાંસા છે, જ્ઞાનની મીમાંસા છે; પણ આ લોકગીતો તો મીમાંસાથી પર છે, પણ લોકહૃદયની કેટલાં નજીક :
આવો રૂડો જમનાજીનો આરો કદંબ કેરી છાયા રે ત્યાં કોઈ બેઠાં રાધાજી નાર કસુંબલ ઓઢી રે
કેવું એક આત્મીય ચિત્ર! રૂડો જમનાજીનો આરો, કદંબની છાંય, ત્યાં રાધા બેઠી છે, કસુંબલ ઓઢી. કસુંબે કસબી કોર છે, રૂડો પાલવ ઝળકે છે, ત્યાં દાણી કાનુડો આવે છે, છેડો તાણે છે. વારંવાર રાધાને બોલાવે છે, પણ રાધા બોલતી નથી. કાનુડો કહે છે :
બોલો બોલો રાધાગોરી નાર અબોલા શાને લીધા રે
રાધા જે જવાબ આપે છે, જવાબમાં જે ઉપમાનો વ્યવહાર કરે છે, તે મહાન ભાગવતકાર વ્યાસ ભગવાનની કલ્પનામાં ન પણ હોય. રાધાને ઉપાલંભ આપવો છે, કૃષ્ણ છોડી જવાના છે એ માટે. એ કહે છે કે વહાલા! તમે હીરના હીંચોળા બંધાવી એક વખત અમને હીંચોળ્યાં અને – હવે :
હવે કૂવામાં ઉતારી વરત વાઢો ઘટે નહિ તમને રે…
આ લોકગીતકારનો વ્યાસજી પર વિજય. કેટલી ઘરેલુ ઉપમા! કૂવામાં ઉતારી હવે વરત વાઢવા તૈયાર થયા છો? રાધા દુઃખથી કહે છે.
લાગે છે, આ લોકગીતકાર કોઈ ખેડુ, ખેડુપત્ની હશે. એટલે વરત વાઢવાની વાત સહજપણે સાચી છે. જેણે કૂવે ફરતા કોસ ન જોયા હોય એને આ ઉપમા સમજાવવી પડે. (હવે તો એ દૃશ્ય પણ વિરલ થઈ ગયું. કોસ ફરતા બંધ થઈ ગયા છે.) જે દોરડાથી કોસ બંધાઈ બળદને જોડી કૂવામાં પાણી બહાર કાઢવામાં આવે છે, તે જાડું દોરડું તે વરત. એ કાપો એટલે? ઘણી વાર એ વરતને આધારે ખેડૂત પોતે કૂવામાં ઊતરે છે. વરત ઉપર બાંધી રાખ્યો હોય, એ પકડીને નીચે ઊતરે, પછી ઉપર પણ ચઢે. આ રીતે કોઈ કૂવામાં ઊતરે પછી ઉપરથી વરત કાપી નાખવામાં આવે તો? કેટલી બધી સમજૂતી આપવી પડી! પણ કોઈ પણ ગામડાગામમાં તો એટલું જ બોલવું પડે ‘કૂવામાં ઉતારી વરત વાઢો ઘટે નહિ તમને રે’ – અને એ પંક્તિની વેદના એ પામી જાય.
પરંતુ મારું મન તો આ લોકગીતમાં વ્યાસના ભાગવતનો જ ભાવલોક અનુભવે છે. જમુનાજીનો આરો છે, કદંબની છાયા છે, દુભાયેલી રાધા છે અને શ્રીકૃષ્ણ છે અનુનય કરતા. શ્રાવણમાં આવાં ગીતો સાંભરી આવે છે. આ સીધીસાદી અભિવ્યક્તિ જુઓ, ગોપીની? રાધાની? આજની કોઈ પણ પ્રણયિનીની?
અમને ગમતું નથી ઘનશ્યામ હરિ તમ વન્યા રે