કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૫. હજી છે આશ સૃષ્ટિની: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. હજી છે આશ સૃષ્ટિની|બાલમુકુન્દ દવે}} <poem> હજી છે આશ સૃષ્ટિ...") |
(No difference)
|
Revision as of 08:44, 31 July 2021
બાલમુકુન્દ દવે
હજી છે આશ સૃષ્ટિની જ્યાં લગી ખીલતાં ફૂલો,
વૃક્ષે વૃક્ષે વિહંગો ને શિશુસોહ્યાં મનુકુલો!
હજીયે ઋતુનાં ચક્રો ધારતાં નિજ ધર્મને,
વસંતે આંબલા મ્હોરે, વીંધે કોકિલ મર્મને.
મકરંદ-કટોરીને ભ્રમરે હજીયે ભજી,
હજીયે પરવાનાએ શમાની શગ ના ત્યજી.
ખીલવું પ્રતિ ફાલ્ગુને કેસૂડો નવ વીસરે,
ફોડીને રણની ભોમ, ખજૂરી-વૃક્ષ નીસરે!
વર્ષાની જલધારાએ નેવલાં હજી નીતરે,
ધરાની ઝૂલતી આશા ધાન્યના નવઅંકુરે.
શરદે શરદે ચન્દ્રી અમીનો કુંભ ઠાલવે,
હજી લજ્જાવતી ઢાંકે શીલને નિજ પાલવે.
સારસે શોભતી સીમ, કાસારે પોયણાં ખીલે,
હજીયે ગૃહકુંજોમાં દંપતી હીંચકે ઝૂલે.
પરાર્થે મધુમક્ષિકા સંચકે મધ ભોળીઓ,
બાંધે છે સુગરી માળો, રચે જાળ કરોળિયો.
ગીરના કેસરી જેવા અલ્પસંખ્ય ભલે, છતાં
શૂર ને સંતથી સીંચી લીધી છે સૃષ્ટિની લતા.
તૂટું તૂટું થતો તોયે ગંઠાયો હજી તાર છે,
વીંટાયો સ્નેહને સૂત્રે વિશ્વનો પરિવાર છે!
૯-૧૦-’૬૦
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૯)