કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૪. ૧૩-૭ની લોકલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. ૧૩-૭ની લોકલ| સુન્દરમ્}} <poem> વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધ...")
(No difference)

Revision as of 09:29, 2 August 2021

૨૪. ૧૩-૭ની લોકલ

સુન્દરમ્

વાદળી ચાળણીમાંથી ચળાતો તડકો ધીમે
મેંદા-શો શોભનસ્પર્શ ઇષત્ પીત રહ્યો લસી.

ને તેમાં લીમડા લીલા, છાપરાં લાલ રંગનાં,
કાળાં ને કાબરાં ઢોરો ધૂળના માર્ગની પરે
જોતાં શું દૂરબીનેથી સ્વચ્છ રેખાંકને રચ્યાં
અણીશુદ્ધ બધાં દીસે બપોરે એકને સમે.

ત્યહીં કો ભવ્ય રૂપેરી પડદાને હઠાવીને
રાજાનો બાળ તોફાની જોતો કૌતુક હોય શું,
તેમ હા પેખતો સૂર્ય ખસેડી દૂર વાદળાં,
ભૂમિને નીરખે છે આ રેલપાટા પ્રલંબને —
લંબાતા એ…ય લંબાતા, આશાના ભુજની સમા
વીંટાયા ક્ષિતિની કેડે, ક્ષિતિજોમાં સરી જતા
સીધા ને સોંસરા જાણે શરો ગાણ્ડીવધારીના!

બપોરે એકને ટાણે નાના આ સ્ટેશને અહીં
નથી સિગ્નલની ભીડ, સાઇડિંગોની ન જાળ છે,
ન ડબ્બા ગુડ્સના એદી ઢોરો જેવા જમા થયા,
ન ઊંચા ઓટલાઓ છે પ્લૅટફૉર્મોના, ન પુલ કે
ભોંયરાંની ગલીકૂંચી, કઠેડાના ન કોટ છે,
ન તાળાંબંધ દર્વાજા, પૉર્ટરોની ન ધાડ છે,
બગીચા ના, ફુવારા ના, ઝૂકતાં કે ન ઝાડ છે.

એક છે ખોડીબારું ને, એક છે ખુલ્લું છાપરું,
એક છે ટિકિટૉફિસ ને બે બાજુ યે સદા પડ્યા
રહેતા સિગ્નલો બે છે,
અને બે બાંકડા બાંડા,
અને હાથહાથનાં ઊંચાં પ્લૅટફૉર્મો બે છ રેતીનાં.
તે બેની વચમાં રેતીરંગી પથ્થરપાળમાં
વચ્ચે છે વહી જાતી બે પાટાની જોડ પાધરી.
એવા એ સ્ટેશને હાવાં બજ્યા છે બાર બાવન,
અને સંચાર થાતો છે આછેરો ત્યાં ઉતારુનો.

આકાશે વાદળાં કાળાં ભૂખરાં ધૂળ રંગનાં
વેરાયાં છે અહીં તેવાં પ્લૅટફૉર્મે કૈં ઉતારુઓ.
ચડીને મોટરે આવ્યાં નથી, કે બૅગ-બિસ્તરા
ચડાવી પૉર્ટરો માથે પધાર્યાં, ટાઇમ જોઈને
ઘરની ભીંત કે મેજે ખિસ્સે કાંડે મઢેલ કે
ઘડિયાળે નિહાળીને એક્કેયે આવિયું નથી.

સૌ પેલા ખોડીબારામાં આડા થૈને પ્રવેશીને
કે પેલી વાડના તારો વચ્ચેથી છરકી સરી,
માથાપે પોટલી દાબી, બગલે બચકા, 'થવા
હાથમાં ટિનના ડબ્બા, કે થેલી ચાર જૈં તણી,
કે ખાલી હાથમાં ખાલી છત્રી કે લાકડી ગ્રહી,
આવીને ક્યારનાં આંહીં બગાસાં ખાઈ છે રહ્યાં.

જવાની એકની લોકલ એટલું ભાન ધારતાં,
અગ્યારે બાર કે બાર પચ્ચીસે બાવને, 'થવા
પૂર્વની ગાડીનો ટૅમ ગયા કેડે ઉતાવળાં
આવેલાં, હત ઉત્સાહે દામણાં જે પડી રહ્યાં :

એવાં સૌ બેય પ્લૅટફૉર્મે જમા થ્યાં, ગાડી આવતી
નજરે ભાળતાં ત્યારે જવું ક્યાં તેહ જાણતાં
મંડે જે દોડવા, એવાં ભોળિયાં મૂઢ સ્વસ્થતા
ધરીને, ઢગલીઓ થૈ નાનીમોટી અહીંતહીં
ડૂબ્યાં છે નિજના ચાલુ વ્યવહારોની વાતમાં.

નથી ટિકિટ-બારીની કને ત્યાં ભીડ, માસ્તર
માંખો છે મારતો, લાંબી કપાતી ટિકિટો નથી,
નથી વા જામતી થપ્પી સિક્કાની નોટની, નથી
ફર્સ્ટ કે ક્લાસ સેકન્ડ તણો એકે ઉતારુ હ્યાં.

