કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૩. અત્તરિયાને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. અત્તરિયાને|બાલમુકુન્દ દવે}} <poem> અત્તરિયા! અત્તરના સોદા...")
(No difference)

Revision as of 08:30, 31 July 2021


૪૩. અત્તરિયાને

બાલમુકુન્દ દવે

અત્તરિયા! અત્તરના સોદા ન કીજીએઃ
અત્તરિયા! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાંની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ન પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ.

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ –
રૂંવે રૂંવે સૌરભની લેર્યું લે’રાય, એવાં
ઘટડાંમાં ઘેન ભરી દીજીએ.
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૪)