કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૫૦. રિક્તતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. રિક્તતા| બાલમુકુન્દ દવે}} <poem> ખંડને એક ખૂણે ઇઝીચૅરમાં કા...")
(No difference)

Revision as of 09:08, 31 July 2021


૫૦. રિક્તતા

બાલમુકુન્દ દવે

ખંડને એક ખૂણે ઇઝીચૅરમાં
કાવ્યપોથી તણાં પૃષ્ઠ ઉકેલતો
હું પડ્યો :
પાસ ટ્રીપૉય-પે કૉફીનો કપ અને
એક ઉમદા સિગારેટ, જે ના કદી કોઈના દેખતાં
હું પીતો :
કિન્તુ કવિતા કને સાવ લાચાર હું
ગોઠડીની અમારી અનોખી રીતો!

રાત્રિના બાર-ને
સકલ પરિવાર શો ગાઢ નિદ્રા-ઢળ્યો!
પત્નીને કંઠે બાઝી સૂતો નાનકો પુત્ર, જાણે
મઢી લૉકીટે લટકતી હોય મારી છબિ!

બાળગોપાળ બીજાંય તે જંપિયાં :
કોક વિરચી રહ્યું શ્વાન-શી કુંડળી,
કોક મત્સ્યાકૃતિ, કોક સીધું વળી કોક છે વક્ર, ને
એમ ભવચક્રની આ લીલા છાયલી!

એક ગરમાગરમ ઘૂંટડો કૉફીનો
એક સિગરેટની ફૂંક, ને હું ઊઠ્યો :
સંક્રમણ ચાલતું કોઈ ના હાલતું!
ખંડનાં નીરવતાં નીર પ્રસ્પંદતો
માત્ર ઘૂમી રહ્યો વીજળી-વીંજણો.

ખુલ્લી બારી થકી દર્શતો ચોખૂણો
વ્યોમનો ટુકડો — આભ આખા વતી
બ્હાર બોલાવતો :
જાળવી જાળવીને દબાતે પગે, દ્વાર હું ખોલતો,
તોય જાગી જતો જૂઈને મંડપે ઝોકતો વાયરો!
ચાંદનીમાં અશોકે રચી છાંયડી હાલતી,
મ્હેકતો મોગરો, મંદ મલકી રહે માલતી,
ચંચલા બોરસલ્લી ધીરે ડોલતી,
જાગતી સૌ કળી આંખડી ચોળતી,
બાગની દલ-કટોરી સહુ સામટી ગંધને ઢોળતી!

આમ એકાકિલે રાત્રિને ટાંકણે
મેં ઘણી વેળ આ વિશ્વ ને વ્યોમને
જૂજવે જૂજવે રૂપ છે જોયલું :

કોક વેળા લહ્યું દૃશ્ય એવું — અહો
પૃથ્વીનો પિંડ શિવલિંગ — તે ઉપરે
આભ કેરા ગભારા થકી ઝૂલતા
ચન્દ્રના કુંભથી બિન્દુએ બિન્દુએ
કૌમુદીનો અભિષેક ચાલ્યાં કરે!
મેં બીલીપત્ર-શી કાવ્યની પાંખડી
દત્તચિત્તે ધરી — ધન્યતાની ઘડી!

એ જ આ વિશ્વ ને એ જ આ વ્યોમ છે;
સાગરો, શૈલશૃંગો, નદી, નિર્ઝરો,
ખેતરો, કોતરો, કંદરા, કેડીઓ,
કુંજ ને તારલા એ જ છે;
એ જ આ સોમ છે :
છે બધુંયે, કશું લોપ પામ્યું નથી;
ગ્રામ છે, નગ્ર છે :
તે છતાં આજ આ ચિત્ત શું વ્યગ્ર છે!

આજની રાત કેવી ધરે રુદ્રતા!
જે ભર્યાભાદર્યાં સાગરો ભવ્ય તે
આજ ભેંકાર શોષાયલા લાગતા!
તુંગ તોતિંગ પ્રાચીન આ નગ દીસે
ખાખના ઢગ સમા!

શ્વાસ ચાલે, છતાં નાડીઓ તૂટતી,
વિશ્વના આ પુરાણા દીવાની હવે
વાટ શું ખૂટતી?
કારમા ઘારણે મૂર્છિતા
આ ધરાને હથેળી મહીં તોળતી
ચંડ ને ઘોર કો શ્યામળી આકૃતિ
અટ્ટહાસે હસે — કાલિમા એહની
વ્યોમનાં પટપટાન્તર ગ્રસે!

હાથલા થૉર-શી એ હથેળી વિશે
જાગતો... એકલો એકલો હું–કવિ–હરઘડી
શોધતો વિશ્વમાંગલ્યના કાવ્યની
લુપ્ત મારી કડી!

આજ ઊણી બધી મારી ઉપાસના,
મેં ઘણીયે કીધી આસનાવાસના,
તોય ના જાગતી સુપ્ત સંવેદના!
આવડી મૂક મેં ચીસ રે ના કદી સાંભળી :
મેં કદી વેઠી ના ભીંસ રે આવડી!
હું તરંગે તરંગે પલાણું છતાં
આજ ના ક્યાંય રે નાંગરે નાવડી!

આજ સંતપ્ત હું, ભાવથી સિક્ત ના,
આજના જેટલો હું કદી રિક્ત ના!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૮૦-૧૮૨)