નાનકડી હાટડી માંહે બેઠા કંદોઈ જેમ એ
પૈ પૈસો લઈને આપી પાશેર'ચ્છેર શું રહ્યો!
અને એ થાકીને ખિસ્સે હાથ નાખી નિરાંતથી
ઓટલે ઊભતો, નીચે બેઠેલાં માનવી મહીં
ખુદાબક્ષ ઉતારુને પારખી નીરખી રહ્યો.
અને `શું બાપનું મારા જતું?' એવા અભિનયે
સિસોટી જીભથી ઝીણી વગાડી જાય અંદર.

નીચે તે મેદની માંહે ખુદાબક્ષો ચ ઓલિયા
ફકીરો, શાહુઓ જૂના, સાધુઓ ને મવાલીઓ
કફની કાળી કે લીલી ભગવી કે સફેદમાં
છાપેલાં કાટલાં જેવા સદા લાયસન્સધારીઓ,
મેળામાં ઊડતા ફુગ્ગા રંગેલા જેમ શોભતા,
મોટેરાં સ્ટેશને હારી અહીં વિશ્રબ્ધ ભાવથી
સ્વસ્થ થૈ દમ લેતા છે ચિરૂટે ચલમે' થવા.
ને નવીન શિખાઉ કો આ ખુદાબક્ષ સંઘનો
લપાતો ક્યાંક બેઠો છે છૂપા કો ગૂમડા-સમો.

ઉતારુસંઘમાં એવા શરીફો ઉપરાંત છે
લોક કૈં, પૉર્ટરો, ભંગી, કિંવા માસ્તર સા'બનાં
સગાંસંબંધીઓ દોસ્તો : લાભ સંબંધનો લઈ.
એ વિના ટિકિટો લેઈ ખિસ્સે છેડે ચ ફાળિયે
ખોસીને પરવાનાને, ઊભેલી એ જમાત જે
અટાણે તેર ને સાતે આવતી લોકલે જવા
અહીં જે એકઠી થૈ તે જનતા ખાસ સૃષ્ટિની.

એમ તો લોકલો જાતી દસ-અગ્યારની તથા
સાંજની પાંચ-છોની કે રાતના દસ-વીસની.
તેની જે ભદ્રતા તે ના વસી આ તેર-સાતમાં.
પેલી તો કોર્ટ ઑફિસો નોકરી રળનારને,
રળી કે ઘેર જાતાને અરથે ખાસ ગોઠવી,
કે છેલ્લી ભગતાણી તો ડાકોરેથી પધારતાં
ભક્તોને લાવતી પાછી, પણ આ તેર-સાતની
નથી કો નોકરીવાળા — વ્યાપારી — ભક્ત લોકને
કામની :
જેમને છે ના મિનિટોને મિલાવવી,
ન જેને પડતા પૈસા કલાકોના હિસાબથી,
ને જેના દિવસો આઘાપાછા સ્હેજે થતા નથી,
જેમની જિન્દગી આખી પવને પાંદડાં સમી
ખેંચાતી અત્ર કે તત્ર ઊંચે કે શું નીચે બધે
એવા આ ગ્રામલોકો ને ગ્રામલોકોપજીવીઓ :
બંગડી-ચૂડીઓવાળા, સૂડી કે ચપ્પુ કાતરો
હરાજી કરનારા, ને ફૅશનોના ઉપાસકો
તેલ નીતરતા કેશે, ઘસી મૂંડેલ ને મુખે,
નવાં કકડતાં વસ્ત્રે છેલ કૈં ગામડાં તણા.

વળી કૈં આદમી : દાઢી ઊગેલી દસ દી તણી,
કોટના કૉલરો મેલા, ફાટેલા કફ બાંયના,
ચોળાયાં ધોતિયાં, જૂનાં ઘસાયાં : ઘાંચી-વાણિયા.
અને આ કણબી કોળી કડિયાં કસહીનને
ભરાવી અંગ-પે ઊભા, બગલે ડાંગ ટેકવી,
ફાળિયાં ફાળકા જેવાં વીંટ્યાં માથે અને પગે
જોડા છે હોડીઓ જાણે તરવા ભૂમિસાગર.

વળી આ વાંકડી મૂછે, કાંડે રૂપાની કલ્લી ને
બંડીમાં બાંયહીણી આ રાતુડા ફાળિયે કંઈ
રાયકા ફૂંકતા ચુંગી હાથની, ગાલ ફૂલવી :
ગંધાતા ગાયનાં ગંદાં ગોબરો કેરી ગંધથી.

અને આ સાવ છેવાડે ઊભાં છે ભંગિયાં વળી,
ફાટેલા કોટ છે અંગે, માથે સાફા, ખમીસ છે
ચિરાયાં છાતીએ; લાંબા લીરાની ઝૂલથી મઢી
સાડીએ શોભતી જાણે વાદળી શ્યામકર્બુરા
ઊભી છે ભંગડી, હાથે ખાંડી વાઢી ગ્રહી રહી
દોરાથી બાંધીને, કાળી પ્રતિમા નિજ જાતની —
ભરેલી ઘૃત કે તૈલે કે ખાલી સ્વપ્નની સમી? —
સોડમાં છોકરાં ટોળું નવસ્ત્રું મોજથી ઊભું,
લીંટથી મુખ શૃંગારી, પેટ ને હાથ ધૂળ ને
પ્રસ્વેદે ચર્ચીને, સાક્ષાત્ શીતળા મા સુપંકનાં.

વળી કો ડોસીમા દૂરે, પોમચો તપખીરિયો
પ્હેર્યો છે, નાકમાં ફાકો ભર્યો છે તપખીરનો,
મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી,
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.

એમ આ પચરંગી — ના સપ્ત કે શતરંગી, સૌ
જુએ છે રાહ આવ્યાની ગાડીની, કો ઉતાવળા
રહે છે દૂર તાકી, કો પૂછે, `થ્યો ટૅમ ચેટલો?'
બાવાજી હિંદીમાં ફેંકે ફિલ્સૂફી ભાત ભાતની.

તેર ને સાતના ટાઇમે વ્હેલી મોડી ઘણી થતી
છતાં આજે પધારે છે ટૅમસર ટ્રેન; દૂરથી
નાનું-શું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું
ધીરેથી વધતું પ્હેલાં, પછી તો ડુંગરા સમી —
ગામડાંગામના ભોળા ખેડુના દેણની સમી —
ક્ષણમાં વાધતી આવે ધ્રોડતી પ્લૅટફૉર્મમાં,
ફૂંફાડે, હાંફતી, મોટા સિત્કારાઓ ડરામણા
કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી,
થોભી ના થોભી ને જાણે નાસું નાસું થઈ રહે
અને આ થર્ડ ક્લાસોનાં ઉતારુ નહિ જાણતાં
ક્યા ડબ્બા ક્યહીં ઊભે — પોતાની સંમુખે લહે
ન ડબ્બો વર્ગનો ત્રીજા, દોડી ર્‌હે આમતેમ ત્યાં,
અને એ ઊંચી ગાડીનાં બબ્બે ઊંચાં પગોથિયાં
ચડતાં સળિયે બાઝી ઠેલંઠેલા કરી મૂકી,
પડતાં વાઘ શું પૂંઠે આશરો એક ઝાડનો
લેવાને ચડતાં જાણે અરણ્યે માણસો સમાં.

`બીજે જા ઉલ્લુ, બીજે જા!' એવા જાકાર સુણતાં
દોડે કૈં આમ ને તેમ, સ્વર્ગનાં બારણાં સમાં
ભરેલાં બારણાં સાથે ટિચાતાં પડતાં નીચે
દોડતાં વ્યગ્ર થૈ, લાગે જો ટિક્કી તો ચડી જતાં,
નહિ તો સમણા જેવી આવીને આ સરી જતી
ટ્રેનનાં બારણાં બંધ દેખી ર્‌હે છે દયામણાં.

ફરૂરે ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે,
અને ત્યાં ઊપડી જાતી એમ તે ગાડી આખરે.

તેર ને સાતની ત્રીજા વર્ગની પ્રતિમા સમી
એન્જિને સ્ટાફ ને ડબ્બા ઉતારુઓ — બધા મહીં —
આમાં જે ફર્સ્ટ ને સેકન્ડ તેય તો થર્ડના સમા
જાણવા — સહુમાં રહેતી સદા એ `થર્ડ ક્લાસ'ની
રહે છે દોડતી પાટે ફાસ્ટ ને મેલ ટ્રેનના,
સદાની ઓશિયાળી એ, સિંહ પૂંઠે શિયાળ-શી!
આપવા માર્ગ ઊભે છે દબાઈ એક બાજુએ
બાપડી શાંતિથી નિત્યે, મોટાંની મ્હેરબાનીથી,
તેમનાં પગલાં પૂજી જીવી ખાતી યથાતથા
લહું છું આજ ઊભેલી જીવની દીનતા સમી!
મોટાંને કારણે ચોખ્ખો કરી એ માર્ગ છે ગઈ,
અને આ સ્થિર પાટાની સ્થિરતા શું હરી ગઈ!

સૂના આ સ્ટેશને પૉર્ટર ગાડીના કોલસા સમો,
અને તે એકલો માસ્તર વળે છે ઓરડા ભણી.

ખાલી એ અવકાશે ત્યાં તગતા સૂર્યતેજમાં
પાટાઓ સાંધતા સૂતા ક્ષિતિજો બે દિશા તણી.

ત્યહીં શું કોટિ કોશાન્તે ઝગતો સવિતા દીસે
ઊતરી આવીને નીચે દ્રાવતો દ્રવ્ય પૃથ્વીનાં,
ભિન્નની ભિન્નતા ગાળી એકત્વે ઓપતો બધું.
ના, ના, એ ઝાંઝવાં સંધું! દૂર એ ભર્ગધામ છે!
અહીં તો હાલ સર્વત્ર
માટી ને લોહના જેવી પૃથક્‌તાના મુકામ છે!

(વસુધા, પૃ. ૯૯-૧૦૬)